Skip to content

દિવાળી જુના સમયમાં કઇ રીતે ઉજવવામાં આવતી ? | Diwali old memories 1990’s

દિવાળી
5296 Views

🍀 બાળપણની દિવાળી ખુબ યાદ આવે છે 🍀
મિત્રો આજથી 20 વર્ષ અગાઉ ઉજવવામાં આવતી દિવાળી વિશે થોડુક…..

🌹 સૌ પ્રથમ તો અમર કથાઓ પરિવારના તમામ મિત્રોને દિપાવલીની હાર્દિક શુભકામનાઓ.

આ શુભેચ્છા કાર્ડ મળતા કેવા ખુશ થઇ જતા ?
આ શુભેચ્છા કાર્ડ મળતા કેવા ખુશ થઇ જતા ?ચાલોને રમીએ હોડી હોડી બાળપણનાં વરસાદની યાદગાર કવિતા 1

દિવાળી

દિવાળી એટલે હિન્દુ-સનાતન ધર્મ નો સૌથી મહત્વનો અને પવિત્ર તહેવાર. શ્રીરામ રાવણ વધ કરીને આજનાં દિવસે અયોધ્યા પાછા ફરે છે. જે ખુશાલીમાં અયોધ્યાવાસીઓએ ખુબ જ ધામધુમપૂર્વક દિવાળીની ઉજવણી કરી હતી. જે પરંપરા આજે પણ શરુ છે. જો કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. એ મુજબ સમય જતા દિવાળીનાં તહેવારની ઉજવણીમાં પણ ઘણો ફેરફાર થયો છે. આજે આપણે જાણીએ 1990 ના દસકામાં દિવાળી કઇ રીતે ઉજવતા ?

🔸ખેતીમા માંડવી (મગફળી)ની મૌસમ પડે. સાથે દિવાળીના તહેવારની તૈયારીઓ આરંભાય…
આ પહેલા જુવાર, બાજરી અને કઠોળનું કામ લગભગ પુરુ થવા આવે મગફળીનું કામ વધુને વખત ઓછો… છતા હળી-મળીને કામ પુરુ કરીને દિવાળીની તૈયારીઓ શરુ કરવામા આવે.
🔸કાચા મકાનોને ઓળીપો-લીંપણ-ગાર-ચુનો કરીને તૈયારીનો આરંભ થાય… સાથે નાના મોટા સૌ ઘરની સાફસફાઈ માં લાગી જાય

આ પણ એક કલા હતી
આ પણ એક કલા હતી.

🔸 બાળકો માટે શહેરમા જઇને કપડા, બુટ-ચપ્પલ અને જરુરી કરીયાણાની ખરીદી.

🔸 દરજીને ઘરે બેસાડીને કપડા સિવડાવવાનો રીવાજ.
બે ભાઇઓ ને એક સરખા કપડા વધુ જોવા મળે
🔸 મોટા ભાગના બાળકો મામાના ઘરે જ દિવાળી ઉજવવા જતા. એટલે ‘મામા મહિના’ તરીકે આ મહિનાને ઓળખવામા આવતો.
🔸 જરુર મુજબ માટીના દિવા, તોરણ, ચિરોડીના કલરની ખરીદી…

🔸 બારસથી આંગણામા રંગોળી બનાવવાની શરુઆત થતી. રંગોળી બનાવતા પહેલા લીંપણ કરવામા આવે.
🔸 સગા સબંધી, મિત્રોને શુભેચ્છા માટે પોષ્ટકાર્ડ કે તૈયાર ગ્રિટિગ્સ કાર્ડ લખાઇ જાય.

યાદ છે કે ભુલી ગયા આ પોષ્ટકાર્ડને
યાદ છે કે ભુલી ગયા આ પોષ્ટકાર્ડને ?

🔸 ધનતેરસના દિવસે પુજાપાઠ-ખરીદી માટે

🔸 કાળી ચૌદસ વિશે બાળકોમા અને થોડા ઘણા મોટાઓમા પણ ભય રહેતો… ભુતપ્રેતનો ડર…
દિ’આથમે એટલે ચાર ચોકમા વડા અને પાણીથી કુંડાળુ દોરવામા આવે. ભુલથી એમા પગ ન પડી જાય એ માટે ખાસ ધ્યાન રાખવામા આવે.

🔸 દિવાળીનો ઉત્સાહ બાળકો અને મોટેરામા પણ અનેરો.

🔸 કુંભારના ઘરેથી બાળકોને મેરાયુ લેવા મોકલવામા આવે… જેનો ઉપયોગ રાત્રે બળદોને દેખાડવામા કરવામા આવતો. જ્યારે બાળકો ફટાકડા ફોડવામા કરતા.

🔸 મિઠાઇ વગેરે તૈયાર લાવવાના બદલે ઘરે જ બનાવવામાં આવે. દિવાળી સ્પેશિયલ આઇટમ તરીકે ‘ઘુઘરા’નુ સ્થાન અવિચળ રહેતુ. સાથે ફરસાણ, વિવિધ પુરીઓ, મોહનથાળ, સાટા બનાવવામાં આવતા.

આનો સ્વાદ કઇ રીતે ભુલી શકાય ?
આનો સ્વાદ કઇ રીતે ભુલી શકાય ?

🔸 બાળકો માટે તો દિવાળી એટલે ફટાકડા જ..
જેવા કે ચાંદલીયા, રોલ, લવિંગીયા, લાલ ટેટા, બુલેટબોમ્બ, સુતળીબોમ્બ, કોઠી, ફુલઝર, નાગ, ટીકડી, દેરાણી-જેઠાણી, ટ્રેન, અને રોકેટ મુખ્ય હતા.
રોકેટનો એક પ્રકાર ઉંદરડી પ્રખ્યાત હતી..
કાળી ટીકડીમાથી નાગ નિકળે.. ખુબ ધુમાડો છતા બાળકોમા પ્રિય… અને એની રાખ ચોપડવાથી ગુંમડા ન થાય એવુ બાળકો માનતા.

🔸 સુરતથી વતનમા આવેલાનો ફટાકડામા દબદબો રહેતો.

🔸 રાત્રીના 12 પછી ફટાકડાનું જોર ઘટે એટલે રંગોળી બનાવવાની શરુઆત થાય.. ચિરોડી કલર અને પાક્કા કલર એમ બે પ્રકારથી બનતી. ( પાકા કલર માટે તેને દુધમા પલાળવામા આવતો )

આ હતી મારી બનાવેલ રંગોળી
આ હતી મારી બનાવેલ રંગોળી

🔸 સારી રંગોળી બનાવનારની બોલબાલા રહેતી..
અગાઉથી બુકીંગ થઇ જતુ (વિનામુલ્યે) દરેક લોકો ઘરે અને દુકાને રંગોળી બનાવે… આ કામગીરી લગભગ આખી રાત્રી ચાલતુ… એટલે અમુક ટકા શોખીન લોકો આખી રાત જાગતા…( સવારે વહેલુ ઉઠવાની માથાકુટ નહી) શેરીમા પણ રંગોળી બનાવવામાં આવતી.

🔸 વહેલી સવારે ( બેસતુ વર્ષ ) અળસ (કચરો) નાખવા
સ્ત્રીઓ વહેલી નિકળે.
🔸 વહેલા ચાર વાગ્યાથી રામરસ (મીઠુ) વેચવા નિકળે.
દરેક ધરેથી બોણીનું મીઠુ દરેક ઘરેથી લેવાય.

🔸 સૌ પ્રથમ માતાજી અને માતા-પિતાને પગે લાગીને નવા વર્ષની શરુઆત થાય

🔸 સવારે બની ઠનીને થાપણાની જોડ (કપડા) પહેરીને “રામ રામ” નવા વર્ષની શુભેચ્છાઓ માટે નિકળી પડે

🔸 દિ’ ઉગે ત્યા સુધીમા સ્નેહમિલન પુરુ થાય….પછી એક બિજાની ઘરે બેસવા જવાનુ.

🔸 પ્રસાદીમા મોટા ભાગે સાકરીયા-કાજુ, સાકર, ચોકલેટ જેવી વસ્તુઓનો રીવાજ…

🔸 લોકોમા પૈસા ઓછા પણ હૈયા વિશાળ હતા.

🔸 નવા વર્ષે ઉંધીયુ શાક (કાચુ) વેંચવા માટે રેકડીઓ અને રીક્ષાઓ નિકળે.

🔸 બપોર પછી દેવદર્શન કે ફરવા લાયક સ્થળોએ નિકળતા… અથવા વાડીએ કાર્યક્રમો ગોઠવતા.

🔸 બિજા દિવસે ‘ભાઇબીજ’ નિમીત્તે બહેનની ઘરે ભાઇ જમવા પધારે… રોકડ કે વસ્તુરૂપે બેનને ભેટ આપે.


🔹 દરેક મુદ્દા પર એક એક પેજ ભરી શકાય..એટલી યાદો છે…

💠 આમ ધામધુમ અને ખુશીઓથી દિવાળીનો તહેવાર પુર્ણ થતો.. અમરકથાઓ

મિત્રો પોસ્ટ ગમે તો share કરવાનું ભુલશો નહી
મિત્રો પોસ્ટ ગમે તો share કરવાનું ભુલશો નહી.

👉 નોંધ~ આમાથી અમુક પરંપરાઓમા સમયમુજબ ફેરફાર થયેલો છે.. અમુક પરંપરા હજી ચાલુ છે.
બાકી રહેતી યાદી આપ કોમેન્ટમા યાદ દેવડાવશો…

============================================

ચાલોને રમીએ હોડી હોડી બાળપણનાં વરસાદની યાદગાર કવિતા 1

🐘 વિસરાઇ ગયેલા બાળગીતો

શરદ પૂનમ વિદાય થાય એટલે ગામમાં સહુના મન – મસ્તક પર દિવાળી છવાઈ જાય. મહિલાઓ ભેગી થઈ ને માટી ખાણે માટી લેવા જાય. સાથે બા પણ હોય. હું તેમની આંગળી પકડી ને સાથે ચાલુ. મોટાભાગે તળાવની આજુબાજુ માં માટી ખાણ હોય. તેમાંથી માટી ખોદીને ઘેર લવાય.. અમારા ગામથી એક ગાઉ ના અંતરે એક કારખાનું હતું. એ કારખાનાં ની આસપાસ ચુના ના મોટા ઢગલા હતા. એ ઢગલા માંથી ચૂનો લવાય.

છનો રાવળ ખડી લઇ ને આવે કોઈક તેની પાસેથી ખડી ખરીદે. સહુ પોતપોતાના ગજા સંપત પ્રમાણે ઘર ને વધુ સારો ઓપ આપવા માં જોતરાઈ જાય. પેલા કારખાના ના ઢગલા માંથી લાવેલા ચુના ને પાણી માં પલાળી ને ભીંત ધોળવાનું શરૂ થાય. બધું જાતે કરવાનું. પિતાજી ચુના માં ગળી નાખે અને કહે કે ગળી નાખવાથી ચુનામાં જાંબલી ઝાય દેખાય એટલે ખોરડું વધારે ઊજમ આપે.

ઘરમાં સાથે ધુહ પાડવાનું પણ ચાલે. ઘરવખરી બધી ફળિયામાં આવી જાય. ગોદડા બધા ખાટલે આખો દિવસ તપ્યા કરે. ધીમે ધીમે બધું થાળે પડતું જાય. પેલા તાંબા પિત્તળ ના વાસણ તળાવમાં ધોવા જવાના. હું આંબલી ને પાણીમાં પલળવા બેસી જાઉં. એકાદ બે આંબલી મોમાં મૂકું. તેની આગવી ખટાશ બીજી આંબલી ખાવા લલચાવે. આંબલી ના પાણી થી તાંબા પીતળ ના વાસણ ધોવાય. તળાવ ની પાળે ઘાસમાં હરોળ બંધ ગોઠવેલા વાસણ ના ચમકારા આંખ ને આંજે. પિતળની મોટી ગોળી ની બાજુમાં નાનકડો પ્યાલો અને તેના પછી જર્મન સિલ્વર ની થેબડી… બુઝારું ઘાસ માં ચેસના રાજા જેવું લાગે. ઘરમાં અલગ અલગ જગ્યાએ અભરાઈ થી લઇ ને માળિયા માં વસવાટ કરતા વાસણનું કુટુંબ આજે તળાવ કાંઠે ભેગુ થયું હોય તેવું દ્રશ્ય સર્જાય.

દિવાળી ઉપર નવા લૂગડાં જોઈએ એટલે એક રાત્રે કોને કયું લૂગડું ખરીદવાનું તેની ગણતરી થાય. અને કાલે તાલુકા મથકની બજારમાં લૂગડાં લેવા જવાનું નક્કી થાય. દિવાળી એટલે કરેલા દેવા ચૂકવવાનો અને માંગતા લેણાં ઉઘરાવવાનો દિવસ. દુકાનોમાં ઉધારી ચાલતી હોય. ઘણા ના ઘરે ઉઘરાણીના પોસ્ટકાર્ડ આવે. ઘણા ના ઘરે વાણોતર રૂબરૂ આંટા ખાય. ક્યારેક વેપારી આવીને કોઈને ચોપડા ચોખ્ખા કરવાનું કહે ત્યારે મનમાં સવાલો ઉઠતા ! ચોપડા મેલા પણ થતાં હશે ! પરંતુ, આ બધી ગ્રામ્ય જીવન ની એક રૂટિન પ્રક્રિયા હતી. લીધા દીધા ના હિસાબ ચૂકતે કરવા માટે દિવાળી નિમિત્ત બની ને આવતી.

દિવાળી ઉપર બજારમાંથી મીઠાઈ લાવવાની પ્રથાની ત્યારે શરૂઆત નહોતી થઈ. જોઈતું કારવતું સહુ ઘેર બનાવી લેતા હતા. ફટાકડાની ખૂબ રાહ જોતા અમે… બાપુજી દિવાળી ની સવારે જ તાલુકા મથકની બજારમાં લઇ જતા દારૂખાનું લેવા. દારૂખાનું આપતો દુકાન વાળો અમને ફરિશ્તા જેવો લાગતો. હિસાબ કરી ને દારૂખાના વાળો 5રૂપિયા નો આંકડો કહેતો. એ વખતે એ આંકડો પણ બાપુજી ને મોટો લાગતો.

દિવાળીની સાંજે બા દિવા પ્રગટાવી ને ટોડલે મૂકતી. ઓટલા ઉપર બેસીને અમે ફટાકડા ફોડતા. સાંજે બા શુકન ની લાપસી બનાવતી. મોડી રાત સુધી ઘર ને વધારે રૂપાળું બનાવવા બા મથામણ કર્યા કરતી. એ તોરણ બાંધતી. જાળી વાળો રૂમાલ નાના લાકડાના ટેબલ ઉપર મૂકી તેના ઉપર થાળી મૂકતી અને અંદર સાકર અને મુખવાસ મૂકતી. માં મોડે સુધી જાગી ને બધી તૈયારી આટોપી લેતી. સવારે પરોઢિયે શેરી માં આવીને જેસંગ ઢોલી ઢોલ વગાડતો અને અમે જાગી જતા.

હજુ અજવાળું પણ ન થયું હોય અને ગામમાં એકબીજાને ઘેર રામ રામ કરવા નીકળી પડતાં. નાની મોટી મન ની ખેંચતાણ ભૂલી ને સહુ એક બીજા ને હાથ જોડતા. મંદિરમાં ચકલા ના ચણ માટે ફાળો લખાતો. સવારે સહુ દેવદર્શન કરવા અચૂક આવતા. ગામમાં દુઃખ જોજનો છેટું હોય તેવું વાતાવરણ રચાતું. અગિયાર વાગ્યા ની આસપાસ ગોવાળિયા ગાયો દોડાવતા.

ગોવાળિયા ની પાછળ દોડતી ગાયો અને શ્રદ્ધા થી દર્શન કરતા ગામવાળા આ દ્રશ્ય આજે પણ નથી ભૂલાયું. ગાય દોડે એટલે એ ભૂખી થાય . ગાય માટે કોઈ ખેડૂત આખું ખેતર ચરવા આપી દેતો. તેમાં ઊભેલું ધાન ગાય પેટ ભરી ને ખાતી. વરસ ભર એકધારા જીવન થી ભીંસાયેલા જનજીવન માટે દિવાળી ઉંજણ થઈ ને આવતી. ગામના રેવા શંકર ગોર વરસ નો વરતારો વાચતા. આવતું વરસ કેવું રહેશે તેની આગાહી કરતા અને સહુ શ્રદ્ધા થી સાંભળતા.

નાણાં નો ત્યારે અત્યારે છે એટલો પ્રભાવ નહોતો. દેખાદેખી પણ નહોતી. જેટલું છે એટલા માં રાજી રહેવાની આવડત સહુ માં હતી. રાય થી રંક સુધીના ભેગા થઈ ને તહેવાર ઉજવી શકતા હતા…. અને આજની સ્થિતિ આપણે સહુ જાણીએ છીએ. ખોટા ખોટા હાશકારા અને સાચા હાયકારા વચ્ચે તહેવાર પસાર થઈ જાય છે. જ્યારે વો ભી ક્યાં દિવાલી થી !!!!

# આલેખન : અંબુ પટેલ

🍕 1990 ની હોળી- ધૂળેટીની યાદો

🍁 ગુજરાતી કવિતા સંગ્રહ

————————————

અતીત ની યાદ…..

————————————