Skip to content

કોદર વાર્તા : રામનારાયણ પાઠક | Kodar Best Gujarati Stories

કોદર વાર્તા : રામનારાયણ પાઠક
3262 Views

કોદર વાર્તા – ગુજરાતી શ્રેષ્ઠ વાર્તાઓમા આજે વાંચો. જેના લેખક છે, રામનારાયણ પાઠક. તેમની વાર્તાઓમા ખેમી, જક્ષણી, રજનુ ગજ, કોદર, સૌભાગ્યવતી, જમનાનુ પુર વગેરેનો સમાવેશ થાય છે, તેઓ દ્વિરેફ ઉપનામથી જાણીતા છે, તેમના વાર્તાસંગ્રહો દ્વિરેફની વાતો ભાગ 1-2-3 મા સમાવવામા આવેલ છે. Kodar varta Ramnarayan Pathak.

કોદર – દ્વિરેફની વાતો ભાગ 1

વકીલ પરમાણંદદાસનાં પત્ની ચન્દનગૌરી ગુજરી ગયાં ત્યારે એમનો બેનો પ્રેમ જાણનારા એમ જ માનતા કે પરમાણંદદાસ કદી આ આઘાતમાંથી ઊભા થઇ શકશે નહિ. પણ તેઓ તો સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હતા. સ્મશાનયાત્રામાંથી પાછા ફર્યા પછી બીજે જ દિવસે તેમણે પોતાના નોકર કોદરને બોલાવી કહ્યું : ‘જો કોદર, હવે આપણા શાંતિબાબુનાં આપણે જ બા થવાનું. તારે અને મારે થઇને એની બધી સંભાળ લેવાની. તું મારા કહ્યા પ્રમાણે ચાલીશ તો તેમાં કાંઇ બહુ મુશ્કેલી પડવાની નથી.’

સામાન્ય માણસને લાગે કે પરમાણંદદાસ જેવા પ્રતિષ્ઠાવાળા, રુઆબવાળા, કડપવાળા વકીલ પોતાના એક તુચ્છ નોકરને આવી વાત ન કરે પણ એમના સખત અને જલદ સ્વભાવમાં અત્યંત માર્દવ પણ હતું, જે તેમનાં પત્ની સારી રીતે જાણતાં અને જેનો અનુભવ કોદરને પહેલેથી હતો. કોદર તેમના ઘરના માણસ જેવો થઇ ગયો હતો.

છપ્પનિયા પહેલાંના કોઇ કાઠા વરસમાં એ છોકરો ઉત્તર ગુજરાત તરફથી રખડતો રખડતો આવેલો અને તેની નાતજાતની પડપૂછ કર્યા વિના પરમાણંદદાસે તેને પોતાના ઘરમાં નોકર રાખ્યો, મોટો કર્યો, થોડું ભણાવ્યો અને ઘરના માણસ તરીકે પોષ્યો. ચન્દનગૌરીના પણ તેના ઉપર ચારે ય હાથ હતા. તેના આવ્યા પછી આ એક શાંતિબાબુનો જન્મ થયો એટલે તેમને મન કોદર સારા પગલાનો હતો અને કોદરને તેમને અનુકૂળ રહેવાનો સ્વભાવ પડી ગયો હતો. પરમાણંદદાસ પણ કોદરથી ખુશ રહેતા. તેમને ખુશ કરવા બહુ સહેલું પણ હતું, કારણ કે તે સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હતા. તેમની જરૃરિયાતો ઓછી હતી અને તે પૂરી પડતાં તેઓ તરત ખુશ થતા.

પરમાણંદદાસે, શાંતિએ કેટલે વાગે ખાવું, કેટલે વાગે રમવું, કેટલે વાગે તેને ફરવા લઇ જવો, કેટલે વાગે જગાડવો તે સર્વ નક્કી કરી દીધું. તેમનો કાયદો ઘડવાનો સ્વભાવ જે પત્નીના માર્દવમય વાતાવરણમાં મુગ્ધ થઇ પડી રહ્યો હતો તે હવે જાગ્રત થયો અને તેમણે કઇ ઋતુમાં કયાં કપડાં પહેરાવવાં, ચોમાસામાં અમુક જ ફલાલીનનાં કપડાં કરાવવાં, ચામાં ઋતુએ ઋતુએ કયો મસાલો નાખવો તે પણ ધાર્મિક ચોકસાઇથી નક્કી કરી દીધું. શાંતિ મોટો થતો ગયો તેમ તેમ તેની નિશાળનો વખત, તેણે કયે દિવસે કઇ દિશામાં ફરવા જવું, કેટલે દૂર જવું, કઇ કસરતો કરવી વગેરે સર્વ દિવસ-વાર અને કલાકવાર નક્કી કરી દીધું. એ જમાનામાં અંગ્રેજોનો વખતસર અને ચોકસાઇથી કામ કરવાનો ગુણ ઘણો મોટો ગણાતો અને પરમાણંદદાસે ઘરમાં તેનો અમલ પૂરેપૂરો કર્યો.

કેટલાક માનસશાસ્ત્રીઓ આ સાંભળી કહે કે આવા ઘરમાં કોદરે બંડ કર્યું હશે, શાંતિએ તોફાન કર્યું હશે, ઘરમાંથી નાસી ગયો હશે, અથવા ચોરતાં શીખ્યો હશે, બાપને ધિક્કારતાં શીખ્યો હશે, અથવા બાપ મરી ગયા પછી તેણે તદ્દન ઊલટાં આચરણો કર્યાં હશે. પણ આમાંનું કશું જ બન્યું નહોતું. શાંતિ ઘણી જ તનદુરસ્ત અને મનદુરસ્ત સ્થિતિમાં મોટો થતો ગયો અને પરમાણંદદાસ ગુજરી ગયા પછી શું થયું તે તો મારી વાતનો મુખ્ય વિષય છે એટલે હમણાં કહેતો નથી, પણ તેમના જીવતાં તો ઘર ઘણું સારું ચાલ્યું.

પ્રચારની દ્રષ્ટિથી કહેતો નથી, અને આમ ક્યાંક લખવાથી કે એકાદ દાખલાથી કોઇ કશું માની જતું નથી, પણ પરમાણંદદાસનો આ પ્રયોગ ઘણો જ સફળ થયો. કોદર એકસાથે શાંતિની મા, તેનો મોટો ભાઇ અને ચાકર બન્યો. શાંતિ મોટો થયો ત્યારે તેણે પણ, શબ્દ પાછળની વ્યંજના પેઠે, બધા નિયમોની પાછળ રહેલી પોતાની નિ:સીમી મમતા, મૃદુતા, ઉદારતા, મુક્તિ અનુભવી અને જોકે આવી વસ્તીવાળા ઘરનો કોઇ એકમ તરીકે વિચાર કરે નહિ પણ નોકરી અને પિતાપુત્રનું આ ઘર એક આદર્શ ઘર બન્યું.

આવા નિયમબદ્ધ વ્યવહારવાળા ઘરમાં કશા જ બનાવો ન બને એ સ્વાભાવિક છે. પણ શાંતિ બી.એ. થઇ રહ્યો ત્યારે એક બનાવ બન્યો. પરમાણંદદાસના મિત્રોએ શાંતિને બારિસ્ટર બનાવવાનું કહ્યું. પરમાણંદદાસને પણ પોતાનો દીકરો બારિસ્ટર થઇ પોતાનો ધંધો હાથ કરે એવા કોડ થયા. તેમણે તરત જ નક્કી કરી નાખ્યું. તેને માટે ઇંગ્લેન્ડમાં જે કાંઇ પત્રવ્યવહાર કરવો જરૃરનો હતો તે કર્યો, બીજી તરફ તેમના સિદ્ધાંત પ્રમાણે શાંતિ ઇંગ્લેન્ડ જવા ઊપડે તે પહેલાં તેને પરણાવવાની તજવીજ કરવા માંડી. સુરત નજીકના એક ગામમાં એક સંસ્કારી કુટુંબની, તે જમાનામાં મળી શકે તેટલી મોટી ઉંમરની કન્યા નામે માલતી સાથે તેમણે શાંતિનાં લગ્ન પણ કરી નાખ્યાં. શાંતિને ઇંગ્લેન્ડ મોકલતા પહેલાં, પરમાણંદદાસના સિદ્ધાંતમાં એવું આવતું હશે તે, તેમણે પુત્રને અને પુત્રવધૂને પાસે બોલાવ્યાં.

અને હજી માલતીએ ઊંચું મોં કરી શાંતિને જોયો ય નહિ હોય અને તેની સાથે વાતેય નહિ કરી હોય તે પહેલાં, પુત્રની સામે જોઇને પણ બંનેને ઉદ્દેશીને કહ્યું : ‘શાંતિ ઇંગ્લેન્ડ જાય પછી તમે બંને એકબીજાને કાગળો લખજો. મેં જમિયતરામભાઇને વાત કરી છે.’ પુત્રની ડાયરીમાં માલતીના પિતા જમિયતરામનું સરનામું લખાવ્યું અને માલતી પાસે ડાયરી નહોતી એટલે કોદર પાસે મંગાવીને શાંતિ પાસે તેમાં ઇંગ્લેન્ડનું તેનું સરનામું લખાવીને તે ડાયરી માલતીને આપી. પુત્રને ઇંગ્લેન્ડ વિદાય કર્યો, પુત્રવધૂને પિયર મોકલી અને પોતે ‘મજબૂત મનના રહેવું જોઇએ’, ‘નકામી હૃદયની નરમાશ શી બતાવવી’ કરી, પુત્રને વળાવવા મુંબઇ સુધી પણ ન ગયા.

શાંતિએ ઇંગ્લેન્ડ જઇ માલતી સાથે પુષ્કળ પત્રવ્યવહાર કર્યો; પણ તેમાં ક્યાંય સંવનન કે પ્રેમની વાત આવતી નહોતી. તેનામાં પિતાનો વારસો ઊતર્યો હતો એમ કહો, કે પિતાના સ્વભાવની તેના મન ઉપર એવી અસર થઇ હતી એમ કહો, તેને બોલ્યા વિના એકલાં ઊંડો વિચાર કરવાની ટેવ પડી હતી. તે પોતાની ઊંડી લાગણી શબ્દોમાં મૂકતાં કે બીજી રીતે બતાવતાં શરમાતો. લાગણી જેમ તેના હૃદયની વધારે નિકટની, તેમ તે વિશે તે વધારે મૂંગો રહેતો. તેણે પ્રેમ સિવાયની જ બધી વાતો કર્યા કરી. પોતે કેમ રહે છે, કોને મળે છે, શું જોવા જાય છે, ઇંગ્લેન્ડની રીતભાત કેવી છે, એ જ તેણે લખ્યા કર્યું.

એ સિવાય તેણે કાંઇ બીજું લખ્યું હોય તો તે માત્ર પોતાના પિતાના ગુણો વિશે. કારણ કે શાંતિ એમ માનતો હતો કે પોતે ઘર માંડયા પછી તેની પહેલી ફરજ પિતાને સંતોષ આપી સુખી કરવાની છે અને તેમાં તેની પત્ની સહધર્મચારિણી થાય એમ તે ઇચ્છતો હતો.

પણ પરમાણંદદાસના જીવનમાં આ ચાકરી ભોગવવાનું હતું નહિ. પુત્ર ઇંગ્લેન્ડ ગયા પછી જાણે તેમની સર્વ શક્તિઓ હરાઇ ગઇ. પુત્રને સ્ટેશને વિદાય કરીને પાછા આવી, તેમણે હજી સુધી કદી બહાર નહિ કાઢેલી પોતાની પત્નીની અને કુટુંબની છબીઓ અને થોડા દિવસ પર પડાવેલ પુત્રની છબી બેઠકના ઓરડામાં બહાર મૂકી અને તે રીતે કોદરે જમવા બોલાવતાં, તેમની નિયમિત જિંદગીમાં કદાચ પહેલી વખત જ, તેમણે જમવાની ના પાડી. શાંતિનો પત્રવ્યવહાર નિયમિત હતો. તેને તેઓ પોતાના ખુશખબર નિયમિત આપ્યા કરતા, પણ તેમનું શરીર ઘસાતું જ ચાલ્યું.

તેમના મિત્રોને ચિંતા થઇ, તેમણે ખરું કારણ કલ્પ્યું; પણ પુત્રને અભ્યાસ છોડાવી અહીં લાવવો કે તેને પોતાની માંદગીની ખબર આપવી એ તેમને સિદ્ધાંતની વિરુદ્ધ લાગ્યું. બીજી તરફથી તેમને તો ખાતરી જ હતી કે હવે દેહ ટકવાનો નથી. તેમણે મરણ બાદ શાંતિને નિયમિત પૈસા મળે તેની ગોઠવણ કરી, પોતાની બધી મિલકતની વ્યવસ્થા કરી અને જરા પણ નિર્બળતા બતાવ્યા વિના દેહ છોડયો.

શાંતિને પિતાના મૃત્યુના સમાચારથી આઘાત લાગ્યો. ઘરનો ભાર પોતા પર આવ્યો તેનું ભાન તેને અસ્વસ્થ કરવા લાગ્યું. બીજી તરફથી માલતી સાથે રહેવાની ઇચ્છા તેને ગૂઢ રીતે આકર્ષવા લાગી. આથી હવે ઘર કેમ ચલાવવું, ઇંગ્લેન્ડના લોકો ઘર કેમ ચલાવે છે, કેવી વ્યવસ્થા રાખે છે, એ જ તેણે તેના પત્રોનો વિષય કર્યો હતો. યુરોપની મુસાફરીનો કાર્યક્રમ રદ કરી સીધા દેશમાં જવાનો કાર્યક્રમ જણાવી દીધો. તે પ્રમાણે મુંબઇ ઊતરી જમિયતરામને ઘેર થોડા કલાકો ગાળી માલતીને સાથે લઇ તે નક્કી કરેલા દિવસે સવારે અમદાવાદમાં ઊતર્યો.

સ્ટેશને કોદર સામો આવ્યો હતો. ઘેર જતાં ગાડીમાં રસ્તો આખો તેણે ‘બાપુ’ને શું થયું, તે કેમ રહેતા, તેમને કેવી ચિંતા થતી, છેવટે કેમ ગુજરી ગયા અને અંત વેળાએ તેમણે શાંતિભાઇની અને માલતીબહેનની કેવી ભલામણ કરી એ વાત ઠેઠ સુધી જુદા જુદા રૃપમાં કહી ‘અને મેં એમના પગ પર હાથ મૂકી કહ્યું હતું કે જેમ આજ સુધી કરતો’તો તેમ જ મરતાં સુધી ભાઇની ને બહેનની ચાકરી કરીશ, ત્યારે બાપુનો જીવ ગતે ગયો.’ શાંતિલાલ કોદરના મોં પર તેની પ્રતિજ્ઞાાની ભીષણતા અને ઉંમરના વધવા સાથે તેનો વધારે આગ્રહી વેગવાળો ધૂની થયેલો સ્વભાવ પણ જોઇ શક્યો. કોદરને હવે શાંતિલાલની ચાકરી સિવાય જીવનમાં કોઇ હેતુ રહ્યો નહોતો.

પિતા વિનાના ઘરમાં શાંતિલાલે ગંભીર પગલે પ્રવેશ કર્યો. પરમાણંદદાસના વખતમાં જેમ ચીજો ગોઠવાતી હતી તેમ જ બધું ગોઠવેલું હતું. માલતી પતિની ગંભીરતા સમજી ગઇ. ઘણી વાર પુરુષ ગમગીન થાય છે ત્યારે સ્ત્રી સ્વાભાવિક રીતે જ સ્ફૂર્તિમાં આવી પતિની આસપાસ સ્ફૂર્તિ અને આનંદનું વાતાવરણ ફેલાવવા પ્રેરાય છે. માલતીને લાગ્યું કે તેણે સૌથી પ્રથમ ચાનાસ્તો તૈયાર કરવાં જોઇએ. તેણે કહ્યું : ‘કોદરભાઇ, મને બધું બતાવો. લાવો હું ચા તૈયાર કરું. તમે એમને દાતણની સામગ્રી આપો.’

પણ માલતીએ આ પરિસ્થિતિથી મનમાં મુગ્ધ રીતે કાર્યક્રમ ઘડયો હતો, તો કોદરે તો મહિનાઓ અને વરસોથી ઘડી રાખ્યો હતો. જાણે જગતનો સ્વાભાવિક નિયમ કહેતો હોય તેમ તેણે કહ્યું : ‘બહેન, તમને શાંતિભાઇનો ચા કરવો નહિ ફાવે. કેમ ખરું ને ભાઇ! મેં તમારે બંનેને માટે દાતણપાણી મૂકી રાખ્યું છે.’ એમ કહી તેણે શાંતિલાલ સામે જોઇ ઉત્તર માગ્યો. 

શાંતિલાલ, પિતાના, કોદર અને પોતા સાથે પડાવેલા ફોટા સામે જોતો હતો. તેને કોદર અત્યારે પિતાના એક જીવન્ત સ્મારક જેવો લાગતો હતો. તેણે કહ્યું : ‘એને કરવા દો.’ જેમ કોઇ બાળકને તેની રમત ભાંગતા થાય તેમ માલતી ખસિયાણી પડી ગઇ. તે વખતે તો તે ગમ ખાઇ ગઇ; પણ ચા પીતી વખતે કોદર કંઇ કામે દૂર જતાં તેણે શાંતિલાલને એક જ સવાલ ગંભીર થઇ પૂછ્યો : ‘ગઇ કાલે મેં તમને ચા કરી આપી હતી તે તમને ફાવી નહોતી?’ શાંતિલાલે સરલ રીતે હા પાડી. પણ માલતીના પ્રશ્નમાં વ્યંગ્યરૃપે એવું સ્પષ્ટ તહોમત હતું કે કોદરને આપેલ આદરનો તે ખુલાસો કરી શક્યો નહિ અને જરા અસ્વસ્થતાના વાતાવરણમાં કામ આગળ ચાલ્યું.

માલતી નાહી રહી ને રસોડામાં જાય છે તો કંસારનો સર્વ સામાન તૈયાર રાખી કોદર ઊભેલો. માલતી નાહતી હતી તે દરમિયાન તેણે શાંતિલાલને શું રાંધવું તે પૂછેલું. શાંતિલાલે ઠીક લાગે તે કરો એમ કહેલું. અને કોદરે કહેલું, ‘ભાઇ, આજે તો કંસાર જ હોય, મેં તૈયાર કરાવી રાખેલ છે.’ શાંતિલાલે ‘ભલે’ કહેલું અને તે પ્રમાણે ઉમંગમાં ને ઉમંગમાં માલતી રસોડામાં જાય તે પહેલાં તેણે બધું તૈયાર કરી મૂકેલું હતું. માલતી શું રાંધવું તેનો વિચાર કરે કે શું રાંધવું તે શાંતિલાલને પૂછવાનો વિચાર કરે કે પોતે નિર્ણય કરે તે પહેલાં કોદરે કહ્યું : ‘મેં ભાઇને પૂછયું છે. ભાઇએ કંસાર કરવાની હા પાડી છે.’

માલતીએ પોતે પૂછ્યું હોત તો શાંતિલાલ એ જ જવાબ આપત અને કદાચ માલતી પણ એ જ નિર્ણય કરત, પણ માલતીને આ પારકો નિર્ણય સ્વીકારવો પડયો તે ન ગમ્યું. બાળકને કંઇ પણ ચીજ હાથમાં લઇ મોંમાં મૂકતાં આવડે છે તે જ ક્ષણથી તે બીજાના હાથે ખાતું નથી. બીજાના હસ્તક્ષેપનો તેને અમર્ષ થાય છે. અને માણસ દરેક નવી પ્રવૃત્તિ કરે છે ત્યારે એ જ બાલમાનસથી તે શરૃ કરે છે. માલતીને પણ એજ અમર્ષ થયો. તે પાછી બીજી વાર ગમ ખાઇ ગઇ.

જમી પરવારી રહ્યા પછી શાંતિલાલે માલતીને કહ્યું : ‘ઘરમાં સામાન મંગાવવો હોય તો તેનું લિસ્ટ કરો, આપણે મંગાવીએ.’ ઘણીખરી વસ્તુઓ તો ઘરમાં હતી; પણ એક બે વસ્તુઓ સાથે માલતીએ સ્ટવનું નામ આપ્યું. તે વખતે અમદાવાદમાં હજી સ્ટવ નવોસવો પ્રવેશ કરતો હતો અને માલતીને નવી જ ચીજ ઘરમાં વસાવવાનો શોખ થયો પણ સ્ટવનું નામ સાંભળતાં કોદર એકદમ ચમક્યો અને બોલ્યો : ‘ના ભાઇ, બાપુ સ્ટવ લાવવાની ના કહેતા હતા. તેનાથી રસોઇ ખરાબ થાય છે.’

માલતીએ કહ્યું : ‘આપણે ફક્ત ચા જ કરીશું; ઝટ થઇ શકે.’ પણ કોદરે તરત જ રદિયો આપ્યો : ‘તમે ચાની ફિકર કરો મા. ને હું કહેશો તેટલો વહેલો ઊઠીને કરી આપીશ. બાપુ કહેતા કે તેનાથી ભડકો થાય ને ક્યાંક બળી જવાય.’ શાંતિએ ‘કંઇ નહિ, હમણાં સ્ટવ વિના ચલાવી લો. પછી વાત.’ કહી વાત બંધ કરી.

નદી પહેલી જ વખત પોતાના ઉદ્ભવસ્થાનમાંથી નીકળી આગળ જતી હોય અને એના માર્ગમાં જડ ડુંગરો આવે ને તે મૂંઝાય, તેનાં પાણી ભટકાઇને પાછાં વળે અને તેનું પાત્ર ઊંડુ ખોદાવા માંડે, તેમ માલતીના મનમાં થયું. તે જેટલી કોડીલી હતી તેટલો તેને આઘાત થયો. પણ તે જેટલી કોડીલી હતી તેટલી જ માનિની હતી, તીખી હતી ને ગૌરવશાળી હતી. તે ફરી ગમ ખાઇ ગઇ. ‘ભલે ત્યારે એમ’ કહી, તેણે એ વાત પૂરી કરી.

જેમ વેલની નસેનસમાં પાણી ફરી વળે તેમ, માલતીની દરેક ઊર્મિ, વિચાર, આઘાત, દુ:ખ શાંતિલાલ સમજી શક્યો હતો. તેને સમજાયું કે કોદારની રીત માલતીના ઊછરતા કોડની આડે આવે છે. પણ બીજી તરફ એ પણ સમજતો હતો કે કોદર ઘરડો થયો છે. જૂના નિયમો સિવાય તે કશું સમજી શકવાનો નથી, અને પિતાના આદેશ પ્રમાણે, મારા સિવાય બીજા કશાને માટે જીવી શકવાનો નથી. તેને મનમાં થયું કે કોદરે પોતા માટે કેટલું કર્યું છે અને તેનું મન એક બાજુથી કેટલું આગ્રહી અને બીજી બાજુથી કેટલું ભંગુર, કેટલું બરડ થઇ ગયું છે તે માલતીને સમજાવું, તો જ માલતીનું સમાધાન થશે.

રાત્રે કોદરે પરમાણંદદાસના જ મુખ્ય ઓરડામાં બંનેને માટે જૂની રીત પ્રમાણે ઢોલિયા બિછાવી રાખ્યા હતા. શાંતિ અને માલતી એકાંતમાં મળતાં શાંતિએ વક્તવ્યની પ્રસ્તાવના કરતાં કહ્યું : ‘કેમ તને જરા એકલું તો લાગશે. તારા પિતાને ઘેર તો વસ્તારી કુટુંબ છે. અહીં તો કોઇ નથી.’

માલતીએ કહ્યું : ‘ના, કોદરભાઇ છે ને!’ એ એક જ વાક્યમાં તેણે એટલી કડવાશ, એટલી તીખાશ મૂકી કે શાંતિલાલ આગળ વાત જ ન કરી શક્યો. તેને લાગ્યું કે માલતીના અનુનયને માટે બીજો ઉપાય શોધવો પડશે. આખી રાત બંને કશી પણ વાતચીત વિના સૂઇ રહ્યાં. માલતીએ પિયેરથી નીકળતી વખતે, શાંતિના કાગળોમાં આવેલી હકીકત વિશે, તેણે સાઇકલ ઉપર કરેલી મુસાફરીઓ વિશે, તેણે એક રાત એક ડુંગર ઉપર રાતવાસો કરેલો અને ત્યાં ધુમ્મસના અંધારામાં ડુંગરની કરાડ ઉપર અજાણતાં આવી ચડેલા, જે વાંચીને માલતી ભયભીત થઇ ગયેલી અને તેનાથી તે અજ્ઞાાત રીતે જિતાઇ ગઇ હતી એ વિશે, અનેક વાતો પૂછવાની મનમાં ધારેલી, પણ તેમાંથી એક તેની જીભ પર આવી શકી નહિ.

અમદાવાદ આવતાં ગાડીમાં એક બાઇએ માલતીને પૂછેલું : ‘તમે ક્યાંનાં રહેવાસી ?’ અને માલતીએ જરા પણ વિચાર કર્યા વિના પિયેરનું નામ ન દેતાં ‘અમદાવાદનાં’ કહેલું ત્યારે, હવે માલતી તદ્દન મારી થઇ ગઇ છે એ વિચારનો ઉમળકો આવતાં, જળભર્યો મેઘ પર્વત પરની વનરાજિને આલિંગે તેમ, માલતીને આલિંગનમાં સમાવી દેવાની તેને ઈચ્છા થયેલી; પણ અત્યારે બંનેની વચ્ચે જાણે કોદર આવી ગયો હતો. બંનેની વચ્ચે હજારો માઇલનું અંતર હતું ત્યારે તેમનાં હૃદય નિકટ હતાં, અત્યારે બંને નિકટ હતાં ત્યારે તેમનાં હૃદયો દૂર દૂર થતાં જતાં હતાં.

બીજે દિવસે સવારથી જ બનાવો અવળી દિશાએ ચાલવા લાગ્યા. માલતીએ વહેલા ઊઠવાની ટેવ કેળવી હતી. તે સવારે દૂધવાળાનો અવાજ સાંભળી ઊઠીને દૂધ લેવા જતી હતી ત્યાં શુકનમાં સામો જ કોદર મળ્યો. તેણે કહ્યું : ‘બહેન, શા માટે આટલાં વહેલાં ઊઠયાં છો? મેં દૂધ લઇ લીધું છે. દાતણ કરવાના પાટલા ઢાળી રાખ્યા છે. તમે દાતણ કરશો એટલામાં ચા તૈયાર થઇ જશે.’

માલતીને, કોદર જાણે દરેક કામમાં આગળ જઇ આડો ફરતો જણાયો. નાની નાની બાબતમાં તેને જાણે પોતાનું જીવન વ્યર્થ થતું લાગ્યું. એક વેલીને સહસ્ત્ર ફૂલે ફાલવું હોય પણ તેની કળીઓ ઊગતાં જ કપાય તેવી તેની દશા થઇ. અનેક નાનાં દુ:ખો તેને પજવવા લાગ્યાં. અને તે દરેક નાનાં દુ:ખની પછવાડે તેને અનંતતા દેખાવા લાગી. બીજા દિવસની આખરે પરિસ્થિતિ બગડી હતી, સુધરી નહોતી.

આમ ને આમ દિવસો ને માસો ચાલવા માંડયા. માલતીને, આ સ્થિતિ સામે ફરિયાદ કરવી કે તે ઉપર ગુસ્સો દર્શાવવો તે નિર્બળતા લાગી. આવી સ્થિતિમાં પ્રેમ કરવો, બતાવવો, આમંત્રવો કે યાચવો, તે તેને લઘુતા જણાઇ. તે એટલી ગૌરવશાળી હતી કે પોતાનું દુ:ખ તેણે કોઇ પણ માણસ આગળ દેખાવા દીધું નહિ. બહારનાં કોઇ માણસ આમની સ્થિતિમાં કશું અસાધારણ જોઇ શક્યાં નહિ; કોદર કદી જોઇ શકે તેમ નહોતો. શાંતિલાલ બધું જોતો હતો, સમજતો હતો પણ તેને માલતીના રસગર્ભ હૃદયની આસપાસ એવું એક જડ કોચલું બંધાતું જણાયું કે જેને સહેલાઇથી ભેદી શકાય તેમ ન લાગ્યું.

સમગ્ર સ્થિતિના સકારણ ખુલાસા વિનાના કોઇ ક્ષણિક અનુનય કે પ્રેમોર્મિથી ન માને એવી તે માનિની હતી અને આ કુટુંબના ગત અનુભવ વિના તે અનુભવથી ઘડાયેલું કોદરનું માનસ, તે પોતાના જીવનના આવેશમાં સમજી શકે તેમ નહોતી, તો કોદરનો ઇતિહાસસિદ્ધ જડ આગ્રહ માફ કરી કે નિભાવી તો ક્યાંથી જ શકે ? આવા ઘરમાં બે અત્યંત રસોન્મુખ હૃદયો એકબીજાથી પરાકમુખ હિજરાતાં અકથ્ય દુ:ખમાં દિવસ ગાળવા લાગ્યાં. સુખી એક માત્ર કોદર, તેની સેવાની કૃતકૃત્યતામાં.

દરમિયાન શાંતિલાલ કોદરને માઠું ન લાગે તેમ તેને દૂર કરવાનો વિચાર કરતો હતો. તેને એક યુક્તિ જડી. ઓફિસમાં વધારે જોખમવાળા કામમાં તેના જેવા ભરોસાદાર માણસની જરૃર છે એમ કહી તેને ખાસ પોષાક પહેરાવી એક સારી જગાએ બેસી રહેવાનું તેણે નિયુક્ત કરી આપ્યું. એ રીતે ઘરમાં દિવસના ઘણાખરા કલાકોની તેની ગેરહાજરી તે મેળવી શક્યો. આથી માલતીને કોદર તરફની પજવણી ઓછી થઇ લાગી ખરી, પણ તેના મનનું સમાધાન ન થયું. તેને લાગ્યું કે જાણે તેના ઉપર ઉપકાર કરવા એક માણસને ખસેડયો છે.

ગૃહિણીના સ્વાભાવિક અધિકારમાં પોતે આવી હોય એવી તેને પ્રતીતિ ન થઇ. શાંતિલાલ આ પણ સમજી ગયો. પણ ચાહીને – માંડીને વાત કરીને આવી અંગત વાતનો ખુલાસો કરવો એ એને અરુચિકર, અ-નાજુક, અરસિક લાગ્યું. સમય જતાં માલતીનું મન જરા પીગળશે ત્યારે સ્વાભાવિક રીતે વાત કરવી ઠીક પડશે એમ માની તેણે હમણાં વખત જવા દીધો. માલતીએ પોતાના સ્વભાવ પ્રમાણે કદી કશું પૂછ્યું પણ નહિ.

એક દિવસ બપોરના ઘરમાં ચાનું પાણી ઊકળતું હતું. માલતી બીજા ઓરડામાં હતી. ત્યાં કોદર ઓફિસના કાંઇ કામે ઓચિંતો આવ્યો અને ચા ઊકળતી જોઇ ‘બહેન, તમે આમાં મસાલો નાખવો ભૂલી ગયાં છો’ એમ બોલી તેણે અંદર ફુદીનો, એલચી, તજ વગેરે નાખ્યું. માલતી ત્યાં જાય અને કશું ન થાય એટલા માટે શાંતિલાલ ત્યાં ગયો અને ‘કંઇ નહિ, ભલે કોદર ચા કરે’ એમ કહી પાછો વળ્યો, ત્યારે ઘણા દિવસના રોષે માલતીના મોંમાંથી નીકળી ગયું : ‘મને સમજાતું નથી કે હું તે એક વરને પરણી છું કે બેને ?’ પણ આ વાક્ય કહ્યા પછી તેને ઘણું જ માઠું લાગ્યું.

મુકુન્દરાય વાર્તા - રામનારાયણ પાઠક
મુકુન્દરાય વાર્તા – રામનારાયણ પાઠક

અંતર-આપમાં અને મૂંઝવણમાં તેને હિસ્ટીરિયા જેવું લાગ્યું, રડી જવાશે એમ તેને લાગ્યું. પણ તેણે મનની ઉપર કાબૂ રાખ્યો. બેમાંથી એક પણ થઇ ગયું હોત તો બંનેની વચમાં સમાધાનનો પ્રસંગ આવી જાત, પણ માલતીએ ફરી સઘળું મનોબળ ભેગું કર્યું અને બહારથી સ્વસ્થ થઇ. પોતાનું વાક્ય તેને માફી માગવા જેવું લાગ્યું હતું, પણ કોદરની સ્થિતિથી તેને પોતાને જે અન્યાય થતો હતો તે તેને અત્યારે ઊલટો વધારે તીક્ષ્ણ અને અસહ્ય લાગ્યો. તે માફી મગાવા સુધી જઇ શકી નહિ. શાંતિલાલ જાણે તેની આંખો પારદર્શક હોય તેમ આ બધું સમજી શક્યો. તેણે માલતીને પોતાના મનથી જ માફી આપી એટલું જ નહિ, તે સમજ્યો કે માલતી હવે વધારે સહન નહિ કરી શકે.

કોદર ઘેર ન આવે તેવી તેણે વધારે યુક્તિઓ કરી. પણ એ પ્રયોજન સ્ફુટ કર્યા વિના કરેલી એ યુક્તિઓથી એ પ્રયોજન પૂરેપૂરું સાધી શકાયું નહિ. એક વાર રવિવારને દિવસે એક બે મિત્રો બેઠા હતા. માલતી સાથે – ચા પાણીની તૈયારી થતી હતી, ત્યાં ઓચિંતો કોદર આવ્યો અને જૂની રીતે

બોલ્યો : ‘બહેન, તમે મસાલો નાખવો ભૂલી ગયાં છો?’ શાંતિલાલે આજે છણકો કરીને કહ્યું : ‘દરેક બાબતમાં નકામી ડખલ શા માટે કરે છે? શાંતિથી બેસતાં નથી આવડતું?’ કોદર કાંઇક બાપુના વખતની વાત કરવા જતો હતો ત્યાં શાંતિલાલે ધમકાવીને કહ્યું : ‘મારે એ નથી સાંભળવું. તું તારી જગાએ જા.’

‘બાપુનું વચન નથી સાંભળવું’ એ શબ્દોએ કોદરને આભ તૂટયા બરાબર લાગ્યું. તે ત્યાંથી એ જ વખતે પહેર્યે કપડે નીકળી ગયો. શાંતિલાલને લાગ્યું કે આ ખોટું થયું; પણ મિત્રો અને માલતીની હાજરીમાં તેણે પોતાની લાગણી દબાવી રાખી, મિત્રો ગયા પછી તેણે તરત ઊઠીને તેને શોધવા પોતાના ઓફિસના નોકરોને મોકલ્યા. જમતા તેને જમવું ભાવ્યું નહિ. માલતીએ આ બધું જોયું. તે સમજી અને તેને ઊલટું વધારે ખરાબ લાગ્યું. તેને ફરી મનમાં થયું કે કોદરને ઑફિસમાં કાઢ્યો તે માત્ર બહારથી મારું મન મનાવવા જ હતું, બાકી તો એમના હૃદયમાં માત્ર કોદર જ હતો. રાત્રે શાંતિલાલને ચિંતાતુર દેખતાં તેને લાગ્યું કે કોદર હાજરીમાં હતો તેથી વધારે હવે ગેરહાજરીમાં વ્યવધાનરૃપ થયો.

આ દંપતી જે એટલાં બધાં એકમેકને ચાહતાં હતાં- ચાહવાને આતુર હતાં, તે પ્રેમની નિરાશાના લગભગ અંતિમ બિંદુએ પહોંચ્યાં. બંનેને પોતાનો સહવાસ એક શિક્ષારૃપ હતો. બીજે દિવસે પણ કોદરનો પત્તો લાગ્યો નહિ. કોદરને આ ઘર સિવાય કોઇ મિત્ર કે બેસવાઊઠવાનું ઠેકાણું નહોતું; એટલે તેની ખોળ વધારે મુશ્કેલ થઇ પડી. તેનું ગામ કયું હતું તે તો કોદર પોતે પણ ભાગ્યે જ જાણતો હશે. શાંતિલાલે માલતીને કશું જ જણાવ્યા વિના પોલીસ મારફત તપાસ કરાવી, પણ બીજે દિવસે પણ કશો પત્તો લાગ્યો નહિ.

ત્રીજે દિવસે બપોરે વરસાદ આવ્યો અને સાંજથી અમદાવાદમાં એવી ઠંડી પડી જે કોઇ પણ જીવતા માણસની સાંભરણમાં નહોતી. પછીના દિવસોમાં આ ટાઢનું વર્ણન કરતાં વર્તમાનપત્રકારોએ લખેલું કે ઠંડીને દિવસે પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ ફરતો ત્રીસ માઈલ સુધીનો પાક બળી ગયો છે. સરકારે ભયંકર દુકાળને પહોંચી વળવા તૈયારીઓ કરવી પડશે. માત્ર પાક જ નહિ, ઘણાંખરાં મોટાં ઝાડો પણ કાળાં પડી ગયાં છે. મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડતી મેઈલમાં ત્રણ માણસો ટાઢથી મરી ગયા હતા. કૂતરાં, વાંદરાં, ખિસકોલીઓ અને કબૂતર અને કાબરો સુધ્ધાં ટાઢથી મરી ગયેલાં રસ્તા ઉપર પડેલાં હતાં.

શહેરમાં મજૂરી કરવા આવેલું કાઠિયાવાડનું એક કુટુંબ નદીની રેતમાં સૂઇ રહેલું તે આખું, ધણીધણિયાણી અને પાંચ છોકરાં સર્વે ટાઢથી મરી ગયેલાં હતાં. એક વર્તમાનપત્રમાં વળી કોઇ લહેરી કવિએ આ ટાઢ ઉપર કવિતા જોડયું હતું જેની છેલ્લી પંક્તિઓ નીચે પ્રમાણે હતી :- બહુ અવગુણ પણ એક અદ્વિતીય ગુણ, પિયુ-પ્રિયા હૈયાં આવાં બદ્ધ કદી હતાં નહિ.

આવી રાત્રે શાંતિલાલે બાર વાગ્યા સુધી અંદર દીવાનખાનામાં ફર્યા કર્યું. માલતીને સૂતાં સૂતાં આ સાંભળ્યા કર્યું. પણ તે તેને સૂવા ઊઠવાનું કહી શકી નહિ. શાંતિલાલ સૂતા પછી પણ તેણે તેના ઉજાગરાના શ્વાસોચ્છ્વાસો અને પછી ઊંઘમાં નિ:શ્વાસો સાંભળ્યા કર્યા. ચિંતા, ગુસ્સો, દ્રોહ, મૂંઝવણ એ સર્વથી તેને રાત આખી ઊંઘ આવી નહિ. સવારના સમયે તેણે દાદર ઉપર કંઇક અવાજ સાંભળ્યો. દૂધવાળો હશે જાણી તે કમાડ ઉઘાડી બહાર ગઇ અને ત્યાંનું દ્રશ્ય જોઇ તે ક્ષણભર સ્તબ્ધ જ થઇ ગઇ.

કોદર એક કોથળાની માફક ભીંજાયેલે કપડે ઢગલો થઇ પડયો હતો. માલતી તેને ઓળખી શકે તે પહેલાં તેણે કહ્યું : ‘બહેન, ભાઇ ગમે તેમ કહે પણ તેમને આજે મશાલો નાખીને ચા પાજો, નહિતર શરદી થઇ જશે. બાપુ કહેતા ગયા છે.’ માલતી બહાદુર હતી, નહિતર કોદરના ભયંકર મૃત્યુપારથી આવતા જેવા અવાજથી તે ભડકી ગઇ હોત.

તેણે એકદમ ઘરમાં જઇ ‘કોદરભાઇ બેભાન થઇ ગયા છે, ઝટ ઊઠો.’ કહી શાંતિલાલને ઉઠાડયો. બંનેએ તેને ઊંચકી ઓરડામાં પહેલો જ માલતીનો ઢોલિયો આવ્યો તેના પર સુવાડયો. ‘તમે તેમને કોરા કરી ગરમ કપડાં પહેરાવો.’ કહી તેણે ટુવાલ અને પતિનાં જે ઝટ હાથમાં આવ્યા તે ગંજી-ફરાક વગેરે હાજર કર્યાં. નોકરને જગાડી તે જ વખતે દાકતરને બોલાવવા દોડાવ્યો. ઘરમાં જઇ સ્ટવ કરી તેના પર ગરમ પાણી મૂકી, ઘરમાંથી કોદરે જ તૈયાર કરેલો સૂંઠનો ભૂકો આણી, તેણે કોદરને પગે ઘસવા માંડયો. શું કરવું તે શાંતિલાલને વારંવાર પૂછતી તે જીવ પર આવી કોદરને બચાવવા તેની સારવાર કરવા લાગી.

પણ તે સારવાર વ્યર્થ ગઇ. ડૉકટર આવ્યો અને તેણે કહ્યું કે થોડા કલાકનો જ સવાલ હતો. માલતીએ મસાલો નાખી ચા કરીને આણી, પણ કોદર પી શક્યો નહિ. અને સવારના નવેક વાગે, જેની સેવામાં તેણે જીવન વિતાડયું હતું અને ખોયું હતું, તેની એક છેલ્લી સેવા લઇ તે વિદાય થઇ ગયો.

દિવસ આખો કોદરની અંતિમ ક્રિયામાં ગયો. રાત્રે શાંતિલાલ તેના ઓરડામાં સૂવા ગયો ત્યારે માલતી આરામખુરશી પર માથું નાખી પડી હતી. શાંતિલાલ જોઇ શક્યો કે તે રડતી હતી. પાસેના ઢોલિયા પર બેસી શાંતિલાલે ધીમેથી તેને માથે હાથ ફેરવ્યો. ધીમેથી માથું ઊંચું કરી તેને કહ્યું : ‘તેમાં તું સારુ રડે છે? એ જતો તો રહ્યો મારા કહેવાથી!’ અને એમ કહેતાં તેણે માલતીને નરમાશથી ઊભી કરી ઢોલિયા પર લીધી. જાણે કંઇક શબ્દની જ જરૃર હોય તેમ આટલું સાંભળી તેણે શાંતિલાલના ખભા પર માથું નાખી લાંબા નિશ્વાસથી અસ્ખલિત અશ્રુપ્રવાહે રડી દીધું.

શાંતિલાલે તેને શરીરે પંપાળ્યા કર્યું અને રડવું કંઇક ઓછું થયું ત્યારે ફરી કહ્યું : ‘તેમાં તારો શો દોષ?’ માલતીએ રડવું રોકી કહ્યું : ‘નહિ નહિ નહિ. તમે એને લડયા તે મારાથી કંટાળીને. હું જ એને ખરી મારનાર છું.’ એમ એમ કહી તેણે ફરી રડવા માંડયું.

માલતીના મનનું સઘળું બળ અત્યારે તેના પશ્ચાત્તાપમાં આવી રહ્યું. બળવાનનો પશ્ચાત્તાપ બળવાન હોય છે. આ બીજો આવેગ પૂરો થયો ત્યારે તેણે કહ્યું : ‘તમે મને કોઇ દિવસ વારી પણ કેમ નહિ?’ શાંતિલાલે નરમાશથી કહ્યું : ‘તને એ ન ગમે તેમાં તારો દોષ નહોતો. કોઇ પણ સ્ત્રી તેને સહન ન કરી શકે એવો એ થઇ ગયો હતો. ઘરકામમાં એટલી ડખલગીરી કોઇથી સહન ન થાય. પણ હું જાણતો હતો કે એને ના પાડીશ તો નાસી જશે. અને ઘરથી દૂર જતાં એ હિજરાઇને મરી જશે.’

માલતીએ હવે સ્વર બદલાવતાં ઠપકાથી કહ્યું : ‘તમે મને આટલું સમજાવી હોત તો હું તેને નિભાવી લેત.’ શાંતિલાલે હવે જરા હસીને કહ્યું : ‘પણ સાચું કહેજે, મેં તેને એમ પહેલાં કહ્યું હોત તો તું સાચું માનત ખરી? તને એમ જ લાગત કે માત્ર તને રાખવા ખાતર તે મરી જશે એવી ખોટી ધમકી આપું છું. કેમ ખરું કે નહિ?’ 

માલતીએ સરળ મને ફરી શાંતિલાલના મોં પર મોં નાખી દઇ તેના ગાલ પર ભીની પાંપણ હલાવી હા પાડી. માલતીના રસગર્ભ ચિત્તની આસપાસ તેણે ઊભું કરેલું કઠોર પડ આજે પીગળીને સરી ગયું છે એટલું બસ છે. એથી વધારે જોવાની જરૃર નથી. રસશાસ્ત્રીઓ માનતા હશે કે કરુણા કે વિષાદ શૃંગારનો વિરોધી ભાવ છે; પણ આપણા સાચા જગતમાં આ પરિસ્થિતિ કામદેવને જરા પણ ઓછી ગોચર નથી હોતી.

ઉપરનો બનાવ બન્યાને દોઢેક વરસ વીત્યા પછી માલતી પિયેરથી એક સુંદર પુત્રને લઇને આવી. સૂતેલા છોકરાને જોઇ શાંતિએ માલતીને કહ્યું : ‘આનું નામ શું પાડશું?’ માલતીએ શાંતિના ખભા ઉપર મોં નાખી દઇ, છુપાવી કહ્યું : ‘ ક ઉપર કોઇ પણ નામ પાડો.’

કોદરે જ તેમને ઘેર ફરી જન્મ લીધો છે એમ માલતીએ લાગણીવશ થઇને કહ્યું હશે. કદાચ તેણે કે શાંતિએ કોઇએ એ સાચું માન્યું પણ નહિ હોય. પણ આ જગત, જ્યાં માનવચૈતન્ય પણ જડ દેહને વળગી જડ થઇ જાય છે, જ્યાં સ્વજનો પણ એકબીજાને નથી સમજતાં, નથી સમજી શકતાં અને નથી સમજાવી શકતાં, ત્યાં આવા નવા સંબંધ સિવાય આ ત્રણ જીવાત્મા ભેગા થઇ શકે એમ નહોતું એટલું તો નક્કી!

🍁 લોહીની સગાઈ – ઇશ્વર પેટલીકર

🍁 કાબુલીવાલા – રવિન્દ્રનાથ ટાગોર

🍁 રસિકભૈ રસો – યોગેશ જોશી

🍁 ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે

1 thought on “કોદર વાર્તા : રામનારાયણ પાઠક | Kodar Best Gujarati Stories”

  1. Pingback: ગુજરાતી સાહિત્યની Best 101 વાર્તાઓનો સંગ્રહ | Gujarati Varta Pdf - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *