Skip to content

ગામડાની જુની યાદો 1 – ગામડાનો વરો અને પંગતમા જમવાની મજા

ગામડાની જુની યાદો, ગામડાનો વરો અને પંગતમા જમવાની મજા
3001 Views

ગામડાની જુની યાદો, અતિતની યાદો કોને ન ગમે અને એમાય ગામડા ગામમા વરો (લગન) હોય ત્યારની તો મજા જ અલગ હતી, તો આવો ડુબકી મારીએ એ યાદગાર ગામડાના સંભારણા, પંગત : ગામડાની વિસરાયેલી એક પરંપરા, Old village memoires, gamadu, gamadani yaado, visarati jati parampara

ગામડાનો વરો (જુના સમયના લગ્નની યાદો)

નાડા ને બુંગણ ને કમંડળ ને ખુમચા ને છરીયુ ને પુરી દબાવવાના મશીન ને ખમણી ને એવુ બધુ વહેવારવાળાને ત્યાં ગોતવા નિકળી જાય એ કુટંબમાં લગન પરસંગ એટલે કે વરો છે એમ સમજી લેવાતુ. કેટરીંગ તો હતુ જ નહી પણ શમિયાણાવાળા ય શહેરમાં જ હતા. એટલે માળવા કારવવા તાપડા-તાલપત્રી ને બુંગણ માગી લવાતા. અને ઠામ-વાસણ કુસણ પણ પાડોહમાંથી કે ઢાલ હોય ત્યાંથી બેક દિ- ઘડી સાપડી લઇ લેતા.

વર કે કન્યાના બાપા તો લગનને છ મહીનાની વાર હોય ત્યાં જ નમ્ર બની ગયા હોય. સારથિયાની સારથનો લાભ અને સેવા નહીતર બરાબર મળે નહી. વાંકુ તો કોઇ હારે મુદ્દળ નહી પાડવાનું. ચપટી સુરેશ તમાકુથી માંડીને રકાબી ચા સુધીનો હંધોય વહેવાર હારી રીતે હાચવવાનો.

જો કે તો ય પરિવારમાં કોકે તો ટાણે જ ઠવડાવાનું નક્કી કર્યુ હોય તે ઇ તો “ઉહુઉઉઉક…. મારે નથી આવવુ, ધીરાની ઢયગમાં મોહનો ટાણે જ વાડીએ વયો ગ્યો’તો ઇ મને હજી હાંભરે છે..” કરીને રીહાય. એને વળી માંડ માંડ વડીલો મનાવે અને બીજે દિ ડાયરો હોય, ઘરધણી એની તૈયારી કરે.

બીજી કોર ગામનો કોઇ વાળંદભાઇ કે બાવાજીબંધુ હાથમાં નોતરાનો ખરડો લઇ, સાયકલ પર સવાર થઇ નિકળી ગયો હોઇ. તે ઇ કોકની ખડકી ખખડાવે, કોકનો ઝાંપો-ઝાંપલી હડસેલે, કોકના કમાડની સાંકળ પછાડે તો કોકનો ડેલો ધબધબાવી ને પછી હાદ પાડે- ઉંચા અવાજે- અદાલતનો પેલો નામ પોકારિયો હોય એમ વિશિષ્ટ લહેકામાં બોલે; ” એએએએએ ફલાણાભાઈ લાખણી કે લાખાણી પરિવાર ને ત્યાં રાતે ડાયરામાં, કાલસવારે માંડવે, કાલરાતે એક જણને અને પરમદિ’ બપોરે હાગમટે જમવાનું નોતરૂ છેએએએએએ..”

આહાહા…હા, આટલુ હાંભળીને તો મનમાં મધ રેડાતું. નોતરાવાળા બાવાજી હોય તો ખોબો’ક ધાન દેવાતુ. એ જતા રહે પણ આ બાજુ જેને જમવા જવાનું છે એના માનસપટ ઉપર એક આખુ ચિત્ર ખડુ થઇ જતુ. કોકનો વંડો કે શેરી માળી હોય, પવન ના લાગે એવા ખુણામાં બે ઉંડી મોટી ચૂલ હોય,

કીચન સમકક્ષ એ વિભાગમાં કાચુ કરિયાણુ, બટેટા, શાકભાજી પડ્યા હોય, મગ બાફણા જગતા હોય ને મોટા તપેલાઓમાં રસોઇ રંધાતી હોય, આગલે દિ’ રાતે બનાવેલી ગુંદીના લાડવા વળાતા હોય, મીંદડી આંબી નો જાય એવી જગ્યાએ મોહનથાળ ચોકીમાં ઢાળેલો પડ્યો હોય, બાળકની રમકડાની મોટરના પૈડા હોય એવી સાઇઝમાં કોક મરચાને કાતરથી કાપીને તો કોક કોબીને ઇસ્ટીલના ઉંધા ગલાસથી સંભારા માટે સમારતા હોય, કોક બડબો ભરી હોય એવા થાળી-વાટકા-ગલાસને ગાભો મારતા હોય અને કોક કોક ડાંડ કીસમના હોય ઇ ગાડાની ઉંધે જઇ ફડાકા મારતા હોય.

હાંજ હોય, અંધારૂ થઇ ગયુ હોય અને પછી પીળા બલ્બ, બસ્સો બસ્સો વોટના ચાલુ થાય. જમવા માટેનો હાદ પડાઇ ગયો હોય એટલે નોતરના માણસો જે થોડે દુર બેઠા હોય એ આવવા લાગે. દાળ શાકના ડાઘવાળા પાતિયા (આસન પટ્ટા) પાથર્યા હોય પણ આજ એની કોઈને પરવા ના હોય.

આમ તો ભોજન માટેનુ મેનુ ફીક્સ જ રહેતુ… “રાણી બાદશાહ એક્કો અને લૈલા મજનુનું શાક” અર્થાત લાડુ અથવા ગુંદી- ગાઠીયા- મોહનથાળ અને રીંગણા બટેટાનું શાક. વધુમા સંભારો, ફરફર અને આખરમાં દાળભાત… બસ આટલુ જ, વરસો સુધી ચાલેલા આ મેનુનો શોધક કોણ હશે ? અને એને એમે ય નહી થયુ હોય કે આ ડોહુ શાક… ખાવુ હેની હારે ?

તો ય જો કે લોકો તો ખાતા જ. અરે… ખાતા નો ધરાતા!! ઈ ગમે એમ કરી, ગાઠીયા ભેળવીને ય પણ શાક તો હોશેહોશે લેતા અને વળી ખાતા ય ખરા. અને ખાય કેમ નહી અલ્યા ??? એકનું નોતરૂ હોય તો પાંચ, ગણેહનું નોતરૂ હોય તો શ્રીફળ તથા રોકડા દહ રૂપિયા અને હાગમટે હોય તો પુરા પચ્ચીસ રૂપિયાનો પહ ભરાવ્યો હોય હો, ઈ તો વસુલ કર્યે જ છુટકો.

ગામડાનો વરો (જુના સમયના લગ્નની યાદો)
ગામડાનો વરો (જુના સમયના લગ્નની યાદો)

આમ તો પહ લખાવતા પહેલા પટારો ફંફોસી, એમા ક્યાક હાચવીને મુકેલી, પોતાને ત્યાં ગયેલા પ્રસંગની નોટ ગોતી લેવાતી.જમીનનો દસ્તાવેજ હોય એવી એની જાળવણી થયેલી હોય કારણ કે કોણે કેટલો પહ ભરાવેલો એની નોંધ એમા પડેલી હોય અને એના આધારે જ અગિયાર લખાવવા કે એકવીહ.. એ નકકી થતુ.

જાન આવતી હોય તે દિ’ મેનુમાં થોડો સુધારો જોવા મળે. મોહનથાળની જગ્યાએ લિંબુડીયા રંગનો ટોપરાપાક હોય, ભજીયા કે અમરેલીથી ખમણ મંગાવ્યા હોય અને આગલે દિ’ સમેટીના- રાશનના ચોખા દાળભાત માટે વાપર્યા હોય તે આજ બાસમતિનું આંધણ મુક્યુ હોય.

વરવિવામાં એટલી સ્પર્ધા ન થતી જેટલી જાન આવી હોય તે દિ પીરસવામાં થતી. જુવાનિયાવ જાનડીયુને ભાવભેર જમાડવા ઓછા ઓછા- ભીના ભીના- અડધા અડધા થઇ જતા. જાન તરફથી સારથિયાઓને નેપકીન દેતા ઇ હરખ તો પાછો બોનસમાં ગણાતો. પંગત પડી ગઇ હોય, લાડવાવાળો આગળ પછી ઢેફલા પછી ગાઠીયા પછી ભજીયા પછી શાક પછી સંભારો પછી ચટણી પછી દાળ એમ એના આરક્ષિત ક્રમમાં હારથિયા પિરહવા લાગે, લેવુ હોય ઇ એમને એમ બેહે એટલે એની થાળીમાં વસ્તુ મુકાય અને આડો હાથ દેય એને ઠેકી જવાનો ધારો હતો.

જુના જમાનામા જાનની બેઠક વ્યવસ્થા
જુના જમાનામા જાનની બેઠક વ્યવસ્થા

લાડવો એક, ભજીયા બે દાણા, ખમણ ચપટીક, ગાઠીયા મુઠીક, એક ચમચો શાક… આટલી માત્રામાં જ પીરસવુ જેથી બગાડ ના થાય એવો નિયમ પણ અમલમાં રહેતો જ.

આ પ્રમાણે પીરસવાવાળા લાંબી લાઇન પુરી કરે ત્યા કમરના મણકા ફાટવા લાગ્યા હોય પણ ઉત્સાહ નામની ય કોઇ ચીજ હોય છે હો ભાઇ!!! જાડેરી જાન હોય તો પાંચ છ લાઇન અવળા હવળા મોઢે જમવા બેઠી હોય. પીરસનાર છેલ્લી લાઇનના છેલ્લા જણ સુધી પહોંચે ત્યાં સુધીમાં પહેલી લાઇનની બધી થાળીઓ સફાચટ થઇ ગઇ હોય એટલે પીરસવાવાળા ભરશિયાળે પરસેવે રેબઝેબ થઇ ગયા હોય તો ય ડોલુ, ખુમચા, કમંડળ બદલીને પાછા નિકળે. આમ ત્રણવાર પીરસાય, ત્રીજીવાર તો હડેડાટ-હોપટ નિકળી જવાનો આદેશ હોય. અને પછી દાળભાત… સારૂ ઘર હોય એને ત્યાંય કોઈ મહેમાન હોય ત્યારે જ દાળભાત બનતા એટલે એની ય આતુરતા જબ્બરી રહેતી. કેટલાક તો લીંબુ ખીસ્સામાં નાખીને લાવ્યા હોય તે ઇ નીચોવીને ખાવાનો આનંદ કોઇ વિશેષ પ્રકારનો રહેતો.

ગળામણનો ઇ જમાનો, તે વેવાઇ ફાચરા દેવા નિકળે. પરાણે-તાણ કરી કરીને મોઢામાં મોહનથાળના કે ટોપરાપાકના ઢેફલા ઠુસે. તો વળી, સામા પક્ષે ય ક્યારેક હરખના ગળકા આવે અને પછી સામસામે પરબારા મોંમા ફાચરા દેવાય. ખાતો હોય એના હાથ તો એઠા હોય જ.. જે તાણ કરવા નિકળ્યા હોય એના આંગળાના ટેરવા પણ કેટલાય હોઠોના જર્મ્સ ચોટેલા હોય જે હરખભેર શેર થાય. હુઘરાઇની એ પરંપરા હજુ ચાલુ જ છે.

થોડે દુર પાણીનુ ટીપણુ સીધુ જ કોકની કુવાની મોટર ચાલુ કરીને ભરી આવેલા હોય. એમા ગ્લાસ જબોળી હાથ ધોવાય અને એ જ ગલાસથી મોઢે માંડી પાણી પીવાય. પ્રવેશદ્વારે ચાંદલો લખવાવાળા પાસે જો મુખવાસ હોય તો મુઠોભરે, કોઈ તો રૂમાલમાં ય બાંધે અને ખાધા જેવી મજા નહી.. સુતા જેવુ સખ નહી એમ કરી બધા વરે પડે.

પંગતમા જમવાની મજા
પંગતમા જમવાની મજા

વરસો બાદ વરો આજે ઘણોખરો પ્રસંગ બન્યો છે. સાચા અર્થમાં બત્રીસ જાતના ભોજન પીરસાય છે. સદ્ધર થયેલો સમાજ દિલખોલીને પૈસા વાપરે છે. અને એમા ખોટુ ય શું છે ? જમાનો ખરેખર જીવવા જેવો આવ્યો છે ને લોકો મનખ્યો માણી લેવાના મુડમાં છે.

*ચોખવટ : આખા લેખને જાણીજોઇને તળપદા શબ્દોમાં લખવામાં આવ્યો છે. અને છેલ્લે ખરેખર આ જીંદગી જીવવા ની મજા ક્યાક જુદી હતી હો લખવામાં અને વાંચવા ની મોજ આવી હો.

લેખક:-પોપટભાઈ પટેલ,ઘેલડા..

પંગત : ગામડાની વિસરાયેલી એક પરંપરા

“એલા દાળ આવવા દયો આ ખૂણામા…”

“એ.. હા.. કોને જોતી’તી દાળ..?”

“શાક ફેરવો એલાવ…”

“એ..ભાઈ.. હરવો રે.. કમંડળમાં થી દાળ સલકાય સે..”

“આ બાજુ લાડવા લાવો એલા.. મે’માન ભૂખ્યા નો રે’વા જોય હોં.”

“આટલો.. એક લાડવો તો લેવો જ પડસે તમારે..”

“ના હોં.. હવે જરાકેય નય હાલે..બસ.. બસ..”

“અરે એમ હાલતુ હસે યાર.. ? અડધો લાડવો તો લેવો જ પડે..”

“ના હોં.. સોગનથી હવે નય હાલે..ના.. ના..”

“એલા એ તો ના પાડે.. પકડો બે હાથ.. ખવરાય એલા તુ તારે..”

<><><><><><><><><><><>

આ..હા… હા… શું પંગત જામી હોય..! આવાં વાક્યો લગભગ દરેક પંગતમાં સાંભળવા મળે, મળે ને મળે જ.. પંગતની આ ખરી મોજ હતી.

“પંગત” એટલે સમૂહમાં કતારબંધ જમવા બેસવું. પરંતુ આ જમણવાર શરૂ થાય એ પહેલાંની તૈયારીઓ પણ ગજબની હોતી.

અગાઉના દિવસથી જ મહોલ્લો, વાડી કે એવી કોઈ મોટી જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવતી. સીધું-સામાન પહોંચી જાય પછી સાંજથી જ વાડીમાં ચહલપહલ વધી જાય. કારણ – રસોઈ બનાવવાની તૈયારીઓ.

હા. પહેલાં આજની જેમ રસોઈયો આખી મંડળી લઈને ના આવતો. એ એકલો જ એનાં ઓજારો સાથે આવે. બાકીનું કામ કુટુબીજનો અને મહોલ્લાના પડોશીઓ સાથે મળીને કરતા.

રાત પડે એટલે ચૂલા સળગે. લાકડાં જાડાં કે હવાયાં હોય એટલે સૌ પહેલાં તો આખી વાડી ધૂમાડાના ગોટેગોટાથી ભરાઈ જાય. તો પણ આંખો ચોળતાં ચોળતાં અડગ રહીને કામ કરવાનું.

અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય. કોઈ શાકભાજી સુધારે, કોઈ લસણ ફોલે, કોઈ સૂરણ, મરચાં ઠીક કરતું હોય. બાળકો ઉત્સાહમાં વાસણો સાફ કરીને ગોઠવતાં હોય. એક ખૂણામાં ભાભલાઓની સભા જામી હોય. ચા, પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ખેંચાતી હોય, સાથે સાથે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી-નરસી ઘટનાઓની વાતો થતી હોય. હસીમજાક અને ગમ્મતનો પાર ના આવે.

સૌથી પહેલાં તો મીઠાઈ બનાવવાનું કામ ચાલે. ખાસ કરીને લાડુ જ હોય. લાડુ માટે પહેલાં મુઠીયા બનાવી તેલમાં તળવાં પડે. પછી એને ભાંગવાનાં. આજની જેમ મિક્સર નહોતાં. એટલે યુરિયા ખાતરની થેલીઓ ધોઈને સાફ કરી રાખી હોય. એમાં ભરીને એકજણ મોંઢિયું પકડી રાખે. પછી એ થેલીને પથરા ઉપર રાખીને બે જણા સામસામે ધોવાના ધોકા વડે મંડી પડે. ધબ્બ ધબ્બ ધબ્બ ધબાકાથી વાડી આખી ગાજતી હોય. એમાંય ધીબાકા દેનારાને શૂરાતન માતું ન હોય. આવા સમયે ભૂલથી પણ બે ધોકા સામસામે સહેજ પણ ટકરાઈ જાય તો લાકડાના ધોકામાંથી પણ તણખા ઝરતા.

વાડીમાં રાત્રે નાસ્તા માટે ભજીયાં બનાવવામાં આવે. કડાઈમાં તળાતાં ભજીયાંની સુગંધ ચારેબાજુ ફેલાય એટલે આઘાપાછા થયેલા “કામચોરો” પણ રસોડા પાસે ટોળે વળવા માંડે. જેવો પહેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે. કામ કરનારા પાછળ રહી જાય. એવા માણસો સૌથી પહેલાં ચાખે, ખાય અને એક બે ખોટ તો કાઢે જ..

“થોડી મેથી ઓછી પડી..”

“ઓમ તો બધુ બરોબર સે પણ અંદરથી થોડા કાચા રયા સે.”

“રસોઈયો શીખાઉ લાગે સે એલા.. લોટમાં ખારો વધારે નાંખી દીધો સે..”

આમ છતાં રાત્રે બધા ભેગા મળીને ગોટા ને મરચાં ઝાપટવાની જે મજા પડતી એની તો શી વાત કરવી. અમુક તો રીતસરના હરીફાઇમાં ઉતરે. એમાંને એમાં બે-ત્રણ દિવસનો પૂરવઠો ભેગો કરી લેતા. પછી ભલેને સવારે ડબલાં ઉપર ડબલાં ભરવાં પડે. હા, જાજરૂની વ્યવસ્થા નહોતી ને એટલે ડબલું જ એક હાથવગું હથિયાર હતું.

રાત્રે મોટા ભાગનું કામ પતી જાય. પછી સવારે વળી પાછા વાડીમાં મેળાવડો ભેગો થાય. પીરસવાવાળાની ટુકડીઓ પડે. દાળ, ભાત, શાક, ફુલવડી વગેરે માટે માણસ જોઈને કામ સોંપવામાં આવે. એમાંય લાડુ માટે તો ખાસ માણસોની પસંદગી કરવામાં આવે. ચર્ચા વિમર્શ કરવામાં આવે.

“એમ કરો, લાડવામાં રઘો અને શંભુ એ બે જણાને રાખો. એને ફાવટ સે કાયમની. “

“ના એલા, શંભુ થોડો કાચૉ પડસે. રામ ચાલસે..શંભુને હમણા ઠીક નથી રે’તું પાસું.. “

“હા..એ બરોબર. અ

રામ ને રઘો બે જણા કંપલેટ કરો. બે જણા ફાઈનલ..”

અને આમ લાડુ પીરસનારા પણ નક્કી થઈ જાય. એક ટુકડી રસોડામાંથી બધું ભરી આપવા ખડેપગે હોય. પંગતમાં કોઈને શું જોયે છે, શું ખૂટે છે, એ તપાસવા માટેના પણ સ્પેશ્યાલિસ્ટો હોય. પાંચ-સાત જણા એવા તો પહેલાંથી જ નક્કી હોય. નાનાં છાકરાં પોતાની રીતે પાણીની ડોલો જ ગૉતી લ્યે. એમનું કામ પાણી આપવાનું.

ટુકડીઓ, વાસણો, પાથરણાં બધું જ રેડી થઈ જાય. પછી મહેમાનો આવવાનું ચાલુ થાય.

“એ.. રામ રામ ભીખાભાઈ.. આવો .. આવો.. “

“રામરામ જેરામભાઈ. કેમ સો તમે..?”

“એકદમ મજામાં હોં. તમે બોલો.. કેમ સો.. ? તબિયત પાણી ઠીક સે ને..?”

“તબિયત તો એકદમ ઘોડા જેવી હોં. આ ઉભા જોવો. પસી સુ થાય એ ભગવાન જાણે..”

જેમ જેમ મહેમાનો આવતા જાય તેમ એક-બીજાને હાથ મિલાવીને રામ રામ કરતા જાય અને ખબરઅંતર પૂછતા જાય. પછી જેને જ્યાં ઠીક લાગે ત્યાં લાઈનમાં ગોઠવાતા જાય. લાઈનોની જગ્યા પૂરી ભરાઈ જાય એટલે બહાર સ્ટોપ કરવાવાળા પણ ઉભા હોય. વાડીની જાળી આડી કરીને કે હાથ આડા કરીને બાકીનાને પંગત પૂરી થાય ત્યાં સુધી બહાર સ્ટોપ કરી દેવામાં આવે.

ત્યારબાદ કામ ચાલુ થાય પીરસવાનું. બે ટુકડીઓ પોતપોતાની વસ્તુઓ લઈને બન્ને લાઈનમાં નીકળી પડે. સૌથી પહેલાં લાડુ હોય. પછી શાક, ફુલવડી, દાળ વગેરે હોય. ભાતનો વારો તો છેલ્લે આવે.

લાડુ પીરસનારો હોંશિયાર હોય. જમનારનું મોંઢું જોઈને જ સમજી જાય કે અહીંયા કેટલું ખપશે. અને એ પ્રમાણે એક, બે કે ત્રણ લાડુ થાળી માં મૂકતો જાય. પીરસવાની ઝડપ પણ ગજબની હોય.

પંગતમાં ધ્યાન રાખનારા પાછા સૂચનાઓ આપતા જાય-

“એલા બે મેલ બે.. મેલ તુ તારે.. એ તો ખવાય જાહે..આવડા મોટા શરીરમાં બે કાય ના કેવાય એલા.”

“આ લાઇન માં ફુલવડી નથી આયવી એલા.. ક્યા ગ્યૉ ફુલવડીવાળો.. ઓય.. એ પકલા.. આયા ફુલવડી લેતો આય..”

“એલા સૉકરા, પાણી ઢૉળાઇ નય હોં.. હાચવી હાચવી ને આલજો.. શાંતિથી..”

“દાળવાળા બેય જણા હારે નૉ રખડૉ એલાવ.. આગળ પાછળ થય જાવ.. એક જણો છેલ્લે આપૉ..”

પંગતનો જમણવાર બરાબરનો જામ્યો હોય. એય ને દાળના સબડકા બોલતા હોય.. લાડવાનું બટકું ને શાકનું પીતું ભેગું કરીને મોંમાં મમળાવતા હોય.. મીઠી વાતોચીતો થતી હોય.. બધા મોજથી જમતા હોય… એ દ્રશ્ય પણ જોવા જેવું હોય હોં…

અડધા ઉપર જમણવાર પતે એટલે ભાત પીરસવાનું ચાલુ થાય. પાછળ ને પાછળ લાડવાની તાસ ફરતી હોય. પ્રેમથી જમાડવાની પરાકાષ્ઠા અહીં જોવા મળે. વડીલો એક પછી એક એમ તમામને લાડુ સીધો મોંમાં જ મૂકતા આવે. કોઈપણ જાતની આનાકાની અહીં ચાલે જ નહીં.

“લ્યો, આઆઆ… કરો તાણ.. ખોલો મોઢુ..”

“એમ હાથ આડા રાયખે નઈ મેળ આવે હોં મેમાન. લેવાનૉ એટલે લેવાનૉ.. ના નો પડાય હોં..”

“એલા આટલી જુવાનીમાં આ નઈ જેવડું લાડવું કાય નૉ કે’વાય ભલાઆદમી.. હાથ સેટા રાખજો તમે..”

“મારાથી તો હવે નઈ ખવાય હોં…. સોગનથી હવે નઈ.. જરીકેય નઈ..”

“ઓ.. હો.. હો.. ગોવીંદભઈ તમે..? એલા મે તો તમને જૉયા જ નોતા.. તમારે તો બે ખાવા જ પડસે..”

લગભગ 50 વર્ષ પહેલાના લગનના પંગતમા જમણવારનો ફોટો
લગભગ 50 વર્ષ પહેલાના લગનના પંગતમા જમણવારનો ફોટો

આમ છેલ્લા ફેરામાં મહેમાનોને આગ્રહ કરી કરીને લાડુ ખવડાવવામાં આવે. કેટલાકને સાચે જ પેટમાં જગ્યા ન હોય. છતાં ખાવું પડે. પછી અમળાયા કરે. કેટલાકને તો ખાવાની ઈચ્છા હોય જ. પરંતુ અમસ્તી જ ના પાડે. પછી અડધાની જગ્યાએ બે લાડવા ઝાપટી જાય. આગ્રહ કરવાવાળાને ક્યારેક સામેથી પણ ખાવું પડે. ત્યારે બરાબરની જામે.

પંગતમાં વહેલાં મોડા જે કોઈ જમી રહે તે રાહ જોઈને બેસે. અને લગભગ બધા સાથે જ ઊભા થાય. આ પણ પંગતની એક આગવી લાક્ષણિકતા હતી. ફાળિયાનો છેડો, પટકો, કે ખેસના છેડે હાથ મોં લૂછતા લૂછતા સૌ બહાર નીકળે. ત્યાં તો એઠાં વાસણ લેવાઈ જાય, સફાઈ થઈ જાય, અને ફરીથી વ્યવસ્થા થઈ જતાં બીજી પંગત શરૂ થાય.

*****************

Bachpan Ka Pyar

OLD is GOLD Poem | Bachpan Ka Pyar

મિત્રો, આવી હતી પંગતની વાસ્તવિકતા. જેમાં ભાઈચારો, સહકાર, આત્મિયતા, પ્રેમ, આનંદ, આદર, સત્કાર, જેવી બાબતો વણાયેલી હતી. એકબીજાની સાથે બેસીને હોંશથી જમવાની જે મોજ હતી એનું વર્ણન જ ન થઈ શકે.

પંગત એટલે મહેમાનનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા. મહેમાન જમી ના રહે ત્યાં સુધી એને કોઈપણ વસ્તુ માટે ઊભા થવું ન પડે. દરેક વસ્તુ એના ભાણાં સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી. કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો છે એનો ખ્યાલ પંગતમાં આવી જતો.

દરેક પંગતની આગવી વિશેષતા હતી. એનો અલગ માહોલ હતો. એની અલગ મજા હતી. પંગત એટલે મહેમાનોને હાથેથી જમાડીને પોતે જમ્યા જેટલો આનંદ લેવાનો અવસર હતો. પંગતનું જમણ જમનારને પણ પોતીકું લાગતું.

આજના “બુફે” યુગમાં “પંગત” એક ઈતિહાસ બની ગઈ છે. આજે જમણવારમાં જમવાની આઈટમો અનેકગણી વધી ગઈ છે, પરંતુ જમવાનો સંતોષ અને મજા ઘટી ગઈ છે. આવનારા સમયમાં “પંગત” હમેશાં હમેશાં માટે ઈતિહાસના પાનાઓમાં અદ્રશ્ય થઈ જાય તો નવાઈ નહીં.

“બૂફેનો જમાનો આવ્યો, નથી બેસતી હવે પંગત.

સંગતમાં તો હર કોઈ છે, પણ કોને કહવું અંગત..? “

મિત્રો, આપણે નસીબદાર છીએ કે પંગતનો પ્રેમ અને બુફેનું બખડજંતર બન્ને જોઈ-માણી શક્યા છીએ. ચાલો, જમાના પ્રમાણે બધું બરાબર છે. છતાં પંગત એ તો પંગત જ…

ગામડું ભાગ 2 : જુના જમાનાની જાન અને જાનૈયા થવાનો હરખ

જુના સમયમાં ઉજવવામાં આવતી દિવાળીની મજા વાંચો

🍕 1990 ની હોળી- ધૂળેટીની યાદો

old text books

old text books | GSEB Gujarati 90’s book std 1

3 thoughts on “ગામડાની જુની યાદો 1 – ગામડાનો વરો અને પંગતમા જમવાની મજા”

  1. Excellent collections and publications.
    God Bless You.
    encourage Young Gujarati’s to contribute.
    latest Guj.Drama is not encouraging Young Gujju.
    do the best.
    I desire to do something but no way.
    regards
    Vijay Maganlal Vaghela

  2. Pingback: રમેશ પારેખની શ્રેષ્ઠ કવિતાઓ, ગઝલો | Best of Ramesh Parekh collection - AMARKATHAO

  3. Pingback: ગામડું ભાગ 2 : જુના જમાનાની જાન અને જાનૈયા થવાનો હરખ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *