4608 Views
Land of Gold – Eldorado – સોનાની ધરતી એક રહસ્ય.
Introduction : Eldorado – The Land of Gold
ચુંબક જેમ લોખંડને આકર્ષે છે , એ જ રીતે શતાબ્દીઓથી સોનું માનવીને આકર્ષે છે. કોઈપણ માણસ , પછી એ સામાન્ય હોય કે જ્ઞાની , નાસ્તિક હોય કે આસ્તિક , પૂજારી હોય કે ધર્મગુરુ , શંકરાચાર્ય હોય આર્કબિશપ અથવા પોપ બધાંને સોનું આકર્ષે છે. અલબત્ત , ૫૨મ ભગવત , પરમહંસ રામકૃષ્ણદેવ એક એવા માણસ હતા કે જો ભૂલથી પણ એ સોનાને અડી ગયા હોય તો એના શરીરમાં હજાર વીંછીના ડંખની વેદના થતી , પણ આવી વિભૂતિ તો માતા વસુંધરાની કૂખે શતાબ્દીઓ પછી જ જન્મે છે.
‘ એલડોરાડો ’ નામની ભૂમિ વિષે કહેવાય છે કે એ ભૂમિ જ સોનાની છે. દક્ષિણ અમેરિકાના ગીચ અરણ્યો અને ભયાનક દુર્ગમ પહાડીઓની વચ્ચે આવી ભૂમિ ક્યાંક આવેલી છે , જ્યાં સોનાના પથ્થરો અને સોનાના કાંકરાઓ જ છે. અનેક દંતકથાઓ છે અને આ સોનું મેળવવા અનેક અભિયાનો પણ થયા છે , તથા અનેક સાહસિક મરજીવાઓએ જીવ પણ ગુમાવ્યા છે.

ઈ.સ. 1969 માં દક્ષિણ અમેરિકામાં આવેલ બોગોટાની નજીક એક ફાર્મમાં કામ કરી રહેલ બે માણસોએ સોનાની એક નૌકાનું મૉડેલ મળી આવ્યું. આ પ્રતિકૃતિમાં એક સોનાની નૌકા પર એક રાજા એના સેનાધ્યક્ષો સાથે ઉભેલો છે.

થોડીવારમાં તો અમેરિકાના પુરાતત્ત્વવિદોના ધાડાં ધસી આવ્યા. એમણે સોનાની નૌકાનું મૉડેલ જોયું અને બધાં એકી અવાજે બોલી ઉઠ્યા …. ‘ એલડોરાડો ! ’ એલડોરાડોનો અર્થ થાય છે , સોનાનો માણસ. આ સોનાના માણસની સાથે જ સોનાની ધરતીની શોધની કથાઓ જોડાયેલી છે.
સોનાની નૌકાના આ મૉડેલની વાત જ્યારે દુનિયાએ જાણી ત્યારે એ પ્રમાણિત થયું કે દંતકથાઓ સાવ ખોટી તો નથી જ. મજાની વાત તો એ છે કે દક્ષિણ અમેરિકામાં આવેલ આ રહસ્યમય સુવર્ણભૂમિની શોધ માટે 19 મી શતાબ્દીમાં સ્પેન અને બ્રિટનના કેટલાક નીકળી પડેલ દુસ્સાહસીઓને , સીકા સરોવરને તળિયેથી પણ આવી જ એક સોનાની નૌકા મળી આવી હતી. અલબત્ત , સોનાની ભૂમિ તો નથી મળી પણ સોનાની આ બે નૌકાઓના મૉડેલ્સ આજે પણ સંસારભરના માનવીઓને મૂંઝવે છે , લલચાવે છે અને જાણે ચેલેન્જ આપે છે કે , ‘ આવો સુવર્ણભૂમિને શોધી કાઢો ! ’
‘ એલડોરાડો ’ અનેક દંતકથાઓમાં બતાવવામાં આવેલ છે , પણ બે સોનાની નૌકાઓના નમૂનાઓ મળી આવ્યા પછી એ દંતકથાઓ હવે દંતકથાઓ રહેતી નથી , નક્કર વાસ્તવિકતા બની ગયેલ છે. આવી એક દંતકથા તો અતિશય પ્રાચીન છે . આ દંતકથા પ્રમાણે Inka ( ઈન્કા ) સભ્યતાને ધ્વસ્ત કરનાર મહાસેનાનાયક અને ઈકવેડોરની રાજધાની નિબટોનો સંસ્થાપક સેબાસ્ટીયન ડિ બેલાલકાજારુને એક રેડ ઈન્ડિયન આદિવાસીએ કહી સંભળાવી હતી. આ સમયગાળો તો 1535 નો છે પણ દંતકથા પ્રાચીન છે.

આદિવાસીએ જે વાર્તા સેબાસ્ટીયનને સંભળાવી એમાં એક સોનાની નૌકાનું વર્ણન છે , જેમાં રાજા પોતાના મુખ્ય સેનાપતિઓ સાથે નાવમાં બેસી સ્નાન કરવાની તૈયારી કરતો કહેવામાં આવ્યો છે. સેબાસ્ટીયને 1535 માં આવા રહસ્યમય રાજાનું નામ ‘ એલડોરાડો ’ રાખી દીધું. એ પછીની કથાઓ એટલે કે 1535 પછીની કથાઓ તો સુવર્ણભૂમિની શોધમાં નીકળી પડેલા સાહસવીરોની છે કે જે જીવતા પાછા ફર્યા છે. આવા મરજીવાઓની વાર્તામાં બડાઈ વધારે છે , મિથ્યા વર્ણનો છે.
ઈ.સ. 1536 માં કોલંબિયાના ઉત્તરી તટે આવેલ સાંતા માંતાના ગવર્નરની આજ્ઞાથી ગોન્ઝાલો ક્વેસેડા નામનો એક શોધક પોતાની સાથે 900 માણસોનું દળ લઈ અભિયાને નીકળ્યો. સેબાસ્ટીયને પણ એક શોધ – દળ રવાના કર્યું અને ત્રીજું અભિયાન – દળ ફાડરમૅનનું હતું. ગોન્ઝાલી ક્વેસેડાનું અભિયાન દળ ગીચ , ભયાનક અરણ્યોમાં ઘૂસી ગયું. કેટલાક લોકો કિચડમાં ખૂંપી જવાથી મરી ગયા , કેટલાક મચ્છરોના ડંખોથી મૅલેરિયામાં મરી ગયા. ક્વેસેડો ત્રાહિમામ પોકારી ગયો. એના 700 માણસો મરી ગયા હતા અને એ પાછો ફરવાની તૈયારી કરતો હતો બરાબર ત્યારે જ એની નજરે ‘ ચિલ્કા’ની ધરતી પડી.

ગોન્ઝાલો ક્વેસેડાએ એક ગામ જોયું , ભવ્ય સુર્યમંદિર જોયું. ગોન્ઝાલો ક્વેસેડા જાણી ગયો કે આ લોકો આદિવાસીઓ છે એણે આક્રમણ કરી આદિવાસીઓને પકડ્યા , જેમની પાસેથી ક્વેસેડાએ જાણ્યું કે , દૂર દૂર ગુસાટાવિટા નામનું સરોવર આવેલ છે , જે સરોવરમાં સોનાનો રાજા પોતાની સોનાની નૌકામાં બેસી સ્નાન કરે છે. આદિવાસીઓએ કહ્યું કે સોનાનો રાજા સરોવરમાં સ્નાન કરવા ઉતર્યો ત્યારે એના શરીર પરના સોનાના વસ્ત્રો ,આભૂષણો પાણીમાં ઓગળી ગયા. રાજાના સેનાધ્યક્ષોએ ત્યાર પછી સોનાના વસ્ત્રો અને આભૂષણો સરોવરમાં ફેંકી સૂર્યદેવને અર્ધ્ય આપેલ.

ક્વેસેડા પોતાની સાથે એક આદિવાસી ગાઈડને લઈ સરોવર પાસે પહોંચ્યો ત્યારે એણે જ્વાળામુખીની તળેટીમાં સરોવર જોયું પણ સોનું કે સોનાનો રાજા ન જોવા મળ્યો. ક્વેસેડાએ એમ માની લીધું કે સરોવ૨ ને તળિયે સોનું હશે. આ જ સ્થળે ‘ સાંતા ફી ડિ બોગેટા’ની સ્થાપના કરી , જે આજે કોલંબિયાની રાજધાની છે. ક્વેસેડાને સફળતા ન મળી તો પછી ફીડરમૅન અને સેબાસ્ટીયનના અભિયાન દળોને તો શાની મળે ? ફીડરમૅન અને સેબાસ્ટીયનના અભિયાન દોએ ફરીથી શોધ આદરી પણ એમાંથી કોઈ પાછું ફર્યું નહીં. બચી ગયો ક્વેસેડા.
ઈ.સ. 1541 માં મહાન સાહસવીર ફ્રાન્સિસ્કો પિજારોના ભાઈ ગોન્ઝાલોએ 350 યુદ્ધવીરો અને 4000 ઈન્ડિયનો સાથે કિબ્રટેથી અભિયાન શરૂ કર્યું . ગોન્ઝાલો વિનીરોની સાથે આગળ જતા ફ્રાન્સિસ્કો ડિ ઓરિબાનાનું દળ પણ જોડાઈ ગયું. ધીમે ધીમે એમનો અન્ન પુરવઠો ખતમ થઈ ગયો. પોણા ભાગના માણસો ભૂખમરાથી , ગરમ વરસાદથી , મૅલેરિયાથી મરી ગયા. ગોન્ઝાલો પાછો ફરી ગયો , પણ ઓરિબાના ભાગ્યશાળી નીકળ્યો. એ જળમાર્ગે કેરેબિયન દ્વીપ – સમૂહમાં પહોંચી ગયો અને એને ઍમેઝોન નદીના શોધકર્તા તરીકેની કીર્તિ મળી , સોનું ન મળ્યું.

હજુ ક્વેસેડા જીવતો હતો. એના મનમાં એક જ તમન્ના હતી , સોનાની શોધ ! 2800 માણસોના અભિયાન દળ સાથે એ સરોવર તરફ આગળ વધ્યો. ત્રણ વરસે એણે સરોવ૨ ને શોધ્યું કે જે સરોવ૨ ને એણે જોયું હતું. પણ સોનું ન મળ્યું. એ પાછો ફર્યો. ક્વેસેડાના 2800 માણસોમાંથી 200 બચ્યા અને આ અભિયાન યાત્રાનો ખર્ચ 200000 સોનાના સિક્કાઓનો થયો. ક્વેસેડા બરબાદ થઈ ગયો.
એ પછી તો અનેક અભિયાનો થયાં , કરોડો ડૉલરનું સોનું ખર્ચાઈ ગયું પણ સોનાનો એક કાંકરો પણ ન મળ્યો. અંતિમ અભિયાન 18 મી શતાબ્દીમાંના અંતે થયું. સ્પેનનો દુસ્સાહસી ફૂટૈ સોનાની શોધ માટે નીકળ્યો પણ આદિવાસી ઇન્ડિયનોના આક્રમણને કારણે એ ફાવી ન શક્યો. એ પછી એક ધનિક સ્પેનિશ વેપારીએ સરોવર શોધી કાઢ્યુ. એણે સરોવરને તળિયે સુવર્ણ છે કે નહીં એ જાણવા માટે સરોવરની દીવાલો તોડાવી અને પાણીની સપાટી 15 ફૂટ નીચે ઉતારી દીધી. આ સ્પેનિશ વેપારીને સોનાના પથ્થરો તળિયેથી મળ્યા પણ સરોવરમાં પાણી પાછું ભરાઈ જવાથી એ વધુ કામ ન કરી શક્યો. અલબત્ત , આ વાત 1580 ની છે.
19 મી શતાબ્દીમાં ‘ ધી કોન્ટ્રેક્ટર્સ ‘ નામની અંગ્રેજ કંપનીએ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી સરોવરના જળને ઉલેચવા પાછળ જ એક લાખ પચાસ હજાર ડૉલરનો ખર્ચ કર્યો. કંપનીને સરોવરને તળિયેથી સોનું તો અવશ્ય મળ્યું પણ કુલ ખર્ચના સોમા ભાગનું એ હતું.
સોનાની નૌકાનું મૉડેલ આજે પણ જોઈ શકાય છે , પરંતુ સોનાની ધરતી હજુ શોધી શકાઈ નથી. આ સુવર્ણભૂમિનું રહસ્ય આજે પણ એક રહસ્ય જ છે.

Post ને સો.મિડીયામાં અહીથી share કરી શકશો 👇
અજબ ગજબ, જાણવા જેવુ, રહસ્ય, general knowledge, Amarkathao , અમરકથાઓ
Pingback: Amazing article about lions | સિંહ વિશે અદ્ભુત લેખ
Pingback: વાદળ ફાટવું એટલે શુ ? જાણો સૌથી વધુ વાદળ ક્યાં ફાટે છે ? - AMARKATHAO