4322 Views
મારે મંદિરીએ શ્રેણી – (ભાગ- ૩) અમર કથાઓ. ઇલોરાની ગુફાઓમાં આવેલું કૈલાસમંદિર – અદ્ભુત અને અવર્ણનીય શિલ્પકલા ધરાવતા પ્રાચીન ભારતીય મંદિરોની યાદીમાં જેને સર્વદા આગવો ક્રમ મળે એવું મંદિર એટલે ઇલોરાની ગુફાઓમાં આવેલું કૈલાસમંદિર. Kailash Mandir Ilora, Ajanta Ilora cave.
અમરનાથ રહસ્ય, તુંગનાથ મહાદેવ, કૈલાશ પર્વતનું રહસ્ય 👈 વાંચવાનુ ચુકશો નહી
કૈલાસમંદિરની પ્રશંસા કરતા કલારસિકો થાકતા નથી.સામાન્ય માણસ પણ જેનો ભવ્ય નજારો જોઇને અભિભૂત થઇ જાય એ કૈલાસમંદિરની શ્રેષ્ઠતા છે.આ અભિભૂત કરી દેનારા મંદિરને ઘણા લોકો “સંગેમરમરમાં કંડારેલું કાવ્ય” તરીકે પણ ઓળખે છે. કૈલાસમંદિર એટલે ભારતીય સંસ્કૃતિના આર્કીટેક્ચરનું શ્રેષ્ઠ ઉદાહરણ!
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામાં ઇલોરાની ૩૪ ગુફાઓ આવેલી છે.જેમાંની અમુક ગુફાઓ મહાયાન બૌધ્ધ,કેટલીક દિગમ્બર જૈન તો કેટલીક હિન્દુ સંસ્કૃતિની ધરોહર સમાન છે.પણ ઇલોરાની ગુફાઓની મુલાકાત લેવા પ્રવાસીઓ વધુ પડતાં આકર્ષાય અને જે સૌથી વધારે નોંધનીય છે તે છે : ઇલોરાની ૩૪ ગુફાઓ પૈકીની નંબર ૧૬ની ગુફા!
અને આનું કારણ છે આ ગુફામાં આવેલ ભવ્યાતિભવ્ય કૈલાસમંદિર !હાં,કૈલાસમંદિર પોતાની વિશિષ્ટ કારીગરીથી બેજોડ છે.ભગવાન શિવને મધ્યમાં રાખી બનાવેલા આ મંદિરને હિમાલયની કંદરાઓમાં આવેલા કૈલાસ પર્વત જેવો જ ઘાટ આપવામાં કારીગરોએ તનતોડ મહેનત કરેલી જણાય છે. અમરકથાઓ
ઇલોરા કૈલાસમંદિરનો ઈતિહાસ (History of Kailash Temple Ilora)
આ મંદિર સાડા બારસો વર્ષ કરતા વધુ સમય પહેલાંનુ છે…! ઇલોરાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકુટોએ કરેલું હોવાનું કહેવાય છે.કૈલાસમંદિરને રાષ્ટ્રકુટ રાજા કૃષ્ણ પ્રથમે બનાવ્યું હોવાનું કહેવાય છે અથવા તો કૃષ્ણ પ્રથમે ઇ.સ.૭૫૩ થી ૭૬૦ના સમયગાળા દરમિયાન તેને બંધાવવાની શરૂઆત કરી એમ કહેવું વધારે યોગ્ય છે.કેમ કે,આ મંદિરને બનાવતા ૧૫૦ વર્ષ લાગ્યા હતાં…! અને આ માટે ૭,૦૦૦ મજુરોએ લગાતાર કામ કર્યું હતું!
કૈલાસમંદિર બાબતની સૌથી વિશિષ્ટ વાત એ છે કે,આખું મંદિર એક જ પથ્થરમાંથી નિર્મિત થયું છે!કહેવાય છે કે,આ માટે એક પહાડમાંથી વિશાળકાય ખંડ અલગ કરવામાં આવ્યો હતો…! આ મંદિર બનાવવા માટે રાષ્ટ્રકુટોએ વિરુપાક્ષ મંદિરમાંથી પ્રેરણા લીધી હોવાનું પણ કહેવાય છે.ગુપ્તયુગ પછી આવું ભવ્ય બાંધકામ થયું હોવાના દાખલા અત્યંત અલ્પ છે.
ગુપ્તયુગના પતન પછીના સમયમાં રાષ્ટ્રકુટોએ દક્ષિણ ભારતમાં પોતાની સત્તા સ્થાપી હતી.રાષ્ટ્રકુટ વંશનો સ્થાપક દંતિદુર્ગ હતો. તેઓની રાજધાની માન્યખેટ [નાસિક] માં હતી. #અમર_કથાઓ
કૈલાસમંદિર એ દુનિયાનું સૌથી વિશાળ ગુફામંદિર છે.મંદિરમાં વિશાળ શિવલિંગ પણ છે.મંદિરની દિવાલો પર અદ્ભુત કોતરકામ થયેલા છે.ભગવાન શિવની નટરાજ સ્વરૂપ તાંડવ કરતી વેગમાન પ્રતિમા કલાગીરીનો ઉત્કૃષ્ટ નમુનો છે.શિવ-પાર્વતીની પ્રતિમાઓ પણ મનોહર છે.બે મઝલા ઉંચા આ મંદિરની ઉંચાઈ ૯૦ ફીટ છે.જ્યારે લંબાઇ ૨૭૬ ફીટ અને પહોળાઇ ૧૫૪ ફીટ છે.
મંદિરની પરીસર પ્રમાણમાં વિશાળ છે.ત્રણ બાજુ દિવાલ રહેલી છે.વચ્ચે નંદીનું શિલ્પ છે.અને બીજી બાજુ સ્તંભમાંથી બનાવેલ બે હાથીની પ્રતિમાઓ એ વખતની કારગરી શૈલીનું ઉદાહરણ આપી મંત્રમુગ્ધ કરી દેનારી છે.પરિસરને જોડતો ઉપરનો સેતુ હાલ અસ્તિત્વમાં નથી.કહેવાય છે કે,આ મંદિરના નિર્માણ માટે ૪૦ હજાર ટન પથ્થર કોતરીને કાઢવો પડેલો…!
દ્રવિડ સ્થાપત્ય શૈલીના વિરલ નમુનારૂપ આ મંદિરને યુનેસ્કો દ્વારા ઇ.સ.૧૯૮૩માં હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવેલું.સાડા બારસો વર્ષ પૂર્વેની ભવ્ય લાલિમાને જાળવતું આ મંદિર ઇલોરાની શાન વધારતું દિગગ્જની જેમ ઊભું છે…
ઈલોરા ગુફાઓની વિશેષ માહિતી
ઈલોરાના ગુફાસમૂહમાં કુલ ૩૪ ગુફાઓ છે. આ ગુફાઓ રાષ્ટ્રકૂટસામ્રાજ્યના સમયમાં બની હોવાનું મનાય છે. આ ગુફાઓ ચરનાન્દ્રી નામની ખડકાળ ટેકરીની પશ્ચિમ તરફની ઉભી ધાર પર કોતરેલી છે અને તે ઉત્તર-દક્ષિણ ફેલાયેલી છે. ગુફાઓને દક્ષિણથી ઉત્તર તરફ ક્રમમાં જ ૧ થી ૩૪ નંબર આપેલા છે. તેમાં ૧ થી ૧૨ નંબરની ગુફાઓ બૌદ્ધ ગુફાઓ છે, ૧૩ થી ૨૯ નંબરની ગુફાઓ હિંદુ ગુફાઓ અને ૨૯ થી ૩૪ નંબરની જૈન ગુફાઓ છે.
ગુફાઓ આગળ બગીચાઓ, લોન અને વિશાળ પાર્કીંગ બનાવ્યું છે. ગુફાઓના સંકુલમાં દાખલ થયા પછી, વાહન પાર્કીંગમાં મૂકીને, ટીકીટ લઈને એક પછી એક ગુફાઓ જોઈ શકાય છે. ઘણા લોકો પોતાની ગાડી લઈને આવે છે, ઘણા બસમાં આવતા હોય છે. ગુફાઓ ચાલીને જુઓ તો આશરે બે અઢી કી.મી. જેટલું ચાલવાનું થાય, ગુફાઓમાં પણ અંદર ફરો એટલે એ પણ ચાલવું પડે, થાકી જવાય. પણ અહીં રીક્ષાઓ મળે છે. રીક્ષા કરી લઈએ તો બહારનું ચાલવું ના પડે. રીક્ષા કરવી સારી. ઈલોરાની ગુફાઓ મંગળવારે બંધ રહે છે.
હવે, આ ગુફાઓમાં અંદર શું જોવાનું છે, એની વાત કરીએ. ૧ થી ૧૨ નંબરની બૌદ્ધ ગુફાઓ ઈ.સ. ૫૦૦ થી ૭૫૦ના સમયગાળામાં બની છે. મોટા ભાગની બૌદ્ધ ગુફાઓ વિહાર જેવી છે, જે અભ્યાસ, ધ્યાન, સામાજિક વિધિઓ તથા રહેવા, રસોઈ અને સુવા માટે વપરાતી હશે એવું અનુમાન છે.
ગુફા નં. ૧માં અંદર આઠ રૂમો છે. આ રૂમો અનાજ ભરવા માટે વપરાતી હશે, એવું લાગે છે. અહીં સ્થાપત્ય ઓછું છે. ગુફા નં. ૨માં વચ્ચે મોટો હોલ છે. હોલની છત ૧૨ થાંભલા પર ટેકવેલી છે. દિવાલો પર બુદ્ધનાં, બેઠેલી મુદ્રામાં શિલ્પો કંડારેલાં છે. સામે વચ્ચે બુદ્ધ ગાદી પર બિરાજમાન છે. ગુફા નં. ૩ અને ૪, ગુફા ૨ જેવી જ છે, પણ અહીં થોડુંઘણું તૂટી ગયું છે. ગુફા નં. ૫ મહારવાડા ગુફા કહેવાય છે. અહીંનો સભાખંડ ઘણો મોટો છે. સામે બેઠક પર બુદ્ધ બિરાજેલા છે. તેમનો જમણો હાથ જમીન પર ટેકવેલો છે.
ગુફા ૬નાં શિલ્પો બહુ જ સરસ છે. ડાબી બાજુ દેવી તારા છે.જમણી બાજુ મહામયૂરી દેવી છે. આ દેવી હિંદુઓની સરસ્વતી દેવી જેવી છે.તેમની બાજુમાં મયૂર (મોર) છે. અભ્યાસુ વિદ્યાર્થીઓ દેવીના પગ આગળ બેસે છે.
ગુફા નં. ૧૦ બહુ જ જાણીતી છે. તે ચૈત્ય કહેવાય છે. ચૈત્ય એટલે પ્રાર્થના હોલ. હોલની છત લાકડાનાં બીમ જેવી કોતરણીવાળી છે. આથી લોકો તેને ‘સુથારની ગુફા’, ‘સુથારની ઝૂંપડી’, ‘વિશ્વકર્મા ગુફા’ જેવાં નામથી પણ ઓળખે છે. ગુફાને છેડે સ્તૂપ છે. સ્તૂપની આગળ બુદ્ધ, ઉપદેશ આપતી મુદ્રામાં બેઠેલા છે. તે ૫ મીટર ઉંચા છે. બુદ્ધની પાછળ મોટું બોધિવૃક્ષ કોતરેલું છે. આ ગુફાનો દેખાવ અજંતાની ગુફા નં. ૧૯ અને ૨૬ જેવો છે.
ગુફા ૧૧ બે માળની છે, તે ‘દો તાલ’ કહેવાય છે. ઉપરના માળે લાંબુ સભાગૃહ છે. તેમાં થાંભલાઓ છે. હોલમાં બુદ્ધની મૂર્તિ છે. એમાં દુર્ગા અને ગણેશ પણ છે. પાછળથી હિંદુઓએ આ શિલ્પો ઉમેર્યાં હોય એવું બને. ગુફા નં. ૧૨ને ૩ માળ છે, તેથી તે ‘તીન તાલ’ કહેવાય છે. નીચેના મંદિરની દિવાલો પર ૫ મોટાં બોધિસત્વ અને ૭ બુદ્ધનાં શિલ્પો છે.
હિંદુ ગુફાઓ ઈ.સ. ૬૦૦ થી ૮૭૦ના અરસામાં બની હોવાનું કહેવાય છે. આ બધી ગુફાઓ ભગવાન શીવને સમર્પિત છે. દિવાલો પર હિંદુ શિલ્પો છે.
ગુફા ૧૪ને ‘રાવણ કી ખાઈ’ કહે છે.તેના પ્રવેશ આગળ ગંગા અને યમુના નદીઓ કોતરેલી છે. અંદર મોટું ગર્ભગૃહ છે. દિવાલો પર આકર્ષક શિલ્પો છે. ગુફા ૧૫ને દશાવતાર કહે છે. દિવાલો પર વિષ્ણુના અવતારોનાં શિલ્પો છે. વિષ્ણુ ભગવાન નરસિંહના રૂપમાં હિરણ્યકશીપુનો વધ કરે છે, તે શિલ્પ ઘણું જ સરસ છે. શીવજીનું ચિત્ર નટરાજની મુદ્રામાં છે. મંડપની પાછળની દિવાલે રાજા દંતીદુર્ગાનાં લખાણો છે.
ગુફા નં. ૧૬ બહુ જ અગત્યની છે. આ ગુફા સૌથી મધ્યમાં અને બીજી ગુફાઓ આજુબાજુ બનાવી હોય એવું લાગે. ઈલોરાની ૩૪ ગુફાઓમાં આ ગુફા સૌથી વધુ જાણીતી છે. આ ગુફાને કૈલાસ મંદિર કહે છે. કૈલાસ પર્વત એટલે શંકર-પાર્વતીનું રહેઠાણ. અહીં એક જ મોટા ખડકમાંથી કૈલાસ મંદિર બનાવ્યું છે. તે આપણને કૈલાસ પર્વતની યાદ અપાવે એવું ભવ્ય છે. મંદિર બહુમાળી છે. તે, એથેન્સના પ્રખ્યાત મંદિર પાર્થીનોન કરતાં બમણી જગા રોકે છે. પહેલાં અહીં સફેદ પ્લાસ્ટર કરેલું હતું, ત્યારે તે બરફાચ્છાદિત કૈલાસ પર્વતને ઘણું મળતું આવતું હતું.
મંદિરનું પ્રવેશદ્વાર બે માળનું છે, જે દક્ષિણ ભારતનાં મંદિરોના ગોપુરમ જેવું છે. પ્રવેશ પછી, બે બાજુ ખુલ્લી વિશાળ પરસાળો છે. વચમાં ૩ બાંધકામ છે. પહેલું નંદીમંડપ છે. એમાં નંદી (પોઠિયો)ની મોટી પ્રતિમા છે. નંદીમંડપ ૧૬ થાંભલાઓ પર અને ૩૦ મીટર ઉંચો છે. નંદીમંડપને મુખ્ય મંદિર સાથે જોડતો ખડકનો બ્રીજ છે. એના પછી વચ્ચેના મંડપમાં શીવજીનું લીંગ છે. તેની પાછળ મુખ્ય મંદિર છે. તે દક્ષિણ ભારતીય મંદિર જેવું લાગે છે. મંદિરને થાંભલાઓ, રૂમો, બારીઓ વગેરે છે, અને દિવાલો પર શિલ્પો તો એટલાં બધાં કે ના પૂછો વાત !
ખુલ્લી પરસાળમાં બે ધ્વજસ્તંભ છે. બાજુમાં પૂર્ણ કદના બે હાથીઓ કોતરેલા છે. પરસાળની ધારોએ ત્રણ માળની થાંભલાઓવાળી ગેલેરીઓ છે. ગેલેરીઓમાં દેવીદેવતાઓનાં સ્થાપત્યો છે.
કૈલાસ મંદિર જોતાં એમ જ લાગે કે આપણે એક પૂર્ણ સ્વરૂપના શીવમંદિરમાં આવી ગયા છીએ. પણ આ મંદિર ચણીને બાંધકામ કરીને નથી બનાવ્યું, બલ્કે ખડકને કોતરીને બનાવ્યું છે. કેટલું અઘરું છે આ કામ ! અહીં ૨ લાખ ટન જેટલા વજનનો ખડક કોતરાયો છે, અને મંદિરને પૂરું કરતાં સો વર્ષ લાગ્યાં છે. રાષ્ટ્રકૂટ સ્થાપત્યની આ ભવ્ય સિદ્ધિ છે. માનવજાતે કરેલું આ મહાન કાર્ય છે.
ચાલો, આગળ વધીએ. ગુફા નં. ૨૧ ‘રામેશ્વર’ તરીકે ઓળખાય છે. અહીં એક ઉંચા ચબૂતરા પર નંદીનાં દર્શન થાય છે. અહીં બે નદી દેવીઓની જોડ, બે દ્વારપાલો તથા યુગલચિત્રો જેવાં સુંદર શિલ્પો છે. ગુફા નં. ૨૨ ‘નીલકંઠ’માં પણ ઘણાં સ્થાપત્યો છે. પછી આગળ જતાં રસ્તો નીચે ઉતરે છે. અહીં ચોમાસામાં અનેક ધોધ પડે છે. અહીં વેલગંગા નામની નદી પણ વહે છે. ગુફા નં. ૨૫ ‘કુંભારવાડા’માં રથ ચલાવતા સૂર્યદેવનું શિલ્પ છે. ગુફા ૨૭ ‘ગોપી લેના’ કહેવાય છે.
ગુફા નં. ૨૯ ‘ધુમાર લેના’ તરીકે ઓળખાય છે. તેનો દેખાવ મુંબઈ પાસેની એલીફન્ટા ગુફા જેવો છે. તેની સીડીઓ પર દ્વારપાલ તરીકે સિંહ બેસાડેલા છે. અંદર દિવાલો પર ઘણાં શિલ્પો કોતરેલાં છે. અહીં શીવ-પાર્વતીના લગ્નનું શિલ્પ છે. બીજા એક શિલ્પમાં રાવણ શંકર-પાર્વતી સહિત કૈલાસ પર્વતને ઉંચકાતો હોય એવું ચિત્ર છે. એક શિલ્પમાં પાર્વતી રમતમાં પાસા નાખવા જાય છે, શીવજી તેમને પીઠ પર હાથથી ટેકો આપે છે.
૩૦ થી ૩૪ નંબરની જૈન ગુફાઓ ઈ.સ. ૮૦૦ થી ૧૦૦૦માં બની છે. આ ગુફાઓ જૈન ધર્મની ફિલોસોફી પ્રમાણેની છે. તેમાં આર્ટ વર્ક ઘણું છે. કેટલીક ગુફામાં છત પર પેઈન્ટીંગ કરેલાં છે. આ ઉપરાંત, આ ગુફાઓમાં સમાવાસરના છે, જેમાં તીર્થંકરો બેસીને ઉપદેશ આપે છે. ગુફા નં. ૩૧ એ ૪ થાંભલાવાળો હોલ છે. જૈન ગુફાઓમાં ગુફા નં. ૩૨ અગત્યની છે. તે ‘ઇન્દ્રસભા’ તરીકે ઓળખાય છે. તે કૈલાસ મંદિરનું નાનું સ્વરૂપ છે. આ ગુફા ૨ માળની છે. તેની છત પર કમળના ફૂલનું કોતરકામ છે. અહીં યક્ષ અને માતંગનાં શિલ્પો છે. નં. ૩૩ જગન્નાથસભા તરીકે ઓળખાય છે. ગુફા ૩૪ નાની ગુફા છે.
ઈલોરાની ગુફાઓ જોઇને એમ લાગે છે કે ભારતનો કેટલો બધો ઈતિહાસ અને સંસ્કૃતિ અહીં અકબંધ પડ્યાં છે ! જૂના જમાનામાં કેવી ભવ્ય કલા અહીં મોજૂદ હતી ! ઈલોરાનાં સ્થાપત્યો દુનિયામાં અજોડ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં ઈલોરાનો સમાવેશ થયેલો છે. ભારતીય પુરાતત્વ ખાતા હેઠળ આ રક્ષિત સ્મારક છે.
એક વાર આ સ્થાપત્યો જરૂર જોવાં જોઈએ. ઔરંગાબાદથી ઈલોરા તરફ આવતાં વચ્ચે દોલતાબાદનો કિલ્લો અને ચાંદ મિનાર આવે છે, તે જોવા જેવાં છે. વળી, ઈલોરાથી ૧ કી.મી. દૂર ઘ્રુષ્ણેશ્વર જ્યોતિર્લીંગ છે. ભારતનાં બાર જ્યોતિર્લીંગોમાંનું તે એક છે.
વીર હમીરજી ગોહિલ | Hamirji Gohil History in Gujarati
ચામુંડા માતાજી મંદિર ચોટીલાનો ઇતિહાસ
કનકાઈ માતા મંદિર : ગીરનાં જંગલમાં આવેલ અદ્ભુત સ્થળ | Kankai Temple Gir
Pingback: સત્યાર્થ પ્રકાશ ગ્રંથમાં દયાનંદ સરસ્વતીએ સ્વામીનારાયણ સંપ્રદાય વિશે શુ લખ્યુ છે ? - AMARKATHAO