Skip to content

લાડુનું જમણ – પન્નાલાલ પટેલ | Ladu Nu Jaman – Pannalal Patel

20211117 152229
13635 Views

Ladu Nu Jaman ગુજરાતી શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામતી પન્નાલાલ પટેલની અદ્ભુત વાર્તા એટલે લાડુનું જમણ – (Ladu Nu Jaman), મળેલા જીવ, માનવીની ભવાઇ.

Ladu Nu Jaman

“આવતી કાલની ફીસ્ટમાં લાડુનું જમણ. ”
આ વાંચતાં જ દેવશંકર માસ્તર થંભી ગયા. આદર્શ ક્લબ’ના એ પાટિયા પાસે બે ડગ ભરતાં એમણે ચશ્માંની દાંડી – દોરી જરા બરાબર કરી અને એ જાહેરાત ફરીથી વાંચી ગયા.

પગ ઉપાડ્યા પછી વળી પાછા ફર્યા અને રાયતું શાનું છે એ પણ વાંચી લીધું …

એ આખેય રસ્તે એમણે મન સાથે કંઈ અનેક ગડમથલો કર્યા કરી : “ દોઢ રૂપિયો ખરચીને કાલે લાડુ જમવા કે ન જમવા ? દોઢ રૂપિયો એટલે આમેય દિવસના દસબાર આના ખર્ચ તો ઘેર રાંધી ખાવામાંય આવે છે . ત્યારે આ આજના રાત નહિ જમીએ એટલે પાંચ આના એ બચ્યા . ને એવું હશે તો સોમવારે પણ એકટાણું ખેંચી નાખશું … કાલે દોઢેક વાગ્યે જમીશું તોય ને દોઢ રૂપિયો ઢીલો કરવા બેઠા પછી કસર શું કામ રાખીએ. ”

છેવટે , કાલે લાડુનું જમણ જમવું એમ એમણે નક્કી જ કરી નાખ્યું.

આ પછી છેલ્લા લાડવા ક્યારે ખાધા હતા એ એમણે યાદ કરી જોયું. ગણતરી ગણતાં ચશ્માં નીચેની એ ઝીણી આંખો ચશ્માંના કાચ જેવડી મોટી થઈ ઊઠી : ઓહોહો ! ચાર મહિના ? હાસ્તો આ આદર્શ ક્લબમાં જ વળી ! દેવશંકરને પોતાની જાત માટે માન થઈ આવ્યું . અને કેમ ન માન થાય ? લાડુ વગર એકે સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ સોળ અઠવાડિયાં વગર લાડુએ ખેચી કાઢવાં એ જેવી-તેવી વાત ન હતી અને તેય કેટલી જૂની ટેવ છેક બાળપણની – પિતાના વખતની . આ ટેવને લીધે જ તો એમણે થર્ડગ્રેડનાં પેલાં સર્ટિફિકેટ કરતાં ટીપણાને વધારે મહત્ત્વ આપી માસ્તરની માનભરી નોકરી ન સ્વીકારતાં કાકાનું ખાલી પડેલું ગોરપદું સ્વીકાર્યું હતું ને ?

દેવશંકરને એ દિવસો યાદ આવ્યાં : “ કેટલા સુખના એ દા’ડા હતા . અઠવાડિયામાં બેત્રણ વાર – અરે શ્રાવણ માસમાં તો દરરોજ ચકમચકા ઊડતા ! … ” એમના મોંમાં પાણી આવી ગયાં.
ડામરની પેલી દોઈ પાઈ સડક ઉપર લાડુની હારમાળાઓ દેખાઈ. અરે , પગ પાસેના પથ્થરનેય માંડ દેખી શકનાર દેવશંકર માસ્તરને લાડુ ઉપરની પેલી ખસખસ પણ દેખાતી હતી …

પણ ત્યાં તો કાકાનો દીકરો કાશીનો પંડિત થઈને આવી પહોંચ્યો. ન છૂટકે દેવશંકરને માસ્તરગીરી સ્વીકારવી પડી . એવામાં વળી ઘરમાં ભટાણી આવ્યાં અને પછી તો લાડુ જમનારાની સંખ્યા ક્રમે ક્રમે વધવા લાગી . આ સાથે પેલા સોમવાર પણ દેવશંકર માટે તો ઘટવા જ માંડ્યા. મહિનામાં બે અને પાછળથી તો એક જ આવવા લાગ્યો. પગાર પછી સોમવાર આવે એ જ વડો અને સાચો સોમવાર.

પણ આનીય ભગવાનને અદેખાઈ આવી અને દેવશંકરને એક મોટા ગામમાં બદલી ઉપર આવવું પડ્યું . પગાર એનો એ જ . ત્યારે મોંઘવારી બમણી હતી એ ઓછું હોય તેમ ગોરાણીએ ચોથા બ્રાહ્મણને જન્મ આપ્યો . વળી ચાર વખત લાડુ બને એટલું ઘી તો સુવાવડમાં જ ઊડી ગયું … એટલે કે હવે તો કોઈ છોકરાને ત્યાં બ્રહ્મભોજન થાય ત્યારે જ લાડુ ભેગા થવાય એમ હતું.

પણ ત્યાં તો આ લાડુ જમવાની રામાયણમાં જ નોકરી ગઈ . કોઈએ – કોણ ? એમના હાથ નીચેના દયાશંકર માસ્તરે જ નનામી અરજીઓ કરી : “ છોકરાંઓ પાસેથી લાંચ લે છે , એમને ત્યાં જમવા જાય છે … ? વગેરે . અને , રજવાડામાં પણ આવી અરજીઓ ઉપર ધ્યાન આપી ન્યાય કરવામાં આવે છે . એ તો મોટા સાહેબે આ દૃષ્ટિથી દેવશંકરને રજા આપી કે પછી એમના કોઈ સગાને જગ્યા કરી આપવા માટે , એ રામ જાણે. પરંતુ એમની પાસેથી રાજીનામું પડાવ્યું એ તો ચોક્કસ વાત છે …

રખડી પડેલા દેવશંકરે બાળબચ્ચાંને વતનની વખારમાં નાખ્યાં ને પોતે ભાણાભાઈની લાગવગથી અમદાવાદની મિલમજૂર લત્તાની એક મ્યુનિસિપલ શાળામાં નોકરીએ ચઢ્યા. અમરકથાઓ

ઠીક ચાલતું હતું . મારા ભાઈ ! અડધો પગાર ઘેર મોકલાવતાંય મહિનામાં એક વાર લાડુ બની જતા .

પણ હાય રે યુરોપ તારી લડાઈ ! ત્યાં રહ્યે રહ્યેય પણ હિટલરે દેવશંકરના લાડુ ચોરી લીધા એમ તો કેમ કહેવાય ? હા . જાપાને ખાંડ ચોરી લીધી ને આપણા અંગ્રેજ બાવાએ ઘી , ઘઉં .

પિસ્તાલીસના પગારમાં ગામડામાં પડેલા પાંચ જીવને અને શહેરમાં વસતા પોતાના જીવનું કેમ કરીને પેટ ભરાતું હતું એ તો દેવશંકરને પોતાનેય નહોતું સમજાતું . એમને તો એમ જ લાગતું હતું : “ ભગવાન જ આ બધું ચલાવી રહ્યો છે ” –લાડુ તો દૂર રહ્યા પણ બાજરાના રોટલા મળતા હતા એ જ દેવશંકરને લાડુ મળે છે એમ લાગતું હતું ….

પરંતુ , આજ “ લાડુનું જમણ ” વાંચતાં દેવશંકરના જીવે બળવો જગાવ્યો ; અને તે ત્યાં સુધી કે બે ટંકનો ભોગ આપીને એક ટંકના મિષ્ટાન ખાવાનું નક્કી કર્યે જ એમનો છૂટકો થયો . #અમર_કથાઓ

‘કાલ મિષ્ટાન છે ‘ એ આનંદમાં તો આજની – શનિવારની આ અડધો દિવસેય – ભૂખ લાગવી તો દૂર રહી પણ જાણે આજે જ લાડુનું જમણ ન જન્મ્યા હોય એ રીતે પસાર થઈ ગયો.

રાતે ઊંઘમાં પણ , લાડુ જ લાડુ ! … ઘડીકમાં આવડી ઓરડી ભરેલા લાડુ દેખાતા તો ઘડીકમાં મૂઠ્યાં તળાતાં તો વળી ખંડાતાં . ઘી રેડાતું ને ‘ બળમય ’ લાડુ વળતા . આ પછી . “ લાડુ આવે ” ના અવાજ અને ક્લબના મહારાજ સાથે તકરાર – પૈસા આપ્યા છે …. ડઝન ખાવાના , અને આમ લાડુની તકરારમાં જ ઊંઘ પણ ઊડી ગઈ.

રવિવારની સવાર તો વળી એથીય ખુશનુમા હતી . નિરાંતથી નાહ્યાધોયા અને સેવાપૂજા પણ એમણે કલાકને બદલે બે કલાક કરી ….

બાર વાગવા છતાંય દેવશંકરને જાણે ભૂખ નહોતી લાગી અથવા હજુય વધારે ભૂખ લાગે એમ ઇચ્છતા હતા. અને તેથી જ તો એ સાડા બાર પછી ઓરડી બહાર નીકળ્યા ને ?

અરે , ગયે વખતે – ચાર મહિના પર ગયા હતા ત્યારે તો વળી છેક દોઢ વાગ્યે ગયા હતા .

પરંતુ આજે કાં તો , ‘ ખૂટી જશે ‘ એવી શંકા ઊઠી હતી તેથી કે પછી ભૂખ ખેંચી ગઈ ? એકમાં પાંચ મિનિટ બાકી હતી ને દેવશંકર ક્લબનાં પગથિયાં ચડી ગયા.

ગયે વખતે ક્લબના માલિકનું મોં પડી ગયું હતું , એ યાદ આવવાથી હોય કે પછી પૈસા લેતી વખતના એમના શબ્દો : “ જો તમારા જેવા ઘરાક આવે તો તો એક જ દનમાં અમારે ભાગી જવું પડે . ” આ શબ્દો સાંભરવાથી હોય કે ગમે તેમ , પણ પેલા ઓરડામાં દાખલ થતી વખતે તો દેવશંકરને સંકોચ પણ થવા લાગ્યો , જાણે કોઈના જમણમાં વણનોતર્યા ના જતા હોય !

ખુરશી – ટેબલ ઉપર જમનારા આઠ – દસ માણસોએ આ નવા આગંતુક તરફ જોયું ન જોયું , વળી સામેના પાટલા પર બેસી જમતા એ પાંચ – સાત જણે પણ દેવશંકર ઉપર નજર નાખી લીધી . પણ દેવશંકર તો હરામ હોય તો ઊંચે જુવે ? છતાંય પેલા ખૂણામાંનો ખાલી પાટલો એમણે કેવી રીતે જોયો એ નવાઈની વાત છે.

પાટલા પર એમનો પગ પડતાંની સાથે જ પીરસનાર છોકરાએ હાંક મારી ; “ એક થાળી આવે .”

અને દેવશંકર પહેરણ કાઢી ખીંટીએ લટકાવે તે પહેલાં તો આગળના પાટલા પર થાળી – વાટકો પણ ગોઠવાઈ ગયાં . ધોતિયું સંકોરી બેસે છે એટલામાં તો લાડુ પણ આવી પહોંચ્યા , થાળીમાં એક લાડુ પડતો જોઈ દેવશંકરથી કહ્યા વગર ન રહેવાયું : “ બે જ મૂકી દે ને ? ”

અને એ જુવાને જતાં જતાં બીજો લાડુ પણ મૂકી દીધો.

પણ હજુ પેલું કેળાંનું રાયતું કે શાકભાજી નહોતાં આવ્યાં . જોકે સાચું પૂછો તો દેવશંકરને એની હમણાં પરવા પણ ન હતી , પીરસ્યાં હોત તોપણ આ બે લાડુ પૂરા થતાં પડેલાં એ શાકભાજીનો – અરે પેલા કેળાંના રાયતાનો વારો ન આવત ! પણ તોય થાળીમાં તો એ બધું આવવું જોઈએ ને ? નહિ તો : “ આસપાસના લોકો શું કહેશે ” એટલે દેવશંકરને અનેક પળો સુધી મોંમાં વળતાં પાણીના ઘૂંટડા ભરતાં જ બેસી રહેવું પડ્યું.

છેવટે શાક – તરકારીવાળો પણ આવી લાગ્યો. ભજિયાં પણ પીરસાઈ ગયાં અને રાઈતાંનું તપેલું પણ ઝબક્યું ખરું. #અમર_કથાઓ

દેવશંકરે પલાંઠી વાળી – પણ હાય રે કમનસીબી ! હજુ તો લાડુ સુધી પૂરો હાથ પણ નથી પહોંચ્યો ત્યાં તો ક્લબના માલિક શંકરલાલ સામે આવી ઊભા . દેવશંકરે પણ લાડુ તોડવો મૂકી દઈ જાણે જમીન સામે જોતા હોય તેમ માલિક સામે જોયું.

“જમણનો દોઢ રૂપિયો છે એ તો આપ જાણો છો ને ! ”

દેવશંકર મહા પ્રયત્ન કરીને હસ્યા , કહ્યું : ” આ આવી મોંઘવારીમાં તો હોય જ ને ? ”

“ને પાછો રેશનનો જમાનો, એટલે અમે વધારે રાંઘતાં નથી.” માલિકે આસપાસના સદ્દગૃહસ્થો તરફ જોઈ લાચાર મુખમુદ્રા સાથે કહ્યું અને દેવશંકર સામે જોઈ થોડુંક સાનમાં તો થોડુંક શબ્દો દ્વારા સમજાવ્યું.

“અંદર સગવડ પણ ….. એટલે આપ ….. એમ છે ! કો’તો દાળ – ભાતની થાળી ……”

બાજુના એક ભાઈનો જીવ આ સાંભળીને ઊકળી ઊઠ્યો….ત્યાં સુધી કે વચ્ચે માથું માર્યા વગર પણ ન રહી શક્યા : “ અરે શું તમેય શંકરલાલ ! ભાણા ઉપર બેઠેલા …. ”

પણ ત્યાં દેવશંકર જ બોલી ઊઠ્યા : “પણ મારે દાળ – ભાત જ ખાવાં છે . મેં તો આજ જુલાબ લીધો છે . અને બાજુમાંથી પસાર થતા છોકરાને હાક મારી : “ એ ભાઈ , લાડુ મને શું કામ… – મારે તો દાળભાત જ……..”

શંકરલાલે કહ્યું : “હવે એંઠા થયા એટલે” અને આંખ મીંચકારતાં ઉમેર્યું : “ પતાવી જ દો ને ! ” સાથે જ પીઠ ફેરવતાં હાંક મારી : ખૂણાના પાટલા પર દાળભાતની થાળી આવે ….

દાળભાતની રાહ જોતા દેવશંકર બાજુમાં બેઠેલા , પેલા ભલામણ કરનાર ભાઈ સાથે વાતે વળગ્યા . વાતમાં ખાસ કંઈ ન હતું : “જુલાબને લીધે એટલી બધી અશક્તિ આવી ગઈ છે કે ચૂલા પર ખીચડી મૂકી ખાવા જેટલાય હાલ નથી રહ્યા ! એટલે મેંકુ લાવ વીશીમાં જ દાળભાતની થાળી ! ”

ત્યાં તો ભાત આવી લાગ્યો. વળી દેવશંકરે મોં બગાડતાં કહ્યું : “આ લાડુ તો તું ઉઠાવી જ જા ભાઈ !”

પણ પેલા છોકરાએ તો જાણે સાંભળ્યું જ નહિ . અને દેવશંકર લાડુને કોરે ખસેડી દાળભાત ખાવા વળ્યો …

કોણ જાણે કેમ દેવશંકરની બાજુના પેલા ભાઈએ પણ ખાવાની કંઈક ઉતાવળ કરીને પતાવી દીધું . જ્યારે બીજા લોકો પણ માલિકના સ્વભાવ ઉપર અંદરોઅંદર ટીકા કરી રહ્યા.

એક-બે જણાએ તો બહાર વરિયાળી ખાતાં ખાતાં પરચૂરણ ઘરાકોના પૈસા લેતા શંકરલાલને કહ્યું પણ ખરું : “આ તમે ઠીક ન કર્યું હોં–”

મારો જીવ તો બળે છે પણ શું કરું , ભાઈસાહેબ ! એ ભાઈને તો ડઝન લાડવા વગર – ને આ મોંઘવારીના જમાનામાં અમારે પાછું – ને એ તો ઠીક પણ પાછા લાડુય ખૂટી પડ્યા છે.

” રાંઘનારા છોકરાઓને જ એકેકો મળે તો કેમ કહું. ”

શંકરલાલની આ વાત સાચી લાગવા છતાંય કોઈને કંઈ ખાસ સંતોષ ન થયો.

પણ , સાચું પૂછો તો ખુદ શંકરલાલનો જીવ પણ બળવા માંડ્યો હતો . અને તેથી જ તો એ ફરીથી અંદર આવ્યા ને દેવશંકરને કંઈક કહેવું હોય તેમ તક શોધતા એ જમનારાઓની થાળીઓમાં નજર નાખતા હુકમ આપી રહ્યા : “ શાક આવે . ભજિયાં કોણ આપે છે ? ….

પણ દેવશંકર તો એમને જોઈને ઊલટા છેક નીચી ડોક નમાવી થાળી પર મોં રાખી દાળભાત ખાવામાં જ પડી ગયા . એમનું ચાલત તો એ ઊંચી ડોક પણ કરત. પરંતુ , પેલી ગોજારી આંખોએ ન ચાલવા દીધું ! ઊંચું જોઈ સામે ઊભેલા શંકરલાલને કહ્યું : “જરા મોળી દાળ મંગાવો ને. ” અને ડાબા હાથની છેલ્લી બે આંગળિયો વડે આંખોના ખૂણા સાફ કરી રહ્યા . ..

“મંગાવું , પણ … ” કહેતા શંકરલાલ છેક પાસે આવ્યા અને ધીમેથી – કંઈક લાચાર અવાજે કહ્યું : “ આ લાડુ તો …… બાહ્મણ થઈને અન્નદેવને છાંડી ન મૂકશો !….. ”

“હા ભાઈ , પણ મેં તો જુલાબ લીધો ! … જુઓને આ ભાત જ નથી ખવાતો ! ” –અને આ સાથે જ દેવશંકર ઊભા થઈ ગયા . પહેરણ લઈ હાથ ધોવા માટે સીધા બહાર ચાલતા થયા.

શંકરલાલ જ નહિ , એ આખોય ઓરડો જાણે ઝંખવાણો પડી ગયો .

શંકરલાલ માટે આ ઓછું હોય તેમ દેવશંકરે વળી દોઢ રૂપિયો એમના હાથમાં મૂક્યો … શંકરલાલના સવાલ- જવાબ સાંભળવા ન રહેતાં ગળું સાફ કરી ; “તમારા લાડુ બગાડ્યા એ તો ખરું જ ને ! ” કહેતાંકને એ પીઠ પણ ફેરવી ગયા.

બિચારો શંકરલાલ ! એ તો બબૂચક બનીને , ખભે પહેરણ રાખી નાક નસીકતા અને આંખોના ખૂણા સાફ કરતા જઈ રહેલા દેવશંકરની પીઠ તરફ – ઉઘાડા અંગપટની એ જનોઈ તરફ તાકી જ રહ્યો.

એકાએક એ જાણે ભાનમાં આવ્યો . આ સાથે જ દેવશંકર પાછળ – લગભગ દોડવા લાગ્યો.

અડધી જ મિનિટમાં એણે દેવશંકરને પકડી પાડ્યો : “મને માફ કરો મહારાજ , મારી ભૂલ થઈ ! તમે પાછા આવો, નહિ તો – “

દેવશંકરનાં ચશ્માં નીચેથી ડબડબ કરતાં આંસુ ખરી પડ્યાં , માંડ બોલી શક્યા : “તમારો એમાં કશો … વાંક નથી ! આ મોંઘવારીમાં…….ને તોય આવત… , પણ મેં તો આજથી……” અને શંકરલાલ સામે આંખો માંડી હસવાનો પ્રયત્ન કરતાં વાક્ય પૂરું કર્યું : “લાડુ ખાવાનું જળ મૂક્યું છે !…. ” અને , “હું નહિ આવું” કહી જાણે દોડી જતા ન હોય એમ દેવશંકર માસ્તર ચાલતા થયા.

જ્યારે શંકરલાલ બૂમ મારી રહ્યો : “ પણ , તો તમારા આ પૈસા તો લેતા જાઓ.”

પણ દેવશંકર તો – કદાચ શંકરલાલના એ શબ્દો સાંભળી પણ નહિ શક્યા હોય…

✍ પન્નાલાલ પટેલ – અન્ય શ્રેષ્ઠ વાર્તાઓ નીચે મુકેલી છે. ક્લીક કરીને વાંચો.

પોસ્ટઓફિસ : ધૂમકેતુ
પોસ્ટઓફિસ : ધૂમકેતુ

🌺 પીઠીનું પડીકું – પન્નાલાલ પટેલ

🌺 કાબુલીવાલા

🌺 ગિલાનો છકડો

Ladu nu jaman પન્નાલાલ પટેલ
Ladu nu jaman પન્નાલાલ પટેલ

✍ પન્નાલાલ પટેલ.

15 thoughts on “લાડુનું જમણ – પન્નાલાલ પટેલ | Ladu Nu Jaman – Pannalal Patel”

  1. Pingback: કાશીમાની કૂતરી વાર્તા | Kashima Ni Kutari | Gujarati Best story - AMARKATHAO

  2. Pingback: રજપુતાણી | ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ - AMARKATHAO

  3. Pingback: પીઠીનું પડીકું | પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ

  4. Pingback: છકડો પાઠ ધોરણ 10 - AMARKATHAO

  5. Pingback: બાબુ વીજળી | BABU VIJALI old textbook std 10 - AMARKATHAO

  6. Pingback: પરીક્ષા પાઠ | પન્નાલાલ પટેલ ધોરણ 7 - AMARKATHAO

  7. Pingback: ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ - AMARKATHAO

  8. Pingback: સિંહની દોસ્તી પાઠ ધોરણ 7 | Best Gujarati Story - AMARKATHAO

  9. Pingback: "સિંહાસન બત્રીસી" બીજી પૂતળીની વાર્તા ભાગ 3 - AMARKATHAO

  10. Pingback: સંસ્કાર સાહ્યબી - નટવરભાઈ રાવળદેવની વાર્તા 1 - AMARKATHAO

  11. Pingback: કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ - કનૈયાલાલ મુનશી - AMARKATHAO

  12. Pingback: રજપુતાણી : ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ | Rajputani Dhumketu ni varta - AMARKATHAO

  13. Pingback: ભોળો મગર - અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | જુની વાર્તાઓ - AMARKATHAO

  14. Pingback: માનવીની ભવાઈ નવલકથા - 1 પન્નાલાલ પટેલ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *