Skip to content

સોન કંસારીનો શ્રાપ અને ઘુમલીના વિનાશનો ઈતિહાસ

સોન કંસારીનો શ્રાપ અને ઘુમલીના વિનાશનો ઈતિહાસ
4324 Views

સોન કંસારીના ઈતિહાસ વિશે અલગ અલગ વાતો જાણવા મળે છે, અહી મુખ્ય કથાઓ લેવામા આવી છે, જાણકારો વધુ પ્રકાશ પાડી શકે છે, સોન કંસારી નામની ગુજરાતી ફિલ્મ પણ બનેલી છે, SON KANSARI NO ITIHAS, SON KANSARI gujarati film.

સોન કંસારીનો ઈતિહાસ

ઘુમલી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે જે બરડા પર્વતમાળાની તળેટી માં સ્થિત છે. પોરબંદરથી તે ૪૫ કિ.મી.ના અંતરે આવેલું છે.

ઘુમલી આઠમી સદીની મધ્યથી દશમી સદી સુધી સૈધવ શાસકોની રાજધાની હતી.ત્યાર બાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના જેઠવા શાસકોની રાજધાની હતી.

ઈ.સ. ૧૨૨૦માં રાણા સિયાજીએ ઘુમલીને જેઠવા રાજ્યની બીજી રાજધાની તરીકે ઘોષિત કરી અને રાજધાની શ્રીનગર (પોરબંદર)થી ઘુમલી ખસેડી.

પુસ્તક ‘મકરધ્વજવંશી મહિમાલા’ અનુસાર પશ્ચિમ સૌરાષ્ટ્રનું જેઠવા વંશ રાજપૂત રાજ્ય આજના પોરબંદર થી છેક મોરબી સુધી વિસ્તરેલું હતું.

૧૨મી અને ૧૩મી સદીના ઘુમલીના જેઠવા શાસકો પાટણ ખાતે ગુજરાતના સોલંકી/વાઘેલા રાજાઓનાશાસનહેઠળ હતા.આજે સંપૂર્ણ નાશ પામેલું ઘુમલી તે સમયે એક મોટી પ્રાચીન નગરી હતી.

સોલંકીયુગમાં ૧૨મી સદીમાં સૌરાષ્ટ્રના ઘુમલી ખાતે ભવ્ય નવલખા મંદિર બનાવવામાં આવ્યુ હતુ.૧૦૦૦ વર્ષ પહેલાં ગુજરાતનું સૌથી મોટું ગણેશ મંદિર ઘુમલી સૌરાષ્ટ્ર ખાતે હતું. અત્યારે તે ખંડેરો છે. કચ્છી મહેશ્વરીઓ માટે તે હજી પણ તીર્થ છે.

ઘુમલી શી રીતે નષ્ટ થઈ તેની પાછળ એક રસપ્રદ કથા છે.
૧૩મી સદીના અંતમાં શંખોદ્વાર બેટના શાસક દુદાંશી વાધેલના ઘરે પુત્રીનો જન્મ થયો .તે બે દાંત સાથે જન્મી હતી. જ્યોતિષીએ તેની જન્મકુંડળી જોઈને આગાહી કરી કે આ બાળકી પરિવારને માટે તથા તેના પતિ માટે બહુ અપશુકનિયાળ છે. આથી દુદાંશી વાધેલે પોતાના માણસોને નાની બાળકીને લાકડાની પેટીમાં મૂકી વહાણમાં લઈ જઈને રાજ્ય ની હદ બહાર સમુદ્ર કિનારે મૂકી દેવાનું કહ્યું.

માણસો વહાણમાં તે પેટી લઈને મિયાણી બંદરે પહોંચી કિનારા પાસેના મંદિર માં મૂકી આવ્યા. ત્યાંથી તે બાળકી મિયાણી ગામના ઝવેર નામના એક કંસારાને મળી આવી. કંસારો નિ:સંતાન હતો, તેણે તે બાળકી ને દત્તક લીધી બાળકી નો સોનાવરણો વાન જોઈને તેનું નામ સોન રાખ્યું અને પોતાની પુત્રી તરીકે ઉછેરી. સોન મોટી થઈ ત્યારે તેની સુંદરતા જોઈને મિયાણીના શાસક પ્રભાત ચાવડાએ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પણ ઝવેર કંસારાને તે મંજુર ન હતું. શાસક ના ડરથી કંસારાએ કુટુંબ સાથે મિયાણી છોડી દીધું અને ઘુમલી માં વસવાટ કર્યો.

ઘુમલી માં સોન કંસારી અને ત્યાંના શાસક ભાણ જેઠવાના સાળા રખાયત બાબરીયા સાથે પ્રેમ થઈ ગયો ભાણ જેઠવા પણ સોન કંસારી પર મોહિત થઈ ગયા હતા અને તેની સાથે લગ્ન કરવા માંગતા હતા.
પરંતુ સોન કંસારીએ રખાયત બાબરીયા સાથે લગ્ન કર્યા.

એક વખત લૂંટારાઓ ગાયો અને ઢોરઢાંખર લૂંટીને લઈ જતા હતાં ત્યારે રખાયત તેમનો સામનો કરવા જતાં મૃત્યુ પામ્યો. એક વાયકા મુજબ ભાણ જેઠવાએ તેના નોકર કુંભા દ્વારા રખાયતની હત્યા કરાવી હતી.

સોન કંસારી એ પતિ પાછળ સતી થવાનું નક્કી કર્યું.
આ તરફ ભાણ જેઠવાએ તેને સતી ન થવાનો અને પોતાની સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો. સોન કંસારી એ તેનો આદેશ માનવાનો ઈન્કાર કર્યો અને ઘુમલીમાં વસવાટ કરતાં બરડાઈ બ્રાહ્મણોને શરણે ગઈ.

ભાણ જેઠવાએ બરડાઈ બ્રાહ્મણોને સોન કંસારી પોતાને સોંપી દેવાનો આદેશ કર્યો. પરંતુ બરડાઈ બ્રાહ્મણોએ પ્રાણના ભોગે પણ સોન કંસારી નું રક્ષણ કરવા નિર્ધાર કર્યો.

હોથલ પદમણી અને ઓઢો જામ

હોથલ પદમણી અને ઓઢો જામ અમર પ્રેમકથા 1

રાણા ભાણે તેમની સામે સૈનિકો મોકલ્યા. સેંકડો બરડાઈ બ્રાહ્મણોએ સોન કંસારી નું રક્ષણ કરવા અને ટેક જાળવવા તે લડાઈમાં શૌર્યતાથી લડીને પોતાના પ્રાણોની આહુતિ આપી.
સોન કંસારી સતી થઈ અને તેણે ભાણ જેઠવાને શ્રાપ આપ્યો કે ઘુમલી નાશ પામશે. એ વર્ષ હતું ઈ.સ.૧૩૧૫.

ઈસ્વીસન ૧૩૧૬માં સિંધના રાજકુમાર બારમણીયાજી જાડેજાએ તેના પિતા જામ ઉણાજીની હારનો બદલો લેવા ઘુમલી પર આક્રમણ કર્યું અને તેને ખેદાનમેદાન કરી નષ્ટ કરી દીધું. રાણા ભાણ જેઠવાનો યુદ્ધમાં પરાજય થતાં તેઓ રાણપુર નાસી છૂટ્યાં.

આજે ઘુમલીના ખંડેરો માં, સોન કંસારીનું ખંડેર મંદિર છે જે બ્રાહ્મણોએ સતી પાછળ બંધાવ્યું હતું.આ સ્થળ દક્ષિણ પશ્ચિમથી નવલખા મંદિર સુધી પહાડી શિખર પર સ્થિત છે. મંદિર પાસે એક સરસ તળાવ છે. આ સોનકંસારી તળાવની આસપાસ ઘણા નાના મંદિરો સાથે એક મોટો કૂવો તથા લાંબા મંડપ નો સમાવેશ થાય છે. બરડા પર્વતમાળાની તે ટેકરીને સોન ટેકરી તરીકે ઓળખવામાં આવે છે.

બરડાઈ બ્રાહ્મણોની અપ્રતિમ બહાદુરી અને સોન કંસારીના રક્ષણ માટે આપેલા તેમના બલિદાનની વાર્તા ઝવેરચંદ મેઘાણીએ પુસ્તકમાં વર્ણવી છે. દેવકુમાર મોઢા દ્વારા લિખીત એક ઐતિહાસિક ગુજરાતી નવલકથા ‘સતિ સોનલ ની સખાતે’ પણ ૧૯૭૦ માં પ્રકાશિત થઈ છે.
સોન કંસારી ની વાર્તા પરથી ૧૯૭૭ માં ગુજરાતી ફિલ્મ પણ બનેલી છે.

સોન કંસારી વિશે બીજી લોકકથા

રાખાયત ને સોન કંસારી

 મહારાજા વિક્રમાદિત્યની તેરમી સદીમાં શંખોદ્રાર બેટમાં દૂદનશી વાઢેર  નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેને કાંઇ સંતાન ન હતું. તેણે ઉત્તર હિંદમાંથી દ્રારકાંની જાત્રાએ આવેલા એક વિદ્રાન જોશીને પોતાની જન્મકુંડળી દેખાડી; જોશીએ કહ્યું-”રાજન ! આપના ભાગ્યમાં પુત્ર તો નથી, પણ આ વર્ષમાં એક પુત્રી છે. ” આ વાતની પરીક્ષા જોવા સારૂ રાજાએ જોશીને વર્ષાસન બાંધી આપીને ત્યાંજ નિવાસી કર્યો. થોડેક દિવસ રાજાની માનીતી સોઢી રાણીને ગર્ભ રહ્યો; ને જોશીબાવાનો જોશ સાચો પડયો. 

 આથી રાજાની જોશી મહારાજ ઉપર અપાર શ્રદ્ધા બેઠી. ને જોશીની વાણીને તે દૈવીવાણી માનવા લાગ્યો. પૂરો દશ માસે બુધવારના ખરા બપોરે રાણીને પુત્રીનો જન્મ થયો. એટલે રાજાએ કન્યાના જન્માક્ષર જોવા પેલા જોશી મહારાજને વિનતિ કરી. ફળાદેશ જોઇ  જોશી મહારાજે માથું ધૂણાવ્યું. રાજાએ કન્યાનું ભવિષ્ય કેહવાની ઘણી  પ્રાર્થના કરી. ત્યારે જોશી બોલ્યા:- મહારાજ ! કન્યા ઘણાજ અવજોગમાં જન્મી છે. એ જે શહેરમાં રહે તે શહેરનો ને રાજાનો નાશ થાય એવા એના ખરાબ ગ્રહો છે.

દેવરો અને આણલદે - શેતલને કાંઠે ભાગ 1

દેવરો અને આણલદે ની અમર પ્રેમકથા – શેતલને કાંઠે ભાગ 1 થી 3

વળી તેના લગ્ન ભવનથી ચોથો મંગળ છે, ( મતલબ ઘાટડીએ મંગળ છે) એટલે પરણવાની સાથેજ એના નશીબમાં વૈધવ્ય માંડેલું છે. મ્હારા કહેવાનું પ્રત્યક્ષ પ્રમાણ જોઇતું હોય તો કન્યાનું મ્હોં ઉધાડી જોવરાવો. તેમાં જોતાંજ જણાશે કે તે જન્મ સમયેજ મ્હોંમાં દાંત લઇને આવેલી હોવી જોઇએ. 

રાણીવાસની દાસીઓને સુવાવડીના ઓરડામાં મોકલી રાજાએ ખાત્રી કરાવી; તો તરતની જન્મેલી એ બાળકીના કુમળા મુખમાં ઝીણી ઝીણી બે દંતુડીઓ દેખાઇ ! દૂદનશી વાધેલાને આ જોશીબાવા ઉપર શ્રદ્ધા તો હતી, ત્યાં આ પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું, એટલે , શ્રદ્ધાનું શું પૂછવું ? આવી નિર્ભાગી કન્યાને એક પણ દિવસ પોતાના ઘરમાં ન રાખવાનો રાજાએ નિશ્વય કર્યો.

લાકડાની એક મોટીં પેટી મંગાવી. તેની વચ્ચે રૂ ભરાવી તેમાં બાળકથી સુખે સુવાય તેવી ગોઠવણ કરી. ને પેટીની અંદર બે બાજુ દૂધના ભરેલાં બે મોટાં વાસણો ગોઠવી તેમાં રૂના કાકડા વાટે કે નળીઓ વાટે એ દૂધ બાળકીના મુખમાં જાય એવી પણ વ્યવસ્થા કરી. પછી બાળકીને પેટીમાં સૂવાડી તેના મ્હોમાં પેલી દૂધની નળીઓ આપી પેટીને બંધ કરાવી. છેલ્લે નારાયણનું નામ લઇને એ પેટીને સમુદ્રમાં તરતી મૂકાવી. – અમરકથાઓ

         જેની પ્રભુ રક્ષા કરે છે તેને અનેક આપત્તીઓ પડે તોપણ જીવે છે. એ સિદ્ધાંત આપણે જગતમાં ચારેકોર જોઇએ છીએ. એ ન્યાયે સમુદ્રના તરંગોમાં ઝોલાં ખાતી ખાતી એ પેટી કેટલેક દિવસ મિયાણી બંદરે આવી. એ બંદરનો એક કંસારો પ્રાતઃકાળમાં બંદર કાંઠે ગયેલો, તેને એ પેટી હાથ લાગી.

 છાનોમાનો તે પેટીને ઉપાડી ધેર લઇ ગયો ને તેમાં ખોલીને જોયું તો શું જોયું ? પેટીની અંદર સૂતેલું એક બાળકી સૂતી સૂતી મંદ મંદ હસે છે ! ને મરજી પડે ત્યારે દૂધ પીવે છે. ! ઓ દ્રારકાનાથ ! તારીશી દયા ! આ કંસારાને કોઇ સંતાન નહોતુ. તેથી નશીબજોગે તેની સ્ત્રીની યુવાવસ્થા પૂરી થવા આવી છતાં તેની સીમંતિની થવાની ઇચ્છા પૂરી થઇ નહોતી. એટલે ની સંતાન કંસારો કંસારી આ બાળકી જોઇને બહુ આનંદિત થયા. તેઓ બાળકીને પ્રાણથી પણ મોંઘી ગણી ઉછેરવા લાગ્યાં 

અજવાળીમાં ચંદ્ર્ની કળા જેમ વૃદ્ધિ પામે છે. તેમ આ કન્યા દિવસે દિવસે વધવા લાગી. આ કન્યાનો રૂપરાશિ અલૌકિક હતો. મિયાણીમાં આ સમયે પ્રભાતસિંહ ચાવડા રાજ્ય કરતા હતા તેણે યુવાવસ્થાના દ્વારમાં પગ મૂકતી આ રૂપસાગર કન્યાને જોઇ. ને તેથી આ કન્યા પોતાને પરણાવવાને વાસ્તે તેના પાલક કંસારાને ત્યાં માગું મોકલ્યું,

આથી તેનો પાલક કંસારો ગભરાયો. ને રાજા પોતાનાપર જુલમ ગુજારશે એ બીકે તે કન્યાને , પોતાની સ્ત્રીને તથા પોતાના સરસામાનને લઇને રાત વખતે મિયાણી મુકીને ચાલી નીકળ્યા. ને પોતાને સાસરે ઘુમલીએ આવ્યા. આ સમયે ઘુમલી ના રાજા રાણા ભાણજી  હતા.

       રાણા ભાણજીનું લગ્ન થાન કંડોરણાના ઠાકોર મિયાત  બાબરીયાની પુત્રી સૂરજદેવી સાથે થયું હતું. સૂરજદેવીને ઓઢો, જખરો ને રાખાયત નામના ત્રણ ભાઇઓ હતા. તેમાંનો રાખાયત સૌથી ન્હાનો હોવાથી લાકડો ને વાચાળ હતો; વળી તેની માનસિક પ્રકૃતિ જેવી તેજસ્વી ને ક્ષાત્રશૌર્ય ભરેલી હતી;  તેવી તેની શારીરિક સંપત્તિ પણ સૌદર્ય પૂર્ણ હતી. 

રાખાયત માતા. પિતા તથા બહેનને ધણો વ્હાલો હતો. એકવાર તેને પોતાના મોટા ભાઇ સાથે કાંઇ બોલાચાલી થઇ, એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં રખાયત થાનકંડોરણા છોડી ઘુમલી નાસી આવ્યો. ને પોતાની બહેનનો તે મહેમાન થયો.રાણા ભાણજીએ પણ પોતાના લાડકા સાળાને હરવા ફરવા તથા સૂવા બેસવા વગેરેની સગવડ કરી આપી. www.amarkathao.in

            ભવ્ય નગર ઘુમલીની પોળો ચૌટાંની સુંદરતા નિહાળવાને રાખાયત વારંવાર શહેરમાં જતો. કોઇવાર વેદ-ધ્વનીને ઘોષે ગાજી રહેતી બ્રહ્મંપુરિ જોઇ તે પ્રસન્ન થતો. તો કોઇવાર તે વ્યાપારકુશળ વણિકોની પ્રચંડ દુકાનો જોઇને પરમ આનંદ પામતો. આમ ફરતાં ફરતાં એક પ્રસંગ તે કંસારાવાડમાં આવી ચડ્યો.

એ ૠતુ ચોમાસાની હતી ; એટલે એકાએક વાદળાનો ધાડા થયા બધી દિશાઓમાં અંધકાર છવાઇ ગયો. આકાશ ગર્જનાઓથી ગાજી રહ્યું ને વીજળીના ચમકારાઓએ દિશાઓને ભયાનક કરી મૂકી. અત્યારે કોઇના ઘરમાં ધડી આશરો લીધા વિના બીજો કોઇ રસ્તો નથી. એવા વિચારે રાખાયત એક કંસારાના પગથીયા ઉપર ચડ્યો. દેવજોગે આ ઘર ઝવેર કંસારાનું (પેલી દૂદનશી વાધેલાની કન્યા-સોન ના પાલક કંસારાનું) હતું.

ઘરમાં આવતા ઇચ્છતા આ રાજવંશી અતિથિનો ”પધારો” કહી કંસારે સત્કાર કર્યો. ને યોગ્ય આસન, મુખવાસ વગેરે આપી ગૃહસ્થધર્મ બજાવ્યો. રાખાયતે પણ શિષ્ટાચાર પ્રમાણે વાતચીત પ્રશ્નો તમારૂં નામ શું ? તમે મૂળ ક્યાનાં રહેવાશી ?”  ”તમારે કોઇ સંતાન છે ?” વગેરે પૂછવા  માંડ્યો. ને તેમાં તેને જણાયું કે આ કંસારાને સંતાનમાં માત્ર એક પુત્રી છે. ને એ કંસારો મીયાણીથી અહી રહેવાને આવેલ છે.”

       થોડીવાર થઇ નહિ, ત્યાં તો માથે ભરેલાં બે ચકચકતાં  બેડાવાળી, પણ વરસાદે ભીંજાઇને તરબોળ થઇ ગયેલી બે રમણીઓ એ કંસારાના મકાનમાં આવી. તેમાં એક પ્રૌઢ સ્ત્રી આગળ હતી. ને બીજી પાછળ હતી. તેની સુંદરતા જોઇ ને રાખાયત તો મુગ્ધજ થઇ ગયો ! ને પોતે જાગે છે કે સ્વપ્રમાં છે ? તેનું પણ એને વિસ્મરણ થઇ ગયું.તેને લાગ્યું કે આ તે આકાશમાંથી કોઇ અપ્સરા ઉતરી આવી ?

સોને પોતાના પિતાની પાસઃ કોઇ અજાણ્યા પુરૂષને બેઠેલો જોયો ! ને એ તે કોઇ દેવ છે કે સાક્ષાત કામદેવ શરીર ધારણ કરીને ભૂમંડળ ઉપર ઉતરી આવેલ છે ?” એવી સોનને પણ ભ્રાંતિ થઇ. પછી રાખાયતને પણ જાણ થઇ કે એ તો કંસારાની અવિવાહિત કન્યા સોન છે.  થોડીવાર પછી વરસાદ બંધ થયો એટલે રખાયત રાજમહેલે ગયો. પણ તે પોતાનું ચિત્ત તો કંસારાને ત્યાંજ જાણે મુક્તો આવ્યો ! એનું મન સોનમાં વળગી ગયું હતું. આમ કેટલાક દિવસો ચાલ્યા ગયા. 

   રાખાયત ઉદાસ રહેતો તથા દિવસે ને દિવસે દૂબળો પડતો જોઇને તેની બહેન સૂરજદેવીને બહુ ચિંતા થવા લાગી. રાણીએ એક દિવસ રાણાજી ને વાત કરી. પછી રાણા ભાણજીએ રાખાયતને પોતાની પાસે  બોલાવ્યો ને પૂછયું. -”રાખાયત ! તારૂ શરીર સુકાઈ ગયુ છે હસતા પણ નથી તને દુઃખ શું છે ?”

રાખાયત– ”કહેવાથી કાંઇ ફળ નથી. એ દુઃખ કોઇથી મટાડી શકાય તેવું નથી.”

રાણાશ્રી-” હુ મારા કૂળધર્મના સોગંનથી કહું છું કે તારૂ દુઃખ હું મટાડીશ. 

બહુ આગ્રહ થતાં છેલ્લે રાખાયેતે શરમાતે શરમાતે  સોનને પરણવાની પોતાની ઇચ્છા પ્રગટ કરી. રાણા આ અપૂર્વ માગણી સાંભળી દિંગ બની  જાય એમા નવાઇ શી ? કંસારાપુત્રી સાથે વિવાહ ન કરવાને રાણાશ્રીને તથા સૂરજદેએ રાખાયતને ઘણોજ સમજાવ્યો. પણ તે તો એક ટળી બીજો ન થયો. 

અંતે રાજાએ સોગંધ ખાધેલ હોવાથી કંસારાને બોલાવી તેની કન્યાનું રાખાયત માટે માગું કર્યું. કંસારે પહેલાં તો ઘણી આનાકાની કરી. પણ રાજસતા આગળ તેનું  શું ચાલે ? છેલ્લે તે પરણાવવા રાજી થયો. ઇશ્વની કેવી લીલા છે. એક રાજાને ત્યા સોનનો જન્મ થયો. અને રાજાને ત્યા જન્મલીધા પછી પણ ગરીબ કંસારાને ત્યા ઉછરવું ? અને ગરીબ ઘરમાં ઉછરવા છતા રાજકુમાર સાથે લગ્નસંબંધ જોડાવો ? ઇશ્વરની લીલા તેજ જાણી શકે ! 

લગ્નની તૈયારી થઇ અગ્નીમાં હોમ કરાવે છે. પહેલું મંગળ ફરે છે. એજ વિધિએ બીજુ. ત્રીજુ મંગળ ફરે છે. ને એમ ચોથું મંગળ ફરી  વિવાહ -વિધિ પૂરી કરશે એમ સૌ ધારે છે. પણ પ્રભુની શી ઇચ્છા છે ? એ તો તેજ જાણે છે. અને અચાનક હોકારા, પડકારા ને બુબાબુમ થવા લાગી. બધા નાસભાગ કેમ કરવા લાગ્યાં ? મંગળ ગાતી માનનીઓ પણ ગાવું છોડી અચાનક કેમ નાઠી ? વિવાહમાં આ વિધ્ન શું આવ્યું ?

 રાખાયતને ખબરપડી કે કોઇ ગાયોનુ ધણ વાળી ગયું છે. અને એ પણ ખબરપડી કે ધણ વાળવા વાળા તેમના ભાઇઓ જ છે. એક કંસારાની પુત્રી હારે રખાયત લગ્ન કરતો હતો તે તેમના ભાઇઓને ઓઢો ને જખરો બાબરીઓ લશ્કર સાથે ઘુમલી તરફ આવ્યા. ને વિવાહમાં વિધ્ન નાંખવા તેમણે ત્યાંની ગાયોનું ધણ વાળ્યું. 

 રાખાયત ખરેખરો શૂરવીર હતો. અને તે ગાયોના ધણને વાળવા જવા ચાલ્યો. તેણે વરમાળાને ગળામાંથી દૂર કરી. ને જે હંસલે ઘોડે બેસી પોતે પરણવાને આવેલો હતો; તેજ ઘોડે બેસી તે શત્રુ સામે જવા ઘોડા ઉપર ચડવા લાગ્યો સાસુ સસરાએ તેમજ પરણાવનારા  બ્રાહ્મણોએ લગ્નવિધિ પૂરો થાય ત્યાં લગી રોકાવાને ઘણી વિનતિ કરી. પણ સઘળું મિથ્યા ? 

એ વીર તો છલંગ મારી ઘોડાપર ચડી બેઠો. તેનો મસ્ત ઘોડો પણ શૂરાતનના આવેશમાં છલંગો મારવા લાગ્યો ત્યારે તે યુદ્ધ મા વીરગતી પામ્યો. 

રાણા ભાણજી સાથે બીજી એક કથા છે કે તે સોનકંસારી ના પ્રેમ મા પડીને સોન ઉપર અત્યાચાર કરે છે. તેથી સોન પોતાનો બચાવ કરવા થાનકી બ્રાહ્મણ ના શરણે જાય છે પછી ભાણજી જેઠવા બ્રાહ્મણો વચ્ચે લડાઈ થાઇ છે જેમા સવામણ જનોઇ  થાય એટલા બ્રાહ્મણો મુત્યુ પામે છે.

  ધાર્મિક રાજા ભાણજી જેઠવાએ આ પવિત્ર સ્ત્રીનું નામ રાખવાને તે સતી થઇ ત્યાં દહેરાં ને તળાવ બંધાવ્યાં. જે સોનને સતી થતાં અટકાવ્યાનું ફુટનોટની વાર્તામાં દર્શાવેલું ખરૂં કારણ ન જણાવાથી કેટલાક ઇતિહાસ લેખકો અવળે રસ્તે દોરાયા છે. ને રાણાનો સોન પર અત્યાચાર થયો” એવી કથાઓ લખી ગયા છે.

 પણ રાણા ભાણજી જેવા ધાર્મિક રાજાના સંબંધમાં એ વાત અસંભવિત ને અસત્ય લાગે છે; વળી રાણાજીએ સોનની યાદગીરી માટે તેની દહેરાં બંધાવ્યા છે તથા તળાવ ખોદાવેલું છે તે તેના પ્રવિત્રતા ના સાક્ષી છે. ” કંસારીના દહેરા ”  ને ”કંસારી તળાવ ” ને નામે હજુ પણ વેણુ ડુંગર પાસે હાલ પણ છે.

  સોન કંસારી અને રાખાયતના દુહાઓ સાથે વીસ્તાર  કથા હનુમાનવંશી જેઠવા રાજપુત શૌર્ય ગાથા મા વર્ણન કરેલ છે.

સંદર્ભ 

હનુમાનવંશી જેઠવા રાજપુત શૌર્ય ગાથા 

લે. વીરદેવસિંહ જેઠવા 

રાજપૂતોની વીરગાથા : દોલત ભટ્ટ

રાજપૂતોની વીરગાથા : બે કન્યાઓના રક્ષણ માટે કુંડલામા ઘોર રણસંગ્રામ ખેલાણો

વીરાંગના પાનબાઈ

પાનબાઈ – ગાયોને બચાવવા ડફેરો સામે ધિંગાણે ચડેલી વીરાંગના

1 thought on “સોન કંસારીનો શ્રાપ અને ઘુમલીના વિનાશનો ઈતિહાસ”

  1. Pingback: રોટલો દેવા નું નીમ : ઝવેરચંદ મેઘાણી - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *