Skip to content

“યસ અને નો” Heart touching story old textbook std 12

યસ અને નો જુની ગુજરાતી વાર્તા
5082 Views

યસ અને નો – પૃથ્વી ના પ્રલય પછી પાંગરતી પ્રેમકથા ગુજરાતી નો યાદગાર પાઠ, સાયન્સ ફિક્શન વાર્તાઓ, કિશોર કથાઓ, સાહસ કથાઓ, ગુજરાતી ટૂંકી વાર્તા સંગ્રહ, કૃષ્ણચંદર, અનુ. જ્યોતિષ જાની, નવલિકા જુનો અભ્યાસક્રમ, કલ્પનાની વાર્તાઓ, yes ane no gujarati story, old textbook, old gujarati textbook, Gujarati best love story, Heart touching story, gujarat best story

યસ અને નો

(કલ્પનાને પેલે પાર…..)

છેલ્લું મહાયુદ્ઘ સન ૨૧૬૫માં ખેલાયું. પૃથ્વીનું નિકંદન નીકળી ગયું. બચી ગઈ માત્ર ત્રણ વ્યક્તિ

૧. પ્રોફેસર મહેતાબ.

૨. ચાર વર્ષનો એક હસબી છોકરો.

૩. એક છ માસની ફ્રેન્ચ છોકરી. એનું નામ મિસ નો હતું.

પ્રોફેસર મહેતાબ પોતાના જમાનાના પહેલેથી જ મહાન જીનિયસ ગણાતા. ફોટોન રૉકેટ એમણે શોધ્યું હતું. રૉકેટ પ્રકાશની ગતિ ધરાવતું. જે આકાશમાં દરેક ઠેકાણે મળી આવે છે તેવા ઈથરના કાચા તત્વથી ઑક્સિજન, હાઈદડ્રોજન અને નાઈટ્રોનના પરમાણુઓ ઉગાડી શકાતું અને એમાંથી પણ ખોરાક પેદા કરી શકાતું. એણે ગુરુત્વાર્ષણનો કોયડો પણ ઉકેલ્યો હતો અને તે કૃત્રિમ ગુરુત્વાર્ષણ પણ પેદા કરી શકતું.

હંમેશા તાપની જેમ સૂર્યથી અલગ થતાં શ્વેત કિરણોની પણ એણે માહિતી મેળવી હતી. પરંતુ આ કિરણો રાત્રે કે દિવસે દેખાતાં નથી. એ કિરણો સાત રંગોમા વહેંચી શકાતાં પણ નથી. એક્સ-રે, રાડાર, અણુવીક્ષયંત્ર, રેડિયો, ઇલેક્ટ્રોનિક્સ પણ એને સપાટામાં લેવા અસમર્થ હતાં. પ્રો.મહેતાબે એક ઍન્ટિમિટર યંત્રથી આ કિરણોનું અસ્તિત્વ સાબિત કર્યું હતું. એની વિશેષતાઓથી જગતને પરિચિત કર્યું હતું.

પ્રોફેસર મહેતાબે સાબિત કર્યું હતું કે માનવમાનવમાં એકબીજા પ્રત્યે જે ઘૃણા પેદા થાય છે તે માટે આ દ્રશ્ય શ્વેત કિરણ જવાબદાર છે. આ કિરણો ઘીરે ઘીરે સૂર્યના અંદરના ભાગમાંથી નીકળીને મનુષ્યની નસેનસમાં પ્રસરી જાય છે.

પરંતુ પ્રોફેસર મહેતાબ એ સફેદ કિરણોના હાનિકારક પ્રભાવનો કોઈ તોડ લાવી શકે તે પહેલાં જ આ દુનિયા સન ૨૧૬૫ની છેલ્લી લડાઈમાં નેસ્તાબૂદ થઈ ગઈ. કોઈ કહેતાં કોઈ બચ્યું નહિં. મેં આગળ જણાવ્યું તેમ ત્રણ વ્યક્તિ જ બચી. પ્રોફેસર મહેતાબ, મિસ નો અને હસબી છોકરો – જેનું નામ યસ હતું.

પ્રોફેસર મહેતાબે આ દુનિયા છોડી દીધી અને પોતે પૃથ્વી પરથી ઊડી સૂર્યમંડળને ભેદી, આકાશગંગાની પેલે પાર રહેલા ડ્રોમેદા ગ્રહ પર ચાલ્યા ગયા. ડ્રોમેદા ગ્રહને બે સૂર્ય ગરમી આપી રહ્યા હતાં, પરંતુ તે ગરમી ઉગ્ર નહોતી, કારણ કે તે આધેડ વયના સૂર્યની ગરમી હતી. આ ઉપરાંત બંન્ને સૂર્યમાંથી જુદાજુદા પ્રકારનાં કિરણો નિકળતાં હતાં. તે બીજા કિરણોને ખતમ કરી નાખતાં હતાં. એટલે જ આ ગ્રહનું ઉષ્ણતામાન સમધારણ રહેતું હતું.અહીં કોઈના દિલમાં ક્રોધ કે નફરત જન્મતાં નહિ. આ નફરતથી માનવ માનવનો દુશ્મન થઈ જાય. ઓછી ગરમી, ઓછી ઠ્ંડી અને ગુરુત્વાકર્ષણ પણ એટલું ઓછું હતું કે બંને છોકરા ગ્રહની સપાટી પર કૂદકો મારતાં તો હજાર ગજ ઊંચે પહોંચી જતાં.

માનો કે એ ગ્રહ પૃથ્વી હોત તો ધરતીની સપાટી ઉપરથી ઉછળીને બંને છોકરાં માઉન્ટ એવરેસ્ટન સ્પર્શી શક્યાં હોત. પ્રકાશ ઘીરેઘીરે એવી રીતે ચળાઈને આવતો હતો કે કુમારી નોએ જાણે કે કિરણોના તાણાવાણાથી સુંદર સ્વેટ્ર ગૂંથી લીધું ન હોય! અને યસકુમાર કશી વાત પર ખડખડાટ હસી પડે તો એ હાસ્ય હવામાં આઇસક્રીમ બનીને ઊડી જતું!

આ ગ્રહમાં આખો દિવસ આ છોકરાં પોતાના હાસ્યનો આઇસક્રીમ ખાધા કરતાં ને પહાડો તો જોક્રે માઉન્ટ એવરેસ્ટ કરતાંય ઊંચા જ હતા, પણ સાવ પોચટ તત્વોના બનેલા હતા ને જરાક પણ અંગૂઠાથી જોર કરો કે આખો ને આખો પહાડ જમીન પર ઢળી પડતો. યસકુમાર અને કુમારી નો માટે આ મજાની રમત હતી. બંને રોજ એ ગ્રહની ટોકરીઓ પર રમતાં ને એ મુજબ વાતાવરણમાંયે ફેરફાર થયાં કરતો.

પ્રોફેસર મહેતાબે અત્યંત વિચાર કરીને આ ગ્રહનો પસંદ કર્યો હતો. એમને ખબર પડી ગઈ હતી કે હજારો વર્ષથી માનવીની નસેનસમાં પેસી ગયેલી નફરત એક દિવસ જોર પકડશે અને માનવજાતને ખતમ કરી નાખશે. અલબત્ત, સમય ઘણો જ ઓછો હતો ને કિરણનો કોઈ ચોક્કસ ઉકેલ લાવી શકે તેમ હતા નહિ. એટલે જ એમણે ઘીરેઘીરે પોતાના વિશાળ ફોટોન રૉકેટ કેટલીય વાર સૂર્યમંડળની બહાર ઉડ્ડયનો કર્યાં. માણસજાત બીજી કોઈ જ્ગ્યાએ જઈને એ કિરણથી બઈ શકે એટલે એમણે એવા ગ્રહની શોધમાં ફર્યાં કર્યું ને ગ્રહ તેમને સદભાગ્યે જલદી મળી ગયો. ત્યાર પછીનાં દસ વર્ષમાં માનવીના જ્ઞાન અને કલાવિષયક સમગ્ર સંસ્કૃતિના મૂલ્યવાન અનુભવો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ જાસૂસની જેમ જમીન પરથી ઉઠાવી એ ગ્રહ પર ઠાંસી દીધાં. પછી બધી વ્યવસ્થા જ્યારે થઈ ગઈ અને એમના વૈજ્ઞાનિક અનુભવોને આધારે એ વિષયમાં એમને ખાતરી થઇ ગઈ ત્યારે ડ્રોમેદા ગ્રહ છોડીને એ પૃથ્વી પર ખુશખબર આપવા ઊતર્યા કે એમણે એક એવો ગ્રહ શોધી કાઢ્યો છે કે જેમાં રહેવાથી માત્ર માનવી જ નહિ પણ એની સભ્યતા ને સંસ્કૃતિના વિકાસનું પણ રક્ષણ થાય છે.

પણ અફસોસની વાત છે કે પ્રોફેસર મહેતાબ જ્યારે ડ્રોમેદા ગ્રહેથી પાછા આપણી ધરતી પર આવી રહ્યા હતા ત્યારે છેલ્લા મહાયુદ્ઘના અંતિમ શ્વાસ ચાલતા હતા. માનવજાત ખતમ થઈ ચૂકી હતી ને એની સભ્યતા છિન્નભિન્ન થઈ ગઈ હતી. પ્રોફેસરની ખુશખબર સાંભળવા માટે કોઈ હયાત નહોતું. મહામહેનતે પ્રોફેસર મહેતાબને ધરતીના બે અલગઅલગ ટુકડાઓ પરથી આ બે છોકરાં મળી ગયાં એમને લઈને પોતાના ફોટોન રૉકેટમાં બેસાડી એ પાછા નવા ગ્રહ તરફ ઊડ્યા.

ડ્રોમેદા પહોંચીને એમણે એ બેઉના રક્ષણમાં ને એમના શિક્ષણમાં રાતદિવસ એક કર્યાં. આ બેઉ જણાં માનવજાતને આગળ લંબાવવાના હ્તાં. એમનામાંથી એક પણ મરી જાય કે એકાદની શિક્ષણ પદ્ઘતિ ખોટી ઠરે તો એની એ સમસ્યા પાછી ઊભી થાય, જેણે માણસને એકવીસમી સદીમાં મૃત્યુના મુખમાં ધકેલી દીધો હતો.

એટલે જ પ્રોફેસર મહેતાબે આ બે છોકરાંનાં શિક્ષણ, ભરણપોષણ ને દેખરેખમાં ક્યાંયે ખામી આવવા દીધી નહિ. એમણે પોતાના મૃત્યુ પહેલાં માનવજાતિના આ બે પ્રતિનિધિઓને માનવજ્ઞાન, સભ્યતા ને સંસ્કૃતિની પૂરેપુરી થાપણ સોંપી જવી હતી. એ થાપણ પૃથ્વી પર અત્યારે તો ફરી પેદા થવાની નહોતી. અમર_કથાઓ

વિજ્ઞાન, ઇતિહાસ, સાહિત્ય, દર્શનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર – ક્યાંક જીવનની એક બાબત પણ છટકી ન જાય. પ્રથમ સ્વરવ્યંજનથી લઈને શેક્સપિયર, કાલિદાસ, દાન્તે, તુલસીદાસ ને ગાલિબ કે નરસિંહ મહેતા સુધી – વિજ્ઞાનમાં સફરજનના પડવાથી લઈને તારાઓના ઊડ્ડયન સુધી એટલે કે ન્યુટનથી આઇન્સ્ટાઈન અને પ્રોફેસર મહેતાબ સુધીના જ્ઞાનનો કેટલો મહાન ને મુલ્યવાન ખજાનો એમણે થોડાંક જ વર્ષમાં આ બંને કુમળી વયનાં બાળકોને સોંપી દેવાનો હતો.

સમય ઓછો હતો અને એ દિવસેદિવસે વૃદ્ઘ થતા જતા હતા. છ માસની એ ફ્રેન્ચ છોકરી હવે સોળ વર્ષની ચંચળ સુંદરી બની ગઈ હતી. વાંકડિયા વાળવાળો, મદભરી આંખોવાળો ને શરમાતો એ હસબી છોકરો છ ફૂટ ઊંચો, વિશાળ છાતીવાળો નવયુવાન બની ગયો હતો અને એકવીસમાં વર્ષમાં પગલાં માંડી રહ્યો હતો.

બંનેને કેળવણી સાથે જ અપાઈ રહી હતી. પ્રોફેસરની નજરે બંને સરખાં જ હતાં, ન કોઈ ચડિયાતું કે ન કોઈ ઊતરતું. એ બંનેને એકસરખાં જ ચાહતા. ઇલેક્ટ્રોનિક મગજ દ્રારા બંનેને દરરોજ સરખા જ માનવજ્ઞાનના કોષ આપવામાં આવતા હતા. બંને હોશિયાર અને બુદ્ઘિમાન હતા. અને હવે તો છેલ્લાં પંદર વર્ષની કેળવણી ને લીધે બંનેનાં મગજ જ્યાં માનવીની બુદ્ઘિ પંદરમી સદી સુધી પહોંચી હતી ત્યાં પહોંચી ગયાં.

પ્રોફેસર અત્યંત ખુશ હતા. થોડાં જ વર્ષોમાં તો બંને જણાં વિસમી સદીના જ્ઞાનને પણ આંબી જશે. ત્યારે એમનું બાકીનું શિક્ષણ પૂરું થઈ જશે. હજારો વર્ષોથી માનવીએ મેળવેલા કોષો વ્યર્થ જશે નહિ, માનવીનો વિકાસ અટકશે નહિ, એ પોતાના નવા જગતમાં આગળ વધ્યાં કરશે.

પણ એનો વંશ કઈ રીતે આગળ વધશે? બીજો માનવ આવશે કઈ રીતે ?

અત્યારે તો આ ગ્રહ પર તો માત્ર ત્રણ વ્યક્તિઓ હતી – એકબીજાને આધારે રહેલી એ વ્યક્તિઓમાં એક પ્રકારનો ઘરમાં હોય તેવો મનમેળ કે પ્રેમ ક્યાં હતો? એવું ઘર તો પ્રોફેસરે જમીન પર જ મૂકી દીધું હતું, એ ગુમાવી ચૂક્યા હતા – આ બંને યુવાનો જેનાં સુખોથી અપરિચિત હોય એવું એ ઘેર. #અમર_કથાઓ

ગજબની વાત હતી. કુમારી નો અને યસકુમારનું પાલન એક સાથે જ થયું હતું. બંને સાથે જ મોટા થયાં હતાં, બંને એકબીજાની સોબતમાં રહેવા માટે લાચાર જેવા જ હતાં, કારણ એ સિવાય એમનો અન્ય કોઈ સાથી હતો નહિ. પ્રોફેસર હતા પણ તે પિતાતુલ્ય હતા, ગુરુસમાન હતા. એ એક દયાળુ વૃદ્ઘ પુરુષ માત્ર હતા. હવે એ બંને ને પ્રેમ કરાવી માનવજાતને આગળ વધારવાની જરૂર હતી. પ્રોફેસરે એ બંન્ને ને અનેક વાર સમજાવ્યાં હતાં અને તેઓ પણ કંઈ બાળકો નહોતાં હવે કે ન સમજે. એઓ જાણતાં હતાં કે એકબીજા સાથે વિવાહ નહિ કરે તો પછી એનું પરિણામ ભયાનક આવવાનું હતું. આ ગૅલૅક્સીમાં એક શાણું સુવિકસિત માનવજીવન સદાને માટે સમાપ્ત થઇ જવાનું હતું. પણ કોણ જાણે કેમ એવી તે કઇ વાત હતી કે તેઓ એકબીજાને ચાહી શકતા નહોતાં. પ્રેમ કરી શકતાં નહોતાં. એકબીજાની સાથે રહેતાં હતાં, એકબીજાને પસંદ કરતાં હતાં, પણ પ્રેમ કરી શકતાં નહોતાં.

યસકુમારને વાંધો એટલો જ હતો કે નો આટલી બધી ગોરી કેમ? આટલી ગોરી છોકરી આપણને ન ગમે, એ કહેતો.

નો ને યસના કાળાવાન સામે કશો વાંધો નહિ પણ એના વાંકડિયા વાળ એને જરાય ગમતા નહોતા; “મને તો સીધાસાદા વાળવાળો છોકરો ગમે.”

“મને તો કાળી આંખ વાળી છોકરી જોઈએ. જરાક શામળીયે હોવી જોઈએ. જીભાજોડી ભલે કરે પણ અંતે તો હાર કબૂલી લે તેવી !”

“વાહ ! હું શેની હારું ? હું….હું…. ” નો છણકો કરતી કહેતી,” ને તારાથી હારું ?”

“…અને નો, વાતે વાતે શેરશાયરી ન કહેવા માંડે તો સારું !” યસને વિજ્ઞાન, ગણિત, બીજગણિતમાં વધારે રસ હતો. નો ને શાયરી, સાહિત્ય, દરશાસ્ત્ર, અને ગપસપમાં રસ હતો. ઘણી ભાષાઓ એને આવડતી. એ રૉકેટ સુઘ્ઘાં ઉડાડતી.

“એટલે તું શું અમ સમજે છે કે તારા જેવા પંડિત, નીરસ ને બીજ ગાણિતિક બેવકૂફને હું પરણી લઈશ?”

“યસ,” યસ બોલ્યો.

“નો,” નો કહ્યું,”મારે તો પાણીના પરપોટા જેવા નમ્ર, સૂર્ય જેવો રૂપાળો ને રૉકેટ જેવો ગતિશીલ હોય એવો છોકરો જોઈએ, નહિ કે હંમેશાં ઊંધીચત્તી ફૉર્મ્યુલાઓ શોધ્યા કરનારો તારા જેવો બુધ્ધુ છોકરો.”

“પણ એવો છોકરો આવશે ક્યાંથી?” પ્રોફેસર વિવશ થઈને નોને પૂછતા,” તમે બે જ રહ્યાં છો. હું તો કહું છું કે જલદી લગ્ન કરી લો. આવતા વીસ વરસમાં માનો કે તમારાં સોળસત્તર બાળકો પણ થાય…” પ્રોફેસર ફરી હિસાબમાં ખેંચાઈ ગયા.

“પણ આને હું પ્રેમ કરતી નથી,” નો રડમસ થઈને બોલી, “એ જ્યારે મારા હાથ અડકે છે ત્યારે એના હાથ મને બિલકુલ ઠંડા લાગે છે. મને લાગે છે કે જાણે બરફ જ ન અડી ગયો હોય? મને તો અંગારાની જેમ ભભૂકતો છોકરો જોઈએ.”

“ને આ મહાબદસૂરત છે,” યસ ગંભીર થઈ જતો ને કહેતો,” એની ભૂરી આંખો ને ડોક પર બેસુમાર નાનાનાના તલ ને લાલલાલ હોઠ, જાણે સમારેલું માંસ ! હું આવી છોકરી સાથે પ્રેમ નહિ જ કરી શકું.”

પ્રોફેસર નિરાશ થતાં માથું ખંજવાળવા લાગ્યા. એમનો જીવનભરનો પુરુષાર્થ નિષ્ફળ જતો હતો. એ જગતના સૌથી મહાન જીનિયસ હતા. અત્યારે તો એ સૃષ્ટિની છેલ્લી જ બુદ્ધિમાન વ્યક્તિ હતી, જે બધું જાણતી હતી- સર્વ જ્ઞાન, સર્વ વિજ્ઞાન ને બધી જ કલાઓ, પણ પ્યાર વિશે કશું જ નહિ.

પાછું વળીને જોયું તો એને પોતાનું બાળપણ યાદ આવ્યું. પોતે ગલીઓમાં ઊછર્યો હતો. એક ભિખારણે એને ઉછેર્યો હતો. એની મા કોણ હતી? એનો બાપ કોણ હતો? એને કશું યાદ નહોતું. એની જરૂર પણ એમને પડી નહોતી. નાનપણમાં જ એમને જીવનની સમજણ શીખવી પડી. કેટલા અંધકારમય દિવસો હતા એ ! ગલીઓની ધૂળમાં રગદોળાવું, દાદરાની પાછળની બદબૂભરી જગામાં સૂવું, પાદરીની ખેરાત પર નભવું, ફંડફાળાથી શિક્ષણ પામવું, અને જ્યારે વખત બદલાયો ત્યારે પ્રકાશમય દિવસોની ચમક પણ કેવી ! હીરાઓ જેવા ચમકતા એ દિવસો ! ઇજ્જત મળી, પૈસામળ્યા, શક્તિ મળી, પણ આ બધાંની વચ્ચેય પ્રેમ તો ન જ મળ્યો. જે કામ એ કરી રહ્યા હતા ને જે કામ એણે જમીન પરથી પોતાને માથે ઉપાડ્યું હતું તે આટલું મહાન હતું કે એને કદી પ્રમની જરૂર જણાઈ જ નહોતી. એ અજનબી પ્રકરણથી તે અજાણ જ રહ્યા હતા. મહોબતની લાગણીઓ વિશે એમણે ઘણું વાંચ્યું હતું. આ બંને યુવાનોને ભણાવ્યું હતું. પણ જાણવું એ જુદી વાત છે અને અનુભવી જાણવું એ જુદી. એ ક્યારેય પ્રેમમાં સમજ્યા નહિ ને પોતાની આગ એમણે માચીસની કાંડીની જેમ વાપરી હતી કે એમની આંગળી દાજે નહિ ને એટલે જ મહોબત વિશે બીજાંઓને સમજાવવામાં પણ પોતે સફળ થયાં નહિ.

જ્યારે એમને લાગ્યું હવે પોતે કશું કરી શકે તેમ નથી ત્યારે મનમાં એમ થયું કે પૃથ્વી પર ફરી એક ચક્કર લગાવી આવવું જોઈએ. કદાચ ધરતી પર એના જેવી કોઈ બે વ્યક્તિ એકલીઅટુલી કે જુદીજુદી એ ઉજ્જડ રણમાં મળી જાય. એ ધરતી કે જે ઉત્તમ સંસ્કૃતિનું એક ઘર હતું, જ્યાં તેઓ કદાચ એકબીજા સાથે લગ્ન કરવા તૈયાર થાય અને પ્રોફેસરની સાથે આ ગ્રહ પર પાછા આવીને માનવવેલાને વધારવામાં મદદ કરે. એમને એટલી બઘી ઉમેદ તો હતી નહિ, પણ છેલ્લો એક પ્રયાસ કરવામાં શું નુકશાન જવાનું હતું?

એમણે વિચારેલી યોજનાથી આ બંને યુવાનોને વાકેફ કર્યા વિના જ એ લોકોને કહ્યું કે પૂથ્વી પર સભ્યતાને નાગરિકતાનાં શેષ રહેલાં ચિન્હો જોવા ફ્રોટોન રૉકેટ લઈ જઈ રહ્યા છે, ને આવવું હોય તો બંને આવી શકે છે.

યસ અને નો તરત જ તૈયાર થઈ ગયાં. બંને જણાં પોતપોતાનું વતન જોવા અધીરાં થઈ ગયાં- એ જ્ગ્યાં કેવી હશે, જ્યાંથી તેઓ આવ્યાં હતાં ? જેનાં સંસ્કૃતિ અને ઈતિહાસ વિશે એમને પ્રોફેસર પાસેથી ઘણુંઘણું સાંભળવા મળ્યું હતું. તેઓ પોતાના પૂર્વવતન ને પોતાના પૂર્વજોની પૃથ્વી જોવા જશે જ- માત્ર એક ઐતિહાસિક અને ભૌગોલિક જ્ઞાન ખાતર !

પૃથ્વી પર ઝાંખું ધુમ્મસ છવાયેલું હતું. ફ્રોટોન રૉકેટ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશી ઘીમેઘીમે ઊડવા લાગ્યું ત્યારે સવારની મેલી લાલી ચારે બાજુ છવાઈ હતી. સૂર્યનો રંગ કબૂતરના લોહી જેવો ગંદો રાતો હતો, સર્વત્ર શહેરના ખંડેર ખડકાયેલાં હતાં. વૂક્ષો ભસ્મીભૂત થઈ ચૂક્યાં હતાં, ખેરતોમાં રાખ ઊડતી હતી, હવામાં બારૂદની ગંધ પ્રસરેલી હતી ને કયાંય પણ માનવી જીવનનું એક ચિન્હ નજરે પડતું નહોતું.

પ્રોફ્ર્સર મહેતાબે એમનું ફોટોન કેટલીયે વાર પૃથ્વીની ચારે તરફ ઘુમાવ્યું. પોતાના ઈલેક્ટ્રોનિક અને રાડારવાળા દૂરબીનથી પૃથ્વીના સ્તરેસ્તરની તપાસ કરી જોઈ પણ ક્યાંય માનવજીવનની નિશાની જણાઈ નહિ. જોરદાર પવન માતેલા આખલાની જેમ સૂકા મહાદ્રીપો પરથી પસાર થઈ રહ્યો હતો, નદીઓમાં પાણી હતું પણ પીનાર કોઈ નહોતું. વિશાળ મોટાં શિખરો બરફનાં છત્ર ઓઢી ઊભાં હતાં. કયાંક કૅડીઓ પર ધાસ ઊગવા માંડ્યું હતું. પણ ત્યાં ચાલનાર કોઈ નહોતું.

થોડાથોડા અંતરે રૉકેટની અત્યંત બળવાન માઈક સિસ્ટમ પર પ્રોફેસર એલાન કરતા – “કોઈ પણ જ્ગ્યાએ માનવી હોય તો બોલો.” અને રૉકેટની ઈલેક્ટ્રોનિક ઍન્ટેના કરોળીયાની જાળાની જેમ પોતાના તાણાવાણા ફેલાવીને કોઈ પણા ઈન્સાનનો બારીકમાં બારીક અવાજ સાંભળવા વ્યાકુળ હતી.

કોઈ ક્ષીણ અવાજ, કોઈ બાળકની કાલી બોલી, માનવીય અવાજની કોઈ નાનામાં નાની લહેર પણ નહિ. જો હોત તો આ ઍન્ટેના તરત જ એને પકડી પાડત. પણ જવાબમાં કોઈ અવાજ આવ્યો નહિ.

રૉકેટ એક નિઃશબ્દ વાતાવરણમાં ફરતું રહ્યું. એ હંમેશ બડબડ કરનાર ને ક્યારેય ચૂપ ન રહેનાર માનવીને, હાય ! એક ચુપકીદી વળગી ગઈ હતી. જે ભાષણ આપતાં, ગીતો ગાતા, જે ધર્મના નામે યુદ્ઘનું એલાન કરતા, કપાઈ મરવા તૈયાર થઈ જતા એ બઘા કપાઈ મૂઆ હતા. એમની સાથે જ એમની સચ્ચાઈઓયે પરવારી ગઈ હતી. એમનાં ધર્મ કર્મ , હકને અધિકાર, ન્યાયનાં ધોરણો ને સઘળા વાદો – બઘું જ ખતમ ચૂક્યું હતું.

દરિયાનું જળ રોતું હતું, વૃક્ષોની ડાળીઓ ઝૂકી ગઈ હતી, લાલિમા બનીઠનીને ક્ષિતિજ પરથી ઊતરી આવી હોવા છતાંય એને ચાહનાર કોઈ જીવ હતો જ નહિ ને ફરી એ નિરાશ થઈને સૂર્યની ગોદમાં પાછી ફરી ગઈ હતી.

ધીમેધીમે ફોટોન પૃથ્વીની અત્યંત નજીક ઊતરીને ઊડવા લાગ્યું. પ્રોફેસર ઓચિંતાના ઉદાસ જેવા બની ગયા. એણે ઘીરેઘીરે કહેવા માંડ્યું – જાણે કોઈ કરુણ કથાનો અંતિમ પરિચ્છેદ સંભળાવી રહ્યા હોયઃ

અહીં ન્યુયૉર્કની ગગનચુંબી ઇમારતો હતી, કમનીય કાયાવાળી રમણીએનું શહેર પૅરિસ અહીં હતું, ચેખૉવ, દૉસ્તોયેવ્કીયની પ્રિયતમા મૉસ્કોનગરી આ હતી,આ પેકિંગ, નાજૂક ઈમારતોવાળું શહેર – ને આ ટોકિયો, મિશાઓ અન ચૅરી વૃક્ષોના વૈભવનું શહેર, અહીં તહેરાન હતું, સુંદર ગુલાબોનો હિંડોળો; આ લાહોર, સિંહ અને બીજાં જનાવરોનું કુસ્તીનું કેન્દ્ર; ને આ દિલ્લી, હિન્દુસ્તાનની રાજધાનીઃ સપ્તસંસ્કૂતિઓનું સંગમસ્થાન. પણ આ બધું જ અત્યારે કેવળ ખંડેર હતું – ખામોશ, અવાજહીન, વેરાન, રણો અને ભાંગ્યાતૂટ્યાં ખંડેરો ક્યાંય કોઈ ઇમારત બચી નહિ, એકે મકાન નથી સલામત કે સાબૂત, માત્ર ખંડેરોના ઢગના ઢગ.

પ્રોફેસરનો અવાજ સુકાઈ ગયો ને એ ગમગીન બની ગયા, જાણે એ ઉદાસ યાદે ડૂબી ગયા હોય, પણ અચાનક પ્રોફેસર ચમકીને આશ્વર્યથી નીચે જોવા લાગ્યા.

“એ….” એમનાથી બૂમ પડાઈ ગઈ.

યસ અને નો આ બૂમ સાંભળી એમની નજીક આવી ગયા. એમની આંખો પ્રોફેસરની આંખોની જેમ નીચે જોવા લાગી.

સાચે જ નીચે એક ઈમારત પોતાની મૂળ સ્થિતિમાં સાબૂત ને સહીસલામત ઊભી હતી. બંને આશ્વર્યમાં ગરકાવ થઈ ગયાં. આંખો ચોળી જોઈ. સાચે જ એ ઇમારત ઊભી હતી. એ કાંઈ દ્રષ્ટિભ્રમ નહોતો. આખી પૃથ્વી પર આ એક જ ઈમારત આટલી સલામત હતી.

યસ અને નો વિજ્ઞાન કથા
યસ અને નો ધોરણ 12

પ્રોફેસરે પોતાનું રૉકેટ ધીમે રહીને ઇમારતની સામે જ ઉતાર્યું ને ત્રણે જણાં બહાર નીકળી એ ઇમારત તરફ આગળ વધ્યાં. એ એકલી મગરૂર ઈમારત જે આ પૃથ્વી પર માનવોની અંતિમ ઇમારત હતી તે પોતાની અસલ હાલતમાં ઊભી હતી.

અંધારું વધતું ગયું, પણ જ્યાંઆ ઇમારત હતી ત્યાં અંધકાર હતો નહિ. જાણે અંધકાર પણ આ ઇમારતને અડકવાની હિંમત ન કરી શકતો હોય એમ લાગતું હતું.

નદીકિનારે એક સુંદર ને સોહામણું સજળ સ્વપ્ન કોઈ સુંદરીની માફક આળસ મરડતું. પોતાની મરમરી બાજુઓ ઉપર ઉઠાવીને મહોબ્બતના દરબારમાં નમાજ પઢી રહ્યું હતું.

નો ‘તાજમહાલ’ ઓળખી જતાં બોલી ને દોડતી દરવાજામાં પ્રવેશી ગઈ. પ્રોફેસર તાજમહાલ વિશે એ બંન્નેને કહી રહ્યા હતાં. એનું ચિત્ર પણ એમણે બતાવ્યું હતું જ્યારે અત્યારે તો સાચો તાજમહાલ જ નજર સામે હતો !

બધું ખતમ થઈ ગયું હતું ને તાજમહાલ બચી ગયો હતો એ અદભૂત વાત હતી. હવે એ ત્રણ જણાં આશ્વર્ય અને આનંદથી કાંપતા મનોભાવો પોતાના અંતરમાં લઈ તાજના આંગણામાં આવી ઊભાં. સહસા ચોથનો ચન્દ્રમાં એક મરમરી મીનાર પર આવીને અટકી ગયો.એવુ લાગ્યું કે કોઈ કોમળ આંગળી પર ચાંદીની વીંટી પહેરાવાઈ ગઈ હોય !

“આહ !” નોના દિલમાંથી ઊંડો લાગણી ભર્યો અવાજ નીકળ્યો. એણે યસનો હાથ પકડી લીધો ને ધીરે ધીરે હવામાં હલવા લાગી,” તારો હાથ અંગારાની જેમ ભભૂકી રહ્યો છે?”

“ઓહ, તું આટ્લી બધી સુંદર છે?” યસે નોને કહ્યું,”મને ખબર નહિ.” તે આશ્વર્ય ચકિત થઈને નોના ચહેરા તરફ એવિ તો નિહાળવા લાગ્યો જાણે એને પહેલી જ વાર જોઈ હોય.

નોએ પ્રોફેસરને કહ્યું,”હું યસને પરણીશ ને અમે તાજમહાલના ખોળામાં જ રહીશું. અહીં જ અમારા બાળકો જન્મશે.”

“શું બકે છે?” પ્રોફેસરે ગભરાઈને કહ્યું,”આ નફરતભર્યા યુદ્ઘોની ભૂમિ છે,રાખ અને ખુનથી લથબથ, ભાઈભાઈના ખૂનની તરસી જાલીમ ભૂમિ છે, ફરીથી એ જ વસ્તુનું પૂનરાવર્તન કરીશ?”

“જ્યાં સુધી તાજમહાલ બાકી છે ત્યાં સુધી માનવીની મહેચ્છાઓ પણ બાકી જ છે,” નો અત્યંત પ્રેમ પૂર્વક તાજમહાલ તરફ જોઈ રહી હતી.

“તમારે માટે ફ્રોટોન રૉકેટમાં હું તાજમહાલને ડ્રોમેદા ગ્રહ પર લઈ જઈ શકું છું. #અમર_કથાઓ

“આનાથી મોટો કોઈ અન્યાય નથી, પ્રોફેસર !” યસ ગભરાઈને બોલ્યો. “આ તાજમહાલ તરફ જુઓતો ખરા ! જાણે કે માનવીએ એણે બનાવ્યો જ નથી, જમીનમાંથી આપોઆપ ફૂટી નીકળ્યો છે. આ તો આ જ ધરતીનું સ્વપ્ન છે અને એવું સ્વપ્ન ચોરાય નહિ.”

“પણ આ જમીન પર ઘૃણાનું કિરણ વરસે છે અને માણસની રગેરગમાં પ્રસરે છે એનું શું?” પ્રોફેસરે ત્રાડ નાખી.

“તો પછી આ તાજ બન્યો કઇ રીતે?” યસે પૂછ્યું.

“નફરતોની આ જમીનમાંથી મહોબ્બતની આ ઇમારત કઈ રીતે ઊગી?” નોએ પ્રોફેસરને પૂછ્યું અને જોરથી યસનો હાથ પકડતાં બોલી, “એમ ન કહો, પ્રોફેસર ! આમ કહો કે ક્યારેક એવો અવસર આવશે, ક્યારેક તો સુગંધ ફેલાશે, ક્યારેક તો મહોબ્બત જાગશે ! ને ગામેગામ ગલીએ ગલીઆ દુનિયા પર રાજ્ય કરશે !”

પછી એક ઊંડો શ્વાસ લઈ નોએ યસની છાતી પર માથું મૂકી દીધું. આંખો મીંચીને શાંતિમય ભાવથી એ બોલી,” હું મારા બાળકોને જોઈ શકું ?”…….

એ તાજનો સંદેશો આખીયે દુનિયામાં ફેલાવી રહ્યાં હતાં.

✍ કૃષ્ણચંદર, અનુ. જ્યોતિષ જાની.

👉 ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી આ વાર્તા આપ જાણો છો ?

👉 ભાઈ બહેનનો અમર પ્રેમ ” ફુઈનું ફુઈયારુ ” વાંચો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *