Skip to content

Nal Damyanti Best story in gujarat part 2 | નળ દમયંતી ભાગ 2

Nal Damyanti Best story in gujarat part 2 | નળ દમયંતી ભાગ 2
3440 Views

Nal Damyanti story, Nal damyanti ni varta, interesting story in gujarati, nal damyanti, nal damyanti story, nal damyanti story in gujarati, who is nal damyanti, નળાખ્યાન pdf, કુંભારાણા નુ આખયાન, નળ દમયંતી ની કથા, નળ દમયંતી સુરેશ જોશી, નળ દમયંતી નો ઇતિહાસ, નળ દમયંતી નુ પિક્ચર, નળ દમયંતી ભાગ 2, નળ દમયંતી ભાગ 3, નળ રાજા નું આખ્યાન, દમયંતી સ્વયંવર

નળ દમયંતી ભાગ 1 અહી ક્લીક કરીને વાંચો

Nal Damyanti story part 2

નળ દમયંતી ભાગ 2

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, કઈ રીતે કલીએ નળ રાજાનું સર્વસ્વ છીનવીને તેમને વનમાં ભટકતા કરી દીધા. આવો હવે આગળની કથા જાણીએ.

નિષધદેશના રાજા નળ અને તેમની પત્ની દમયંતી પર દ્યુતક્રીડા થકી આવી પડેલ વિપદાની પાંડવોને વાત કરતાં કરતાં ઋષિ બૃહદશ્વા અધવચ્ચે જ અટકી ગયા અને પછી થોડો વિશ્રામ લઈને બોલ્યા-

“તો હે યુધિષ્ઠિર, એ દુઃખી દંપતી જ્યારે ધર્મશાળામાં આવ્યું ત્યારે રાજાનળના શરીર પર વસ્ત્રો નહોતા એટલું જ નહીં, ભોંય પર બિછાવવા માટે સાદડી પણ નહોતી. શરીર ધૂળથી લથપથ હતું. વળી, ભૂખ અને તરસની પીડા તો એ ઉપરાંત હતી.

રાજાનળ કષ્ટપુર્વક ભોંય પર સૂઈ ગયા. તો દમયંતીના જીવનમાં પણ આવી વિકટ પરિસ્થિતિ ક્યારેય આવી નહોતી. કિન્તુ એ સુકુમારી પણ ત્યાં જ સૂઈ ગઈ.

પણ જ્યારે દમયંતી નિંદ્રાધીન થઈ ગઈ, ત્યારે નળરાજાની ઊંઘ ઊડી ગઈ. સત્ય તો એ હતું, કે દુઃખ અને શોકની વિપુલતાને કારણે તેઓ શાંતિની નિંદ્રા પણ નહોતા લઈ શકતા.

આંખો ખુલતા જ રાજ્ય છીનવાઈ જવાના, સ્વજનો છૂટા પડવાના, અને કપડાં સાથે ઉડતા પક્ષીઓના આદિ એક પછી એક દ્રશ્યો નજર સમક્ષ આવવા લાગ્યા.

તેઓ વિચારવા લાગ્યા કે- ‘દમયંતીને મારા માટે ખૂબ પ્રેમ છે. એ જ પ્રેમના કારણે એ ખૂબ જ કષ્ટો સહન કરી રહી છે. તો શક્ય છે કે જો હું તેને ત્યાગી દઉં તો એકલી પડી ગયા બાદ તે તેના પિતાના ઘરે ચાલી જાય. મારી સંગે તો તે માત્ર દુ:ખ જ દુઃખ સહન કરતી રહેશે પણ જો હું તેને ત્યાગીને જતો રહું તો કદાચિત તેને થોડુંઘણું તો સુખ મળે જ.’

અંતે, રાજાનળે નક્કી કર્યું કે- ‘દમયંતીને છોડીને જવું જ વધુ શ્રેયસ્કર છે. દમયંતી તો સાચી પતિવ્રતા નારી છે. માટે તેની પવિત્રતા કોઈ જ ભંગ નહીં કરી શકે.’

આમ ત્યાગવાનો નિશ્ચય કરીને, દમયંતીના સતીત્વની તરફથી નિશ્ચિંત થાય બાદ, રાજાનળે વિચાર્યું કે ‘હું તો સાવ વસ્ત્ર-હીન છું જ્યારે દમયંતીના શરીર પર પણ ફક્ત એક જ વસ્ત્ર છે. તેમ છતાં, તે વસ્ત્રમાંથી અર્ધુ ફાડી લેવું જ વધુ ઇચ્છનીય છે.’

પરંતુ કેવી રીતે? કદાચ તે જાગી જાય તો?

વિચાર કરતાં કરતાં તેઓ ધર્મશાળામાં અહીંતહીં ફરવા લાગ્યા. ત્યાં જ સહસા તેમની નજર મ્યાન વગરની એક ઉઘાડી તર વાર પર પડી. રાજાએ તે ઉપાડી અને તેના વડે ધીરે ધીરે દમયંતીનું અડધું વસ્ત્ર ફાડી લીધું. પછી એ અડધા વસ્ત્રથી તેઓએ પોતાનું અંગ શક્ય એટલું ઢાંકી લીધું.

કટકા પટકુળના બે કરી, નળ ચાલ્યો મૂકી સુંદરી;

ગયો જ્યાં ડગલાં સાત ભરી, પ્રીત શ્યામાની સાંભરી.

નળ વિમાસણ મનમાં કરે, એકલી તો એ ફાટીમરે;

વર્યો હું દેવતા પરહરી, વળી વનમાં એ સાથે નીસરી.

ત્રૈલોક મોહન છે એ માનિની, કેમ વેદના સહેશે રાનની,

ન સારું મૂકી જાવું મને, નળ આવ્યો દમયંતી કને.

દીઠું મુખ, અંતર પર જળ્યો, વળી પાછો એ પાછો વળ્યો;

કલિ તાણે મન વાટ ભણી, પ્રેમ તાણે દમયંતી ભણી.

ચિચાર વારિનિધિમાં પડ્યો, આવાગમનને હીંડોળે ચઢ્યો;

સાત વાર ગયો આવ્યો ફરી, તજી ન જાયે સાધુ સુંદરી.

પછી બળ પ્રબળ કળિનું થયું, પ્રેમ બંધન ત્રુટીને રહયું;

સર્પ કંચુકીને તજે જેમ, મારે દમયંતી તજવી તેમ.

વૃક્ષ પત્રને જેમ પરહરે, પુનરપિ તે અંગે નવ કરે;

જેવું હોય વમનનું અન્ન, તેવી મારે એ સ્ત્રી જન.

એવું કહીને મૂકી દોટ, ઉવાટે નળ દોડ્યો સાસોટ;

ત્યાં લગે ધાયો ભૂપાળ, જ્યાં સુધી થયો ના પ્રાત:કાળ.

આમ, દમયંતી ભર ઊંઘમાં હતી જ્યારે રાજા નળ તેને છોડીને ચાલ્યા. કાયામાં કલિ-પ્રવેશને કારણે તેમની બુદ્ધિનો નાશ થયો હોવાથી અંતત: તેમણે પોતાની પ્રિય પત્નીને જંગલની ધર્મશાળામાં એકલી મૂકી ત્યાંથી બહાર નીકળી ગયા.

સમય જતાં જ્યારે દમયંતીની નિંદ્રા પુરી થઈ ત્યારે જાગીને તેણે જોયું કે નળરાજા ત્યાં નથી. આથી અમંગળ આશંકા સાથે એ વિલાપ કરવા લાગી-“મહારાજ! સ્વામી! મારા સર્વસ્વ! તમે ક્યાં છો? મને એકલા ડર લાગે છે, તમે ક્યાં ગયા? બસ, હવે વધુ ઠઠ્ઠા કરશો નહીં. મારા કઠોર સ્વામી! તમે મને કેમ ડરાવી રહ્યા છો? જલ્દી દર્શન દો. હું તમને જોઈ રહી છું. લો, જોઈ જ લીધા. તમે વેલાઓની આડમાં કેમ છુપાયા છો?

હું દુઃખમાં આટલું આક્રંદ કરું છું છતાં તમે મારી પાસે આવીને મને ધીરજ પણ કેમ નથી આપતા? સ્વામી ! મારા માટે કે અન્ય કોઈ માટે મુને શોક નથી. પણ હું માત્ર ચિંતિત છું કે તમે આ ગાઢ જંગલમાં એકલા કેવી રીતે રહેશો? હા નાથ હા..! જે વ્યક્તિએ તમારી આ સ્થિતિ કરી છે, તેણે તમારા કરતા પણ વધુ દુર્દશાવાળું જીવન નિરંતર જીવવું જોઈએ.”

અમો અબળા માણહ બીજે નવ કીજે આસ,

કેમ ધીરજ ધરું હું નારી, છઉં તમારી દાસ, હો નળરાય;

રાત્ર અંધારી તો માહરી. વલે કોણ થાશે,

તમ ચરણ કેરી આણ, પ્રાણ મુજ જાશે, હો નળરાય;

આહાં તો બોલે સાવજ, નાગ વાઘ ને વરુ,

બોલો બોલો વાહો છો ક્યમ, સમ હું તો મરું, હો નળરાય;

હાંહાંજી જાઓ છો હાડ, રાડ થશે ફાં સુ,

અગોપ રહ્યા ન આવે દયા, દેખી આંખડીએ આંસુ, હો નળરાય;

તમારાં પાલાં નવ પેખું કંથ, પંથ કેમ લહું રે,

નિશા અંધારી ભયાનક, સ્થાનક કેમ રહું રે, હો નળરાય;

નૈષધ દેશની રાણી, તાણી અતીસય રોય રે,

પ્રભુજી અંગ અવેવ મારા, તારા જોય રે, હો નળરાય;

ઘેલી સરખી ચાલે, વાહાલે વછોડી રે,

માંડ્યું વલવલવું, જોવું રોવું મૂક્યું છોડી રે, હો નળરાય;

વલવલતી વૈદર્ભી વાટે, ઉચાટે ભરી,

કારણ સ્વામી શું, મુને પરહરી, હો નળરાય;

વહાલા નવ દીજે છેહ, નેહ તો વિચારો,

કર્મે વાળ્યો આડો આંક, વાંક શો મારો, હો નળરાય;

આમ, દમયંતી દુઃખમાં ભાન ભૂલી બેઠી. પછી આકુળવ્યાકુળ થઈ એ નિરાધાર નારી અહીંતહીં અથડાતી કૂટાતી રહી ત્યારે તેને એ પણ ભાન ન રહ્યું કે પોતે એક વિશાળકાય અજગરની સાવ સમીપ પહોંચી ગઈ છે.

એટલે અજગર માટે તે સાવ સહેલો શિકાર બની ગઈ. તેણે તુરંત જ દમયંતીના શરીર ફરતે ભરડો લીધો અને પછી એને ગળી જવાનું શરૂ કર્યું.

પરંતુ તે સમયે પણ દમયંતીને ચિંતા હતી તો ફક્ત પોતાના પતિની કે તે એકલા કેવી રીતે જીવશે. એટલે તે આક્રંદ કરવા લાગી- ‘સ્વામી! એક અનાથની ભાંતિ આ અજગર મને ગળી જઈ રહ્યો છે, આપ મારી સહાયતા માટે કેમ દોડી આવતા નથી?’

દમયંતીનું આ આક્રંદ એક શિકારીને કાને જઈ અથડાયું. શિકારની શોધમાં જ તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. એ ત્યાં દોડતો આવ્યો અને જોયું કે કોઈ સુંદરીને એક અજગર ગળી રહ્યો છે, એટલે તેણે તેના તીક્ષ્ણ હથિયારથી અજગરનું મોં કાપી નાખ્યું. આમ એ વ્યાધે દમયંતીને અજગરથી સલામત છોડાવી.

પછી શાંત પાડી તેને નવડાવી અને આશ્વાસન આપી ભોજન પણ કરાવ્યું. દમયંતી થોડી સ્વસ્થ થઈ એટલે શિકારીએ પૂછ્યું- ‘સુંદરી ! તું કોણ છો? કયા દુઃખમાં પડીને કયા ઉદ્દેશે અહીં આવી છો?’

દમયંતીએ વ્યાધને પોતાની આપવીતી કહી સંભળાવી. પરંતુ એ શિકારી પુરુષનું ધ્યાન તો એ સર્વે સુણવામાં રહ્યું જ નહોતું, બલ્કે એ તો દમયંતીની સુંદરતા, તેની વાણી અને મધુરતા જોઈને તેના પર કામમોહિત થઈ ચુક્યો હતો.

એટલે તેણે મીઠીમીઠી વાતો કરીને દમયંતીને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો. પણ દમયંતી શીઘ્ર વ્યાધનું દૂષિત મન કળી ગઈ. તેના મલિન ઇરાદાની ગંધથી દમયંતીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. પોતાના રોષમિશ્રિત સ્વરમાં તેણે એ શિકારીની ચેષ્ટાઓ રોકવા ચાહી; પરંતુ જ્યારે તે કોઈપણ રીતે ના અટક્યો, ત્યારે..

ક્રોધે સતીએ સાંભરયુ સત્, રોઇ સમર્યા કમળાપત્.

વિઠ્ઠલજી ચડજો વારે, હું તો રહી છું તમ આધારે;

છો વિપત સમયના શ્યામ, હે મધુસૂદન રાખો મામ.

આપ્યું પદ ધ્રુવને અવિચળ, ગ્રાહથી મૂકાવ્યો મદગળ;

રાખ્યો પ્રહલાદ વસિયા થંભ, રક્ષા કરો ધરો ન વિલંબ.

સત્ય હોય સદા નિરંતર, અસત્યથી જો હોઉં સ્વતંતર;

ન મૂક્યા હોય નળ મનથી, કુદ્રષ્ટે ન જોયું હોય અન્યથી.

આપાત્કાળ રહી હોઉં સત્યે, નળ સમરી રહી હોઉં શુભ મતે;

પંચમહાભૂત સાક્ષી ભાણ, ન ચૂકી હોઉં નળનું ધ્યાન.

તો સત્ય બળે દેઉં છૌં હું શાપ, ભસ્મ થજો વ્યાધનું આપ;

વચન નીસર્યું સતીનાં મુખથી, ને અગ્નિ લાગ્યો પગના નખથી.

આમ દમયંતીનો શ્રાપ હવામાં ગુંજતાની સાથે જ પેલો દુષ્ટ શિકારી ભસ્મીભૂત થઈ ગયો અને તેનું પ્રાણ-પખેરુ ઉડી ગયું.

એ વ્યાધના અચાનક મૃત્યુથી દમયંતી સ્તબ્ધ થઈ ગઈ. એકાએક જ જે કઈં બની ગયું એ તેનાં માનવામાં નહોતું આવતું.

સાવ જ ક્યાંકથી એક અજગર આવ્યો અને તે મૃત્યુના મુખમાં ધકેલાઈ ગઈ. સહાયસ્વરૂપે એક વ્યાધ ક્યાંકથી જાણે કે પ્રગટ થયો અને તેને બચાવી લેવાઈ. પણ થોડી જ ક્ષણોમાં એ સુખદ પળો ફરી કષ્ટદાયક બની, કે જ્યારે એ જ વ્યાધના મનમાં તેનાં રૂપનું શિકાર કરવાની મેલી મુરાદ જન્મી.

ફરી પોતે અસહાય અવસ્થામાં મુકાઈ ને તેનાં મુખેથી અનાયાસે જ શ્રાપવચનો નીકળ્યા. એ જ ક્ષણે એ શાપને કારણે એ પાપી વ્યાધ ભસ્મીભૂત થઈ ગયો. તો, વિધાતા તેની સાથે હતી કે તેની સામે? પરમેશ્વર રુઠયો છે કે રિઝ્યો, એ અકળ હતું.

પરંતુ તેનો પતિ વિખૂટો પડી ગયો છે એ નક્કર વાસ્તવિકતા છે, એ સમજાતા દમયંતી ફરી વિલાપ કરવા લાગી. પોતાને કારણે એક પારધીએ જીવ ખોવો પડ્યો એ પણ એને દુષ્કર લાગવા લાગ્યું.

પતિવિણ જીવન નિરર્થક ભાસવા લાગ્યું અને નિરાશાની એ પળોમાં એને જીવન-ત્યાગ કરવાનો ઉન્માદ ઉપડી આવ્યો.

પ્રાણ ત્યાગે નથી હું બીતા, શું કરું સ્વામી પાખે જીવતા;

કેશનો પાંગરો ગુંથી ગ્રંથે, લઇ ભરાવ્યો ફાંસો કંઠે.

“હો વિષ્ણુ એટલું માગતી અમ્રું, નળની દાસી થઈ અવતરું;”

કલિને ખેલ બગડતો લાગ્યો. નારી જીવતી રાખવા ભાગ્યો

હવે કલજુગે ધાર્યું મંન, વિચાર્યું કૌતક હું કરું ઉત્પન્ન.

મ રણથી ઉગારી લીધી, એવી માયા કળિએ કીધી;

દીઠી તેણે તપસ્વી આશ્રમ વાડી, તો ગઈ દમયંતી ફાંસો કહાડી.

કલિ બેઠો ત્યાં વેશ ધરી, જાણે સાધુ કોય જટાધરી

નગ્ન દિગંબર છે મહંત, થઈ પાસે હરખ્યું ચંત;

માયાવી ઝૂંપડીમાં સાધુને ભાળી દમયંતી એને પૂછે કે,

“મહારાજ મુજ નાડી જોઈને કહો મારા પતિએ શીદને મુજે ત્યાગી, ક્ષેમ તો છે ને એ? ભલે હું રહી બડભાગી.”

બોલે કળી નાસા ગ્રહી, અપ્રીત ન્હાના કારણે થઇ.

અલ્પ અપરાધની ભ્રાંતે, કામિની તજી છે કાંતે.

ભીમ સુતા આનંદી અપાર, જોગી દીસે જગદીશ અવતાર;

ફરી અક્રીને પગે નમે, “નળને પ્રસન કરો જી તમે.”

મુનિ કહે “નળને છે ક્ષેમ, પણ ઉતર્યો તુજથી પ્રેમ;

નળ શોધે છે નાર અન્ય, તું કરજે ઉપજે મન.”

ત્યારે હરખ્યો પ્રેમદાનો પ્રાણ, “મારા પ્રભુને છે કલ્યાણ;

લક્ષ નારી કરો રાજન, પણ મારે તો નળનું ધ્યન.”

ઠરી ઠાર તે જાણી નળ, નારીએ લીધાં જળ ફળ;

પામે વિરામ કીધું શયંન, નિદ્રાવશ થઈ સ્ત્રીજંન;

સ્વપ્નાંમાં દીઠા નળ રાય, જાગી તો દુઃખ બમણું થાય.

કલિએ માયા કરીને નળના ખોટા વાવડ આપી દમયંતીનેમ રતી તો બચાવી પણ એનું દુઃખ બમણું કરી નાખ્યું.

સવાર પડ્યે વ્યથિત અવસ્થામાં જ આગળ વધતી વધતી દમયંતી પતિશોધમાં નિર્જન અને ભયંકર જંગલમાં આગળ વધતી ગઈ.

ઘણા પર્વતો, નદ, નદીઓ, વનરાઈઓ, હિંસક પશુઓ પિશાચો આદિને જોતીજોતી, પ્રિયતમ-વિરહના ઉન્માદમાં એ સર્વેને પોતાના પતિનું ઠેકાણું પૂછતી પૂછતી ઉત્તર દિશામાં એ આગળ વધતી ગઈ.

ત્યાં તો, તેણે ઘણા હાથીઓ, ઘોડાઓ અને રથો સાથે આગળ વધતા વેપારીઓનું એક ટોળું જોયું.

વેપારીઓના મુખી સાથે વાત કર્યા પછી જાણ્યું કે એ વેપારીઓ રાજા સુબાહુના રાજ્ય ચેદી-દેશ જઈ રહ્યા છે. તે જાણ્યા પછી, દમયંતી તેમની સાથે જોડાઈ ગઈ.

પતિના દર્શનની ઝંખના તેના મનમાં વધી રહી હતી.

ઘણા દિવસો સુધી ચાલ્યા પછી, તે વેપારીઓના માર્ગમાં ફરી એક ગાઢ જંગલ આવ્યું. ત્યાં એક ખૂબ જ સુંદર તળાવ હતું. લાંબી મુસાફરીને કારણે બધા જ થાકી ગયા હતા, એટલે તેઓએ ત્યાં રોકાઈને રાતવાસો કરવાનો નિર્ણય કર્યો.

વેપારી ત્યાં વાસો રહ્યા, બે પોહોર રાત્રીના ગયા,

નયણે આંસુડા ગળે, દમયંતી બેઠી ઝાડ તળે,

ગજ્-જૂથ જળ પીવા આવ્યા, સિંહ થઇ કળિએ બીહાવીઆં, ભડકી બધી ગજમંડળી, વેપારી મારયા મગદળી,

જે કોઈ સતીને કુત્સિત બોલીયા, તે સૌને ગજે રગદોળીયા, અધિષ્ઠાતા વેપારી તણો, તેડયો જીવતો સાથ આપણો,

ભાઈઓ કતૂહુલ મોટું હવું, મુને ઘટે છે વન બીજે જવું,

એવે કલિજુગ પાપી આવીયો, વેશ તે જોશીનો લાવિયો,

તિથિપત્ર વાંચીને એમ કહે, ચેતો વેપારી કો જીવતો ન રહે,

નહી રહે કો જીવતા, ઉત્પાત દારૂણ હોય રે;

એ કૃત્યા આવી કાલની, તેણીએ ખાધા સર્વ કોય રે.

આમ, જ્યારે એ વેપારીઓના હથિઓને કલિએ સિંહ સ્વરૂપ લઈ ડરાવ્યાં ત્યારે ભયભીત હથિઓએ વેપારીની છાવણીમાં તોફાન મચાવી તે બધાંને ઘાયલ કર્યા ને કેટલાય મૃત્યુ પામ્યા, ત્યારે વેપારીનો મુખી ખૂબ ચિંતાગ્રસ્ત થઈ ગયો. તો કલિ ત્યારે જ્યોતિષ બની આવ્યો અને આ દુર્ઘટના માટે છાવણીમાં આશ્રય લઈ રહેલી દમયંતીને ખરાબ પગલાંની ગણી કારણભૂત બતાવી.

વેપારીઓ સર્વે ક્રોધે ભરાયા અને દમયંતીને ત્યાંથી કાઢી મૂકી.

દમયંતી ફરી નિરાશ અને લાચાર થઈ ગઈ.

પણ થોડીવારમાં જ કેટલાક વેદપાઠી અને સંયમી બ્રાહ્મણોના કાફલાનો તેને સંગાથ થઈ ગયો. એ કાફલા સાથે ચાલતી ચાલતી આ દુઃખી નારી સાંજ પડતા સુધીમાં ચેદી-નરેશ સુબાહુની રાજધાનીમાં પહોંચી.

પણ ત્યારે તેના કેશ વિખરાયેલા હતા અને અંગ પરનું એનું અર્ધવસ્ત્ર મેલુંઘેલું હતું. આવા અસ્તવ્યસ્ત અવસ્થાવાળી કોઈ સ્ત્રીને સુઘડ, સ્વચ્છ બ્રાહ્મણોના કાફલાની પાછળ પાછળ આવતી જોઈને નગરજનોએ તેને કોઈક ચિત્તભ્રમિત સ્ત્રી સમજી લીધી. નાના બાળકો માટે તો એ મનોરંજનનું સાધન બની ગઈ.

સૌ તેની ટીખળી કરવા લાગ્યા અને પાછળથી તેની પર પથ્થર પણ ફેંકવા લાગ્યા. એ સૌથી પોતાને બચાવતી આગળ વધતી દમયંતી રાજમાર્ગ પર રાજમહેલની પાસે પહોંચી

ત્યાં ઝરૂખે બેઠેલી રાજમાતાએ તેને જોઈ અને તુરંત પોતાની દાસીને સાદ કર્યો.

પણ, એ સાદ દમયંતીના સદભાગ્યનો હતો કે દુર્ભાગ્યનો?

ઋષિ બૃહદશ્વાના મુખે પાંડવો નળ-દમયંતીની કથામાં દમયંતીના દુર્ભાગ્યનું વૃતાંત સાંભળી રહ્યા હતા. ઉત્સુકતાવશ યુધિષ્ઠિર હવે નળરાજા વિશે જાણવા આતુર થઈ ગયા.

“હે મુનિવર, દમયંતીથી છુટા પડેલ નળરાજા વિશે પણ કઈંક વિસ્તારમાં જણાવવા કૃપા કરશો.”

ત્યારે બૃહદશ્વ ઋષિ બોલ્યા- “દમયંતીને નિદ્રાધીન છોડીને નળરાજા વનમાં આગળ વધ્યા, તે સમયે આગળ જતાં જંગલમાં અચાનક જ આગ લાગી હતી. આવી ભયાનક અગનજ્વાળાઓ જોઈને રાજા થોડો અચકાઈ ગયો.

ત્યાં જ તેના કાનમાં અવાજ આવ્યો, ‘નળરાજા નળરાજા..! બચાવો..! જલ્દી આવો બચાવો મને..!’

રાજા ચોંકી ગયા. ત્વરિત દોડીને અવાજની દિશામાં ગયા.

‘ડરશો નહીં.. હું આવી ગયો છું.’ કહી રાજા દાવાનળમાં પેસી ગયા. ત્યાં જોયું તો નાગરાજ કર્કોટક ગૂંચળું વળીને ત્યાં પડ્યો હતો.

‘રાજન! હું કર્કોટક નામનો સર્પ છું. ખૂબ જ તેજસ્વી ઋષિ એવા નારદજી સાથે મેં દગો કર્યો હતો.’ -સર્પ પોતાની કરમકહાણી કહેવા લાગ્યો- ‘એને કારણે નારદજીએ અહીં મને શ્રાપ આપ્યો હતો કે આ જગ્યા પરથી હવે હું હલી શકીશ નહીં. ‘જ્યાં સુધી નળરાજા પોતાના હસ્તે તને નહીં ઊંચકે ત્યાં સુધી તું અહીં જ પડ્યો રહે. એ ઉચકશે ત્યારે જ તું શ્રાપમુક્ત થશે.’ એવા એ શ્રાપને કારણે અત્યારે હું ખસી શકતો નથી અને માટે આ દાવાનળમાં બળીને ભસ્મ થઈ જઈશ તો કૃપા કરી મને બચાવો.’

નળરાજા આ બધું સાંભળી રહ્યા.

‘ઝાઝો વિચાર ના કરશો. મારી સહાય કરો. હું આપનો મિત્ર બની રહીશ અને તમારા હિતની જ વાત બતાવીશ. મારા ભારથી ડરશો નહીં, કારણ હું મારી કાયાને સંકોચીને હલકી બનાવી શકું છું.’ -આટલું કહીને એ સર્પ અંગુઠાના કદનો થઈ ગયો.

નળરાજાએ તેને ઉપાડી લીધો અને સળગતા વનની બહાર લઈ આવ્યા.

કર્કોટક બોલ્યો- ‘રાજન..! મને હવે પૃથ્વી પર ન મૂકશો. ચાલો, થોડા પગલાંઓ ગણતરી કરતા કરતાં આગળ ચાલો.’

એક, બે, ત્રણ એમ ગણતા ગણતા રાજાએ ડગ ભર્યા. પણ જેવું દસમા પગલે એ ‘દસ’ બોલ્યા કે કર્કોટક સર્પે તુરત તેમને ડસી લીધું.

આ સર્પનો એવો નિયમ હતો કે જ્યાં સુધી કોઈ ‘ડસ’ કે ‘દસ’ ના કહે ત્યાં સુધી એ કોઈને ડસતો નહીં.

પણ, સાપના આમ કરડવાથી નળરાજાનું સમૂળગું સ્વરૂપ જ બદલાઈ ગયું અને રાજા સ્વયં આશ્ચર્યચકિત રહી ગયા.

“રાજન, તમારી કાયામાં પ્રવેશ કરીને કલિએ તમને પારાવાર દુઃખ આપ્યું છે, પણ હવે મારા વિષના પ્રતાપે કલિ તમારા શરીરમાં ખૂબ જ દુઃખ ભોગવશે. તમને કોઈ ઓળખી શકે નહીં, તે માટે જ મેં તમારું સ્વરૂપ બદલ્યું છે. તમે મારી રક્ષા કરી છે. હવે તમને હિંસક પ્રાણીઓ, પક્ષીઓ, શત્રુઓ કે બ્રહ્મવેતાના શ્રાપ આદિનો પણ ભય રહેશે નહીં. હવે તમારા પર કોઈ પણ વિષની અસર નહીં થાય અને તમે યુદ્ધમાં પણ સદૈવ વિજયી થશો.’

નળરાજા માટે એ સઘળા શબ્દો વરદાનસ્વરૂપ લાગ્યા.

‘હે રાજા, હવે તમે તમારું નામ “બહુક” રાખો અને દ્યુતકલામાં કુશલ એવા રાજા ઋતુપર્ણના નગર અયોધ્યામાં જાઓ. તમે ત્યાં તેમને તમારી અશ્વવિદ્યાથી પરિચિત કરાવજો અને તેઓ તમને દ્યુતક્રીડાનું રહસ્ય જણાવશે તેમ જ તમારા મિત્ર પણ બની જશે. આમ દ્યુતનું રહસ્ય જાણ્યા પછી તમે તમારી પત્ની, પુત્રી, પુત્ર, રાજ્ય આદિ સઘળું જ પાછું મેળવી શકશો. જ્યારે તમે તમારું મૂળ સ્વરૂપ ધારણ કરવા ઈચ્છો ત્યારે મારુ સ્મરણ કરીને, આ વસ્ત્રો ધારણ કરી લેજો.’ -આમ કહી કર્કોટકે રાજાનળને બે દિવ્ય વસ્ત્ર આપ્યા અને તુરંત જ ત્યાંથી અંતર્ધ્યાન થઇ ગયો.

જ્યારે વિદર્ભના રાજાભીમને સમાચાર મળ્યા કે એમનાં જમાઈ નળરાજા રાજ્યચ્યુત થઈને તેમની પુત્રી દમયંતી સંગે વન પ્રસ્થાન કરી ગયા છે, તો તેઓએ રાજસેવાના એક હજાર બ્રાહ્મણોને બોલાવ્યા. તેમને અધિક માત્રામાં ધન આપીને સૂચના આપી કે –

“આપ સૌ પૃથ્વી પર સર્વત્ર વિહાર કરીને નળરાજા તેમજ દમયંતી વિષયે માહિતી મેળવી શોધી લાવો. જે બ્રાહ્મણ આ કાર્ય પૂર્ણ કરવામાં સફળ થશે એને એક હજાર ગાય અને એ ઉપરાંત કેટલીક જાગીર પણ આપવામાં આવશે. જો તેઓને અહીં લાવી ના શક્યા અને ફક્ત એમનું ઠેકાણું પણ લાવી આપશે તેને એક સહસ્ર ગાય તો અવશ્ય આપવામાં આવશે જ.”

આ સાંભળી બાહ્મણો ખૂબ પ્રસન્ન થયા અને હોંશે હોંશે નળ-દમયંતીની ભાળ મેળવવા દશે દિશાઓમાં નીકળી પડ્યા.

આ સર્વેમાં સુદેવ નામનો એક બ્રાહ્મણ ખૂબ જ ચતુર, ઉત્સાહી અને ઉર્જાવાન હતો. તનમનમાં લગન જગાવીને એ અનેક નાનામોટા રાજ્યોમાં થાકયા વિના વિહાર કરવા લાગ્યો.

એ સર્વે રાજ્યોમાં સફળતા ન મળી એટલે પછી એણે એક દુરનો પ્રદેશ એવા ચેદિ રાજ્યની મુલાકાત લેવાનું નક્કી કર્યું, અને પછી એ દિશામાં આ યુવાન ઉત્સાહી બ્રાહ્મણ નીકળી પડ્યો.

પણ ત્યાં સુધીમાં તો દમયંતી ચેદિ રાજ્યની રાજધાનીમાં પહોંચી ચુકી હતી. અસ્તવ્યસ્ત અને મેલીધેલી અવસ્થામાં ત્યાંના નગરલોકો તેને ચિત્તભ્રમિત સ્ત્રી સમજી બેઠાં, તો નાના બાળકો તો તેની પાછળ દોડી તેનું વસ્ત્ર ખેંચી ખેંચીને, કે પથ્થર ફેકીને તેની સતામણી કરવા લાગ્યા હતા.

રાજમાર્ગ પર ચાલતો આ કરુણ તમાશો, રાજમહેલના ઝરૂખે બેઠેલા રાજમાતાએ જોયો અને તુરંત જ તેઓએ પોતાની દાસીને સાદ કરીને બોલાવી.

‘અરે જઈને જો તો જરા.. આ સ્ત્રી કોઈક દુ:ખિયારી લાગે છે. નગરજનોની સતામણીથી બચવા કોઈક આશ્રય શોધતી જણાય છે. તોફાની બાળકો ય બહુ હેરાન કરે છે એને, તો તું જા, અને એને અહીં લઇ આવ. એ તો છે ય પાછી કેવી અલૌકિક સુંદરી ! આપણો તો મહેલ દિપી ઉઠશે તેની હાજરીથી.”

દાસી તુરંત નીચે ગઈ અને દમયંતીને રાજમાતા પાસે દોરી લાવી.

રાજમાતાએ દમયંતીને સમીપથી જોઈને કહ્યું- “દેખાય તો છે તું ખૂબ દુઃખી, પરંતુ તોય તારી કાયા કેટલી તેજસ્વી છે ! મને કહે દીકરી, તું કોણ છે, ક્યાંથી આવી છે, આવી અસહાય અવસ્થામાંય આટલી નીડર કેવી રીતે રહી શકી છો?”

“હું એક પતિવ્રતા નારી છું.” -દમયંતીએ નમ્રતાપૂર્વક પોતાની વાત કરતાં કહ્યું- “હું છું તો કુળવાન, પણ દાસીનું કાર્ય કરું છું. અંતઃપુરમાં રહી ચુકી છું; તે છતાંય, હું ક્યાંય પણ રહી શકવા સમર્થ છું. ફળ-મૂળ ખાઈને દિવસો વિતાવું છું. મારા પતિદેવ ખૂબ જ ગુણવાન પુરુષ છે અને મુજથી ખૂબ પ્રેમ પણ કરે છે, પણ મારા ભાગ્યનો વાંક છે કે, મારા કોઈ પણ અપરાધ વગર જ અર્ધી રાત્રે મારી નિંદ્રાવસ્થામાં તેઓ મને છોડીને કશે ચાલ્યા ગયા છે. અહર્નિશ હું તેમને શોધતી ફરું છું અને તેમનાં વિરહજ્વાળામાં સળગતી રહુ છું.”

આટલું કહેતા, દમયંતીના નયન છલકાઈ ગયા અને તે વિલાપ કરવા લાગી.

આ જોઈ રાજમાતાનું હૈયું ભરાઈ આવ્યું. તેઓ કહેવા લાગ્યા- “હે કલ્યાણી, સાવ સ્વાભાવિક જ મને તુજ પર પ્રેમ ઉભરાઈ રહ્યો છે. તું અહીં મારી સંગે જ રહે. હું તારા પતિને શોધવાનું કાર્ય કરીશ. તેઓ જ્યારે આવે ત્યારે એમને તું અહીં જ મળજે.”

“માતા,” -દમયંતી જવાબ આપતા બોલી- “હું અવશ્ય અહીં રહું પણ મારી એક શરત માનવાની આપ બાંહેધરી આપો એવી મારી ઈચ્છા છે.”

“બોલ પુત્રી, તારા જેવી કુલીન કન્યાની શરત પણ શ્રેષ્ઠ જ હશે એવું મને લાગે છે.”

“મારી કોઈ મોટી શરત નથી. બસ, હું કોઈ દિવસ કોઈનું એઠું નહીં આરોગું; કોઈના પગ નહીં ધોઉં; પરપુરુષ સાથે હું કોઈ પ્રકારની વાતચીત નહીં કરું; જો કોઈ પુરુષ મારી સાથે કુચેષ્ટા કરે તો એને તમારે દંડીત કરવો જોઈશે. અને જો એ વારંવાર આવું કરે તો દેહાંત દંડ આપવો. મારા પતિની શોધખોળ માટે હું બ્રાહ્મણો સાથે નિરંતર વાતચીત કરતી રહીશ. મારી આટલી શરતો જો આપ મંજુર કરો તો જ હું અહીં નિવાસ કરીશ. અન્યથા, નહીં.”

દમયંતીના આવી ઉચ્ચ કક્ષાના નિયમો સાંભળી રાજમાતા અધિક પ્રસન્ન થયા. દમયંતીના શીલવાન હોવાના પ્રમાણપત્ર સમાન જ આ સઘળા શબ્દો તેમને લાગ્યા. તુરંત જ તેઓએ પોતાની પુત્રી ઇન્દુમતિને બોલાવી.

“બેટા ઇન્દુમતિ, આ સ્ત્રીને દાસી નહીં, દેવી જ સમજજો. વયમાં એ તારા જેવડી જ છે, તો તારી સખી સમાન જ વ્યવહાર કરજે. આપણા મહેલમાં જ એ રહેશે. તો તમે બેઉ સંગે જ એકમેકનું મનોરંજન કરતી રહેજો.”

ઇન્દુમતિ ખૂબ જ પ્રસન્નતાપૂર્વક દમયંતીને પોતાની સાથે પોતાના મહેલમાં લઈ ગઈ. પછી પોતે ઘડેલા નિયમોનું પાલન કરતી દમયંતી ત્યાં જ નિવાસ કરવા લાગી.

ઋષિ બૃહદશ્વાના મુખેથી પાંડવો નળ-દમયંતીની કથા રસપૂર્વક સાંભળી રહ્યા હતા, ત્યારે આ મુકામે દમયંતીનું વૃતાંત અધ્ધર મૂકીને ઋષિએ નળરાજાની કથા પુનઃ આગળ વધારી.

નાગરાજ કર્કોટકની સલાહ મુજબ જ, તેણે આપેલ કેટલાક વરદાન અને બે દિવ્ય વસ્ત્રો સાથે લઈને નળરાજાએ અયોધ્યા નગરી તરફ પ્રયાણ કર્યું.
હવે તેમનું દૈહિક સ્વરૂપ તેમના મૂળ રૂપ કરતાં એટલું જુદું થઈ ગયું હતું કે તેમનું નજીકનું સ્વજન પણ તેમને ઓળખી શકે તેમ નહોતું.

દસ દિવસના પગપાળા પ્રવાસ બાદ તેઓ અયોધ્યા પહોંચ્યા પછી ત્યાંના રાજા ઋતુપર્ણના દરબારમાં ઉપસ્થિત થયા અને તેમને નિવેદન કર્યું કે-

“મારું નામ બાહુક છે. હું અશ્વોને હાંકવામાં તેમજ તેમને નવી નવી ચાલ શીખવવાનું કાર્ય કુશળતાપૂર્વક કરું છું. અશ્વવિદ્યામાં મુજ સમાન નિપુણ આ પૃથ્વી પર કોઈ જ નહીં હોય. અર્થ સંબંધી તેમજ અન્ય ગંભીર સમસ્યાઓ પર પણ હું સરસ સલાહ સૂચનો આપી શકું. પાક-કલા પણ મને પૂર્ણપણે હસ્તગત છે, તેમ જ હસ્તકલાના સર્વે કામ તેમ જ અન્ય કઠિન કાર્ય કરવાની પણ મારી સદૈવ તૈયારી રહેશે. તો કૃપયા આપ મારી આજીવિકાનું મૂલ્ય નિશ્ચિત કરીને મને આપની સેવામાં રાખી લો.”

અયોધ્યા-નરેશ નળરાજાની વાતોથી પ્રભાવિત થઈને બોલ્યા- “બાહુક ! સારું થયું તમે અહીં આવ્યા. તમે વર્ણવેલ એ સર્વે કાર્ય હવે હું તમારે હસ્તક સોંપુ છું. પરંતુ હું શીઘ્રગામી સવારીને વિશેષ પસંદ કરું છું એટલે તમે એવો કોઈક ઉદ્યોગ કરો કે મારા અશ્વોની ચાલ ઝડપી બની જાય. હું તમને અશ્વશાળાનો અધ્યક્ષ નિયુક્ત કરું છું. દર માહ એક સહસ્ર સોનાની મહોર તમને શ્રમજીવિકા રુપે મળતી રહેશે, ઉપરાંત જીવલ અને વાર્ષ્ણેય (નળરાજાનો જૂનો સારથી) સદાય તમારી સમક્ષ ઉપસ્થિત રહેશે. તો તમે આનંદથી મારા દરબારમાં રહો.”

રાજા ઋતુપર્ણનો સત્કાર અને સન્માન પ્રાપ્ત કરી, નળરાજા બાહુક સ્વરૂપે અયોધ્યામાં રહેવા લાગ્યા. પણ નિશદિન તેઓ દમયંતીનું સ્મરણ કરીને નિસાસો ભરતા.

જે ચક્રવાક દિવસે વહુ સાથ રાખે,

તે સંગરંગ રમતાં રવિતાપ સાંખે;

રાતે વિજોગ થકિ ચંદ્રપકાશ ખૂંચે,

જો દુઃખ હોય દિલમાં કશુંએ ના રુચે.

આમ, જો જીવનસખી સાથ હોય તો આકરા ટાઢ-તડકા પણ સહ્ય લાગે, કિન્તુ જો પ્રિયતમાનો વિરહ હોય તો ચંદ્રનો શીતળ-પ્રકાશ પણ કાંટા ભેરવે. હૈયે પ્રિયની પીડા હોય તો કોઈ જ સુખ ના રુચે.

દિવસો વીતતા ગયા, પતિ-પત્ની જુદા જુદા નગરોમાં એકમેકનો વિયોગ સહેતા નિરંતર એકમેકના સ્મરણોમાં વાસ કરી રહ્યા હતા, ત્યારે વિદર્ભનગરીના હજાર બ્રાહ્મણો ધરતીના દરેક ખૂણે તેમની ભાળ મેળવવા સતત પ્રવાસ કરી નિરંતર પ્રયત્નશીલ હતા.

એમાંનો એક સુદેવ નામનો બ્રાહ્મણ, કે જેણે અનેક નગરોમાં ખોજ કરીને પછી ચેદિ રાજ્યમાં પ્રયત્ન કરી જોવાનું વિચાર્યું હતું, એ લાંબા પ્રવાસ કરતો કરતો ચેદિમાં આવી પહોંચ્યો. થોડા દિવસ ત્યાં નિવાસ કર્યો પણ સફળતા ન મળી.

એકવાર ફરી નિરાશા લઈને એ પરત જવા નીકળ્યો ત્યાં અકસ્માતે જ, એ રાજમહેલે જઈ ચડ્યો કે જ્યાં પુણ્યાહવાચન થઈ રહ્યું હતું.

ઇન્દુમતિ સંગે દમયંતી બેસીને એ મંગલકાર્ય નીરખી રહી હતી. સુદેવે દમયંતીને જોઈ, તો તેનું મુખમંડળ તેને પરિચિત લાગ્યું.

“અવશ્ય આ જ ભીમ-નંદિની છે. આનાં જેવું જ રૂપ મેં પહેલાં પણ જોયું હતું, એ આજે જોવા મળ્યું. અતિ ઇષ્ટ થયું આ, મારી યાત્રા સફળ થઈ લાગે છે.”

તે દમયંતીની પાસે જઈને હળવેથી બોલ્યો- “વિદર્ભનંદિની..!”

સાંભળીને દમયંતી ચોંકી ગઈ. આ સંબોધનમાં તો તેનો સઘળો ભેદ સમાયેલો હતો.

દમયંતીના મુખ પર આવેલ ભાવપલટો સુદેવને વિશ્વાસ પ્રદાન કરી ગયો.

“હે કુંવરી હું તમારા ભાઈનો મિત્ર સુદેવ બ્રાહ્મણ છું. રાજા ભીમની આજ્ઞાથી તમને શોધવાનું કાર્ય મને સોંપવામાં આવ્યું છે.”

દમયંતી સઘળું સાંભળી રહી. તેની આંખમાં અશ્રુ ઝળકી ઉઠ્યા.

આ જોઈને સુદેવે આગળ કહ્યું- “તમારા માતપિતા અને ભાઈ સાનંદ છે, ઉપરાંત તમારા બેઉ સંતાનો પણ સકુશલ છે. પણ તમારા વિયોગે સર્વે કુટુંબીજનો પ્રાણહીન સમાન થઈ ગયા છે. એક હજાર બ્રાહ્મણો વિવિધ દિશામાં તમારી શોધ ખાતર ફરી રહ્યા છે. હું એમાંનો એક છું.”

દમયંતીના સંયમનો બંધ હવે તૂટી ગયો અને એ ઊંચા અવાજે ડૂસકાં ભરીને વિલાપ કરવા લાગી.

અચાનક જ દમયંતીની આવી અવસ્થા જોઈને ઈન્દુમતિ ગભરાઈ ગઈ. તે પોતાની માતા પાસે અંતઃપુરમાં દોડી ગઈ, ને સમજાઈ હતી એટલી વાત કરી. રાજમાતા તુરંત જ ત્યાં આવી ગયા. તેમને બ્રાહ્મણની પૃચ્છા કરી.

“મહારાજ, આ કન્યા કોણ છે, કોની પુત્રી, કોની પત્ની છે? તેના કુટુંબથી વિખૂટી કેવી રીતે પડી ગઈ? તમે કેમ કરીને તેને ઓળખી?”

રાજમાતાના એકસામટા અનેક પ્રશ્નોના ઉત્તર દેવા સુદેવે તેમને દમયંતીનું સંપૂર્ણ ચરિત્ર કહી સંભળાવ્યું અને પછી કહ્યું- “જેમ રાખ હેઠળ દબાયેલ ચિનગારી તેની ગરમીને કારણે વર્તાઈ આવે છે, એવી જ રીતે આ દેવીના રૂપ અને તેનાં લલાટને જોઈ હું તેમને ઓળખી શક્યો છું.”

ત્યારે ઇન્દુમતિએ સ્વયં પોતાના હસ્તે દમયંતીનું લલાટ ધોયું. કંકુનો લોપ થતા જ તેની ભ્રમરો વચ્ચે લાલ ચિહ્ન, ચંદ્રમા સમાન પ્રગટ થઈ ઉઠ્યું. લલાટનો એ તલ જોઈને રાજમાતા રોઈ પડી. તેમણે દમયંતીને પોતાની છાતી સરસી ચાંપી ખૂબ ખૂબ વ્હાલ કર્યું અને પછી બોલ્યા-

“આ જન્મચિહ્ન થકી હવે હું તને ઓળખી શકી છું પુત્રી, કે તું મારી બહેનની દીકરી છે. તારી માતા અને હું, બન્ને સગી બહેનો છીએ. અમે બેઉ દશાર્ણ દેશના રાજા સુદામાની પુત્રીઓ છીએ. તારો જન્મ મારા પિતૃગૃહે જ થયો હતો અને ત્યારે મેં તને જોયેલી. જેમ તારા પિતાનું ઘર તારું પિયર છે, એવું જ આ ઘરને પણ સમજ. આ સંપત્તિ જેટલી મારી, એટલી જ તારી ગણ..!”

દમયંતી આ સઘળું સાંભળી ખૂબ પ્રસન્ન થઈ. તેણે પોતાની માસીને હૃદયપૂર્વક પ્રણામ કર્યા.

રાજમાતાએ જ્યારે અફસોસ જાહેર કર્યો કે પોતે તેને ઓળખી ના શકી, ત્યારે દમયંતી બોલી:

“હે મા સમાન માસી, મારી ઓળખાણ ના પડી તો શું ગજબ થયો? અમસ્તીય હું તો અહીં તમારી પુત્રી સમાન જ રહી છું. તમે મારી સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરી અને મારી રક્ષા પણ કરી છે. હવે તો સંદેહ નથી જ, કે હું અહીં પૂર્ણ સુખરૂપ રહી શકીશ. પરંતુ માતે ! ઘણા સમયથી હું અહીંતહીં ભટકી રહી છું. મારા નાના નાના બાળકો મુજથી વિખૂટાઈને મારા પિતાને ત્યાં છે. વળી તેઓ તો પોતાના પિતાથી ય અળગા છે, તો સાચે જ હૃદયથી ખૂબ દુઃખી હશે. જો આપ સાચે જ મારું હિત ઇચ્છતા હો, તો મને વિદર્ભ મોકલવાનો શીઘ્ર પ્રબંધ કરી આપો એવી મારી અરજ છે.”

રાજમાતા લાગણીના અતિરેકે ગળગળી થઈ ગયા. પછી, પોતાના પુત્ર, એવા ચેદિ-રાજાને સૂચના આપીને તેઓએ પાલખી મંગાવી; ભોજન વસ્ત્રાદિ ઘણી જરૂરી વસ્તુઓ આપી, મોટી સૈનાની સુરક્ષા હેઠળ દમયંતીને તેઓએ ભાવભીની વિદાય આપી.

સુખરૂપ વિદર્ભદેશ પહોંચી ગયા એટલે ત્યાં વિદર્ભનંદિનીનો ભવ્ય સત્કાર થયો. ઘણા સમયની દુ:ખિયારી નારી પોતાના માતપિતા, સંતાનો અને સખીઓને સ્નેહપૂર્વક મળી.

રાજા ભીમ પણ ખૂબ પ્રસન્ન થયા. તેઓએ સુદેવ બ્રાહ્મણને એક સહસ્ર ગૌ, અમુક ગામની જાગીર અને દ્રવ્ય આપી સંતુષ્ટ કર્યો.

પરંતુ કલિકોપ હજુ ઓછો નહોતો થયો. પતિ-પત્ની તો હજુય વિખુટા જ હતા. વળી નળરાજા તો ન ઓળખાય એવા ભિન્ન સ્વરૂપમાં હતા, તો એવામાં એમની ભાળ મેળવવી ખૂબ અઘરી પડવાની હતી.

ઋષિ બૃહદશ્વા પાંડવોને નળ-દમયંતીની કથા સુણાવતા, પછી પિતૃગૃહે પહોંચેલી દમયંતીની વિતક-કથા સંભળાવી.

‘હે યુધિષ્ઠિર ! આપનું દુઃખ ઓછું જાણો, કે આપ સૌ ભ્રાતા અને ભાર્યાને સંગાથે છો. પણ નળરાજા પત્નીવિજોગે હતો તો પતિ વિના દમયંતીને પિયર પારકું અને વસમું લાગતું રહ્યું. પિયરમાં અન્ન જળ વસ્ત્ર અલંકારની વિપુલતા ય તેને મન સોહાતી નહોતી. તેથી લગભગ સાધ્વી જેવી સાદગીને એણે અપનાવી લીધી.

પિયર બેઠી વિજોગણી, હૈયે પિયુ મિલનની આસ રે

પ્રભુ પાખે દમયંતી, હવે પાળવા લાગી સંન્યાસ રે.

અલવણ અન્નઅશન કરવું, અવની પર શયન રે.

આભૂષણ રહિત અંગ અબળાનું, કાજળ વિન નયન રે.

નિયમ રાખ્યો નાનાવિધનો, ઉગ્ર આખડી પાળે રે;

પતિવતા તો પિયુને ભજે ને, અન્ય પુરુષ નવ ભાળે રે.

નામ નળનું, ધ્યાન નળનું, સખીસું નળની વાત રે;

દુઃખે જાયે દિવસ ને રયણી, નયણે વરસે વરસાદ રે.

વર્ષાકાળે વિજોગ પીડે, માનિનીને મન ભાલો રે;

વૈદર્ભીને વર્ષાકાળ વીત્યો, આવ્યો શત્રુ શિયાળો રે.

આકાશ અંગિયા અંબુજ ઉઘડ્યાં, નિર્મળ ઈંદુ શરદ રે;

પતિવિજોગ પીડે છે પાપી, સતિ રહે સત્ય બરદ રે.

દુઃખે દિવસ નાંખે દમયંતી, એક વરસ ગયું વહી રે;

ત્રણ સંવત્સરની અવધ વીતી, નાથ આવ્યો નહી રે.

આખરે થાકી હારીને દમયંતીએ તેની માતાને કહ્યું- ‘માતા! હું તમને સત્ય કહું છું. જો તમે મને જીવંત રાખવા માંગતા હો, તો મારા પતિને શોધવાનો પ્રયત્ન કરો.’

પુત્રીની પીડાએ માતા પણ અત્યંત દુઃખી થઈ અને માટે તેના પતિ રાજા ભીમને કહ્યું- ‘સ્વામી ! દમયંતી તેના પતિની ખૂબ ચિંતા કરે છે. તેણે સઘળો સંકોચ ત્યાગીને મને કહ્યું કે આપણે ત્વરિત જ તેમને શોધવાનો ઉદ્યોગ કરવો જોઈએ.’

ચિંતીત ભીમરાજાએ પુનઃ તેમના આશ્રિત બ્રાહ્મણોને બોલાવ્યા અને તેમને નળ શોધવા જવા માટે સૂચના આપી.

ગિરનાર
ગિરનાર પર્વત અને લીલી પરિક્રમાનો રોચક ઈતિહાસ

બ્રાહ્મણો દમયંતી પાસે ગયા અને કહ્યું- ‘હે કુંવરી, હવે અમો રાજા નળને શોધવા જઈ રહ્યા છીએ. કોઈ સલાહ કે સૂચન હોય તો આપવા કૃપા કરો.’

દમયંતીએ બ્રાહ્મણોને કહ્યું- ‘તમે જે પણ રાજ્યમાં જાઓ ત્યાં લોકોની ભીડ વચ્ચે આ વાત બોલજો કે “ઓ મારા કપટી પ્રેમી ! તમે મારા વસ્ત્રનો અર્ધો ભાગ ફાડીને તમારી દાસીને જંગલમાં નિંદ્રાધીન મૂકીને ક્યાં ચાલ્યા ગયા છો? તમારી આ સેવિકા હજુ પણ એવી જ અવસ્થામાં છે જે અર્ધુ વસ્ત્ર લપેટીને તમારા આવવાની રાહ જોઈ રહી છે અને તમારા વિયોગના દુઃખમાં દુઃખી છે.” તેમની સામે મારી સ્થિતિનું વર્ણન કરજો અને એવી વાતો કહેજો કે જે તેમને પ્રસન્ન કરે અને મુજ પર કૃપા કરે.

જો મારા આ શબ્દો કહ્યા પછી કોઈ તમને કઈં ઉત્તર આપે, તો એ કોણ છે, ક્યાં રહે છે’, એ સર્વે માહિતી મેળવી લેજો અને તેનો ઉત્તર યાદ રાખી અને મને કહેજો. ઉપરાંત એ પણ ધ્યાનમાં રહે, કે તમે આ બધું મારી આજ્ઞાથી કહી રહ્યા છો, એવી તેને બિલકુલ જ ખબર ન પડે.’

બ્રાહ્મણો દમયંતીના નિર્દેશ અનુસાર રાજાનળને શોધવા વિવિધ દિશાઓમાં નીકળી ગયા. લાંબા સમય સુધી શોધખોળ ચાલી. પછી એક દિવસ પર્ણાદ નામનો એક બ્રાહ્મણ દમયંતીના મહેલમાં આવ્યો અને કહ્યું- ‘ હે રાજકુમારી ! તમારી સૂચના મુજબ, નિષધ નરેશ નળને શોધતો શોધતો હું અયોધ્યા નગરી પહોંચી ગયો હતો. ત્યાંના રાજા ઋતુપર્ણ પાસે પણ હું ગયો અને તેમની ભરીસભામાં તમારો મુદ્દો પુનરાવર્તિત કર્યો. પરંતુ ત્યાં તો કોઈએ કંઈપણ ઉત્તર આપ્યો નહીં. જોકે જ્યારે મેં ત્યાંથી પ્રસ્થાન કરવાની હિલચાલ કરી, ત્યારે બાહુક નામના તેમના એક સારથિએ મને એકાંતમાં બોલાવ્યો અને કંઈક કહ્યું.

દેવી ! તે સારથિ રાજા ઋતુપર્ણના અશ્વોને શિક્ષા પ્રદાન કરે છે, એ સ્વાદિષ્ટ ભોજન પણ રાંધે છે; પરંતુ તેના હાથ નાના છે અને તે શરીરે અજબ કદરૂપો છે. તે પુરુષ ઊંડા શ્વાસ લઈને રુદન કરતાં કરતા બોલ્યો કે “કુલીન સ્ત્રીઓ તો ઘોર કષ્ટ મળ્યા બાદ પણ પોતાના શીલની રક્ષા કરતી હોય છે અને પોતાના સતીત્વના બળ પર સ્વર્ગ પર પણ વિજય પ્રાપ્ત કરી લેતી હોય છે. પતિ ત્યાગી દે, તો એ ક્રોધ નથી કરતી પરંતુ પોતાની મર્યાદાનું રક્ષણ કરતી હોય છે. ત્યાગવાવાળો પુરુષ વિપત્તિને કારણે દુઃખી અને અચેત હતો. માટે તેની પર હવે ક્રોધ કરવો ઉચિત નથી.

એ કબૂલ છે કે પતિએ પત્નીનું યોગ્ય રક્ષણ અને સત્કાર નથી કર્યો, પરંતુ તે સમયે એ રાજ્યલક્ષ્મીથી વંચિત, ક્ષુધાતુર, દુઃખી અને દુર્દશાગ્રસ્ત હતો. તેની આવી દયનિય અવસ્થા ધ્યાનમાં લેવી જોઈએ. જ્યારે તે પોતાની પ્રાણ-રક્ષા માટે આજીવિકા ઇચ્છતો હતો, ત્યારે પક્ષીઓ તેનું અંતિમ વ સ્ત્ર છી નવીને તેને લજ્જિત કરીને ઉડી ગયા. તે પછી તેની હૃદયની પીડા અસહ્ય બની ગઈ હતી.” તો હે રાજકુમારી ! એ બાહુકના આ વચન સુણીને, હું તમને સર્વે હકીકત કહેવા આવ્યો છું. હવે તમને જે યોગ્ય લાગે તે કરો. ઇચ્છો, તો મહારાજને પણ આ સર્વે કહો.’

બ્રાહ્મણની આ સઘળી વાત ચિત્ત દઈને સાંભળી રહેલી દમયંતીની આંખો આંસુથી ભરાઈ આવી. તે તુરંત જ એકાંત જોઈને પોતાની માતા પાસે ગઈ.
‘માતા ! હમણાં આપ આ વાત પિતાશ્રીને ન કહેશો, પણ હવે આ કાર્ય કાજે હું પેલા સુદેવ નામના યુવાન બ્રાહ્મણની નિમણૂક કરવા ઈચ્છું છું. જે રીતે સુદેવે મને શુભ મહુર્તમાં અહીં પહોંચાડી હતી, એવી જ રીતે શુભ શુકન જોઈને એ અહીંથી નીકળીને અયોધ્યા જાય અને મારા પતિદેવને અહીં લાવવાનો પ્રપંચ કરે.’

આ પછી દમયંતીએ પર્ણાદને બોલાવી તેનો યોગ્ય સત્કાર કરી પુરસ્કૃત કર્યો અને આદરપૂર્ણ વિદાય આપી.

તે પછી તુરંત જ તેણે સુદેવ બ્રાહ્મણને બોલાવ્યો અને કહ્યું:

“પુનરપિ જાઓ તેડવા રે, મુજ જીવન વસે છે જાંહે,

પરીક્ષા એ પુણ્યશ્લોકની, એકે દિવસે આવે આંહે,

જાઓ અયોધ્યા માંહે, ગુરુજી, હવે બેસી રહ્યા તે કાંહે,

જઇ કહો ઋતુપર્ણ રાયને, વૈદર્ભી તજીને નળ મહારાજ,

સ્વયંવર ફરી માંડિયો રે, ને છે લગ્નનો દહાડો આજ,

એ વાતે નથી લાજ, ગુરુજી, જેમતેમ કરવું રે રાજ,

કપટે લખી છે આ કંકોતરી રે, ઋતુપર્ણને આપું નિમંત્રણ,

સુદેવ તેડી લાવજો, જોઇએ એ બાહુકનાં આચરણ,

એનું કેવું છે અંતઃકર્ણ, એનાં જોઇએ વપુને વર્ણ,”

‘બ્રાહ્મણ દેવ! આપ શીઘ્ર અયોધ્યા નગરી જાઓ અને રાજા ઋતુપર્ણને સંદેશો આપો, કે વિદર્ભનરેશ ભીમની પુત્રી દમયંતી પુનઃ સ્વયંવર દ્વારા પોતાના માટે પતિ વરણ કરવા ઈચ્છે છે. તો અનેક મોટા રાજાઓ અને રાજકુમારો તે હેતુસર ઉપસ્થિત થઈ રહ્યા છે. સ્વયંવર માટેનું શુભ મહુર્ત આવતીકાલનું જ છે. આપને આમંત્રિત કરવામાં વિલંબ થયો તે બદલ ક્ષમા ઇચ્છીએ છીએ પરંતુ આપ જો પહોંચી શકો તો અવશ્ય આવજો. રાજકુમારીનો પૂર્વ પતિ નિષધરાજા નળના જીવિત હોવા કે ન હોવા વિશે ઘણી અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી આવતીકાલે સૂર્યોદય સમયે તે પોતાના માટે બીજા પતિનું વરણ કરશે.’

આચરણ અશ્વપાલક તણાં, અહ્યાં આવે તો ઓળખાય રે;

પત્ર લેઇ પ્રપંચનો સુદેવ, આવ્યો અયોધ્યા માંય રે.

દમયંતીની આજ્ઞા અનુસાર સુદેવ બ્રાહ્મણ અયોધ્યાનગરી ગયો અને ત્યાં રાજા ઋતુપર્ણને જૂઠી કંકોત્રી આપી શીખવ્યા મુજબનું બધું કહ્યું.
રાજાએ સુદેવ બ્રાહ્મણની વાત સાંભળીને બાહુકને બોલાવ્યો અને મધુર અવાજે સઘળું સમજાવતા બોલ્યા- ‘હે બાહુક ! આવતીકાલે વિદર્ભનંદિની દમયંતીનો સ્વયંવર છે. તો હું એક જ દિવસમાં વિદર્ભદેશમાં પહોંચવા માંગુ છું. પરંતુ આટલી ઝડપથી ત્યાં પહોંચવું શક્ય છે, એવું જો તમને લાગે, તો જ હું ત્યાં જવા પ્રયાણ કરીશ.”

રાજા ઋતુપર્ણની આ સાવ જ અણધારી વાત સાંભળીને નળનું હૃદય ચૂર ચૂર થવા લાગ્યું.

તેણે મનમાં વિચાર્યું કે ‘દમયંતીએ દુઃખથી અચેત થઈને જ આવું કહ્યું હશે. કે પછી.. શક્ય છે કે તે આવું જ કરવા ઇચ્છતી હોય. પણ ના ના, ચોક્કસ જ તેણે આ યુક્તિ ફક્ત મારી પ્રાપ્તિ માટે જ કરી હશે. તે સદાચારી, તપસ્વી અને ગરીબડી છે. દુર્બુદ્ધિવશ મેં જ તેને ત્યજીને મોટી ક્રૂરતા કરી. અપરાધ મારો છે. તે તો આવું ક્યારેય કરી જ ના શકે. અસ્તુ, સત્ય શું અને અસત્ય શું તેની જાણકારી તો ત્યાં ગયા પછી જ ખબર પડશે, પણ રાજા ઋતુપર્ણની ઈચ્છા પૂરી કરવામાં મારો પણ સ્વાર્થ તો છે જ.”

આટલું વિચાર્યા બાદ બાહુકે હાથ જોડીને કહ્યું કે- ‘ હે રાજન, હું તમારા કથનાનુસારનું કાર્ય પાર પાડવાની પ્રતિજ્ઞા લઉં છું, આપ એ બાબતે નિષ્ફિકર રહેશો.”

તે પછી, અશ્વશાળામાં જઈને બાહુકે શ્રેષ્ઠ ઘોડાઓનું પરીક્ષણ કરવું શરૂ કર્યું. પછી ઉત્તમ કોટિના ચાર અશ્વો જોડીને તેણે રથ તૈયાર કર્યો.

રાજા ઋતુપર્ણ તેમાં સવાર થયા. અને તુરંત જ નભચારી પક્ષીઓ આકાશમાં ઉડે, તેમ તેમનો એ રથ થોડા જ સમયમાં નદીઓ, પર્વતો અને જંગલોને પાર કરતો ખૂબ જ વેગમાં અંતર કાપવા લાગ્યો.

એક જગ્યાએ રાજાનું ઉપવસ્ત્ર નીચે પડી ગયું તો તેમણે બાહુકને રથ થાંભવવા કહ્યું કે જેથી તેઓ એ વસ્ત્ર ઊંચકી લાવવા કહી શકે.

બાબરો ભૂત
બાબરો ભૂત વાર્તા

ત્યારે બાહુક બોલ્યો- ‘તમારું એ વસ્ત્ર ભલે હમણાં જ પડ્યું હોય પણ એટલીવરમાંય આપણે એક યોજન આગળ નીકળી ગયા છીએ. તો હવે પાછા વળીને ત્યાં ફરી જવું શું યોગ્ય નિર્ણય ગણાશે?”

રાજાને અશ્વોના વેગનો ખ્યાલ આવી જતાં તેઓ પ્રભાવિત થઈને ચૂપ રહ્યા.

થોડીવાર પછી અશ્વોના ચારા-પાણી-વિશ્રામ માટે રથને એક ઝરણાં પાસે ઉભો રાખ્યો, ત્યારે ફક્ત સરળતાથી સમય પસાર કરવા હેતુએ, ઋતુપર્ણ બોલ્યા:

‘બાહુક ! તમે મારી ગણિતની ચતુરાઈ જુઓ. સામે બહેડાનું વૃક્ષ છે, એના પર જે ફળો અને પર્ણો દેખાય છે, એનાં કરતા, જે જમીન પર પડ્યા છે તે પર્ણો અને ફળોની સંખ્યા એકસો ગણી વધારે છે. આ વૃક્ષની ડાળીઓ અને શાખો પર પચીસ સહસ્ર પર્ણ છે અને ફળોની સંખ્યા સાડા ચૌદસો છે. જો તમે ઇચ્છો તો ગણતરી કરો.’

‘હું આ બહેડાના વૃક્ષને કાપીને તેના ફળ અને પાનની બરાબર ગણતરી કર્યા પછી જ આપનો દાવો સાચો છે કે કેમ તે નક્કી કરીશ, મહારાજ.’

એમ કહી બાહુકે વૃક્ષ કાપી ગણતરી કરી તો રાજાએ કહેલી વાત સાચી ઠરી.

‘આપનું જ્ઞાન અદભુત છે શું આપ મને એ જ્ઞાન આપી શકો મહારાજ?’ -બાહુકે પ્રભાવિત સ્વરમાં વખાણ કરતાં પૂછ્યું.

‘ગણિતની વિદ્યાની જેમ જ દ્યુતના પાસાઓના વશીકરણની વિદ્યામાં પણ હું એટલો જ પારંગત છું.’ -રાજા પોરસાઈને બોલ્યા.

‘આપ મને એ વિદ્યા શીખવો. એનાં બદલામાં હું આપને અશ્વોની વિદ્યા શીખવીશ.’ -બાહુકે સસ્મિત કહ્યું.

ઋતુપર્ણે પાસઓનું વિજ્ઞાન બાહુકને શીખવ્યું અને કહ્યું- ‘અશ્વવિદ્યા તમે મને નગરની અશ્વશાળામાં શીખવજો એટલું તમારા પર બાહુક, મારુ ઋણ બાકી રહેશે, પણ આપણે હવે પ્રવાસ પુનઃ શરૂ કરીએ.’

‘જેવી આજ્ઞા મહારાજ, હું અશ્વોને ઝરણાં પાસેથી દોરીને લાવું.’

એમ કહી બાહુક ઝરણાં તરફ ગયો.

પરંતુ પાસઓનું વિજ્ઞાન મસ્તિષ્કમાં જતાં જ કર્કોટક નાગનું તીખું વિષ ઓકતો ઓકતો કલિ, નળરાજાના શરીરમાંથી બહાર નીકળી આવ્યો.

નળરાજા તેને જોઈ ખૂબ ક્રોધિત થયા અને તેને શ્રાપ આપવા તત્પર થયા. આ જોઈને કલિરાજ ભયથી કાંપતા હાથ જોડીને નળરાજાને વિનંતી કરવા લાગ્યો-

‘હે નળરાજા, તમે તમારો ક્રોધ શાંત કરો, હું તમને યશસ્વી બનાવીશ. રાજન, જે સમયે તમે દમયંતીનો ત્યાગ કર્યો હતો, તે જ સમયે તેણે મને શાપ આપ્યો જ છે. અત્યંત પીડા સાથે કર્કોટક સર્પના વિષમાં જળતો બળતો હું તમારી કાયામાં નિવાસ કરી રહ્યો હતો. હવે હું તમારી શરણમાં છું, મારી પ્રાર્થના સાંભળો અને મને શાપ ન આપો. હું વચન આપું છું કે જે કોઈ તમારા પવિત્ર ચરિત્રનું ગાન-પઠન કરશે તેને મારો કોઈ જ ભય નહીં રહે.’

રાજા નળે નિજ ક્રોધને શાંત કર્યો, અને તુરંત જ ભયભીત કલિ, એ બહેડાના વૃક્ષમાં પ્રવેશ કરી ગયો. એનાં પ્રવેશ સાથે જ તે વૃક્ષ સુકાઈને ઠુઠું બની ગયું.

આમ, કલિએ નળરાજાનો પીછો છોડી દીધો, પરંતુ તેમનું મૂળ સ્વરૂપ તો હજુ ય બદલાયેલ જ રહ્યું હતું.

તેઓ બાહુક સ્વરૂપે જ હતા.

બાહુકે અશ્વોને દોરીને રથ સુધી લાવી રથ જોડ્યો.

કલિ-સંવાદથી તદ્દન અજાણ એવા રાજા ઋતુપર્ણ રથમાં સવાર થયા અને રથ પવનવેગે દોડવા લાગ્યો.

સંધ્યા સમય પૂરો થતાંની સાથે જ તેઓ વિદર્ભદેશના કુણ્ડિનપૂરમાં પ્રવેશી ગયા.

(ક્રમશ:) 👉 નળ દમયંતી ભાગ ભાગમાં ૩ (અંતિમ)

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)

2 thoughts on “Nal Damyanti Best story in gujarat part 2 | નળ દમયંતી ભાગ 2”

  1. Pingback: નળ દમયંતીની અમર પ્રેમકથા ભાગ 3 - AMARKATHAO

  2. Pingback: નળ દમયંતી ની કથા ભાગ 1 | Nal damyanti ni varta - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *