Skip to content

રવજી ઢોલી : એક સુંદર મજાની ગુજરાતી વાર્તા

રવજી ઢોલી
7208 Views

વાર્તા : રવજી ઢોલી, લેખક : વિજય મહેતા- સાવરકુંડલા, ગુજરાતી વાર્તા, Gujarati short story Ravji Dholi.

રવજી ઢોલી : વાર્તા

✒લેખક : વિજય મહેતા – સાવરકુંડલા


પાતળો એક વડિયો બાંધો. મેલા ચોરણી અને પ્હેરણ.. .એની માથે કથાઈ રંગની બંડી. માથે બાંધેલું ધોળું ફાળિયું. પૂરો ભીનો વાન. સહેજ ઊંડી ઉતરેલી આંખો.. એ કરચલી વાળા ઉદાસ ચહેરા પર જન્મજાત લીંપાયેલી ભલમનસાઈની રેખાઓ..

ભોં ખોતરતી નજર સાથેની ચાલ .લગભગ સિતેરે પહોંચવા આવેલી ઉંમર..વર્ષોથી આ એક જ સરખું વ્યક્તિત્વ એટલે આ રવજી ઢોલી..

રવજી દસ વર્ષનો હતો, અને એની મા મરી ગઈ. એનો બાપ ડાયો ઢોલી રવજી ને પોતાની ભેગો બધે ઢોલ વગાડવા લઈ જતો.. પછી તો રવજી ના બાવડામાં જુવાનીનું જોર આવ્યું ,અને રવજી નો હાથ ઢોલ ઉપર એવો બેઠો કે ,એના હાથની દાંડી ઢોલ પર પડે ત્યાં ઢોલ સામો હોંકારા દેવા માંડે.. બાપ-દીકરો
બન્ને બાજુ ચામડાથી મઢેલા અસલ ત્રાંબાળુ ઢોલ રાખતા. આજુબાજુના દસ પંદર ગામમાં આ જોડી પ્રખ્યાત હતી.

રવજી ને તો નહીં, પણ એના બાપ ડાયાને પેલેથી જ થોડી છાંટોપાણી ની ટેવ. અને કેટલાક કાંટિયા વરણ ના ફુલેકામાં એની રેલમછેલ હોય. માગશર મહિનાની ટાઢ રાતને બથ ભરીને બેસી ગઈ હોય. કોઈ પોરહીલા વરણના વરરાજાનું ફુલેકુ ચડ્યુ હોય. વરરાજાએ રેશમી મરૂન ચોરણીની માથે ભરત ભરેલું રજવાડી અચકન અને માથે છોગાળો સાફો બાંધ્યો હોય.. ભેટે હાથ એકની કટાર અને હાથમાં શિરોહી તલવાર રહી ગઈ હોય, ગલોફે પાન બીડું ચડાવ્યું હોય. શ્યામા વાણંદે માથે ઉપાડેલી કિટ્ર્સન બત્તીના અજવાળે ડાયરો હાલ્યો જતો હોય..ખોડા પગીએ વરરાજાની ઘોડીની લગામ પકડી હોય..પાછળ ચાલ્યા આવતા સ્ત્રી સમુહમાંથી
“વીર તો હાલે ચાલે ને ઘોડી ચમકે છે” ગીત સંભળાતું હોય.

કાસમ પહાયતો નાળચામાં દારૂ ધરબી બંદૂકના ભડાકા કરતો જતો હોય..ઠાકર મંદિરે ફુલેકુ પહોંચે…કાનો પટેલ સળુકો બોલી લે.. પછી રવજી અને એનો બાપ ડાયો સામસામા કુંડાળે પડે. સાચી ઢોલની રમત હવે શરૂ થાય..પણ જોનારાં દંગ રહી જાય..બન્ને એકબીજાથી ચઢે એમ ધ્રુબાંગ…. ધ્રુબાંગ…..ધ્રુબાંગ…

ગમે એવો કંજૂસ પણ ખીસામાં હાથ નાખી આ ઢોલીઓ માથે વરહવા માંડે…કાયરને પણ ધીંગાણે ચડવાનું મન થાય…એવી અજબ નાદ સૃષ્ટિ ગામના ચોકમાં ઉભી થઈ જતી…આજુ બાજુના બે ત્રણ ગામોને રાતની નીરવતામાં આ ઢોલ સંભળાતો. બહારગામથી આવેલા મહેમાનો પણ કહી ઉઠતા…કે ઢોલ વાગતા તો ઘણા જોયા…પણ તમારા આ લાખાપર ના પાદર જેવો નહિ….

પણ …એક દિવસ આવા ફુલેકામાંથી ઘરે આવ્યા બાદ બીજે ‘દિ રવજીનો બાપ ડાયો જાગ્યો જ નહીં….રવજીનો ઢોલ જાણે એકલો થઈ ગયો..

અધૂરામાં પૂરું રવજી અતિ સરળ સાદો અને સજ્જન અને એની પત્ની કડી કલોલની.
શોખીન નખરાળી અને બધી વાતે પુરી.. ચમના વણકરનો છોકરો મુંબઈથી રજામાં આવ્યો…મહિનો દા’ડો રહ્યો અને ગયો ત્યારે ભગાડતો ગયો…

હવે રવજી એના દેશી નળિયાના ઝુંપડા જેવા ઘરના ફળિયામાં એના એક માત્ર સાથી જેવા ઢોલ સાથે રહેતો હતો..ઢોલના અંદરની જેવો ખાલીપો લઈ રવજીએ જીવન આગળ હાંકયું. ધીમે ધીમે પગ પેસારો કરી રહેલા બેન્ડવાજા અને ડી.જે. ના યુગમાં રવજી એકલો પોતાના ઢોલ લઇને ઊભો હતો. ગામના હરેક પ્રસંગમાં એ ઢોલ વગાડતો.. ઢોલ લઈને ક્યારેક બજારે જતો હોય, અને સામે કોઈ ગામનો પ્રતિષ્ઠિત માણસ મળે તો ઢોલ ની બે દાંડી વગાડી એને માન આપતો ..

નમ્ર અને સરળ સ્વભાવના કારણે રવજી ગામ લોકોમાં પ્રિય હતો.. વળી રવજી એક સાચો કલાકાર હતો. અને એટલે જ સમય સમય પ્રમાણેના ઢોલ ના તાલને વગાડવામાં એ માનતો હતો. લગ્ન લખાતા હોય ત્યારે , મંડપ રોપણ નો ,ચાકડો વધાવવા જવાનો ,મામેરા ભરવાનો ,જાન ના સામૈયા નો અને કન્યાની વિદાય વખતનો ,રવજી દરેક વખતે અલગ-અલગ કસબનો ઢોલ વગાડતો…

કહેવાય છે કે એકવાર વર્ષો પહેલા ગામની ખળાવાડમાં આગ લાગી અને તે ‘દિ’ રવજીએ જે બુંગીયો વગાડ્યો છે, એ ઘણાને આજે પણ યાદ છે.. તો પાંચ વર્ષ પહેલા ભર વરસાદે પાદરના નહેરા નો પાળો ફાટ્યો, અને પાણી બધું ગામમાં ઘુસ્યુ, ત્યારે પણ રવજી એ ચોરાના પગથિયે ઉભા રહી બૂંગીયો વગાડ્યો, ત્યારે તો ઘણાને ખબર પડી..

પણ હમણાં ગયા ચૈત્ર મહિનામાં ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું. અને ગામ જાણે સાત દિવસ હરખના હીલોળે ચડ્યુ. રવજી નિયમિત કથામાં આવતો અને છેલ્લે બેસી સાંભળતો.. વળી વચ્ચે રૂકમણી વિવાહ અને શિવ વરઘોડામાં તો રવજીએ ઢોલ પણ વગાડ્યો.

સાતમા દિવસે આયોજન પ્રમાણે સપ્તાહના મુખ્ય દાતા શાળા બિલ્ડીંગ ના દાતા તેમજ ગામની કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવાનો ઉપક્રમ વ્યાસપીઠ પાસેના સ્ટેજે ચાલતો હતો..ગામના શિક્ષક ઉદઘોષકની ભૂમિકા બજાવી રહ્યા હતા…બધાના સન્માન કર્યા બાદ એમણે કહ્યું..

“હવે જેનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ એ આ ગામના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે .. આ એ વ્યક્તિ છે, જે ગામની બારોબાર રહ્યો છે, અને છતાં ગામની હારોહાર રહ્યો છે. જે આપણા આપત્તિ કે અવસર બન્નેમાં ઉભો રહ્યો છે…આપણાં પ્રસંગોને દિપાવ્યા છે…અરે…! જેના ઢોલ વગર આપણો લગ્ન પ્રસંગ અધુરો લાગે, એવા ઢોલના માણીગર .. અને આપણી વિસરાતી લોક કલાના હવે છેલ્લા રખોપિયા છે.. પુરા સાંઈઠ વરસ આ માણસે ઢોલ વગાડ્યો છે. ત્રણ ત્રણ પેઢીયું પરણાવી છે…વિનંતી કરુ હું આપણા રવજીભાઈ ઢોલીને કે સ્ટેજ પર પધારે.”…

કેટલાકને બાદ કરતાં સભામાંથી તાલીઓનો ગડગડાટ થયો… રવજી થોડી વાર તો કંઈ સમજ્યો નહીં. એને સ્વપ્નું જ લાગ્યું. છેવટે અચકાતો ખમચાતો, એક ક્ષોભ સાથે સ્ટેજ ઉપર આવ્યો… જીજીબાપુએ પાઘડી પહેરાવી… લાભશંકર ગોરે ચાંદલો કરી, શાલ ઓઢાડી.. અને મુંબઈ સ્થિત દલીચંદભાઈએ એક ધનરાશીનું કવર એની બંડીના ખીસામાં નાખી દીધું..

તાલીઓનો ફરી ગડગડાટ થયો…રવજી ભાવ વિભોર બની ગયો…તેણે બધા તરફ ફરી બે હાથ જોડ્યા… પૂર્ણાહૂતિની ભાગવતની છેલ્લી આરતી આજના બધા સન્માનિત વ્યક્તિઓના હાથે ઉતરી રહી હતી…. એમાં સૌની વચ્ચે ઉભા રહી રવજી આરતી ઉતારી રહ્યો હતો..તેણે ભીની આંખે આકાશ તરફ જોયું,જાણે એના પૂર્વજોને જોતો હોય એમ..રવજીની આંખેથી વહેતા હરખના આંસુમાં આરતીની દિપ જ્યોતિના તેજ ઝીલાતા હતા…

વાદ્ય વૃંદ ગાઈ રહ્યું હતું,…
“કહે પ્રીતમ દાસ ગુરુજીને ચરણે ,
હરિના જન હરિ જેવા ..આનંદ મંગલ કરું આરતી.

*****
—————————-

(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

આ પણ વાંચો 👇 અમરકથાઓ

🌺 શરણાઈનાં સૂર – ચુનીલાલ મડિયા

🌺 ચહેરો : એક સૈનિક ની હ્રદયસ્પર્શી વાર્તા

ભૈયાદાદા - ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ
ભૈયાદાદા – ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ
હોથલ પદમણી ગુજરાતી ફિલ્મ
હોથલ પદમણી ગુજરાતી ફિલ્મ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *