Skip to content

બાબરો ભૂત ઇતિહાસની જાણી અજાણી વાતો

બાબરો ભૂત
10808 Views

બાબરા નો ઇતિહાસ, babra bhut history, બાબરો ભુત, બાબરા ભૂત, ભૂત ની વાર્તા, ભૂત, ભુત ના પિક્ચર, babra bhoot, બાબરો ભૂત અને સિદ્ધરાજ જયસિંહ, બાબરો ભૂત અને ગેલ ગાત્રાડ માં, બાબરા ભૂતની વાર્તા, બાબરો ભૂત અને સિદ્ધરાજ જયસિંહ નાટક.

બાબરો ભૂત એ લોકો માટે હમેશા રહસ્ય, રોમાંચ અને આકર્ષણ ઉત્પન્ન કરનાર પાત્ર રહ્યુ છે. બાબરા ભૂતની ચમત્કારિક અને પરાક્રમમઢી વાતો એવી તો રસપ્રદ છે કે વાળુપાણી કરીને એની વાતો માંડી હોય તો મધરાતનો ગજર ભાંગે, પરોઢિયું થાય ને પ્રાગવડના દોરા ફૂટે તો ય ખબર્ય ન પડે કે રાત ક્યાં વહી ગઈ ? આવા બાબરા ભૂતની વાતો માંડીએ.

બાબરો ભૂત ઇતિહાસ અને લોકકથાઓ

બાબરો ભૂત કુશળ ઇજનેર હોવાનું કિંવદંતીઓ કહે છે રાતોરાત મહાલયો અને કોટ-કિલ્લા બાંધનાર ભૂતની અને એમાં યે બાબરા ભૂતની વાત, બાપ રે બાપ ! એને સાંભળતાવેંત જ કાચાપોચા આદમીનું કાળજું થડકઉથડક થડકઉથડક થાવા માંડે હોં ભાઈ ! પણ બાબરાની વાતથી બીવાની જરૂર નથી. બાબરા ભૂતની ચમત્કારિક અને પરાક્રમમઢી વાતો એવી તો રસપ્રદ છે કે વાળુપાણી કરીને એની વાતો માંડી હોય તો મધરાતનો ગજર ભાંગે, પરોઢિયું થાય ને પ્રાગવડના દોરા ફૂટે તો ય ખબર્ય ન પડે કે રાત ક્યાં વહી ગઈ ? આવા બાબરા ભૂતની વાતો માંડીએ એ પહેલાં બાબરો, એનો અર્થ અને થોડો પૂર્વ ઇતિહાસ જાણી લઈએ.


બાબરો અર્થાત્
૧. આ નામનો ભૂત. આ ભૂતની અનેક કથાઓ દંતકથાઓ ગુપ્ત પરંપરામાં સાંભળવા મળે છે. ગુજરાતના રાજા કર્ણદેવની માનીતી રાણી કમળાદેવીને આ ભૂત વળગ્યો હતો એવી માન્યતા છે.

૨. એક જ દિશાનું જ્ઞાન ધરાવનાર માણસ.

૩. કામ સારું યા નરસું થાય તેની દરકાર ન કરનાર માણસ એમ ભગવદ્ગોમંડલ કહે છે. બાબરા પરથી આવેલા શબ્દોની અછડતી ઓળખ પણ કરી લઈએ. બાબરકા અર્થાત્ વાળ. બાબરચી- રસોઈયો, બાબર ચોટી- અનાર્ય, બાબર એટલે મુસ્લિમ જાતિનો વાળંદ. જૂના કાળે બાબર કોમ કાઠી- દરબારોને ત્યાં કામ કરતી. તેમના રિવાજો હિંદુ જેવા જ હતા. મૃત્યુ બાદ એમને અંગૂઠે અગ્નિદાહ દઈને પછી શબને દાટતા.

બાબરિયાવાડ- જૂનાગઢ જિલ્લાનો બાબરિયા લોકોથી વસેલો એક પંથક. બાબરિયો- જટિલ જોગી, જટાધારી સન્યાસી. બાબરિયા- ગુચ્છાદાર છૂટાવાળ, ચુંવાળિયા કોળીની એક જાત, રાજપૂતોની એક શાખા, આ અટક વાણિયા, કોળી, દલિત અને વાળંદમાં જોવા મળે છે. બાબરા- વિખરાયેલા વાળ બાબરા બારશ- સ્ત્રીઓ અને બાળકોનું ટોળું.

બાબરા ભૂતનું કૂળ અને મૂળ અને જીવન વૃત્તાંત

‘સરસ્વતી પુરાણ’માંથી પ્રાપ્ત થાય છે. એ મુજબ ખર રાક્ષસના પુત્ર સાથે મક રાક્ષસની પુત્રી પરણાવી અને તેને બર્બરક નામે પુત્ર થયો તે બહુ બળવાન હતો. એનું શબ્દચિત્ર આ મુજબ આપ્યું છે : ‘દ્રષ્ટાકરાલવદનં વિદ્યુતજિજિન્હ સુલોલુપ’ અર્થાત્ તેનું મોઢું મોટી દાઢીવાળું અને વીજળીના ચમકારા જેવી જીભથી ભયંકર લાગતું હતું. તેની આંખો પિંગ વર્ણની, કાન ઉભા અને નાક વાંકુ હતું. તેના મોઢા ઉપર વાળના ગુચ્છા હતાં તેનું સ્વરૂપ ભયાન્વિત લાગતું હતું. આવા ભયાનક સ્વરૂપ અને બાબરા વાળને કારણે તે લોકસમાજમાં ‘બાબરા ભૂત’ તરીકે ઓળખાયો હશે !

આ બાબરો આપણે માનીએ છીએ તેવો કોઈ ભૂત નહોતો, પણ ભૂત જેવી તાકાત ધરાવતો બર્બરક જાતિનો એક સરદાર હતો. શ્રીસ્થલ- સિદ્ધપુરથી પૂર્વમાં આવેલ કુંભકક્ષી પર્વત પર સઘન ઝાડીમાં તેના અનુયાયીઓ સાથે રહેતો હતો અને સિદ્ધપુરમાં આવી લોકોને બહુ ત્રાસ આપતો હતો. અહીંના મંદિરો મહાલયો વગેરેને ભારે નુકસાન કરી નગરજનોને પીડતો હતો. બર્બરકે સિદ્ધપુરના પ્રખ્યાત પ્રાચીન રુદ્ર મહાલનો નાશ કર્યો હતો. આ ઉપરાંત સરસ્વતીના તીરે આવેલા ઋષિઓના આશ્રમો પર આક્રમણ કરી યજ્ઞાદિ અનુષ્ઠાનોમાં સતત વિધ્નો નાખતો હતો એમ ડો. હસમુખભાઈ વ્યાસ ‘સૌરાષ્ટ્ર સંસ્કૃતિકોશ’માં નોંધે છે.

‘દ્વયાશ્રય’ મહાકાવ્યમાં હેમચંદ્રાચાર્ય લખે છે કે બ્રાહ્મણો ઋષિઓએ સિદ્ધરાજને ફરિયાદ કરી કે રાક્ષસોએ આવીને સિદ્ધપુર ભાંગ્યું છે ને દેવાલયો તોડી પાડી ખૂબ જ ત્રાસ આપે છે આપ અમને આ ત્રાસમાંથી છોડાવો, અમારું રક્ષણ કરો.’

ગૌબ્રાહ્મણ પ્રતિપાલ શૂરવીર રાજવી સિદ્ધરાજે તેના પર આક્રમણ કર્યું. બાબરો જોરદાર હતો. કદાવર પડછંદ કાયા ધરાવતો હતો. હિંગળાજનો ઉપાસક હતો. સામેથી કાળમીંઢ ડુંગરો હાલ્યો આવતો હોય તેવો ભયંકર લાગતો હતો. સરસ્વતી નદીના કાંઠે બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. યુદ્ધકળામાં અત્યંત પ્રવીણ અને શૂરવીર બર્બરકને સિદ્ધરાજની સત્તા હરાવી ન શકતા છેવટે બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું. ધરતી ઘુ્રજી ઊઠે એવા ધમાસાણ યુદ્ધમાં સિદ્ધરાજે એને પરાસ્ત કરી ભોં ભેગો કર્યો અને દોરડા વડે બાંધીને કેદમાં નાંખ્યો.

ઉજ્જૈનનો એક લેખ બોલે છે કે ત્યારથી સિદ્ધરાજ જયસિંહને ‘બર્બરક જિષ્ણુ’નું બિરુદ મળ્યું. બર્બરો ‘સિદ્ધ’ કહેવાતા તેના જીતનાર જયસિંહ ‘સિદ્ધરાજ’ કહેવાયો હશે ! એમ શ્રી ર. છ. પરીખ નોંધે છે. ‘સરસ્વતી પુરાણ’ એની વિગતવાર માહિતી આપે છે.
આ બર્બરક બર્બરો કોણ હતા ને ક્યાંથી આવ્યા હતા એ અંગે ઇતિહાસકારોમાં મતૈક્ય નથી.

ડો. બુલ્હર તેને કોળી, ભીલ, જેવી જાતિનો ગણાવી કાઠિયાવાડના બાબરિયાવાડને તેનું સ્થાન સૂચવે છે. જ્યારે કર્નલ ટોડ તેને ૧૧મી ૧૨મી સદીની કોઈ પહાડી જાતિનો હોવાનું દર્શાવે છે. પ્રાચીન ભારતમાં બર્બર નામનો દેશ હતો, પણ તેનું ચોક્કસ સ્થાન નિશ્ચિત નથી. આ દેશનું નામ તેમાં વસતી મુખ્ય પ્રજાને કારણે પડ્યું હતું. આ પછી આ જાતિએ જ્યાં જ્યાં વસવાટ કર્યો ત્યાં ત્યાં પોતાના નામથી સંસ્થાનો સ્થાપ્યા. બારમી સદીમાં તેઓ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં આવ્યા હોવાનું મનાય છે. તેરમા સૈકા પછી તે સમગ્ર ગુજરાતમાં વસ્યા. આ જાતિનો મહાનાયક જે ભૂત જેવી અમાનુષી શક્તિ ધરાવતો હોઈ તે પછી ‘લોક’માં ને લોકસાહિત્યમાં બાબરા ભૂત તરીકે પ્રસિદ્ધ થઈ ગયો એમ ‘સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય’માં કનૈયાલાલ ભ. દવે નોંધે છે.

માળવાના વિજય પછીની આ વાત છે. બાબરા ભૂતની પત્ની પિંગલાની મઘ્યસ્થીથી સિદ્ધરાજે એને પોતાની સેવામાં જ રહેવાની શરતે મુક્ત કર્યો એ પછી તે સિદ્ધરાજને વફાદાર અનુયાયી અને સેવક બની રહ્યો (લગભગ વિ.સં. ૧૧૯૫ની આસપાસ)

‘વાગ્ભટાલંકાર’માં એનો ઉલ્લેખ મળે છે. અરિસિંહ જણાવે છે કે ‘આ બાબરો સિદ્ધરાજને હવામાં ઊંચકીને ફરતો હતો’.

ખાપરો કોડિયો ગુફા

ખાપરો કોડિયો કોણ હતા ? જાણો તેનો રસપ્રદ ઇતિહાસ


‘કીર્તિકૌમુદી’ ગ્રંથમાંથી પણ બાબરાના અદ્ભુત બાહુબળનું વર્ણન મળે છે આ બાબરાએ સિદ્ધરાજને અઢળક દ્રવ્ય આપ્યું હતું એમ કહેવાય છે. સિદ્ધપુર પાસે જ્યારે સિદ્ધરાજ તેની સામે લડવા આવ્યો ત્યારે બાબરાએ સિદ્ધરાજના સૈન્ય પર પથ્થરોનો વરસાદ વરસાવ્યો હતો. સ્વ. શ્રી રામલાલ મોદી નોંધે છે કે, આ વસ્તુ શિલાયંત્રથી શક્ય છે. પ્રાચીન સમયમાં મીસર, ઇરાન વગેરે દેશોમાં આવા યંત્રો યુદ્ધમાં વપરાતા હતા. સિદ્ધરાજ બાબરાના ખભા ઉપર ચડીને ઉડતો હતો. બાબરા પાસે વાયુયાન જેવું યંત્ર જરૂર હોવું જોઈએ.
પ્રા. મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિય નોંધે છે કે ‘બર્બરક કોઈ રાક્ષસ નહીં પણ યંત્રશાસ્ત્રમાં અને બાંધકામ- ઇજનેરી શાસ્ત્રમાં નિપૂણ હોવો જોઈએ.

‘વાગ્ભટાલંકાર’ના ઉલ્લેખ અનુસાર બાબરાએ ચમત્કારિક રીતે ‘સિપ્રા’ નદી પર પૂલ બાંઘ્યો હતો. દંતકથાઓ કહે છે કે બાબરાએ એક જ રાતમાં કેટલાંય ગામોનાં પથ્થરના તોરણ બાંધી દીધા હતા. આ બાબરમાં પથ્થરના કોટ- ગઢ બાંધવાની અદ્ભુત આવડત હોવાનું જણાય છે. જૂના પાટણની ચારે બાજુનો મજબૂત કોટ બાબરાએ બાંઘ્યો હોવાનું કહેવાય છે. સિદ્ધરાજે બંધાવેલ કેટલાય મહાસ્થાનો બાબરાએ એક જ રાત્રિમાં ઉભા કરી દીધાની લોકોક્તિઓ સાંભળવા મળે છે. તેમાં સત્યાંશ ગમે તે હોય પણ બાબરો એક કુશળ ઇજનેર હોવાનો પાકો સંભવ છે.’

સિદ્ધરાજની જૂનાગઢની જીત મેળવવામાં બાબરાએ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સિદ્ધરાજે રાણકદેવી પર હાથ નાખ્યો ત્યારે બાબરાએ એને કહેલું કે, ‘કોઈ નારીને એની ઇચ્છા વિરુદ્ધ ઉપાડી જવી એ બર્બરતા છે. હું અનાર્ય હોવા છતાં આ વાત સમજું છું.’ કહેવાય છે કે છેવટે બાબરાની સમજાવટથી રાણકદેવી પોતાના પતિનું માથું ખોળામાં લઈને ભોગાવોમાં સતી થઈ હતી.

ઉત્તર ગુજરાતમાં કલોલ ઢુંકડા આવેલા છત્રાલ ગામમાં બાબરાની વાવ અને વડ આવેલા હોવાની દંતકથા યશવંત કડીકરે નોંધી છે. બાબરા માટેની લોકવાયકા એવી છે કે અડાલજની વાવ બંધાતી હતી ત્યારે ગાડાવાટે સૌરાષ્ટ્રમાંથી પથ્થરો લાવવામાં આવતા હતા એ વખતે બાબરો પોતાની તાકાતથી ગાડું રોકી એક એક પથ્થર તેમાંથી લઈ લેતો. એક બાજુ અડાલજની વાવ તૈયાર થઈને બીજી બાજુ છત્રાલમાં બાબરા ભૂતની વાવ તૈયાર થઈ જે આજે ય જોવા મળે છે.

છત્રાલમાં બાબરા ભૂતનો વડ આવેલો છે. કહેવાય છે કે આ વડ અને વાવ પર રહીને બાબરાએ અનેક ચમત્કારો સર્જેલા એક લોકવાયકા અનુસાર એક જાન કન્યા પરણીને પાછી ફરતી હતી. એ બાબરા ભૂતની વાવ પાસે ટીમણ કરવા રોકાણી. વરરાજા નાડાછોડ કરવા ગયા ત્યારે બાબરો ભૂત વરરાજાનું રૂપ લઈને બેસી ગયો. ત્યાં અસલ વરરાજા આવ્યા. કન્યા માટે બંને વચ્ચે તકરાર થઈ. ત્યારે જાનના બે ડાહ્યા માણસોએ ગામમાં રહેતા કોઠાસૂઝવાળા જેઠીદાનજીને બોલાવ્યા. તેઓ બહેનોના શ્રાપથી ભૂત યોનિમાં આવેલા બાબરાભૂતને ઓળખી ગયા

તેમણે ચતુરાઈપૂર્વક ઉપાય સૂચવ્યો, બે વરરાજામાંથી જે આ પાણીની ઝારીના નાળચામાંથી નીકળી જાય તે કન્યા લઈ જાય.
બાબરો ભૂત બોલી ઉઠ્યો : ‘લાવો હું નીકળી જાઊં.’ બાબરો જેવો ઝારીના નાળચામાં દાખલ થયો, એવા જેઠીદાનજીએ બે બાજુથી નાળચાને બૂચ મારી દીઘું. સાચા વરરાજાની જાન વિદાય થયા પછી ગઢવીએ બાબરાને સાધીને એની ચોટલી કાપી લીધી અને અનાજ ભરવાની કોઠીમાંં સંતાડી દીધી. બસ ત્યારથી બાબરો ગઢવીનો વફાદાર અનુચર બની રહ્યો. ગઢવીની જીભ ફરે ત્યાં બાબરાના પગ ફરવા માંડ્યા.

જીથરો ભાભો વાર્તા લખેલી | Jitharo bhabho varta

જીથરો ભાભો વાર્તા લખેલી | જીથરા ભાભા (ભૂત)ની વાર્તા Jitharo Bhabho

ગઢવી બાબરાને પંડના દીકરાની જેમ સાચવતાં બાબરો ગઢવીને બાપુ અને એમના ધર્મપત્નીને બા… બા કહેતો ઘરના તમામ કામકાજ કરતો. ખેતરમાં જઈને વાવણીને નીંદવાનું સઘળું કામ ગામ આખાની મોર્ય કરી નાખતો આવો કામગરો સાથી કોને ન ગમે ?

એકવાર ચોમાસુ આવ્યું. ખેતરમાં વરાપ થતાં ગઢવી અને બાબરો ખેતરમાં બાજરી વાવતા હતા. ગઢવીને બાજરો વાવવાની ફાવટ સારી હતી એવામાં વિઘોક વાવવાનો બાકી રહ્યો ત્યાં બાજરીનું બિયારણ ખૂટી પડ્યું ત્યારે ગઢવીએ કહ્યું : ‘બાબરા બેટા ! બી ખૂટી પડ્યું છે. તું ઘેર જા અને બા પાસેથી બિયારણનું બાચકું લેતો આવ્ય.’

કહ્યાગરો બાબરો ઘેર આવ્યો. આવીને કહે : ‘બા વાવણીમાં બાજરીનો તૂટો આવ્યો છે. બાપુએ અધમણક બાબરીનું બી અબઘડી મંગાવ્યું છે.’
ગઢવીના પત્ની બોલ્યા : ‘હું રોટલા ઘડી રે’વા આવી છું. તું ખેતરેથી આવ્યો છું તો ભાત બાંધી દઊં લેતો જા. ઘરમાં કોઠી પડી છે ચાર પાંચ માણાં પછેડીમાં કાઢી લાવ્ય.’

બાબરો કોઠીમાં ઉતર્યો એના હાથમાં ગઢવીએ સંતાડેલી ચોટલી આવી ગઈ. એને તો બગાસું ખાતા મોમાં સાકરનો ગાંગડો આવી ગયો. એ ચોટલી લઈને ફળિયામાં આવ્યો ને નાચતો કૂદતો બોલ્યો : ‘બા લ્યો હવે રામરામ. આપણી લેણદેણ પૂરી થઈ ગઈ.’ આ વાતની જાણ થતાં ગઢવી હડીમોઢે ઘેર આવ્યા.

બાબરો ભૂત નો photo
બાબરા ભૂત નો ઇતિહાસ


પછી બાબરાને કહ ‘તું આજથી મારા બંધનમાંથી છુટ્ટો. તને ઠીક પડે ત્યાં રહેવાની છૂટ પણ એક વચન આપતો જા કે છત્રાલ ગામની ફરતી વીસ ગાઉની હદમાં તું કોઈને રંજાડીશ નહિ.’ શ્રી કડીકર નોંધે છે કે વચને બંધાયેલો બાબરો ભૂત છત્રાલનો વડલો અને વાવ છોડીને અમદાવાદમાં આવ્યો અને દરિયાખાનના ધૂમ્મટને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. ભૂતની દુનિયાની આવી વાતડિયું છે ભાઈ !

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ – અમરકથાઓ

બાબરા ભૂત અને ગાંડી ગેલ ગાત્રાડમાંની પણ કથાઓ ઇતિહાસમાં મળે છે. એની સંપુર્ણ પોસ્ટ અહી ક્લીક કરીને વાંચો. 👉 ગેલ ગાત્રાડ માં અને બાબરો ભૂત.

ગાંડી ગેલ ગાત્રાળ માં નો સંપુર્ણ ઇતિહાસ ભાગ 1 થી વાંચો 👈

બાબરો ભૂત નાટક, બાબરો ભૂત વાર્તા, બાબરો ભૂત pdf book, Babaro bhoot, bhoot ni varta, ભૂતની વાર્તાઓ, ગાંડી ગેલ અને બાબરો ભૂત.