7593 Views
Mahabharat મહાભારતમાં ભીમ દ્વારા બકાસુર રાક્ષસના વધનો ( Mahabharat ) પ્રસંગ ખુબ જ રસપ્રદ છે. બાળકોમાં નિડરતાનાં ગુણો વિકસે અને અન્યાયનો સામનો કરતા થાય માટે આવા પ્રસંગો વંચાવો અથવા સંભળાવો. પ્રસ્તુત વાર્તા બકાસુર વધ બાળકો અને કિશોરોને રસ પડે તે રીતે લખવામાં આવી છે.
બકાસુર વધ – Mahabharat
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
બકાસુર વધ
પાંડવો અને કૌરવો પિતરાઈ ભાઈઓ હતા. હસ્તિનાપુરની ગાદી પર પોતાનો પણ અધિકાર છે એ સ્થાપિત કરવા પાંડવોએ કૌરવો સાથે યુદ્ધ કર્યું. આ યુદ્ધના અંતે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા. પણ કુરુક્ષેત્રની લડાઈ તરીકે ઓળખાતા આ યુદ્ધ પહેલાં કૌરવોએ પાંડવોના નાશ કરવા કેટલાય દુષ્ટ પ્રયાસો કર્યાં હતા.
આવા જ એક દુષ્ટ લાક્ષાગૃહનાં પ્રયાસમાંથી પાંડવો સહીસલામત બચી નીકળ્યા પછીનાં પ્રસંગની આ કથા છે.
બચી નીકળીને પાંચેય ભાઈઓ માતા કુંતા સાથે એકચક્ર ગામમાં પહોચ્યાં. ગામ અત્યંત શાંત હતું. એટલે રખડપાટથી થાકેલા ભાઈઓએ, કૌરવો તેમને શોધી કાઢે ત્યાં સુધી આ ગામમાં જ શાંતિમાં દિવસો ગુજારવાનું નક્કી કર્યું …. ગામમાં ઘર શોધતાં શેાધતાં છેવટે તેમને એક ગ્રામવાસી મળ્યા જેમણે તેમને પેાતાના ઘરમાં જગ્યા આપવાનું કબૂલ કર્યું. પાંચ પાંડવોમાં વચેટ ભાઈનું નામ ભીમ હતું.
એક વાર ભીમ અને માતા કુંતી વાતો કરી રહ્યાં હતાં ત્યારે તેમને કાને કોઈના રડવાનો અવાજ આવ્યો.
કુંતી તરત ઊઠયાં અને કોણ રડે છે, શા માટે રડે છે તેની તપાસ કરવા નીકળ્યાં તેઓ પોતાના યજમાનના ઘર પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તેમણે કંઈક વાતચીત થતી સાંભળી.
“હવે અહીંથી કયાંય જવાય એમ નથી. બહુ મોડું થઈ ગયું છે. ’’ પુરુષ બોલી રહ્યો હતો.
“આપણે કોઈ એકબીજા વિના રહી શકીએ એમ નથી. એટલે હવે અહીં આપણે સહુએ મરવાનું જ છે. હું તો પહેલેથી કહેતો હતો કે ચાલો, આ ગામ છોડીને બીજે કયાંક જઈ વસીએ. પણ તું ન માની. હું અહીં જ જન્મી છું અને અહીં જ મરીશ એમ કહેતી રહી. તારી આ ઇચ્છા પાર પડવાનો વખત આવી ગયો છે. તું જ નહીં, આપણે ચારેય જણા અહીં મરીશું. ”
કુંતીમાતા આ શબ્દાનો અર્થ સમજવાના પ્રયત્ન કરતાં ત્યાં જ ઊભાં. એટલામાં સ્ત્રીનો અવાજ સંભળાયો : “ આપણે બન્ને અને આપણાં બાળકો અહીં સાથે જ મરીએ તે એથી રૂડું શું ? પણ કમનસીબે આપણામાંથી એકે જ મરવાનું છે. આપણામાંથી કોણ જાય એ વાતને હું ક્યારની વિચાર કરું છું.
આ નાનાં નાનાં છોકરાંમાંથી કોઈને મોકલવાની તો કલ્પના પણ કરી શકાય એમ નથી. એટલે રહ્યાં આપણે બે. ત્યારે તમને ગુમાવીને આ બે બાળકોને હું શી રીતે સંભાળી શકું ? મારી આજીવિકાનું શું ? હું પ્રામાણિકપણે રોજી મેળવવા શું ધંધો કરી શકવાની હતી ? એકલે હાથે આ નાનકડા બાળને ઉછેરવાનું કે દીકરીને પરણાવવાનું કામ મારાથી શી રીતે થશે ? એટલે સારામાં સારો રસ્તો એ છે કે હું જાઉં. તમે બાળકોને જોજો. તમારી ઇચ્છાવિરુદ્ધ અહીં રહેવાનો આગ્રહ મેં રાખ્યો હતો, એને માટે આ રીતે મને સારી સજા મળશે. આમાં હા – ના કરવાનો કે દલીલચર્ચા કરવાને અર્થ નથી.”
હવે કુંતી સમજી ગયાં કે પાતાને આશ્રય આપનાર આ દયાળુ કુટુંબ પર કોઈ ભયાનક આફત તોળાઈ રહી છે. આ લોકોને કંઈ રીતે મદદ કરી શકાય તે પૂછવાના ઈરાદે કુંતી આગળ વધી રહ્યાં હતાં ત્યાં તેમણે પુત્રીનો અવાજ સાંભળ્યો. માતાપિતા રહે અને નાના ભાઈ ને સંભાળે એ માટે પોતાના ભોગ આપવા એ માતાપિતાને સમજાવી રહી હતી.
કુંતીએ હવે વધુ રોકાયા વગર તેમની સામે જઈ ને કહ્યું, “ આ રીતે તમારા ઘરમાં ઘૂસી આવી છું તે ધ્યાનમાં ન લેશો. મેં તમારી વાત સાંભળી લીધી છે. તમારા દુઃખનું કારણ મને જણાવશો તો હું બનશે તે તમને મદદ કરીશ. તમારા માથે તોળાઈ રહેલો ભય આપણે સહુ સાથે મળીને જરૂર દૂર કરી શકીશું.”
“તમારા આવા માયાળુ શબ્દો સાંભળીને બહુ સારું લાગે છે બહેન, પણ અમને કોઈ કાળાં માથાંનો માનવી મદદ કરી શકે એમ નથી. એક માત્ર ભગવાન જ અમને મદદ કરી શકે એમ છે.” પુરુષે કહ્યું.
“પણ મને વાત તો કરો.” કુંતીએ આગ્રહ કર્યો.
બકાસુર નામનો રાક્ષસ છે, જે પહાડ જેવો ઉંચો છે. એ ચાલે ત્યારે ધરતી ધમધમ ધ્રુજે છે, એ બોલે છે ત્યારે આકાશમાં વિહરતાં પક્ષીએ ગભરાઈ ને ઊડી જાય છે. અમારે રોજ એને એક ગાડું ભરીને ભાત, બે પાડા અને એક માણસ ખારાક તરીકે મોકલવાના હોય છે. એમાં જ અમારી સલામતી છે. રોજ એક એક ઘેરથી એક માણસ બકાસુરને મોકલવા એમ સહુએ મળીને નક્કી કર્યું છે, આમાં કાલે અમારા ઘરનો વારો છે. ઘરમાં અમે ચાર જણા છીએ. અમારામાંથી કોણ જાય એ અમે નક્કી કરી રહ્યા છીએ.”
આવી ભયંકર વાત સાંભળી પહેલાં તે શું કહેવું એ જ કુંતીને સૂઝયું નહીં. પણ તે સાથે આ લોકોને મદદ કરવાના એમનો નિર્ણય વધુ દૃઢ બન્યો એમણે ખૂબ વિચાર કરીને છેવટે કહ્યું, “તમે માનો તો મને એક રસ્તો સુઝે છે.”
“અમે તે કંઈ વિચાર જ નથી કરી શકતાં. એટલે તમે જે કહેશો અમે તે માની લેશું.”
“તો સાંભળો” કુન્તીએ કહેવા માંડયું, “તમારે એક જ દીકરો છે અને તેય નાનો છે. મારે પાંચ દીકરા છે. એમાંથી એકને ગાડું ભરીને ભાત અને પાડાઓ લઈ ને મોકલીએ.’’
આ વાત સાંભળતાં જ પેલા પુરુષે કાને હાથ દીધા. “તમારી વાત હું સાંભળવા પણ નથી માગતો. તમારા દીકરાનો ભોગ આપી અમારે બચી જવાનો વિચાર કરવો એ ય ખોટું.”
કુંતીએ એને શાંત પાડતાં કહ્યું, “તમે મારા દીકરાઓને એળખતા નથી. એમાંથી એક તો આ કામ માટે બરાબર લાયક છે.” પોતાનાં આ દીકરાનાં પરાક્રમોની યાદ આવતાં કુંતીએ અભિમાન અનુભવ્યું અને સ્મિત કરીને કહ્યું આ દીકરા મને ઓછા વહાલા છે એવું પણ નથી. પણ રાક્ષસોનો એને બહુ અનુભવ છે. એ છે પણ ઊંચા પૂરા રાક્ષસ જેવા અને વાયુદેવતા જેટલી એની ઝડપી ગતિ છે. એટલે કહું છું કે એને બકાસુર પાસે જવા દે.”
આટલી વાત કરી કુંતી પોતાના ઘરમાં પાછાં આવ્યાં અને પેાતાના પુત્રને બકાસુરની વાત કરવા લાગ્યાં. વાત પૂરી કરીને તેમણે કહ્યું, “મેં મારા એક દીકરાને રાક્ષસ પાસે મોકલવાનું વચન આપ્યું છે.”
માના આ શબ્દો સાંભળી ભીમ બોલ્યો : “તેં મને મોકલવા ધાર્યું છે ને મા ? તારું ધારેલુ કામ થઈ ગયું એમ ગણી લેજે. ’’
બીજે દિવસે ભીમે બકાસુર પાસે જવાની બધી તૈયારી કરી લીધી અને આનંદથી જંગલમાં બકાસુર જ્યાં રહેતો હતો ત્યાં જવા નીકળ્યો.
બકાસુર જોઈ જ રહ્યો હતો કે ક્યારે એનો ખોરાક આવે. આજના ખારાકમાં આવેલા માણસની ઊંચાઈ અને જાડાઈ જોઈ એ ખુશ થયો. એને થયું, આજે સારું પેટ ભરાશે. પણ ત્યાં એને કંઈક ખૂટતું હોય એવો ખ્યાલ આવ્યો. અરે, પાડા ક્યા ?
હજી તો બકાસુર આવો વિચાર કરે છે ત્યાં એણે જોયું કે ભીમ કેળનું પાન સામે મૂકીને બેસે છે અને ગાડામાંથી મૂઠી ભરી ભરીને ભાત લઈ લઈ ને ખાવા માંડચો છે.
બકાસુરને આ જોઈ ખૂબ ગુસ્સો આવ્યો. એ જોઈ રહ્યો હતો અને ગાડામાંનાં ભાત, શાક અને બીજી ખાધાખોરાકીની વસ્તુઓ ફટાફટ ખાલી થતી જતી હતી. હવે બકાસુરથી ન રહેવાયું. એ જોરથી રાડ પાડતા આગળ વધ્યો અને ભીમથી થોડે દૂર જઈને ઊભો.
ભીમે એના થાંભલા જેવા પગ જોયા. પણ એ તે ગાડામાંથી ભાત લઈને ખાતો જ રહ્યો. બકાસૂર વધુ નજીક આવ્યો. “બકાસુરનો ગુસ્સો વહેારી લેવાની હિંમત કરનાર હૈ મૂરખ, તું કોણ છે ? તને મારા ખોરાક તરીકે મેાકલવામાં આવ્યો છે એ તું નથી જાણતો ? મારા માટેના પાડા કયાં છે ? ’’
બકાસુર ગુસ્સાથી બરાડા પાડયા. પણ ભીમ તો ખાતો જ રહ્યો.
“પાડા નથી.” એણે ખાતાં ખાતાં ટૂંકો ને ટચ જવાબ આપ્યો.
“ગામમાં પાડા ઘટી ગયા છે.” ભીમે જરાય ગભરાયા વિના ઠંડે પેટે જવાબ આપ્યો. ‘‘અમારે પણ ગાય, ભેંસ, બળદ, પાડા બધાં જ જનાવરોની જરૂર હોય છે. અમારા ગામનાં છોકરાંને પણ દૂધ જોઈએ, અમારે પણ ખેતર ખેડવાનાં હેાય છે.”
ગુસ્સાનો માર્યો બકાસુર કંઇ બોલી ન શક્યો અને ભીમ તરફ ધસ્યો. પણ ભીમના પેટનું પાણી પણ ન હાલ્યું. ભીમની પાછળ જઈ બકાસુરે એને ઉઠાવવાના પ્રયત્ન કર્યાં, પણ તે ભીમને જમીનથી એક તસુ પણ ઊંચો ઉઠાવી ન શકયો. વધુ ગુસ્સે થઈ ને બકાસુર પોતાના રાક્ષસી પંજાથી ભીમની ગરદન પર પ્રહાર કર્યો.
ભીમે એના હાથ પકડી જાણે માખી ઉડાડતા હોય એમ એને ધક્કો માર્યાં. “ચાલ, જા જા હવે. નકામો મને ગુસ્સે ન કર. તું મારી ખાવાની મજા બગાડે છે. ’’ ભીમે જે સહેલાઈથી એને દૂર ધકેલ્યો એ જોઈ બકાસુર તો એવો ચક્તિ થઈ ગયા કે એ ચૂપચાપ એક તરફ ઊભો રહ્યો.
ભીમે એની નજર સામે આખું ગાડું ખાલી કર્યું અને ખાઈને લડવાની તૈયારી કરતાં ભીમે કહ્યું, “તૈયાર છે ? ચાલ, એક દાવ ખેલી લઈએ”
બકાસુર એકદમ ભીમ તરફ કૂદયો. પણ વીજળીની ચપળતાથી ભીમ ખસી ગયો અને બકાસુરને જમીન પર પાડી નાખી તેના પેટ પર બેસી ગયો. બકાસુર જેમ તેમ કરીને ભીમને ખસેડીને ઊઠ્યો, એક ઝાડ મૂળમાંથી ઉખેડીને ભીમ તરફ ધસ્યો.
ભીમે પણ એક જ હાથેથી બીજું એક ઝાડ ઉખેડયું અને બીજે હાથે બકાસુર ને આગળ વધતા રોકયો. આમ બન્ને ઝાડથી લડવા લાગ્યા. લડાઈમાં થતા હોકારા – પડકારાના અવાજથી આસપાસનાં પક્ષીઓ ઊડીને દૂર જઈ ને બેઠા અને લડાઈ જોવા લાગ્યાં.
ભીમ અને બકાસુર ની લડાઈથી માઈલોના માઈલો સુધી ધરતી ધ્રૂજવા લાગી.
થોડીવારમાં બકાસુર થાકી ગયો. કેમ કરીને ભીમના રાક્ષસી પંજામાંથી છૂટું એમ એ વિચારવા લાગ્યો. પણ ભીમ એમ એને જવા દે એવો ન હતો. બકાસુર ભાગવા માટે પાછો ફરતો કે ભીમ એને ખેંચીને સામો લાવતો અને વળી બેચાર પ્રહાર કરી લેતો. ભીમને છેલ્લો પ્રહાર એટલા જોરદાર હતો કે બકાસુર પડી ગયો. હવે ભીમ એના પર ચડી બેઠો.
જંગલના વાઘ અને સિંહ પણ ગભરાઈને ગુફામાં ઘૂસી જાય એવી ભયંકર રાડ નાખીને બકાસુર મરણ પામ્યો.
પછી ભીમ બકાસુર ના મૃતદેહને ઘસડીને ગામ સુધી લઈ ગયો. ગામની સીમમાં એણે બકાસુર ના દેહને છોડી દીધો.
આખુ ગામ આ સમાચાર સાંભળીને એકઠુ થવા લાગ્યુ. આનંદથી ભીમનો જયજયકાર કર્યો. કુંતીમાતાને આ શુભ સમાચાર મળતા આવીને ભીમને ગળે લગાડ્યો.
👉 રામાયણ Quiz – રોચક પ્રશ્નોત્તરી
અમરકથાઓ, Amarkathao, Mahabharat story, Bhim and bakasur, Gujarati story.
આ website પરથી copy કરતા પહેલા પરમીશન લેવી અનિવાર્ય છે.
આપ પોસ્ટને share કરી શકો છો. 👇👇
Pingback: Mahabharat | વિરાટ યુદ્ધ - 1 - AMARKATHAO
Pingback: 101 Ramayan Mahabharat Quiz | રામાયણ મહાભારત પ્રશ્નોત્તરી
Pingback: 101 Ramayana Mahabharata Quiz with answer | Dharmik GK quiz
Pingback: પાંડવોનું મામેરુ - પિતાજીની વાર્તાઓમાંથી - AMARKATHAO