9568 Views
મા મને છમ્મ વડું બાળવાર્તા સંગ્રહ , વિસરાતી જતી વાર્તાઓ માં આજે વાંચો ” મા મને છમ્મ વડું ” આ બાળપણમાં ખુબ જ સાંભળેલી, દાદા અને દાદીમાંની વાર્તાઓ. બોધદાયક વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ , Gujarati Bal varta collection , Best story collection. મા મને છમ વડું.
મા મને છમ્મ વડું બાલવાર્તા
🔴 મા મને છમ્મ વડું 🔴
એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી.
એમને સાત છોડીઓ. બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડમાંડ પેટનું પૂરું થાય.
એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું : “ આજ તો વડાં ખાવાનું મન થયું છે. ”
બ્રાહ્મણી કહે : “ પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચસાત વડાં થાય એટલો લોટ માંડમાંડ નીકળે તો.”
બ્રાહ્મણ કહે : ” ત્યારે કાંઈ નહિ ; વાત માંડી વાળો. ’’
બ્રાહ્મણી કહે : “ ના , એમ નહિ. પરમ દહાડે ધોળીકાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યાં છે ; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દો ; પછી હું તમને પાંચ – સાત પાડી આપીશ. મારે કાંઈ ખાવાં નથી એટલે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.”
રાત્રે બધી છોકરીઓ સુઇ ગઇ પછી બ્રાહ્મણીએ હળું હતું ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપ૨ લોઢી મૂકીને ઉપર ટીપુંક તેલ મૂક્યું. પછી વડાંનું ડોઈને વડાં કરવા બેઠી.
જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં છમ , છમ , છમ ‘ થયું.
છમ છમ સાંભળી એક છોડી જાગી ને કહે : “ મા મને છમ્મ વડું ”
મા કહે : “ સૂઈ જા , સૂઈ જા , આ લે એક વડું, ખાઈને પાણી પીને સૂઈ જા. જોજે બીજી જાગે નહિ. ” પહેલી છોડી તો એક વડું ખાઈને પાણી પીને સૂતી.
માએ તો બીજું વડું મૂક્યું ત્યાં તો પાછું ‘ છમ છમ ’ થયું. બીજી છોડી જાગી ને કહે : “ મા મને છમ્મ વડું ”
મા કહે : “ લે સૂઈ જા , સૂઈ જા , જો : બીજી બહેન જાગશે. ’’ બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ.
બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કહે : “ હશે , એ તો છોકરાં છે ને ! ’’
પછી માએ ત્રીજું વડું મૂક્યું ; પણ ત્યાં તો પાછું છમ , છમ , છમ ! ’‘
છમ છમ ’ સાંભળી વળી એક છોડી જાગીને કહે : “ મા મને છમ્મ વડું ”
મા કહે : “ લે વળી તું ક્યાં જાગી ? લે આ વડું ; ખાઈને સૂઈ જા. જોજે, બીજીને જગાડતી નહિ . ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો.
બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું છમ , છમ , છમ બોલ્યું. ‘ છમ , છમ ’ થતું સાંભળી ચોથી છોડી જાગી ને કહે : “ મા મને છમ્મ વડું ” એનેય વડું આપીને માએ સુવાડી દીધી.
પછી તો પાંચમી છોડી જાગી ને પાંચમું વડું એને આપવું પડ્યું ; તે પછી વળી છઠ્ઠી છોડી જાગી ને છઠ્ઠું વડું એને આપવું પડ્યું ; ને છેવટે સાતમું વડું સાતમી છોડીએ ખાધું.
આમ કરતાં સાતેય દીકરીઓએ એક એક વડું ખાઈ લીધું. એમના બાપને બિચારાને એક પણ વડું ન મળ્યું. એ તો ગુસ્સે થઇ ગયો. માંડ માંડ વડાં ખાવા મળતાં હતાં અને દીકરીઓ ખાઈ ગઈ. એ તો સાતેય દીકરીઓને લઈને જંગલમાં મૂકી આવ્યો.
છ બહેનો તો એક ઝાડ પર ચડી ગઈ પણ નાની બહેન ઝાડ પર ન ચડી શકી. એ દુર દુર દોડવા માંડી. એણે એક સરસ મજાનું મકાન જોયું. એણે મકાનમાં અંદર જઈ જોયું તો ખુબ સારું સારું ખાવા પીવાનું હતું. એ તો એકદમ રાજી રાજી થઇ ગઈ. નાચવા કુદવા લાગી. એણે તરત જ એની છ બહેનોને બોલાવી. સાતેય બહેનો મકાનમાં રહેવા લાગી. સારું સારું ખાઈ-પીને એકદમ ગુલાબી અને તંદુરસ્ત દેખાવા લાગી.
આ બાજુ એમના બાપને ખુબ પસ્તાવો થયો કે, “અરેરે. હું કેવો બાપ છું. મારી દીકરીઓએ વડાં ખાધાં એમાં ગુસ્સે થઈને એમને જંગલમાં મૂકી આવ્યો. મારી દીકરીઓનું શું થતું હશે?”
એ તો દોડતો જંગલમાં ગયો. ત્યાં એણે જોયું કે એની સાતેય દીકરીઓ એક સરસ મકાનમાં આનંદથી રહેતી હતી. સારું સારું ખાઈ-પીને ગુલાબી અને તંદુરસ્ત થઇ ગઈ હતી. એ ખુબ જ ખુશ થઇ ગયો. દીકરીઓને ભેટી પડ્યો. પછી એણે ઘણું બધું ખાવાનું લીધું અને દીકરીઓને લઈને ઘરે આવી ગયો.
✍ ગિજુભાઈ બધેકા
આ બાળવાર્તાઓ પણ વાંચો 👇 જે વાર્તા વાંચવી હોય તેના પર ક્લીક કરો.
💥 વાણીયાની ચતુરાઇની બે વાર્તાઓ
💥 પોપટ ભુખ્યો નથી, પોપટ તરસ્યો નથી – વાર્તા
💥 સસ્સારાણા સાંકળીયા ડાબે પગે ડામ
💥 લાખો વણજારો – કુત્તે કી વફાદારી
💥 ઠાગાઠૈયા કરુ છુ, ચાંચુડી ઘડાવુ છુ.
ગુજરાતી બાળવાર્તાઓનો ખજાનો, બાળવાર્તા સંગ્રહ, બોધદાયક વાર્તાઓ, મિત્રતાની વાર્તા, Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit, જોડકણા, ઉખાણા, બાળપણની યાદગાર વાર્તાઓ. બાળવાર્તાઓ pdf, બોધવાર્તા, ટુંકી બાળવાર્તા, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની વાર્તાઓ. નવી વાર્તા, મહેનતની વાર્તા. પ્રેરણાત્મક વાર્તાઓ. માત્ર અમરકથાઓ પર www.amarkathao.in
Pingback: old text books | GSEB Gujarati 90's book std 1 - AMARKATHAO