2239 Views
ગિરનારી સંત વેલનાથ નો ઈતિહાસ અને પરચાઓ, વેલનાથ નાં ભજન, વેલનાથ બાપુનાં ગુરુ કોણ હતા ?, વેલનાથ બાપુનાં માતા પિતાનું નામ ?, અષાઢી બીજનો ઇતિહાસ, સંત વેલનાથનાં ભજન, Girnari sant velnath bapu no itihas, સોરઠી સંતો – ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રનાં સંતો, ગિરનારી સંતો, velnath jayanti 2023, velnath bapu na bhajan, વેલનાથ બાપુ ના ફોટા. વેલનાથ બાવા ના ભજન, વેલનાથ જયંતિ ક્યારે છે ?
ગિરનારી સંત વેલનાથ ભાગ 2
(ભાગ 1 વાંચવા માટે અહી ક્લીક કરો )
ગિરનારના શિખરોમાં કોઇ સાધુએ શબ્દ સંભળાવ્યો કે “જય વેલનાથ ! જય ગરનારી વેલનાથ !”
જોગીઓની જમાત ‘જય વેલનાથ !’ શબ્દનો આહાલેક સાંભળીને ઉશ્કેરાઇ ઉઠી. બોલનારને ઝાલ્યો પૂછ્યું “આ ગરવાના ટુંક પર કોનો જય ગાઓ છો ?”
“ગરનારી વેલનાથનો.”
“વેલનાથ કોણ ? નવ નાથમાં દસમો ક્યારે ઉમેરાણો ”
“કોળીને દેહે, ઘરસંસારીને રૂપે, જુનાગઢને કાળવે દરવાજે વેલનાથ વસે છે.”
કોળીનો દેહ : ઘરસંસારી : અને વસ્તીમાં વાસ : એટલું સાંભળીને ગુરૂ દત્તના શિખર પર રોષની ઝાળો પ્રગટ થઇ. આજ્ઞા થઇ કે “જાઓ ખાખીઓ ! એની પરીક્ષા કરો.’નાથ’નો દાવો જૂઠો હોય તો ચીપીઆ લગાવીને આંહી હાજર કરો !”
જમદૂત જેવા ખાખીઓ છૂટ્યા. કાળવે દરવાજે સોનરખ નદીને કિનારે વેલો બાવે ઘરબારીને વેશે રહે છે. ઘરમાં બે સ્ત્રીઓ છે. સંસારીનો ધર્મ સાચવીને રહે છે. જળમાં પોયણાં જેવું એનું નિર્લેપ જીવતર છે. ખાખીઓએ જઇને ધમકી માંડી : તું વેલનાથ ? તું ઓરનો ભોગવનારો નવ નાથની કોટિએ પહોંચી ગયો ? તું તો દુનિયાને છેતરી રહ્યો છે.”
“અરે ભાઇ !” વેલો બેાલ્યો. “હું કાંઇ નથી જાણતો. હું તો નાથે ય નથી, નાથના પગની રજમાત્ર પણ નથી. હું મારાથી થાય તેવી પ્રભુની ટેલ કરૂં છું. મને શીદ સંતાપો છો ?”
“નહિ, તું ઢોંગી છે, ચાલ તને ગુરૂ દત્ત બોલાવે છે.”
વેલો ચાલ્યો. પાછળ એાછાયા શી બે અર્ધાંગનાઓ પણ ચાલી. ખાખીઓ વેલાને ચીપીઆ ચોડતા આવે છે. બન્ને સ્ત્રીઓ આડા દેહ દેતી આવે છે.
કહેવાય છે કે ગિરનાર–દરવાજે એક વાણીઆના જુવાન પુત્રનું શબ નીકળ્યું. વેલા બાવાએ એના ખોળીઆમાં જીવ પાછા આણ્યો. અને પછી પોતાને વસ્તી સંતાપી સંતાપી તપસ્વી – જીવનમાં ભંગ પાડશે એમ બ્હીક લાગવાથી બાવાજી ભાગી નીકળ્યા. આગળ પાતે, પાછળ બન્ને સ્ત્રીએા, ચીપીઆવાળા ખાખી બાવાએા અને ડાઘુ વાણીયાનું ટોળું : એમ દોટાદોટ થઇ રહી.
જગત પોતાને આમ સદાય સંતાપ્યા કરે એ કરતાં જમીનમાં સમાઇ જવાનું જોગીએ પસંદ કર્યું. દોડીને એણે ગિરનારનાં શિખરની દિશા સાંધી. ભેરવ–જપના ઉંચા અને ભયંકર ટુંક પાસે એને માટે ધરતી માતાએ મારગ કર્યો. પોતે એમાં જીવતા સમાણા. પાછળ મીણલ મા પણ ઉતરી ગયાં. ત્યાં શિલાનું ઢાંકણુ દેવાઇ ગયું. બહાર જસો મા એકલાં જરા છેટાં રહી ગયાં. પોતાના નાથને ગોતવા લાગ્યાં :
“બાવાજી ! ક્યાં છો ! ક્યાં સંતાણા !”
એવા પોકાર કર્યો. ત્યાં તો શિલાની ચીરાડમાંથી બહાર રહી ગયેલો મીણલમાની ચુંદડીનો છેડો એણે દીઠો. શિલા ઉપર બેસીને એણે કલ્પાંતનું ભજન આદર્યું :
🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳
અમસું ગરનારી !
અંતર કર્યો વાલે !
અંતર કર્યો રે !
પડદા-પોસંગી વેલો રમવા ગીયો.
એ…રમવા ગીયો રે
ખાવંદ જાતો રીયો રે !
ભોળવીને ભૂલવાડી ગીયો – અમસું…
હો….સગડ હોય તો ધણીના
સગડ કઢાવું રે
સગડ કઢાવું રે
ત્રણે ભુવનમાંથી બાળૂડાને લાવું -અમસું…
હો….થડ રે વાઢીને ધણી
પીછાં દઈ ગીયો રે
પીછાં દઈ ગીયો રે
રસ પવનમાં ગેબી રમવા ગીયો – અમસું…
હો…..મથણાં મથી
દીનાનાથને બોલાવું રે
નાથને બોલાવું રે
ત્રણે ભુવનમાંથી બાલૂડાને લાવું – અમસું…
હો….ગનાનની ગોળી ને
પરમનો રવાયો રે
મેરૂનો રવાયો રે
નખ શિખ નેતરાં લઉં તાણી – અમસું…
હો….વેલનાથ ચરણે
બેાલ્યાં રે જસો મા
બોલ્યાં રે જસો મા
અખંડ ચૂડો મારે વેલનાથ ધણી – અમસું…
🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳
આખરે શિલા ફરી વાર ઉધડી. અને સતી અંદર સમાણાં.
રાત પડી: અધરાત ભાંગી: કહે છે કે વેલનાથ બહાર નીકળ્યા. સન્મુખ જ ભૈરવ–જપનું આભ-અડતું સીધું કાળું શિખર ઉભું હતું. એથી યે ઉપર ગેબમાં તારલા ટમટમતા હતા. જાણે અમરધામના દીવડા દેખાતા હતા.
એ સીધા શિખર પર બાવોજી એમ ને એમ ચડ્યા. ભાંગતી કાળીઘોર અબોલ રાતે ખડાંગ ! ખડાંગ ! ખડાંગ ! એમ બાવાજીની ખડાઓ (ચાખડીઓ) બોલતી ગઇ, અને ચીકણા ગારામાં પગલાં પડે તેમ એ કાળમીંઢ પત્થરમાં ખડાઓનાં પગલાં પડતાં ગયાં. આવી લોક–કલ્પના છે.
જોગીરાજ ભેરવનાં ટુંક ઉપર દરશાણો: કેવો દરશાણો ? જાણે એનાં પગલાંના ભારથી ગિરનાર કડાકા લેવા લાગ્યો: કવિ કહે કે “એ અબધૂત ! ધીરે ધીરે પગલાં માંડ. નહિ તો ગરવો [ગિરનાર] ખડેડી પડશે :

વેલા બાવા તું હળવો હળવો હાલ્ય જો !
ગરવાને માથે રે રૂખડીઓ ઝળુંબીયો.
🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳
જેમ ઝળુંબે મોરલી માથે નાગ જો.
(એમ) ગરવાને માથે રે રૂખડીયો ઝળુંબીયો.
જેમ ઝળુંબે કૂવાને માથે કોસ જો.
(એમ) ગરવાને માથે રે રૂખડીયો ઝળુંબીયો.
જેમ ઝળુંબે બેટાને માથે બાપ જો,
(એમ) ગરવાને માથે રે રૂખડીયો ઝળુંબીયો.
જેમ ઝળુંબે નરને માથે નાર જો,
(એમ) ગરવાને માથે રે રૂખડીયો ઝળુંબીયો.
જેમ ઝળુંબે ધરતીને માથે આભ જો,
(એમ) ગરવાને માથે રે રૂખડીયો ઝળુંબીયો.
🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳
રામૈયાને ખબર પડી કે ગુરૂ તો ભૈરવ–જપ પર રમવા ગયો. વિરહઘેલડી કોઇ અબળાની માફક એ પોતાના ‘ગરવા દેવ’ને ગોતવા લાગ્યો. કોઇ ભોમૈયો ! કોઇ મારગ બતાવે ! એવા સાદ દેતો એ ગિરનારમાં ભમે છે:
કોઇને ભોમૈયો રે બેની ! ગરવા દેવનો રે જી !
બેની ! અમને ભૂલ્યાં વિતાવો વાટ – કોઈને૦
કેટલી તે ખડકી રે,
કેટલાં પરનાળ જડ્યાં રે જી,
જડ્યા તે જડ્યાં કોઇ
તાળાં કુંચી ને કમાડ – કોઇને૦
સમંદર ને હાં જોયાં રે
ઘણાં જોયાં સાયરાં રે જી !
જોયાં તે જોયાં કાંઇ
ઉંડેરાં નીર અપાર –કોઇને૦
ચોરા ને આ જોયાં રે
ઘણાં જોયાં ચેાવટાં રે જી !
જોઇ તે જોઇ કાંઇ
અવળી બવળી બજાર – કોઇને૦
મંદિર ને આ જોયાં રે
જોયાં બીજા માળીયાં રે જી !
જોયા તે જોયા કાંઇ
ઉંચેરા મોલ અપાર – કોઇને૦
વેલાનો આ ચેલો રે
રામો બાવો બોલીયા રે જી
ધણી મારા !
એાળે આવ્યાને ઉગાર – કોઇને૦
ઘણો ઘણો શોધ્યો. પણ ક્યાંયે ભાળ નથી મળતી. એના વિલાપ ચાલુ જ રહ્યા :
વનરામાં વાયા મારે વાય
બાળુડા ! વનરામાં વાયા મારે વાય છે;
હો…..અમે કોના લેશું રે હવે એાથ
ગરનારી ! કયે રે એંધાણે આવ્યા એાળખું !
[૧]દયા[૨]ઠાકરશી ભેળા લાવ્ય
બાળુડા ! દયા ઠાકરશી ભેળા લાવ્ય રે !
હો ભેળા માતા [૩]મીણલ ને [૪]મુંજલ હોય
ગરનારી ! એવે એંધાણે આવ્યા એાળખો – વનરામાં૦
↑ ૧. વેલાના દીકરા.
↑ ૨. વેલાના દીકરા.
↑ ૩. એની સ્ત્રીઓ
↑ ૪. એની સ્ત્રીઓ
આગુના અગવા લાવ્ય
બાળુડા ! આગુના અગવા લાવ્ય રે;
હો તારાં ભગવાં નિશાણ ભેળાં લાવ્ય
ગરનારી ! એવે એંધાણે આવ્યા ઓળખો – વનરામાં૦
ગરવાંહુંદાં યે તારાં ગામ
બાળુડા ! ગરવાંહુંદાં યે તારાં ગામ રે;
હો તારો થાને ને થોકે વાસ
ગરનારી ! ઇ રે એંધાણે આવ્યા એાળખો – વનરામાં૦
વેલાનો ચેલો રામ ગાય
બાળુડા ! વેલાનો ચેલો રામ ગાય છે;
હો ધણી ! શરણે આવ્યાને ઉગાર
ગરનારી ! ઇ રે એંધાણે આવ્યા ઓળખો !
કલ્પનાના વિહાર છોડીને થોડીવાર રામૈયો જાણે કે જીવનના તત્ત્વજ્ઞાન ઉપર ઉતરે છે. કાયા રૂપી શહેરનો વેપાર કરતાં જાણે કે પોતાને આવડતું નથી. મનુષ્યાવતાર જેવી મહામૂલી વસ્તુ મોહ રૂપી રેતીમાં વેરાઇ જાય છે :

દયા રે કરો ને ગરૂ મેરૂં કરો
મારા રૂદયા હૈ ભીતર જાણો વેલા ધણી !
મનખા જેવડું મહા પદારથ
વેળુમાં રે વેરાણું વેલા રે ધણી !
ચારે કોરથી વેપારી આવ્યા
(ઈ તો) વેપાર કરી નવ જાણે વેલા ધણી !
આ રે શે’રમાં બડી બડી વસ્તુ
ગાંઠે ન મળે નાણું વેલા ધણી !
ચારે કોરથી સળગાવી દેશે
(ઇ તો) સઘળું શે’ર લૂટાણું વેલા ધણી
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો
ઓળે આવ્યાને ઉગારો વેલા ધણી !
હે ગિરનારના વાઘેલા ! એ વાઘનાથના શિષ્ય ! તમે વહેલા આવજો ! હું તો પાપી જ છું. મારામાં પલટો આવે તેવું નથી. પણ તમે આવીને મારી પ્રકૃતિ ફેરવો !
ગરવાના વેધેલ,
વાઘનાથના પરમેાદેલ રે !
હાકે વેલા આવજો રે !
અગનિના અંગારા રે
આ અગનિના અંગારા રે
ઘીમાં લઇને ઘુંટીયા રે જી !
કોયલા કાંઇ કેદિ ન ઉજળા હેાય – ગરવાના૦
દૂધે ને વળી દહીંએ રે (૨)
સીંચ્યો કડવો લીંબડો રે જી !
લીંબડીઓ કાંઇ કેદિ ન મીઠડો થાય – ગરવાના૦
ખીરૂ ને વળી ખાંડુ રે (૨)
પાયેલ [૧]વશીયલ નાગને રે જી !
નાગણીયું કાંઇ કેદિ ન [૨]નિરવિષ થાય – ગરવાના૦
↑ ૧. વિષભર્યો.
↑ ૨. વિષ વિનાની
વેલાને તે ચરણે રે
સ૨ભંગીને ચરણે રે
રામો બાવો બોલીયા રે જી !
લેજો લેજો સેવક તણી રે સંભાળ – ગરવાના૦
નાનાં બાળને રમાડી રીઝાવીને કેમ જાણે એાચીંતી માતા ચાલી નીકળી હોય ! એવી લાગણીથી રામ રડે છે :
સેજું પલંગ માથે પેાઢતાં
બાળૂડા ! સેજું પલંગ માથે પોઢતાં;
એવાં પથરે પોઢાડ્યાં નાનાં બાળ ગીરનારી !
મારી વસમી વેળાના !
મારી દોયલી વેળાના ગીરનારી !
ભૂખ તરસ ઘણી ભોગવી
બાળૂડા ! ભૂખ તરસ ઘણી ભોગવી;
મેં તો ઘણા ભોગવ્યા અપવાસ ગીરનારી !
અમર પીયાલા તારા હાથમાં
બાળૂડા ! અમર પીયાલા તારા હાથમાં;
આજ વિષની ગોળી શીદ પાવ ગીરનારી !
અમર વેલો જ્યારે આવશે
બાળૂડા ! અમર વેલો જ્યારે આવશે;
એવાં પીંગલે પોઢાડે નાનાં બાળ ગીરનારી !
વેલાને ચરણે બોલ્યા રામ
બાળૂડા ! વેલાને ચરણે બોલ્યા રામ છે;
આજ પડિયાં છે મારે તારાં કામ ગીરનારી !
મારી વસમી વેળાના !
મારી દોયલી વેળાના ગીરનારી !
હે ગુરૂ ! તું તો મારી રોમરાઇમાં રમી રહ્યો છે. તું તો મુજ સ્વરૂપી ખોખરી છીપનું સાચું મોતી છે. તું તો મારી જીવન – નગરીનો અશ્વારોહી ચોકીદાર છે, મહાજન વેપારી છે. તું વિના આ જીવન રઝળી પડ્યું છે:

હાલો મારી રોમરાના રમનારા
બાપુ ! મારી કાયાનાં ઘડનારા રે
ગીરનારી વેલૈયો છે.
એવા ચાર ચાર મતવાલા રે
બાળપણમાં ભોગવ્યા હો જી !
મારી નાટુકલી નગરીમાં રે
ગીરનારી ઘોડો ફેરવે હાજી ! – હાલો૦
એવા ચાર ચાર મતવાલા રે
જુવાનીમાં ભોગવ્યા હો જી !
હાલો મારી ખોખરી છીપનામોતી રે !
મોતી હજી નાવીયા હો જી – હાલો૦
એવા એવા ચાર મતવાલા રે
બુઢાપણમાં ભોગવ્યા હો જી.
હાલો મારી નાટુકલી નગરીના
માજન હવે ઉછળ્યા હો જી – હાલો૦
ગુરૂ વેલાનો ચેલો રે
રામો બાવો બોલીયા હોજી !
અરે દાદા ! અમે સેવક ને તમે મારા રામ
રામ ! વેલા આવજો હોજી – હાલો૦
પછી તો રામે ભયાનક સમયનાં આગમ સંભળાવવા માંડ્યાં. પણ એમાં કાંઇ સ્પષ્ટ વાત નથી:
લીલુડાં રે વન ગરવા તણાં એ જી
હે વેલા ! તળીએ તમારો વાંસ હાં !
પીર રે [૧]પછમ કેરો રાજીયો રે જી !
દળમાં જોઉં રે ગરનારી તારી વાટ હાં !
અવચળ જોઉ રે વેલૈયા તારી વાટ હા -પીર રે૦
[૨]એાતર થકી રે દળ આવશે હો જી
ગઢ ઢેલડી મેલાણ હાં – પીર રે૦
કાષ્ટના ઘોડા જ્યારે ધોડશે રે જી
ગઢ જૂનાની બજાર હાં – પીર રે૦
[૩]હરણાં હાટડીયુંમાં બેસશે એ જી,
એનાં માજન કરશે મૂલ હાં – પીર રે૦
દળમાં જોઉં રે નેજાળા ! તારી વાટ હાં !
અવચળ જોઉં રે ગરનારી ! તારી વાટ હાં !
પી૨ રે૦
↑ ૧. પશ્ચિમ
↑ ૨. ઉત્તરેથી સૈન્ય આવશે ને દિલ્હીને ગઢે મુકામ કરશે
↑ ૩’હરણાં હાટડીયુંમાં બેસશે’ – ગામ ઉજજડ થશે (લોકોક્તિ)
ભેળી ભવાની ગઢ ભેળશે રે જી,
તારી વસ્તુ સંભાળ મારા વીર હાં – પીર રે૦
ભીડ્યું પડે ને ગુરૂ સાંભરે જી,
અરે વેલો આવ્યા વાર બે વાર હાં – પીર રે૦
વેલનાથ ચરણે રામો બોલીયા રે જી,
અરે બાળૂડો મળીયા અંગો રે અંગ હાં –
પીર રે૦
છેવટે રામૈયાએ બીજું આગમ ભાખ્યું: જાણે પશ્ચિમ દિશામાંથી કોઈ અવતારી પુરૂષ આવશે અને દિલ્હી (ઢેલડી) ગઢ પર ઉતારા કરશે. તે કાળે મહાયોદ્ધા જાગશેઃ ગિરનાર ઘણેણશેઃ
ગરવો ધણેણ્યો વાજાં વાગશે હો જી.
વાગે અનહદ તૂર
વાગે ત્રાંબાળુ તૂર રે
ગરવો ધણેણ્યો વાજાં વાગશે હો જી.
સતીયુ સંદેશા તમને મોકલે રે જી;
વેલા ! સૂતા હો તો જાગ !
એાલીયા ! સૂતા હો તો જાગ રે
એવા એવા સૂતા નરને જગાડજો હો જી !
ગરવે નેજા ઝળેળ્યા
ગુરવે નેજા ઝળેળ્યા રે
આવ્યા [૧]કળુને હવે એાળખો રે જી !
↑ ૧. કલિયુગ
પછમ દશાએ સાયબો આવશે એ જી
ગરવે [૧]હુકાળ્યું મચાવે
ગરવે હુંકાળ્યું મચાવે રે
તેર તેર મણના [૨]તીરડા ચાલશે એ જી !
મણ ત્રીસની કમાન
મણ ત્રીસની કમાન
એવા એવા જોધા દળમાં જાગશે એ જી !
ગઢ ગરવેથી ગેબી જાગશે એ જી
ગઢ ઢેલડીએ મેલાણ
ગઢ ઢેલડીએ મેલાણ
જો જો રે તમાશા રવિ ઉગતે એ જી !
એક એક નર સૂતો ગઢની પ્રેાળમાં એ જી !
જાણે [૩]નવહથો જોધ
જાણે નવહથો જોધ રે
એવા એવા સૂતા નરને જગાડજો એ જી !
તખત તરવેણીના તીરમાં એ જી
ધમણ્યું ધમે છે લૂવાર
ધમણ્યું ધમે છે લૂવાર રે
અવચળ અવિનાશી એનાં રાજ છે રે જી !
વેલનાથ ચરણે રામ બોલીયા રે જી
જુગ પંચોરો આવે
જુગ પંચોરો આવે
જુગના પતિ હવે જાગજે એ જી !
↑ ૧. હાહાકાર
↑ ૨. તીર
↑ ૩. નવ હાથ ઊંચો
વેલાને ચરણે રામે બોલીયા રે જી
ગુરૂ દૃશ્યુંનો દાતાર
ગુરૂ મુગતીનો આધાર રે
જુગના સ્વામી રે હવે જાગજો એ જી !
પોતે જાણે ગુરૂજીના ધર્મ–સૈન્યનો શૂરો લડવૈયો બન્યો છે:
નેજા રે ઝળક્યા ગુરૂના નામના
ગગને ગડેડ્યાં નિશાણ;
સૂરા સામા રણુવટ સાંચર્યા
ઉગતે રવિ ભાણ;
વીરા મારા ! કાયરના ૨ણમાં કેમ રહીએ,
કરીએ સૂરાના રણમાં સંગ્રામ !
ચલગત પેરી મારા શામની રે
૨ધ સાધનાં રે રેણ;
રેણ ઉતારી રાણે રાજીએ
એનાં અવચળ વંકડાં વેણ – વીરા મારા૦
ઓથારી નર ઉઠિયા એનાં
ઉંઘ ભેળી રે ઉંઘ;
મનડાં માયામાં એનાં મોહી રીયાં
ભલી એની બીડાણી બુંબ – વીરા મારા૦
માનવી જાણે નર મરી ગયા
એણે અમર ધર્યો અવતાર;
નૂરી જનનાં રે ગામ હોશે
રઘુપુરી માંહે વાસ – વીરા મારા૦
અમરાપુરીનો ગઢ ભેળતાં
સહુને હોશે હાણ;
મોટા મુનિવરે મન જીતીયાં
જીત્યાં અમરાપુરીના ધામ – વીરા મારા૦
અલખ નરને કોણે ન લખ્યો
અણલખ્યો અવતાર;
[૧]ટાંક લઈને કોણે ન તેળ્યા
અણતોળ્યો એનો ભાર – વીરા મારા૦
આ કળજુગને કૂડીએ
પેરી બગાડ્યે ભેખ;
આંધળે વાટું પકડીયું ને
દીઠા વણનો રે દેશ – વીરા મારા૦
[૨]નીર નવાણે ને ધરમ ઠેકાણે
વાવળીયા વહી જાય;
વેલનાથ-ચરણે રામ બોલ્યા
સતે સત રે થપાય – વીરા મારા૦
પોતાના ગુરૂજીનો મહિમા ગાય છે. ગુરૂને પ્રભુપદ આપી દે છે. પ્રભુ ને ગુરૂ એકાકાર થઈ જતા દેખાય છે. પોતે જાણે પોઢેલી સુંદરી છે ને ગુરૂ રૂપી સાયબો દુશ્મનેને કાપવા માટે અખંડ જાગૃત રહી એની રક્ષા કરે છે:
↑ ૧ તાલાં ત્રાજવાં
↑ ૨ ‘નીર નવાણે ને ધરમ ઠેકાણે’ એ કહેવત થઈ પડેલ છે. ભાવ એ છે કે હવે તે ધર્મ કોઇ કોઇ ઠેકાણે જ રહ્યો છે,
એવા રમતીયાળ ગુરૂજી હમારા
આકાશી [૧]પિયાળ ચૌદ લોકમાં રમી રીયા જી !
જરાક પાણી બાળા પરષોતમના હાથમાં
એવાં સાત સમદર ને આકાશીનાં નીર
ગરનારીની તુંબડીને તળે સમાણાં જી – એવા૦
બાળુડાની તુંબડીને તળે સમાણાં જી – એવા૦
સંસારીનાં સોગઠાં બાળુડાના હાથમાં
એવા દાવ ખેલે છે ગીરનારી વેલનાથ – એવા૦
હું રે સૂતી મારો સાયબો જાગે જી
એવા વેરી દશમનને કાપેવા…….. હા – એવા૦
એાહંગ, સોહંગ મારો સત ગુરૂ જાણે
કાળે વરી દુશમનની વાટ – એવા૦
સરગની નિશાણી સાયબો કેને રે બતાવે
ત્રણે ભુવનનાં તાળાં તમારે હાથ – એવા૦
ગતિ ને મતિ મારા ગુરૂજીની ગાંઠે જી
ગુરૂજીના ગુંજામાં છે ગરનાર હાં – એવા૦
વેલનાથ ચરણે બોલ્યા રામૈયા
દાસ રે રામયાને ચરણોમાં રાખ-એવા૦
♣
↑ ૩ પાતાળ
એાળખજો રે કોઈ એાળખાવજો !
બાળા જોગીને કોઈ બોલાવજો !
આ કળજુગની દોરી વેલે લીધી હાથ
દોરીમાં બોલે દીનોનાથ,
મેરૂ શિખર ને ગગન ધામ
તીયાં વસે છે વેલૈયો નાથ.
દીઠી કરી અણદીઠી નવ થાય
ઈ રે કાયાનો ગઢ કેમ લેવાય !
અવળી ગુલાંટે જે નર જાય
ઈ કાયાને ગઢ એમ જીતાય.
પેલા તે સોટે પૂગ્યા રામ
જ્યાં હતા ધણીના વિશરામ.
ધરમધણી બાવે સાખીઆ પૂર્યા
તે દિ’ વેલૈયો ચતરાયા થીયા.
વેલાને ચરણે બેાલ્યા રામ
તમારી સરીખાં મારે કામ,
ગિરનારી વેલાના ઉતારા કોઇ ‘સમદર બેટ’માં હોવાનું રામૈયે ગાયું. કયો એ બેટ, તેની ખબર પડતી નથી. પણ રામૈયા મસ્તીએ ચડ્યા, એની સન્મુખ ગુરૂજીનું સુંદર તપસ્વી સ્વરૂપ રમવા લાગ્યું:
ગરનારીના ઉતારા રે
ભાઈ ! વેલાના ઉતારા રે
સમદર બેટમાં રે જી !
♣
ટાઢા એવા ટુકડા રે બાલુડાને જમવા રે જી;
જે જે એની જમ્યા તણી ચતુરાઈ – ગરનારીના૦
ફાટલ એવાં વસ્ત્ર રે બાળુડાને પેરવા રે જી;
જો જો એની પેર્યા તણી ચતુરાઈ – ગરનારીના૦
સૂળીને તે માથે રે બાળુડાના સાથરા રે જી;
જે જે એની પાઢ્યા તણી ચતુરાઈ – ગરનારીના૦
વેલાને તે ચરણે રે રામો બાવો બોલીયા રે જી;
દેજે ! દેજે ! પીરૂના ચરણુંમાં વાસ – ગરનારીના૦
♣
ગરનારી ! ગરવો શણગાર રે
જૂના જોગી ! ગરવો શણગાર રે
જૂનાણું જોયાની મારે હામ છે.
મરઘી-કંડ કાંઠે ઉભી જોગણ રે
બાળુડા ! મરઘી કંડ કાંઠે ઉભી જોગણી રે
જોગણી કરે લલકાર રે – જૂનાણું૦
ચડવા ઘોડો પીરને હંસલો
બાળુડા ! ચડવા ઘોડે પીરને હંસલો
ખળકે તીર ને કમાન રે – જૂનાણું૦
વેલાનો ચેલો રામ બોલીયા રે
બાળુડા ! વેલાનો ચેલો રામ બોલીયા રે
આવ્યા શરણે ઉગાર રે – જૂનાણું૦
આ પ્રભાતીયું નારણ માંડળીઆ નામના કોઈ કણબીએ રચ્યું છે:
જાગોને ગરવાના રે રાજા !
જાગોને ગરનારી રાજા !
તમ જાગે પરભાત ભયા.
દામે રે કંડ ગરૂ ! વાડી તમારી
ટાઢાં રે જળ એ કરિયાં:
દામા કંડમાં નાવાં ધોવાં
પંડનાં પ્રાછત દૂર થીયાં – જાગોને૦
ભવનાથજીમાં મેળો ભરાણો
કુળ તેત્રીસ દેવ જોવા મળ્યા;
ભવનાથજીમાં રે ભજન કરતાં
લખ ચોરાશીના ફેરા ટળ્યા – જાગોને૦
ઉંચું રે દેવળ માતા અંબાનું કહીએ
નીચા વાઘેશરીના મોલ રે;
વેદીઆ નર ત્યાં વેદ જ વાંચે
મુનિવર તારૂં ધ્યાન ધરે – જાગોને૦
તાલ પખાજ વેલા ! જંતર વાગે
ઝાલરીએ ઝણકાર ભયો;
વેલનાથ ચરણે ગાય નારણ માંડળીઓ
શરણે આવીને તમારે રીયો – જાગોને૦
મૈયારી ગામના ગરાસીઆ રાણીંગ મેર પણ વેલાના દાસ બન્યા. એણે ભજન આદર્યા :
રાણીંગદાસ સરભંગી સાબના ચેલા.
રાણીંગદાસ ગિરનારી સાબના ચેલા.
મેલી મયારી ને મેલી રે મમતા
હુવા ગરાસીઆ ઘેલા – રાણીંગદાસ૦
ગરવેથી ગેબી જોર બજાવે ને
પાયા પિયાલા લઈ પૂરા – રાણીંગદાસ૦
પીયા પિયાલા મગન ભયા મન
છૂટી સેનામાં ગજ ગેલા – રાણીંગદાસ૦
શબદે મારે ને શબદે જીવાડે ધણી
શબદ સૂકાને કરે લીલા – રાણીંગદાસ૦
વેલનાથ ચરણે બોલ્યા રાણીંગદાસ
માતા મીણાં ને પિતા વેલા – રાણીંગદાસ૦
ભૈરવ–જપના શિખરની નજીક સાત વીરડા છે. એ વીરડા વેલા બાવાના કહેવાય છે. દર વર્ષે મહા શિવરાત્રિના મેળા વખતે એક વેલા બાવાના વંશ માંહેલો માણસ ને એક સેંજળીઆ કણબીનો કુટુંબી એ વીરડા પર જાય છે. પાંદડાનો કુચો વાળી ચોળી વીરડા સાફ કરે છે. લોબાનનો ધૂપ પેટાવે છે. પછી એકતારાના સૂર સાથે આરાધ ઉપાડે છે કે:
આવો તો આનંદ થાય
નાવો તો પત જાય રે :
ગરવા વાળા નાથ વેલા !
આ રે અવસર આવજો !
અનહદ વાજાં વાગીયાં સ્વામી !
જોઉં તમારી વાટ રે;
હું સુવાગણ સુંદરી
મારે તમારે વિશવાસ રે – આવો તો૦
કાયામાં [૧]કાળીંગો વ્યાપ્યો
થોડે થોડે ખાય રે :
ભવસાગરમાં બેડી બૂડતાં
બાવે પકડેલ બાંય રે – આવો તો૦
[૨]સામસામાં નિશાન ઘુરે ધણી !
ઘાયે પડઘાયે જાગ રે;
ખડગ ખાંડું હાથ લીધું
ભાગ્યે, કાળીંગો જાય રે – આવો તો૦
વેલનાથ તમારા હાથમાં
બાજીગરના ખેલ રે;
વેલા ચરણે બોલ્યા રામૈયો
ફેર [૩]મનખ્યો લાવ્ય રે-આવો૦
કહે છે કે પૂર્વે આ ગીત ગવાતું ત્યારે સહુ માણસો દેખે તેમ પત્થરોમાંથી પાણીનાં ઝરણ આવતાં અને વીરડા જળે ભરાતા.
એ પરથી તો વરસ મપાતું. વીરડા છલી જાય તો સોળ આના વરસ : ને અધૂરા રહે તો તે પ્રમાણે.
વરસની એંધાણી જોવા માટે ઘણા ઘણા કણબીઓ ત્યાં જતા. નજરે જોનારા આ વાતની સાખ પૂરે છે.
↑ કળિયુગ
↑ વેલાને ખડગ લઇ કવિની સાથે લડતો કલ્પેલ છે.
↑ મનુષ્યાવતાર
એક વધુ આગમ-ગીત નીચે મુજબનું મળ્યું છે, એ ગીતમાં તો પરચાઓ પ્રત્યે તિરસ્કાર જ દર્શાવ્યો છેઃ
વેલા ધણી ! વચન સુણાવ રે !
આગમ વેળાની કરૂં વિનતિ.
[૧]બાળૂડા ! બાળૂડા ! મુવાં મૈયતને બોલાવશે
એને હથેળીમાં પરમેશ્વર દેખાડે રે
એવા પાખંડી નર જાગશે !
[૨]બાળૂડા ! બાળૂડા ! જળને માથે આસન વાળશે;
એનાં અદ્ધર પોતીઅાં સૂકાય રે – એવા૦
[૩]બાળૂડા ! બાળૂડા ! બગલાંની વાંસે બાળા ધોડશે,
એક નર ને ઘણી નાર રે – એવા૦
બાળૂડા ! બાળૂડા ! ઘોડામુખા નર તો જાગશે,
એની વાણીમાં સમજે નહિ કોઈ રે–એવા૦
↑ એ બાળુડા યોગી ! ભવિષ્યમાં તો એવા પાખંડીઓ જાગશે કે જે મુવેલાં મનુષ્યોને બોલતાં કરીને અંધશ્રદ્ધાળુઓને એવી ભ્રમણા ઉપજાવશે કે જાણે તેઓ પ્રભુની શક્તિ ધરાવે છે.
↑ એ પાખંડીઓ પાણી પર આસન વાળીને મેલી વિદ્યાને બળે પોતાનાં વસ્ત્રો અદ્ધર સૂકાતાં બતાવશે.
↑ એવા ઉપરથી ચોક્ખાં દેખાતા પાખંડીઓની પાછળ ભોળાં લોકો દોડશે, એક એક પુરૂષને ઘણી સ્ત્રીઓ વળગશે.
વેલનાથ ચરણે રામો બોલીઆ રે જી
ઈ છે આગમનાં એંધાણ રે
આગમ વેળાની કરૂં વિનતિ.
વેલા બાવાને ‘બાળુડો’ ‘ગરનારી’ ‘ગરવાના રાજા’ ને ‘સરભંગી’ એવાં બિરુદ અપાતાંઃ સરભંગી એટલે સર્વ પંથનો; કોઈ એકાદ સંપ્રદાયનો નહિ.
રામ બાવાએ આવાં ત્રણસો ભજનો રચ્યા કહેવાય છે. કેટલાએકમાં શબ્દની વિકૃતિ એટલી બધી થઈ ગઈ છે કે અર્થ સૂઝતો નથી.
વેલા ભગતની સમાધી સૌરાષ્ટ્રમાં ખાખરીયા સ્ટેશન પાસે ખડખડ ગામમાં છે, જગ્યા સાદી છે. દેવમંદિર જેવું કશું નથી. બીજી જગ્યા ગિરનારની તળેટીમાં ભવેશ્વર પાસે છે.
✍ ઝવેરચંદ મેઘાણી – સોરઠી સંતો

આ પણ વાંચો 👇
🚩 દત્તાત્રેય ભગવાન અને 24 ગુરુ વિશે જાણવા જેવુ
🚩 ચામુંડા માતાજી ચોટીલાનો ઈતિહાસ
🚩 ગેલ ગાત્રાડ માતાજીનો ઈતિહાસ અને પરચાઓ
👉 મિત્રો પોસ્ટ પસંદ આવે તો 👇 અહીથી share કરી શકશો. આપની પસંદગીની કથા વાંચવા કોમેન્ટમાં જણાવો
Pingback: સંત વેલનાથ બાપુનો ઇતિહાસ અને પરચાઓ ભાગ 1 - AMARKATHAO