Skip to content

જલારામ બાપાના પરચા 1 : બાપાએ આખા લશ્કરને જમાડ્યુ

જલારામ બાપાના પરચા
3262 Views

જલારામ બાપા વિરપુર, જલારામ બાપાના પરચાઓ, જલારામબાપાના પ્રસંગો, જલારામ બાપાનુ જીવન, જલારામબાપાનો પરિવાર, Jalarambapa na parachao, Jalarambapa virpur, Jalarambapa family, jalarambapa History.

જલારામ બાપાના પરચા ભાગ 1

“જલાબાપા.. કોઈ લશ્કર વીરપુર માથે આવી ર’યુ છે..” હાંફતા હાંફતા એક માણસે દોડી આવીને સમાચાર દીધા. જલાબાપા એવે ટાણે સાધુઓની પંગતને પીરસી રહ્યા હતા..

“ક્યાંથી આવે છે..?”

“ઈ તો ખબર નથી.. પણ સો થી દોઢસો ઘોડાં હશે.. ફિંફોટા ઉડાડતાં આવી ર’યા છે..”

“ભંડારીજી..” જલા ભગતે બૂમ મારી.

અંદરથી વીરબાઈમાંએ હુંકારો ભણ્યો ને થોડી વારે વીરબાઈમાં બહાર આવ્યાં.

“ભંડારી, લશ્કરનું લોગ આવે છે.. ઈ બાપડા જણ ભૂખ્યા હશે..! કૂણ જાણે ક્યારેય નિસર્યા હશે.. જો લાડવા ને ગાંઠિયા પડ્યા હોય, તો હું પાદરે જઈને એમને આપી આવું.”

“ઘણુંય પડ્યું છે.. પ્રભુ..! જાઓ, જલદી જાઓ.. કેટાણા ના ઈ ભૂખ્યા હશે. રામ જાણે..! કહીને ભંડારીએ લાડવા ને ગાંઠિયાના બકડિયાં ભરીને આપ્યાં.. જલા ભગતે એક બકડિયું પોતાના માથે ઉપાડ્યું ને બીજા થોડાં સેવકને ઉપડાવ્યાં ને લઈને એ તો પાદરમાં આવીને ઊભા..

“દડમજલ કરતા લશ્કરના ઘોડાં વીરપુરના પાદરમાં ઠેરાણાં. ધૂળથી આભ આખું ઢંકાઈ ગયું.. ધૂળના એ વાદળોને ચીરીને જ્યાં પહેલા અસવારે પ્રવેશ કર્યો..

ત્યાં જલારામ બાપાએ બે હાથ જોડીને કહ્યું, “એ.. ય, રામ.. રામ.. અસવારે ઘોડાનું ચોકડું ખેંચ્યું. ઘોડો એકદમ ઝાડ થઈ ગયો. ઘોડાના ડિલ માથેથી પરસેવાનો રેલો નીતરતો હતો.

“રામ.. રામ..” અસવારે જવાબ દીધો ને ભગત સામે જોયું. “નીચે ઉતરો મારા રામ..! આ પરસાદ લેતાં જાઓ..”

જલા ભગતે બે હાથ જોડીને કહ્યું.

કરડી આંખવાળા સિપાહીના મોઢા માથે જરાક કુણી લાગણીની રેખાયું અંકાઈ. “ભગત, અમે કાંઈ એક બે અસવારો નથી. દોઢસો માણસ છીએ..”

“બધાંને મારો ઠાકર મા’રાજ આપી દેશે.. આ ઘોડાને જરાક આરામ દ્યો ને તમેય નીચે ઉતરો..”

“તમે કુણ..બાપા..? સિપાહીના મોઢામાંથી સવાલ સરી પડ્યો.

“મને જગત જલો ભગત કે’ છે..”

સિપાહી નીચે ઉતર્યો..

ત્યાં તો એક પછી એક સિપાહીઓ આવતા ગયા.. જલા ભગતે દોઢસો જેટલાં સિપાહીઓને લાડવા ને ગાંઠિયા આપ્યાં. અન્નક્ષેત્રની ધજા તે દિ’ જલા ભગતની જગ્યા છોડીને પાદર લગી પહોંચી ગઈ.

“દોઢસો માણસો લાડવા ને ગાંઠિયા ખાઈને પાદરમાં પોરો લેવા લાગ્યાં.

એક અસવાર ઘોડે ચડીને દૂર આવી રહેલા ધ્રાંગધ્રા મહારાજની સામે ગયો અને તેણે વાત કરી કે, “એક ભગત બધાય ને લાડવા ને ગાંઠિયા આપે છે. પાદરમાં ઊભા છે.”

ધ્રાંગધ્રાના મહારાજા પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા માટે નીકળ્યા હતા. આ વાત સાંભળતા તેમણે વીરપુરના પાદરમાં જ વિસામો લેવાનું નક્કી કર્યું. મહારાજાની સવારી જ્યારે વીરપુરમાં આવી, ત્યારે જલો ભગત ત્યાં ઊભેલા.

ભગતે રામ રામ કર્યા.

ધ્રાંગધ્રાના મહારાજાએ રામ રામ નો જવાબ આપ્યો ને આ વેપારીને જોવા લાગ્યા. સીધો સાદો લુહાણો.. એક આંખ જરાક જીણી. સફેદ બાસ્તા જેવું કેડિયું. મોઢા માથે દેવતાઈ તેજના ફુવારા ઊડે. નિર્દોષ ચહેરો.. “બાપુ..! ઠાકર મા’રાજનો પરસાદ લેતા જાઓ..”

“ભગત.. આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને હરિહર કરાવશો..?”

“બાપુ..! જે આખી દુનિયાનું પાલન કરે છે, ઈ ઠાકર મા’રાજને આટલી સવારીને હરિહર કરાવવામાં ક્યાં વાંધો આવવાનો છે..?” એની ધજાને વિસામે હંધુય થઈ રે’શે..બાપુ..!”

ને પાદરમાં જલા ભગતે ધ્રાંગધ્રાની આખી સવારીને લાડવા ને ગાંઠિયાથી ધરવી દીધી. ધ્રાંગધ્રાના મહારાજા ફાટી આંખે આ જોઈ રહ્યા હતા. બે હાથ જોડીને ધ્રાંગધ્રાના મહારાજાએ કહ્યું – “ભગત.. માગો.. માગો..! તમે માગો તે આપુ.”

જલા ભગત હસ્યા. “બાપુ..! શું માગું..? ઠાકર મા’રાજની મેર છે. હજાર હાથવાળો એની ધજાને ફરકતી રાખે છે.. બાપ..!”

ધ્રાંગધ્રાના મહારાજા આ વેણનો મરમ પારખી ગયા.* *”જલા ભગત જેવા માણસને શું આપી શકાય..?” એટલે તેમણે વાત ફેરવીને કહ્યું, “ભગત..! અમે ક્ષત્રિય લોક, અમે પરસાદ પણ એમ ને એમ ન લઈએ.

તમારું ઋણ ભગત, અમારે માથે ચડ્યું છે. ને અત્યારે તો અમારી સવારી તીરથયાત્રા કરવા નીકળી છે.. બે પૈસા વાપરવાનો અમારો આ સમય છે..ને..?”

“જલા ભગતે કહ્યું.. “બાપુ..! જો તમારા જીવને તાણ રે’તી હોય તો આપના રાજમાંથી સારા પથરા મોકલાવી દેજો..”

જમીન નહીં.. જાગીર નહીં.. સોનું, રુપું કે રુપિયા નહીં, ને આ લોહાણો પથરા માગે છે..! મહારાજા આંચકો ખાઈ ગયા. ઘડીકવાર તો જલા ભગતના ચહેરા માથે જોઈ રહ્યા.. પણ જલા ભગતના ચહેરા માથે નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કૂડ કપટ.. એજ નિર્મળ સાદગી ને શાંતિ.

“ભગત..! માગી માગીને પથરા માગ્યા..?” તોય ધ્રાંગધ્રાના* *મહારાજાથી કહેવાય ગયું.

“બાપુ..! ઠાકર

મા’રાજના વિહામે જે આવે ઈ રોટલા ખાઈને જાય. ઘણીવાર સાધુ ને સંતોનો મેળો થઈ જાય, એવે ટાણે ઘંટીનો લોટ પૂરો થાતો નથી. દળણાં દળાવવા પડે છે. પણ નાની ઘંટુલિયુમાં કેટલો લોટ દળાય..? જો સારા પથરાની મોટી ઘંટિયું હોય, તો વધુ લોટ ઉતરે.. મેં સાંભળ્યું છે કે, ધ્રાંગધ્રા રાજ્યમાં પથરા બઉ સારા છે.. તો અમારી આ વિપદા ટળે..

“ભગત, પથરા તો મોકલાવશું.. પણ જમીન જાગીર માગો.. અરે, તમારા આ આશરા ધરમ માટે જોઈએ તો આઠ – દસ ગામ આપું..?

જલા ભગતે બે હાથ જોડ્યા.. “બાપુ..! અમારા જેવા સાધુ સંતોને ગામ ને ગરાસ કેવાં..? અમારે તો આખી ધરણી ઠાકર મા’રાજની..! અમારાથી ધરણીના ધણી ન થવાય.. બાપુ..! અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે તે ટૂકડો સૌને દઈએ..”

“પણ.. ભગત.. મારા રાજમાં તમને જગા કાઢી આપું. ત્યાં આવીને આશરા ધરમની ધજા બાંધો..”

“બાપુ.. હું કુણ ધજા બાંધવાવાળો.. આ તો ઠાકર મા’રાજની ધજા છે.. ઈ ની મરજી હશે ઈ યાં લગી ફરકતી રે’શે બાપુ..!”

ધ્રાંગધ્રાનો રાજવી આ સંતની નિર્લેપતાને જોઈ દંગ રહી ગયા. તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી સારામાં સારા પથ્થરો ખોદાવીને વીરપુર મોકલ્યા ને ઈ હારે ધ્રાંગધ્રાથી ઘંટીના નિષ્ણાત કારીગરો પણ આવ્યા. એમણે જગ્યામાં બેસીને વિશાળ ઘંટિયું બનાવી. બળદથી ચાલે એવી વિશાળ ઘંટિયુંમાં રોજ આઠ દસ મણ દળણું દળાવા લાગ્યું..

રોજના આઠ દસ મણ લોટમાં એક હજાર માણસ વીરપુરની જગ્યામાં પેટને તૃપ્ત કરવા લાગ્યું.

આ પણ વાચવાનુ ચુકશો નહી – જલારામ બાપાના ગુરુ ભોજા ભગત

સંત કવિ ભોજા ભગત

ભોજા ભગત | ભોજલરામ બાપાનો સંપુર્ણ ઇતિહાસ Bhoja bhagat

દાસી જીવણનાં ગુરુ સંતકવિ ભીમ સાહેબ

ભીમ સાહેબ : ગુરુ પૂર્ણિમાએ વાંચો દાસી જીવણનાં ગુરુ સંતકવિ ભીમસાહેબનો ઈતિહાસ

Jalaram bapa Hd photo, Jalaram bapa original photo, Jalaram Temple virpur, Jalaram bapa na bhajan, Jalaram bapa ni arti, Jalaram bapa na parchao, Jalaram bapa na parachao gujarati ma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *