6072 Views
Sindbad ni saat Safar (સિંદબાદ જહાજીની સાત સફર – અરેબિયન નાઇટ્સ ) માં આજે વાંચો Part 6. અગાઉનાં ભાગ વાંચવાના બાકી હોય તો નીચે લિંક મળશે. સિંદબાદની સફર. Sindbad Ni safar in Gujarati, સિંદબાદ જહાજીની સિરીયલ, સિંદબાદ જહાજી અલીફ લૈલા, અલીફલૈલા સિરીયલ, સિંદબાદ જહાજીની સાત સફર.
Sindbad ni safar ભાગ 6
સિંદબાદે પોતાની છઠ્ઠી સફરની વાત શરૂ કરી :
હું સુખ – ચેનથી રહેતો હતો. એવામાં એક દિવસ આપણા ખલીફાએ મને તેમને મળવા બોલાવ્યો. ને તેમની તહેનાતમાં હું હાજર થયો.
ખલીફાએ કહ્યું, ‘ સિંદબાદ ! તમારે મારું એક જરૂરી કામ કરવાનું છે. થોડા વખત અગાઉ તમે સિંહલદ્વીપના સુલતાનનો પત્ર લાવેલા તે યાદ હશે. એ પત્રમાં તેમણે મિત્રતાનું કહેણ મોકલ્યું હતું. એ મિત્રતા મને કબૂલ છે. તેનો જવાબ તૈયાર કર્યો છે ને મારા પ્રતિનિધિ તરીકે હું એ પત્ર અને પેટી આપું છું. શક્ય તેટલી ઝડપે તેને સિંહલદ્વીપના સુલતાનને તમે પહોંચાડીઆવો. ’
મારે ખલીફાનો હુકમ સ્વીકારવો પડ્યો ને એ રીતે મારી છઠ્ઠી સફર શરૂ થઈ.
એક વેપારી વહાણમાં ખલીફા તરફથી મારી વ્યવસ્થા થઈ. એ જહાજને લઈ હું સિંહલદ્વીપ પહોંચી ગયો. ત્યાંના સુલતાનને ફરી મળ્યો. Sindbad ni safar.
મને જોઈને તે ખૂબ ખુશ થયા. ખલીફાએ આપેલ પત્ર તેમજ કીમતી પેટી તેમને સોંપી દીધાં. થોડા દિવસ રોકાઈ પાછો બગદાદ આવવા નીકળ્યો. સુલતાને ખુશ થઈ મને ઘણી બક્ષિસો આપી. વેપાર માટેનો બીજો ઘણો કીમતી માલસામાન પણ મેં લીધો હતો.
અમારું વહાણ એકધારી ગતિથી આગળ વધતું હતું. દરિયો ખૂબ શાંત હતો. અમે આનંદની વાતોમાં મશગૂલ હતા. મારી નજર દરિયા પર સ્થિર થઈ. દૂર દૂર એક વહાણ ધીરે ધીરે અમારી તરફ સરકી રહ્યું હતું. સૂરજ આથમવાની હજી વાર હતી. ધીરે ધીરે તે વહાણે અમારી તરફ આવવાની ઝડપ વધારી હોય એમ જણાયું.
વહાણ મોટું હતું. ને તેના પરનો લાંબો વાવટો સૂચવતો હતો કે એ કોઈ ચાંચિયાઓનું વહાણ હતું. જહાજના આગળના ભાગમાં ભયંકર ચહેરાનું મહોરુ દેખાતું હતું. હવે તો એમાં ચાંચિયાઓ જ હોવા જોઈએ એમાં શક ન હતો.
આ ચાંચિયા લૂંટ ચલાવી વહાણ પરના માણસને ગુલામ તરીકે પકડી જવા માટે જ આવી રહ્યા હતા. અમે સાંભળેલું કે ચાંચિયાઓ પથ્થરદિલના હોય છે. વહાણો લૂંટી માણસોને ગુલામ બનાવી થોડો પણ વિરોધ કરનારને માંખી મારતા હોય તે રીતે મારી નાખતાં તેઓ અચકાતા નથી.
અમે જહાજની ગતિ ધીમી કરી દીધી હતી. ચાંચિયાઓનો જે કંઈ ઇરાદો હોય એને ઊંધો વાળવા તેમજ તેમનો મુકાબલો કરવા અમે તૈયાર હતા. ચાંચિયાઓનું વહાણ ઝડપી ગતિએ અમારી પાસે આવ્યું. થોડે દૂર ખડક પાછળ છુપાયેલ તેમના સાથીદારોએ અને આગળ જહાજમાં રહેલા ચાંચિયાઓએ હુમલો કરી અમારા જહાજનો કબજો કરી સુકાન સંભાળી લીધું. Sindbad ni saat safar
હું એમનો સામનો કરવા મથ્યો પણ એક કદાવર ચાંચિયાએ મારી ગરદન પર ભારે હથોડા જેવો ઘા ઝીંકી મને બેભાન બનાવી મૂક્યો. હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મેં જોયું તો મારા હાથ પાછળથી દોરડા વડે બંધાયેલા હતા. મને તથા મારા સાથીદારોને બજાર વચ્ચે ઊંચી જગ્યા પર ઊભા રાખવામાં આવ્યા. અમારી હરાજી બોલાવી અમને ગુલામ તરીકે વેચવાની એ રીત હતી.
ખરીદનાર વેપારીઓ ગુલામોને ચકાસી મજબૂત શરીરના ગુલામો પસંદ કરતા. મને પણ એક વેપારીએ ખરીદી લીધો. ઘેર લાવી મને એક ઓરડામાં રાખ્યો. તેના સાથીદારને મારી ચોકી સોંપી. રાતે સૂવા માટે જમીન પર સૂકું ઘાસ નખાવી આપ્યું.
મને ખરીદનારના સાથીદારે વાળ વગરના બોડિયા માથે ટોપી પહેરી હતી. તેને પાતળી મૂછો ને ટૂંકી દાઢી હતાં. તેને તેના નોકરો હતા. રાત પડતાં વેપારીના સાથીદારે મને એકલો છોડી કહ્યું કે, ‘ ખબરદાર ! જો રાતના ભાગવાની કોશિશ કરી છે તો મારા ચોકીદાર નોકરો તને જાનથી મારી નાખશે. ’
મોડી રાતે સાથીદારના નોકરોએ આવી મને ખાવાનું અને પાણી આપ્યાં. આ નોકરો ગુલામો જ હતા એટલે મેં તેમને પૂછ્યું, ‘ તમે આટલા બધા દુઃખી કેમ દેખાઓ છો ? ’
તેમણે કહ્યું, ‘ માલિક કરતાંય આ સાથીદાર ક્રૂર છે. તે અમારી પાસે કંઈ ને કંઈ કાળી મજૂરી કરાવે છે. હમણાં અમારે માલિકનાં દોરડાં વણવા રાત દિવસ મજૂરી કરવી પડે છે ત્યારે માંડ પેટ ગુજારો થાય છે. કોઈ બચત રહેતી નથી. અમારી આખી જિંદગી આ રીતે મજૂરીમાં અને ગરીબીમાં જ વીતવાની છે. ’
મને વધુ વાત કરવાની ઇચ્છા થઈ ને મેં તેમને કહ્યું, ‘માણસ બુદ્ધિશાળી અને મહેનતુ હોય તો થોડી મૂડીથી પણ વધુ મૂડી ઊભી કરી શકેને સુખી થઈ શકે.’
મારી વાત સાંભળી એક જણ બોલ્યો, ‘ એવું કંઈ નથી. અમને તો આ બધો નસીબનો જ ખેલ લાગે છે. નસીબમાં ન હોય તો બુદ્ધિ અને મહેનત કંઈ લેખે લાગતાં નથી અને નસીબ હોય તો માણસને ધન મળી જાય છે અને તેમાં વધારો થયા કરે છે. અમારા માલિક જેવા કેટલાય લોકો એકાએક ટૂંકમાંથી મોટા ધનપતિ બની જાય છે. જ્યારે નસીબમાં ન હોય એવા બુદ્ધિશાળી અને સાહસિક માણસને ગમે તેટલું ધન આપો તો પણ ચાલ્યું જાય છે.’
તેઓ જવા માગતા હતા એટલે પૂછીને એટલું તો જાણી જ લીધું કે મને ખરીદનાર હાથીદાંતનો મોટો વેપારી હતો. આખી રાત બંધાયેલા હાથે જ હું સવા૨ થવાની રાહ જોતો બેઠો રહ્યો. બીજે દિવસે સવારે અમને ખરીદનાર વેપારી પોતે બે ત્રણ માણસો સાથે આવ્યો. એક માણસના હાથમાં તીરકામઠાં હતાં.
વેપારીએ મને પૂછ્યું, ‘તને તીર ચલાવતાંઆવડે છે ? ‘
મેં હા પાડી એટલે તે ખુશ થયો. સારું તીર ચલાવી શકવાની મને ખાતરી હતી કેમ કે નાનપણમાં હું સારો નિશાનબાજ હતો. મારા હાથ છોડી મને એક તીરકામઠું પકડાવી દીધું. અમે બધા તેના રહેઠાણથી ઘણે દૂર ખુલ્લા મેદાનમાં ગયા. ત્યાં મોટાં ઝાડ હતાં. દૂર પાણીનું તળાવ હતું. વારંવાર હાથીની ચિંઘાડ સંભળાતી હતી.
તે હાથીઓના રહેવાનો વિસ્તાર હતો. તેઓના અવાજ પરથી લાગતું હતું … ઘણા બધા હાથીઓનુંટોળું નજીકમાં જ હોવુંજોઈએ.
મેદાનમાંના એક ઊંચા ઝાડ ઉપર ચઢાવી મારા ખરીદનાર માલિકે મને હુકમ કર્યો, ‘ અહીં બેસી તારે હાથીનો શિકાર કરવાનો છે. તું શિકાર કરે ને હાથી મરાય કે તરત મને ખબર આપી જજે. ’ એટલું કહી બધા જતા રહ્યા.
મોડી સાંજે એક હાથી તળાવમાં પાણી પીવા આવ્યો કે મેં તાકીને નિશાન લઈ એક તીર તેના કાન પાસે છોડ્યું. એના મર્મને જ વીંધી નાખ્યું તેથી મોટી ચીસો નાખતો હાથી હેઠો પડ્યો. હું ઝાડ પરથી હેઠો ઊતર્યો ને વેપારી માલિક પાસે પહોંચી ગયો. વેપારી માલિકે સ્થળ પર આવી હાથીને મરેલો જોયો ને મને શાબાશી આપી.
બીજા દિવસે મેં ત્રણ હાથી માર્યા તેથી મારો વેપારી માલિક વધુ ખુશ થયો, કારણ કે હાથીદાંતની ઘણી કિંમત તેને મળે તેમ હતી. પછી તો રોજે રોજ મારા માલિકને ઘેર હાથીદાંતના ગંજેગંજ ખડકાવા લાગ્યા ને તે વેચવાથી ધનના ઢગલા પણ થવા લાગ્યા. આમ ધન મળવાથીતે ઘણો ખુશ રહેવા લાગ્યો.
એક દિવસે હું શિકાર માટે હાથીની રાહ જોતો ઝાડ ઉપર બેઠો હતો. એવામાં હાથીઓનું એક મોટું ટોળું આવી ચડ્યું ને મેં કામઠા પર તીર ચઢાવ્યું. ટોળાના મુખિયા હાથીએ જોયું ને એકાએક દોટ મૂકી તે મારા ભણી આવી ચઢ્યો. તેણે ઝાડને હચમચાવી મને હેઠો પાડ્યો ને સૂંઢ ભેરવી કેડેથી પકડી લીધો. પોતાની સૂંઢ આકાશ તરફ ઊંચી કરી. મને થયું કે હવે આવી બન્યું. આ હાથી પોતાના જાતભાઈઓના મોતનો બદલો પોતાના પગથી મને છૂંદીને લઈને જ રહેશે. હું મરવા માટેની તૈયારીમાં જ હતો ત્યાં કંઈક જુદી જ ઘટના બની.
હાથી મને પોતાની પીઠ પર બેસાડી ઝડપથી દોડવા લાગ્યો. એક અંધારી ગુફા જેવી જગ્યાએ લાવી મને જમીન પર ઉતારી દીધો. મારી સામે જોયું ત્યારે તેની આંખોમાંથી આંસુ ટપકતાં હતાં. થોડીવારે તે દોડીને પાછો જંગલમાં જતો રહ્યો. મેં આજુબાજુ જોયું. ચારે તરફ ઢગલે ઢગલા દંતૂશળ ને હાથીઓનાં હાડકાં પડેલાં હતાં.
હું જાણતો હતો કે હાથી મરવા જેવો થાય ત્યારે એકાંત જગ્યાએ પહોંચીને મરતો હોય છે. કેટલાય હાથી અહીં આવીને મર્યા હશે. એ બધાંના દંતૂશળ મારે જોઈતા ન હતા, પરંતુ મારા માલિક માટે આસપાસથી મોટા દંતૂશળ ભેગા કરી તેનો મારી પાઘડીથી ભારો બાંધી માલિકને આપવા માટે માથે ઊંચકી લીધો. ઘેર પહોંચીને દંતૂશળ મારી ઓરડીમાં સંતાડી દીધા. એ દિવસની ઘટનાએ મને વિચારતો કરી દીધો કે હાથી પણ કેવું માયાળુ અને પ્રેમાળ પ્રાણી છે !
બીજે દિવસે માલિક પાસે જઈ મેં કહ્યું ‘ તમારે પુષ્કળ દંતૂશળ જોઈએ છે ને ? ’
માલિક દંતૂશળ દ્વારા મળનારા ખૂબ ધનનો લાલચુ હતો. તેણે તરત હા કહી દીધી.
મેં ઓરડી પાછળ સંતાડેલા દંતૂશળ લાવીને તેની આગળ ઢગલો કરી દીધો.
તે ઉત્સાહથી બોલ્યો, ‘ અરે સિંદબાદ ! આટલા બધા દંતૂશળ તું કેવી રીતે લાવ્યો ? બધા હાથી મારી નાખ્યા કે શું ? ’
મેં કહ્યું, ‘ તમે મને હવે ગુલામીમાંથી છૂટો કરો. મને મારા વતનમાં જવા દો. ’
થોડી રકઝક પછી તે મને છોડી મૂક્વા તૈયાર થયો. ફરી મેં કહ્યું કે, ‘ હાથી જેવા પરોપકારી શાણા ને સમજુ પ્રાણીને આપણા થોડા સ્વાર્થ ખાતર મારવું જોઈએ નહિ. ’
મારી વાત તેના ગળે ઊતરી. તે દિવસથી તેણે હાથી મારવાનું બંધ કર્યું. મારી સેવાથી ખુશ થઈ મને છૂટો કરતાં કેટલીક કીમતી ભેટો, ઘણા બધા હાથીદાંત, એક મોટું જહાજ તેમજ હાથી અને હાથણીની એક જોડ મને ભેટ આપ્યાં. જહાજમાં બેસી હું મારી આગળની સફરે નીકળી પડ્યો.
હવામાન અનુકૂળ રહ્યું ને થોડા સમયમાં સિંહલદ્વીપ દેખાયું. સિંહલદ્વીપ એટલે હિન્દુસ્તાનનું પ્રવેશદ્વાર. હવે જલદી પહોંચાય એની જ રાહ જોવા માંડી.
અમારા જહાજને થોડી મુસીબત વેઠવી પડી. દરિયાનાં પહાડ જેવડાં જંગી મોજાંઓની થપાટો ખાતાં એકધારી ગતિથી અમારું જહાજ આગળ વધતું જતું હતું. ખુદાની મહેરબાનીથી સહીસલામત રીતે હિંદુસ્તાનના પ્રવેશદ્વારરૂપ સિંહલદ્વીપની ધરતીની લગોલગ કિનારે પહોંચી ગયા.
જહાજ પરથી ઊતરી કિનારા પર પગ મૂકતાંની સાથે મારા પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે મેં હિંદુસ્તાનની ધરતીને નમન કરી એની ધૂળ માથે ચઢાવી. જહાજમાંથી હાથી – હાથણી પણ મારી સાથે જમીન પર આવતાં હરખાઈ અને આનંદથી ઝૂમવા લાગ્યાં. બંનેએ પોતાની સૂંઢ વડે રેતી પોતાની પીઠ પર નાખી જાણે ધરતીને સલામ કરી.
અમે થોડું આગળ વધ્યા. ત્યાં ગીચ જંગલ શરૂ થયું. જંગલ વટાવ્યા પછી જ વસ્તીમાં જવાતું. જંગલમાં મોટાં ઝાડનાં તોતિંગ થડોમાં મોટા અણીદાર સળિયા છેદ કરી ભરાવેલા જોવા મળ્યા. છેદમાંથી નીકળતા ઝાડના રસમાંથી અહીંના લોકો કપૂર બનાવતા હતા. પછી અમે વસ્તીમાં પ્રવેશ્યા ને ઘણા બધા લોકો અમને વીંટળાઈ વળ્યા.
તેમણે વિવેકથી પણ ખૂબ ઝીણવટથી અમારી પૂછપરછ કરી. તેઓ અમને નાળિયેરીની એક વાડીમાં લઈ ગયા ને ત્યાં અમારું ઊલટભેર સ્વાગત કર્યું. અમને મીઠું શરબત પાયું ને તેમની વાનગીનું ભોજન પણ કરાવ્યું. થોડી વારે મને ત્યાંના આગેવાન પાસે લઈ ગયા. ત્યાં મારી સાથે લાવેલ કીમતી સામાન ચકાસી જોવામાં આવ્યો.
મેં તેમને મારો વિગતે પરિચય આપ્યો. મારી વાત જાણી આ આગેવાને મને તેમના રાજાની મુલાકાત લેવા આગ્રહ કર્યો. બીજે દિવસે વહેલી સવારે રાજા પાસે જવા અમે નીકળ્યા. અર્ધા દિવસની મુસાફરી બાદ એક મોટા મહેલ પાસે પહોંચ્યા. તે ઉત્તમ પ્રકારની કલાકારીગરીવાળો સફેદ આરસના પથ્થરનો બનેલો હતો. મને મહેલમાં રાજાની આગળ હાજર કરાયો કે મેં ઝૂકીને રાજાને સલામ કરી. પછી મારી સાથે લાવેલ ભેટોમાંથી કેટલીક કીમતી ચીજો ને કેટલાક દંતૂશળ રાજાના પગ પાસે મૂક્યાં. amarkathao – Sindbad Jahaji ni sat safar
રાજાની પાસે તેમની કુંવરી બેઠી હતી. મેં એને પ્રસન્ન કરવા મારી પાસેની હાથણી એના ચરણ પાસે ભેટ તરીકે રજૂ કરી. રાજકુંવરીને હાથી બહુ ગમતા અને આ તો કેળવાયેલી હાથણી હતી એટલે ખૂબ ખુશ થઈ.
રાજાએ મને થોડા દિવસ રોકાઈ જવા કહ્યું અને તે દરમ્યાન રાજ્યમાં થતાં સુગંધી અને ખૂબ કીમતી એવાં ચંદનનાં લાકડાંનો વેપાર કરવાની છૂટ આપી. હાથણી સાથે હળી જવામાં રાજકુંવરીએ મારી મદદ લીધી.
થોડા જ દિવસોમાં મેં હાથીની મદદ વડે ઘણાં કીમતી ચંદન તેમજ અગરનાં વૃક્ષો ઉપરથી જરૂરી લાકડું મેળવી વેપાર કરવા માંડ્યો ને તેમાં મને સારી કમાણી થઈ. રાજાએ મને હાથીઓ કેળવવાનીકામગીરી સોંપી.
મેં રાજાને બતાવ્યું કે હાથીઓને અમુક ખાસ પ્રકારે કેળવ્યા હોય તો દુશ્મનોના કિલ્લાના મજબૂત દ૨વાજા પણ તેઓ તોડી શકે.
રાજાએ એનો પૂરો લાભ લીધો. ને મેં કેળવી આપેલા હાથીઓ દ્વારા પાસેના દુશ્મન રાજાનો કિલ્લો તોડી એની પાસેથી મોટી ખંડણી લીધી. રાજાના સહકાર અને મારી વેપારી કુનેહથી ખૂબ જ ટૂંકા સમયમાં સિંહલદ્વીપનું બંદર વિકસીને ખૂબ મોટું થઈ ગયું. આજુબાજુનાં તેમજ પરદેશનાં વહાણો વેપાર ખેડવા માટે આવવા લાગ્યાં. તેનાથી રાજાને આવકમાં ઘણો વધારો થયો. રાજ્યની વેપાર વિષયક ભારે પ્રગતિ થઈ. ત્યાંના લોકો ખૂબ સુખથી રહેવા લાગ્યા.
રાજાએ મને સન્માનવા વિચાર કર્યો. સન્માનના દિવસે રાજાએ મને ચોંકાવી દીધો. રાજાએ તેમની કુંવરી સાથે શાહી દબદબાથી મારાં લગ્ન થશે એવી જાહેરાત કરી.
ધાર્મિક વિધિથી રાજકુંવરી સાથે મારાં લગ્ન કરવામાં આવ્યાં. પોતાની કુંવરીને રત્નોથી ભરેલા ખૂમચા, કીમતી અલંકારો અને મનપસંદ પોશાકો આપ્યાં.
લગ્ન બાદ ઠેર ઠેર રાજકુંવરી સાથે મને લઈ જઈ મારું શાહી સ્વાગત કરાવાયું. હાથણીની અંબાડીએ ચડી હું અને રાજકુમારી બધે જતાં. દરેક જગ્યાએ અમને કીમતી ભેટો મળતી. સવારસાંજ મહેમાનોને ભાતભાતનાં પકવાન અને મેવા જમાડી ખુશ કરવામાં આવતાં.
રાજકુંવરીને બગદાદની ઘણી વાતો કરેલી તેથી તે બગદાદજવા માટે હઠ કરવા લાગી, આખરે મેં બગદાદ જવા રાજા પાસે માગણી કરી. રાજકુંવરી મારી સાથે જ આવવાની હતી તેથી ભારે હૈયે અમને વિદાય આપતાં રાજા અને રાણી ખૂબ લાગણીવશ પણ થયાં.
પરિવારનાં બધાં લોકો તથા પ્રજા અમને વિદાય આપવા આવ્યાં. અમને મળેલી કીમતી વસ્તુઓ, પેટી પટારામાં ભરી લીધી. રાજકુંવરી અને હું રાજાએ આપેલું નવું જહાજ લઈ બગદાદ આવવા નીકળ્યાં.
થોડા મહિનાઓ બાદ અમે સુખરૂપ બગદાદ શહેર આવી ગયાં. મારાં પરિવારજનો મને આવકારવા સામે આવ્યાં. મારી સાથે રાજકુંવરીને જોઈ તેઓ ખૂબ હરખાયાં અને એને ભેટ ઉપર ભેટ આપી આદરથી હવેલીમાં સૌ સાથે ભેળવી દીધી. રાજકુંવરી પણ આ હવેલીની માનીતી વ્યક્તિ બની અને સૌ સાથે ભળી ગઈ.
સિંદબાદે વાત પૂરી કરીને કહ્યું, ‘ આ હતી મારી છઠ્ઠી સફરની વાત. આવતી કાલે મારી છેલ્લી સફરની વાત કરવાનો છું – આવવાનું ભૂલશો નહીં. ’
⛵ આ તમામ સિરીઝ આપ 👇 share કરી શકો છો. copy કરીને ઉપયોગમાં લેવાની મનાઇ છે.
Sindbad ni safar ભાગ 1 થી વાંચવા માટે 👈