6255 Views
જુની વાર્તાઓ – 2, નટવરભાઈ રાવળદેવ ની વાર્તાઓ , નાલુજી અને પથરચાટ, ચતુરાઈની વાર્તાઓ, હાસ્યકથા, હાસ્ય વાર્તા, પ્રાચીન વાર્તા, ગુજરાતી ટૂંકીવાર્તા, દાદીમાની વાર્તા, દાદાજીની વાર્તા, બાળપણની વાર્તાઓ, પ્રેરણાદાયક વાર્તા, Gujarati short story
જુની વાર્તાઓ
માનપુર ગામમાં બે માણસો પ્રખ્યાત. એક જેનું લે એને પાછું આપે જ નહીં એટલે ગામલોકોએ એનું નામ નાલુજી પાડી દીધું.બીજો એટલો લોભી કે પથરા પાસેથી પણ પૈસો પડાવે એવો, એટલે એનું નામ પથરચાટ પડી ગયું.
એકવાર નજીકના ગામમાં મેળો ભરાયો. પથરચાટે મેળામાં, સુખડું, ચવાણાની દુકાન કરી.નાલુજી અને એમનાં પત્ની મેળે ગયાં.આખો દિવસ મેળામાં ફર્યાં.બપોર ઢળતાં ઘેર જવા નિકળ્યાં.નિકળતાં નિકળતાં પથરચાટની દુકાને સુખડું લેવા ગયાં. શેઠ! સવા રૂપિયાનું સુખડું આપો. પથરચાટે સુખડું જોખી પૈસાનું પુછ્યું. નાલુજી કહે, પૈસા તો મેળામાં વપરાઈ ગયા.ઘેર જઈને આપશું.શેઠ કહે વાંધો નઈ પરંતુ ઘેર આવીને સવાર પડતાં જ લેવા આવીશ એ ભુલતા નઈ.
નાલુજી ઘેર આવ્યા.થોડું સુખડું અને છાશ રોટલો ખાઈ બન્ને પતિ પત્ની ઉંઘી ગયાં.સવારના પાંચ વાગતાં જ નાલુજી જાગી ગયા અને પત્નિને કહ્યું, જો સવાર પડતાં જ પથરચાટ સવા રૂપિયો લેવા આવશે.એટલે જો! હું ભોંય પર ઉંઘી જાઉં છું. તું મારા માથે સફેદ કપડું ઓઢાડી દે. પથરચાટ આવે તો કહેજે કે રાત્રે સાપ કરડતાં મરી ગયા છે. નાલુજીની પત્નિએ કહ્યા મૂજબ કર્યું.
સવારે છ વાગતાં જ નાલુજીની ડેલીનો દરવાજો ખખડ્યો.દરવાજો ખખડાવનાર પથરચાટ જ હતા. નાલુજીનાં પત્નિ છેડો વાળીને રોવા બેઠાં.રોવાનો અવાજ સાંભળીને આડોશી પાડોશી ભેગાં થઈ ગયાં. ગપને પગ આવી ગયા! સૌના મોંઢે એક જ વાત, નાલુજીને સાપ કરડ્યો ને મરી ગયા. એક માત્ર પથરચાટને પાક્કો વિશ્વાસ હતો કે નાલુજી મર્યા નથી પરંતુ સવા રૂપિયો આપવાની દાનત નથી એટલે મરવાનું નાટક કર્યું છે.એનું નામ નાલુજી છે તો મારુ નામ પણ પથરચાટ છે, વાંધો નહીં, હમણાં સૌ બાળવા તો લઈ જશે ને સ્મશાનમાં! જોઉં છું શું થાય છે પછી?
આડોશી પાડોશીઓએ નાલુજીની નનામી તૈયાર કરી અને ઉપાડીને ચાલ્યા સ્મશાને.લાકડાં પર નનામી મુકીને અગ્નિદાહ આપવાની તૈયારી કરતા હતા ત્યાં પથરચાટ બોલ્યા, ભાઈઓ!નાલુજી પાસે મારે સવા રૂપિયો લેવાનો છે એટલે મારો સવા રૂપિયો આપે એ આ મડદાને અગ્નિદાહ આપે. એ સમયે સવા રૂપિયો તો ગાડાના પૈડા જેવડો! કોણ આપે? એક એક કરીને બધા ડાઘુઓ મડદું મુકીને ચાલ્યા ગયા. એક માત્ર પથરચાટ જાળા ઓઠે સંતાઈને બેસી ગયા.ઘડીભર તો એમનેય થયું કે, ખરેખર નાલુજી મરી ગયા નહીં હોય ને! જે હોય તે પરંતુ અહીંથી ખસવું તો નથી જ.
એમ ને એમ દિવસ આથમી ગયો ને રાત્રીના બે વાગી ગયા. ચાર ચોર ચોરી કરીને ત્યાંથી નિકળ્યા.ચિતા ઉપર સળગાવ્યા વગરનું મડદું જોયું.એક ચોર કહે, અલ્યા સાંભળ્યું છે કે આપણી પાસે મડદાનો દાંત હોય તો આપણે ચોરી કરતાં ક્યારેય પકડાઈએ નહીં.બધા કહે, ચાલો ત્યારે એનો દાંત તોડીએ.ચોરીની માલ મતા નીચે મૂકીને બધાએ શોધીને હાથમાં પથ્થર લીધા. ચિતા પર રહેલા નાલુજી બધું સાંભળી રહ્યા હતા. એમણે વિચાર્યુ કે પથરચાટનો સવા રૂપિયો તો કાલે કમાઈને આપી દઈશ પરંતુ દાંત ગયા તો પાછા નહીં આવે. ચોરોએ જેવા મોઢા પર પથ્થર મારવાની તૈયારી કરી એના પહેલાં તો નાલુજી હડફ દઈને ચિતા પરથી ઉભા થઈ ગયા.
ભૂત! ભૂત! ભૂત કરતા ચોર ભાગી ગયા.માલ મતા તો થોડી લેવા ઉભા રહે? નાલુજીએ ચિતા પરથી ઉતરીને બધી માલમતા સાથે ઘેર જવાનું કર્યું ત્યાં તો જાળા પાછળથી બહાર આવીને પથરચાટ બોલ્યા,નાલુજી!આખી રાત મેં તમારી ચોકી કરી છે હો! ચોરીના માલમાં મારો અડધો ભાગ.નાલુજી કહે, અડધો ભાગ તો જરૂર આપીશ પરંતુ એ માટે કાલે વહેલા મારા ઘેર આવજો, અત્યારે રાતનું કંઈ લાંબું ના દેખાય.
ગામ પાસે આવીને બન્ને છુટા પડ્યા.નાલુજીએ ઘેર આવીને ચોરીનો માલ ગાયને ખાણ મુકવાના ચૂલામાં દાટી દીધો.ચૂલો હમણાં સળગાવવાનો બંધ હતો. માલ દાટીને નાલુજી થોડીવાર ખાટલામાં ઉંઘી ગયા. સવારના પાંચ વાગતાં જ ઉઠીને પત્નિને જગાડી.પત્નિએ નાલુજીને પુછ્યું, ક્યારે આવ્યા તમે? નાલુજી કહે એ બધી વાત છોડ ને સાંભળ.સવારે પથરચાટ સવા રૂપિયો લેવા આવશે.હું અત્યારે નિકળીને આપણા ગામના પાદરમાં આવેલ અવાવરૂ કુવામાં સંતાઈ જાઉં છું. બપોરે તું મને ત્યાં ભાત પહોચાડજે.પથરચાટ આવે તો કહેજે કે ગામતરે ગયા છે, અઠવાડિયે આવશે.ઉતાવળમાં નાલુજી સંતાડેલ માલ મતા વિષે કહેવાનું ભુલી ગયા.
છ વાગતાં તો પથરચાટે ડેલી ખખડાવી.નાલુજીનાં પત્નિએ પથરચાટને જવાબ આપ્યો, એ તો ગામતરે ગયા છે, અઠવાડિયે આવશે.પથરચાટે વિચાર્યું, ગામતરે નથી ગયા પરંતુ સવા રૂપિયો અને અડધો ભાગ આપવો ના પડે એટલે જરૂર બહાનું બનાવ્યું છે. વાંધો નહીં, ખબર તો રાખવી જ છે.
અગિયારેક વાગ્યે નાલુજીનાં પત્નિએ ડોલમાં મરચું રોટલાનું ભાતું મુકીને પાણી ભરવાના બહાને માથે ઘડો લઇને નિકળ્યાં.પથરચાટે લપાતાં છુપાતાં પીછો કર્યો. નાલુજીએ છ સાત ફુટ ઉંડા સુકા કુવામાં ડોલ ઉતારી.પથરચાટને પાકું થઈ ગયું કે નાલુજી કુવામાં જ છે, કારણ કે આ કુવો પાણી વગરનો છે એ ખબર હતી.
ડોલમાંથી ભાતું છોડીને જોતાં જ નાલુજી થોડા મોટા અવાજે બોલ્યા, અરે મૂરખી! મરચું ને રોટલો? ખાણના ચૂલામાં માલ મતા સંતાડી છે એમાંથી થોડી કાઢીને વેચી આવ અને શીરો બનાવીને લઈ આવ.
પથરચાટે સરવા કાને બધું સાંભળી લીધું હતું. મુઠ્ઠી વાળીને દોડ્યા.નાલુજીના ઘેર આવીને નિશાની મુજબના ચૂલામાંથી સંતાડેલ માલ મતા બહાર કાઢી.લઈને નિકળવાનું કરતાં જ ડેલી ખખડી.નક્કી નાલુજીનાં પત્નિ આવી ગયાં છે એ ખ્યાલે પથરચાટ માલમતા સાથે ખુણામાં પડેલ જુવારના પૂળા ઓઠે સંતાઈ ગયા.
નાલુજીનાં પત્નિએ ચૂલામાં ખાડો જોયો.ઝડપથી ડેલીએ પહોંચી બહારથી સાંકળ ચડાવીને પાડોશીના છોકરાને ઉભો રાખીને દોડ્યાં અવાવરૂ કુવે.જઈને નાલુજીને હકીકત કહીં.બન્ને દોડતાં દોડતાં ઘેર આવ્યાં.નાલુજીને પથરચાટ પર પાકો શક તો હતો જ. ચૂપચાપ થઈને નાલુજીએ ધ્યાનથી જોયું તો ચૂલાથી માંડીને ખુણામાં પડેલ પૂળાઓ સુધી ચૂલાની રાખ વેરાયેલ હતી.નક્કી થઈ ગયું કે ચોર પૂળા ઓઠે સંતાયેલ છે.
નાલુજીએ ગાયના વાછડાની ડોકે બાંધેલ ટોકરી છોડી.હાથમાં લીધી લોખંડની કોશ. પૂળામાં ઘબ ગોદો મારે ને ટોકરી ખખડાવે.પૂળા પાછળ સંતાયેલ પથરચાટને વળી એમ કે વાછડું પૂળાની ચાર ખાતુ ખાતુ સિંગડાં મારે છે. પથરચાટ ધીમેથી બોલ્યા, અરે છાનુંમાનું ચાર ખાને! સિંગડાં કેમ મારે છે?
અવાજ ઓળખી નાલુજીએ પથરચાટને બહાર કાઢ્યા. બહાર આવતાં જ પથરચાટે કહ્યું, નાલુજી મારો સવા રૂપિયો અને અડધો ભાગ તો આપો! નાલુજી કહે, જરૂર આપીશ પરંતુ કાલે બપોરે તમારી ઘરવાળીનાં કપડાં લઈને મારે ઘેર આવી જજો.
બીજા દિવસે બપોરે પથરચાટ એની પત્નીનાં કપડાં લઈને નાલુજીના ઘેર આવી ગયા.નાલુજીએ પણ એમની પત્નીનાં કપડાં લઈને કહ્યું, ચાલો પથરચાટ…..
ગામનો સીમાડો વટાવતાં જ પથરચાટે પુછ્યું, નાલુજી ક્યાં જવાનું છે આપણે? નાલુજી કહે, થોડા આગળ ચાલો પછી કહું. ધીમે ધીમે સુમસામ વગડો શરૂ થયો એટલે ફરીથી પથરચાટે પુછ્યું.
જુઓ પથરચાટ, નજીકના રામગઢમાં રાજાની બે કુંવરીઓના વિવાહ છે.એમનાં ઘરેણાં ચોરવા જવું છે. પથરચાટ કહે, આપણું કામ નહીં એ.પથરચાટ તો કાંપવા મંડ્યા.નાલુજી કહે વાંધો નહીં ના આવો તો, પરંતુ આ વડલાના ઝાડ નીચે બેસી રહો. વળતાં હું તમને લેતો જઈશ.ગભરાયેલ પથરચાટ તો વડલા પર ચડી ગયા.
નાલુજીએ સ્ત્રીનાં કપડાં પહેરીને ચાલવા માંડ્યું રામગઢ તરફ. લગ્ન પ્રસંગમાં જઈને લાજ કાઢીને બીજી સ્ત્રીઓ સાથે ભળી ગયા.રાત્રે મોડે સુધી નાચ ગાન થયાં. છેવટે બધાં ઉંઘી ગયાં.નાલુજી ઉઠ્યા. કોઈને ખબર પણ પડે નહીં એમ બન્ને ઉંઘેલી કુંવરીઓના ગળામાં પહેરેલ હાર કાઢીને રફુચક્કર………. રસ્તામાં પથરચાટને લેવાય ના રહ્યા.
સવાર પડતાં જ પથરચાટ વડલા પરથી ઉતરીને ગામ તરફ પાછા ફર્યા. ગામમાં આવીને સીધા નાલુજીના ઘેર આવ્યા. અરે નાલુજી! ભલા આદમી! તમે મને લેવાય ના રહ્યા? નાલુજીએ એક હાર પથરચાટને આપ્યો. લ્યો, આ તમારાં ઘરવાળાંને પહેરાવજો……નાલુજીએ જીંદગીમાં પ્રથમવાર આજે કોઈકને કંઈક આપ્યું હતું એ પણ એ કારણે કે, ચોરી પકડાય તો બન્ને ભેગા ચોર ઠરીએને!
નાલુજી અને પથરચાટની પત્નિઓ હવે તો પાક્કી બહેનપણીઓની બની ગઈ.આખો દિવસ બન્ને સાથે ને સાથે……
રામગઢમાં સવાર થતાં જ રાજાને ખબર પડી કે બન્ને કુંવરીઓના હાર ચોરાઈ ગયા છે. રામગઢમાં સાત ઠગ રહેતા હતા. રાજાએ સાતેય ઠગને બોલાવીને હૂકમ કર્યો, તમે મારા નગરમાં હોવા છતાં મારી કુંવરીઓના હાર ચોરાયા છે. તમે જ મને પાછા લાવી આપો.
સાતેય ઠગોએ વિનંતીથી રાજા પાસે સવા મહિનાની મુદત માંગી. રાજાએ કહ્યું, સવા મહિનામાં હાર પાછા નહીં આવે તો તમને કડકમાં કડક સજા થશે.
સાતેય ઠગ નિકળી પડ્યા હાર શોધવા.આજુબાજુના ઘણા ગામોમાં ઝીણવટભરી તપાસ કરી પરંતુ હાર હાથ ના લાગ્યા . એમ ને એમ સવા મહિનાનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. આજે તો કોઈ પણ કાળે રાજા પાસે હાજર થવાનું હતું. હતાશ ચહેરે સાતેય ઠગોએ રામગઢ તરફ પ્રયાણ કર્યુ ,ઢળતા બપોરે સાતેય ઠગ નાલુજીના ગામને પાદર આવ્યા.સૌને તરસ તો હતી જ ને એમાં પાણી ભરતી બે સ્ત્રીઓને જોઈ.પાણી પીવા માટે સાતેય ઠગ કુવા પાસે આવ્યા.
અરે! આ શું? સાતેય ઠગને રાજકુંવરીઓના હાર દેખાયા. નાલુજી અને પથરચાટની પત્નિઓ જ પાણી ભરી રહી હતી. વારાફરતી સાતેય ઠગ પાણી પીતા રહ્યા ને ખબરેય ના પડે એમ હાર સેરવીને ખૂશ થઈને ચાલતા થયા. મૂદતના છેલ્લા દિવસે રાજા સમક્ષ હાર રજુ થયા. સાતેય ઠગોને રાજાએ શાબાશી અને ઈનામો આપ્યાં.
નાલુજીનાં પત્નિ ઘેર પહોચ્યાં.નાલુજીની નજર પત્નીની ડોક પર ગઈ.હાર ક્યાં છે? હવે નાલુજીનાં પત્નિને ખબર પડી કે, ગળામાં હાર નથી. પથરચાટના ઘેર તપાસ કરી ત્યાં પણ હાર ગાયબ! નાલુજીએ પત્નિને હકીકત પુંછતાં ખબર પડી કે સાત અજાણ્યા માણસો પાણી પીવા આવ્યા હતા.નાલુજીને નક્કી થઈ ગયું કે, રામગઢના સાતેય ઠગ હાર પાછા લઈ ગયા.
નાલુજીએ પથરચાટને કહ્યું, ચાલો શેઠ! હવે હાર લેવા આવવું છે? ના હો નાલુજી! તમે મારો સવા રૂપિયો આપો તોય બસ છે!
ચોરો પાસેથી નાલુજીને ખુબ માલ મતા મળી હતી એટલે એમાંથી થોડા દાગીના ઘડાવ્યા અને સરસ મજાનો એક ઘોડો ખરીદ્યો.ઘોડા પર સવાર થઈને દાગીના પહેરી બની ઠનીને ઉપડ્યા રામગઢ.
ઠગોનું ઘર પુંછતાં પુંછતાં આવીને ઉભા રહ્યા ઠગોના ઘરોને દરવાજે.સાતેય ઠગ ખાટલાઓ પર બેસીને વાતો કરી રહ્યા હતા એમની નજર દરવાજે ગઈ. એકે કહ્યું, અલ્યા મોટો માલદાર લાગે છે. બીજે ટહુકો કર્યો, ક્યાં રહેવું ભાઈ! નાલુજીએ કહ્યું, માનપુર ગામનો છું, થોડો થાક્યો છું એટલે ઘડીભર વિસામો કરવાનું મન થયું. ત્રીજો ઠગ બોલ્યો, માનપુરના હો તો તો સબંધના નાતે ભાણો થાઓ. ચોથા ઠગે તો મોટા અવાજે આવકાર આપ્યો, આવ ભાણા આવ!
ભાણાને(નાલુજી) તો આટલું જ જોઈતું હતું. ઘોડા પરથી નાલુજી નીચે ઉતર્યા.હાથ પગ ધોઈ રજાઈ વસાવેલ ખાટલે બેઠા.ચા પાણી થયાં.નાલુજીને ખુબ આગ્રહ થયો ને રાત્રીરોકાણ થયું. ઠગ લોકોનો ઈરાદો ઘોડો અને દાગીના લુટવાનો હતો એટલે તો રાત્રીરોકાણ કરાવ્યું પરંતુ છેતરાય એ નાલુજી નઈ! વાળુપાણી થયા પછી વાતો માંડવાનું નક્કી થયું.એમાં શરત એટલી કે વાતોમાં હોંકારો ધરવો. જે ના પાડે એની હાર ગણીને એની પાસેથી જીતનાર જે માંગે તે આપવું.સાક્ષીમાં રાજ્યના બે સૈનિકો હતા.
પહેલો વારો ઠગ ભાઈઓનો હતો. સૌથી મોટા ભાઈએ વાત શરુ કરી. સાંભળ ભાણા(ભાણો એટલે નાલુજી અને મામા એટલે ઠગ) … અમારા ખેતરમાં વાવ્યા તલ. તલ બહુ જોરદાર થયા. પાક્યા એટલે વાઢીને કુવાકાંઠે ખડકાયા. થોડા તલના દાણા કુવામાં પડ્યા હશે. તલ તો બધા લઈને વેચી દીધા પરંતુ કુવામાં પડેલ તલના દાણા કુવામાં ઉગ્યા.પછી તો ઉગેલા તલ પાક્યા ને એના દાણા ફરીથી કુવામાં. પછી તો એમાંથી તેલ નિકળવા લાગ્યું ને આખો કુવો તેલથી ઉભરાયો.આખા ખેતરમાં તેલ રેલાયાં. આખા નગરનાં માણસો ડબ્બા ભરી ભરીને લઈ જાય પછી તો….
ભાણો કહે, સાવ સાચી વાત મામા. હું એક વખત ઘોડા પર ચડીને લાંબી મજલ કાપીને ઘેર જઈ રહ્યો હતો. ઘોડાને અને મને ખુબ તરસ લાગી હતી. પાણીની શોધમાં હતો ત્યાં પાણી જેવું દેખાયું ઘોડો દોડાવીને હું તો ત્યાં ગયો. ઘોડે નીચું મોં કર્યું પણ પાણી ના પીધું. હું વિચારમાં પડી ગયો કે, ઘોડો તરસ્યો છે છતાં પાણી કેમ નથી પીતો! ઘોડેથી ઉતરીને જોઉં છું તો પાણીના બદલે તલનું તેલ.એ ખેતર તમારૂ જ હશે! તમે અને તમારી વાત સાવ સાચી…..
બીજા ઠગે વાર્તા શરૂ કરી.સાંભળ ભાણા, અમારા ખેતરમાં ગાજર વાવ્યાં.ગાજર મોટાં થતાં ઉખાડી ઉખાડીને વેચીને ખુબ રૂપિયા કમાયા. બીજા પાંચ વરસ સખત કાળ પડ્યો. છઠ્ઠા વરસે વરસાદ થતાં ખેતર ખેડવા ખેતરે ગયો. ખેડતાં ખેડતાં એક જગ્યાએ હળ ફસાઈ ગયું.થોડું ખોદીને ત્યાં જોયું તો લાલ લાલ દેખાયું. પછી તો ખોદતા જ ગયા ખોદતા જ ગયા. અરે! આ તો ગાજર! કેવડું મોટું? વીસ પચ્ચીસ જણને ગાજર કાઢતાં પંદર દિવસ નિકળી ગયા.પાસ પાસે પાંચ ગાડાં ઉભાં રાખીને પાંચસો માણસની મદદથી ગાજરને ગાડાંમાં ચડાવ્યું. જેમ તેમ કરી નગરમાં લાવ્યા પરંતુ દરવાજામાં ફસાઈ ગયું બોલ ભાણા! આવું ગાજર હતું,
ભાણો કહે, સાવ સાચું મામા. પાંચ વરસે વરસાદ પડ્યો હતો એટલે નવો બળદ લેવા હું રામગઢ આવ્યો હતો પરંતુ નગર પાસે આવ્યો તો દરેકના હાથમાં લાલ લાલ વસ્તુ દેખાઈ છેવટે દરવાજા પાસે આવ્યો તો દરેકના હાથમાં છરી ને ચપ્પુ. બધાં ગાજર કાપી કાપીને લઇ જઈ રહ્યાં હતાં.
ત્રીજો ઠગ કહે સાંભળ ભાણા! અમારા એક પડતર ખેતરમાં ઝાંઝરૂ(સાવરણા માટેનું એક ઘાસ) ઉગ્યો. ઝાંઝરૂ એટલો ઉંચો થયો કે દેશ પરદેશથી લોકો જોવા આવવા લાગ્યા. અમારે તો બહું મજા પડી ગઈ. એનાં થડ એવાં જાડાં કે અમારા સાતેય ઓરડા એમાંથી બની ગયા.બોલ ભાણા!
સાવ સાચી વાત મામા! અમે બે ચાર મિત્રો ગામને ચોરે બેસીને ગપાટાં મારી રહ્યા હતા ત્યારે એક મિત્રે આ વાત કરી હતી.અમે ચારેય તમારા ખેતરમાં આવીને રૂબરૂ જોયુ હતું કે એ ઝાંઝરૂ જ હતો.
આમ સાતેય ઠગની વાતોમાં નાલુજી હોંકારો આપતા ગયા.ક્યાંય નકારમાં વાત જ નહીં…….. હવે નાલુજીનો વારો આવ્યો…..
સાંભળો મામાઓ! અમારો પરિવાર જન્મજાત પૈસાદાર. હું પંદરેક વરસનો થયો ને મારા માટે સગપણનાં માગાં આવવાં શરૂ થઈ ગયાં.એમાંને એમાં એક બીજાને ખબર વગર મારાં સાત સગપણ થઈ ગયાં. એક સગપણ મામાએ ને બીજું સગપણ મામીએ કરી નાખ્યું,. એક ફઈ અને એક ફુવાએ. એક કાકાએ અને એક કાકીએ અને સાતમું મારા દાદાજીએ નક્કી કરી નાખ્યું.એક પ્રસંગે બધાં ભેગાં થયાં ત્યારે વાતનો ફોડ પડ્યો પરંતુ બોલીને હવે થોડું ફરી જવાય! સાતેય ઠેકાણે જાન જોડી જોડીને હું તો પરણવા ગયો. સાતેય બૈરાં લાવ્યો પરંતુ સાતેય સંપીને રહે નઈ એટલે સાતેયને જુદા જુદા સાત ઓરડા બનાવી આપ્યા.
આપણે તો મોટા ઈજ્જતદાર અને સમાજમાં પ્રખ્યાત એટલે ગામતરુ બહું થાય. એક વખત ગામતરે ગયેલ હતો ને આવી જોરદાર આંઘી.આંધી પુરી થતાં જ ઘોડો પલાણીને હાંફળો ફાંફળો ઘેર આવ્યો. ઘેર આવીને જોઉં છું તો ના મળે ઓરડા કે ના મળે મારાં બૈરાં! ના મળે ઢોર ઢાંખર પછી છોકરાં છાબરાં તો ક્યાંથી હોય? બે વરસથી એ ઓરડા અને બૈરાં છોકરાં શોધું છું મામા પણ આજે ખુશ છું. આજે બધાં મળી ગયાં ને એટલે તો અહીં રોકાયો!
સાતેય ઠગ એકસાથે બોલ્યા, ક્યાં છે ભાણા!?નાલુજી કહે, આ સામેના સાતેય ઓરડા અને જેને મામીઓ કહું છું તે સાતેય મારાં બૈરાં છે ને આ બધાં છોકરાં પણ મારાં જ છે!!!! આ ગાયો ભેંસો પણ મારી છે. કઈ રીતે ઠગ લોકો ના પાડે! અને હા પાડે તો બધું શરત મુજબ આપવું પડે!
ભાણા તેં તો ભારે કરી! નાલુજીએ કહ્યું, મામા જે થયું તે થયું પરંતુ ચિંતા ના કરો. સાત ઠેકાણે પરણવાનો ખર્ચ સીતેર હજાર, સાત ઓરડાના પાંત્રીસ હજાર. ઢોર ઢાંખરના પચાસ હજાર. કુલ થયા એક લાખ ને પંચાવન હજાર. જાઓ પાચ હજારની છૂટને છોકરાં બોનસમાં. લાખ ગણી આપો. સૈનિકોની સાક્ષીમાં રૂપિયા ગણીને ભાણાએ કહ્યું. ઘેર બચેલા એક માત્ર મારા દાદા અને નવી કરેલ મારી પત્નિને આ સમાચાર અત્યારે જ આપવા પડશે એટલે અત્યારે જ નિકળું છું.
ઘોડો પલાણીને નાલુજી એ જ વખતે આવજો ને હોશિયાર રહેજો. ઘેર પહોંચીને બીજા દિવસે સવારમાં જ નાલુજી કોઈકના ઘેરથી થોડા પૈસા આપીને એક જેવા કદ, આકાર, રંગ,રૂપમાં સમાન બે સસલાં લાવ્યા. એકને આંગણામાં ખીલો ખોડીને બાંધ્યું ને બીજાને સંતાડી દીધું. શું કરવાનું છે એ બધું પત્નિને સમજાવી દીધું. નાલુજીને ખબર જ હતી કે છેતરાયેલ ઠગ આવ્યા વગર રહેશે નહીં.
દશેકના ટકોરે તો ઠગ ભાઈઓ ઝાંપે દેખાયા. નાલુજીએ જોરદાર આદરભાવ સાથે કહ્યું, આવો મામા, આવો મામા !ખાટલા પાથરીને ચા પાણી કરાવ્યાં. નાલુજીએ પછી કહ્યું, ચાલો મામા ફરવા જઈએ ,તમને અમારા ગામનો વગડો દેખાડું. ઠગ ભાઈઓને એવો મોકો તો જોતો જ હતો.
બધા ચાલ્યા ફરવા. નિકળતાં જ નાલુજીએ ખીલે બાંધેલ સસલું સાથે લીધું અને પત્નીને કહ્યું, આ સસલું ઘેર આવીને કહે એ મુજબ જમવાનું બનાવજે.ઠગ લોકોનો ઈરાદો ભાણાને એકલો પાડીને મારી નાખવાનો હતો પરંતુ સસલાની હકીકતથી એમનો વિચાર ફરી ગયો. આમેય વહેલો મોડો ભાણાને મારવો તો છે જ પણ આ સસલાની હકીકત શું છે એ જાણવી છે. એમ વિચારીને બધા વગડે પહોચ્યા. બાર વાગે નાલુજીએ સસલાને કાનમાં કહ્યું, જા સસલા તારી માને ઘેર જઈને કહેજે કે બાજરીના રોટલા, અડદની દાળ,ભજીયાં અને તુરીયાંનું શાક બનાવીને રાખે. સસલાને છુંટું મુકતાં જ એ તો આ જાળું ને પેલું જાળું. ભાગી ગયું, ઘેર થોડું આવે!
ઘેર પત્નીએ સંતાડેલ સસલું ખીલે બાંધી દીધું ને રસોઈનું તો પહેલેથી નક્કી હતું જ. એક વાગે બધા ઘેર આવ્યા. સસલું જોયું, જમતાં કહ્યા મૂજબની રસોઈ જોઈ એટલે સૌથી મોટો ભાઈ બોલ્યો, ભાણા આ સસલું આપે તો જમીએ. અરે મામા એમાં શું! આ સસલું કામરુ દેશની વિદ્યા ભણેલું છે જેનો ખર્ચ વીસ હજાર થયેલ છે, આપીને લઈ જાઓ. વીસ હજાર આપીને સસલું લઈને ઠગ ચાલ્યા ઘેર.
બીજા દિવસે બધાંએ રસોઇની ના કહીને ઉપડ્યા ફરવા. વગડે જઈને સસલાને ઠગોએ કહ્યું, જા સસલા ઘેર જઈને કહેજે કે, ચોળાનું શાક ને ઘઉૈની રોટલી બનાવી રાખે. બરાબર ભૂખ લાગી એટલે બધા આવ્યા ઘેર. ઘેર આવીને જુએ છે તો ના મળે સસલું કે ના બનેલી રસોઈ. પત્નિઓને પુછતાં સૌએ જવાબ આપ્યો, સસલું તમારુ બાપ એમ ઘેર આવે ખરુ?ઠગ ફરીથી છેતરાઈ ગયા.
નાલુજીને ખબર હતી કે, આ વખતે ઠગ ધુવાપુવા થઈને આવશે. ગામમાં કોઈ સ્ત્રીનું મોત થતાં એને સ્મશાનમાં દાટેલી એ દાટેલી લાશને નાલુજી રાત્રે બહાર કાઢીને ઘેર લઈ આવેલા. પત્નીને બધું અગાઉથી શીખવી દીધું. બીજા દિવસે ઠગ ભાઈઓ ઝાંપે દેખાયા. નાલુજીએ ઉતમ આવકાર આપ્યો. પત્નિને જમવાનું બનાવવાનું કહ્યું. શીખામણ મૂજબ પત્નિએ ના પાડી દીધી. જમવાનું નહીં બનાવું.
નાલુજી હાથમાં છરી લઈને ઘરમાં ગયા અને જે મડદું સંતાડેલ હતું એમાં છરી હૂલાવી દીધી, નાલુજીની પત્નિ બુમો પાડીને કોઠામાં સંતાઈ ગઈ.ઠગ લોકો દોડી આવ્યા. અરે ભાણા! તેં આ શું કર્યું. પત્નિને મારી નાખી? (વાસ્તવમાં લાજ પ્રથાને લીધે ઠગ લોકોએ નાલુજીનાં પત્નિનું મોં જોયેલ નહોતું ને મડદાને નાલુજીનાં પત્નનાં કપડાં પહેરાવેલ હતાં એટલે એટલે તેઓને લાગ્યું કે નાલુજીએ એની પત્નિને મારી નાખી છે)
અરે મામા ચિંતા ના કરો. તમે જોયા કરો શું થાય છે! એમ કહીને મડદાને ભેગું કર્યું અને ગાંસડી બાંધીને નજીકના કોઈક ખાડામાં કોઈ જુએ ના એમ દાટી આવ્યો. ઘેર આવીને છરી વડે ઝાડમાંથી એક ધોકો કાપ્યો અને ઘર વચ્ચે ધોકો મુકીને માથે ગોળ ગોળ છરી ફેરવતો ગયો ને બોલતો ગયો… હે છરી મારે તોય તું ને જીવાડે તોય તું. સાત વખત આ રીતે બોલીને પછી ઘોકો લઈને પડી ગયો કોઠા પર. કોઠો તુટ્યો ને અંદરથી નિકળી સ્ત્રી.
હાથ જોડીને સ્ત્રી નાલુજીના પગમાં પડી ગઈ. માફ કરો, હવે હું રસોઈ બનાવવાની ના નહીં પાડું. ઠગ લોકોએ નજરોનજર જોયુ ં. અરે! આ તો નાલુજીની પત્ની જ છે! એ જ કપડાં!
જમવાનું બની ગયું. પરંતુ ઠગ લોકોએ કોળીઓ ના ભર્યો. ભાણાએ પુછ્યું, શું વાત છે મામા! ઠગ લોકોએ કહ્યું, ભાણા આ છરી આપે તો જમીએ?!ભારે કરી મામા! આ છરીને મંત્રાવાનો ખર્ચ બે લાખ થયો છે. આપીને લઈ જાઓ. હું બીજી મંત્રાવીશ. ઠગ ભાઈઓ જમીને ઘેર ઉપડ્યા. ઘેરથી એક ભાઈ બે લાખ લઈને નાલુજીના ઘેર આવી રૂપિયા ગણી આપીને છરી લઈને ચાલતો થયો.
ઘેર બધા ઠગોએ ભેગા મળીને દરેકની પત્નિઓને અખતરો કરવા વગર વાંકે મારી. બધી પત્નિઓ રિસાઈ ગઈ. જમવાનું બનાવી આપવાનો દરેકે ઈન્કાર કર્યો. ઠગ ભાઈઓને એટલું બહાનું જોઈતું જ હતું. દરેકે વારાફરતી છરી વડે પત્નિઓને રહેંસી નાખી.
બધું વાળી ચોળીને દાટી દીધું.સૌથી પ્રથમ મોટાભાઈએ ધોકો કાપીને વાક્યો દોહરાવ્યાં, હે છરી મારે તોય તું ને જીવાડે તોય તું ને પછી ધોકો લઈને કોઠા, કોઠી પર પડી ગયો. કોઈકમાંથી કઠોળ નિકળ્યું તો કોઈકમાંથી અનાજ! સ્ત્રી થોડી નિકળે!!!! સાતેય ભાઈઓએ જાદુ અજમાવી જોયું. હવે દરેકને છેતરાયાનો અહેસાસ થયો. દરેકના મોંઢે એક જ વાક્ય, હવે ભાણાને એક મિનિટેય જીવતો ના રખાય!
અહીં નાલુજીને ખબર જ હતી એટલે દેરી ચણાવીને એમાં અસ્ત્રો લઈને બેસી ગયો એમાં. ઠગ ભાઈઓએ ઝાંપે પગ મુકતાં જ નાલુજીની પત્નિ પોકે પોકે રોવા લાગી. ઠગોએ હકીકત પુછતાં જ જવાબ મળ્યો કે કંઈક અચાનક થઈ ગયું તે બેઠાં બેઠાં જ ઢળી પડ્યા.
ઠગ ભાઈઓએ એક સાથે કહ્યું કે હવે તો આ બધું આપણે અહીંથી લુટીને લઈ જઈશું પરંતુ એ ખરેખર મર્યો છે કે કેમ એની તપાસ તો કરીએ?!
સૌથી મોટા ભાઈએ સમાધીની બારીમાં મોં રાખ્યું એ સાથે જ નાલુજીએ ઘસીને નાક વાઢી નાખ્યું. મોટાભાઈને સમજમાં આવી ગયું કે, ભાણો મર્યો નથી પરંતુ હું કહીશ તો હું એકલો બુચ્ચો રહીશ એમ વિચારીને નાક આડે હાથ રાખીને એ બોલ્યો, આમાં તો કંઈક ગંધાય છે.બીજો કહે આઘે ખસ, મને જોવા દે. એની પણ એ જ પરિસ્થિતિ ને એ જ વિચાર. જ્યારે સાતમાનું નાક કપાયું ત્યારે એ બોલ્યો કે મારુ નાક કપાયું. પછી તો બધાય બોલ્યા કે મારુ પણ કપાયું છે.
દેરી તોડીને ભાણાને બહાર કાઢી ગાંસડીમાં બાંધીને નિકળ્યા પાતાળ કુવામાં નાખવા. કુવો ખાસ્સો દુર હતો. વચ્ચે એક ખેતરમાં છાણું સળગતું જોઈને ગાંસડી મૂકીને સાતેય ગયા ચલમ પીવા. નાલુજીએ ગાંસડી આરપાર એક ગાયો,ભેંસો,ઘેટાં, બકરાં ચરાવતા માણસને જોયો જે ગાંસડી પાસે આવી રહ્યો હતો. એને જોતાં જ નાલુજી ધીમે ધીમે કહેવા લાગ્યા, નહીં પરણું નહી પરણું. પેલો માણસ નજીક આવ્યો, એણે આ સાભળીને પુછ્યું, કેમ ભાઈ આવું બોલે છે?
નાલુજી કહે, મારે પરણવું નથી ને મારા ભાઈઓ મને પરણાવવા લઈ જઈ રહ્યા છે. પેલા માણસે કહ્યું, મારે પરણવું છે.
તો ઝડપથી મને છોડ. છોડતાં જ નાલુજીએ પેલાને બાંધી દીધો ને કહ્યું કે, ધીમે ધીમે નહીં પરણું નહીં પરણું એમ બોલતો રહેજે.
ચલમ પીને આવેલ ઠગોએ પાતાળ કુવામાં ગાંસડી પડતી કરીને કહ્યું કે ચાલો હવે ભાણાને ઘેર જઈને આપણું બધું પાછું લઈ લઈએ….
ઝાંપે વળતાં જ ઠગ ચોંકી ગયા.ખાટલામાં બેઠા બેઠા નાલુજી હોકો ગડગડાવી રહ્યા હતા. ડેલીએ વળતાં જ નાલુજીએ ઠગોને કહ્યુ, શું કહ્યું તમને મામાઓ? મને ઘંટીનું પડીયું બાંધીને કુવામાં નાખ્યો હોત તો કેટલું સારુ હતું. આ પાણીની ઉપર આ બધી ગાયો,ભેંસો,ઘેટાં, બકરાં તરતાં હતાં એ લઈને આવી ગયો. જો ઘંટીનું પડીયું બાંધીને નાખ્યો હોત તો નીચે તો સોનાના ચરુ ભરેલ હતા.
મામાઓને એમ જ હતું કે આપણે ભાણાને જ કુવામાં નાખ્યો હતો અને આ તો અહીં જીવતો જાગતો બેઠો છે એટલે એની વાત સો ટકા સાચી છે.
બધા ઠગ એકી અવાજે બોલ્યા, ભાણા તેં અમને બધી રીતે પાયમાલ કર્યા છે તો હવે આ સોનાના ચરુ માટે અમને કુવામાં નાખ તો અમે પણ ફરી પાછા પૈસાદાર થઈએ.
નાલુજીએ કહ્યું, ધીમે બોલો મામાઓ, કોઈ સાંભળી જશે તો આપણા પહેલાં ચરુ કાઢી લેશે ને બીજી વાત એ કે, મનેય એમાંથી થોડો ભાગ આપજો…..
ઠગ ભાઈઓ સંમત થયા.. સૌથી પહેલાં મોટાભાઈને ઘંટીનું પડીયું બાંધીને નાખ્યા કુવામાં. પાણી ઉંડું અને નીચે વજન એટલે ડૂબતાં બચવા મોટાભાઈએ હાથ ઉંચા કર્યા. એનો અર્થ બાકીના ભાઈઓએ એ લીધો કે, એના એકલાથી ચરુ ખેંચાતા ના હોવાથી બધાંને બોલાવી રહ્યો છે.વારાફરતી બધાંને કુવામાં નંખાતા રહ્યા ને સૌ હાથ ઉંચા કરતા રહ્યા.
ઘેર નાલુજીનાં પત્નિએ બધાં ગાય ,ભેંસ, ઘેટાં ,બકરાં છોડી દીધાં.કોઈને વાતની ખબર ના પડે એ માટે… બધી
વાતનો છુટકારો કરી નાલુજી ઘેર આવ્યા. ઘેર સવા રૂપિયો લેવા પથરચાટ બેઠા જ હતા…
વાર્તા માત્ર નૂતન વર્ષના નિર્દોષ આનંદ માટે…
આ પણ વાંચો 👇