11104 Views
સંત મેકરણ દાદા (મેકણ દાદા) , સંત મેકરણ દાદા નો અમર ઈતિહાસ વાંચો ભાગ 1 થી 3, મેકરણ દાદા ના ભજન,જીનામ નો અર્થ, સૌરાષ્ટ્રના સંતો, સોરઠી સંતો, કચ્છની રસધાર, સંત મેકરણ દાદા ની સમાધિ, દાદા મેકરણ ની વાણી, મેકરણ કાપડી, દાદા મેકરણ નો ઇતિહાસ, sant Mekaran dada
સંત મેકરણ દાદા
1. હું સૌ માંયલો નથી
રણને કાંઠે સવાર પડતું હતું. ઊડી ઊડીને થાકેલી રેત હજુ જાણે કે પડી હાંફતી હતી. સવારનાં કિરણો એ રણ-રેતની કણીઓને સોનાનો રસ પાતાં હતાં.
નગરઠઠાના માર્ગ માથે એ એક ગામ હતું. પાદરમાં મસીદ હતી. મિનારા પરથી બાંગ પુકારાતી હતી. હોજને કાંઠે કઈ મુસ્લિમ વજૂ કરતો હતો. કોઈ હાથપગ ધોઈને નમાજ પઢતો હતો.
મુસ્લિમોને કાને અવાજ પડ્યોઃ જી નામ ! જી નામ ! જી નામ !
સૌની આંખો દરવાજા સેંસરી ગઈ. પડખે થઈને એક ધોરી માર્ગ જતો હતો. તે મારગે કોઈ મુસાફર જી નામ ! જી નામ ! જપતો પંથ કાપતો હતો.
“ખડે રહે એ હેઈ મુસાફર !” વજુ કરતા મુસ્લિમોએ બહાર નીકળીને હાક મારી.
વટેમાર્ગુએ ઊભા રહીને પાછળ જોયું. એના અંગ પર ભદ્રભેખ હતો. એને દાઢી નહોતી. એના માથા પર કાપડી સાધુઓ ઢાંકે છે તેવો ઊંચો ટોપ હતો. શરીરે હરમિયા રંગની કફની હતી. ખંભે તુંબડાંની કાવડ હતી. ગળામાં માળી હતી.
એણે અવાજ દીધો : “જી નામ !”
“કોન છો?”
“વાટમારગુ છું.”
“નૂગરો છો ? તારા માથે કોઈ મુર્શદ, કોઈ ગુરુ, કોઈ ઉસ્તાદ નથી ? અને ભેખ પહેર્યો છે?”
“કેમ ભાઈ? ગરમ કેમ બનો છો? કાંઈ પૂછતા નથી, ગાછતા નથી, ફોડ પાડીને સમજાવતા નથી. છે શું આવડું બધું?”
“ઊભો કેમ નથી રે’તો?”
“જેને પંથ કાપવો છે એને ઊભા રહેવાનું કારણ?”
“આ બાંગ સાંભળતો નથી? બે’રો છે બાવા ?”
“સાંભળું છું અને આંહીંથી મારો પણ શબદ મિલાવું છું. જી નામ!”
“એ શબદ ન મિલાવાય. ને હિન્દુ-મુસલ મીનના હરકોઈ ભેખધારીએ આ જાતનો અવાજ સાંભળીને ઊભા રહી અદબ કરવી જોઈએ.”
“એવો રિવાજ છે?”
“રિવાજ જ નહીં, ફર્જ છે.”
“એવી ફરજ સૌને પાડો છો?”
“બેશક.”
“ત્યારે હું એ સૌ માંયલો નથી.” મુસાફર સાધુએ રમૂજ અને તુચ્છકારથી મોં મલકાવ્યું.
“તું શું ટીલું લાવ્યો છે !” કહેતા મુસલમાનો મુસાફરની નજીક ગયા.
“ત્યારે તમારી આ બાંગ શું ટીલું લાવી છે?” પ્રવાસીઓ વિશેષ મોઢું મલકાવ્યું. પચાસ-સો મુસ્લિમોના ધગધગતા મિજાજની એના મન પર કોઈ અસર નહોતી.
“મોં સમાલ સાધુ !”
“જુઓ ભાઈ, તમે જાડા જણ છો, તોય મારે મારું મોં સંભાળવાની જરૂર નથી. મારું મોં એની જાતે જ પોતાને સંભાળી લ્યે છે. પણ હું તમને પૂછુંઃ તમે બાંગ પુકારો છે ને હુંય ધણીનું ‘જી નામ’ જપું છું. હું તમને મારા જાપ વખતે ઊભા રહી અદબ કરવા કહેતો નથી. અંતરમાં અદબ તો આપોઆપ ઊઠે છે, જ્યાં જ્યાં માલિકની ભક્તિના સાદ ઊઠે છે ત્યાં. પણ તમારી બાંગને માટે જો તમારો ખાસ દાવો હોય તો સાબિત કરી બતાવો.”
“શી સાબિતી ?”
“સાબિતી એ, કે બાંગ સાંભળતાં ગાને ધાવતાં વાછરું મોંમાંથી આંચળ છોડી દ્યે ને પાણીના વહેતા ધારિયા થંભી જાય, એવી કોઈ તાકાત બતાવો, તો ડરીને ઊભો રહું. બાકી તમે દમદાટી દઈને ઊભો રાખો એવો પાણી વગરનો સાધુ હું નથી. લ્યો, જી નામ !”
“એ ઊભો રહે.” પાછળ હાકલા થયા ને દોટાદોટ સંભળાઈ.
“મિયાં સાહેબો !” મુસાફરે પાછા ફરીને ચમકતાં નેત્રો નોંધ્યાં: “એમ ગામડે ગામડે બાંગો સાંભળીને અટકતો જાઉં તો મેં નાની(હિંગળાજ) કબ પોગું? આશાપરાનો મઠ હજી વેગળો છે. એકલો નીકળ્યો છું તે સમજીને નીકળ્યો છું. આ ભેખ ભાળો છો ને, એ તે મારો પોશાક છે. મારાં કાંડાં છે ભટી રજપૂતનાં.”
“તારું નામ ?”
જવાબમાં સાધુ લલકારી ઊઠ્યો:
ગામ ખોંભડી ગરુ ગાંગોજી
ભટિયા કુળરા ભાણ હુવા:
નેણલે નરખો ! હેતે હરખો !
સતગરૂકા મેં પંજા લિયા.
મુસાફરે ગાન કર્યું. અજાનના સૂરોમાં એ ગાનના વાણાતાણા વણાયા.
“કોણ મેકણ કાપડી તે નહીં ?” એક બુઢ્ઢા સંધીએ નામ પિછાન્યું.
“મેકણ નહીં, મેકો. ને હું નૂગરો નથી. મારો મુર્શદ પણ તમારા – અરે આપણા સૌનું પૂજવા ઠેકાણું જમિયલશા જોગીનો ગિરનારી ગોઠિયો છે દાતા દત્તાત્રેય.
દાતા મેરે દતાતરી
ને મેકો મંગણહાર.”
“જાવ, જાવ બાપુ.” જઈફ મુસ્લિમે બીજા સર્વની સામે ઈશારત કરી કે ચૂપ રહો.
“ઊભા રો’, ઊભા રો’, સાંભળતા જાવ !” એમ કહીને મુસાફરે બુલંદ ગળે ચાબખો માર્યોઃ “હું તો તમને–અમને બેઉને સંભળાવું છું:
ઠાકર તે ઠુકાયો,
મુલ્લાં ડિનીતે બાંગ,
ઉન માલક જે ઘરજો
છે નકોં તાંગ.”
ઠાકર-મંદિરમાં આરતી ઠોકાય છે અને મસ્જિદમાં મુલ્લાં બાંગો દઈ બોલાવે છે. પણ એ માલિકના ઘરનો તમને ક્યાંય પત્તો નથી મળતો. અને વળી–
ઊંચો થિયે નીચો થિયે,
હથ દો કિયા હીં;
ફોકી ધેાઈ ફૂટરો થ્યો
અલા મિલેંદો ઈં!
એમ અલા મળશે ? ઊઠબેઠ કરવાથી ને હાથ ઊંચાનીચા કરવાથી ? પૂંઠ ધોવાથી ને રૂપાળા થવાથી ?”
મુસ્લિમો ગામડિયા હતા. સાફ દિલના હતા. એ દિલ પર આ શબ્દચાબુક પડ્યા. કોઈએ કહ્યું :
“સાચા શબ્દ છે.”
“પતંગશા પીર શું કરે છે? તમારા ભાઈ?” જાણકારે કુશળ ખબર પૂછ્યા. મેકરણે જવાબ દીધો –
‘પીર’ ‘પીર’ કુરો કર્યો,
નાંય પીરેંજી ખાણ;
પંચ ઇંદ્રિયું વસ કર્યો
(ત) પીર થિંદા પાણ.
“અરે દોસ્તો ! પીર પીર શું કરો છો? જેટલાએ લીલી કફની ધરી તે તમામ શું પીર ? પીરોની તે શું ખાણ છે? પાંચ ઈન્દ્રિયોને વશ કરીએ તો આપણે પણ પીર બનીએ. મારો ભાઈ પંડે ઈસ્લામધરમી બન્યો છે. પતોજી હતો તે મટીને પતંગશા થયો છે. મને એનો અણગમો નથી. એની બેઠક બેતો અને કાફીઓ વચ્ચે હતી. એના બાળપણના એ સંસ્કાર. એનોય પંથ છે પ્રભુનો. એ તો હજી ખોજ કરે છે, એને પીર ન કહો. અને સાંભળો —
પીર પેગંબર ઓલિયા
મિડે વેઆ મરી.
ચોંણ ઉડાંજ્યું ગાલિયું
નાવો કોય વરી.
“પીરો, પેગમ્બરો ને ઓલિયા, મણ્યેય (તમામ) મરી ખૂટ્યા, તેમની મૃત્યુ પછીની વાતો કહેનારો કોઈ મોતને સામે કાંઠેથી હજુ પાછા નથી આવ્યો.”
“આને હવે ઝાઝો વતાવા જેવું નથી. આ તો અહીં ઊભો કંઈક આપજોડિયા ચાબખા સંભળાવશે. માટે જવા દ્યો એને હવે.” ગામલોકએ આપસઆપસમાં સંતલસ કરીને કહ્યું.
“ઠીક મેકાજી ! પધારો હવે. મોડું થાય છે આપને.”
“લ્યો ત્યારે, જી નામ !”
“જી નામ !”
એવી સામસામી સલામ થઈ ગઈ, ને મુસાફર પોતાને માર્ગે પડ્યો.
===============================
૨. ગુરુ દત્તાત્રેયનો મેળાપ
અઢારમો સૈકો ચાલતો હતો. કચ્છ જેવી પાણિયાળી ધરા હતી. માથાનાં ફરેલ માનવીઓને જન્મ દેતી એ કચ્છ-ધરાએ ખોંભડી ગામના હટી રજપૂત હળધ્રોળજીને ઘેર પવાંબાઈ રજપૂતાણીની કૂખે બે દીકરા જન્માવ્યા. એક પતોજી, ને બીજો મેકોજી.
પતોજીની બેઠક બાલ્યાવસ્થાથી જ જ્યાં ઈસ્લામના ભાવથી ભરેલી સુંદર બેત ને કાફીઓ ગાનારા દાયરા ભરાતા તેની વચ્ચે હતી ને મેકોજી હિંદુ ધર્મની હવામાં ઊછર્યો ને રંગાયો. ઘર છોડીને ક્યારે એ નીકળ્યો, ગુરુ ગાંગોજી કોણ હતા ને ક્યાં મળ્યા, તેનો કોઈ પત્તો નથી.
કચ્છ, પારકર અને ઠઠા તેમ જ થર નામે ઓળખાતા પ્રદેશની ઈષ્ટદેવી ગણાતી આશાપરાનો પંજો એને મળ્યો હતો એટલું જ એનાં ભજનોમાંથી તારવી શકાય છે. હિંગળાજનો મઠ કચ્છ ને સિંધની વચ્ચે આવ્યો છે. એ દેવીને આજે પૂજા બેની જ ચડે છે: એક કાપડી પંથના સાધુઓની, ને બીજી કુંવારકાની. હિંગળાજને પહેલા થાપા મેકોજી નામના બાળ-જોગીએ ચોડ્યા કહેવાય છે.
એક દિવસ ગિરનારના કબજેદાર ગણાતા જોગીસમૂહમાં જાણ થઈ કે આપણા પહાડની છાયાભોમમાં, સરભંગ ઋષિનો જે ઠેકાણે આશ્રમ હોવાનું કહેવાય છે, એ જ ઠેકાણે એક અજાણ્યા જુવાને ધૂણો ચેતાવ્યો છે. નથી એ કોઈ મંદિરમાં જતો, નથી એ એકેય દેવની મૂર્તિ રાખતો, નથી કોઈ ધર્મકિયા કરતો. એ બેમાથાળો કોણ છે?
ધૂણો નાખ્યો ધરાર
આંબલિયું મોઝાર;
તરસૂળ ત્રણ પાંખાળ
ખોડે ડાડો મેકરણ.
દત્ત ગરનારીની જમાતે પોતાના ગરાસ જેવી ગણેલી આ ગરવા ફરતી પૃથ્વીમાં રજા સિવાય એ કોણ દાખલ થયો છે? ગુરુ દત્તની પાસે ફરિયાદ થઈ.
ગામડે ગામડે આ દત્તાત્રેયનો ધોકો ફરતો. એ ધોકાની નિશાની ન ધરાવનારી ઝોળીમાં કોઈ ભિક્ષા નાખતું નહોતું. દત્તની સ્થાપેલી શિસ્ત સડી અને કડક હતી. દત્તે તો પોતાની જમાત માટે કપરી તાવણ ઠરાવી હતી. દત્તના ચેલાઓ દિગમ્બરો રહેતા, તપોધનો હતા, ગુફાવાસીઓ હતા. ચલમ અને સાફી એ આ જમાતના સંગઠનનું પ્રતીક હતું. ન્યારા ન્યારા પંથ ચલાવનારાઓને દત્ત ડારતા હતા. ભેખની ભવ્યતા ગુરુ દત્તે સાધી છે તેટલી કો વિરલાએ જ સાધી હશે.
એવા દત્તના ધોકાને પોતાના ધૂણા પર રોકી રાખનાર આ જુવાન કોણ હતો ?
દત્તની ચાખડીઓએ ગિરનારના પથ્થરો ગુંજાવ્યા. દત્ત નીચે ઊતર્યાં ને ત્યાં ગયા, જ્યાં ગિરનારથી આઠેક ગાઉ પરની પુરાણપુરાણી જગ્યાનો ઉજજડ વેરાન ટીંબો નવેસર ચેતાવતો મેકણ નામનો જુવાન બેઠો હતો.
દત્તે મિલન-બોલ પુકાર્યો :
સત સ ર ભં ગ !
લોહીમાંસકા એક રંગ !
જવાબ જડયો :
“જી નામ !”
આ જવાબમાં અજાણ્યો શબ્દ સાંભળીને ગુરુ દત્ત નવાઈ પામ્યા. એણે પ્રશ્ન કર્યો:
દત્ત પૂછે ડીગંબર!
તું જોગી કે જડાધાર ?
કળાસંપૂરણ કાપડી,
તારો આગે કુણ અવતાર ?
“તું કોણ છો હે દિગમ્બર? તું આટલો તેજસ્વી ક્યાંથી ? તારાં આ રૂપ ક્યાંનાં? તું યોગી છે? કે સાક્ષાત્ શંકર છે ? તારો પૂર્વાવતાર કયો ?”
જવાબમાં એ નવસ્ત્રો જુવાન આટલું જ બોલ્યો :
દાતા મેરે દતાતરી !
મેકો મંગણહાર.
“હે ગિરનારી ! હું મેકો તો તારી પાસે માગણહાર બનીને આવ્યો છું.”
ને હું બીજો કોઈ નથી :
મેં સંગાથી રામકા,
ઓરનકા કુલ નાંઈ;
ખટ દરસનમાં ફરન્તાં
દરસન મળિયાં આંઈ.
“હે ગુરુ, છ દર્શનોનું ભણતર ભણ્યો છું. તે પછી જ તમારાં ગેબી દર્શન જડ્યાં છે.”
“શું માગે છે તું ?
“સાચો જીવન-પંથ. સાચો ધર્મ.”
“માગતા પહેલાં શી શી તૈયારીઓ કરી છે જુવાન ?”
“ગિરનારને બાર વર્ષ પરકમ્મા દીધી છે. બાર વર્ષ કંદમૂળ જમીને ઝરણાંનાં પાણી પીધાં છે. તમારા કાયદાનું પાલન કરી ચૂક્યો છું.”
“ચોર બનીને કેમ આવ્યો ?”
“શાહુકાર બનીને આવ્યો હોત તો તમારી પાસે પહોંચવાય દેત કે તમારા ચેલા?”
“કઈ ધરતીનો બેટો છે તું?”
“કચ્છ-ધરાનો.” ”જા ત્યારે, જન્મ દીધો છે જે ધરતીએ, એને જ ચરણે ચાકરી ધરી દે. તેનાં ભૂખ્યાંની ભાળ લે. ત્યાં જઈ ધૂણો ચેતાવ. સકળ ધર્મનો સાર એ એક જ ધર્મ છે. બીજી બધી સાંપ્રદાયિક ઈન્દ્રજાળ છે.”
“આદેશ આપો. નિશાની આપો. જગતને ધૂતનારા ફરે છે તેની વચ્ચે મને કોણ ઓળખાવશે ?”
“ઓળખાવશે તો તારી કરણ જ એકલી. પણ લે આ બે તુંબડાં. ખંભે કાવડ ઉપાડ, ને દેહ તૂટી ન પડે ત્યાં સુધી ફેરવ.”
કાવડનું સેવાચિહ્ન આ પ્રમાણે સૌ પહેલું મેકરણને સોંપાયું. સોંપ્યું ગુરુ દત્તાત્રેયે.
===============================
૩. બે પશુઓ
ડુંગરા જ્યાં થંભી જાય છે ત્યાંથી કચ્છસિંધ વચ્ચેનું કારમું રણ ધરતીનો કબજો લ્યે છે. એને ખાવડાવાળું રણ કહે છે. એ રણે ઊંટની વણજાર ગાયબ કરી છે. પોઠ્યો ને પોઠ્યોએ રણના પેટમાં સમાઈ ગઈ છે. જીવતાં માનવીઓને એ વેરાને પોતાના જઠરમાં ઉતાર્યા છે. તાપ, વંટોળિયા અને ઝાંઝવાં એ રણમાં કાળનૃત્ય કરે છે. પવન વાય છે, અને મોટા અસુરો-શા વંટોળ એ રણની છાતીમાંથી હહુકાર કરતા ઊઠે છે, ગાઉઓના ગાઉ ત્યાં નિર્જળા ને ખારા પડ્યા છે. ઠઠા, થર, સિંધ અને પારકર જવાનો ધોરીમારગ એ રણને ફેસલાવતો-પટાવતો ચાલ્યો જાય છે.
‘મારું થાનક આંહીં જ હોય’ એવું વિચારીને મેકરણે ત્યાં એક જગ્યા ગોતી. વસેલી દુનિયાનું છેલ્લું ગામ ધ્રંગ-લોડાઈ. ત્યાં મેકરણે ઝૂંપડી વાળી અને ધૂણો ચેતાવ્યો.પરોઢ થાય છે ને હમેશ એ ઝુંપડીએ કોઈ પોચો પગરવ સંભળાય છે.
“લાલારામ ! મોતીરામ ! વેળા થઈ ગઈ કે ?” એમ જવાબ દેતો જોગી મેકરણ ઝૂંપડીનું બારણું ઉઘાડે છે.
ઝૂંપડીને આંગણે ઊભનારા એ લાલારામ ને મોતીરામ મનુષ્યો નહોતા. મનુષ્યોથી કંઈક વિશેષ હતા — એક ગધેડો ને એક કૂતરો હતા.
મેકરણ સાધુ એ ગધેડાને માથે છાલકું મૂકતા અને છાલકાનાં બે ખાનાંમાં અક્કેક પાણી ભરેલ માટલું ગોઠવતા. ગોઠવતા એ ગધેડા લાલારામના ગુણ ગાતા —
લાખિયો મુંજો લખણે જેડો
હુંદો ભાયા જેડો ભા !
બ કાં ચા લખ ધોરે ફગાયાં
લાલિયા, તોજી પૂછડી મથા.
“લાલિયા મારા ભાઈ જેવા ભાઈ ! લખવા જેવું તે તારું ચરિત્ર છે. અરે લાલિયા, તારી તો એક પૂંછડી માથે પણ હું બેચાર લાખ માનવીઓને ઘેાળ્યાં કરી ફેંકી દઉં, તુચ્છ ગણું. તારા જેવા ગુણો મને કયા માનવીમાં જડશે?”
“અરે મોતિયા !” સાધુ પોતાના પડખામાં પેસીને હાથ ચાટનારા કૂતરાને કહેતાઃ “તને હું ભૂલી ગયો છું એમ તે માન્યું? લે, આ તારા નામની સાખી :
મોતિયો કુતો પ્રેમજો
ને ડેરી વીંધી હીરજી
જીયાં મને પાંચે ઈંયાં લે જાય.
“જાવ ભાઈ! મારા સાચા બે ટેલવાઓ! ઊપડો હવે.” ગધેડો ને કૂતરો રણની દિશામાં ચાલી નીકળતા. ગધેડા પર લદાયેલ બન્ને માટલા ઉપર એક પાણીનું ડબલું મૂકવામાં આવતું અને પાછળથી મેકરણ સાધુ સાદ કરતા :
“મોતિયા, જોજે હો, જે કઈ જળ પીવે, તે ઊંચેથી પીવે. ડબલું મોઢે ન માંડે હો ! હિંદુ, મુસલમીન કે ઢેડભંગી, કોઈ કોઈનો જીવ ન દૂભવાય.”
લોકો કહેતા કે બાવો ચક્કર છે. પણ લાલિયો ને મોતિયો મેકરણના મનની વાત પામી જતા. વાણીના ભેદ જનાવરોને સુગમ છે. જનાવરો હૈયાના બોલ ઝીલે છે. ધીકતા સૂરજની હેઠળ એ રણના ઊંડાણમાં મુસાફરોને આ બે પ્રાણીઓ મળી જતાં. ડબલું ભરીને મુસાફરો પાણી પીતાં. ડબલું કોઈ મોઢે માંડતું તો મોતિયો કૂતરો એનું કપડું ખેંચીને સાન કરતો કે ગુરુએ બોટવાની ના પાડી છે!
ચારપગું આ પાણી-પરબ ચારે પહોર રણમાં ભમતું. ઝાંઝવાની માયાવી નદીઓમાં પાણી માટે ફાંફાં મારતા એકલદોકલ વટેમાર્ગુની પણ મોતિયાને ગંધ આવતી. મોતિયો ‘ડાઉ ડાઉ’ના લાંબા અવાજ કરતો, લાલિયો મોતિયાની પછવાડે પછવાડે પગલાં માંડતો. અનેક માર્ગભૂલ્યાંના કંઠે આવેલા પ્રાણ લાલિયા-મોતિયાની વહાર વડે પાછા વળતા.
પાણી ખૂટતું ત્યારે બેઉ પશુ પાછાં વળતાં. ઝુંપડીએ ઊભેલો જોગી એ બેઉને લાડ કરવા તૈયાર હતો. રણકાંઠાનાં ને પહાડગાળાનાં ગામડાંમાંથી કાવડ ફેરવીને ભીખી આણેલા રોટીના ટુકડામાંથી પહેલા બે ભાગ આ લાલિયા-મેતિયાના જ નીકળતા.
દિવસોના દિવસ મેકરણે ખારાં રણ ખૂંદ્યાં હશે. પાણીની મટકી માથા પર ઉઠાવી ઉઠાવીને ફેરવી હશે. તે પછી જ આ બે પશુઓ પાળ્યાં હશે ને બેઉને રણના કેડાકેડીઓમાં પલોટ્યાં હશે.
રાહદારી રસ્તાને કાંઠે ઊભેલું મેકરણનું થાનક દિનપ્રતિદિન જાણીતું થયું. રણમાં મેકરણે સરાઈ વસાવી દીધી. મુસાફરખાનું બાંધ્યું મેકરણે. જાતલ અને આવતલ મુસાફરોની ત્યાં ઠઠ લાગતી ગઈ, તેમ તેમ મેકરણનાં ખભાં કાવડ ફેરવી ફેરવીને ફાટવા લાગ્યાં. વધુ વધુ ગામ માગવાની ફરજ પડી. રોટીની એણે કદી કોઈને ના ન કહી. રોટી આપવાની એને કચ્છીઓએ પણ ના ન પાડી.
=================================
૪. રા’ દેશળનો મેળાપ
કચ્છના કોઈ એક ગામડામાં ભળકડે ઘંટી ફેરવતું કોઈ ગાતું હતું :
જામાણો જે જૂડિયો બાવા !
એવો ધ્રંગ જો અખાડો જી મેં બાવા !
મેકરણ તું મુંજો ભા.
તોજી ગાલ જો મુંકે સચો સા,
મેકરણ તું મુંજે ભા.
તું મારો ભાઈ છે ઓ મેકણ, તારી વાતોમાં મને સાચો સ્વાદ આવે છે ઓ ભાઈ મેકરણ !
કોઈક મીઠે, આર્દ્ર સ્વરે ગાતું હતું?
પંજસો જો પટકો તોંજે
લાય ડનું દેસલ રા’,
મેકરણ તું મુંજે ભા !
તને પાંચસો રૂપિયાનું કપડું લાવીને કચ્છના રા’ દેશળે દીધું, ઓ ભાઈ મેકરણ!
મેકરણ વજાયતે મોરલી
કાપડી હુવો કોડ મંજા.— મેકરણ૦
સત ભાંતીલી સુખડી
ભેંણજે ઘરે તું ભોજન ખા. — મેકરણ૦
ઓ ભાઈ, સાત જાતની સુખડી તારે સારુ બનાવી છે મેં. બહેનને ઘેર એક દિવસ જમવા તો આવ.
હીમા ચારણ્ય વીનવું
પોયરો મુંજો પલે પા !
મેકરણ તું મુંજો ભા !
હું હીમા ચારણી વીનવું છું, મારી મજૂરીનો સ્વીકાર કર, ઓ મારા ભાઈ મેકરણ !
કોઈ કહે છે હીમા ચારણી : ને બીજો બોલે છે આયરોની દીકરી લીરબાઈનું નામ. મેકરણ કાપડીએ એને રણમાં મરતી બચાવી હતી ? કે માત્ર ભક્તિથી આકર્ષી હતી? તાગ મળતો નથી. પણ એક કોઈ જુવાન બાઈનું નામ મેકરણની સાથે જોડવામાં આવે છે. સગાંવહાલાંઓએ રંજાડેલી એ કન્યા ધ્રંગ-લોડાઈના થાનકમાં આવીને સમાઈ ગઈ હતી. આયરોએ મેકરણને મારવાના એક કરતાં વધુ પ્રયત્નો કર્યા હતા. તેના જવાબમાં મેકરણે સાખી ગાઈ હતી કે :
સકરકે ન સંજણે
ઘુરકે વખાણે;
મોબત જ્યું મઠાયું
વચાડા કુણબી કો જાણે!
સાકરને ન ઓળખનારા અક્કલહીનો ગોળને વખાણે છે. પણ કણબીઓ (ખેડૂતો) બિચારા સાકરની મીઠાઈઓને શું જાણે?
સંગત જેં જી સુફલી
જનમેં રામ નાય રાજી
જેં જેં પૂછડે પ્યા પાજી
તેંજી બગડી વઈ બાજી.
બૂરી સંગત જેઓ કરે છે, તેમાં રામ રાજી નથી. જેમને પૂંછડે પાજી લોકો પડ્યા છે તેમની બાજી બગડી ગઈ છે.
એક દિવસ કચ્છના રાજા રા’દેશળજી શિકારે નીકળ્યા છે. સાથે બીજા સાથીઓ પણ છે. સાંજ પડી ગઈ છે.
“ઓલ્યાં બે જાનવર કોણ હાલ્યાં જાય છે ડુંગરામાં?” રા’ દેશળે ચકિત બનીને પૂછ્યું.
“એક ગધેડો ને એક કૂતરો છે.” સાથીઓએ સમજ પાડી.
“આ પહાડમાં ગધેડો ને કુત્તો !” રા’ને નવાઈ લાગી. અહીં તો ચિત્તાઓનો વાસ છે. અહીં મારા એ શિકારનાં જાનવર ગધેડા-કૂતરાને જીવતા જ કેમ રહેવા દે ?”
“નધણિયાતાં નથી બાપુ ! એનો ધણી જબર છે.”
“કોણ ?”
“એક જોગી છે. નામ મેકરણ. એનાં પાળેલાં છે બેઉ.”
“રેઢાં રખડે છે?”
“ના. ભૂજની ખેપે જઈને આવે છે.”
“ભૂજ જઈને ? રેઢાં? શા માટે ?”
“બાવો મેકરણ એને અનાજ લેવા મોકલે છે. કૂતરાની ડોકે બાવો ચિઠ્ઠી બાંધે છે. બધાને લઈને કુત્તો ભૂજના શેઠિયાઓ કને જાય છે. ચિઠ્ઠી પ્રમાણે અનાજ લુવાણાઓ ગધાની પીઠે લાદી આપે છે. ગધાની રક્ષા કુત્તો કરતો હોય છે. એની ગંધમાત્રથી પણ આપણા પહાડી ચીતરા ભાગી નીકળે છે.”
“આ દાણાદૂણીનું બાવો શું કરે છે?”
“રણને કાંઠે ભૂખ્યાંદુખ્યાંને રોટલા ખવરાવે છે.”
“ચાલો, જોઈએ તો ખરા એનું મુકામ.”
ગધો અને કુત્તો ચાલ્યા જતા તેને ધ્યાનમાં રાખીને પહાડની ગાળીની અંદર રા’ દેશળે ઘોડાં હાંક્યાં.
થાનકની ઝુંપડીએ ગધેડાનાં છાલકાં ઉતારતા ઉતારતા મેકરણ તાવમાં ધ્રૂજતા હતા. એનું ઉઘાડું શરીર રણના શિયાળુ પવનઝપાટાની સામે મહામુસીબતે ટક્કર લેતું હતું. દિવસ આથમી ગયો હતો. ડુંગરા વચ્ચે અંધારું હતું. મેકરણ એ બેઉ પ્રાણીઓને કહેતા હતા:
“ઠકર શેઠિયાઓએ પૂરું અનાજ ન આપ્યું કે લાલિયા? કાંઈ ફિકર નહીં, આવતે અવતાર એની વાત છે. ગધાડાંને માથે મરણતોલ ભાર ભરીને પોતાનાં જાનવરોના નિસાપા લેનાર લુવાણાઓને હું બરાબર પોગીશ.
કાંઈ ફિકર નહીં બેટા લાલિયા મોતિયા ! હવે કેટલીક આવરદા કાઢવી રહી છે? આજનો દિન તો ગુજરી ગયો !
આજ અજૂણી ગુજરઈ
સિભુ થીંધો બ્યો;
રાય ઝલીંધી કિતરો,
જેમેં માપ પેઓ !
“આજનો દિન વીતી ગયો. કાલ સવારે બીજો ઊગશે. જે અનાજના ઢગલામાં માપ પડ્યું છે, પાલી અથવા માણું ભરાઈ ભરાઈ ને ઠલવાવા લાગેલ છે, તેને ખૂટી જતાં કેટલીક વાર ! વળી હું તે શા માટે કડવા શબ્દો બોલું છું !
જીઓ તાં ઝેર મ થિયો,
સક્કર થિયો સેણ;
મરી વેંધા માડુઆ,
રોંધા ભલેંજા વેણ
“હે સ્નેહીજનો ! જીવતાં સુધી ઝેર ન બનજો, સાકર બનજો. હે માનવીઓ, આપણે તો મરી જવાનાં. રહેવાનાં છે ફક્ત સજ્જનોનાં વેણ.”
ટાઢિયા તાવમાં થરથરતા મેકરણ પોતાના ધૂણા માથે બેઠા હતા ત્યારે રા’ દેશળજી ઓચિંતા આવીને ઊભા રહ્યા.
“જી નામ !” જોગીએ અતિથિને આવકાર આપ્યો, પણ આસન ન છોડ્યું.
માણસોએ કહ્યું : “ડાડા ! રાવ દેશળજી છે.?”
“પંડ્યે જ રા’ દેશળજી ! બેસો કચ્છ-ધરાના ધણી !”
રાવના દેહ ઉપર ઝળહળતો રાજપોશાક મેકરણને આથી વધુ કાંઈ અસર ન કરી શક્યો.
રાવે આસપાસ જોયું. ઠંડા પવનનાં કરવતો વહેતાં હતાં. તે વચ્ચે કાપડી ખુલે શરીરે થરથરતો તાવભર્યો રહેતો હતો.
“ટાઢ નથી વાતી ?” એણે મેકરણને પૂછ્યું.
“વાય તો ખરી જ ને. પણ કાયા એનો ધરમ બજાવે છે.” “ આ લિયો.” કહીને રા’ દેશળે પોતાના શરીર પરથી સાચી જરીભરેલ શાલ ઉઠાવીને જોગીના શરીર પર ઓઢાડી દીધી.
જોગીએ હળવા હાથે શાલ ખેંચી લઈને સામે સળગતા ધૂણામાં ધરી દીધી.
“કેમ કેમ?” રા’ને નવાઈ થઈ.
જોગીએ કહ્યું : “રા’ દેશળ, જેમ તારો એ મહામૂલો પટાળો તેમ મારો આ ધૂણો ! એ છે મારો પટારો : આવી મહામૂલી પાંભરીને હું મારા પટારામાં સાચવીને મૂકી દઉં છું, કોઈ ચોર ચોરી ન શકે, કોઈ દી પાંભરી જૂની ન થાય, કે ફાટી ન જાય.”
“પણ મેં તો પટોળો ઉમંગથી આપ્યો’તો.”
“સાચું સાચું, બાપ રા’ દેશળ. પણ —
કીં ડનો કીં કિંધા,
હિન પટન મથે પેર;
મરી વેંધા માડુઆ,
રોંધા ભલેંજા વેણ.
“આ જગતમાં શું દીધું, ને શું દેશું આપણે? ઓ માનવી ! મરી જશું ત્યારે રહેવાનું છે એક જ વાનું. ભલા મર્દોનાં વેણ રહી જાશે. બીજું તમામ ખાક બની જશે.”
“ડાડા, કાંઈક માગો. તમે કહો તો રાજમાંથી કોરિચું મોકલું.” મેકરણે જવાબ વાળ્યો :
કોરિયું કોરિયું કુરો કર્યો
કોરિયેં મેં આય કૂડ;
મરી વેંધા માડુઆ !
મોંમેં પેધી ધૂડ.
“કોરિયું કોરિયું શું કરો છો ભાઈ, કોરિયુંમાં તો કૂડ ભરેલ છે. હે માનવી, મરી જશું ત્યારે તો મોંમાં ધૂળ જ પડવાની છે. ”અને હે રા !
કૈંક વેઆ કૈં વેધા
કુલા કર્યોતા કેર
માડુએ ધરા મેકણ ચે,
મું સુઝા ડિઠા સેર.
“કંઈક ગયા, કંઈક ચાલ્યા જશે. ઓ માનવી, શા માટે કેર કરે છે? મેકરણ કહે છે કે મેં તો શહેરોનાં શહેરો માનવી વગરનાં સૂનાં બનેલાં દીઠાં છે.
હીકડા હલ્યા,બ્યા હલંધા,
ત્ર્યા ભરે વિઠા ભાર;
મેકણ ચેતો માડુઆ !
પાં પણ ઉની જી લાર.
“રા’ દેશળ ! એક તો ગયા, બીજા જશે, ત્રીજા પોતાની ગઠડી બાંધીને જવાની તૈયારીમાં બેઠા છે. હે માનવી ! મેકણ કહે છે કે આપણે પણ એની જ હારોહાર હાલી નીકળવાનું છે.”
“મને કાંઈ જ્ઞાન દેશો ? કાંઈ ગેબી શબદ સંભળાવશો ?”
“કોને સંભળાવું? અધિકારી ક્યાં છે?
મોતી મંગીઓ ન ડિજે,
(ભલે) કારો થીએ કેટ;
જ્યાં લગ માલમી ન મિલે
ત્યાં લગ તાળો દ્યો હટ.
“જ્ઞાન રૂપી મોતી, જેવાતેવા અપાત્રની માગણીથી તેને આપવું નહીં. ભલે એ પડ્યું પડ્યું કટાઈ જાય. ખરેખરો ગ્રાહક મળે, ત્યારે તેની પાસે જ હૈયારૂપી હાટ ઉઘાડવું જોઈએ.
મોતી મંગેઆ ન ડિજે,
મર તાં ચડે કિટ;
ભેટે જડેં ગડજેં પારખુ,
તડેં ઉઘાડજે હટ.
“ભલે કાટ ચડી જાય, પણ સાચા પારખુ ન ભેટે ત્યાં સુધી માનવી ! જીવનનાં જ્ઞાનરૂપી મોતી કોઈને આપીશ મા !”
“ત્યારે મારી કાંઈક તો વિનંતી સ્વીકારો !”
“તું પાસે તો એક જ વાત માગવી છે, રા’ દેશળ ! કે અહીં મારી જગ્યાની આસપાસ શિકાર ન ખેલવો.”
તે દિવસથી ત્યાં આજે પણ રાજ-શિકારનો પ્રતિબંધ ચાલ્યો આવે છે.
==================================
સમાધ
મેકણ બાવાએ બેઉ રંગો જીવનમાં જાળવી જોયા. જડ્યું તેટલું લોકોને દીધું, અને જુવાનીની વિશુદ્ધિ જાળવી. પછી એણે સંસારલીલાનો સંકેલો કર્યો. સંવત ૧૭૮૬ના આસો વદ ૧૪ના રોજ દિવાળીના આગલા પ્રભાતે ધ્રંગલોડાઈના સ્થાનકમાં એણે સમાઈ જવા માટે સમાધ ગળાવી.
દસ જણા એની જોડે સમાધ લેવા તૈયાર થયા. અગિયારમો એક પછાત જ્ઞાતિનો હતો. એનું નામ ગરવો.
બીજા શિષ્યો સુગાયા. જગતે તિરસ્કાર કર્યો. અધમને પણ સાથે સમાધ? ત્યારે મેકણે જગતને જવાબ દીધો :
“ઓ ભાઈઓ ! કોઈને કેરીઓ (દ્રવ્ય) વહાલી, તે કોઈને વેઢવીંટીના દાગીના વહાલા, મને તો સૌથી વધુ વહાલા એ ઢાઢીઓ છે, કે જેમને જગતે અધમ વર્ણ ગણી અળગા કર્યા છે.
“અને શો વાંધો છે એમાં?
પીપરમેં પણ પાણ
નાય બાવરમેં બ્યો;
નિયમેં ઊ નારાણ
પોય કંઢેમેં ક્યો
“પીપળામાં પણ પોતે જ (ઈશ્વર) છે, અને બાવળમાં પણ બીજો નથી. લીમડામાં પણ એ જ નારાયણ છે, ત્યારે ખીજડામાં વળી બીજો કયો હોય ?” “વળી અંતકાળે હું મારાં વહાલાં સ્વજનો સિવાય બીજાં કેને પાસે રાખું?
વિઠે જિનીં વટ
સે સો ઘટે શરીર જો,
મોંઘા ડઈને મટ,
પરિયન રખજે પાસમેં.
“જેમની પાસે બેસવા માત્રથી શરીરનું દુઃખ ઓછું થઈ જાય, એવાં પ્રિયજનોને તો મોંઘાં મૂલ દઈને પણ પડખામાં જ રાખવાં જોઈએ.”
“માટે ભાઈ લાલિયા, ભાઈ મોતિયા, તમે બેઉ પણ ભેગા જ ચાલો. તમને હું અળગા કેમ પાડું ? મારા સાચા ટેલવા તો તમે જાનવરો છો. મોતિયા-લાલિયાની પણ સમાધ ગાળી રાખો, ભાઈ!.”
એમ મેકણે મૃત્યુમાં પણ જગતનાં ગણાતા ભ્રષ્ટનો સાથ સ્વીકાર્યો.
સમાધો તૈયાર હતી. ઉત્સવ ઊજવાઈ ચૂક્યા. સમાધમાં બેસવાનું ટાણું થયું. તે વખતે ગરવો બહારગામથી આવ્યો.
“ગરવા, ભાઈ, ચાલો.”
ગરવા એ વિનંતી કરીઃ
“બાપુ, આંઉ છોકરેકે કૂછિયાં?” (હું મારા છોકરાઓની રજા લઈ આવું ?)
“ભાઈ મોડું થઈ જશે.”
“હમણાં જ પાછો વળીશ.”
“ભલે ભાઈ, જઈ આવ.”
પૂરી વાર વાટ જોયા પછી પણ ગરવો ન આવ્યો. વેળા થઈ ચૂકી. ચોઘડિયું ચાલ્યું જતું હતું. મેકણે કહ્યું, “ભાઈઓ, ગરવો તો ન આવ્યો :
એમાં ગરવાનો બાપડાનો વાંક નથી… ચાલો ભાઈઓ ! જી નામ!”
“જી નામ !” પોકારીને સર્વે સમાધમાં બેઠા, તે જ વખતે દોડતો ગરવો આવી પહોંચ્યો ને બોલ્યો :
“બાપુ, હણે અચાં ?” (બાપુ, હવે આવું?)
“હાણે અભા ! અતે જ રે’જે.” (હવે તો ભાઈ, ત્યાં જ રહેજે.)
પછી તો અગિયાર જણા એક પંક્તિમાં સમાયા, લાલિયો, મોતિયો મેકણની સામે સમાયા, ને ગરવાએ થોડે છેટે સમાધ લીધી.
આજે એ થાનકમાં અગિયાર સમાધો દેવળની અંદર છે. લાલિયા, મોતિયાની સમાધોને સંસારી લોકોએ બહાર રાખી છે. ગરવાની સમાધ પણ થોડે દૂર છે.
✍ ઝવેરચંદ મેઘાણી – અમરકથાઓ
વિશેષ ફોટો
👉 ભગવાન દત્તાત્રેય અને તેમનાં ૨૪ ગુરૂ
👉 સ્વામી સચ્ચિદાનંદ નો પ્રસંગ – અઢી આના
મિત્રો આપ કોઇપણ પોસ્ટ ને share કરી શકો છો. આપનાં અમુલ્ય સુચનો કોમેન્ટમાં જણાવો.
Pingback: સંત દાસી જીવણનો ઈતિહાસ, પરચા અને ભજનો - AMARKATHAO