10244 Views
હોળી ધૂળેટી એ આપણો સાંસ્કૃતિક તહેવાર છે. આ પોસ્ટમાં આજે 25-30 વર્ષ પહેલા ઉજવવામાં આવતી હોળી ધૂળેટીની યાદો આપની સમક્ષ મુકી છે. મારા બાળપણની હોળી, Old times Holi memoires, 1990’s yade. Holi Dhuleti ni yado.
બાળપણની હોળી ધૂળેટીની યાદો
આ સમય છે. લગભગ 1990 ની આસપાસનો ત્યારે તમામ તહેવારો ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવતા અને તમામ લોકો તહેવારની આગોતરી તૈયારીઓમાં લાગી જતા.
🌸 ગામડા ગામમા હોળી- ધૂળેટી ઉજવવાની તૈયારીઓ અગાઉથી જ કરી દેવામા આવતી… એમા પણ બાળકોનો ઉત્સાહ તો જોવા જેવો હતો…
🌸 નાના બાળકો-કિશોરો ઘરે ઘરે જઇને છાણા ઉઘરાવે.
અને દરેક ધરેથી હેતથી ૧૨ છાણા આપવામા આવે..
તો કોઇ રોકડા રુપિયા પણ આપે… તો કોઇ ધઉ ચણા..
(ક્યાંક બાળકો અતિઉત્સાહમા આવીને છાણા કે લાકડા ચોરીને પણ ભેગા કરી લેતા..)
🌸 ઘણી જગ્યાએ નાના નાના કાણાવાળા છાણા બનાવવામાં આવે અને તે છાણાનો હારડો બનાવવામાં આવે. તો ક્યાંક ઉત્તરાયણની વધેલી પતંગોથી હોળીને શણગારવામાં પણ આવે.
🌸 નાની નાની છોકરીયું અહલી પહલી માંગવા આવે અને તેનું પણ સ્પેશયલ ગીત ગવાતું.
“અહલી દયો બાઈ પહલી દયો
મોટા ઘેરથી માણું દયો
માણામાંથી પાલી દયો
પાલીમાંથી ગડિયું દયો,
જરાક જેવડી ઢોલકીને પીલુડીના પાયા
મારા દાદાના ખેતરડામાં કાઠુડા ઘઉં વાવ્યા
વાવ્યા એવા લિપશું તો પાથાભાઈ પરણાવીશું
પરણી પાઠી ઘેર આવ્યા લાખ લાડી લાવ્યા
દેરે રેશે દેરામણ ને રાતે ભરશે પાણી,
પાણી બાણી સળું કરે પાટની પટરાણી
પાટે બેઠા પગ ધોવે સંગીતા બેનના ભાભી”
જેના ઘરે માંગવા જાય ત્યાં જેના લગ્ન બાકી તે છોકરાનું નામ લઈને ગીત ગવાતું હજી ગીત ઘણું મોટુ છે પણ મને જેટલું યાદ આવ્યુ એટલુ લખ્યુ છે.
🌸 રાત્રે ગામ ખાતે એક જ હોળી પ્રગટાવવામાં આવે. ત્યારે આખુ ગામ કોઇ પણ જાતના ભેદભાવ વગર દર્શન કરવા આવે… હોળીની મધ્યમા ( વચ્ચે ) માટલામાં ઘઉ-ચણા (ઘુઘરી) મુકવામા આવે. સાથે શ્રીફળ પણ હોળીમા શેકવામા આવે…
એ લેવા માટે પણ ઘણીવાર ધમાચકડી બોલે
🌸 નાના બાળકોને વરરાજા બનાવે, તેના મામા પણ ખાસ આવેલા હોય… પ્રદક્ષિણા કરે.. હારડો પહેરાવવામા આવે.
🌸 તે વર્ષમા લગ્ન થયેલા વરઘોડીયા પણ હાથમા લોટો રાખી પાણી વડે પ્રદક્ષીણા કરે… ( નવા લગ્ન થયેલા દંપતિઓ )
🌸 મોટી ઉમરના લોકો એક પોટલી (પનિયાના છેડે) મીઠુ બાંધીને હોળીના તાપમા શેકે… આ સબરસ બળદોને દાંતે ઘસવામા વાપરે…
🌸 હોળીમા ખજુર, ધાણી..પૈસા વગેરેની આહુતિઓ પણ અપાય…
🌸 લાકડાની ખાંડી ( તલવાર જેવો આકાર ) હોય તેમા હોળીનું સળગતુ અડાયું લઇ જઇને આખા ઘરમાં ફેરવવામાં આવે. જેનાથી તાવ તરીયો કે અનેક રોગ થાય નહી એવી શ્રદ્ધા હતી.
🌸 હોળી માં ફાગ એટલે દુહા અને છંદની પણ રમઝટ બોલે.
🌸 યુવાન વહુ દિકરીઓ સમુહમાં દર્શન કરવા જાય અને નવા જમાઈઓને ફટાણા જેવા ઠઠ્ઠા ગીત ગાતી જાય.. જેમકે..
“હાથમાં હોકો ને લીલું નાળીયેર..
બાઈ રે.. અમથી બાઈના કંથ રે..
હોળી રમવાને વેલા આવજો..
ફાટેલ તુટેલ એના લુગડા.. “
– આખું ગીત યાદ આવતું નથી.. કોઈને યાદ હોય તો મુકો..
🌸 હોળીની જાળ પરથી આવતા વરસનો વરતારો બંધાય.
(આવતુ વર્ષ કેવુ રહેશે..)
🌸 ઘણા જવાનિયા હોળી ઠેકવાની શરતો લગાડે..
અમુક જીતી જાય તો ઘણી વાર દાજી પણ જતા..
🌸 નાળીયેર દ્વારા જુદી જુદી રમતો રમાય.. જેવી કે કોઇ ઝાડને કે દરવાજાને હાથે કે પગ પર રાખીને ઠેકાડવાનું, લાકડીનો ઘા મારીને શ્રીફળ ફોડી નાખવાનું, અમુક નક્કી કરેલા ઘા કરીને એ સ્થળે નાળિયેરને પહોચાડવું. ઘા કરીને સાંકડી જગ્યા પર શ્રીફળને ગોઠવી દેવુ.
સાથે આંખે પાટા બાંધીને કોઇપણ સ્થળ અમુક સમયમાં શોધવાની પણ શરતો નખાય. ગ્લાસમાં રુપિયાનો સીક્કો કોણ નાખી શકે ?
આ સિવાય નવી નવી ગામઠી રમતો પણ શોધ કરીને રમાય.
🌸 હોલી ના દિવસે નવો સાવરણો લાવતા અને હોળી ની અગ્નિ ની જ્વાળા માં થોડોક સળગાવીને પછી બુજાવી નાખતા એ સાવરણા થી બળદ, ગાય, વગેરે ઢોર બાંધવાની જગ્યાએ જાડું વારવા માટે ઉપયોગ કરતા ,એવી આસ્થા સાથે કે ઢોર બાંધવાની જગ્યાએ જુવા કે ઇતરડી નો થાય. અમરકથાઓ
🌸 ઘણા ગામડાઓમા આ દિવસે પશુ-પક્ષીઓ માટે નિરણ કે ચણ માટે દાન આપવામા આવે છે..
🌸 જેને દિકરો હોય એના ઘરે હોળી ના 3 થી 4 દિવસ પહેલા એના ઘર પર દરેક ગામ લોકો ભેગા થાય અને ખજુર વેચવા મા આવે અને અમે રાવણું કહીએ.
🌸 અમુક નાના બાળકો હોળીની રાત્રે જ છુપાઇને કોઇને રંગી નાખવાનો આનંદ પણ માણી લેતા..
🌸 આ તહેવાર માં હોળી ઠારવાનુ પણ ખુબ મહત્વ છે ગામની કુંવારી દિકરીઓ મોડી રાત્રે ગામના કુવેથી પાણીના બેડા ભરીને હોળી ઠારવા જાય છે એવી માન્યતા છે કે હોળી ઠારવા થી સારું સાસરું મળે
🌸 મોડી રાત્રે હોળી ઠરે પછી પ્રસાદી (ઘુઘરી-શ્રીફળ) વહેચવામા આવે… અને બિજે દિવસે સવારે ઘરે ઘરે જઇને આ પ્રસાદી અપાય…
🌸 આમ ધામધુમથી અને અનેરા આનંદ સાથે હોળીની ઉજવણી કરવામા આવતી…
🌸 જો કે સમય પ્રમાણે થોડુ ઘણુ પરિવર્તન જોવા મળી રહ્યુ છે. હવે હોળીમા પણ DJ અને ફટાકડાનો ઉપયોગ થવા લાગ્યો છે…. સાથે ગરબે પણ રમે છે.
1990 ની ધૂળેટીની યાદો
ધૂળેટીની તૈયારીઓ બાળકોએ પંદર દિવસથી ચાલુ કરી દીધી હોય.. સૌથી પહેલા તો કેસુડો ક્યા છે ? કોણ લેવા ચડશે ? કેટલાનો ભાગ… કેમ કે એમા પણ ટુકડીઓ પડે.
બાળકોને સૌથી મોટી ચિંતા રંગ શેમા બનાવવો એ હોય એ માટે કોઇકનો જુનવાણી ગોળો (પાણીનું માટલુ ) શોધીને વ્યવસ્થિત મુકી દેવામાં આવે. અમરકથાઓ
હોળીનાં એકાદ દિવસ અગાઉ કેસુડાનાં ફુલોને બરાબર સુકવીને પાણીમાં પલાળીને તૈયાર કરીને મુકી દીધા હોય.
અમુક જગ્યાએ હિરાકસી નો રંગ બનાવવામાં આવતો. જે માટે દેશી બાવળનાં પવડીયા (સુકાયેલી શિંગો) ભેગી કરીને તેમાથી બી અલગ કરી. આ શિંગોનુ ભુક્કો કરી પાણીમાં નાખવામાં આવે પછી તેમા હિરાકસી (જે કરીયાણાની દુકાનેથી એક-બે રુપિયાની લીધી હોય ) તે ઉમેરવાથી એકદમ પાક્કો કાળો રંગ તૈયાર થતો. વધુ પાક્કો બનાવવા તેને ગરમ પણ કરવામાં આવે.
અમુક બાળકોને બા ઇમરજન્સીમાં રંગ બનાવી દેવા હળદર અને સોડાનું મિશ્રણ કરીને તેને પાણીમાં નાખી દે.
બિજે દિવસે સવારે શિરામણ કર્યુ ન કર્યુ કે બાળકો ચડ્ડી અને જુના કપડા પહેરીને નિકળી પડે. શરુઆતમાં બજેટ મુજબ જે પિચકારીઓ હોય તેનો ઉપયોગ થાય. ઘણા પોતાની જાતે લાકડાની પિચકારીઓ પણ બનાવે.
જે મળતા જાય તેને રંગ છાટતા જાય. રોળતા જાય. અને જે રોળાય જાય તે ટુકડીમાં ભળતા જાય. ટુંકડીઓ મોટી બનતી જાય.
શેરીનાં મોટાભાગનાં છોકરા રંગાય જાય એટલે બાજુની શેરીમાં આક્રમણ થાય. જાણે કે કુરુક્ષેત્રનું રણમેદાન. એકબિજાને રોળવાનાં દાવપેચ ઘડાય. કોઇ હારે કોઇ ફાવે.. પીચકારી જેવા શસ્ત્રો અહી કામમાં ન આવતા હોવાથી ગ્લાસ, ડબલા અને નાની મોટી ડોલોને છૂટથી વાપરવામાં આવે.
કેસુડાનાં રંગના બદલે છાણ, માટી, મેશ, ગારો, બળેલુ ઓઇલ અને પાક્કા રંગોની ધબધબાટી બોલે. કાળા બોકાસા અને રાડારાડી જાણે કાળોકોપ.
10 વાગતા સુધીમાં તો અડધો અડધ ઓળખાય નહી તેવા બની ગયા હોય… ફક્ત દાંત જ દેખાય.
અમુક ટોળી રોડે કે રસ્તા પર જાય… અને અાવતા જતા પાસેથી ગોઠ્ય (પૈસા ) માંગે. લોકો સહર્ષ બે-પાંચ રુપિયા આપીને આગળ વધે. કોઇ છટકીને ભાગવા જાય તો એનુ આવી જ બને…
ક્યારેક આને લીધે નાના મોટા ઝઘડા પણ થાય.
અમુક દિયરો ભાભીને રંગવાનાં અવનવી તરકીબો શોધે ક્યારેક સફળ થાય.. ક્યારેક હોશિયાર ભાભી દિયરને જ ઝપટમાં લઇ લે..
છોકરીઓ પણ પોતપોતાની બહેનપણીઓ, ભાભીઓ સાથે રંગે રમે.
મોટેરાઓ અબીલ ગુલાલ અને પાણી કે કેસુડાનાં રંગોથી ધૂળેટી રમે. મોટાભાગે ગામનાં ચોરે કે મંદિરોમા દર્શન પછી આ કાર્યક્રમ ગોઠવાય. અમરકથાઓ
બપોર થાય એટલે બધા ઘેરૈયાઓ ગામનાં અવેડે કે કોઇ એવા સ્થળે પાણીમાં ભેગા થઇને રમતા જાય. ન્હાતા જાય… અને 50 % જેટલી શરીરની સાફસફાઈ કરે. આ વખતે કોઇ કોરુ ન રહી જાય. કોઇ બાકી હોય તો તેને પકડીને અવેડામાં (હવાડામાં) નાખવામાં આવે.
છેલ્લે અવેડો ખાલી કરીને સાફ કરી નવેસરથી ભરવામાં આવે પછી કોઇને પણ પડવાની મનાઇ.
વળી જરુરીયાત મુજબ ઘરે જઇને સ્નાન કરીને કપડા બદલવામાં આવે…
આમ ખુબ જ રંગેચંગે અને ધામધુમથી હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવતી.
હજી ઘણી બાબતો ભુલાઇ ગઇ હોય તો કોમેન્ટમા યાદ દેવડાવશો… આપને આ પોસ્ટ કેવી લાગી એ કોમેન્ટમાં અવશ્ય લખશો © Amarkathao – પરવાનગી વગર copy કરીને ઉપયોગ કરવો ગેરકાયદેસર છે.
🙏 અમર કથાઓ પરિવારના બધા મિત્રોને હોળી ધૂળેટીની ખુબ ખુબ શુભકામનાઓ…🙏
આ પણ વાંચો 👇
કેસુડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો
બાળપણની યાદો, old memoires, childhood memoires, Holi photos, Holi status. 1990 Holi, 2024 holi,
Pingback: ગામડાની જુની યાદો 1 - ગામડાનો વરો અને પંગતમા જમવાની મજા - AMARKATHAO