Skip to content

ચતુરાઇની વાર્તા – મામા-ભાણેજ

ચતુરાઇની વાર્તા - મામા-ભાણેજ
11526 Views

વાર્તા એ આપણો ભવ્ય વારસો છે. વાર્તા સાંભળવી કે વાંચવી કોને ન ગમે ? આજે આપની માટે ‘ચતુરાઇની વાર્તા – મામા-ભાણેજ’ મુકી રહ્યા છીએ. ચોરી કરવામાં નિષ્ણાંત મામા અને ભાણેજ કેવી કેવી તરકીબો અજમાવે છે. એ લેખકશ્રી જયમલ્લ પરમારે ખુબ જ સુંદર રીતે વર્ણવ્યુ છે.

મામા અને ભાણેજ

એક ગામમાં બે ચોર રહે. એક મામો અને અને બીજો ભાણેજ. બન્ને ચોરી કરે અને પોતાનો ગુજારો ચલાવે. ચોરી કરવામાં તેઓ એટલા બધા કાબેલ કે ન પૂછો વાત. ઉઘાડી આંખે માણસ ઊભા હોય તેના હાથમાંથી ચોરી કરી જાય તો યે ખબર પડવા ન દે.

આસપાસના મુલકમાં તેઓ નામીચા થઇ ગયેલા. આ પછી તેઓ ચોરી કરે કે ન કરે, બધી ચોરીનું આળ તેમના પર આવવા લાગ્યું. લોકો માને કે મામા — ભાણેજ સિવાય બીજા કોઈનું કામ નહી.

છેવટે બન્ને ચોર થાક્યા. તેમને થયું કે ચાલો આપણે પણ લોકોની પેઠે કમાઈને પેટ ભરીએ. પણ તેમના ગામમાં તો કોઈ તેમનો વિશ્વાસ ન કરે. આથી તેઓ બહારગામ ઊપડ્યા.

દૂર દૂરના શહેરમાં એક શેઠને ત્યાં બન્ને નોકરીએ રહ્યા. શેઠને ત્યાં બે કામ હતાં. શેઠની ગાયને સાચવવી અને ફળિયામાં વાવેલ તુલસીના છોડને પાણી પાવું. મામાએ તુલસીને પાણી પાવાનું માથે લીધું અને ભાણેજે ગાયને સાચવવાનું માથે લીધું.

સવારના પહોરમાં ભાણેજ ગાયને ચરાવવા વગડામાં લઈ ગયો અને મામાએ તુલસીના ક્યારામાં પાણી પાવું શરૂ ક્યું, તુલસીનો ક્યારો ભરાઈ જાય એટલું પાણી પાવાનું હતું, ‘ એમાં તે કેટલુંક પાણી જોઈશે ! ‘ એમ વિચારીને મામો ડોલ ભરીને ક્યારામાં રેડવા લાગ્યો, એક, બે, ચાર, આઠ, દસ, ડોલ નાખી, પણ ક્યારો ખાલી ને ખાલી, એને થયું કે ધરતી પોતે જ તરસી થઈ છે કે શું ?

રોંઢા સુધી પાણી ખેંચી ખેંચીને મામાના હાથ પગ દુખવા આવ્યા તો ય ક્યારામાં પાણીનું ટીપું યે નજરે પડે નહિ. થાકી થાકીને બિચારો જરા આરામ લેવા આડે પડખે થયો કે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

આ બાજુ ગાય ચારવા ગયેલ ભાજેણનું શું થયું ? શેઠની ગાય ભારે હરાયી અને તોફાની. આખા ગામમાં જાણીતી. ગામ બહાર જઈને જેવી એને ભાણેજે ચરવા છૂટી મૂકી કે એ તો પૂંછડાનો ઝુંડો ઊંચો કરતીકને વાયુ વેગે ભાગી છૂટી. ભાણેજ એને પકડવા દોડ્યો પણ હાથ શાની આવે ?
ગાય એક ખેતરથી બીજે ખેતરે દોડયા કરે અને મોલને જમીન ભેગો કર્યા કરે. એક વાડીએથી બીજી વાડીએ છલંગો મારે અને ક્યારાને ક્યારા ખૂંદી નાખે. એક મોઢું આમ નાખે, બીજું મોઢું તેમ નાખે. ખાતી જાય, ખૂંદતી જાય અને નુકસાન કરતી જાય.

આ ગામમાં નિયમ એવો કે ઢોર જે કાંઈ નુકસાન કરે એ બધું ગોવાળે ભરી દેવું. એ વાત તો ઘેર ગઈ, પણ ગાયને પકડવી કેવી રીતે ? એક ખેતરેથી બીજે ખેતરે અને એક વાડીએથી બીજી વાડીએ ભાણેજ બિચારો ગાયની પાછળ દોડયા કરે. માથે તડકો તપે અને પરસેવો તો રેબઝેબ ચાલ્યો જાય. વધારામાં ખેડૂતો અને રખોપિયા તેને અને તેની સાત પેઢીને ગાળો ચોપડાવ્યા કરે તે મૂંગે મોઢે સાંભળવાની.

આખો દિવસ દોડી દોડીને બિચારાના પગ તપાઈ રહ્યા ત્યારે માંડ સાંજે ગાય હાથમાં આવી. ગાય પર ખિજાતો અને મનમાં ગાળો દેતો એ સાંજે ઘેર પાછો વળ્યો.

ભાણેજ ઘેર આવ્યો એ વખતે મામો ઊંઘમાંથી ઊઠ્યો. એણે ભાણેજને પૂછ્યું : ‘ કેમ આટલો બધો મોડો ? ઠેઠ સાંજ પડી ત્યાં સુધી શું કર્યું ?

ભાણેજ કહે : ‘ શું વાત કરું , મામા ! હું તો ગાયને ચારવા લઈ ગયો, ગામ બહાર જઈને જોઉં તો લીલુછમ ઘાસ ઊભું છે, પાસે જ તળાવ અને તળાવને કાંઠે લબુંક — ઝબુંક વડલો. મેં ગાયને છોડી કે એ ચરવા લાગી. આસપાસ ચરે પણ આઘીપાછી જાય નહિં.

‘ હું ફાળિયું પાથરીને વડલા નીચે જરા આડે પડખે થયો. પણ શો મીઠો પવન ? સૂતાવેંત ઊંઘ આવી ગઈ. સાંજ સુધી ઊંઘ ઊડે જ શાની ? સાંજે ઊઠીને જોઉં તો ગાય પાસે ચર્યા કરે. ગાયને તળાવમાં પાણી પાયું અને આવ્યો ઘેર. ભારે મજા પડી ! હું તો વહેલો આવવાનો હતો, પણ ઊંઘ આવી ગઈ એટલે આટલું બધું મોડું થઈ ગયું. ‘
એ બધું તો ઠીક, પણ તમારે કામ કેવું કરવું પડયું એ તો કહો ? ‘

મામો કહે : ‘ લે , મારા કામમાં તો વળી પૂછવાનું જ શું હતું ? ખોબા જેવડો તુલસીનો ક્યારો. એને પાણી કેટલું જોઈએ ? એક ડોલ પાણી ભરીને લાવ્યો તો તેમાંય વધી પડ્યું ? ‘
‘ બસ, મારું કામ તો પતી ગયું, પછી આખો દિવસ કરવું શું ? મેં તો લંબાવ્યું. જમીન પર અને વિચાર કરવા લાગ્યો કે આ રીતે જીવવું તો સારું. કાંઈ ઉપાધિ જ નહિ. ઘડીક વાર ગીત ગાયાં, એમ કરતાં કરતાં ઊંઘ આવી ગઈ. આ હમણાં જ તું આવ્યો ત્યારે હું ઊઠયો. ‘

બંને જણાએ એકબીજાના સુખચેનની વાતો કરી, પણ મામાને મનમાં થયું કે આ છોડવાને આખો દિવસ ખેંચી ખેંચીને પાણી પાવા કરતાં ભાણેજનું ગાય ચરાવવાનું કામ સારું. અને ભાણેજના મનમાં થયું કે આ ગાયની પાછળ આખો દિવસ દોડાદોડી કરવા કરતાં તુલસીને પાણી પાવું સારું. બન્ને જણા મનમાં એકબીજાના કામનો અદલોબદલો કરવાનો વિચાર કરવા લાગ્યા.

થોડી વાર રહી મામો કહે : ‘ બીજું કંઈ નહિ ભાણેજ, પણ એકાદ ડોલ રેડીને પછી આખો દિવસ પડ્યા રહેતા મારો તો દિવસ જતો નથી. ગાયને ચારવા જાઉં તો જરા પગ છૂટો થાય કાલથી હું ગાયને ચારવા જાઉં. ‘

ભાણેજ કહે : ‘ તો તો બહુ જ સારું મામા ! હું તો કેવો આળસુ અને ઊંઘણશી છું એ તમે જાણો છો. મારે વળી પાદર સુધી જાવું મટ્યું. ‘ પણ હા, એક કામ કરો. હું આખો દિવસ વડ નીચે સૂઈ તો રહ્યો, પણ ત્યાંની જમીન બધી એવી ખાડા ખૈયાવાળી છે કે શરીરને ખૂંચ્યા જ કરે છે. જો તમે સૂવા માટે સાથે ખાટલો લેતા જાઓ તો પછી સૂવામાં જરા યે વાંધો ન આવે. એ … ને સાંજ સુધી આરામથી ઘોર્યા જ કરો ને ! ‘

બીજે દિવસે વહેલી સવારે ગાયને છોડીને મામો પાદર તરફ ઊપડયો. ભાણેજની શિખામણ પ્રમાણે લહેરથી સૂવા માટે સાથે ખાટલો પણ લઈ લીધો.

મામો જેવો રવાના થયો કે ભાણેજે તુલસીના છોડને પાણી પાવાનું શરૂ કર્યું. ભાણેજના મનમાં એમ કે એક ડોલ, અરે બહુ બહુ તો વધારામાં બે ડોલ બસ થઈ પડશે અને પછી લાંબા થઈને ગઈ કાલનો થાક ઉતારશું. એણે પાણી પાવાનું શરૂ કર્યું, પણ આ શું ? એક , બે , દસ , વીસ , પચાસ , અરે સો સો છલોછલ ડોલ ખેંચી ખેંચીને ક્યારામાં ઠાલવી તો યે ક્યારાની કાંકરી પણ ભીની કાં ન થાય ? પાણી ખેંચી ખેંચીને એ થાકીને ટેં થઈ ગયો. સૂરજ માથે આવ્યો અને તે પછી તો સૂરજને આથમવા ટાણું થયું તો યે હજી ભાણેજનું કામ પૂરું થયું નહિ. થાકીપાકીને ડોલ ફેંકીને એ હેઠો બેસી પડ્યો.

ત્યાં વગડામાં મામાનું શું થયું ? એ ગાયને ગામની બહાર ભાણેજે કહેલ તે તળાવે લઈ ગયો. પાસે જ ઝૂકી રહેલ ઘાટા વડલા નીચે એણે ખાટલો બિછાવ્યો અને ગાયને ચરવા માટે છૂટી મૂકી.

પણ જેવી ગાયને એણે છૂટી મૂકી કે ગાય પૂંછડાનો ઝુંડો ઊંચો કરતીક તીરવેગે છૂટી. ખાઈઓ ઠેકતી અને વાડ વળોટતી ગાય જઈ પહોંચી ખેતરોમાં. એક ખેતરેથી બીજે ખેતરે અને એક વાડીએથી બીજી વાડીએ ગાય છલંગો મારતી જાય, ખાતી જાય, પાકનો ઘાણ વાળતી જાય અને ભાગતી જાય. મામો બિચારો ગાય પાછળ પકડવા માટે દોડાદોડી કરે, પણ ગાય આગળ ને આગળ વાડીવાળા મામા પર ગાળોનો રમઝટ મેં વરસાવે. પણ બિચારો કરે શું ?

પણ આટલેથી જ વાત ક્યાં પૂરી થતી હતી ? ભાણેજના કહેવાથી એ ખાટલો સાથે લઈ આવેલો. વાડીવાળા અને બીજા ગોવાળોએ મામાને માથે ખાટલા સહિત દોડતો જોયો એટલે તેમને જોણું થયું. બધા એને જોઈને તાળીઓ પાડ્યા કરે અને ગોકીરો મચાવ્યા કરે.

ભૂખ્યો – તરસ્યો મામો મનમા ગુસ્સે થતો થતો. કામનાં અદલાબદલાનો પસ્તાવો કર્યા કરે , પણ હવે શું ? અથાક મહેનત પછી અને બીજા ગોવાળોએ મદદ કરી ત્યારે માંડ ગાયબાઈ હાથમાં આવ્યાં. જ્યારે ગાયને લઈ ને ઘેર પાછો વળ્યો ત્યારે રાત પણ પડી ગયેલી અને ઘેરઘેર દીવા થઈ ગયેલા.

મામો – ભાણેજ જ્યારે ભેગા થયા ત્યારે એક — બીજાને જોઈને હસી પડ્યા એક શબ્દ પણ બોલવાની જરૂર ક્યાં હતી ? બન્ને મનમાં એકબીજાની હોશિયારી સમજી ગયેલા. રાતે વાળુ કરી લીધા બાદ બન્ને આરામ કરવા આડા પડ્યા અને વાતો કરવા લાગ્યા.

ભાણેજ કહે : ‘ કાં મામા કેવી મજા પડી ? ‘

મામો કહે : ‘ જેવી મજા તને પડી તેવી જ મને પડી, થોડીક વધારે ખરી ! ‘

ભાણેજ કહે : ‘ લોકો ભલે આ કામને પ્રામાણિક કહે. આ કરતાં તો આપણો ચોરીનો ધંધો સાત દરજ્જે સારો.

મામો કહે : ‘ એમાં ક્યાં શંકા જેવું છે ! પણ ભગવાનના સમ ! મેં તો આવી ગાય ક્યાંય ન જોઈ. કદાચ આવી હરાયી ગાય આખી દુનિયામાં યે નહિ હોય. ‘

ભાણેજ કહે : ‘ અરે, હરાયી ગાયનો ક્યાં તૂટો છે ! મેં તો આવી કેટલી યે હરાયી ગાય જોઈ છે. પણ તમે આ તુલસીના છોડ જેવો કોઈ છોડ જોયો છે ખરો ? મને તો થાય છે કે આટલું આટલું પાણી રેડીએ છીએ તે જતું હશે ક્યાં ? એના મૂળ નીચે તળાવ હશે કે દરિયો ? ‘

મામો કહે : ‘ ચાલ ને ખોદી જોઈએ. એની મેળે ખબર પડશે.

ભાણેજ કહે : ‘ જ્યારે શેઠ – શેઠાણી ઊંઘી જાય ત્યારે મધરાત પછી વાત..

લગભગ મધરાતે બન્ને જણા કોશ, કોદાળી તથા પાવડો લઈને ઊપડયા અને છોડની આસપાસ ખોદવા લાગ્યા. ખૂબખૂબ ખોદ્યા પછી ભાણેજની કોદાળી કશાક સાથે ભટકાઈ અને અવાજ થયો. બન્ને જણા અટકી ગયા. ભાણેજે અંધારામાં ને અંધારામાં અંદર હાથ નાખ્યો તો અંદર મોટો બધો ચરુ લાગ્યો. ચરુમાં હાથ નાખે ત્યાં તો મોઢા સુધી સોનામહોરોથી ભરચક !

મામો પૂછે : ‘ કાં ? કાંઈ છે ? ‘

ભાણેજ કહે : ‘ ના રે કાંઈ લાગતું નથી. મોટો બધો પથ્થર લાગે છે.

મામો ભાણેજની લુચ્ચાઈ મનમાં સમજી ગયો. કહે : ‘ મેલ ને લપ ત્યારે ! ચાલ ચાલ, આ ગધ્ધામજૂરી કરવા કરતાં સૂઈ જઈએ. ‘

બન્ને જણ જઈને સૂઈ ગયા.

કલાક — બે કલાક વીત્યા અને મામાએ જોયું કે ભાણેજ ઘસઘસાટ ઘોરે છે એટલે તે ઊઠ્યો. ખોદ્યું હતું ત્યાં પહોંચ્યો. અંદર જુએ તો સોનામહોરોથી ભરેલો ચરુ પડ્યો છે. આસપાસ જરાક વધારે ખોદતાં સોનામહોરોથી ભરેલો બીજો ચરુ મળી આવ્યો. આટલું બધું ધન હાથ આવ્યું તેથી એ ખુબ ખુશ થઈ ગયો.

પણ એને મનમાં થયું કે એ બધું હું એકલો જ રાખું. એણે બન્ને ચરુ માથે ચડાવ્યા અને પાસેના તળાવે પહોંચ્યો. તળાવને કાંઠે કાદવમાં એણે બન્ને ચરુ સંતાડી દીધા. તરત એ ઘેર પાછો વળ્યો અને ચૂપચાપ જઈને ઘોરતા ભાણેજની પડખે સૂઈ ગયો. ઘડીક વારમાં તો નસકોરા પણ બોલાવવા લાગ્યો.

થોડી વાર થઈ અને ભાણેજ જાગ્યો. એણે જ સોનામહોરોનો ચરુ પ્રથમ જોયેલો ને ! એ મીનીપગલે ચાલતો દીઠેલું ધન હાથ કરવા ક્યારા પાસે પહોંચ્યો જઈને જ્યાં હાથ ફેરવે તો ચરુ ન મળે ! આસપાસ હાથ ફેરવી જોયો પણ પથ્થર સિવાય કંઈ નહિ. એને થયું કે મામા પહોંચ્યા લાગે છે. એમના વિના બીજાનું આ કામ નહિ.

એ ઘસઘાટ ઊંઘતા મામા પાસે ગયો. મામાના માથાથી તે પગ સુધી નજર ફેરવી જોઈ. ધારી ધારીને એના શરીરનું એકએક અંગ જોયું. નજર ફેરવતાં ફેરવતાં મામાના પગ અને ઘૂંટી પાસે એને કાદવ ચોંટેલો દેખાવો. એ તરત સમજી ગયો કે મામાએ કોઈક તળાવમાં જઈને ચરુ સંતાડી દીધા લાગે છે.

પણ તળાવમાં કયે ઠેકાણે સંતાડયા હશે ? અક્કલને એણે કામે લગાડી દીધી. એ પણ તળાવે જઈ પહોંચ્યો અને તળાવને કિનારે આંટા દેવા લાગ્યો. તળાવના ત્રણ કાંઠા પરથી તે પસાર થયો ત્યારે કાંઠા પર બેઠેલા દેડકા ઊછળી ઊછળીને પાણીમાં પડવા લાગ્યા. પણ જ્યારે ચોથે કાંઠેથી પસાર થયો ત્યારે એકે ય દેડકો પાણીમાં પડયો નહિ. એને થયું કે અહીં કોઈ આવ્યું હશે તેથી દેડકા ચાલ્યા ગયા લાગે છે. એટલે એ કાંઠે જ મામાએ ધન સંતાડ્યું હોવું જોઈએ. તળાવમાં ઊતરીને એ તપાસ કરવા લાગ્યો.

આડાઅવળા હાથ ફેરવતાં બન્ને ચરૂ હાથ આવી ગયા. પણ આટલા ભારે ચરુ ઉપાડીને ઠેઠ ઘેર પહોંચવું કેવી રીતે ? સીધી ગયો ઘેર, પેલી ગાયને છોડી આવ્યો અને ગાય માથે બન્ને ચરુ મૂક્યા …. આખો દિવસ આ ગાયે મને દોડાવેલો, હવે એનો વારો. ‘ કહેતાંકને એણે તો ગાયને હાંકતા પોતાના ગામ તરફ મારી મૂક્યાં.

સવાર પડી અને કાગડા કા … કા કરવા લાગ્યા કે મામો ઊઠ્યો. પણ જુએ તો પાસે ભાણેજ સૂતેલો નહિ. તરત એ દોડાદોડ તળાવે ગયો, પણ એકેય ચરુ ત્યાં ન મળે. ઘેર આવીને જુએ તો છાપરામાં ગાય પણ ન મળે. એ સમજી ગયો કે ગાય પર ચરુ લાદીને ભાણેજ ઊપડી ગયો લાગે છે. અને બીજે જાય પણ ક્યાં ? ગાય સાથે છે એટલે ઘર સિવાય બીજે ક્યાંય જાય નહિ. તરત એ પણ ભાણેજની પાછળ ઊપડયો અને ભાણેજને પકડી પાડવાના પેંતરા ગોઠવવા લાગ્યો.

ચાલતો ચાલતો મામો એક મોટા શહેરમાં આવ્યો. શહેરમાં એ મોચીની દુકાને પહોંચ્યો. પાસે જેટલા પૈસા હતા તે બધા આપીને મોચીને કહે : ‘ એક જોડી જોડા એવા બનાવી આપ કે દેખીને આંધળો પણ ઓવારી જાય.

મોચીએ સોનેરી ભરીને ઝગઝગતા જોડા બનાવી દીધા. એ લઈને પાછો મામો ભાણેજની પાછળ પડયો. મોટો માર્ગ છોડી એ નાની કેડીએ ચડ્યો અને ટૂંકે માર્ગે ઝપાટાબંધ આગળ વધ્યો. થોડા વખતમાં એ ભાણેજને વટાવી ગયો.

ગાય સાથે હોવાથી ભાણેજ સડકે સડકે ચાલ્યો જાય છે. મામાએ એની આગળ બસો હાથ દૂર રસ્તા પર એક જોડો નાખ્યો. વળી બીજા બસો હાથ આગળ ગયો અને ત્યાં બીજો જોડો નાખ્યો. અને એટલામાં અેક મોટું ઝાડ હતું તેના પર સંતાઈને એ બેસી ગયો.

ભાણેજ ગાય લઈને ધીમે ધીમે ચાલ્યો આવે. ચાલતાં ચાલતાં સડક પર એણે એક જોડો જોયો અને વિચાર કરવા લાગ્યો : ‘ કેવો મજાનો સોનેરી ગૂંથણી ભરેલો જોડો છે ! હવે તો હું પૈસાદાર થયો છું એટલે મને એ ભારે શોભે ! પણ એક જોડાને કાંઈ પહેરાય છે ? ‘

આમ વિચારીને એ જોડાને મૂકી આગળ વધ્યો. થોડુંક ચાલ્યો ત્યાં બીજો જોડો જોયો. એને થયું : ‘ લે ! બીજો જોડો પણ આ રહ્યો ! હું મૂરખ જ ને કે પેલો જોડો ન લઈ લીધો ? હજી ય ક્યાં મોડું થઈ ગયું ? લાવ આ ગાયને ઝાડ નીચે બાંધું અને પેલો જોડો લઈ આવું. ‘

એણે ગાયને બાંધી અને બીજો જોડો લઈને બસો વાર દૂર પડેલા પહેલા જોડાને લેવા દોડાદોડ ઊપડ્યો. જેવો એ આઘો ગયો કે તરત મામો ઝાડેથી નીચે ઊતર્યો અને ગાયને છોડીને ભાગી છૂટયો. સડક મૂકી પડતી અને એ કેડીએ કેડીએ પોતાના ઘર તરફ દોડ્યો.

થોડીક વારે જ્યાં ભાણેજ બીજો જોડો લઈ આવીને ઝાડ પાસે જુએ તો ગાય ન મળે. તે તરત મનમાં સમજી ગયો કે મામા પહોંચ્યા લાગે છે, એમના વિના બીજા કોઈનાં આ કામ નહિ.

ભાણેજ મૂઠીઓ વાળીને જોરથી ચાલવા અને દોડવા લાગ્યો અને મામો ગાય સાથે ઘેર પહોંચે તે પહેલાં ઘેર પહોંચી ગયો. જઈને પોતે મામાના ઘરના બારણા પાછળ જ સંતાઈ બેઠો.

જેવો મામાએ ગાય સાથે ઘરમાં પગ દીધો કે ભાણેજ ઊભો થયો અને બોલ્યોઃ ‘ ઓહો ‘ સાજાનરવા ઘેર આવી પહોંચ્યા કે મામા ? ચાલો, ચાલો, ઘરમાં જઈએ અને ધનના ભાગલા પાડી લઈએ. અર્ધો ભાગ તમારો અને અર્ધો મારો. ‘

મામાથી હવે ના પડાય એવું રહ્યું ન હતું. ગાય પરથી ધનના ચરુ ઉતારીને ઘરના અંદરના ભંડારિયામાં લઈ ગયા. બારણાં બરાબર બંધ કર્યાં અને ભાગ પાડવા બેઠા. ચરુમાંથી બે મહોર કાઢતા જાય, એક મહોર પેલા ઢગલામાં અને બીજી મહોર બીજા ઢગલામાં મૂકતા જાય અને ભાગ પાડતા જાય. ભાગ પાડતાં બન્ને ચરુ ખાલી કર્યા. પણ સૌથી છેલ્લે એક મહોર વધી.

આ એક મહોરનું શું કરવું ? એ મહોર કોને આપવી ? થોડીક રકઝક બાદ બન્નેએ નક્કી કર્યું કે આવતી સવારે છૂટાં નાણાં જ કરાવી લેવાં અને સરખે ભાગે વહેંચી લેવાં. પણ આખી રાત સુધી એ મહોર કોની પાસે રહે ? આ વાત પર પણ ઓછી રકઝક ન ચાલી. ઘણી માથાફોડને અંતે નક્કી થયું કે મહોર મામા રાખે અને સવાર પડતાવેંત એના છૂટા કરાવીને સરખે ભાગે વહેંચણી કરી લેવી.

રાતને વખતે મામાએ તેની સ્ત્રીને અને ઘરનાં બીજાંને ભેગાં કરીને કહ્યું : ‘ જુઓ, આવતી કાલે સવારે ભાણેજ વધેલી મહોરનો અર્ધો ભાગ લેવા આવશે. પણ મારે અર્ધો ભાગ આપવો નથી.

‘ સવારે તમે એક કામ કરો. ફળિયામાં એક કપડું પાથરી રાખજો. હું એના પર મરી ગયાનો ઢોંગ કરીને પડ્યો રહીશ. હું મરી ગયો છું એ બતાવવા મારા મોઢામાં તુલસીનાં પાન મૂકો અને રોક્કળ પણ કરજો. ભાણેજ બારણામાં પગ મૂકે કે ધડાપીટ અને રોક્કળ મચાવજો. આવી ધમાલ જોઈને એ ચાલ્યો જ જવાનો અને આખી સોનામહોર આપણે ઘેર રહેવાની.’

સ્ત્રીએ કહ્યું : ‘ ભલે. ‘

બીજે દિવસે સવારમાં જ મામો મુડદાની પેઠે ફળિયામાં સૂઈ ગયો, મોઢામાં તુલસીનાં પાન મૂકી દીધાં. થોડી વારે ભાણેજ ત્યાં આવ્યો કે તરત બૈરા રડારોળ અને ધડાપીટ કરવા લાગ્યાં. શું થયું છે એ જોવા ભાણેજ આગળ વધ્યો કે બધી સ્ત્રીઓએ તેને ઘેરી લીધો અને એક સાથે પૂછવા લાગીઃ ‘ તમે બન્ને તે ક્યાં ગયેલા ? જઈને લાવ્યા પણ શું ? તમે તમારા મામાને શું કરી નાખ્યું છે ? આમ ઘડીપળમાં કેમ મરી ગયા ? વોય માડી રે .. … .. કહેતાં એ તો ચીસો નાખવા લાગી. કાળી ચીસોથી જાણે આભ ચિરાઈ જશે કે શું ?

લિલિપુટનો અતિથિ - વેંતિયાઓના દેશમા
લિલિપુટનો અતિથિ – વેંતિયાઓના દેશમા

ભાણેજ બધો રંગ સમજી ગયો. એને થયું કે વધેલી સોનામહોર – વહેંચવાના આ બધા ચેનચાળા લાગે છે. એણે પણ દેખાવ આદર્યો. તે રોતો રોતો કહે : ‘ અરેરેરે, મારા મામા મરી ગયા રે ! મારો નોંધારાનો આધાર ગયા રે …. નમાવડિયાનાં માવતર મરી ગયા રે …..

પણ આ તો હતા ચોર. એમને કોણ સગાં હોય કે સંબંધી હોય અને મરેલાને મસાણે લઈ જાય ! એટલે ભાણેજ થોડી વારે છાનો રહીને બૈરાને કહે : ‘ હશે ! ભગવાને જે ધાર્યું ‘ હતું તે થયું , તમે બધાં બૈરાં કહેવાઓ. તમે આઘાં જાઓ. મારા મામાની બધી મરણિવિધિ મારે જ પતાવવી પડશે ને ?

આમ કહીને ભાણેજ જાડું દોરડું લઈ આવ્યો. મરેલ મામાને બન્ને પગે દોરડાને કસકસાવીને બાંધ્યું : અને મસાણે લઈ જવા માટે મામાને ઢસડતો ઢસતો ચાલ્યો. શેરીઓના ખાડાખૈયા અને ઢેકાઢૈયા પરથી પસાર થતાં મામાનો વાંહો છોલાવા લાગ્યો, પછડાટીઓ લાગવા માંડી, પણ બોલાય કેમ કરીને ? ગમે તે થાય તો યે સોનામહોરનો અર્ધો ભાગ ન દેવો એ નક્કી !

સાંજ પડી સૂરજ આથમ્યો અને ભાણેજ મામાનું મડદું લઈને મસાણે પહોંચ્યો. આસપાસથી લાકડાં ભેગાં કરીને એણે ચિતા ખડકી અને તેના પર મામાને મૂક્યો, પણ ચિતા સળગાવવાનો વિચાર કરે ત્યાં, દીવાસળી ક્યાં ? દીવાસળી તો ઘેર રહી ગયેલી.

હવે કરવું શું ? મામાને મૂકીને ઘેર દીવાસળી લેવા જાય તો તો મામો નાસી જ જાય ને ? છેવટે એણે રાત મસાણમાં જ ગાળી નાખવાનો નિશ્ચય કર્યો.

મસાણ પાસે જ એક ખીજડો, ખીજડાની ડાળીએ મામાના પગનું દોરડું કસકસાવીને બાંધ્યું અને મામો હવામાં અદ્ધર ઊંધે માથે ઝૂલવા લાગ્યો ! ભાણેજ ચઢીને મામાની ઉપર જ ડાળીએ જઈને બેઠો અને દોરડા પર પગ ભરાવી રાખ્યા. રખેને દોરડું તૂટી જાય તો તરત ખબર પડે.

થોડી વાર થઈ ત્યાં મસાણ પાસેથી ચાર ચોર નીકળ્યા. એમણે ખીજડા પર મુડદાને લટકતું જોયું. ચોરનો સરદાર કહે : ‘ ભારે સારા શુકન થયાં. બ્રાહ્મણો જોષમાં કહે છે કે મુસાફરીએ જતાં મડદું દેખાય તો સારા શુકન સમજવાં. આપણને ય આજે ચોરીમાં બખ્ખાં થવાં જોઈએ.
જો એમ થાય તો આપણે વળતી વખતે આ મુડદાને પહેલાં બાળવું અને પછી જ ઘેર જવું. ‘ બધા ચોરે એ વાત કબૂલ કરી.

ચોર બધા એક શેઠના ઘરમાં ઘૂસ્યા. ઘરનાં બધાં ઘસઘસાટ ઘોરે. તેમણે શાંતિથી આખા ઘરની ધનદોલત ઉપાડી લીધી અને ચુપચાપ ગામબહાર આવતા રહ્યા. જાણે સળીસંચાર પણ થયો નહિ એવી શાંતિથી કામ પતી ગયું. આટલી સહેલાઈથી કામ પતી જશે એવી તો એમને કલ્પના પણ નહિ. ધન પણ સારી પેઠે હાથ આવ આવી ગયું.

તેઓ સીધા મસાણે પહોંચ્યા અને મુડદાને બાળવાની તૈયારી કરવા લાગ્યા. હજી યે મામો એક શબ્દ બોલ્યા વગર લટક્યા કરે છે.

ચોરોએ આસપાસથી લાકડાં ભેગા કર્યા. ચિતા ગોઠવી. મામાના મુડદાને છોડ્યું અને ચિતા પર ગોઠવવા લાગ્યા. મામાએ ચોરોએ લૂંટેલા ધનનો ઢગલો જોયો. ઘરેણાં અને દરદાગીના અંધારામાં ઝગમગ્યા કરે. એની દાઢ સળકી અને મનમાં વિચાર પણ ચમક્યો.

ચોરોએ જેવી એની ચિતાને આગ મૂકી કે ‘ હાઉ હાઉ …..ખાઉ ખાઉ ! ‘ એવી ચીસો નાખતો એ ઊભો થયો અને જોરથી બૂમ નાખી : ‘ દોડજે ભાણેજ , અર્ધા તારા અને અર્ધા મારા ! જોજે એકે યે ભાગે નહિ ! ‘

ખીજડા પરથી ભાણેજે પણ ‘ હાઉ …. હાઉ ‘ ની ચીસો નાખતાં ભૂસકો માર્યો. ચોર બધા બેબાકળા થઈ ને લૂંટ મૂકી મૂઠીઓ વાળી ભાગી છૂટ્યા એમને થયું કે આ તો ભૂત ! મારા બાપ ! પાછા વળીને જુએ જ કોણ ? જાય ભાગ્યા , જાય ભાગ્યા.

મામો અને ભાણેજ સીધા લૂંટ પર જઈ પહોંચ્યા. બન્ને એકબીજાને જોઈ ને પેટ પકડીને હસી પડ્યા. ખૂબ હસ્યા બાદ લૂંટ ઉપાડીને ઘર ભેગા થઈ ગયા. લૂંટનો સરખો ભાગ પાડી લીધો અને દિવસો આનંદમાં વિતાવવા લાગ્યા.

✍ જયમલ્લ પરમાર – ચાતુરીની વાતો.

મિત્રો કોઇપણ વાર્તા કે લેખની copy કરતા પહેલા અમારી પરવાનગી આવશ્યક છે. આપ અહીથી share કરી શકો છો. 👇

અહીથી વાંચો 👉 ડૉ. આઇ.કે. વીજળીવાળાની બે હ્રદયસ્પર્શી વાર્તા

🍁 ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગૂ તેલી

🍁 ચતુરાઇની વાર્તાઓ – કાબરાનાં કાંધાવાળો

🍁 શેઠની ચતુરાઇ

🍁 શેખચલ્લી (હાસ્યવાર્તા)

3 thoughts on “ચતુરાઇની વાર્તા – મામા-ભાણેજ”

  1. Jay shree krishna sir ,

    upar aapeli Tamari lakheli je vartao chhe teni copy kari mare youtube ma mukavi chhe to aap shri tena mate parvangi aapshoji.

    1. મુકી શકો છો. સાથે લેખકનું નામ મુકશો.
      અને કોઇપણ વાર્તા વાંચવા માટે જે તે પોસ્ટની લિંક discription માં મુકજો.

  2. લાલજી પરમાર

    સાહેબ આ સ્ટોરી નો યૂટૂબ વિડિયો બનાવી શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *