Skip to content

રાજપૂતોની વીરગાથા : બે કન્યાઓના રક્ષણ માટે કુંડલામા ઘોર રણસંગ્રામ ખેલાણો

રાજપૂતોની વીરગાથા : દોલત ભટ્ટ
4475 Views

દોલત ભટ્ટ દ્વારા લખાયેલ રાજપૂતોની વીરગાથા આ લોકકથા છે, જેમા બે રાજ કન્યાઓના રખોપા માટે કુંડલામાં ઘોર રણસંગ્રામ ખેલાયો હતો અને આશરે આવેલ ક્ન્યાઓનુ રક્ષણ કર્યુ હતુ, વાંચો રાજપૂતોની વીરગાથા. Rajputo ni veergatha Dolat Bhatt.  Dolat bhatt Books Dharati no dhabkar pdf, Gujarat ni Rasdhar pdf, Prit na Padagha

રાજપૂતોની વીરગાથા

પાલીતાણાના ધણી હમીરજી ગોહિલને બે પુત્રીઓ બેય રાજકન્યાઓમાં અંગ માથે અથાક રૂપ પથરાણાં છે. બ્રહ્માના બગીચાની ડોલરની કળીઓ જેવી કન્યાની કાયા માથે કોઈની નજરમાં સમાય નહીં એવી નખશીખ નમણાઈ નીતરે છે. એક દી ઓજલ પડદા આડેથી વાત સરી ગઈ કે બેય રાજકન્યાઓ પદમણી છે.

કોઈ દુષ્ટ માણસે જઈને જુનાગઢના નવાબની કાન ભંભેરણી કરી કે અન્નદાતા પદમણી તો તમારા જનાનખાનામાં શોભે. નવાબ કહે હું માનું નહી મારે ગળે વાત ઉતરતી નથી.

પદમણી કેને કેવાય જાણે?

હા અન્નદાતા પરવરદિગાર જાણું છું કે જેના ઉતારેલા નખ તડકે મુકો ને મીણની જેમ ઓગળવા માંડે એનું નામ પદમણી.

ખાતરી શું?

કરાવી આપું.. કહીને માણસ પાછો વળ્યો.

કહે છે કે કોઈ દુષ્ટ માણસ હજામનો વેષ ધારણ કરી પાલીતાણાના રાજદરબારમાં દાખલ થયો અને બન્ને રાજકન્યાના નખ ઉતારી વળી નીકળ્યો. જુનાગઢની શાહી કચેરીમાં જઈને કોઈ ઝવેરી હીરામાણેકની પોટલી જેટલાં જતનથી મુકે એથીયે અદકેરાં જતનથી નખની પોટલી મુકી. નખ તડકે મુકાણાં. પલકવારમાં પીગળી ગયા.
પદમણી સાચી..

નવાબનો હુકમ છુટયો કે રાજકન્યાઓ મને પરણાવો. નવાબની ફોજ પહોંચે ઈ પેલા ગોહીલ સાબદા થઈ ગયા. બેય રાજકન્યાઓને વેલડું જોડાવી બેસારી પાલીતાણાથી રવાના કરી દીધી. પોતે હથિયાર ધારણ કર્યા.

વેલડું ગામેગામ ફરવા માંડયું. કોઈ હાથ ઝાલો, પણ આ તો સોરઠ સરકારનો શિકાર કોણ સંઘરે?

ફરતી ફરતી વેલ કુંડલે પુગી, કુંડલા ગામને ચોરે બોતેર શાખાના બંકા બાબરીયાનો ડાયરો બેઠો છે. કહુંબા ઘુંટાય છે. ડાયરામાં ત્રીજી કણ્યે પુગેલો ડુંઘો કરે છે. ચોરા પાસે વેલડું પુગતાં જ પુછયું કોનું વેલડુ?

મોતનું વેલડું.

જવાબ સાંભળતાં જ દેવો કોટિલો ગર્જર્યો અમે વેલડું છોડાવશું પણ..

હવે પણ ને બણ.. બેય દીકરીયું અમારી પેટની દીકરીયું થઈ. હવે ડગ ભરવા દઈએ તો કોટિલાને કપાળે કાળી ટીલી બેહે.. પણ પછવાડે વાર આવી પુગી કે પૂગશે કોની? નવાબની ભલે આવે. મરી મટશું, પાલીતાણાથી જુતેલું વેલડું કુંડલાના કોટીલાના હાથે છુટયું

ત્યાં તો બાગડદા.. બાગડદા.. કરતાં ફોજના ઘોડા પુગ્યા. નવાબના નેજા ફરકયા. દેવા કોટીલાના નવાણું લાખ રૂંવાડા અવળાં થઈ ગયા. આંખ્યમાં કોઈએ મુઠી ભરીને સિંદુર ઠાલવ્યો હોય એવો રંગ ઘુંટાઈ ગયો. કડેડાટ કરતો કોટીલો ડાયરો બેઠો થઈ ગયો. તલવાર, ભાલા, બરછી હાથ ધરાઈ ગયા.

ઓથ લેવાને કોઈ ડુંગરો મળે તો રંગ થઈ જાય પુગ્યા પડખેનાં ભરોસા નામના નાનકડાં ડુંગરા માથે. બોતેરેય શાખાનાં બાબરીયાઓએ નવાબની ફોજ સામે બાથ ભરી. ઘોર રણસંગ્રામ ખેલાણો. સામસામી તરવારૂની મંડી બટાઝટી બોલાવા.

દેવ જેવો દેવો કોટીલો આજ દુશ્મનોનો દૈત્ય બની બેઠો. દુશ્મનોનાં માથાં ડુંગર માથેથી દડવા લાગ્યા. લોહીનાં ધોરીયા વહેવા માંડયા. કોઈના હાથ, કોઈના માથા, કોઈના પગ ઠેબે આવવા માંડયા. ઘોર ધીંગાણામાં બાબરીયાની બોતેર શાખમાંથી સાત શાખાઓ સમુળી ખપી ગઈ. બીજી શાખાઓમાં ઘોડીએ સૂતેલા છોકરા સિવાય કોઈ ઉગર્યું નહીં. પણ આશરે આવેલી દીકરીયુંને ઉગારી દેવા કોટીલો દેવના ડાયરામાં જઈને બેઠો.

આવા દેવા દહીવાણ નામના કોટીલા રાજપૂતની વીરગાથા રચાણી.

✍ ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

વીરાંગના પાનબાઈ
વીરાંગના પાનબાઈ – ધરતીનો ધબકાર દોલત ભટ્ટ

લેખક દોલત ભટ્ટ દ્વારા લખેલ પુસ્તક ધરતીનો ધબકાર માથી લેવામા આવી છે, દોલત ભટ્ટના અન્ય પુસ્તકો પ્રીતના પડઘા, ગુજરાતની રસધાર, વહાલપના વેણ, છેલભાઇ શૌર્યમાળા, સમાજના શ્રેષ્ઠીઓ છે.

કદર ધોરણ 5 ગુજરાતી

કદર ધોરણ 5 ગુજરાતી | વાલા કેસરિયા ની સત્યઘટના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *