Skip to content

લવ મેરેજ | Love marriage short story 5

લવ મેરેજ
3859 Views

લવ મેરેજ : લેખક – નટવરભાઈ રાવળદેવ થરા. Love marriage short story by Natvarbhai Ravaldev, moral story, story book in gujarati, gujarati varta pdf, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા pdf, ગુજરાતી વાર્તા pdf, હિતોપદેશની વાર્તાઓ pdf, મહેનત વાર્તા pdf, શ્રેષ્ઠ પ્રેરક કથા, બોધ વાર્તા pdf, ગુજરાતી બોધ વાર્તા pdf, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા, ગુજરાતી વાર્તા સંગ્રહ, વાર્તા gujarati pdf, varta gujarati pdf,

લવ મેરેજ ભાગ 1

પ્રિયા હરેશભાઈ અને વીણાબેનની લાડકવાયી દિકરી.હરેશભાઈને સંતાનમાં મોટી દિકરી પ્રિયા ને નાનો દિકરો આર્યન. હરેશભાઈ પોતે સરકારી નોકરીમાં ત્રીજા વર્ગના કર્મચારી ને વીણાબેન પણ ધોરણ બાર પાસ ખરાં.

સામાજિક શૈક્ષણિક રીતે પ્રમાણમાં પાછળ કહી શકાય તેવી જ્ઞાતિમાં હરેશભાઈની ખુબ ઉંચી પ્રતિષ્ઠા.પ્રતિષ્ઠા કેમ ના હોય! રજાના દિવસોમાં તો સામાજિક સુધારણાના કાર્યક્રમોમાં સતત રચ્યાપચ્યા રહે.ગામેગામ ફરવું.લોકોને શિક્ષણ પ્રત્યે અભિમુખ કરવા,સામાજિક દુષણો દૂર કરવા સતત પ્રેરણા આપવી,વ્યસનમુક્તિ અભિયાન,ભણતાં બાળકોને આગળ ભણવાનું સતત પ્રોત્સાહન અને ક્ષમતા મૂજબની આર્થિક મદદ -એ જ હરેશભાઈનો જીવનમંત્ર.

પોતાના બાળકો માટે તો હરેશભાઈને ખુબ ઉંચી અપેક્ષાઓ હોય એ સમજી શકાય એવી વાત છે.વીણાબેન પણ બન્ને બાળકોને અભ્યાસમાં સતત પ્રોત્સાહન આપતાં રહે.પરિણામસ્વરૂપ પ્રિયા એમ બી બી એસ બની ગઈ.હરેશભાઈ માટે ગર્વની વાત એ હતી કે, એમના વિસ્તારમાં પ્રિયા એમની જ્ઞાતિમાં એમ બી બી એસની પદવી મેળવનાર પ્રથમ દિકરી હતી.

હરેશભાઈના પરિવારમાં એક મહિના સુધી સતત ખુશીનો માહોલ છવાઇ ગયો.સમાજમાંથી શુભેચ્છાઓની હેલી વરસી પડી.

પરિવારની ખુશી અણધારી રીતે લુપ્ત થઇ ગઇ! પ્રિયાએ અન્ય જ્ઞાતિના ડોક્ટર સાથે “લવ મેરેજ” કરી લીધાં.

પ્રિયા જાણે સરપ્રાઈઝ આપતી હોય તેમ મમ્મી વીણાબેનને ફોન કરીને જાણ કરી અને કહ્યું, “મમ્મી મેં અને દિવ્યેશે લવ મેરેજ કરી લીધાં છે.હું અને દિવ્યેશ સાથે જ સ્ટડી કરતાં હતાં.એ મારાથી સ્ટડીમાં બે વર્ષ આગળ હતો.પૈસે ટકે એકદમ સુખી છે.એના પપ્પાની પણ અમદાવાદમાં હોસ્પિટલ છે.આલિશાન મકાન અને બે બે ગાડીઓ છે.”

ઘડીભર તો વીણાબેન મૂક બની ગયાં.જડવત જેવી હાલતમાં બેધ્યાનપણે પુછી બેઠાં,”બેટા! છોકરો આપણી જ્ઞાતિનો છે?આપણી જ્ઞાતિમાં પાંચ છ ડોકટર જરુર છે.આઠ દશ છોકરા મેડિકલ લાઈનમાં અભ્યાસ પણ કરે છે એવું સાંભળ્યું છે પરંતુ અમદાવાદમાં તેં કહ્યું તેવા વૈભવી જીવનવાળા આપણી જ્ઞાતિના ડોક્ટરનું નામ હજી સુધી સાંભળ્યું નથી.”

“મમ્મી આજના આ ફોરવર્ડ જમાનામાં જ્ઞાતિની વાત? મમ્મી હું અને દિવ્યેશ એકબીજાને દિલ આપી બેઠાં હતાં.મન મળી ગયાં ને લવ મેરેજ કરી લીધાં એમાં જ્ઞાતિબાધ કેવો?અને છતાંય તારે જાણવું હોય તો દિવ્યેશ ઉચ્ચ જ્ઞાતિનો છે.અને હા મમ્મી! તું પપ્પાને કહી દેજે.પ્લેનની ટીકીટ બૂક થઈ ગઈ છે.હનીમૂન માટે કેરળ જઈ રહ્યાં છીએ.ઘેર આવીને તમારા આશિર્વાદ લેવા આવશું.આર્યનને હમણાં હું જાણ કરી દઉં છું.અને ઘેર આવ્યા પછી તો આર્યનને હું મારી સાથે જ રાખીશ જેથી એને સ્ટડી માટે આધુનિક સગવડો મળી રહે.લે હવે, ફોન મુકું છું.હનીમૂનની બધી તૈયારી કરવાની બાકી છે.હું અત્યારે દિવ્યેશના ઘેર છું.અરે હા મમ્મી! લગ્નનો ખર્ચ પણ કેટલો બધો બચી ગયો નઈ!આમેય આજના સમયમાં ખોટા ખર્ચા શું કામ કરવાના? લે હવે, ફોન મુકું છું.”

ફોન તો મુકાઈ ગયો પરંતુ વીણાબેનના પગ નીચેથી ધરતી સરકી રહી હતી.પરસેવે રેબઝેબ થઈ ગયાં.માથું પકડીને બેસી ગયાં.દશેક મિનિટે સુધબુધ પાછી આવી હોય એવું લાગ્યું.બપોરનું જમવાનું બાકી હતું પરંતુ જમવાની ઈચ્છા મરી પરવારી.સાંજના સાડા છ વાગતાં તો જાણે એક યુગ વીતી ગયો હોય એવું લાગ્યું.હરેશભાઈને શું કહેવું એનો વિચાર કરવાની સ્થિતિ મગજની નહોતી.સાડા છ સુધી સૂનમૂન બનીને બેસી રહ્યાં.પાણીનો ઘૂંટડો પણ હજી ગળે ઉતાર્યો નહોતો.

હરેશભાઈ ઘેર આવી પહોંચ્યા.આર્યન સ્કૂલથી સીધો ટ્યુશન ક્લાસ ભરતો હોવાથી તેને આવવાની હજી વાર હતી.

હરેશભાઈ બુટ મોજાં કાઢી રહ્યા હતા ત્યાં એમની નજર વીણાબેન પર પડી.એકદમ વિલાયેલો ચહેરો જોઈને હરેશભાઈએ વીણાબેનને કહ્યું, “શું વાત છે આર્યનની મમ્મી? આટલી ઉદાસ કેમ છે?”

ઘેર આવ્યે દરરોજ પાણીનો ગ્લાસ ભરીને હસતા મોંઢે હાજર થતાં વીણાબેન આજે એકદમ હતાશ હતાં એ હરેશભાઈની નજર બહાર થોડું રહે!

હરેશભાઈએ ઉચાટભર્યા હ્રદયે ફરીથી પુછ્યું, “બધું ક્ષેમકુશળ છે ને આર્યનની મમ્મી? કેમ કંઈ બોલતી નથી?”

સૂનમૂન થઇને બેઠેલાં વીણાબેન ઝબકીને જાગતાં હોય તેમ થોડાં હાલ્યાં ,એ સાથે જ આંખો ઉભરાઈ ગઈ.

“કંઈક બોલે તો ખબર પડે આર્યનની મમ્મી! કંઈક તો બોલ! -હરેશભાઈ આજીજીભર્યા સ્વરે બોલ્યા.

છેવટે ભારે હૈયે વીણાબેને પ્રિયાની હકીકત કહી સંભળાવી.અંતમાં બોલ્યાં,”હૈયું કઠણ કરજો આર્યનના પપ્પા,તમને આર્યનના સોગંદ છે.”

હરેશભાઈની છાતી ભિંસાવા લાગી.પાંચેક મિનિટમાં બેભાન થઈને ઢળી પડ્યા.

પડોશીની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.તાત્કાલિક સારવારથી હ્રદયરોગના પ્રથમ હુમલામાં હરેશભાઈ માંડમાંડ બચી ગયા.બે દિવસ હોસ્પિટલમાં રહેવાનું થયું.

હરેશભાઈને થોડો આરામ થતાં જ વીણાબેન આર્યનને હરેશભાઈ પાસે રહેવાનું કહીને હોસ્પિટલની બહાર નીકળ્યાં અને પ્રિયાને ફોન જોડ્યો,”પ્રિયા ક્યાં છે તું અત્યારે? તારા પપ્પાને હ્રદયરોગનો પ્રથમ હૂમલો આવી ગયો છે.”

ઓહ મમ્મી! અત્યારે તો સારૂ છે ને પપ્પાને? હું તો અત્યારે કેરળમાં છું.પપ્પાને ફોન આપે તો હું સમાચાર લઉં અને થોડું માર્ગદર્શન આપું .”-પ્રિયા બોલી.

” પ્રિયા ! તારા પપ્પાને તો અત્યારે સારૂ છે.ડોકટરની દેખરેખ નીચે છે એટલે હાલ તો વાંધો નથી પરંતુ તને બે હાથ જોડીને વિનંતી કરૂ છું કે, તું જે રસ્તે ગઈ છે એ રસ્તેથી પાછી આવી જા દિકરી.હજી મોડું થયું નથી પ્રિયા.”-વીણાબેન કરગરતા સ્વરે બોલ્યાં.

“મમ્મી! મેં શું ગુનો કર્યો છે?પસંદગીના પાત્ર સાથે લવ મેરેજ કરવાં એ ગુનો લાગે છે તને અને પપ્પાને .”-પ્રિયા અકળાઈને બોલી.

“ના બેટા!તેં કોઈ ગુનો નથી કર્યો.તારા આ પગલાથી તારા પપ્પાની પ્રતિષ્ઠા માત્ર દાવ પર જ લાગી છે.તારા આ પગલાથી આપણી જ્ઞાતિની દિકરીઓ શિક્ષણના પગથિયે પા પા પગલી માંડી રહી છે તેમનાં અરમાનો પર એમનાં માબાપ કાતર ના ફેરવે એ ભયસ્થાન સાવ ક્ષુલ્લક જ છે નઈ બેટા! જ્ઞાતિમાં તારી પદવીને સન્માનવાના જે કાર્યક્રમો થવાના હતા એની કેટલાય લોકોને તારા પપ્પાએ તારીખો આપી હતી એ સમારોહોમાં તને ખુબ સારી રીતે સમાજ સન્માનશે હો બેટા! તેં આપણી જ્ઞાતિની ભણેલી દિકરીઓ માટે ખુબ સારો ચિલો ચાતર્યો છે બેટા!

ઉંચું શિક્ષણ મેળવીને દિકરીઓ તારા રસ્તે ચાલે ને આપણો જ્ઞાતિ સમાજ ભલે ને જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં જ રહે નઈ!હવે તારા પપ્પા કન્યા કેળવણી માટે જશે ત્યારે એમને સરસ જવાબ મળશે કે, તમે ભણાવી એ ઘણુંય ! આવા જવાબો સાંભળીને તારા પપ્પાના હ્રદયને ટાઢક વળશે હો બેટા! -ડૂસકાંભર્યા સ્વરે વીણાબેન આટલું તો બોલી જ ગયાં.

બધું પથ્થર પર પાણી સમાન હતું.પ્રિયા એકની બે ના થઈ તે ના જ થઈ.

હોસ્પિટલમાંથી રજા મળી ગઈ.ધીરેધીરે જ્ઞાતિજનોમાં ખબર પડતી ગઈ.હરેશભાઈને તો ઘરની બહાર નિકળવાનું પણ બંધ થઈ ગયું.એમની પાસે કોઈ જવાબ નહોતો.અત્યંત લાડકોડમાં ઉછેરેલ દિકરીએ આવું પગલું શા માટે ભર્યું એ હરેશભાઈ અને વીણાબેનને ના સમજાયું.જ્ઞાતિના અભણ પરિવારો તો એક જ વાત રટી રહ્યાં હતાં,’જુઓ! દિકરીને ખુબ ભણાવવાના ફાયદા નજર સામે જોઈ લ્યો!’

આવા પરિવારોને સમજાવવા માટે જ્ઞાતિના આગેવાનો પાસે પણ કોઈ સક્ષમ પ્રત્યૂતર નહોતો.ટુંકી વસ્તી ધરાવતી આ જ્ઞાતિ માટે આગેવાનો આ ઘટનાને જમાના પ્રમાણે અપવાદરૂપ ગણાવવાનો પ્રયાસ કરતા હતા પરંતુ “લવ મેરેજ”- આધુનિક જમાનામાં કંઈ નવું નથી એ વાત છેડવાની કોઈનીયે તાકાત નહોતી.

હરેશભાઈએ પ્રિયા સાથેના સબંધોના તાર કાપી નાખ્યા પરંતુ સતત વ્યગ્ર અને હતાશ રહેતા હરેશભાઈ માંડ એક વર્ષ જીવ્યા.હ્રદયરોગનો બીજો હૂમલો જીવ લઇને ગયો. જ્ઞાતિએ ખરા અર્થમાં એક સમાજ સુધારક ગુમાવ્યો……

===============================

લેખક-નટવરભાઈ રાવળદેવ થરા.

લવ મેરેજ ભાગ 2

એક વર્ષનાં વહાણાં વાઈ ગયાં.એ એક વર્ષ દરમિયાન પરિવારને સમજાવવાના પ્રિયાએ ભરપુર પ્રયાસો કર્યા.હરેશભાઈના નિધન વખતે પણ પ્રિયા ના આવી શકી.વીણાબેને તો સ્પષ્ટ સંભળાવી દીધું કે, “આ ઘરમાં તારો પગ નહીં.”

સગા બાપની અંત્યેષ્ટિમાં પણ હાજર ના રહી શકનાર પ્રિયા હચમચી ગઈ.એનાં સાસુ સસરાએ તો સ્પષ્ટ કહી દીધું કે, આવા ગમાર પરિવારમાંથી તમે મુક્ત થયાં એ જ સારૂ છે.

પ્રિયાનું એમ ડી થવાનું સ્વપ્ન રોળાઈ ગયું.પ્રિયાને એક વાતનો ખ્યાલ આવી ગયો કે, દિવ્યેશનો પરિવાર પૈસાનો પૂજારી છે. રવિવાર કે તહેવારોના દિવસોમાં પ્રિયા દિવ્યેશને એના પરિવારને મળવા માટે કહે તો સાસુ સસરા જ જવાબ આપી દે.પ્રિયા એ બધા લોકો ગામડે રહે છે.અમે જ ખાસ સંજોગોમાં ત્યાં જઈએ છીએ.દિવ્યેશને તો એક મિનિટેય ત્યાં ના ફાવે.

ક્યારેક પ્રિયા દાન પૂણ્ય કરવાની વાત કરે તો સ્પષ્ટ જવાબ મળી જાય,”લોકોને મફતનું ખાવાની આદત પડી ગઈ છે.સૌ કરેલાં કર્મ ભોગવતાં હોય છે.” આ ફિલોસોફી પ્રિયાને ગળે ઉતરતી નહોતી.ક્યારેક રજાના દિવસોમાં દિવ્યેશના મિત્ર વર્તુળની મહેફિલ જામતી ખ્યાતનામ હોટલોમાં.ઉંચાં મેનુનાં ખર્ચાળ ભોજન થતાં.ટુંકમાં સંપતિની છોળોમાં પ્રિયા જરૂર ભિંજાઈ રહી હતી.પ્રિયા મનોમન મુંઝાઈ રહી હતી.લવ મેરેજ પહેલાં પ્રિયાએ એનો સમાજ કચડાયેલ છે એ વિષે વાત કરીને દિવ્યેશને કહ્યું હતું કે, લગ્ન પછી આપણે મારા સમાજમાં જાગૃતિ માટેના પ્રયાસો કરશું એ વાયદો તો દિવ્યેશે એમ કહીને અભરાઈએ ચડાવી દીધો હતો કે, તારા પરિવારે જ આપણી સાથેના સંબંધો કાપી નાખ્યા છે તો હવે કઈ રીતે ત્યાં જવાની વાત કરે છે?

પ્રિયાને ભૂતકાળ યાદ આવ્યો…..

એ કચડાયેલો સમાજ કે જ્યાં માનવતા અને લાગણીઓ ભરપૂર ભરેલ દેખાતાં હતાં.સમૂહલગ્નોમાં પ્રિયાની સ્ટેજ પર બેઠક હોય. આગેવાનોના વક્તવ્યોમાં પ્રિયાનો ઉલ્લેખ હોય જ. સમાજની દિકરીઓ માટે પ્રિયા ઉદાહરણરૂપ છે એ વિષે વક્તાઓ પ્રિયાનાં વખાણ કરતાં ધરાય જ નહીં.

રવિવારના સમયે સામાજિક ફંકશનોમાં હરેશભાઈ પ્રિયાને સાથે લઇને જ જાય. શિક્ષિત દિકરીઓ તો દીદી દીદી કહીને પ્રિયા સાથે સેલ્ફી લેવા પડાપડી કરે.દીદી અમારે ઘેર એક વખત જરૂર આવજો.

દિકરીઓ અભ્યાસ માટે માર્ગદર્શન માગે ત્યારે પ્રિયા ઘણીબધી વાતો કરે.સાવ સામાન્ય પરિવારની દિકરીઓ તો લાગણીવશ થઈને પ્રિયાને કહે, “દીદી! તમારાં વખાણ સાંભળી સાંભળીને અમારાં માબાપો અમનેય અભ્યાસ માટે પ્રોત્સાહન આપે છે એટલું કહીને ઘણી દિકરીઓ તો રડી પડે.

પ્રિયા એમબીબીએસના ત્રીજા વર્ષમાં હતી ત્યારે રજાઓના સમયમાં હરેશભાઈ એને સમાજમાં ખુબ ફેરવતા.સમાજના બે એમ ડી કરી રહેલા દિકરાઓને ઘેર હરેશભાઈ પ્રિયાને લઈને બે બે વખત ગયા હતા.પ્રિયા પણ હરેશભાઈનો મકસદ સમજી ગઇ હતી.

બન્ને એમ ડી કરી રહેલ દિકરાઓના પરિવાર સામાન્ય હતા. એક દિકરાને ઘેર આંગણામાં ચાર પાંચ ભેંસો બાંધેલી હતી……..

ક્યારેક એવા પરિવારોમાં જવાનું થતું કે, એના ઘરના છાપરા પર પુરતું ઢાંકણ પણ ના હોય છતાંય એની મહેમાનગતિ ઘણી જોરદાર હોય….

ભૂતકાળ વાગોળતાં આંખો ઉભરાઈ ગઈ પ્રિયાની પરંતુ હવે પસ્તાવો કરવાનો શો અર્થ! કારણ કે પ્રિયાને એની લઘુતાગ્રંથિ નડી ગઈ હતી.એના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે, આ સમાજમાં મારૂ સ્ટેટસ શું? બસ, એના મનમાં તો એ જ ઘૂન સવાર થઈ ગઈ કે, “હું ઉચ્ચ ડીગ્રીધારી ડોક્ટર બનીને મારાથી પણ ઉંચી ડીગ્રીવાળા ડોક્ટરને પસંદ કરીશ જેથી મારા સમાજને હું મોટો સહયોગ આપી શકું.

સમાજના બન્ને એમડી છોકરાઓ દેખાવે સ્વાભાવે સારા હોવા છતાંય એમના ઘરની સામાન્ય સ્થિતી માત્રથી પ્રિયા સબંધ માટે રાજી નહોતી..એના સિવાય પણ બે ત્રણ છોકરાઓ એને લાયક ક્યાં નહોતા?

પરંતુ આ સમાજ જ આખો અન્ય સમાજો કરતાં સાવ નીચી પાયરીએ છે.એની બીજા સમાજો આગળ કોઈ વેલ્યુએશન નથી આવું એને સતત લાગ્યા કરતું હતું .

અને એટલે જ તો પ્રિયા એમબીબીએસના ત્રીજા વર્ષમાં હતી ત્યારે વૈભવી જીવન જીવતા દિવ્યેશ તરફ આકર્ષાઈ……

વીણાબેન પણ પ્રિયાના પગલા વિષે ઘણું મનોમંથન કરતાં હતાં.આખરે દિલ તો એક માતાનું હતું ને! પરંતુ બીજા પાસા વિષે વિચારતાં જ એ લાચાર બની જતાં.

પ્રિયાને અપનાવીશ તો સમાજમાં એના ઉંડા પ્રત્યાઘાત પડશે એ નક્કી જ હતું, જે દિકરીએ સગા બાપનો ભોગ લીધો એને જ અપનાવી! વધારામાં છેલ્લા એકાદ વર્ષમાં સમાજમાં બનેલ ઘટનાઓ નજર સામે તરવરતી હતી.સમાજની દશેક છોકરીઓ અન્ય સમાજોમાં લવ મેરેજ કરીને ભાગી ગઈ હતી.

છેલ્લા વર્ષોમાં સમાજના ખાસ્સા છોકરાઓએ ઉચ્ચ શિક્ષણમાં કાઠું કાઢ્યું હતું પરંતુ તેમાંથી કોઈ અન્ય સમાજમાંથી પરણીને કે લવ મેરેજ કરીને છોકરી લાવ્યું હોય એવો બનાવ હજી સુધી બન્યો નહોતો.સમાજના આગેવાનો અને સેવકો આ બાબતે ઘણું મનોમંથન કરી રહ્યા હતા.એ બધા કંઈ લવ મેરેજના વિરોધી થોડા હતા? મોટાભાગના આધુનિક જમાનાને સમજનાર હતા.સૌને એક જ ચિંતા સતાવી રહી હતી કે, આવા બનાવો સતત બન્યા કરશે તો સમાજના છોકરાઓનું શું? આર્થિક રીતે સધ્ધર સમાજોનાં અરસપરસ લગ્નો, પ્રેમલગ્નો કોઈ અસર કરતાં નથી પરંતુ કચડાયેલા સમાજમાં આ રીતે છોકરીઓનું લવ મેરેજ કરીને એકતરફી પલાયન ગંભીર સમસ્યાઓ પેદા કરશે એની સૌને ચિંતા હતી.આ વિટંબણામાં જ હરેશભાઈએ જીવ ગુમાવ્યો…

આ બધા કારણોથી વીણાબેને આજીવન પ્રિયાને ના અપનાવવાનું નક્કી કરી લીધું હતું……

તો પ્રિયા! જીંદગીનાં અરમાનોને દફનાવીને જીવન પસાર કરી રહી હતી……

===============================

લેખક-નટવરભાઈ રાવળદેવ થરા.

નટવરભાઈની અન્ય ટૂંકીવાર્તાઓ પણ વાંચો 👇

👉 સબંધોની આરપાર

👉 દિવાળી

👉 નાથીયો

ગુજરાતી પ્રેરક વાર્તા pdf, નવી વાર્તા pdf, વાર્તા ગુજરાતી સાહિત્ય, બોધ વાર્તા ગુજરાતી, બોધ કથા pdf, ગુજરાતી પ્રેરક વાર્તા, પંચતંત્રની 75 વાર્તાઓ pdf, ગુજરાતી બાળ વાર્તા pdf, બોધ કથા ટૂંકી ગુજરાતી, 101 inspiring stories in gujarati pdf, varta gujarati, હિતોપદેશની વાર્તાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *