Skip to content

રીંછ એકલું ફરવા ચાલ્યું – સિંહની પરોણાગત

રીંછ એકલું ફરવા ચાલ્યું
4944 Views

રીંછ એકલું ફરવા ચાલ્યું – રમણલાલ સોની, આ કવિતા જુના અભ્યાસક્રમમાં ‘સિંહની પરોણાગત’ નામથી ભણવામાં આવતી હતી, જુની કવિતાઓ, પ્રાચીન કવિતાઓ, ગુજરાતી કવિતા સંગ્રહ, rinchh eklu farva chalyu, રીંછ એકલું ફરવા ચાલ્યું lyrics, Gujarati kavita pdf collection

રીંછ એકલું ફરવા ચાલ્યું કવિતા

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી !

 ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણઃ
મારે ઘેર  પધારો  રાણા, રાખો મારું ક્હેણ.

 હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં,ચાખોજી મધ મીઠું,
નોતરું દેવા  ખોળું  તમને – આજે મુખડું દીઠું !

 રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ,
સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ !!

 ‘ઘર આ મારું, જમો સુખેથી, મઘની લૂમેલૂમ’
ખાવા  જાતાં   રાણાજીએ   પાડી   બૂમે બૂમ !

મધપુડાનું વન હતું એ –નહીં માખીનો પાર,
બટકું પૂડો  ખાવા  જાતાં  વળગી  લારોલાર !!

 આંખે,  મોઢે,  જીભે,  હોઠે ડંખ  ઘણેરા લાગ્યા,
‘ખાધો બાપ રે!’કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા !

 રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !

✍ રમણલાલ સોની

રીંછ એકલું ફરવા ચાલ્યુ હાથમાં લીધી સોટી વિડીયો

રીંછ એકલું ફરવા ચાલ્યું નાનપણમાં આ ગીત ભણવામાં આવતુ ! રીંછની યુક્તિ, સિંહની મુર્ખાઈ, માખીઓના ડંખથી ઉભી થતી રમુજ અને કાવ્યની બીજી પંક્તિમાં છેલ્લે કવિએ કરેલો હેતુ સભર ફેરફાર – આટલી બાબતોએ ખાસ રસ જગાવ્યો હતો. વાર્તા તો એના સ્થાને મઝાની હતી જ.

આજે પણ આ કાવ્યના એ બધા અંશો તો ધ્યાન ખેંચે જ છે પણ કેટલુંક બીજું પણ હવે સમજાય છે જે કાવ્યને આજેય માણવા લાયક બનાવી દે છે.

સૌથી મઝાની વાત તો લાગે છે કાવ્યના પાત્રાલેખનની ! સિંહને જોતાંવેંત રીંછ જે રીતે વ્યુહ ઘડી કાઢે છે એ એના ફળદ્રુપ ભેજાની નીપજ છે. મધનો ખોરાક આયુર્વેદમાં બહુ વખણાયો છે !! આજે પણ કેટલાક બહુ જ પૌષ્ટીક દ્રવ્યોમાં મધની ગણતરી ઉત્તમ ગણાય છે. એનું દરરોજ ભક્ષણ કરનારમાં આવી તીવ્ર સુઝ હોય તે સહજ ગણાય. સામે છેડે આપણા શાકાહારીઓને પોરસ ચડે એવો દયામણો દેખાવ વનના રાજા કહેવાતા સિંહનો બતાવાયો છે તે, આજે માંસાહારના વિરુદ્ધમાં જે કંઈ લખાય છે તેમાં પુર્તી કરવામાં મદદરુપ બનતું જણાય છે.

જો કે કાવ્યના રસદર્શનમાં આ બાબતને આગળ લાવવાની જરુર નથી ! પણ કાવ્યના ન્યાયની વાતમાં એને ક્યાંક ગોઠવી દેવાનું મન થાય તો એ વાતને ક્ષમ્ય ગણવી રહી !!

પ્રથમ બે પંક્તી બાદ તરત જ કાવ્યમાં પલટો બતાવાયો છે. સિંહને જોઈને આફત આવ્યાનું બતાવ્યા બાદ સીધું જ રીંછ નમે છે એટલે કાવ્યની નાટયાત્મકતા થોડી ઝંખવાતી લાગે, પણ કાવ્યની લઘુતા માટે એમ કરવું જરુરી પણ હતું ને !

રીંછ એકલું ફરવા ચાલ્યું કાવ્યમાં બે પંક્તિ વચ્ચે એક સ્પેસ છોડીને મેં જ્યાં પણ દર્શાવ્યું છે ત્યાં ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ત્યાં વાર્તામાં વળાંક આવ્યો છે. પંક્તિ નં. ૨,૬,૮,૧૨ પછી આવા પલટાઓ જણાશે. આ પલટાઓ કાવ્યમાં શોધવાનું બહુ જરુરી હોય છે…અહીં તો જોકે વાર્તા છે એટલે કથાતત્ત્વમાં પલટા જણાશે, પરંતુ કાવ્યમાં ભાવ અને વીચારના પલટાઓ પણ આવતા જ રહેતા હોય છે અને કાવ્યરસને માણવામાં આવું સુક્ષ્મ દર્શન બહુ ઉપયોગી થતું હોય છે. આ કાવ્યમાં તો આ પલટાઓ કાવ્યમાં રહેલી નાટયાત્મકતા પણ છતી કરનારા છે.

પ્રસ્તુત કાવ્યમાં જોઈશું તો ખ્યાલ આવશે કે કુલ પાંચ પલટાઓ જણાય છે. પ્રથમ બે પંક્તિઓ કવી દ્વારા વારતાના રુપમાં બોલાઈ છે. પછીની પંક્તીઓમાં રીંછની કુશળતા અને રાજા સાથેની વાત રીંછ પાસે બોલાવાઈ છે. ( એ ફક્ત ચાર જ પંક્તીઓમાં રીંછ કેટલી બધી બાબતો રજુ કરી આપે છે તે ખાસ ધ્યાનથી જોવા જેવું છે !! આજના રાજાઓને ખુશ કરવા હોય અને એપોઈન્ટમેન્ટ ફક્ત પાંચ જ મીનીટની મળી હોય તો ત્યારે શું કરવું જોઈએ તે રીંછ બહુ સારી રીતે જાણે છે !

સિંહ અને રીંછ વચ્ચે કોઈ જ સંવાદ થયો નથી એ પણ બતાવે છે કે લાલચુ અને ઘુસખાઉ અધીકારી સંવાદમાં પડતો નથી ! એને તો ‘કામ સાથે કામ’ હોય છે. પરીણામે રીંછની રજુઆત બાદ બન્નેને ‘લક્ષ્યસ્થાને’ જતા બતાવાયા છે ! ગરજવાનને અને ભ્રષ્ટને અક્કલ હોતી નથી. એ તો ‘ખાવા’ મળતું હોય તો તરત જ ચાલવા માંડે.

પછીનો પલટો બે જ લીટી બાદ આવે છે પણ એ બે જ લીટીમાં કવી કેવું કામ લઈ જાણે છે, જુઓ ! રીંછને આગળ અને ‘ધબ ધબ’ કરતો પગ પછાડીને ચાલતો બતાવીને ઘણું સુચવી દીધું છે, જ્યારે સીંહને લબ લબ થતી જીભ સાથે બતાવીને તો કવીએ ભારે કામ કઢાવી લીધું છે !

પણ તરત જ વારતામાં પલટો આવે છે. વનનુ સરસ અને અતી સંક્ષેપ વર્ણન – એક જ પંક્તીનું –છે. તરત જ દૃશ્ય બદલાય છે અને સિંહની દશા બતાવી દેવાઈ છે. ફક્ત ‘એક બટકું જ’ ખાવા માત્રથી એ જમાનામાં સજા મળી જતી’તી ! ( આજે તો ગોડાઉનો ભરાઈ જાય એટલું ‘ખવાય’ તોય કોઈ તકલીફ થતી નથી એવું અર્થઘટન આપણે જાતે કરી લેવાનું !) સિંહને જે ડંખ લાગ્યા તેનું વર્ણન પણ જુઓ. આંખે–મોઢે–જીભે–હોઠે એમ કહ્યું છે. એમાં મોઢે અને હોઠે એવી પ્રાસયોજના આપોઆપ થઈ જાય છે એ તો ખરું જ પણ સૌથી પહેલાં જ ‘આંખ ઉઘડી જવી’ જોઈએ, એવું સુચન થાય તો નવાઈ નહીં. આંખ, મોં અને જીભ ઉપરાંત હોઠનો ક્રમ આજે તો મને યાદ પણ નથી.

👉 કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

👉 101 યાદગાર ગુજરાતી કવિતા સંગ્રહ

રીંછ એકલું ફરવા ચાલ્યું ગુજરાતી કવિતા, રીંછ એકલું ફરવા ચાલ્યું બાળપણની યાદગાર કવિતા

2 thoughts on “રીંછ એકલું ફરવા ચાલ્યું – સિંહની પરોણાગત”

  1. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *