6102 Views
નળરાજાના શરીરમાંથી કલિ બહાર નીકળી જાય છે. આવો હવે આગળની કથા જાણીએ. નળ દમયંતી કોણ હતા, નળ દમયંતીની સ્ટોરી, નળ રાજા, નિષધ દેશ, ભીમ રાજા, યુધિષ્ઠિર, નળ દમયંતી નો ઇતિહાસ, નળ દમયંતી નુ પિક્ચર, નળ દમયંતી ભાગ 1, નળ દમયંતી ભાગ 2, નળ દમયંતી ભાગ 3, નળ રાજા નું આખ્યાન, દમયંતી સ્વયંવર, nal damyanti, nal damyanti story, nal damyanti story in gujarati, who is nal damyanti,
નળ દમયંતી કથા ભાગ 3
ઋતુપર્ણના આગમનના સમાચાર રાજા ભીમને મોકલવામાં આવ્યા, એટલે તેણે સામૈયું કરાવી યોગ્ય સ્વાગત કરાવ્યું.
દસે દિશાઓ ઋતુપર્ણના રથના રણકારથી ગુંજી ઉઠી.
નળરાજાના ઘોડા પણ કુણ્ડિનનગરમાં રહેતા હતા, કે જ્યારથી તેઓ તેમના સંતાનોને ત્યાં લાવ્યા હતા.
તે અશ્વોએ પણ રથના રણકાર વડે નળરાજાના આગમનને જાણી લીધું, અને પહેલાની જેમ જ પુનઃ તેઓ પ્રસન્નાવસ્થામાં આવી ગયા.
દમયંતી પણ રથના અવાજથી રોમાંચિત થઈ ઉઠી.
તે મનોમન બોલી પડી- “આ રથનો ધ્વનિ મુજ હૃદયે પૂર્વવત્ ઉલ્લાસ ઉત્પન્ન કરે છે, તો નિશ્ચિતપણે તેને હાંકનારો મારા પતિ જ હશે. હવે આજે જો તેઓ મારી પાસે નહીં આવે તો હું ધધકતી આગમાં કૂદી જઈશ. ટીખળ-મસ્તીમાં ય મેં ક્યારે તેમની સાથે અસત્ય કે અશિષ્ટ વાત કરી નથી. ઉપરાંત તેઓ પણ એક શક્તિશાળી, ક્ષમાશીલ, વીર, અને એક પત્નીવ્રતી છે. તેમનાં વિયોગે હવે મારી છાતી કંપી રહી છે.’
તે પછી, દમયંતી મહેલની છત પર ચડી ગઈ અને આતુરતાપૂર્વક એ રથનું આગમન અને તેમાંથી સારથિનું ઉતરવું જોતી રહી અને મનમાં મનોરથના મહેલ ચણતી રહી.
અયોધ્યાધિપતિ ઋતુપર્ણનું અચાનક જ આગમન વિદર્ભરાજા ભીમ માટે એક અચરજ આપનારી ઘટના હતી. તે છતાંય ભારે ઉત્સાહ સહિત તેઓએ અતિથીનું સ્વાગત કર્યું. રાજા ઋતુપર્ણને ઉત્તમ કક્ષમાં ઉતારો આપવામાં આવ્યો.
તો, ઋતુપર્ણ સ્વયં પણ અચંબિત તેમ જ મૂંઝવણમાં હતા કારણ સમસ્ત કુણ્ડિનપુરમાં તેમને સ્વયંવરની કોઈ જ હિલચાલ દેખાતી નહોતી.
રાજા ભીમ એ બાબતથી બિલકુલ અજ્ઞાત હતા કે તેમની પુત્રીના સ્વયંવરનું આમંત્રણ મળવાને કારણે જ રાજા ઋતુપર્ણ અહીં આવ્યા હતા.
માટે સર્વે કુશલ-મંગલ પૂછ્યા બાદ તેમણે ઉત્સુકતાવશ ઋતુપર્ણને કહ્યું : ‘મહારાજ, આપના આગમનથી મને અધિક જ હર્ષ થયો છે, પણ આ આગમનનો હેતુ હજુ કળી શકાયો નથી.’
ઋતુપર્ણ માટે એ ભારે દુવિધાપૂર્ણ ક્ષણ હતી. સ્વયંવર માટેની કોઈ જ તૈયારી તો દેખાતી નહોતી એમાં હવે યજમાન દ્વારા તેમને આગમનનો હેતુ પણ પુછાયો, એટલે એક વાત તો સ્પષ્ટ થઈ કે સ્વયંવર તો આયોજિત હતો જ નહીં.
તેથી પોતાને પ્રાપ્ત સ્વયંવરના આમંત્રણની વાત મનમાં જ ધરબી તેઓ ચતુરાઈપૂર્વક બોલ્યા : ‘રાજન, હું તો માત્ર તમને પ્રણામ કરવા હેતુ જ આવ્યો છું.’
ભીમરાજાને ગળે આ ઉત્તર બિલકુલ ન ઉતર્યો. કારણ એટલું તો તેઓ સારી પેઠે સમજતા હતા કે સો યોજનથી વધુ દુરનું અંતર કાપીને કોઈ ફક્ત પ્રણામ કરવા હેતુ તો ના જ આવે.
‘અસ્તુ. જે પણ કારણ હશે તે પછીથી જાહેર થશે જ..!’ – એવું મન વાળીને રાજા ભીમે પુનઃ અતિથીના સત્કારમાં મન પરોવ્યું, જ્યારે બીજી તરફ, બાહુક વાર્ષ્ણેયની સાથે અશ્વશાળામાં રહ્યો અને ઘોડાઓની સેવામાં લાગી ગયો.
દમયંતીએ વિચારવાનું શરૂ કર્યું, ‘રથનો અવાજ મારા પતિના રથ જેવો લાગતો હતો, પણ તે તો ક્યાંય જ દેખાતા નથી. હા કે ના, પણ વાર્ષ્ણેયએ તેમની પાસેથી રથ-વિદ્યા શીખી હશે, એટલે જ આ રથ તેમનો લાગતો હશે. શક્ય છે કે ઋતુપર્ણ પણ એ વિદ્યા જાણતા હોય. પણ, તેમની સંગે આવેલ પેલા કુરૂપ માનવી કોણ છે, એ જાણી લેવું જોઈએ.
પછી દમયંતીએ પોતાની સેવિકાને બોલાવીને કહ્યું, ‘કેશિની! તું અતિથિકક્ષમાં જા અને જાણ કે અયોધ્યારાજ સાથે આવેલો પેલો કદરૂપો પુરુષ કોણ છે. શક્ય છે કે એ જ મારા પતિ હોય. બ્રાહ્મણો દ્વારા મેં જે સંદેશો મોકલ્યો હતો તે જ તેમને કહો અને તે બાબતે તેમનો જવાબ સાંભળ્યા પછી મને આવી જણાવ..!’
કેશિનીએ જઈને બાહુક સાથે વાત કરી.
બાહુકે રાજાના આગમનનું કારણ આપ્યું તથા સંક્ષેપમાં વાર્ષ્ણેયના અને પોતાના અશ્વ-જ્ઞાન વિષયે તેમજ પોતાની પાક-કલાનો પરિચય એ દાસીને આપ્યો.
પછી કેશિનીએ પૂછ્યું- ‘બાહુક! રાજા નળ ક્યાં છે? શું તમે એમના વિષયે જાણો છો? અથવા તમારો સાથીદાર વાર્ષ્ણેય કઈં જાણે છે?’
બાહુકે કહ્યું- “કેશિની ! વાર્ષ્ણેય નળરાજાના સંતાનોને અહીં છોડીને અહીંથી ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ તે તેમના વિશેનું કશું જાણતો નથી. આ સમયે નળરાજાનું સ્વરૂપ બદલાઈ ગયું છે. તેઓ છદ્મવેશે રહે છે. એમને તો બસ, સ્વયં પોતે અથવા એમની પત્ની દમયંતી જ ઓળખી શકશે. કારણ કે તેઓ પોતાનાં ગુપ્ત ચિહ્નો અન્ય કોઈ સમક્ષ પ્રગટ કરવા ઇચ્છતા નથી.”
સેવિકા ધ્યાનપૂર્વક સાંભળતી રહી.
“કેશિની ! નળરાજા વિપત્તિમાં પડી ગયા હતા અને માટે જ તેમણે પત્નીનો ત્યાગ કર્યો હતો. તો રાજકુંવરી દમયંતીએ તેમનો ક્રોધ કરવો ના જોઈએ. નળરાજા જ્યારે ખોરાક માટે ચિંતિત હતા ત્યારે પક્ષીઓ તેમનું એકમેવ વસ્ત્ર હરણ કરીને લઇ ગયા. એ પછી એમનું હૃદય પીડાથી ખિન્ન હતું. એ સત્ય છે, કે તેઓએ તેમની પત્ની સાથે યોગ્ય વર્તન કર્યું નથી. તેમ છતાંય, દમયંતીએ તેમની દુર્દશાને ધ્યાનમાં રાખીને ક્રોધિત ના થવું એવું મારુ માનવું છે. તેણે જે પુનર્વિવાહનો નિર્ણય લીધો છે તે સદંતર અયોગ્ય છે.”
આટલું કહેતા કહેતા બાહુકનો સ્વર પીડાથી તરડાવા લાગ્યો. તેની આંખમાંથી આંસુ સરી પડ્યા અને તે લગભગ વિલાપ કરવા લાગ્યો જે જોઈને દાસી દ્રવીત થઈ ઉઠી.
થોડીવારમાં તે દમયંતી પાસે આવી અને ત્યાંની બધી વાતચીત અને બાહુકના રુદન બાબત વાત કરી.
દમયંતીની આશંકા હવે દ્રઢ થવા લાગી, કે બાહુક જ રાજા નળ છે, પરંતુ તેમનું સાવ જુદું જ શારીરિક સ્વરૂપ તેને મૂંઝવતું હતું.
તેણે દાસીને કહ્યું- ‘કેશિની ! તું પુનઃ તેની પાસે જા અને વિના કઈં બોલ્યે, ત્યાં જ ઉભી રહે અને તેની દરેક ચેષ્ટાઓનું ગહન નિરીક્ષણ કર. જો તે અગ્નિ માંગે છે, તો તેને આપીશ નહીં. જો એ પાણી માંગે તો દેવાના વિલંબ કરજે. તેની એક એક હિલચાલ અને વર્તન વિષયે મને પછી અહીં આવીને વર્ણવ.’
કેશિની ફરી પાછી ત્યાં બાહુક પાસે ગઈ અને તેનાં દેવ સમાન તેમ જ મનુષ્ય જેવા તમામ ચરિત્રનું શાંત ચિત્તે ઊંડું નિરીક્ષણ કર્યું.
થોડી વેળા બાદ તે પાછી ફરી અને દમયંતીને તેનું વૃતાંત આપ્યું.
‘રાજકુમારી ! એવું ભાસે છે કે આ બાહુકે જળ, થલ અને અગ્નિ, આ સર્વે પર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું છે. આ પ્રકારનો મનુષ્ય ના મેં ક્યાંય જોયો છે, કે નથી સાંભળ્યો. આવતાજતાં જો ક્યાંક નીચો દરવાજો આવે, તો તે નમતો નથી. બલ્કે તેને જોઈને દરવાજો સ્વયં ઉંચો થઈ જાય છે અને તે નમ્યા વગર પસાર થઈ જાય છે. નાનામાં નાનું છિદ્ર પણ તેના માટે એક ગુફા સમાન બની જાય છે. જળ ભરવા રાખેલ ઘડા તેની દ્રષ્ટિ પડતા જ સ્વયં જળથી ભરાઈ ગયા.
તેણે ઘાસનો પુળો લઈને સૂર્ય સામે ધર્યો, તો અગ્નિ આપમેળે તેમાં પ્રગટી ગયો. તદુપરાંત અગ્નિને સ્પર્શ કર્યા પછી પણ તે જળતો નથી. તો પાણીનો પ્રવાહ તેની ઇચ્છાનુસાર વહે છે. જ્યારે તે તેના હસ્તે પુષ્પોને મસળે છે, તો તેઓ કરમાતા નથી, પણ પ્રફુલ્લિત અને સુગંધિત દેખાય છે. આ સર્વે અદ્ભુત લક્ષણો જોઈને, હું તો સ્તબ્ધ થઈ ગઈ અને અતિ શીઘ્રતાપૂર્વક તમારી પાસે આવી છું.’
બાહુકની સર્વે દૈનિક ક્રિયાઓ અને ચેષ્ટાઓ વિષયે સાંભળીને, દમયંતી નિશ્ચિતરૂપે જાણી ગઈ, કે અવશ્ય આ તેનો પતિ જ છે. એ પછી, તેણે પોતાના બે બાળકોને દાસી કેશિની સંગે બાહુક પાસે મોકલ્યા.
પોતાનાં પુત્રોને ઓળખીને, બાહુક તેમની સમીપ આવ્યો અને બંને બાળકોને તેની છાતી સરસા ચાંપી પોતાના ખોળામાં બેસાડ્યા. તે આ બાળકોને મળીને ખૂબ વિચલિત થઈ ગયો અને રુદન કરવા લાગ્યો. પિતૃ-સ્નેહની અભિવ્યક્તિ તેના ચહેરા પર સ્પષ્ટ વ્યક્ત થવા લાગી.
ક્ષણવાર પછી, બંને બાળકો તેણે કેશિનીને પાછા સોંપ્યા અને કહ્યું- ‘આ બન્ને બાળકો મારા બે બાળકો સમાન જ છે, તેથી તેમનું સ્મરણ થતાં, હું વ્યાકુળ થઈ ઉઠ્યો હતો. ઓ કેશિની ! તમે વારંવાર મારી પાસે અહીં આવો છો, તો ખબર નહીં લોકો શું વિચારવા લાગશે, માટે તમારું મારી પાસે વારંવાર આવવું શુભ નથી. તો કૃપા કરીને હવે તમે જાઓ.’
કેશિની પુનઃ દમયંતી પાસે આવી અને સઘળું વૃતાંત કહી સંભળાવ્યું.
એટલે દમયંતીએ તે સેવિકાને પોતાની માતા પાસે મોકલી અને કહેડાવ્યું- ‘માતા ! મેં નળરાજા સમજીને વારંવાર બાહુકની પરીક્ષા લીધી છે. લક્ષણોમાં કોઈ જ ફરક ન દેખાતા હવે ફક્ત મને એના રુપ બાબતે જ સંદેહ રહ્યો છે, તો હવે હું તેને જાતે જ ચકાસવા માંગુ છું. માટે, તમે બાહુકને મારા મહેલમાં આવવાની અનુમતિ આપવા કૃપા કરશો. ઈચ્છો તો પિતાશ્રીને આ બાબત જણાવો કે ન જણાવો, એ તમારા પર નિર્ભર કરું છું.’
આથી રાણીએ તેના પતિ ભીમરાજા પાસે ગયા અને પુત્રીએ આયોજિત સર્વે કાર્યક્રમ વિશે વિસ્તારમાં વાત કરી. રાજા ભીમને હવે ઋતુપર્ણના આગમનનું કારણ સ્પષ્ટ થયું. એ રાજાને અકારણ જ અહીં સુધીનો ફેરો પડ્યો એ બાબતે અફસોસ પણ થયો. પણ પતિની શોધ માટેની પુત્રીની આ સઘળી પ્રક્રિયામાં તેઓ એક પિતા તરીકે સઘળો સાથ સહકાર આપવા ઇચ્છતા હતા તેથી બાહુક તેમની પુત્રીને એકાંતમાં મળે એ બાબતે તેમણે સત્વરે અનુમતિ આપી. અને સ્વયં જ કોઈ સેવકને બોલાવી, બાહુકને રાણીવાસમાં બોલાવવાનો આદેશ આપ્યો.
સેવક અશ્વશાળામાં ગયો અને રાજકુંવરી દમયંતી એકાંતમાં મળવા ઈચ્છે છે એ પ્રકારનો સંદેશ બાહુકને આપ્યો.
બાહુક ઉઠ્યો. હાથ મોં ધોયા બાદ અનાયાસે જ જળ ભરેલ પાત્રમાં તેની નજર પડી ને એમાં પોતાનું કદરૂપુ પ્રતિબિંબ નિહાળ્યું. આવતીકાલે પુનર્વિવાહ કરવા નીકળેલી દમયંતીને શુ આ કુરૂપ દેહ તરફ કોઈ આકર્ષણ ઉત્પન્ન થઈ શકે ખરું? પોતે આપેલ કષ્ટ અને વિયોગથી ત્રસ્ત એવી આ નારીને પાછલી પીડા ભૂલવવા પોતાનું આવું સ્વરૂપ, સમર્થ થશે ખરું?
તે પુનઃ રડી પડ્યો. તેના પ્રેમની આ તે કેવી પરીક્ષા હતી..!
તો બીજી તરફ કક્ષમાં દમયંતી જાણે કે વૈરાગ્યની મૂર્તિ સમ બેઠી હતી. પોતે લીધેલ નિયમ મુજબના જ તેણે ભગવા વસ્ત્રો પરિધાન કર્યા હતા. કેશ વાળીને તેણે જટા બાંધી હતી. તેનો દેહ કૃશ અને મલીન હતો. આમ, કુરુપતાને તો જાણે કે એણે અષ્ટાંગે ઓઢી લીધી હતી.
આવું કુરૂપ યુગલ એકમેકને મળીને કોઈ દૈહિક આકર્ષણે સમીપ આવે એવી શક્યતાઓ નહીંવત હતી.
અયોધ્યાનરેશ ઋતુપર્ણની સંગાથે આવેલ તેમના સારથી બાહુકની ખૂબીઓ અને સમર્થતાઓ તો દમયંતીને ખાતરી આપતી હતી કે એ નળરાજા જ હોઈ શકે. પરંતુ બાહુકનો કદરૂપો દેહ, તેમ જ એની કુરુપતા તેના મનમાં સંદેહ લાવી રહી હતી કે આ નળરાજા કેવી રીતે હોઈ શકે.
રૂબરૂ તો પોતે તેને મળી નહોતી, જે પણ માહિતી મળી હતી એ સઘળી સેવીકાએ ઉપલબ્ધ કરાવી હતી. એટલે આખરે અંતિમ ચકાસણી માટે તેણે બાહુકને પોતાને મહેલ બોલાવ્યો, અલબત્ત માતપિતાની અનુમતિ બાદ જ..!
બાહુક આવ્યો. તેણે દમયંતીને જોઈ, અને જોતો જ રહી ગયો. તેનાં હૃદયે પીડાનું શૂળ ઉપડ્યું પોતાની તરછોડલી પત્નીની દયનીય અવસ્થા જોઈને..!
દમયંતીએ તે સમયે ભગવા કપડાં પહેર્યા હતા. તેણે કેશની જટા બાંધી હતી અને તેની કાયા મલીન હતી. જે યુવતીનો બીજે દિવસે સ્વયંવર આયોજિત હતો એ શૃંગાર અને સુંદરતા પરત્વે આવી, સાવ રસહીન કઈ રીતે હોઈ શકે..!
જોતાં જ બાહુકનું હૃદય દુઃખ અને પીડાથી ખિન્ન થઈ ગયું. અશ્રુ કેમેય કરી તેની આંખોમાં સમાઈ શકતા નહોતા.
બાહુકને વ્યથિત જોઈને દમયંતી પણ વિચલિત થઈ ગઈ. તેને મુખેથી શબ્દો નીકળતા નહોતા.
કક્ષમાં હાજર ચારેય સજળ આંખો તેમની સામે ઉભેલ અસુંદર આકૃતિઓને તેના જુના સ્વરૂપ સાથે સરખાવી રહી હતી.
કેટલીક કઠિન પળો મૂક વીત્યા બાદ આખરે દમયંતીને વાચા આવી- ‘બાહુક ! અગાઉ એક ધર્મજ્ઞ પુરુષ પોતાની પત્નીને જંગલમાં નિંદ્રાધીન છોડીને ચાલ્યો ગયો હતો. તમે તેને ક્યાંય જોયો છે? તે સમયે એ સ્ત્રી થાકી ગઈ હતી, તે ઊંઘમાં અચેત હતી; આવી નિર્દોષ સ્ત્રીને નિર્જન જંગલમાં સદગુણી નિષધનરેશ નળ સિવાય બીજું કોણ છોડી શકે? મેં મારા જીવનમાં ઈરાદાપૂર્વક એમનો કોઈ જ અપરાધ કર્યો નથી, તેમ છતાં તેઓ મને જંગલમાં સૂતી મૂકીને ચાલ્યા ગયા. શું કારણ હોઈ શકે એનું, બાહુક?’
આટલું કહેતા દમયંતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દમયંતીના વિશાળ, ઘેરા અને રત્નસમાન લોચનથી ટપકતા આંસુઓ જોઈને નળરાજા પોતાને સંભાળી ન શક્યા.
તેઓ કહેવા લાગ્યા-
‘પ્રિયે ! ન તો મેં ઇરાદાપૂર્વક રાજ્યનો નાશ કર્યો છે, અને ન તો તમને છોડ્યા છે. આ તો કળિયુગનું સઘળું કારસ્તાન હતું. હું જાણું છું કે જ્યારથી તમે મારાથી છુટા પડ્યા છો, રાત્રિદિન તમે મારા વિશે જ વિચારતા રહો છો. મારા શરીરમાં નિવાસ કરતી વખતે તમારા શાપને કારણે જ કળિયુગ સળગતો રહ્યો હતો. અને મેં પણ શ્રમ તેમ જ તપસ્યાની શક્તિથી તેની પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. માટે, હવે આપણા દુઃખનો અંત આવી ગયો છે.
કળિયુગે હવે મને મુક્ત કરી દીધો છે, હું અહીં ફક્ત તમારા માટે જ આવ્યો છું. પણ મને એ કહો કે, મારા જેવા પ્રેમાળ અને અનુકૂળ પતિને ત્યાગીને જે સહજતાથી તમે અન્ય પુરુષ સાથે બીજા લગ્ન કરવા સંમત થયા છો, તેવું અન્ય કોઈ સ્ત્રી કરી શકે ખરી? અરે, તમારા સ્વયંવરના સમાચાર સાંભળીને જ તો રાજા ઋતુપર્ણ પણ લગ્નાતુર થઈને પવનવેગે અહીં આવ્યા છે.’
દમયંતીએ હાથ જોડીને કહ્યું – ‘આર્યપુત્ર ! મને દોષ આપવો ઉચિત ન કહેવાય. આપ જાણો છો કે મારી સમક્ષ ઉપસ્થિત દેવોને અવગણીનેય મેં તમને જ પસંદ કર્યા છે. તો તમારાથી વિશેષ મને અન્ય કોઈ કેમ હોઈ શકે?
મેં તમને શોધવા માટે ઘણા બ્રાહ્મણો દરેક દિશાઓમાં દુરદુર પ્રદેશો સુધી મોકલ્યા હતા અને તેઓ સઘળા, ત્યાં મારી જ કહેલ વાતનું પુનરાવર્તન કરતા હતા. એમાંનો પર્ણાદ નામનો બ્રાહ્મણ અયોધ્યાપુરીમાં તમારી પાસે પહોંચ્યો હતો. તેણે મારા શબ્દો તમને સંભળાવ્યા અને તમે પણ તેમને યથોચિત ઉત્તર આપ્યો હતો. તે સમાચાર સાંભળીને, મેં આ યુક્તિ ફક્ત તમને બોલાવવા માટે કરી છે. કારણ હું જાણું છું કે તમારા સિવાય પૃથ્વી પર અન્ય કોઈ માનવી નથી જે ઘોડાઓના રથ વાટે એક જ દિવસમાં અહીં સો યોજનનું અંતર કાપીને પહોંચી શકે..’
નળરાજા અવાચક બનીને દમયંતીને બોલતી નીરખી રહ્યા.
દમયંતીએ ધીમા સ્વરે વાત આગળ વધારી- “તમારા ચરણોને સ્પર્શ કરીને, હું નિષ્ઠાપૂર્વક સત્ય-સત્ય કહું છું કે મેં ક્યારેય સ્વપ્નવસ્થામાંય કે સુષુપ્ત મનથી પણ અન્ય પરપુરુષનું ચિંતન નથી કર્યું. જો મેં ક્યારેય મારા મનથી પણ કોઈ પાપકર્મ કર્યું હોય, તો પૃથ્વી પર સતત વિચરનારા પવનદેવ, સૂર્યદેવ અને મનના દેવ ચંદ્ર, મારા જીવનનો નાશ કરે. આ ત્રણ દેવો સમસ્ત પૃથ્વીમાં ફરે છે. તેઓ આવીને સત્ય કહી દે. અને ત્યારબાદ જો હું દોષી જણાઉ તો અવશ્ય મને ત્યાગી દો.’
દમયંતીનું વાક્ય પૂર્ણ થતાની સાથે જ, વાયુએ અંતરિક્ષમાં સ્થિર થઈને કહ્યું- “રાજન ! હું સત્ય કહું છું કે દમયંતીએ કોઈ પાપ કર્યું નથી. તેણે ત્રણ વર્ષ સુધી તેના તેજસ્વી સતીત્વની જાળવણી કરી છે. અમે તેના રક્ષક રહ્યા છીએ અને તેની પવિત્રતાના સાક્ષી છીએ. સ્વયંવરની સૂચના તો તેણે ફક્ત તમને શોધવા માટે જ આપી હતી. વાસ્તવમાં જ, દમયંતી તમારા લાયક છે અને તમે દમયંતીને લાયક છો. તો શંકા ન કરશો અને તેને સ્વીકારી લો.”
જે સમયે પવન-દેવતા આ કહી રહ્યા હતા, ત્યારે આકાશમાંથી ફૂલોનો વર્ષા થવા લાગી; દેવતાઓની દુંદુભીઓ રણકવા લાગી; તેમ જ સર્વત્ર શીતળ, મંદ સુગંધિત હવા ફેલાવા લાગી.
આવું અદભુત દ્રશ્ય જોઈને રાજા નળે પણ પોતાનો સંદેહ ત્યાગી દીધો. તેમને સર્વ બાબતે પૂર્ણ સંતુષ્ટિ થઈ ગઈ.
એટલે પ્રફુલ્લિત મન સાથે તેમણે નાગરાજ કર્કોટકે આપેલા દિવ્ય વસ્ત્રો ધારણ કરીને નાગરાજનું સ્મરણ કર્યું. બીજી જ પળે તેમની કાયાએ પૂર્વવત સ્વરૂપ ધારણ કરી લીધું. સુંદર સશક્ત દેહસૃષ્ટિથી તેમનું વ્યક્તિત્વ દિપી ઉઠ્યું.
નળરાજાને પૂર્વ સ્વરૂપે જોઈને દમયંતી પ્રફુલ્લિત થઈ ઉઠી. વેલ વૃક્ષને લપેટાય તે રીતે તે પોતાના પતિને વીંટળાઈ વળી. કંઠે રુદન અને આંખે અશ્રુ, પણ આ વખતે એ હર્ષાશ્રુ હતા.
નળરાજાએ દમયંતીને સસ્નેહ આલિંગનબદ્ધ કરી. અમુક વેળા પછી બન્ને બાળકોને બોલાવવામાં આવ્યા અને આ વખતે નળરાજાએ તેમને નિઃસંકોચ હૃદય ભરીને વ્હાલ કર્યું.
અખંડ રાત્રી નળ-પરિવાર હેતપ્રેમની વાતો કરતો રહ્યો, પછી વહેલું થયું પ્રભાત અને સૌએ ન્હાઈ પરવારી સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરી લીધા, ત્યાં તો મહેલના દાસ દાસીઓ આવી લાગ્યા તો મુખ્ય માનીતી દાસી સૈરંદ્રી નળરાજાને ઓળખી હરખાઈ ઉઠી.
વરત્યો જયજયકાર હો, નૈષધનાથને નિરખી જી;
ફરી ફરી લાગે પાય હો, સૈરંદ્રી હૃદયા હરખી જી.
નળ દમયંતી જોડી હો, જોઇ દોડી દાસ જી,
આસ ભરેલી સાહેલી હો, આવી ભીમકની પાસ જી.
રાયજી વધામણી દીજે હો, અદ્ભૂત હર્ષની વાત જી;
ઋતુપર્ણનો સેવક હો, નિવડીયો નળનાથ જી.
બાહુક રુપ પરહરયું હો, ધરયું મૂળગું સ્વરુપ જી;
સુણી સૈરંદ્રી વાણી હો, હરખ્યો ભીમક ભૂપ જી.
ગયા અંતઃપુરમાં રાય હો, દીઠું રૂપનિધાન જી.
કાંતિ તપે ચંદ્ર ભાનુ હો, વિલસે શક્ર સમાન જી;
કંદર્પ કોટિ લાવણ્ય હો, દીઠો જમાઇ જાજવલ્યમાન જી.
પડ્યો ભીમક પૂજ્યને પાયે હો, હસી આલિંગન દીધું જી;
આપ્યું આસન આદરમાન હો, પ્રીતિ પૂજન કીધું જી.
અર્ધ્ય આરતિ ધૂપ હો, ભૂપતિને પૂજે ભૂપ જી;
નખ શિખ લાગે ફરી નિરખે હો, જોઇ જોઇ રુપ જી.
શ્વસુર શ્વસુરપત્ની હો, શાલક શાલાહેલી જી;
દમયંતીને ઘણું પૂજે હો, ગાયે દાસી સાહેલી જી.
લક્ષ્મી નારાયણ શિવ ઉમયા હો, તેવું દંપતિ દીસે જી;
દીધું માન શ્વસુરવર્ગે હો, પૂછ્યું નૈષધ ઇશે જી.
નગર આખામાં આ શુભ સમસાગર વાયુવેગે ફરી વળ્યાં અને નગરજનોએ ખબરને વધાવીને ઉત્સવ સ્વરૂપે ઉજવણી કરી.
વાજે પંચશબ્દ નિશાન હો, ગુણીજન ગાયે વધાઇ જી;
પુણ્યશ્લોકને મળવા હો, વર્ણ અઢારે ધાય જી.
નાના ભાતની ભેટ હો, પ્રજા ભૂપને લાવે જી;
કરે પૂજા વિવિધ પ્રકારે, મુક્તાફળ કુસુમ વધાવે જી.
તોરણ હાથા દેવાએ હો, માનુની મંગળ ગાય જી;
દે મુનિવર આશિષ હો, અભિષેક બહુ થાય જી.
વાજે ઢોલ નિશાન હો, મૃદંગ ભેર નફેરી જી;
સમગ્ર નગરે આનંદ વરત્યો હો, શણગાર્યાં ચૌટા શેરી જી.
મન ઉત્સાહ પૂરણ વ્યાપ્યો હો, ભીમક દીયે બહુ દાન જી;
પણ, જ્યારે રાજા ઋતુપર્ણને ખબર પડી કે તેમને સેવા આપતો અશ્વપાલ બાહુક તો તેના મૂળરુપે નળરાજા છે, તો તેઓ ઘણી ક્ષોભજનક અવસ્થામાં મુકાયા. નળ સમાન મહાન રાજા પોતાને ઘેર અત્યંત દુઃખ પામ્યો એ વાસ્તવિકતાએ ઋતુપર્ણની પીડાનો પાર ન રહ્યો.
નળરાયનું રુપ પ્રગટ સાંભળી, સંસાર સુખીયો થાય રે;
પરમ લજ્જા પામિયો, દુઃખી થયો ઋતુપર્ણ રાય રે
પુણ્યશ્લોક પાવન સત્ય સાધુ, જાય પાતિક લેતાં નામ રે;
તેવા પુરુષને મેં કરાવ્યું, અશ્વનું નીચું કામ રે.
જેનું દર્શન દેવ ઇચ્છે, સેવે સહુ નરનાથ રે;
તે થઇ બેઠા મમ સારથિ, ગ્રહી પરાણો હાથ રે.
શત સહસ્ત્ર જેણે યજ્ઞ કીધા, મેરુ તુલ્ય ખરચ્યાં ધન રે;
તે પેટભરી નવ પામિયા, હું પાપીને ઘેરે અન્ન રે.
જેનાં વસ્ત્રથી લાજે વિદ્યુ-લતા, હાટક મૂકે માન રે;
તે મહારાજ મારે ઘેર વસ્યા, કરી કાંબળું પરિધાન રે.
મેં તુંકારે તિરસ્કાર કીધો, હસ્યાં પુરનાં લોક રે;
ત્રણ વરસ દોહલે ભિગવ્યાં, મેં ન જાણ્યા પુણ્યશ્લોક રે.
મેં સેવક કરીને બોલાવિયો, નવ જાણ્યો નૈષધરાય રે;
ધિક્ક પાપી હું આત્મા, હવે પાડું મારી કાય રે.
જવ મન કીધું દેહ મૂકવા, તવ હવો હાહાકાર રે;
જાણ થયું અંતઃપુરમાં, નળ ભીમક આવ્યા બહાર રે.
હાં હાં કરીને હાથ ઝાલ્યો, મળ્યા નળ ઋતુપર્ણ રે;
ઓશિયાળો અયોધ્યાપતિ, જઇ પડ્યો નળને ચરણ.રે.
વળી, નળરાજાની પત્નીને પરણવા ઋતુપર્ણે નળરાજાને જ રથ હાંકીને અહીં લાવવા કહ્યું હતું એ ઘટના, તેમને માટે અત્યંત સંકોચજનક બની ગઈ.
“આપ એ બાબતે મનમાં બિલકુલ ઓછું લાવશો નહીં, મહારાજ,” -નળરાજાએ તેમને આશ્વાસન આપતા કહ્યું- “આપ તો નિમંત્રણ મળ્યા બાદ જ, એ નોતરાંને માન આપવા હેતુ અહીં આવ્યા હતા. બલ્કે હું તો સઘળો જશ તમને જ આપીશ કે તમે જ નિમિત્ત બનીને અમ પતિપત્નીનું પુનર્મિલન કરાવ્યું.” – રાજા ઋતુપર્ણએ નળરાજાની લાખ લાખ ક્ષમા માંગી ત્યારે નળરાજાએ આ વચન કહીને તેમનાં મનમાં ઉદભવી રહેલ અપરાધભાવને નષ્ટ કર્યો.
રાજા ઋતુપર્ણ બેઉ કર જોડી નળરાજાના હૃદયની વિશાળતાને વંદી રહ્યા અને તેમને અનેક વધામણીઓ આપી.
આ પછી નળરાજાએ તેમને અશ્વવિદ્યા પણ શીખવી. પછી અનેક દિવસો બાદ, રાજા ઋતુપર્ણએ અન્ય કોઈ સારથિ સાથે પોતાને નગર જવા વિદાય લીધી.
તે પશ્ચાત, એક માહ સુધી નળરાજા કુણ્ડિનનગરમાં રહ્યા, અને શ્વસુર ભીમરાજાની અનુમતિ લઈને પછી તેઓએ નિષધદેશ જવા પ્રસ્થાન કર્યું. તેમની વિદાયવેળાએ રાજાભીમે તેમને શ્વેતરંગી રૂપેરી રથ, સોળ હાથી, પચાસ અશ્વો અને છસો પાયદળ સૈનિકો સહિત તેમને ભવ્ય વિદાય આપી.
દમયંતી કોડભરી નજરે તેમને જતાં જોઈ રહી. તે જાણતી હતી કે નિષધનું રાજ પુનઃ પ્રાપ્ત થયા બાદ, નળરાજા તુરંત જ તેને તેડી જશે.
નિષધરાજ્યમાં પોતાને નગર પ્રવેશતા જ, રાજાનળ ભ્રાતા પુષ્કરને મળ્યા.
‘કાં તો તમે મારી સાથે કપટભર્યું દ્યુત પુનઃ રમો, અથવા ધનુષ પર બાણ ચડાવો. બોલો શી ઈચ્છા છે?’
આ સાંભળીને પુષ્કર ઉપહાસભર્યું હસ્યો અને બોલ્યો- ‘દાવ પર લગાવવા તમે ફરી દ્રવ્ય પ્રાપ્ત કરી આવ્યા, એ બહુ સારી વાત છે. આવો, આ વખતે તો હું એ સઘળી સંપત્તિ સાથે તમારી પત્ની પણ જીતી લઈશ.’
‘અરે ભ્રાતા, નાહકની અર્થહીન વાતો કરવી રહેવા દો, એક વાર રમત શરૂ તો કરો. પરાજિત થયા બાદ તમારી શું અવસ્થા થશે એ આપ જાણો છો?’ -નળરાજાએ ભાવહીન શબ્દોમાં પડકાર ફેંક્યો.
પાસાઓ ફેંકાતા ગયા, દાવ પર દાવ રમાતા ગયા. દરેક દાવમાં રાજા ઋતુપર્ણે શીખવેલ પાસા-વિદ્યા પોતાનું કૌશલ્ય દેખાડવા લાગી, જેને કારણે પુષ્કરનું રાજ્ય, તેનાં રત્નો, અન્ય સંપત્તિ આદિ રાજાનળના કબ્જામાં આવતા ગયા. પુષ્કરે સ્વયંની જાત સુધ્ધાં દાવમાં મૂકી અને એ પણ હારી ગયો.
‘આ સમસ્ત સામ્રાજ્ય હવે પુનઃ મારું થઈ ગયું છે. દમયંતી પર કુદ્રષ્ટિ નાખવાની ધ્રુષ્ટતા કરનાર તું, હવે સ્વયં જ દમયંતીનો દાસ બની ગયો છે.” -નળરાજાએ પુષ્કરને ધુત્કાર્યો- “અરે મૂઢ ! આ પહેલાં પણ તારી જે જીત થઈ હતી, એ તેં સ્વયં નહોતી મેળવી. એ તો સઘળી કલિરાજાની કરતૂત હતી. પણ તને તો એ વાતનો અંદાજો સુધ્ધાં નથી, તો કલિયુગનો એ સર્વ દોષ હું તારે શિર ઢોળવા નથી ઇચ્છતો. જા, તું તારું જીવન ખુશીથી જીવ, હું તને મુક્ત કરું છું. તારા માટેનો મારો પ્રેમ પૂર્વવત જ છે. તું મારો ભાઈ છો અને સદા રહીશ. હું ક્યારેય તારાથી નજર નહીં ફેરવી લઉં. જા, શતાયુ ભવ:”
આમ કહી નળરાજાએ પુષ્કરને ધરપત આપતા હૃદયથી ચાંપી, ત્યાંથી વિદાય લેવાનો ભાવપૂર્ણ આદેશ આપ્યો.
પુષ્કરે હાથ જોડીને રાજા નળને પ્રણામ કર્યા અને કહ્યું- “તમને વિશ્વમાં અખૂટ ખ્યાતિ મળે અને તમે દસ હજાર વર્ષ સુખેથી જીવો. તમે તો મારા અન્નદાતા તેમ જ પ્રાણદાતા છો.”
એ પછી પુષ્કર, ભવ્ય આતિથ્ય અને આદર સાથે રાજા નળના નગરમાં એક મહિના સુધી રહ્યો. તતપશ્ચાત, તે પોતાને રસ્તે નીકળી પડ્યો અને પુનઃ ક્યારેય ન દેખાયો.
એ પછી તમામ નાગરિકો, સામાન્ય પ્રજાજનો અને મંત્રીમંડળ સભ્યો, એ સર્વે નળરાજા પાસે આવ્યા અને રોમાંચિત થઈને કર જોડી વિનંતી કરી- “રાજેન્દ્ર ! દુઃખમાંથી મુક્તિ મળ્યા બાદ આજે અમો સર્વે અત્યંત સુખી થયા. દેવતાઓ જેમ ઇન્દ્રરાજની સેવા કરે છે, એ જ રીતે અમે પણ તમારી સેવા કરવા ઇચ્છીએ છીએ.”
દરેક ઘરમાં પછી ઉજવણી થઈ. રાજમાં સર્વત્ર શાંતિ ફેલાઈ ગઈ. મોટા ઉત્સવો થયા. તે પછી, નળ રાજાએ સૈન્ય મોકલી રાણી દમયંતીને તેડાવી. રાજા ભીમે પોતાની પુત્રીને અનેક ભેટસોગાદો સહિત સાસરિયે વળાવી. દમયંતી તેના બેઉ સંતાન સાથે નિષધ દેશ પધારી ને નળરાજા સાથે મહેલમાં આવી વસી.
રાજા નળે ખૂબ આનંદ સાથે જીવન વિતાવવુ શરૂ કર્યું અને ધર્મબુદ્ધિ સાથે પ્રજા-પાલન કરવા લાગ્યા. ભવ્ય યજ્ઞો થકી દેવતાઓની આરાધના સહિત અનેક સત્કાર્યોભર્યા જીવનને કારણે તેમની ખ્યાતિ દુરસુદુર દેશો સુધી અનંતકાળ સુધી ફેલાઈ રહી.
નળ-દમયંતિની કથાનું સમાપન કરતાં આખરે ઋષિ બૃહદશ્વાએ પાંડવોને બોધભર્યું આશ્વાસન આપતા કહ્યું- “હે યુધિષ્ઠિર ! તમને પણ થોડા દિવસોમાં તમારું રાજ્ય અને સગા-સંબંધીઓ પુનઃ પ્રાપ્ત થઈ જ જશે.
નળરાજાએ દ્યુતક્રીડામાં ઘણું દુ:ખ નોતરી લીધું હતું. પરિણામસ્વરૂપે તેમને એકલપંડે ઘણું સહન કરવું પડ્યું. પરંતુ તમારી સાથે તો, આ વિકટ સમયે ધરપત આપી દુઃખ વિભાજન કરવા, તમારા સર્વે ભાઈઓ અને ભાર્યા દ્રૌપદી પણ ઉપસ્થિત છે. તો આ અવસ્થા બાબત શોક કરવો અકારણ છે. સંસારની સ્થિતિઓ સર્વદા એકસમાન નથી રહેતી એ વિચારને કેન્દ્રમાં રાખી આપત્તિઓની વૃદ્ધિ કે હ્રાસને ખાસ કોઈ મહત્વ ના આપવું જોઈએ.”
ઋષિ-વચન સાંભળી યુધિષ્ઠિર સહિત સર્વે પાંડવો તેમ જ દ્રૌપદીના હૈયે શાતા વળી અને નવી આશા જન્મી.
પ્રફુલ્લિત ચિત્તે તેઓએ ઋષિને વંદન કર્યા અને યથોચિત ભોજન દક્ષિણાદાન પછી તેમને ભાવભરી વિદાય આપી.
નાગરાજ કર્કોટક, દમયંતી, નળ અને ઋતુપર્ણની આ કથા વાંચવા સાંભળવા કે કહેવાથી કળિયુગના પાપનો નાશ થાય છે, તેમ જ દુઃખી મનુષ્યોને ધૈર્ય પ્રાપ્ત થાય છે.
જય શ્રીકૃષ્ણ..!
– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)
Pingback: Nal Damyanti Best story in gujarat part 2 | નળ દમયંતી ભાગ 2