Skip to content

ચુનીલાલ મડિયા ની ટૂંકીવાર્તા – અંત:સ્ત્રોતા

ચુનીલાલ મડિયાની વાર્તાઓ - અંત:સ્ત્રોતા
7065 Views

ચુનીલાલ મડિયા ની શ્રેષ્ઠ વાર્તાઓ અંત:સ્ત્રોતા, શરણાઈ નાં સૂર, વાની મારી કોયલ, ઈચ્છાકાકા મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ, જીવદયા ચુનીલાલ મડિયા, મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ pdf, અંત:સ્ત્રોતા વાર્તા, લીલુડી ધરતી, ચુનીલાલ મડિયાની નવલકથા, વ્યાજનો વારસ નવલકથા, ઘૂઘવતાં પૂર’, ‘શરણાઈના સૂર’, ‘ગામડું બોલે છે’, ‘પદ્મજા’, ‘ચંપો અને કેળ’, ‘તેજ અને તિમિર’, ‘રૂપ-અરૂપ’, ‘અંતઃસ્ત્રોતા’, ‘જેકબ સર્કલ સાત રસ્તા’, ‘ક્ષણાર્ધ’, ‘ક્ષત-વિક્ષત’ એ એમના નવલિકાસંગ્રહો છે. chunilal madia ni shreshth vartao

અંત:સ્ત્રોતા – ચુનીલાલ મડિયાની વાર્તાઓ

મધરાતનો ગજર ભાંગી ગયો હતો. શેરીઓમાં સોપો પડી ગયો હતો. પાણીશેરડે જળ જંપી ગયાં લાગતાં હતાં. પણ વરસોથી અકથ્ય અજંપો વેઠી રહેલ જાનબાઈની આંખમાં નીંદર નહોતી. સાંગામાંચી જેવા ખાટલા પર તેઓ આમથી તેમ પડખાં ફેરવતાં હતાં. ઘડીક વાર પાંપણ ભારે થતી હતી, પોપચાં બિડાતાં હતાં અને એકાએક ભૂતકાળની કોઈક ભયંકર યાદ તાજી થતાં તેઓ ઝબકીને જાગી જતાં હતાં. ફરી આંખ ઘેરાતી હતી, ફરી પાંપણ બિડાતી હતી અને ફરી એમનું અજાગ્રત મન અતીતની પરકમ્માએ ઊપડી જતું હતું.

કાગાનીંદર જેવી અર્ધસુષુપ્ત અવસ્થામાં જ ડેલીને બારણે સાંકળ ખખડતી સાંભળી અને જાનબાઈ ઝબકીને જાગી ગયાં. ‘કોણ?’ માથા પર મલીર ઢાંકીને ખાટલામાંથી ઊભાં થતાં જાનબાઈએ પૂછ્યું.

‘ઉઘાડો!…ખડકી ઉઘાડો ઝટ, માથે મોટો ભાર છે.’ બહારથી અધીરો અવાજ આવ્યો.

‘એ…આ દીવે વાટ સંકોરીને આવી!’ મોરવાયેથી મીઠા તેલનો દીવો વધારે સતેજ કરતાં જાનબાઈએ ઉત્તર આપ્યો. પછી મનમાં વિચાર્યું: ‘કોણ હશે આટલું અસૂરું?…સાદ તો ક્યાંક સાંભળ્યો હોય એવો લાગે છે…કોઈ મહીમહેમાન?…પણ આટલાં અસૂરાં તો કોણ મહેમાન આવે?…’ હાથમાં મોઢિયો દીવો લઈને જાનબાઈ ઝડપભેર ખડકી તરફ ગયાં. આશંકા અને જિજ્ઞાસાના મિશ્ર ભાવો સાથે એમણે ડેલીનો તોતિંગ આગળિયો ઉઘાડ્યો અને આવનારના મોં સામે દીવો ધરીને કુતૂહલભરી નજરે તાકી રહ્યાં.

પણ આગંતુકને અત્યારે ઔપચારિક આવકાર મળે ત્યાં સુધી બહાર થોભવાનો સમય નહોતો – સલામતી પણ નહોતી. એ તો, બારણું ઊઘડતાં જ ઝડપભેર અંદર ધસી આવ્યો, પોતાની મેળે જ ખડકીનું બારણું વાસી દીધું ને માથે આગળિયો પણ ભીડી દીધો. આવનારની આવી વિચિત્ર વર્તણૂકથી જાનબાઈ ડઘાઈ ગયાં. ફરી એમણે આ અજાણી વ્યક્તિના મોં સામે દીવો ધરીને ઓળખાણ પાડવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં નિષ્ફળ જતાં આખરે પૂછી જ નાખ્યું: ‘કોણ? કોણ તમે?’

આવનાર માણસ આફતોથી ઘેરાયેલો હોવા છતાં આ પ્રશ્ન સાંભળીને હસી પડ્યો અને સામો પ્રશ્ન કર્યો: ‘બસ? ભૂલી ગયાં? સાદ તો ન ઓળખ્યો પણ આટલાં વરસમાં અણસાર પણ સંચોડો ભૂલી ગયાં?’

જાનબાઈ ઝીણી નજરે આવનાર માણસનો અણસાર અવલોકી રહ્યાં. વધી ગયેલી સેંથકની દાઢી વચ્ચેથી એની મુખરેખા ઓળખવી મુશ્કેલ હતી પણ સ્નેહ નીતરતી ચમકીલી આંખ તરફ થોડી વાર તાકી રહેતાં વરસો જૂની પિછાણ તાજી થઈ અને તુરત જાનબાઈના અંગેઅંગમાં એક કમ્પારી પસાર થઈ ગઈ.

ધ્રૂજતે અવાજે પૂછ્યું: ‘તમે…તમે વાહણના બાપુ તો નહીં?’

‘અંતે ઓળખ્યો ખરો!’ આવનાર ફરી વાર ધીમું હસ્યો.

‘પણ તમે તો તાલુકાની જેલમાં હતા ને? ઓચિંતા અહીં ક્યાંથી?’

‘જેલમાંથી ભાગી છૂટ્યો છું.’

‘હેં?’ જાનબાઈથી ચીસ પડાઈ ગઈ: ‘ભાગી છૂટ્યા–?’

‘હળવે…હળવે સાદે બોલો.’ આવનારે સૂચના આપી. ‘કોઈ સાંભળી જાશે તો મારો સગડ નીકળશે.’

‘અરે રે! હું કેવી અભાગણી કે સગા ધણીનેય ઓળખ્યા નહીં ને ‘કોણ છો તમે?’ કરીને ઊભી રહી!’ જાનબાઈએ ક્ષમાયાચક સ્વરે કહ્યું.

‘બાર બાર વરસના વિજોગ પછી ક્યાંથી ઓળખાઉં? મારા દીદાર પણ સંચોડા બદલી ગયા છે…એમાં તમારોય શો વાંક?’ કહીને થાકીને લોથ થઈ ગયેલો દેવાયત માચી ઉપર જ બેસી ગયો. જાનબાઈ વરસો જૂની આદત પ્રમાણે પતિના પગ પાસે, નીચે જમીન પર જ બેઠાં અને દેવાયતના પગ દાબતાં દાબતાં પૂછ્યું:

‘પણ તમે જેલમાંથી ભાગી આવ્યા શું કામ? સરખી વાત તો કરો!’

‘જેલ જિરવાણી નહીં.’

‘જિરવાણી નહીં? બાર બાર વરહ લગણ તો –’

‘જીરવી જોઈ,’ દેવાયતે કહ્યું, ‘પણ હવે વધુ જિરવાય એમ નહોતું. ઘંટી પીલીપીલીને પંડ્યમાં કો’ક રોગ ગરી ગ્યો તો –’ ‘આકરી જાત-તોડ્ય…ને એમાં વળી જેલના રોટલા…કાયા ક્યાંથી કામ કરે?’ ‘અધમણ અધમણનાં દળણાં દળતાં દળતાં આંખે અંધારાં આવી જાતા’તાં…’

‘આવે જ ને! હવે અવસ્થાય કાંઈ નાની છે?’ જાનબાઈએ પતિના મોં તરફ તાકી રહીને કહ્યું. ‘માથા ઉપર સમ ખાવાનેય એક કાળો મોવાળો ક્યાં કળાય છે?’

‘ને પાછી જનમટીપની જેલ…નહીં આરો કે નહીં અનળગો!’ દેવાયતે ઉદ્ગાર કાઢ્યો.

‘જનમટીપમાંથી તો કાંઈક કપાણું’તું એમ સાંભ્યું’તું ને? પોણા પોણા વરસ ગણીને સજામાં ઘટાડો થ્યો’તો ને?’

‘તોય હજી બીજાં છ વરસ બાકી રેતાં’તાં…પાકાં છ વરસ!’

‘હજી છ વરસ વધારે ભોગવવાનાં હતાં? અરે ભગવાન! કરમમાં લાંબા વિજોગ લખ્યા હોય એ ખોટા કેમ કરીને થાય?’ જાનબાઈએ આર્ત અવાજે કહ્યું. પછી જરા વાર રહીને ઉમેર્યું, ‘પણ બાર બાર વરસ ખેંચી કાઢ્યાં એમ બીજાં છ વરસ પણ –’

‘ખેંચાય એમ જ નહોતું,’ દેવાયતે વચ્ચે જ ઉત્તર આપી દીધો. ‘ડિલ આખું તૂટતું’તું…હાડકેહાડકું કળતું’તું.’

‘ઘરના ઘડેલા રોટલા ન જડે પછી હાડકાં તો કળે જ ને! ડિલ ક્યાંથી કહ્યું કરે! કરમમાં વીતક માંડ્યાં હશે!’ નિસાસો નાખીને જાનબાઈ ઊભાં થયાં અને પાણિયારે કળશો ભરવા ગયાં. પુત્રને પયઘૂંટ પાતાં હોય એટલા વાત્સલ્યથી જાનબાઈએ પાણી પાતાં પાતાં કહ્યું: ‘લ્યો આ ઢોલિયો ઢાળું…થાક્યાપાક્યા આવ્યા છો તી બે ઘડી લાંબો વાંસો કરો.’

‘મધરાત થઈ ગઈ તોય હજી ઢોલિયો ઢાળ્યો જ નથી?’ દેવાયતે કુતૂહલથી પૂછ્યું.

‘કિયે સુખે ઢોલિયો ઢાળવો મારે? આ સેજ ઉપર કિયે સુખે મને નીંદર આવે?’ ઢોલિયા ઉપર ધોળીફૂલ ધડકી બિછાવતાં જાનબાઈએ ઉમેર્યું, ‘તમને તાલુકે લઈ ગયા તે દીનો ઢોલિયો તો આ ખૂણામાં ઊભો કરી મેલ્યો છે. હું તો આ પાગરણ ઉપર પડી રહું છું.’

સાંભળીને દેવાયતનું હૃદય દ્રવી ઊઠ્યું. બોલ્યો: ‘ભારી કષ્ટ વેઠ્યાં તમે તો –’

‘તમ કરતાં ઓછાં,’ જાનબાઈએ જવાબ આપ્યો, ‘તમે તો અમ સારુ થઈને જાત નિચોવી નાખી. પારકું પાતક પોતા ઉપર ઓઢી લીધું. ગનો કર્યો વાહણે ને કબૂલાત કરી તમે!’

‘વાહણ કાંઈ પારકું માણસ થોડું હતું?’ દેવાયતે કહ્યું. ‘પેટનાં જણ્યાં ભૂલ કરી બેસે તો માબાપે ભોગવી લેવી પડે.’

‘વાહણ પેટનો જણ્યો ખરો, પણ મારો પોતાનો.’ જાનબાઈએ પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવ્યું. ‘તમે મર એને સગા દીકરાથીય સવાયો ગણો. પણ અંતે તો ઈ મારો આંગળિયાત જ ને?’

‘આંગળિયાત હોય કે અંગનો હોય. મારે મન તો વાહણ દીકરો જ.’

‘ઈ તો તમારા મનની એટલી મોટપ. બાકી વાહણનો સાચો બાપ તો પાણશિંગાનો દુદો આયર જ ગણાય, ને! દુદો આયર દેવ થ્યા કેડે તમારે આંગણે મેં હેલ્ય ઉતારી ને ભેગો વાહણને આંગળીએ લેતી આવી.’

થોડી વાર આ દંપતી ભૂતકાળનાં સુખદ-દુખદ સંસ્મરણોમાં ડૂબકી મારી ગયાં. બંનેની ચિત્તનદીઓનાં વહેણ જુદી જુદી દિશાઓમાં વહેતાં હતાં. છતાં અંતે એમના સમરસ અને સંવાદી જીવન-વહેણની જેમ એ એક જ સંગમસ્થાને આવી મળતાં હતાં. તુરત દેવાયતને યાદ આવ્યું કે પત્નીએ વાહણને ‘આંગળિયાત’ કહીને બાપ-દીકરા વચ્ચે જુદાઈનો – જરાક જ જુદાઈનો – ભાવ સૂચવ્યો છે. પોતાના પ્રસન્ન, પ્રેમ પ્લાવિત દામ્પત્યમાંથી જુદાઈની આવી જરાસરખી લાગણી પણ સહન ન થતાં દેવાયતે કહ્યું:

‘ઈ આંગળિયાત તો મારી આંખનું રતન. એને સુખે હું સુખી, એને દુ:ખે હું દુ:ખી.’

‘એટલે તો તમે વાહણને સુખી કરવા આટઆટલાં દુ:ખ વોરી લીધાં ને!’ પત્નીએ સમર્થન કર્યું. ‘ગીગા કણબીને કુવાડી તો વાહણે મારી’તી પણ ખૂનનું તહોમત તમે જ માથે લઈ લીધું.’

‘લઈ જ લેવું પડે ને! છોકરે તો જુવાનીના તોરમાં કણબીને ઝાટકે દીધો, પણ મેં સંધુંય માથે ઓઢી ન લીધું હોત તો આજે મારી જગાએ વાહણ જનમટીપમાં પડ્યો હોત.’

આ પ્રસંગ હજી ગઈ કાલે જ બન્યો હોય એમ જાનબાઈની આંખ સામે આખી ઘટના તાદૃશ થઈ ગઈ. દેવાયતે પોતાની નવી પરણેતરના આંગળિયાત પુત્ર વાહણને હોંશે હોંશે પરણાવેલો. કંકુની પૂતળી સમી વાહણની વહુ સોનલ ઝીંઝાવદરમાં આવી ત્યારે ગામ આખાએ એકી અવાજે કહેલું: ‘આવાં દેવાંશી રૂપ તો જન્મારામાં ક્યાંય દીઠાં નહોતાં.’ આવાં દેવાંશી રૂપે ગીગા નામના એક નાદાન કણબીને દઝાડેલો.

કહેવાય છે કે ગીગો આ રૂપરૂપના અંબારમાં અંજાઈ જતાં એણે કશુંક અટકચાળું કરેલું. એ અંગે વાહણના કાનમાં કેટલાક ભાઈબંધોએ ભંભેરણીનું ઝેર રેડેલું. ઊગતી જુવાનીના અવિચારીપણામાં વૈરભાવનું ઝનૂન ભળ્યું, ને વાહણે લાગ ગોતીને ગીગા કણબીને કુહાડીને ઝાટકે માર્યો…તાલુકેથી ફોજદાર તપાસ કરવા આવેલા એ કારમી રાતના ભણકારા તો જાનબાઈની સ્મૃતિમાં કોઈ ભંયકર દુ:સ્વપ્નની જેમ આજ સુધી વાગ્યા જ કરતા.

દેવાયતે અજબ દિલાવરી ને દૂરંદેશીથી હિંમતભર્યો નિર્ણય કરી નાખેલો અને દીકરા પરનો આરોપ પોતે ઓઢી લીધેલો. ‘મલક આખામાં ક્યાંય સાંભળ્યું છે કે ગનો એક જણ કરે ને સજા બીજો ભોગવે?’ બાર વરસ પહેલાંનો એ બનાવ યાદ આવતાં જાનબાઈનું હૃદય વલોવાઈ ગયું.

‘મેં કર્યું ઈ બરોબર જોઈ-વિચારીને જ કર્યું’તું, દેવાયતે જવાબ આપ્યો, ‘હું ગમે તેમ તોય ખાઈ-પી ઊતરેલો, ને વાહાણ હતો જવાનજોધ. એને હજી જંદગાની જોવાની બાકી હતી. લબરમૂછિયા છોકરાને જનમટીપ પડી હોત તો ઈનો આખો અવાતર રોળાઈ જાત.’

નીરવ રાત્રિમાં મૌન પથરાયું. જાનબાઈનું હૃદય મૂગું મૂગું રડતું હતું અને દેવાયતને એ અશ્રુત રુદનની અનુભૂતિ થતી હતી. આવું નિ:શબ્દ વાતાવરણ જાનબાઈથી જિરવાય એમ નહોતું. તેઓ એકાએક બોલી ઊઠ્યાં: ‘અરે! વાતુમાં ને વાતુમાં વાળુ કાઢવાનું તો સંચોડું ભૂલી જ ગઈ! ભૂખ્યા થયા હશો સારીપટ. લ્યો, દૂધ-રોટલો કાઢી આવું-’

‘રેવા દિયોને દાખડો. ટાઢે પહોરે સંચાર થાશે તો કો’કને વેમ આવશે.’ દેવાયતે ફરી પોતાની દહેશત કહી સંભળાવી. પછી ઉમેર્યું: ‘સવારે સહુ ભેગાં બેહીને શિરાવશું…વાહણ ઊંઘી ગયો છે?’

‘ઊંઘી ગયો હોય તો હું એને ઉઠાડ્યા વિના રહું ખરી?’ જાનબાઈએ કહ્યું: ‘વાહણ તો સરકારમાં રિયો છે. ગામમાં પસાયતું કરે છે. આખી રાત રોનપેરો ભરીને મળસ્કે ઘેરે આવશે.’ સાંભળીને દેવાયત ચમકી ઊઠ્યો. પત્નીના શબ્દો સાંભળીને જાણે કે દાઝી ઊઠ્યો હોય એમ એણે પૂછ્યું:

‘પસાયતો? વાહણ પસાયતો થયો છે?’

‘હા. હજી હમણાં જ નોકરી નોંધાણી છે.’ જાનબાઈએ સંપૂર્ણ સ્વસ્થતાથી જવાબ આપ્યો: ‘ભાદરે છેલ મારી તંયે ગાંડરાં-બકરાં સોત ઝીણોમોટો સંધોય માલ તણાઈ ગયો એમાં આપણું ખાડું ભાંગી ગયું. પછી સરખાઈ આવી જ નહીં ને વાહણ નિમાણો થઈને બાર બાર મહિનાથી ઘેરે નવરો બેઠો’તો. હમણાં વળી એક મકરાણી પસાયતાની જગા ખાલી થઈ એમાં પોલીસપટેલે વાહણને વીસુમાં બે ઓછા રૂપિયાનો મહિનો બાંધી દીધો.’

સાંભળીને દેવાયત તો ઠંડોગાર થઈ ગયો. માત્ર આટલું જ બોલી શક્યો: ‘તંયે તો હું આંહી ખોટે ઠેકાણે આવી ઊભો!’

‘કાં? કાં?’ આમ કાં બોલો?’ જાનબાઈ ચોંકી ઊઠ્યાં.

‘વાહણ તો સરકારનો નોકર ગણાય. સરકારનો પસાયતો ઊઠીને સરકારના જ કેદીને કેમ કરીને સંઘરે?’

‘પણ ઘર તો મારું છે કે વાહણનું?’ પત્નીએ સધિયારો આપ્યો. ‘હું તમને સંઘરીશ. કોઈને ગંધ શેની જાય કે તમે આ ઘરમાં સંતાણા છો?’

‘ના, ના. એવું જોખમ નો ખેડાય.’ દેવાયતે ભય બતાવ્યો, ‘વાહણનો માંડ કરીને બંધાણો ઈ રોટલો ટળી જાય –’

‘કાલ ટળતો હોય તો મર આજ ટળે!’ જાનબાઈએ મક્કમ અવાજે સંભળાવી દીધું. ‘રૂપરડી તો રોકડી અઢારની વાત છે કે વધારે?’

‘ના, ના. મને અહીંથી નીકળી જાવા દિયો ઝટ. ઠાલાં મોફતનાં પોલીસનાં ધાડાં આવશે તો તમારે કઠણાઈ થઈ પડશે. હું જાઉં ઝટ…’

‘એમ તી જાવાતાં હશે?’ જાનબાઈએ યાચક અવાજે પૂછ્યું. ‘આટલે વરસે ઓચિંતા આંગણે આવ્યા ને પંડ્યને ઘેરેથી જ ભૂખ્યે પેટે પાછા જાશો?’

‘હું તો વાહણ ને એનાં છોકરાંનું મોઢું જોવા અવ્યો’તો. પણ હવે કો’ક વાર ફરીથી આંટો આવી જાઈશ, જો જીવતો રિયો તો.’ ઢોલિયા પરથી ઊભા થતાં દેવાયતે કહ્યું, ‘અટાણે તો હાલી નીકળવા દિયો –’

‘વાહણને હું અબઘડી બરકું છું. વવ-છોકરાં મેડા ઉપર ઊંઘી ગયાં છે પણ ઘડીક વાર સહુને ઊઠાડીશ.’ પત્નીએ પતિને સમજાવવા પ્રયત્ન કર્યો. ‘પણ પેલા પરથમ તમે દૂધ-રોટલો ખાઈ લ્યો ઝટ.’

‘પણ મારે વાંકે વાહણને બચારાને –’

‘વાહણનું તો કરમમાં માંડ્યું હશે ઈમ થાશે…તમતમારે વાળુ કરી લ્યો. હવે ના ભણે ઈને મારા સમ છે…ઊઠો ઝટ, ઊઠો…’

જાનબાઈના આગ્રહને વશ થઈને દેવાયત ઢોલિયા પરથી ઊભો થયો ને અચકાતો અચકાતો પત્નીની પાછળ રાંધણિયામાં ગયો. જાનબાઈએ હોંશે હોંશે કાંસાની થાળીમાં મજાનો મઢો રોટલો મૂક્યો. દોણીમાંથી તાંસળી ભરીને દૂધ પીરસ્યું. કોઠલો ઉઘાડીને ગરમરના અથાણાની ચીર કાઢી. જેલના રસોડાનાં કાચાંપાકાં ભાખરાં વડે પેટ ભરનાર દેવાયત માટે આજનો ભોજનથાળ મનભાવતો હતો. પત્નીની અમીભરી આંખમાંથી વરસતા ભાવ તો ભોજન કરતાંય વધારે મિષ્ટ હતા. દેવાયતે માંડ અરધો રોટલો ખાધો હશે ત્યાં તો ખડકીને બારણે સાંકળ ખખડી.

જાનબાઈ ચોંકી ઊઠ્યાં. સાદ પાડ્યો: ‘કોણ?’

‘માડી, હું વાહણ!’ શેરીમાંથી અવાજ આવ્યો.

દેવાયતના હાથમાં રોટલાનું બટકું થંભી ગયું. ‘એ…આવી, હો ગગા!’ કહીને જાનબાઈ ઊભાં થયાં…ડેલીનો આગળિયો ઉઘાડવા જતાં મનમાં ગણગણ્યાં: ‘સબળ આજ વાહણ અધરાતે ઘેર આવ્યો!’

એક હાથમાં બેટરી, બીજા હાથમાં છાપું ને ખભે બ્રિજલોડ બંદૂક લઈને પસાયતાના વેશમાં વાહણ ઓસરીમાં આવ્યો. જાનબાઈ તરફ જોઈને એ ભયભીત અવાજે બોલ્યો: ‘મા…મા! મારા બાપુ તાલુકેથી જેલ તોડીને ભાગ્યા –’

‘આંયાંકણે રાંધણિયામાં જ છે…રોટલો ખાય છે –’

‘હેં?’ વાહણનો સાદ ફાટી ગયો. પૂછ્યું: ‘કયુંકના આવ્યા છે?’

‘થોડીક વાર થઈ’ કહીને જાનબાઈએ સામું પૂછ્યું: ‘પણ તને કોણે વાવડ દીધા?’

‘ગેટ ઉપર ટેલિફોન આવી ગયો, તાલુકા ફોજદારનો…ને આ ચોપાનિયામાંય છપાણું છે.’

‘સાચોસાચ?’

‘હા. આમાં લખે છે કે ભાગતાં ભાગતાં જેલના એક ચોકિયાતનું ઢીમ ઢાળતા આવ્યા છે.’

‘તારું મોઢું જોવા આવ્યા છે, ગગા!’ જાનબાઈએ હરખભેર કહ્યું, ‘તું ઠીક ટાણાસર આવી પૂગ્યો.’

‘પણ ટેલિફોનમાં કિયે છે કે આપણા ઝીંઝાવદરની સીમ લગણ મારા બાપુના સગડ નીકળે છે ને સગડે સગડે સિપાઈની ઘીસત આવે છે… વાંસોવાંસ –’

‘વાંસે ઘીસત ચડી છે?’

‘હા, અબઘડીએ આવી પૂગી સમજો!’ વાહણે કહ્યું. ‘પગેરું કાઢતાં શી વાર લાગે?’ ઓસરીમાં મા-દીકરા વચ્ચે થયેલી આટલી વાતચીત સાંભળ્યા પછી રાંધણિયામાં રોટલો ખાઈ રહેલ દેવાયતનો જીવ હાથ ન રહ્યો. એક હાથમાં રોટલાનું બટકું ને બીજા હાથમાં દૂધની તાંસળી લઈને એ ઓસરીમાં ધસી આવ્યો ને પૂછ્યું:

‘શું કીધું? ઘીસત આવે છે?’

કેદીના વેશમાં પણ પિતાને ઓળખી જતાં વાહણ એના પગમાં પડી ગયો. ગદ્ગદિત સ્વરે બોલવા લાગ્યો: ‘બાપુ!…બાપુ!’ દેવાયતે વાહણના માથા પર હાથ મૂકીને આશીર્વાદ ઉચ્ચાર્યા: ‘જીવતો રે દીકરા!’ અને પછી પૂછ્યું: ‘પણ તને કોણે કીધું કે મારી વાંસે વહાર ચડી છે?’

‘તાલુકેથી ટેલિફોન –’

‘શું? શું?’ દેવાયતને આ અંગ્રેજી શબ્દ જ સાવ અપરિચિત લાગ્યો.
જાનબાઈએ સમજણ પાડી: ‘તમે ગયા પછી નવી ભાતનાં ભૂંગળાં નીકળ્યાં છે, એમાં ગમે એટલે આઘેથીય સામું માણસ હરુભરુ વાતચીત ફરી શકે.’

‘સાચોસાચ?’

‘હા, બાપુ!’ વાહણે કહ્યું, ‘પોલીસપટેલ હારે તાલુકા ફોજદારે વાતચીત કરી લીધી કે દેવાયતના ખોરડા ઉપર નજર રાખજો.’

સરકારે કારહા પણ કાંઈ જેવાતેવા કર્યા છે!’ જાનબાઈ બોલ્યાં.

જાનબાઈએ પુત્રની સામે સચોટ પ્રશ્ન ફેંક્યો: ‘તારો પંડ્યની માંયલો તને શું કિયે છ? જે બાપે દીકરા સારુ થઈ પોતાનો અવતાર બાળી નાખ્યો એને એક રાતવાસો દેવા જેટલીય તારા પેટમાં દયા નથી?’

‘પણ રાતવાસો રેશે કેમ કરીને, મા?’ વાહણે બીતાં બીતાં કહ્યું. ‘ ‘પોલીસની પલટણ આખી સીમને ઘેરી લેશે એમ લાગે છે.’ વાહણે ભય બતાવ્યો.

‘પલટણ આવી પૂગે ઈ મોર્ય જ હું ભાગી નીકળું તો?’ દેવાયતે પૂછ્યું.

‘નથી ભાગવું! તમે રોટલો તો ખાઈ લ્યો પૂરો!’ જાનબાઈએ ઉગ્ર અવાજે કહ્યું: ‘થાશે થાવાનું હશે એમ…પીરસેલ ભાણેથી ઊઠો તો અપશકન –’

‘હવે આવે ટાણે તી શકન કે અપશનક જોવાતાં હશે! મને સીમ સોંસરવો નીકળી જવા દિયો.’ દેવાયતે કહ્યું, ‘રાતોરાત ગર્યમાં ઊતરી જાઈશ… પછે ગર્ય તો માનું પેટ…ગમે એટલી ઘીસત વાંસે ચડે તોય ગોતી ન શકે.’

‘નથી જાવું ગર્યમાં.’ જાનબાઈએ સંભળાવી દીધું. વચ્ચે વાહણ બોલવા ગયો:
‘પણ મા –’

‘ભલે ચડી ઘીસત!’

ફરી વાહણ વચ્ચે બોલ્યો: ‘પણ મા, મારી નોકરી –’

‘નોકરી કાલ જાતી હોય તો આજ ભલે જાય.’ જાનબાઈએ એક જ વાક્ય વડે વાહણને મૂંગો કરી દીધો.

હવે દેવાયત બોલ્યો: ‘તમે ખોટી ધડ્ય કરો મા, ને ઝટપટ જાવા દિયો.’

‘તમે ઘડીક મૂંગા રિયો!’ જાનબાઈએ પતિને હુકમ ફરમાવી દીધો. પછી પોચટ સ્વભાવના પુત્રને પૂછ્યું: ‘ગગા વાહણ! તમને બાપ કરતાં નોકરી વધારે વાલી લાગે છે?’

‘પણ…પણ’ કરીને વાહણે ગારા ચાવવા માંડ્યા. ‘પોલીસપટેલે મને કીધું કે –’

‘પોલીસપટેલ તો ગમે એમ કિયે,’

‘અબઘડીએ પલટણ આવી પૂગશે ને ઘર આખામાં –’

‘એની ફિકર તું કરજે મા. તારા બાપુને ગમે એમ કરીને હું સંઘરી દઈશ.’ જાનબાઈએ સમજાવ્યું. ‘કમોદની કોઠી અરધિયાણ ખાલી થઈ ગઈ છે એમાં ઉતારી દઈશ…જિંદગી આખી એમાં પડ્યા રિયે તોય કોઈને વેમ નો આવે.’

‘એવાં જોખમ ખેડવાં રેવાં દિયો!’ દેવાયતે કહ્યું. ‘ઠાલી મારે વાંકે તમ ઉપર આપદા આવી પડશે. મારે હવે જીવવું કેટલું ને વાત કેટલી?’ દેવાયત બોલતો હતો ત્યાં જ દૂર દૂરથી મોટર-ખટારાના ધમકારા કાને પડ્યા અને વાહણ ચોંકી ઊઠ્યો.

‘મોટરું આવી પૂગી કે શું?’ કરતોકને એ ઢોલિયાની ઈસ પર ચડી ગયો ને જાળિયામાંથી વગડા તરફ નજર કરીને બોલી ઊઠ્યો: ‘હા…આ આંબલિયાળી વાડી પાસે ઉજાસ કળાય!’ અને પછી ભયભીત અવાજે ચીસ પાડી: ‘બાપુ!’

‘હું જાઉં છું’ દેવાયત બોલ્યો.

‘પણ કેની કોર જાશો આવી કાળી રાતે?’ પત્નીએ પૂછ્યું.

‘ચોખૂટ ધરતી પડી છે!’ દેવાયતે અજબ આત્મશ્રદ્ધાથી કહ્યું: ‘જહાધારને માર્ગેથી ગર્યમાં કનકાઈમાતા દીમનો ઊતરી જાઈશ. સાસણનું જંગલ અજાજૂડ પડ્યું છે. નાંદીવેલાની બોખ્યુમાં નિરાંતે પડ્યો રૈશ તો જિંદગી આખી કોઈ નામ નૈ લ્યે.’

વાહણને આવી વાતચીતમાં બહુ રસ નહોતો. એ તો ઢોલિયાની ઈસ ઉપર ઊભો ઝીણી નજરે જાળિયાની બહાર જ જોઈ રહ્યો હતો. થોડી વારે ઓચિંતો એ બોલી ઊઠ્યો: ‘આ ખટારાની બત્તીના શેરડા ઝબક્યા! મસાણખડી લગણ આવી પૂગ્યા લાગે છે!…હવે?’

‘હવે ઝટ નીકળી જાવા દિયો મને, નીકર ટાણું નહીં રિયે તો ઝલાઈ જાઈશ.’ દેવાયત અધીરો થઈ ગયો.

‘કેમ કરીને જાવા દઉં?’ જાનબાઈ બોલ્યાં, ‘મારો જીવ નથી હાલતો. આ ગઢપણમાં તમે કેમ કરીને –’

‘ગઢપણ છે એટલે જ આટલી ઉતાવળ કરવી પડે છે.’ દેવાયતે કહ્યું, ‘પંથ લાંબો કાપવાનો છે. ને ઝલાઈ જાઉં તો જેલમાં જ દેહ છોડવો પડે ને અવગતે જાવું પડે.’
દેહ છોડવાની અને અવગતે જવાની અમંગળ વાતો સાંભળીને જાનબાઈનું હૈયું હાથ ન રહ્યું. તેઓ કરગરી ઊઠ્યાં:

‘મને કોચવો મા, આવાં વેણ બોલીને કાળી રાતે મને કોચવો મા.’

પત્નીને સાંત્વન આપવા દેવાયતે કહ્યું: ‘હજી તો મારે દામાકંડમાં ખોળિયું પલાળવું છે ને તળસીશામની ઝાંખી કરવી છે. સિપાઈ-સપરાં મારો કેડો મેલશે પછી તો હું એ…ઈ.. ને નિરાંતે તળસીશામને પગથિયે માળા લઈને બેસી જાઈશ. તમે સહુ વરસોવરસ જાતરાને મસે નીકળતાં રેજો તો આપણા મોં-મેળા થાતા રેશે.’

દેવાયતનાં આવાં દિવાસ્વપ્નો જાનબાઈને શાતાદાયક લાગતાં હતાં – પણ પુત્રને તો એ કંટાળો જ પ્રેરતાં હતાં. પોતાની ધીરજનો અંત આવતાં વાહણ બોલી ઊઠ્યો:

‘બાપુ, હવે ઝટ કરો!…આ તેલની ગાડીને આંબતાં વાર નહીં લાગે ને ઠાલાં મોફતનાં ઘડીક સારુ થઈને ઘેરાઈ જાશો.’

જાનબાઈનું કલ્પાંત ચાલુ હતું: ‘અરે રે! તમે તો રોટલોય પૂરો નો ખાધો! હું અભાગણી તમારે આંગણે આવી ને –’

‘વાહણ! એલા વાહણ હે…એ!’ ખડકી બહારથી વાહણના નામનો પોકાર થયો.
‘એ…આવ્યો! આવ્યો!’ વાહણે જવાબ આપ્યો. પછી જાનબાઈને કહ્યું: ‘પોલીસપટેલ સાદ કરે છે…ઘીસત આવી પૂગી લાગે છે!’

‘આવી પૂગી?’ જાનબાઈનો અવાજ તરડાઈ ગયો.

વાહણે પિતાને સલાહ આપી: ‘બાપુ, હવે તમે દખણાદી દૃશ્યાએ ભીમોરાને ઝાંપેથી નીકળી જાજો, હો! ઓતરાદે ઝાંપે તો નાકું બાંધી દીધું હશે…લ્યો હવે હું જાઉં.’

ખડકી તરફ જતા વાહણની આડે ઊભાં રહીને જાનબાઈ બોલ્યાં: ‘રેવા દે, ગગા! રેવા દે; આવી નોકરિયું કરવા તારે નથી જાવું.’ પણ તુરત દેવાયતે જાનબાઈને વધારે બોલતાં વાળી લીધાં. કહ્યું:

‘વાહણનો મારગ રોકો તો મારા સમ છે…બચરવાળનો રોટલો રઝળી પડશે…આપણે તો હવે પાકાં પાન.’

બહાર નીકળતાં નીકળતાં પણ વાહણ પાછો વળીને પિતાને એક વધારે સૂચના આપતો ગયો:
‘બાપુ! તમે હવે ખડકીમાંથી નો નીકળતા…વાડાની વંડી ઠેકીને ઠૂમરને ખોરડેથી પાધરા કણબીપામાં –’

‘હો…હો…’ દેવાયતે કહ્યું.

વળી વાહણને પિતાની સલામતી અંગે એક વધારે વિગત સૂઝી, તે ખડકીમાંથી પાછો વળીને કહેતો ગયો: ‘મસીદની પછીતે ગઢની રાંગમાં ગળકબારી છે.’

‘મારી જોયેલી છે…મને તારે કહેવું નો પડે,’ દેવાયતે હસતાં હસતાં પુત્રને વિદાય આપી, ‘તું તારે નિરાંતે જા હવે…જો, જાવા ટાણે કોચવા મા…આંખ લૂઈ નાખ, નીકર હું પંડ્યે કોચવાઈ જાઈશ.’

ભારે પગલે વાહણ બહાર ગયો. જાનબાઈ મૂંગા મૂંગાં જઈને ખડકી વાસી આવ્યાં. પાછાં આવીને એમણે મોં પર મલીર ઢાંકી દીધું. પણ ગળામાંથી નીકળી ગયેલું આછરું ડૂસકું મલીર ઢાક્યા છતાં થોડું છતું થયા વિના રહે એમ હતું!

‘અરે, તમે તો આપણા વાહણ કરતાંય વધારે પોચાં નીકળ્યાં!’ દેવાયતે પત્નીને ઠપકો આપ્યો. ‘જાવા ટાણે મને હૈયારી દેવાને બદલે હીબકાં ભરો છો!’ જાનબાઈએ માંડ માંડ અટકાવી રાખેલું રુદન હવે અટકી શકે એમ નહોતું. એમનાથી ઠૂઠવો જ મુકાઈ ગયો:

‘મેં અભાગણીએ તમારું જીવતર રોળી નાખ્યું…’

‘ખબરદાર આવું કાંઈ બોલ્યાં છો તો!’ દેવાયતે પ્રેમભર્યો ડારો દીધો. પોતે આગળ કશું બોલવા જાય એ પહેલાં તો બહારથી ધડબડ ધડબડ અવાજો સંભળાવા લાગ્યા.

‘ઘીસત તો સાચે જ આવી પૂગી…’

જાનબાઈએ રડતાં રડતાં પૂછ્યું: ‘તમે હવે કેમ કરીને ગામ સોંસરવા નીકળશો?’

‘દખણાદી દૃશ્યેથી…વાહણે મસીદની ગળકબારી ચીંધી છે ને!’

‘આ ઘરમાં તમારાં અંજળપાણી નહીં જ લખ્યાં હોય!’ જાનબાઈથી બોલાઈ ગયું.

‘આ ભવમાં નહીં લખ્યાં હોય તો આવતે ભવે ફરી દાણ ભેગાં થાશું,’ વાડા તરફ જતાં જતાં દેવાયત બોલ્યો.

‘પણ આ ભવમાં હવે આ આયખું કેમ કરીને પૂરું કરશું?’ કહીને ફરી જાનબાઈ રડી પડ્યાં.

‘આપણાં બેયનાં જીવતર કડવાં ઝેર.’ બહાર પોલીસની હરફર તથા હાકલા-પડકાર વધતા જતા હતા. પતિ હવે પાછલે બારણે જઈ જ રહ્યા છે એ જાણીને

જાનબાઈએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો: ‘તયેં શું હવે જીવ્યા-મૂવાનાં જુવાર જ?’

‘ના, ના. તમને છેલ્લાં જુવાર તો આ જીભેથી કેમ કરીને કેવાય?’ દેવાયત બોલ્યો. આવતી શવરાતે જૂનેગઢ આવજો, વાહણને ને વવ-છોકરાંને લઈને. ભવનાથને મેળે ભેગાં થઈ જાશું.’

‘સાસોચાચ?’ પુનર્મિલનની આશાએ જાનબાઈનું રુદન અટકાવી દીધું. ‘હા. હું કોક ભજનમંડળીમાં મંજીરા લઈને બેઠો હઈશ. ઓળખી કાઢશો ને?’ દેવાયતે પૂછ્યું.

‘આવડા જીવતર આખામાં તમારી સાચી ઓળખ ન કરી શકી એ હું હવે મબલખ મેળામાં તો કેમ કરીને ઓળખીશ?’ જાનબાઈએ મર્મભર્યો પ્રશ્ન કર્યો.

‘હું પંડ્યે જ નજર રાખીને બેહીશ…ડુંગરની તળેટીમાં…તમને ગમે ત્યાંથી ગોતી કાઢીશ,’ આટલું કહીને દેવાયત વાડા તરફ આગળ વધતાં બોલ્યો: ‘લ્યો, જાઉં તયે –’

ફરી વાર રડતાં રડતાં જાનબાઈએ આડે ઊભીને પતિનો મારગ આંતર્યો: ‘મને નોધારીને મેલી જાવ મા –’

‘અરે! જાનબાઈ જેવી જોગણી ઊઠીને આમ રોવા બેહશે તો તો દેવાયતનું પડખું લાજે, પડખું!’ કહીને ઝડપભેર દેવાયત પાછલે બારણે ચાલ્યો ગયો. જાનબાઈ શૂન્ય આંખે, પતિને જતા જોઈ રહ્યાં. જાણે કે એક હર્યું ભર્યું સોનેરી શમણું આવીને ઊડી ગયું હોય એવી હતાશા તેઓ અનુભવી રહ્યાં. થોડી વારે સ્વસ્થ થતાં, ઢોલિયાની ઈસ પર ચડીને જાળિયામાંથી જોવા લાગ્યાં.

‘અરે! દૃશ્ય ભૂલ્યા કે શું?’ દેયાયતને ડાબે હાથે વળવાને બદલે જમણી બાજુ જતો જોઈને જાનબાઈ જાળિયામાંથી બોલી ઊઠ્યાં: ‘જમણા જાવ મા, નાકાં વાળ્યાં હશે…ડાબા…કણબીપા કોર્ય…દખણાદે ઝાંપેથી જાવ…કહું છું, જમણા જાવ મા, સામે જમડા ઊભા છે…સુતારની શેરીમાં વળી જાવ ઝટ…ગઢની ગળકબારીએથી નીકળો…પાછા વળો, પાછા…’ જાળિયામાંથી બહાર જોતાં જોતાં જાનબાઈ અધ્ધર શ્વાસે આટલાં વચનો બોલી ગયાં.

પતિને આટઆટલી આજ્ઞાઓ આપી છતાં એમાંથી એકેયનું પાલન થતું ન જણાયું ત્યારે એમણે આવેશભરી બૂમો જ પાડવા માંડી: ‘કઉં છું કે પાછા વળો, ઘીસત ઘેરી લેશે…એ નથી જાવું, પાછા ઘરમાં આવતા રિયો, ઘરમાં…’ જાનબાઈની એક પણ આજ્ઞાનું પાલન ન થયું અને બહાર શોરબકોર વધતો જણાયો ત્યારે તો, ઠીક ઠીક આઘે નીકળી ગયેલા પતિને ઉદ્દેશીને જાનબાઈએ બેફામપણે ચીસો જ પાડવા માંડી: ‘એ…પાછા ન વળો તો તમને વાહણના સમ! ઊંધે મારગે જાવ મા તમને માતાની આણ્ય!’

જાળિયામાંથી દેવાયત દેખાતો બંધ થયો કે તુરત જાનબાઈ ઢોલિયામાં ઢળી પડ્યાં. જખ્મી થયેલા નાના બાળકની જેમ પડ્યાં પડ્યાં કણસતાં હતાં ને વચ્ચે વચ્ચે મનશું ગણગણતાં હતાં: ‘ગયા! ગયા! ધરાર ગયા!…કોઈનું ન માન્યા…મા વરુડીની આણ્ય ઉથાપીને ગયા…’ થોડી વારે આઘાતની કળ વળતાં જાનબાઈ વિચારવા લાગ્યાં: ‘ગલઢે ગઢપણ આંખનું કાચું એમાં દૃશ્ય ભૂલી ગયા હશે?…કે જાણીજોઈને અવળા હાલ્યા હશે? કેટકેટલું કીધું પણ એકેય વેણ ગણકાર્યું જ નહીં…બેય પગ તો લોહીથી કચકચી હાલ્યા છે એમાં કેમ કરીને ધોડશે?…સામે સરકારી જમડા નાળ્યું – જજાર્યું નોંધીને ઊભા હશે એમાં નાકાં કેમ કરીને વળોટશે?’

ઢોલિયા પર પડખું ફેરવતાં જાનબાઈ એકાએક ચમકી ઊઠ્યાં. કશુંક યાદ આવતાં મનમાં બોલી રહ્યાં: ‘અરે, હું અભાગણી કિયે સુખે આ ઢોલિયા ઉપર પડી છું! ઢોલિયાનો પોઢનારો તો પરાણે હાલી નીકળ્યો…’ અને એમણે ફરી પાછો ઢોલિયો બે પાયે ખૂણામાં ઊભો કરી દીધો. અને તુરત ખડકી ઉપર સાંકળ ખખડવાનો અવાજ આવ્યો. સાંકળ ખખડવાથી ભડકી ઊઠવાને બદલે જાનબાઈ આનંદમાં આવી ગયાં. હર્ષાવેશમાં જવાબ આપ્યો: ‘એ…ઉઘાડું.’ અને પછી મનશું બોલ્યાં: ‘પાછા આવ્યા લાગે છે!…અંતે મારું કહેવું માન્યા ખરા!…લે, પાછો ઢોલિયો ઢાળી રાખું!’ ફરી પાછો ઢોલિયો ઢાળીને – આ વેળા તો અદકેરા ભાવથી ઢોલિયો ઢાળીને – જાનબાઈ ખડકી ઉઘાડવા ગયાં.

પણ દેવાયતને બદલે વાહણે ભારે પગલે ઓસરીમાં પ્રવેશ કર્યો.

‘કાં પાછો આવ્યો, ગગા?’ માતાએ પૂછ્યું. પણ પુત્ર મૂંગો જ રહ્યો. ‘કાંઈ બોલતો કાં નથી, ગગા?’

જવાબમાં વાહણ ‘મા –’ એટલું કહીને અટકી ગયો.

‘તારા બાપુ ગામ બારા નીકળી ગ્યા ને હેમખેમ?’

‘ના, ઝલાઈ ગયા.’ વાહણ બોલ્યો.

‘હેં?’

‘હા. દખણાદા હાલવાને બદલે ઓતરાદે ઝાંપેથી નીકળ્યા.’

‘હું જાળિયામાં ઊભી ઊભી વારતી’તી, પણ માન્યા જ નહીં…’ જાનબાઈ બોલ્યાં: ‘પછી તો ઘીસતે ઘેરી લીધા હશે!’

‘ના, ના, ઘીસત તો હજી તો સારીપટ આઘી હતી.’ વાહણે સ્ફોટ કર્યો: ‘પણ બાપુ પંડ્યે જ સામા હાલીને ચોકી ઉપર આવી પૂગ્યા.’

‘શું વાત કર છ!’ જાનબાઈ માટે આ સમાચાર કલ્પનાતીત હતા. વાહણે અહેવાલ આપવા માંડ્યો: ‘બાપુએ બેય હાથ ઊંચા કરીને પટેલને કીધું કે મને પકડી લ્યો!’ ‘એમ કેમ કર્યું હશે ભલા?’

‘પોલીસપટેલની મોઢે કે’તા’તા કે મારા વાહણનો આમાં કાંઈ વાંકગનો નથી…એનો રોટલો ભાંગજો મા –’

‘અરે રે! તારે સાટુ થઈને જ –’

‘ને મને ભલામણ કરતા ગયા કે ભવોભવ જેને પેટે જલમવાનું મન થાય એવી દેવાંશી જનેતા તને સાંપડી છે, એનું ગઢપણ જતન કરીને જાળવજે –’

‘અરર…મારી ચિંતામાં બચારા જીવ આખો અવતાર ઊભા સુકાણા!’ જાનબાઈને મોઢેથી ઉદ્ગાર નીકળી ગયા. કુતૂહલથી પૂછ્યું: ‘પછી? પછી શું બોલ્યા?’

‘પછી તો ઘીસતનાં ધાડાં આવી પૂગ્યાં ને કડી પહેરાવી દીધી…પણ ખટારામાં ચડતાં ચડતાં વળી પાછા પટેલને ભલામણ કરતા ગયા કે મારા વાહણનો આમાં કાંઈ વાંકગનો નથી…એને કોઈ કનડશો મા –’

પણ આટલા સમાચારથી જાનબાઈથી જિજ્ઞાસા તૃપ્ત થાય એમ નહોતી. ખભેથી બંદૂક ઉતારવા અંદરના ઓરડામાં જતા વાહણને માતાએ ફરીફરીને પૂછ્યું: ‘બીજું કાંઈ બોલ્યા?’

અંદર જતાં જતાં વાહણે ઉત્તર આપ્યો: ‘હા. ખટારો ઊપડ્યા પછી આઘેઆઘેથી કહેતા ગયા કે તારી માને હવે ઝાઝેરાં જુવાર કહેજે…ને કહેજે કે હવે તો આવતે ભવ ભેગાં થાઈ શું.’

સાંભળીને સંતપ્ત દશામાં પણ જાનબાઈએ પરમ તૃપ્તિ અનુભવી. ઓસરીમાં એકલાં પડતાં, પતિના આખરી શબ્દો ફરીફરીને વાગોળી રહ્યાં અને પછી મનશું ગણગણ્યાં: ‘આવતે ભવ ભેગાં થાઈ શું? ના, ના, ભવોભવ…ભવોભવ…’ અને પછી, ઢાળી રાખેલા રંગીત ઢોલિયા ભણી અખૂટ આશાભરી નજરે તાકી રહ્યાં.

✍ ચુનીલાલ મડિયા

ચુનીલાલ મડીયાની વાર્તાઓ અહીથી વાંચો

🍁 શરણાઈનાં સૂર – ચુનીલાલ મડિયા

🍁 ખીજડીયે ટેકરે – ચુનીલાલ મડિયા

🍁 વાની મારી કોયલ – ચુનીલાલ મડિયા

🍁 ઈચ્છાકાકા – ચુનીલાલ મડિયા

ઈચ્છાકાકા - ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ
ઈચ્છાકાકા – ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *