Skip to content

સંતશ્રી દેશળ ભગત – ગરણી | Saurashtra Na Sant Deshalbhagat

સંત શ્રી દેશળ ભગત
8344 Views

સંતશ્રી દેશળ ભગત, આપા દાના, આપા ગીગા, શામજીબાપુ, ભોજાભગત, જલારામબાપા, બજરંગદાસબાપા, સંત દેવીદાસ, આપા મેપા, આપા રતા, સંત વિસામણ, saurashtra na santo, kathiyavad no itihas, gujarat na santo, prachin itihas, sant shree Deshal bhagat Garani Gaam

સંતશ્રી દેશળ ભગત

🌺 ગુજરાત સૌરાષ્ટ્રની ભૂમિમાં અનેક સંતો-મહંતો અવતાર ધારણ કરીને આવ્યા છે. આપા દાના, આપા ગીગા, શામજીબાપુ, ભોજાભગત, જલારામબાપા, બજરંગદાસબાપા, સંત દેવીદાસ, આપા મેપા, આપા રતા, સંત વિસામણ જેવા અનેક સંતો એ સૌરાષ્ટ્રની ભૂમિને પાવન કરી છે. તેનો ઇતિહાસ પણ આપણે જાણીએ છીએ. ઘણા એવા સંતો પણ છે કે જેના વિશે આપણને ઇતિહાસમાથી ઘણી ઓછી માહિતી મળે છે. એવા સંતનો Amarkathao નાં માધ્યમથી પરિચય મેળવવા પ્રયત્ન કરીશુ.

સંત શ્રી દેશળભગત કે જેઓ દેશળપીર કે દેહાઆપા તરીકે પણ ઓળખાય છે. અમરેલી જિલ્લાનાં બાબરા તાલુકાનાં ગરણી ગામ ખાતે તેઓનું સમાધિસ્થાન આવેલુ છે.


ભક્તિ આંદોલનની પ્રથમ શરૂઆત દક્ષિણ ભારતમાંથી થઈ હતી. તેમાં અલવાર સંતોનો ફાળો વિશેષ હતો. તેઓ ભક્તિને માર્ગે ચાલ્યા અને ભક્તિનો પ્રચાર કર્યો. ત્યાર બાદ ૧૧ મી સદીમાં શ્રી રામાનુજાચાર્યે ભક્તિ આંદોલનને વધુ વેગવાન બનાવેલું. તેમણે વૈષ્ણવોના ‘‘શ્રી સંપ્રદાયની” સ્થાપના કરેલ.

શ્રી સંપ્રદાયના પ્રવર્તક એવા શ્રી રામાનુજાચાર્યની શિષ્ય પરંપરામાં ઉત્તર ભારતમાં શ્રી રામાનંદજી ઈ. સ. ૧૩૫૬ માં પ્રગટ થયા. તેમણે ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનને વધુ વેગવાન બનાવ્યું. શ્રી રામાનંદજીને અનેક શિષ્યો હતા. તેમાં બાર શિષ્યો મુખ્ય હતા. તેમના પ્રત્યેક શિષ્યનું નામ ભારતમાં ખૂણે ખૂણે જાણીતું છે. આમ ભક્તિ આંદોલનની સૌરભ સારાયે ભારતમાં પ્રસરી ગઈ હતી

‘શ્રી રામાનંદ રઘુનાથ જયો દુતિય સેતુ જગ તરન કિયો,
અનંતાનંદ , કબીર , સુખા , સુરપુરા , પદ્માવતી , નરહર ,
પીપા , ભાવાનંદ , હૈયદાસ , ધના , સેન , સુરસુરકી ધરહિર.
ઔરો શિષ્ય પ્રશિષ્ય એક તે એક ઉજાગર,
જગ મંગલ આધાર ભક્તિ દેશધા કે આગર.
બહુ કાલ વપુ ધરિકૈ, પ્રણત જનન કૌ પારદિયો,
શ્રી રામાનંદ રઘુનાથ જ્યોં કુતિય સેતુ જગ તરન કિયો.”

શ્રી રામાનંદજીના શિષ્ય અનંતાનંદજી હતા. અનંતાનંદજીને મુખ્ય સાત શિષ્યો હતા. તેમાનાં શિષ્ય કૃષ્ણદાસજી પયહરિ હતા. આ કૃષ્ણદાસજીને ચોવીસ શિષ્યો હતા. તેમાં શ્રી કુબાજી ( કેવલદાસ ) શિષ્ય હતા. કુબાજીએ રાજસ્થાનના જોધપુર રાજ્યના જીથડા ગામે ગાદી કરી. તેમનો શિષ્ય પરિવાર આજે કુબાવતના નામે ઓળખાય છે.

શ્રી કુબાજીના શિષ્ય ગોપાલાનંદજી, તેના રામદાસજી અને તેના શિષ્ય હિરદાસજી હતા. આ હિરદાસજીના શિષ્ય ચેતનદાસજી હતા. ચેતનદાસજીને મુખ્ય ત્રણ શિષ્યો હતા.

પ્રથમ દેશળજી, બીજા આશારામજી અને ત્રીજા શિષ્ય વાઘારામજી હતા. આ ત્રણેય શિષ્યો મહાન હતા. તેઓ શાખા પ્રવર્તકો હતા. તેઓ કુબાવત દ્વારાના અને રામાવત વૈષ્ણવ હતા.

સંતશ્રી દેશળજીએ સંવત ૧૭૦૨ માં ગરણી ગામે આવી ગાદી સ્થાપી. તેઓની શિષ્ય પરંપરાના સંતો દેશાણી તરીકે ઓળખાયા.

બીજા શિષ્ય આશારામજીએ ચિતલ આવી ગાદી સ્થાપી. તેઓની શિષ્ય પરંપરાના સંતો આશાણી તરીકે ઓળખાયા.

ત્રીજા શિષ્ય વાઘારામજીએ દડવા આવી ગાદી સ્થાપી. તેઓની શિષ્ય પરંપરાના સંતો વાઘાણી તરીકે ઓળખાયા.

શ્રી રામાનુજાચાર્ય શિષ્ય પરંપરા
શ્રી રામાનુજાચાર્ય શિષ્ય પરંપરા

શ્રી દેશળ ભગત જસદણ પાસેના કનેસરા ગામના વતની હતા. જ્ઞાતિએ મેતા સાખના મછોયા આહીર હતા. પિતાનું નામ કાથડ ભગત અને માતાનું નામ વિજુબાઈ હતું. પિતા કનકેશ્વર મહાદેવનાં પરમ ભક્ત હતા. તેમને ત્યાં સાંઠ વરસની મોટી ઉંમરે કંનનાથ મહાદેવની અસીમ કૃપાથી અને અનામી સંતના આશીર્વાદથી દેશળ ભગતનો જન્મ થયો હતો. દેશળ ભગત પાંચ વરસના થયા ત્યારે તેમનાં માતા પિતાનું અવસાન થયેલું.

આથી તેઓ દડવા નજીક વર્જાતીર્થ આવ્યા. ત્યાં તેમના કાકાની દીકરી બહેન સોનબાઈ પાસે રહેવા લાગ્યા અને ખેતર – વાડીએ જવા લાગ્યા.

એકવાર ખેતરમાં શિકારીઓ આવ્યા. તેઓએ ચારપાંચ નિર્દોષ હરણાઓનો શિકાર કર્યો. હરણાંઓ તરફડવા લાગ્યા. હરણાંઓના તરફડિયા નાના એવા દેશળ ભગતથી જોઈ શકાયા નહિ. તેઓને શૂરાતન ચડ્યું. હાથમાં ડાંગ લઈ શિકારીઓ પાછળ પડ્યા. શિકારીઓને ત્યાંથી ભગાડ્યા. દેશળ ભગત હરણાંઓ પાસે ગયા. તરફડતાં અને મૃત હરણાંઓ ઉપર દેશળ ભગત ચોધાર આંસુડે રડ્યા. ઇશ્વરને પોકાર કર્યો. સાચા હ્રદયથી પ્રાર્થના કરી. કરુણ પ્રસંગ જોઈ તરફડતા હરણાંઓ પોતાનું દુઃખ ભૂલી ગયા. દેશળ ભગતને વહાલ ક૨વા લાગ્યા. મૃત હરણાંઓ પણ સજીવન થયા ! આ પ્રસંગ પછી દેશળ ભગતને ઈશ્વરની અકળગતિનું ભાન થયું. બહેન સોનબાઈની રજા લઈ તેઓ જાત્રા કરવા ઊપડી ગયા.

દેશળ ભગત ફરતાં ફરતાં કોઈ જમાતમાં ભળી રાજસ્થાન ગયા ત્યાં કુબાજીની જગ્યામાં મહાત્મા ચેતનદાસ પાસે રહ્યા. તેમની પાસેથી શ્રી વૈષ્ણવી દીક્ષા પણ લીધી. આમ મહાત્મા ચેતનદાસને ગુરુ બનાવ્યા. ગુરુએ તેમનું નામ દયાળદાસ રાખ્યું. કારણ કે તેઓ દયાના સાગર જેવા હતા.

દેશળ ભગતનો ભક્તિમય જીવ આમ તો નાનપણથી જ અલગારી હતો. ગુરુ તો પારસમણિ જેવા હોય છે. મહાત્મા ચેતનદાસ જેવા ગુરુ મળતાં તેમના દિલમાં દિવ્ય જ્યોતના દીવડાં પ્રગટ્યા, ઝળહળતી જ્યોતું અજવાળા પાથરવા લાગી. તેમનું મનડું પતંગિયાની પેઠે દિવ્ય જ્યોત તરફ દોટું દેવા લાગ્યું. અને ભક્તિના તેજમાં લીન થવા લાગ્યું.

દેશળ ભગત પછી તો જમાત પણ ફેરવવા લાગ્યા. જમાત સાથે તીર્થાટન કરવા લાગ્યા. ફરતાં ફરતાં તેઓ દ્વારકા જતા હતા, ત્યારે રસ્તામાં વતન યાદ આવ્યું. આથી તેઓ વર્જાતીર્થ પાછા આવ્યા. ત્યાં જંગલમાં ગરણી પાસે આસન જમાવી આકરા તપ આદર્યા. તેઓએ જમાતને રવાના કરી . જમાતમાંથી ધર્મદાસ નામનો શિષ્ય તેમની સેવામાં રહ્યો.

દેશળ ભગતે શ્રી વૈષ્ણવી દીક્ષા લીધી હોવા છતાં તેઓ સર્વધર્મ પ્રત્યે સમભાવ દર્શાવતા હતા. તેમનામાં સંકુચિતપણું નહોતું. તેઓ શ્રી વૈષ્ણવ વર્ણમાં હોવા છતાં ભગત કહેવડાવતા હતા.

ગરણીમાં આવ્યા પછી તેઓએ એક જ આસને બેસીને બાર વરસ સુધી આકરા તપ કરેલા. તેઓ યોગસિદ્ધ સંત હતા. તેમના ચમત્કારોની વાતો જાણીતી છે. એકવાર ભાલ પ્રદેશમાંથી વણઝારાની અનાજની પોઠયું આવતી હતી તે અનાજ કોઈ વાંઝાએ આકાશ માર્ગે ઉડાવેલું. તે ઊડતાં અનાજને દેશળ ભગતે જગ્યામાં ઉતારી લીધેલું.

તેમનાં આકરા તપના તેજથી ઘણાં વિઘ્ન સંતોષીઓ બળતા હતા. આથી તેઓએ રાજમાં ફરિયાદ કરી કે, દેશળ નામનો ઠગ ભગત આવ્યો છે અને તે ભોળા લોકોને છેતરે છે.” આથી રાજના સિપાઈઓ તપાસ કરવા આવ્યા. તપાસને અંતે સંતશ્રી દેશળ ભગત નિષ્કલંકપણે નિર્દોષ સાબિત થતાં વિરોધીઓના હાથ સદાયને માટે હેઠા પડ્યા.

સમય નજીક આવતા દેશળ ભગતે અહીંયા જ જગ્યામાં સમાધિ લીધેલી. આજે તેમની પવિત્ર જગ્યામાં તેમની ચાખડી, રૂપાની છડી અને તેમનો ફોટો દર્શનીય છે. તેઓએ જે જગ્યાએ આકરું તપ કરેલું તે જગ્યાનું ભીંતડું વર્ષોથી આજે એમનેમ ઊભેલું જોવા મળે છે. તેમણે વાવેલો વડ પણ જગ્યામાં શોભે છે. સાથે પીલુડીના ઝાડ પણ છે.

તેમનાં પછી તેમનાં શિષ્ય ધર્મદાસે જગ્યાને વિકસાવેલી. વૈષ્ણવોનો પ્રચાર કર્યો. તેમણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. તેમના પુત્ર વિહળદાસજી થયા. તેઓ પણ મહાન સંત હતા. તેઓ સાક્ષાત આપા દેહાના અવતાર હતા.

સંતશ્રી દેશળ ભગતનો શિષ્ય પરિવાર આજે રામાવતને બદલે ગુરુ દેશાજીના નામ ઉપરથી દેશાણી શાખા તરીકે ઓળખાય છે.

“વરજા તીરથ વધામણા, ગરણી ગોકુળ ગામ,
આહીરકુળ અવતર્યા, નકલંક દેવના નામ.”

“ગગન જે ગીધમ તણાં, તે ઉતા૨ા આહીર,
ગરણી સુધી ગાદીએ, પરગટ દેશળપીર.”

🍁 હોથલ પદમણી અને ઓઢો જામ – ઝવેરચંદ મેઘાણી

🍁 ગરાસણી – ઝવેરચંદ મેઘાણી

🍁 આનું નામ તે ધણી – ઝવેરચંદ મેઘાણી

🍁 ભાઇબંધી – ઝવેરચંદ મેઘાણી

🌸 આપને આ પોસ્ટ કેવી લાગી ? જો પોસ્ટ પસંદ આવે તો મિત્રો સાથે share કરી શકો છો. કોઇ પણ વ્યક્તિએ આ website ની કોઇપણ પોસ્ટની copy કરવી નહી. જો જરુર લાગે તો કોમેન્ટ દ્વારા અમારો સંપર્ક કરો. તમે કોઇ વિષય પર પોસ્ટ મેળવવા ઇચ્છો તો પણ કોમેન્ટમાં જણાવો. અમારી ટીમ આપની ફરમાઇશ પુરી કરવાનો 100% પ્રયત્ન કરશે. આભાર. 🙏 Amarkathao

share અહીથી કરો. 👇👇

===== ==== ==== ==== ==== અમર કથાઓ ==== ==== ==== ==== ====

Gujarat na santo, Sorthi santo, Saurashtr na santo, Deshalpir, Deha apa, Itihas, Gujarat Itihas, સાધુ સંતોનો ઇતિહાસ,