Warning: Undefined variable $wp_con in /home/u795398644/domains/amarkathao.in/public_html/wp-config.php on line 27
ઘોડીની સ્વામીભક્તિ std 10 લોકસાહિત્યની અશ્વકથાઓ - AMARKATHAO
Skip to content

ઘોડીની સ્વામીભક્તિ std 10 લોકસાહિત્યની અશ્વકથાઓ

ઘોડીની સ્વામીભક્તિ std 10
4499 Views

જોરાવરસિહ જાદવ લિખિત ઘોડીની સ્વામીભક્તિ એ લોકસાહિત્યની અશ્વકથાઓ પુસ્તકમાથી લેવામા આવી છે, જે હાલના ધોરણ 10 ના અભ્યાસક્રમમા આ પાઠ “ઘોડીની સ્વામીભક્તિ” નામથી મુકવામા આવ્યો છે, Ghodi ni swamibhakti, ghodi ni swami bhakti – Joravarsinh Jadav.

ઘોડીની સ્વામીભક્તિ ધોરણ 10 પાઠ

પચાસેક વરસ મોર્યની આ વાત છે. એ વખતે ગોહિલવાડની ધરતી માથે આવેલા વાવડી ગામના આંબા વાછાણી ( પટેલ ) નું ખોરડું મલક આખામાં જાણીતું હતું. ગામ અને પરગામના સંધાય માનવી આંબા વાછાણીને આંબા અદા ( દાદા ) ના નામથી બોલાવતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો. અમરકથાઓ

આંબા પટેલ ઉંમરલાયક થયો અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ ( ઘોડીની જાત ) ની અસલ ઓલાદની છ મહિનાની વછેરી મૂલવી લાવ્યા. આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. રૂપાળી વછેરીના ચારેય પગ ને કપાળ ધોળેલાં હતાં. કાનની ટીસિયું બેવડ વળી જતી હતી. વછેરી જયારે ચમકતી ચાલે ગામ સોંસરવી નીકળતી ત્યારે ગામ – લોકો ફાટી આંખે નીરખી રહેતા. કેટલાક તો કહેતા ખરા : માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ ! ?

વછેરી જયારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડયું. વછેરીને દૂધ પાવા ભરવાડની ઝોકમાંથી બે બકરિયું લાવીને ઘર – આંગણે બાંધી દીધી, ને સવાર – સાંજ બેય બકરિયું દોહીને એનું દૂધ પાવા માંડ્યું. પંડયના દીકરા ઘોડયે વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીએ નો વધે એટલી રાતે ને રાતે નો વધે એટલી દીએ ઝપાટો મોઢે વધે ચડી. બીજું વરસ બેઠું ત્યાં તો વછેરીએ ચડેવ થઈ જાય એટલું કાઠું કાઢયું.

બરાબર ત્રીજા વરસે વછેરી ચડવ થઈ ગઈ, આંબા પટેલ ખાંતે – ખાંતે એને રેવાળ શીખવી. અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંધુય શીખીને અવતરતી હોય છે. રેવાળ તો બસ એના બાપની જ. માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબૂડી લઈને મોટી રેવાળમાં પાંચ ગાઉની ભોં વહ્યો જાય તો દૂધનું ટીપુંય હેઠું નો પડવા દે.

એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંધવો કહેરાવ્યો : ” ભાણેજને માલૂમ થાય કે કામ કરતા ઈ પડતા મૂકીને મણાર ( ગામ ) આવીને રોટલા શિરાવજો. “

મામાનો સંધિવો સાંભળીને આંબા પટેલને સારાં – મોળાં ઓહાણ ( વિચારો ) આવવા માંડ્યાં : કોઈ દી નઈ નૈ મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે ?
નક્કી કંઈ નવા – જૂની થઈ હશે, નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નૈ ?

આંબા પટેલે આવનાર માણસને , ફેરવી – ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ , પણ આગંતુકે પેટ દીધું નૈ.

ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી સાદ દીધો :
“ ગણેશની બા , હાંભળો છો કે ? મામાએ અબઘડીએ મણાર તેડાવ્યો છે , એટલે જાઉં છું. કાલ્યનું વાળું ઘર્યે આવીને કરીશ. પણ કંઈ કામ જોગ રાત – વરત રોકાવાનું થાય તો ચંત્યા કરીને વાંહે માણહ નો ધોડાવતા ”

આંબા પટેલનાં ઘરવાળાં સડપ લઈને ઘોડીનું ચોકડું ઝાલી આડાં ફરી વળ્યાં અને બોલ્યાં : “અટાણે અહૂરવેળાએ જવા નીકળ્યા છો , પણ મારું મન પાછું પડે છે. ભલા થઈને હવારે મોહૂંઝણામાં જાવ તો ? એક રાતમાં શું ખાટું – મોળું થઈ જવાનું છે ? આડી શેતરંજી નદી પડી છે . સોમાસાનો દી’ છે ને પાણીબાણી આયું હશે તો તમને હુરમત કયાં વન્યા નૈ રો ને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો. ”

“અરે ઈ શું બોલ્યાં ? પટલાણીની દીકરી થૈને મને મોળું ઓહાણ આલો છો ? શેતરુંજી જેવી સાત નદિયું આડી કેમ નથી , પડી ? ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યા શાની ? મામા જેવા લાખ રૂપિયાના માણહનો હંધેવો આવે ને હું ના જાવ તો મારો ભરૂહો કુણ કરે ? મલક કોક દીયે ટોણો મારે કે આંબા પટેલ બિકાળવા છે એટલે રાત – વરતના પરગામ જાતા નથી.”

એમ કહેતાં આંબા પટેલે કેડ્ય બાંધી , કળશો ભરીને પાણી પીધું , નેં પછી ઢેલ માથે સવાર થયા. ફઅડક , દૂફડક , ફઅડક , દૂફડક કરતી ઢેલ મણાર ગામને મારગે વીજળીના સળાવાની જેમ વહેતી થઈ. તળાજા થાતીક ને દસેક ગાઉનો પંથ કાપીને મધરાતનો ગજર ભાંગતાં મોર્ય મામાની ડેલી આગળ આવીને હમચી ખૂંદવા માંડી. મેડી માથે મઝરો મઝરો દીવડો બળતો હતો, મામા બારીએ બેહીંને ભાણેજના આવવાની વાટ જોતા હતા. ત્યાં આંબા પટેલે અવાજ દીધો :

“ઓ મામા , રામ … રામ …. આવી પોગ્યો છું. ”

“એ રામ રામ , ભાણેજ , રામ રામ ! આવી પોગ્યો કે ? ”

“ શું થાય મામા ? મારા જીવની તો તમને ખબર્ય છે ને કે મામાનો હંધવો આવે એટલે ભર્યું ભાણુંય આવું હડસેલીને હાલી નીકળું ઈમાંનો માણહ છું. મનમાં ભાતભાતના વિચાર હડિયાપાટી લેવા માંડે પછી હાથ ઝાલ્યો રે ‘ ખરો ? ”

મામાં હડી કાઢીને મેડીએથી હેઠા ઊતર્યા. ખડકી ઉઘાડીને ભાણેજને બાથમાં ઘાલીને ભેટી પડ્યા , અને ઘોડીને અંદર દોરી લાવ્યા – ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરીએ આવ્યાં ને પૂછ્યું :

“ભાણા , ઘરે હંધાય છે તો હાજાં નરવાંને ?”

“ભગવાનની દયાથી હંધાય લીલાલહેર કરે છે.”

“બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગ્યું તું ને ? ”

“બળદેય , મામી , હવે હાજા – નરવો થૈ ગ્યો સે , પનરક દી પગ નો માંડયો ને અનરવો રિયો , પણ ભાયા ભરવાડનાં ઓહડિયાએ ભારે કાહરી કરી. અટાણે તો ચારે પગે ધોડતો થૈ ગ્યો સે . ”

મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધી ને ઢાળિયામાં લઈ ગયા. દળી , તંગ ને પેંગડાં ઉતારીને ગમાણમાં મૂકયાં. ઘરમાં જઈને સુંડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરીએ આવ્યા. મામીએ તૈયાર રાખેલાં વાળુ કાઢયાં. સુખદુઃખ ને વહેવારની વાતું કરતાં કરતાં મામા – ભાણેજ મોડી રાતે ચળું કરીને ઊભા થયા. મેડીએ ખાટલા ઢાળીને બેય સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો.

બીજે દી રોટલા શિરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા ત્યારે મામા – મામીએ બે દી રોકાઈ જવા ખૂબ તાણ કરી. પણ ભાણેજ ધરાહાર એકના બે ન થયા , એટલે કચવાતા હૈયે બેય જણાંએ આંબા પટેલને રજા આપી. મામા પાદર સુધી વળાવવા આવ્યા ને રામરામ કરી બેય છૂટા પડયા.

આંબા પટેલે વાવડીના મારગે ઘોડી રમતી મૂકી. બેએક ગાઉ કાપ્યા ત્યાં ઓતરાદી કાર્યથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો. ડોકના ત્રણ – ત્રણ કટકા કરીને ‘ મેઆઉ ‘ , ‘મેઆઉ ‘ કરતા મોરલા ગહેંકી ઊઠયા. પહાડોએ પડવા દીધા. આકાશમાં કાળાંભંઠ વાદળાં હડિયાપાટી લેવા માંડયાં , પળાક … ધબાક પળાક … ધબાક વીજળી થવા માંડી.

ત્યાં તો ત્રમઝટ તડડડ , ત્રમઝટ તડડડ , હૂડૂડૂ…..હમમમ …. ગર્જના કરતો મેહુલો સાંબેલાની ધારે ધરતી માથે મંડાણો.

🍁 વીર વિક્રમ અને અજબ ચોર – ઝવેરચંદ મેઘાણી

🍁 ઝૂમણાં ની ચોરી – ઝવેરચંદ મેઘાણી

🍁 કાઠીયાણી ની કટારી – ઝવેરચંદ મેઘાણી

🍁 દસ્તાવેજ – ઝવેરચંદ મેઘાણી

🍁 બહારવટીયો – મેઘાણી

🍁 વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર

મારગ માથે પચરક – પચરક ગદરો ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે. એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેતરુંજીને કાંઠે આવીને ઊભા. ઉપરવાસ ભારે વરસાદને કારણે શેતરુંજીમાં ઘોડાપૂર બઘડાટી બોલાવે છે. આઈ શેતલ જાણે માથાના વાળ છુટ્ટા મેલીને રમણે ના ચડી હોય એમ એનાં પાણી ઘુઘવાટા મારે છે ! બેય કાંઠે પચાસ પચાસ માણસ પૂર ઊતરવાની રાહ જોતું બેઠું છે . આંબા પટેલને આંખની ઓળખાણવાળા બે પાંચ આદમીએ આવીને રામ – રામ કર્યા.

શેતરુંજીમાં પાણીના લોઢે ઊછળતા જોઈને આંબા પટેલ ઘડીભર મૂંઝવણના વમળમાં ફસાયા :

“ મારી બેટી , ભૂંડી કરી ! વાવડી પોગાય ઈમ નથી ને મણાર પાછા ફરાય ઈમ નથી. ઘરે સંધાય મારી મે’ ઘોડયે વાટ જોઈને અર્ધાઅર્ધા થઈ જશે. આજ ઘરે પોગ્યા વિના તો છૂટકો જ નથી. ” એમ વિચારીને આંબા પટેલે કેડય બાંધીને ઘોડીનું ચોકડું ડૉશીને જેવી એડી મારી એવી જ ઘોડી છલાંગ દેતીક ને શેતરંજીમાં ખાબકી , સમુદ્રમાં પથ્થરની શિલા પડે એમ.

કાંઠે બેઠેલાં સંધાય આદમી અરેકારો કરતા ઊભા થૈ ગયા. સૌના મોંમાંથી એક જ વેણ સરીને બહાર પડયું કે , “માળો ભારે છાતીસલો આદમી … ! “

શેતરુંજીના ભારે પૂરમાં ઘોડી હૂબડક ફડાક , હૂબડક ફડાક કરતી પાણી કાપી રહી છે. પાણીનાં મોજાં ઘોડીને દડાની જેમ ઉછાળે છે. કાંઠે ઊભેલા સૌ એ જાય ….. એ જાય કરે છે. ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે. આંબા પટેલને ઘડીભર તો થયું કે ” મારું બેટું , તાણ ભારે છે. આવા તાણમાં ઘોડી બાપડી તાકાતેય કેટલી કરે ? મેં પૂરમાં પડવાની છોકરમત ન કરી હોત તો ઠીક થાત.

” જેમતેમ કરતી ઘોડી કાંઠા ઢૂંકડી પહોંચીને હડફ કરતી સલાંગ મારીને કાંઠે જઈ પડી. ત્યાં જાતવાન ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે .

નસકોરા ફુલાવતી ઘોડી ઘડીયે થોભ્યા વિના પાણીમાં ખાબકીને ધણીની ગોત્યે નીકળી. આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા. તરવાની કાહરી ફાવતી નહોતી. તેઓ હરેરી ગયા હતા. ત્યાં સડ સડ સડાક કરતી ઘોડી આંબા પટેલ ઢૂંકડી જઈ પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલ સઘળી તાકાત ભેગી કરીને “ બાપ ઢેલ , તું આવી કે ? ” કહેતા એને ગળે વળગી ગયા.

ઘોડીની સ્વામીભક્તિ ધોરણ 10 વિડીયો જુઓ

ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડયો. પાણીના વહેણમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે કાંઠે આવી.

“ બાપ ઢેલ , તેં આજ જીવતરનાં દાન દીધાં છે. ” કહેતાં આંબા પટેલની આંખ્યુમાંથી ડબક – ડબક દેતાં બોર આંસુ સરી પડયાં. તેમણે કયાંય સુધી ઘોડીના વાંસા પર હાથ ફેરવ્યા કર્યો.

આંબા પટેલ જયારે વાવડીના પાદરમાં પોગ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર વાગી રહી હતી. ઘોડી માથેથી ઊતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા : “કાળિયા ઠાકર ! તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમખેમ ઘર્યે પોગ્યો છું. તારો ગણ કેમ કરીને ભુલાય ? “

ઘેર આવીને આંબા પટેલે ઘરવાળાંને સઘળી વીતકકથા વર્ણવી ત્યારે પટલાણી બોલ્યાં : “ આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે. ખમ્મા બાપ ઢેલ ! તારો ગણ જિંદગી લગી શું ભુલાશે ? ”

એમ કહેતાં પટલાણીએ રહોડામાંથી ઘીનો ઘાડવો લાવીને આંબા પટેલ કને મૂક્યો ને બોલ્યા : ” બાપડી ઢેલ , પાણીમાં બહુ મઉ થૈ ગઈ હશે. ઈ ને ઘી પાવ ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું. ”

✍ જોરાવરસિંહ જાદવ.
( ‘ લોકસાહિત્યની અશ્વકથાઓ’માંથી )#અમર_કથાઓ

આવી જ અન્ય વાર્તાઓ પણ વાચો

🍁 રખાવટ – દુશ્મન હોય તો આવા

🍁 ચમારના બોલે – મેઘાણી

🍁 બદમાશ – ઝવેરચંદ મેઘાણી

ભેટે ઝૂલે છે તલવાર
ભેટે ઝૂલે છે તલવાર

1 thought on “ઘોડીની સ્વામીભક્તિ std 10 લોકસાહિત્યની અશ્વકથાઓ”

  1. Pingback: રોટલો દેવા નું નીમ : ઝવેરચંદ મેઘાણી - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *