Skip to content

ઘેલા સોમનાથ | Ghela Somnath Mahadev History

ઘેલા સોમનાથ | Ghela Somnath Mahadev History
2941 Views

Ghela Somnath Mahadev Temple જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે. ઘેલા સોમનાથ મંદિરનો ઈતિહાસ, ઘેલો વાણિયો, લોકમાતા મીનળદેવી, ઘેલાસોમનાથ દાદા

સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભુમિ. પાંચાળનું એક સુંદર તીર્થધામ એટલે ધેલા સોમનાથ.

જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે.

તેમજ જસદણથી એક માર્ગ હિંગોળગઢ તરફ ફંટાય છે. આ હિંગોળગઢમાં હરણોનું અભયારણ્ય આવેલું છે. જ્યાં યાયાવર પક્ષીઓ પણ આવે છે.

સૌરાષ્ટ્રનું કુદરતી ધામ હિંગોળગઢ અને શિવધામ ઘેલા સોમનાથ એકબીજાથી નજીકમાં આવેલા છે. ચોમાસામાં ઘેલા સોમનાથનું પ્રાકૂતિક સૌંદર્ય જોવું એ પણ એક જીવનનો લહાવો છે.

ઘેલા સોમનાથ મંદિરનો ઈતિહાસ – Ghela Somnath

ઉન્મત ગંગા (ધેલો) નદીને કાંઠે આવેલ આ મંદીરનો આગવો ઇતિહાસ છે. જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ગુજરાતમાં મુસ્લિમ સુબા મઝહરખાન ઉર્ફે મુઝફ્ફરશાહની આણ પ્રવર્તતી હતી. જુનાગઢની ગાદીએ ચુડાસમા રા’નું શાસન હતું. ચંદ્રએ પણ જેની આરાધના કરી હતી તેવા સોમનાથ પર રા’ની પુત્રી મીનળદેવીને અનન્ય ભક્તિભાવ હતો. પોતાનું નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દુર હિરણ નદીને કાંઠે રાખેલું અને દિવસમાં બે વખત શંકરની શ્રધ્ધાપૂર્વક પૂજા કરતી હતી.

ઘેલા સોમનાથ મંદિરનો ઈતિહાસ
જુનુ ઘેલા સોમનાથ મંદિર

અલાઉદીન ખિલજીના સરદારના આક્રમણથી તુટેલા સોમનાથ મંદીરનો જીર્ણોધાર થયો હતો. મંદીરે તેની મુળ પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી હતી. તેવા સમયે ઝફરખાને મંદીરની કિર્તી સાંભળી અને તેના મનમાં સોમનાથ મંદીર ઉપર ચડાઈ કરવાની ઈચ્છા થઈ. જુનાગઢના રા’ને આ વાતની પોતાના ગુપ્તચરો મારફત જાણ થતા સોમનાથના રક્ષણ માટે ક્ષત્રિયને આહવાન આપ્યું. ઝફરખાન સામેના એ ઇતિહાસ પ્રસિધ્ધ યુધ્ધમાં ક્ષત્રિય અને શુરવીર યોધ્ધાઓએ અપ્રતિમ શૌર્ય દાખવી શિવલીંગની રક્ષા કરી.

એ સૌમાં શિરમોર રહ્યા અરઠીલાના હમીરજી ગોહિલ. સૌરાષ્ટ્રની રોળાઈ ગયેલી રાજપુતીને તેમણે નવું જોમ આપ્યુ. તે સમયે દેવળના પ્રાંગણમાં છેલ્લું યુધ્ધ ખેલાઈ રહ્યુ છે. સોમૈયાના એક એક રખવાળ જીવતી દિવાલ બનીને ઝફરખાનના સૈન્ય સામે અડીખમ ઊભા છે. પણ ઝાઝા બળ સામે રાજપુતો વઢાતા જાય છે. બચવાની કોઈ આશા ન રહી ત્યારે કેટલાક રાજપુતોએ શિવલીંગની રક્ષા માટે તેને ખસેડી લેવાનું નક્કી કર્યુ. પાલખીમાં તેને પધરાવી સાથે મીનળદેવીને બેસાડી સોમનાથના મંદીર સામે છેલ્લી નજર કરી સૌ ચાલી નીકળ્યા.

આમ ચાલતા ચાલતા પાંચાળ પ્રદેશમાં પાલખી આવી પહોંચી. ધેલા સોમનાથ જે સ્થળે આજે ઊભું છે તે અનુકુળ જણાતા ત્યાં શિવલીંગની પ્રતિષ્ઠા કરવામા આવી. સોમનાથમાં ઝફરખાનનાં બાકી રહેલા સૈન્યને શિવલીંગની સ્થાપના બીજે થયાની અને મીનળદેવી તેની પુજા કરે છે એ હકીકતની જાણ થઈ. સૌનિકોએ હલ્લો કર્યો પણ સંગઠીત બળ સામે ન ફાવ્યા અને પાછા હઠવું પડયું. મીનળદેવીને પોતાના ઉપર સુલતાનનાં સૌનિકોની નજર પડી એટલે જીવવા કરતા મોતને વહાલું ગણ્યું અને ધેલા સોમનાથ સામેની ટેકરી ઉપર ચડી જઈ ત્યાં સમાધિ લીધી.

આમ સોમનાથમંદીરેથી લાવીને આ શિવલીંગની સ્થાપના થઈ છે જેનો ઇતિહાસ સાક્ષી પુરે છે. જેમાં ઘણા ક્ષત્રિય શુરવીરોની બલીદાનની ગાથા વણાયેલી છે. આજે પણ સામેની ટેકરી ઉપર મીનળદેવીની નાની દેરી આવેલી છે. મંદીરના દર્શને આવનાર યાત્રિકો દેરીને પણ જુહારે છે.

૭ દિવસ સુધી માથા વગર લડ્યો હતો ઘેલો વાણિયો

એક લોકકથા અનુસાર શિવલીંગના રક્ષણ માટે ઘેલા નામનો વાણિયો ૭ દિવસ સુધી માથા વગર લડ્યો હતો તેના પરથી આ મંદિરને ઘેલા સોમનાથ તરીકે ઓળખવામા આવે છે.

વેરાવળ પ્રભાસપાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે-ત્રણ વાર હુમલો કર્યો હતો.પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જે શિવભક્તિમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપનાં ભુગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતાં. આમ મીનળદેવીને ભોળાનાથમાં અપાર શ્ર્ધ્ધા હતી.

ઇ.સ.1457ની વાત છે. જ્યારે સોમનાથ મહાદેવ પર આક્રમણ થયું ત્યારે સોમનાથ દાદાએ સપનામાં આવી ને કહ્યું હતું કે મને પાલખીમાં લઇ જાવ. પરંતુ 1457ની આસપાસ ગુજરાત ઉપર મહમદ જાફરની આણ વરતાતી હતી તેણે ભુગભર્ગમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતા આક્રમણ કર્યુ, પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગયેલ અને તેને મીનળદેવીને તેનાં પિતાશ્રીનાં મનસુબાની જાણ કરી દીધી હતી. એજ સમયે મીનળદેવીને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ મીનળદેવી શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળેલા.

આમ સોમનાથ દાદાની પાલખી દુર દુર નીકળી ગયેલ ત્યારે સુલ્તાનને ખરબ પડી કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું નથી. તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધે ચડયા. આમ શિવજીની પાલખી સોમનાથની આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અહીં શિવલિંગની સ્થાપનાં થઇ. સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી.

આ યુધ્ધ દરમ્યાન ઘેલા વાણીયાનું મસ્તક કપાય જવા છતાં સાત દિવસ સુધી લડ્યા બાદ મર્યો હતો. સોમનાથ દાદાના શિવલિંગનાં રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા. છેલ્લે જ્યારે યુધ્ધ મહમદ જાફર સૈન્યએ બધાં જ શિવભક્તોને ખતમ કરવાની આરે હતા. ત્યારે મહમદ જાફરે શિવલિંગ પર તલવારનાં ઘા મારીને શિવલિંગ ખંડીત કરી નાંખુ તેવું વિચાર્યું પરંતુ શિવલિંગ પર તલવારનો ઘા મારતાની સાથે સોમનાથ દાદાના શિવલિંગ માંથી ભમરા નીકળ્યા હતા. તેણે મહમંદ જાફર અને તેના સૈન્ય ને ખતમ કરી નાંખ્યું હતું.

સોમનાથ દાદાનાં શિવલિંગને બચાવવા ઘેલો વાણિયાનું મસ્તક ઘડથી અલગ હોવા છતા જાફરનાં સૈન્ય સામે લડયા હતા. તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું. તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું. આ યુધ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા. આમ આ જગ્યા અતિ પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલ છે.

ઘેલા સોમનાથ મહાદેવનાં મંદિર સામે ડુંગર પર શ્રીમીનળદેવી બિરાજમાન છે. અહીંની એક લોક વાયકા મુજબ ઘેલાસોમનાથ દાદાની આરતી ચાલીતી હોય છે. ત્યારે પૂજારીએ મીનળદેવીની પણ આરતી ઉતારવી પડે છે. જો મીનળદેવનાં મંદિર તરફ જો આરતીનું ધુપેલ્યુ ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ નથી મળતું. સાથે જ જો તમે ઘેલાસોમનાથ મહાદેવનાં દર્શન કરો અને મીનળદેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધુરી ગણાય છે.

ઘેલાસોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે જો તમારે મંદિર ના ગર્ભગૃહ માં જવું હોય તો ફરજીયાત તમારે ધોતી પહેરવી પડે અને સાથે જ જળા અભિષેક કરવો હોય તો મંદિરનાં ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ રાખવામાં આવે છે. જેનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. સાથે જ પ્રાસદ માટે પણ કોઇ પણ પ્રાકરનો ચાર્જ લેવામાં આવતો નથી.

જો તમારે ઘેલાસોમનાથ દાદાનાં દર્શને જવું હોય તો રાજકોટથી 80 કિલોમીટરનો રસ્તો છે અને જો તમે સુરત વડોદરા કે અમદાવાદ તરફથી આવો છો તો તમારે રોજકોટ નથી જવાનું, બગોદરાથી ધંધુકા અને પાળીયાદ થઇ ને વિંછીયા થી તમે ઘેલા સોમનાથ જઇ શકો છો.

જુનુ ઘેલા સોમનાથ મંદિર
Ghela somnath

અન્ય માહિતી:

ગઢ જેવી રચનાની વચ્ચે ઊભેલા આ ધેલા સોમનાથનાં મંદીરનું સંચાલન અત્યારે ટ્રસ્ટ હસ્તક છે. સમયની સાથે આ મંદીરનો વિકાસ થતો જાય છે. યાત્રિકોને રહેવા માટેની ધર્મશાળાઓ પણ આવેલી છે. મંદીરની બાજુમાં ગૌશાળા છે, જેમાં ગાયોનો નિભાવ થાય છે. ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદો ઘેલા સોમનાથની નજીકમાં આવેલી છે.

શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકરદાદાનાં દર્શને લોકોનો ઘણો મોટો સમુદાય અહીં એકત્ર થાય છે. તે દરમિયાન અહીં મેળો પણ ભરાય છે. ટેકરી પરથી નજર કરતા ચામુંડામાતાજીનાં જ્યાં બેસણા છે તે ચોટીલાનો ડુંગર દુરથી દેખાય છે. આમ ધેલા સોમનાથ ગુજરાતનું ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે.

કોઈ વધારે માહિતી હોય તો મોકલી શકો છો. તેમજ આમાં કઈ ભૂલ હોય તો જણાવજો જેથી સુધારી શકાય. આભાર..

Balmukund Haveli Dharai । ધરાઇ ગામનો ઈતિહાસ

સોમનાથ મંદિર 1869

સોમનાથ મંદિર | Somnath Temple History 1

કૈલાસ પર્વત એક રહસ્ય : હિમાલય કરતા પણ નીચો હોવા છતા કોઈ ચડી કેમ નથી શકતુ ?

કૈલાસ પર્વત એક રહસ્ય : હિમાલય કરતા પણ નીચો હોવા છતા કોઈ ચડી કેમ નથી શકતુ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *