6459 Views
પન્નાલાલ પટેલની હ્રદયસ્પર્શી વાર્તા સુખ દુઃખનાં સાથી, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, પન્નાલાલ પટેલની કૃતિઓમાં મળેલા જીવ, માનવીની ભવાઈ, વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની, જાનપદી, ભાંગ્યા ના ભેરૂ ,ઘમ્મર વલોણું, પાછલા બારણે, નવું લોહી, વગેરે નવલકથાઓ છે,
પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ – (નવલિકા) – સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ,પાનેતરમાં રંગ,વટ નો કટકો, મનનાં મોરલાં, વાત્રક ને કાંઠે, ચીતરેલી દીવાલો,પીઠીનું પડીકું, જીંદગી ના ખેલ.
સુખ દુઃખનાં સાથી
‘કોઈ આંધળીને પાઈપૈસો આપો, માબાપ!’ ફૂટપાથની ધાર પર બેસી એક બાઈ પોકારી રહી હતી.
‘માબાપ, કોઈ લૂલાંલંગડાં પર દિયા કરો, બાપ!’ બાજુમાંથી એક, બેઉ પગે લંગડાનો અવાજ આવ્યો.
‘કુણ જાણે નખ્ખોદિયાં ક્યાંથી ટળે છે? જ્યાં જાઉં છું ત્યાં કેડે ને કેડે…’ બબડતી પેલી આંધળી બાઈ ઊઠી અને દીવાલનો ભોમિયો બનાવી ચાલવા લાગી.
‘એ બેસ બસ. હું જાઉં છું.’ પેલા અપંગે ઢસડાતાં કહ્યું.
‘તારા બાપનો રસ્તો છે?’ – એને બદલે, આવું કહેનાર આ પહેલું જ માણસ સાંભળતાં, તે બાઈને મશ્કરી લાગી. આસ્તે આસ્તે ચાલતાં તેણે કહ્યું : ‘જવું’તું ત્યારે તારું મૂળ જવા અહીં પાસે ઘલાણો’તો?’
‘ના, ના, ખરું કહું છું, બેસ’, લંગડાએ કહ્યું અને પછી હસતાં હસતાં ઉમેર્યું, ‘અમથું ગયેલા મૂળનું મૂળ શું કામ કાઢે છે?’ એટલામાં રસ્તે જતા એક ધાર્મિક માણસને દેખતાં એનો અન્નપૂર્ણા જેવો વાડકો ધરતાં બોલી પડ્યો : ‘લંગડાને કોઈ આલો, માબાપ!’
‘આંધળીને પાઈ પૈસો આલો, માબાપ!’ કહી બાઈએ પણ ઝટ પીઠ ફેરવતાં વાડકો ધર્યો; પેલા શેઠે લંગડાના વાડકામાં પાઈ નાખી. ખણખણાટ સાંભળતાં પાછી પેલી બાઈ આર્જવી રહી. શેઠને ચાલી જતા જોઈ લંગડાએ ભલામણ કરી : ‘આ આંધળીને આલતા જાઓ, શેઠ!’
શેઠને દયા આવી અને પાછા ખિસ્સામાંથી પાઈ કાઢતાં કાઢતાં પૂછ્યું : ‘અલ્યા, તારી બૈરી છે?’
‘હઆં માબાપ!’ લંગડાથી બોલી જવાયું, અને પેલી બાઈ કાંઈ કહેવા જાય તે પહેલાં વાડકામાં કશુંક ખખડ્યું. શબ્દો જીભ પર જ રહ્યા. ગુસ્સો વાયરે ભળ્યો.
શેઠના ગયા કેડે, દૂર દૂર નજર દોડાવી લઈ લંગડાએ હજુ ઊભી રહેલી એ બાઈને વળી કહ્યું : ‘લે બેસ, હું જઉં છું.’
પેલી બાઈ બેઠી, અને લંગડાના ખસવાનો અવાજ આવતાં બોલી : ‘બેસ ને તુંય, કાંઈ મારા કરમમાંથી થોડું લઈ લેવાનો છે?’
‘પણ પાછી મૂળ કાઢે તો?’
‘તું તો કે’તો’તો ને મૂળ ‘રે’વા સરખું તો કોઈ નથી?’ સહેજ મોં મલકાવતાં બાઈ બોલી, અને પછી પેલા શેઠને કહેલું યાદ આવતાં મોં ચઢાવી ઉમેર્યું : ‘જો પાછો પેલા શેઠને કહ્યું એવું ફરી કે’તો?’
‘અરે ગાંડી, એમ કહ્યું તો પાઈ મળી, એમાં તારું શું ગયું?’
બાઈએ તેના તરફ ફક્ત ડોકું ફેરવ્યું. લંગડાએ એની નાચતી પાંપણો પરથી પારખ્યું કે એ અંધ આંખોમાં મોહિની છે.
પછી પેલીએ એનું કામ શરૂ કર્યું : ‘આંધળીની કોઈ દિયા કરો માબાપ. કોઈ પાઈ પૈસો …’
‘શું કામ મોઢું દુખાડે છે? કોઈ આવતું હશે તો હું કાંઈ નહીં બોલું? એટલે તુંય બોલજે.’
બાઈને પણ એ વાત ગમી. છતાંય રોજની ટેવ પ્રમાણે બોલી જવાતું હતું. અને જ્યારે પેલો લંગડો બોલતો ત્યારે વળી બમણા વેગે બોલતી.
એમ કરતાં અંધારું પડ્યું. પેલી બાઈ ઊઠી ચાલવા લાગી.
‘ક્યાં જઈશ? તારે ક્યાંય ઠામઠેકાણું છે?’ લંગડાએ પૂછ્યું.
‘તારે શી પંચાત? જઈશ મારે જ્યાં જતી હઈશ ત્યાં. ભિખારીને વળી ઠામઠેકાણાં શાં?’ ચાલતાં ચાલતાં તે બોલી. પેલાના જવાબની આશા હતી, પણ વ્યર્થ ગઈ.
લંગડો કંઈ ન બોલ્યો. તેણે પણ હમણાં બેચાર દિવસથી ગણેલા નવા ઘર તરફ સરકવા માંડ્યું.
બીજે દિવસ સૂર્યના આવતા પહેલાં લંગડો પેલે ઠેકાણે આવી બેઠો. અને પેલી બાઈની પ્રતીક્ષા કરવા લાગ્યો. થોડી વાર કેડે દૂરથી તે બાઈ આવતી દેખાઈ. લંગડાએ બમણા વેગે ઘાંટો પાડ્યો : ‘કોઈ દિયા કરો રે શેઠ! કોઈ લંગડાને પાઈ પૈસો…’
પેલી બાઈ પણ તેનાથી થોડે છેટે બેસી દયાળુઓને આર્જવી રહી.
બપોર ચડ્યે, ઘરાકોની અવરજવર ઓછી થતાં, લંગડાએ તો બાઈ તરફ સરકતાં પૂછ્યું : ‘કેટલા પૈસા આવ્યા?’
‘એક આનો ને બે પાઈ. તારે કેટલા થયા?’ બાઈએ પૂછ્યું.
‘મારે તો એક આનામાંય બે પાઈ ઘટે છે.’ એટલામાં તો લંગડો છેક પાસે આવી લાગ્યો હતો.
થોડી વાર ચુપકીદી છવાઈ.
‘તારું નામ શું?’ લંગડાએ પૂછ્યું.
‘તારે શું કામ છે! તારું નામ કે’ને!’
‘મારું નામ તો ચમનો.’
‘ત્યારે મારું નામ જમની.’ કહી જમનીએ તેના તરફ મોં ફેરવ્યું.
ચમને જમનીના મોં પર હાસ્ય જોઈ હિંમત કરી કહ્યું : ‘જમની કરતાં ચમની નામ રાખ.’
‘તારું જ જમનો રાખ ને!’
એટલામાં ચમને બે-ચાર ઘરાક જેવા આવતા ભાળી બોલવા માંડ્યું : ‘લંગડાને કોઈ…’
‘આંધળીને કોઈ…!’ જમનીએ પણ બોલવા માંડ્યું.
બપોર નમતાં બેઉ જણે બબ્બે પૈસાના ચણા લઈ લારીવાળાને ખટાવ્યો.
સાંજ પડતાં પાછો હિસાબકિતાબ કર્યો અને જવાની તૈયારી કરી. જતાં જતાં ચમને પૂછ્યું : ‘કાલે અગ્યારસ છે. ભદરકાળી માતાએ આવીશ?’
‘હું શી રીતે આવું? ક્યાંય ભૂલી પડું તો?’
‘તું અહીં આવજે, પછી આપણે બેય જઈશું.’
‘સારું.’ કહી જમનીએ ચાલવા માંડ્યું.
બેઉના ઉપર કાળનો કુહાડો તો બહુ નહોતો ફર્યો; હશે, અઠ્ઠાવીસ-ત્રીસની આજુબાજુ. પણ ભૂખના કુહાડાએ અંગને વેરણછેરણ કરી નાખ્યું હતું.
પાછો દિવસ ઊગ્યો, ને લંગડો તે રસ્તા ઉપર આવી જમનીની રાહ જોતો બેઠો. થોડી વાર કેડે જમની પણ આવી લાગી.
‘જો, મારી પાછળ આવ્યા કર.’ કહી ચમન ખસવા લાગ્યો. રોજ જે રસ્તો કાપતાં ઘણી વાર થતી, તે આજ તેનાથી ઝટ ઝટ કપાઈ જતો હતો – આજ એને ચાલ પર કાબૂ રાખવો પડ્યો. રસ્તામાં ઊતરવાનું કે ચડવાનું આવતું તો ચમન જમનીને ચેતવતો : ‘જોજે ઢાળ છે’. ‘એ અહીં ચડવાનું છે.’ વળી કોઈ મોટર કે ઘોડાગાડી રસ્તો ઓળંગતાં દેખાતી તોપણ બોલી ઊઠતો : ‘જમની, ઊભી રે’, મોટર આવે છે.’ અને એમ કરતાં કરતાં બેઉ જણે ધારેલે ઠેકાણે આવી, માતાને આંગણે ધૂણી ધખાવી : ‘માબાપ! કોઈ…!’
સાંજ પડવા આવતાં, બેઉ જણ ઊઠ્યાં. આજ એમનામાં સારી કમાણીનો ઉલ્લાસ હતો તેમાંય જમનીને વધારે.
‘પેલી જગા આવતાં કે’જે પાછો હોં!’ જમનીએ કહ્યું.
વીજળીના ગોળા, પોતાનાં અંતર બાળી બાળી રસ્તાઓને ઝળહળાવી રહ્યા. ચમને રસ્તાની આજુબાજુ ઘૂઘવતા અંધારાને જોઈ રાત પડતી જાણી; જમનીએ વાતાવરણની બોલચાલ ઉપરથી રાત પડતી માની.
જમનીના અંતરમાં આથી આછી ફડક હતી : ‘ચમનો ક્યાંય અવળી દિશાએ ન દોરી જતો હોય!’ અને સવારના કાપેલા રસ્તાનું માપ કાઢતાં ઘડી ઘડી હાથને ભીંત તરફ લંબાવી ખાતરી કરી જોતી : ‘પેલી ભીંત આવી કે નહીં?!’
‘આ તારી હદ આવી, જમની! તું નિત આ મેરથી જ આવતી’તી.’
‘હઆં, બરોબર આ જ.’ જમનીએ ઊભા રહી દીવાલને આંગળીઓથી જ જોઈ કહ્યું અને મગજમાંના એના નિતના રસ્તાનો નકશો પણ વિચારી રહી. વળી આ માતાના રસ્તાનો નકશો પણ ચીતરી લેવા ઓછોવત્તો પ્રયત્ન કરવા લાગી. એટલામાં ચમનનો અવાજ આવ્યો. ‘જમની! તું ક્યાં પડી રે’ છે? સારી જગા ન હોય તો મેં એક સારું ઠેકાણું ખોળી કાઢ્યું છે, ત્યાં નથી કોઈ ભિખારી વિતાડે એવું કે નથી પોલીસવાળા છેડે એવું.’
અને જમનીને ચૂપ રહેલી જોઈ પાછું પૂછ્યું : ‘લે હીંડ, આવે છે?’
જમનીએ ફૂટપાથની એક દીવાલે સોડે ઝાડનાં બે જબરાં થડિયાં, એની વચ્ચે સૂઈ રહે એટલી જગ્યા, થોડે છેટે પાણીનો નળ, એમ પોતાના ઘર તથા લત્તાનું સ્મરણ કર્યું. વળી અખંડરાત જાગતાની સાક્ષી પૂરતાં ભસ્યાં કરતાં બે કૂતરાં યાદ કર્યાં. તેને જવું ન ગમ્યું. ‘ના, મારે તો સારી જગા છે.’
‘તો તું જાણે, બાકી આ જગા સારી હતી.’ ચમન ઉદાસ થતાં બોલ્યો. અને પછી ઘસડાવા માંડતાં કહ્યું : ‘જા, તો.’
જમની ચમનની ઉદાસી સમજી ગઈ. તેને પણ બેઉ પગે લૂલો જાણેલો અને અવાજથી કલ્પેલો ચમન છોડી જવો આજ નહોતો ગમતો. આખરે પોતાને પંથે પડતાં જમનીએ પૂછ્યું : ‘કાલ આવીશ ને?’
‘પાછી તું ભાંડશે તો?’
‘એવું ન બોલતો હોય તો! મેં ક્યારે તને ભાંડ્યો છે?’ મોં પર બનાવટી રોષ હતો.
‘સારું, જા.’ ચમને હસતાં હસતાં કહ્યું અને પછી વૃક્ષ નીચેના પોતાના ઘરને ગળે કોઈ ન પડી ગયું હોય એ ફિકરે હાથની ફંગાળો ભરતો સરકવા માંડ્યો.
ઉનાળાનો સમય હતો એટલે બેઉને બિસ્તરાની પીડા ઓછી હતી.
પછી તો રોજ જમની તથા ચમન એ રસ્તા પર બેસતાં અને નવરાશની ઘડીએ વાતોચીતોપણ કરતાં.
એક દિવસ જમની પોકારી રહી હતી : ‘માબાપ! કોઈ…’ એટલામાં વાડકામાં કંઈક ખખડ્યું. જમનીએ હાથ ફેરવી જોતાં અને પાઈપૈસાને બદલે કાંકરી હાથ આવતાં બાજુમાં બેઠેલા ચમનને છૂટી મારતાં કહ્યું : ‘ચાળાનો ભરેલો ન દીઠો હોય તો!’ અને અવળી દિશામાં ચમનને ખડખડાટ હસતો સાંભળી બોલી : ‘આવજે મારી પાસે હવે!’ ચમન તો હસતો જ હતો.
આજે જમનીનું અક્ષયપાત્ર રૂઠ્યું હતું. સાંજ પડતાં ફક્ત ચાર પાઈ મળી હતી. સાલ્લાની પાલવતિજોરીએ બાંધેલા ચાર આનામાંથી ખાવું પડશે એ વિચારે તે ઉદાસ હતી. ચમનને પણ આજ પૈસો જ મળ્યો હતો, પણ તેની પાસે અકબંધ પડેલા બે રૂપિયાનો તેને તો ગરમાવો હતો.
‘લે ચાલ, વેળા થઈ, જવું નથી?’ ચમને પૂછ્યું.
‘બેસ ને! કોઈ દિયાળુ આવે તો.’ જમની બોલી.
ચમન જમનીની ઉદાસીનું કારણ કળી ગયો.
એવામાં જમનીના કાને બૂટનો ખડખડાટ સાંભળ્યો. ‘કોઈ આંધળીને આપો, માબાપ!’
છાલામાં કંઈક પડતું સાંભળી ‘જીવતા રો’ શેઠ, ભગવાન તમારો વેલો વધારો.’ અને છાલામાંથી પૈસો હાથ આવતાં મોં પર આનંદ નાચી રહ્યો.
‘જમની વેલો તો શેં વધે. મૂળમાં બૈરું જ ન હોય પછી? ભગવાન બૈરું આલે એમ કે.’ કહી ચમન હસવા લાગ્યો.
જમની, સમજી ગઈ. પેલા બૂટ તો સીધા જ જતા સાંભળ્યા હતા. માન ન માન, પણ કારસ્તાન ચમનનાં જ છે, વિચારી બોલી : ‘લે આ તારો પૈસો.’
‘પૈસાને શું કરું? મારે તો બૈરું મળે એવો આશરવાદ જોઈએ છે.’
‘એય મળશે, લે.’ ચમન તરફ પૈસો ધરેલો હાથ એમ ને એમ રાખી જમની બોલી.
‘દાનમાં દીધેલું પાછું ન લેવાય.’
‘ઊંહું, તારે લેવો જ પડશે.’
‘એક શરત કબૂલે તો લઉં.’ ચમને સહેજ પાસે ખસતાં કહ્યું.
આલમને આંગણે અંધારાં ઘૂઘવતાં હતાં, પણ બેમાંથી એકેને ભાન નહોતું.
‘શું?’ જમનીએ ઇંતેજારી દર્શાવતા અવાજે પૂછ્યું.
‘તું આજ મારે ઘેર પરુણી થાય તો.’ ચમને છાતી પર હાથ રાખી કહ્યું.
જમની વિચારમાં પડી અને થોડી વાર પછી બોલી : ‘તો તું જ મારી હારે હીંડ ને!’
‘આવી જગા ત્યાં નહીં હોય, જમની! અહીંથી ઘણું છેટું નથી. આ હવેલીઓથી થોડે વેગળે ઉઘાડામાં એક લીમડો છે. કોઈયે નામ લે એવું નથી ત્યાં.’ અને થોડી વાર છાના રહી પાછું ચલાવ્યું : ‘આજ ન ગોઠે તો કાલ ન આવતી.’
‘લે હીંડ ત્યારે.’ કહી જમની ઊઠી.
ચમનનું હૈયું થનગની ઊઠ્યું – ભક્તને ઘેર જાણે ભગવાન આવતા હોય એમ.
‘ઊભી રે’, થોડાં ભજિયાં લઈ લઈએ. તું અહીં ઊભી રે’જે. હું તો આમ આવ્યો.’ હાથોના ઠેકડા ભરતો ચમન બોલ્યો અને નજીકની હોટલમાંથી શેર ભજિયાં લઈ, ખભે વીંટાળેલા કપડાએ ગાંઠ મારી, ઘડીકમાં પાછો ફર્યો.
‘લે, ચાલ,’ ચમન આગળ થતાં બોલ્યો. પાછળ અવાજની લાકડીએ જમની દોરાઈ.
ચમનનું ઘર આવી પહોંચ્યું. તેનું ઘર ધરતીમાતાએ અંતરનાં અમી પાઈ ઉછેર્યું હતું. કુદરતે આછી આછી પાંદડીએ છાયું હતું. અનિલ સદાય જેને હસાડ્યા-રમાડ્યા કરતો હતો અને રોગ જેનાથી તોબા પોકારતો હતો – એવા એ લીમડા નીચે હતું. ચારેબાજુ મેદાનનું ખુલ્લું આંગણું હતું. નીચે સદાય પડી ને પાથરી રહેતી ધૂળની પથારી પર ઠરતાં ચમને જમનીને કહ્યું : ‘બેસ.’
પછી ભજિયાં છોડી બેઉ જણ ખાવા લાગ્યાં. જમનીની ભૂખ આજ ક્યાંય મૂઠીઓ વાળી ગઈ હતી. પણ ભજિયાંના સ્વાદે થોડીક તાજી કરી. તેણે હાથ ફેરવતાં પૂછ્યું : ‘તું તો ખાય છે કે નથી ખાતો?’
‘ખઉં છું ને?’ ચમને જમનીના હાથને અડે એમ ભજિયું લેતાં કહ્યું. એને તો આજ જાણે જીવતરની ભૂખ ભાંગી હોય એવું હતું.
થોડી વાર પછી પાછી જમની બોલી : ‘લુચ્ચો! ભજિયાં તો એટલાં ને એટલાં લાગે છે.’ અને ચમનને ‘ના, ના, ખાઉં છું ને?’ કહેતો સાંભળી પૂછ્યું, ‘ખા જો મારા સમ?’ પણ જ્યારે ચમન કાંઈ ન બોલ્યો ત્યારે, ‘એમ નહીં, અડધોઅડધ ભાગ પાડીએ.’ કહી બેઉ હાથે ભાગ પાડી પોતાનાં ભજિયાં પર એક હાથ મૂકી ખાવા લાગી.
‘તેં તો ઓછાં લીધાં!’
‘મારે વધારે નથી ખાવાં.’ જમનીએ કહ્યું.
ખાઈ પરવાર્યા કેડે ચમન જમનીને થોડેક દૂર આવેલા નળે દોરી ગયો. બેઉ જણ પાણી પી પાછાં ફર્યાં અને આડાં પડી મોડી રાત સુધી વાતો કરતાં કરતાં ઊંઘી ગયાં.
પછી તો જમની તથા ચમન સાથે જ માગવા જતાં, સાથે જ ખાતાં અને સાથે જ રહેવા લાગ્યાં.
ચોમાસું શરૂ થઈ ગયું હતું. ચમનને ઘર બદલવાની જરૂર જણાઈ. તું બેસ, હું જરા કોઈ સારું ઠેકાણું જોઈ આવું.’ કહી ચમન બેઉ હાથ વચ્ચે શરીર ઝુલાવતો નીકળ્યો.
‘જો ક્યાંય બહુ છેટે ન જતો. પાછો થાકી જઈશ. ને ઝટ પાછો વળજે.’ જમનીએ કહ્યું અને પાછી ઘરાકોની દયા યાચી રહી.
ચમન મોડેથી, ઘર ખોળી આવી લાગ્યો અને થોડી વાર પછી ગગનનો આગગોળો ક્ષિતિજના જડબામાં અદૃશ્ય થતાં બેઉ ઊઠ્યાં.
થોડેક ગયા કેડે દૂરથી લૉજ જોઈ ચમનના મોંમાં પાણી વળ્યું. ‘જમની! બે પૈસા મારી પાસે છે. જો એક આનો આલે તો દાળભાત લાવત. ઘણા દન થયા, આજ સવાદ થયો’તો.’
ભેગાં રહ્યાં કેડે બેઉની લક્ષ્મી જમનીના સાલ્લાને છેડે રહેતી.
‘તે લે ને, ના કોણે કહી? પણ લાવીશ શામાં?’
‘એક શકોરું મેં સંતાડી રાખ્યું છે. એ વીશીની પાસે ગટરના બાકોરામાં. તું ન’તી ત્યારે કો’ક કો’ક દન ત્યાં ખાઈ આવતો.’
‘પણ તને લાવતાં શી રીતે ફાવશે? લે હીંડ, હુંય આવું.’ જમની બોલી.
વીશી પાસે જતાં ચમને, ફૂટપાથની કિનારી નીચે પાણી જવાના બાકોરામાંથી શકોરું કાઢી એક છોકરાને કહ્યું : ‘ભાઈ! એક છ પૈસાના દાળભાત આપો ને!’
થોડી વાર પછી છોકરો દાળભાત નાખવા આવ્યો.
‘શાક નથી લાવ્યા, ભાઈસા’બ?’ ચમને ખાલી દાળભાત જોઈ પૂછ્યું.
‘લેવા હોય તો લે, નહીં તો ચાલતો થા. સાલી ભિખારીની જાત ને સ્વાદ તો જુઓ!’ થડે બેઠેલા શેઠ બોલ્યા.
ચમને વાટલું ધર્યું.
‘અલ્યા, પૈસા લીધા?’ શેઠે પૂછ્યું.
છોકરાએ પહેલાં પૈસા મુકાવ્યા અને પછી દાળભાત વાટલામાં નાખી, પૈસા લઈ ચાલતો થયો. ચમન-જમનીનું રગશિયું ગાડું પણ ચાલવા માંડ્યું.
‘હવે પડવા દે ને? દાળભાતમાં ઉમેરો થશે. ક્યાંય પડી-બડી જઈશ.’ અને વરસાદનાં ફોરાંને ટાળવા શકોરા પર પાલવ ઢાંકતી જમનીને કહ્યું.
એક દીવાલ પર નાગની ફેણ માફક ઝૂકેલા વૃક્ષ નીચે ઠરતાં ચમન બોલ્યો : ‘બેસ જો. અહીં છાંટોય પડે છે?’
‘સારું ખોળી કાઢ્યું છે! કોરુંકટ છે.’ જમનીએ બેસતાં કહ્યું.
‘મેં તો ગયે વર્ષે અહીં ચોમાસું ગાળ્યું’તું.’ ચમને કહ્યું. અને જમનીનો ખભો હલાવતાં ઉમેર્યું : ‘પણ એ વેળાએ જમની ન’તી. રાત તો જાણે કરડવા દોડતી.’ પછી બેઉ જણ, વચ્ચે વાટલું રાખી ખાવા વળ્યાં.
‘તું ભીંત બાજુ સૂઈ રહે’ જમનીએ ફૂટપાથની કિનાર તરફ ખસતા ચમનાને કહ્યું.
‘ના, એણી પા તું સૂઈ રહે.’ ચમને કહ્યું.
અને એમ કેટલીય રકઝક પછી જમની દીવાલ તરફ સૂતી. સોડમાં ચમન સૂતો.
એમ કરતાં દિવાળીના દિવસો આવ્યા. જમનીને ચમન પેલા રોજના ઠેકાણે મૂકી, બેઉ હાથના ઘોડા પર ચડી અલકમલકને મંદિરે ઘૂમી આવી. સુખિયા લોકોની દયાથી પાઈ પૈસો મેળવી એની મીઠાઈ લઈ સાંજે મુકામ પર જમનીને તેડી જઈ એની આગળ મૂકતો.
‘તું ખા ને!’ જમની કહેતી.
‘મેં તો ખાધું છે : તું ખા.’ કહી ચમન ના પાડતો.
‘ના, ખાધું હોય તોય ફરી વાર ખા, પણ એમ તો હું એકલી નહીં ખાઉં.’ અને આમ જ્યારે ચમનને ખાવું જ પડતું, ત્યારે જમની પાંપણો નચાવીને કહેતી, હું તને ન ઓળખતી હોઉં ત્યારે ને? પણ કાલથી તું ન જતો. ક્યાંય ફરવામાં ને ફરવામાં મોટર નીચે આવી જઈશ. બળ્યું એ ખાવું. જીભને તો જેટલા સવાદ કરીએ એટલા ઓછા.’
‘આ બે દન. પછી ક્યાંથી આવા ચચાર આના મળવાનાય છે. ને આવું ખાવાનાંય છીએ?’
‘મૂવું નહીં મળે તો! થોડું મળશે તો સોંઘું ખાઈશું.’
દિવાળીય પસાર થઈ ગઈ.
એક દિવસ રાતના ઠંડીનો ચમકારો જોઈ ચમને સોડમાં સૂતેલી જમનીને પૂછ્યું :
‘જમની! કેટલા પૈસા છે!’
‘બે રૂપિયા ને એક આઠ આની બંધક છે. બીજી થોડીક પાઈઓ છે. કેમ પૂછવું પડ્યું?’
‘કાલે શક્કરવારીમાંથી એક સાલ્લો ને ઘાઘરો લઈ આવું.’ અને પછી જમનીના અંગ પર નજર દોડાવતાં ઉમેર્યું : ‘જો ને તારાં લૂગડાં! કાઢ્યું હોય તો એક ગયણુંય સાબત ન નીકળે.’
‘ત્યારે તારે ક્યાં સાજાં છે?’ અને આડા પડેલા ચમનના શરીર પર હાથ ફેરવતાં ‘આ…આ, જેમતેમ ગાંઠો મારીને તો વેંઢારી રાખ્યાં છે.’
‘મારી વાત તો ઠીક છે.’
‘ના; લાવે તો બેયને સારુ લાવજે, નહીં તો નહીં પહેરું, હા!’ જમનીએ કહ્યું.
જમની તથા ચમન ઠંડીના ચમકારામાં દિવસ ઊગતા પહેલાં રોજના સ્થાને આવી બેઠાં હતાં. માતા ચડી હોય એમ શરીર કાંપતું હતું. મોં પોકારી રહ્યું હતું : ‘કોઈ દિયાળુ દિયા કરો રે, શેઠ!’ પણ દયાળુનાય શા ભોગ લાગ્યા હોય તે આવા વખતે ખિસ્સામાંથી હાથ બહાર કાઢે?
પેપરોવાળા ઝડપી ચાલથી ઠંડીને હંફાવતા પોકારી રહ્યા હતા : ‘ઠેર ઠેર પડેલાં હિમ! હિમે તારાજ થયેલો પાક…!’
‘આજ તો બહુ ટાઢ છે, જમની! ગોદડી વીંટી છે તોય કાળજું કાંપે છે!’ ચમને કડકડતી દાઢીએ વાત કરી.
‘તે અહીં મારે પડખે દબાઈને બેસ ને!’
‘ના રે ના, કોઈ પાઈ-પૈસો આપતું હોય તોય ન આપે.’ ચમને ભેગું હાસ્યને ભેળવ્યું.
‘તો ક્યાંક તાપમાં જઈને બેસ. હવે તો તાપ નીકળ્યો હશે!’ જમનીએ કહ્યું અને પોતે ઓઢેલી ચારશેરેક ગાભાની ગોદડી કાઢતાં બોલી : ‘લે, આ ગોદડી લેતો જા.’
‘અરે ના, તું રે’વા દે, પેલા તાપમાં જઈને બેસું છું.’ કહી ચમન સરકવા લાગ્યો. ધીમે ધીમે આજ હાથ ઊભા રહે તેમ નહોતું.
બપોર થવા આવ્યા તોય ચમનની ટાઢ ઊડી નહીં. જમનીને વહેમ પડ્યો, ‘કે પછી તાવ-વાબ આવ્યો છે?’ કહી ચમનના શરીરને હાથ અડાડતામાં બોલી પડી : ‘હાય હાય! શું ટાઢ ટાઢ કરે છે? ડિલ તો તાવે ધીખે છે!’
‘એ તો અમથું.’ ચમને જમનીના મોં પરથી ઊડી જતું લોહી જોતાં કહ્યું.
‘અમથું શું તારું કપાળ! લે આ ગોદડી ને સૂઈ જા ઓઢીને.’
ચમનથી આ વખત ના ન પાડી શકાઈ. ના પાડવી તેને યોગ્ય પણ ન લાગી : અને બેઉ ગોદડીઓ ઓઢી ભીંત સોડે ધ્રૂજતો લાંબો થયો.
જમનીએ વચ્ચે બેત્રણ વાર, ‘પાણી-બાણી પીવું છે? સોડા લાવી આપું?’ વગેરે પૂછી જોયું અને રોજની વેળા થતા પહેલાં, ચમનને આગળ કરી મુકામ પર આવી.
ચમનના શરીર પર તલ મૂકો તો તતડી જાય એવો તાવ હતો. જમનીએ તેને ભીંત સોડે સુવડાવી બેઉ ગોદડીઓ ઓઢાડી અને બીજી બાજુમાં આખી રાત જાગતી પડી રહી તેને હૂંફ આપ્યા કરી.
‘જમની, વેળા થઈ. તું જા.’ સવાર પડતાં ચમને કહ્યું.
‘તને આવો મેલીને?’ જમનીએ કહ્યું.
‘તું જા, જમની!’ હું તો અહીં સૂઈ રહીશ. મને કાંઈ નથી થવાનું, મારું તો ઠીક છે, પણ તું શું ખાઈશ? અધૂરામાં પૂરી કાલની ભૂખી છે. ઊઠ.’ કહી ચમને તેને ધકેલી.
જો ગોદડીઓ અને કપડાંમાં પૈસા ન ખર્ચી નાખ્યા હોત, તો જમની ન જાત; અને પેટને કાંઈ ઓછી લાજ-શરમ છે? વળી તે બેસી રહે તોય શું? થોડો કંઈ દવા-દારૂ કે શેક કરવાનો હતો? પણ તોય તેને ખસવાનું દિલ નહોતું થતું. આખરે જ્યારે ચમને મોંમાં જીભ ન ઘાલી ત્યારે, ‘જો માથે-મોઢે ઓઢીને સૂઈ રે’જે, ને પાણી પીવું પડે તો વાડકો ઓશીકા તરફ ભરી મેલ્યો છે, કહી જમની ઊઠી અને રોજની જગ્યાએ જઈ ભિક્ષાની નોકરીએ ચઢી ગઈ. જીવ ચમનમાં હતો. જીભ રોજને પંથે ચાલતી હતી : ‘આંધળીની કોઈ દિયા કરો માબાપ? –’ પણ મન નહોતું કોઈની ચાલ સાંભળવામાં કે વાતચીત પારખવામાં.
થોડીક વાર થઈ હશે એટલામાં કાને અવાજ આવ્યો : ‘એ અંધી, ઊઠ ઇધર સે.’ જમની સમજી નહીં કે કોને કોણ કહે છે. તેણે તો બોલવું ચાલુ જ રાખ્યું : ‘દિયાળુ કોઈ…’ પણ આ વખત વાક્ય પૂરું ન થઈ શક્યું. ‘સાલી માનતી નહીં હૈ? ઊઠ ઇધર સે.’ મોં આગળથી જ અવાજ આવ્યો. જમની સમજી ગઈ કે પોલીસદાદા છે. ‘સા’બ! આંધળી છું! માગી ખાઉં છું. શું કામ…’
‘અરે ઊઠ, જા દૂસરી જગે બેઠના. ગવર્નરસા’બ ઇધર સે નિકલને કા હૈ, વો માલૂમ નહીં? ઊઠ, નહીં તો અભી દેતા હૂં.’
જમની ઊઠી અને પોતાના ઘર તરફ મોં ફેરવ્યું. ત્યાં તો પાછો પેલો અવાજ આવ્યો : ‘એ ઉધર કહાં જાતી હૈ, ઉસ તરફ જા.’
‘સાબ…!’
‘સુનતી નહીં ઔર સા’બ સા’બ કરતી હૈ?’ જમાદાર ઊખડ્યા અને બાવડે ઝાલી મોં અવળી દિશામાં ફેરવતાં બોલ્યા : ‘જા, ઇસ તરફ હો કર જલદી નિકલ જા.’
જમનીને નછૂટકે અવળી દિશાએ માપવું પડ્યું. થોડેક ગઈ હશે ને બીજો અવાજ આવ્યો : ‘એ નીકળ જલદી.’ જમનીનો જીવ ચમનમાં હતો. આંધળા પગ અજાણ્યા રસ્તે આગળ ને આગળ માપતા હતા. ઘડી ઘડી જુદા અવાજ, પણ એનાં એ વાક્ય અથડાતાં હતાં – ’એ ચલ, જલદી નિકલ.’ વળી એક બીજો અવાજ, ‘બિચારી અંધી હૈ, કહાં જાયગી?’ આવો અવાજ સાંભળતાં કાળજે પૂરી ટાઢક વળે ન વળે ત્યાં તો સાંભળ્યું : ‘અરે મિયાં, ગવર્નરસા’બકા આને કા વખ્ત હોને આયા હૈ!’ અરે પાછો પોતાને જ ઉદ્દેશતો અવાજ લાગ્યો, ‘ચલ, ચલ, જલદી ચલ!’
જમની ક્યાંય ભરાઈ બેસવાનો વિચાર કરી હાથની ઓથે ભીંતને જોવા લાગી, એટલામાં એક ખાંચા જેવું લાગતાં જમની સીધી અંદર ચાલી. ત્યાં તો સાંભળ્યું : ‘એ ક્યાં જાય છે અહીં : બહાર જા.’ લાચાર બની પછી પેલી તૂટેલી દીવાલનો છેડો ખોળી કાઢ્યો અને ચાલવા લાગી. અવાજ તો આવતા જ હતા : ‘ચલ, જલદી ચલ.’ જમનીને સમજ ન પડી કે ગવંડર એવું તે કેવું મનેખ હશે, કે ઠેર ઠેર પોલીસદાદા ઊભા છે! ને પોતે એમને શું કરવાની હતી? વળી જેમ જેમ પગલું આગળ માંડતી તેમ તેમ ચમનની યાદ આવતી હતી. મનમાં ફિકર ઘર કરી બેઠી હતી : ‘એનીય આવી દશા હશે, તો એ ક્યાં જશે!! કેમ કરીને જશે!’ એટલામાં દીવાલે દગો દીધો.
જમનીને ખાતરી હતી કે ધરતી દગો દેવાની નથી અને આશરે સીધું માપવા લાગી ત્યાં અવાજ : ‘એ, ઉધર જમણે હાથ કે ખાંચેકો વળ જા!’ આવતાં વળી ખાંચામાં વળી અને છેક દૂર ગઈ ત્યાં સુધી અવાજ આવ્યા કર્યો : ‘ઉધર મત બૈઠના. ઔર આગે જા.’ અને એમ જમની કોઈ ઊંડી ઊંડી ગુફામાં જતી હોય એમ જવા લાગી. થોડી વાર સુધી કંઈ અવાજ ન સાંભળતાં છુટકારાનો દમ લઈ બેસી પડી અને ચમનની પોતા જેવી દશા કલ્પી આંસુ નિતારવા લાગી. સારું હતું કે જોવાનો રસ્તો બંધ હતો, આંસુ વહાવવાનો રસ્તો બંધ નહોતો.
જમનીની કલ્પના ખોટી નહોતી. તેના ગયા કેડે થોડી જ વારમાં ચમનને, કોઈ રાક્ષસી હાથે ઢંઢોળતું અને કહેવા લાગ્યું : ‘ઊઠ, એ ઉલ્લુ, અભી તક સોતા હૈ?’
ચમને આંખ ઉઘાડી જોયું તો પોલીસદાદાના પગ ઢંઢોળતા હતા. ઊઠતાં ઊઠતાંમાં તો પાછો તેમનો પગ ઊપડ્યો. ‘ચલ ઊઠ, ક્યા દેખતા હૈ! ઉઠા યહ સબ.’
‘સા’બ! તાવ આવ્યો છે! અહીં બેસી તો રે’વા…’
‘અરે ચલ, બેસી રે’વાકી બહુ. બુખાર આયા હૈ તો જા હૉસ્પિટલ મેં. ચલ ઊઠ જલદી.’
ચમને પોલીસદાદાની એડીઓના સ્વાદ ઘણી વાર ચાખ્યા હતા. તેણે જવાની તૈયારી કરી. તે ટાઢે ધ્રૂજતો હતો. તાવની સગડી રોમેરોમ ધીખતી હતી. હાથના પંજામાં સળી ઉપાડવા જેટલી પણ તાકાત નહોતી. મિલકતમાં મિલકત ગોદડીઓ ને છાલું તેને મૂકી જવાનું મન થયું, પણ પોલીસદાદા એ શોભાનેય રહેવા દે ખરા કે? ‘ચલ કિતની દેર, ઉઠા લે સબ.’
ચમને ખભાની પીઠ પર ગોદડીઓ લાદી અને ‘હે રામ!’ કહી, લાવ જમનીના તરફ જાઉં, થોડે છેટેથી બોલાવી કહીશ, વિચારી તે તરફ તે ખસવા માંડ્યો. ત્યાં તો પોલીસદાદા બોલ્યા : ‘એ ઉધર કહાં જાતા હૈ? યહ રાસ્તે પર તો અભી ગવર્નરસા’બ નિકલને કે હૈં. ઇધર જા ઔર વો ખાંચે મેં વળ જાના.’
ચમન પાછો ફર્યો અને કીડીની પેઠે જવા લાગ્યો. ઘડી ઘડી પેલા જમાદારનો અવાજ ધકેલતો હતો : ‘ચલ, જલદી નિકલ જા.’ આખરે ખાંચામાં વળતાં એક પાણીના નળની દેરીનું ઓથું જોઈને તેની સોડમાં લપાયો. હાંફ એવી ચઢી હતી કે પૂરો શ્વાસ પણ લઈ શકાતો નહોતો. તાવ ઘોડે ચડીને આવ્યો હોય એમ લાગ્યું. અંગેઅંગ ઝાડની પત્તીઓ પેઠે કાંપતાં હતાં. આંખોનાં તેજ ઊંડાં ઊતરવા લાગ્યાં. જીવ જમીનમાં જઈ ભરાયો.
જીભને બદલે હૈયું રટવા લાગ્યું : ‘જમની! જમની!’ થોડી વાર પછી ટાઢ ઓછી થઈ. હૈયાએ એકબે પછાડો મારી : ‘જમની! જમની’ અને તાવ ચેતન લઈ પલાયન થઈ ગયો! અંગ લાકડા જેવું થઈ પડ્યું રહ્યું.
દિવસ માથા પર આવવા થયો હશે તેવામાં જમનીએ બૂટના અવાજ કરનારને પૂછ્યું : ‘શેઠ, ગવંડરસા’બ ગયા?’ પેલાને સહજ નવાઈ લાગી, પણ પૂછવાની ફુરસદ નહોતી : ‘હા, નીકળી ગયા.’
જમની ઝટપટ ઊઠી અને મગજને પૂછતી પૂછતી પડતી-આખડતી ચાલવા લાગી, આવી હતી એ રસ્તે. ઠેકાણે આવી પહોંચતાં તેના મને નિરાંતનો શ્વાસ લેતાં કહ્યું : ‘ફકર નથી, હવે તો જઈ પહોંચીશ.’ અને થડકતે હૈયે પગની ફંગાળો ભરતી ઘર તરફ આગળ વધી. હૈયું ઘડી ઘડી વહેમ ખાધા કરતું હતું : ‘ચમનો ત્યાં હશે કે નહીં?’ મન સાંત્વન દેતું હતું : ‘નહીં હોય તો ક્યાં ગયો હશે? એવા તાવવાળા મનેખને તો કાંઈ નહીં કાઢી મૂક્યો હોય? અને કાઢી મૂક્યો હશે તોયે ક્યાંક એટલામાં હશે.’
એમ કરતાં કરતાં ઘર—સૂવાનું ઠેકાણું આવી પહોંચ્યું. જમનીએ બોલાવ્યો : ‘ચમના! એ ચમના!’ વળી હાથ વડે દસ-દસ હાથ ધરતી ખૂંદી વળી. પણ હોય તો ને! એણે જોરથી બૂમ પાડી : ‘ચમના! એ ચમના!’ જવાબ ન મળતાં જીવ અકળાઈ ઊઠ્યો. આજ તેને આંખોની ખોટ સાલી તેટલી કદાચ કદીય નહીં સાલી હોય. ગળામાં ડચૂરો બંધાયો. આંખો ઊભરાવા લાગી.
તેણે થોડેક આગળ જઈ વળી માંડ માંડ બૂમ પાડી : ‘ચમના!’ રસ્તે ચાલતા એકબે જણનો અવાજ સાંભળ્યો : ‘ગાંડી લાગે છે.’ જમનીએ તેમને પૂછ્યું : ‘શેઠ, આટલામાં ક્યાંય ચમનો ભાળ્યો? પગે ટૂંટો છે, એ શેઠ?!’ ચાલ્યા જતા શેઠનો જવાબ આવ્યો : ‘ના.’ જમનીનું હૈયું લૂલું પડ્યું. તેણે ચાલવું ચાલુ રાખી નર્યા રુદનભીના અવાજે વળી બૂમ મારી : ‘ચમના! ક્યાં ગયો? એ ચમના!’
‘અરે, ક્યા ચિલ્લાતી હૈ કભી સે? કિસકું ઢૂંઢતી હૈ?’ એક નારંગી વેચવા બેઠેલા મુસલમાને પૂછ્યું.
‘તમે, બે પગે ટૂંટો છે એને ભાળ્યો ક્યાંઈ? એને તાવ આવતો’તો. કુણ જાણે ક્યાં…’
‘અરે હા, પાસ મેં દો ગોદડી થી ના? ઔર એક છાલિયા, ઔર દોનું પગ સે ટૂં…’
‘હાં હાં શેઠ! એ જ : એ ક્યાં છે, શેઠ? મને આંધળીને…!’
‘અરે ઉસકુ તો અભી મ્યુનિસિપાલિટી કી ગાડી મેં ડાલ કર લે ગયે. ફોજદારસા’બ ભી અભી ગયે. ઉધર નલકી પાસ મરા હુઆ પડા થા.’ પેલા મુસલમાને કહ્યું.
‘હેં! ચમનો મરી ગયો! હેં શેઠ, ખરી વાત?’ જમની બેસી પડતાં ફાટે મોંએ પૂછી વળી. અને પછી પાંપણની પાળ નીચેથી પૂરપાટ વહેતાં આંસુ સાથે આછા પડતા અવાજે ‘ચમના! તું…મરી…ગ…!’ બોલતાં બોલતાં ઢળી પડી.
મિયાંએ ખભે નારંગીની ટોપલી મૂકી : ‘યે સાલી બલાકું મૈંને કહાં કિયા? મર જાયગી તો ભોગ મિલેંગે! ન લેના, ન દેના, ખામખાં…’ બબડતાં ચાલતી પકડી.
આ પણ વાંચવાનુ ચુકશો નહી
🍁 કાશીમા ની કૂતરી – પન્નાલાલ પટેલ
🍁 માનવીની ભવાઈ (ભુખી ભુતાવળ) – પન્નાલાલ પટેલ
🍁 માનવીની ભવાઈ (જીવ્યા મુઆના છેલ્લા જુહાર) – પન્નાલાલ પટેલ
🍁 પીઠીનું પડીકું – પન્નાલાલ પટેલ
Pingback: ગુજરાતી સાહિત્યની Best 101 વાર્તાઓનો સંગ્રહ | Gujarati Varta Pdf - AMARKATHAO
Nice Work
Banpan nee yado taji thayee gayee
Ama Badmash zaverchandmeghani nee vaarta par clik karta badmash varta ne vadle any varta khule chhe
ok. જોઈ લઉ કઇ પ્રોબ્લેમ હશે તો કાલ સુધીમા ઠીક થઈ જશે