16039 Views
માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની ૧૯૪૭માં પ્રકાશિત નવલકથા છે, જે ગુજરાતના ૧૮૯૯-૧૯૦૦માં છપ્પનિયા દુકાળ તરીકે ઓળખાતા પડેલા દુષ્કાળ પર આધારિત છે.
તેમાં કાળુ અને રાજુની પ્રેમકથા તેમજ ગુજરાતના ગામડાઓમાં ખેડૂતોના દુષ્કર જીવનની કથા છે. ૧૯૯૫માં વી. વાય કંટકે તેનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું ૧૯૯૩માં આ નવલકથા પરથી આ જ નામનું ચલચિત્ર પણ બન્યું હતું. Manvi ni Bhavai Gujarati Navalkatha – Pannalal Patel, માનવીની ભવાઈ ગુજરાતી બુક, Manvi ni Bhavai Book Pdf, માનવીની ભવાઈ ગુજરાતી મુવી. છપ્પનિયો દુષ્કાળ.
માનવીની ભવાઈ : એક અમર પ્રેમકથા
જીવ્યા મર્યાનાં છેલ્લા જુહાર.
‘ આ પાંચમનો ચૂક્યો અગિયારસે તો નક્કી …
પૂનમે તો એના બાપનેય છૂટકો નથી વરસ્યા વગર …
ગોકુળ આઠમ ખાલી જાય તો મૂછ મૂંડાવી નાખું— ‘
એક જણને તો કાળુએ સંભળાવી દીધું : ‘ મૂછ તો ઘણાય મૂંડાવી નાખશો પણ પલાળવા પાણી હશે તો ને ? અત્યારથી જ નદીમાં હનમાન હડીઓ કાઢે છે ને કૂવામાં ભૂત ભૂસકા મારે છે. પીવા જ પાણી નઈ મળે પછી વતાં ( હજામત ) ની તો વાત જ ક્યાં રહી !
ભાદરવા સુધી તો લોકોએ વરસાદની આશા ન છોડી. અલબત્ત મકાઈઓય ઢોરના પેટમાં ચાલી ગઈ હતી પણ – ‘ મરશે, ચાર થશે તો ઢોર તો જીવશે ? ’
પણ ચાર શી ને વાત શી ! કાળુએ કહ્યું તેમ : ‘ શ્રાવણ સૂના ગયા તો ભાદરવા શું ભરવાના છે ! ’ આસોમાં તો આભલાંય ખાલીખમ ! જાણે કોઈ કચરો જ કાઢી ગયું !
દિવાળીનું પર્વ પણ સૂનું. ન કોઈ ફટાકડા લાવ્યું કે ન ફૂલાળી ઝૂલડીઓ. ગાયો રમાડી તેય નાનાં છોકરાઓએ ને તોરણે ચઢાવી ત્યારે ન ગીત હતાં, ન હુડા હતા. જાણે સ્મશાનમાં આવી બેઠાં. અરે, ઢોરના પગ પણ પાલો કાંદા મળતા હતા પણ તોય જાણે આવતા કાળને કળી ગયાં હોય તેમ ભાંગી ગયા હતા.
છેલ્લાંવેલ્લાં ભેટી લેવા ! શંકરદાએ કહ્યું તેમ : ‘ કોણ જાણે કે આપણામાંથી કેટલા જીવશે ને કેટલા મરશે ! કાં તો બધાય મરી ખૂટીશું. પણ ભાઈ, કે’વાનું એટલું કે જીવતા રો ‘ એ આવતે વરસે મૂએલાને સંભારજો ને– ’
એમનો અવાજ રૂંધાઈ ગયો. બોલી જ ન શકાયું … સૌ કોઈ એકબીજાને વળગી વળગીને ભેટ્યા. ‘ રામ … રામ ! ’ કહેતા તે પણ છેલ્લી વિદાય લેતા – દેતા હતા !
જોકે હમણાં તો પાલો ઘાસ વેચીને, કે અમુક ઝાડવાનાં છોડાં વાટી રાંધીને, આંબલી સરખાં ઝાડની કૂંપળો ખાઈને દિવસ કાઢ્યે જતાં હતાં. પણ હજુ તો ક્યાં ? …
શિયાળાની લાંબી રાતોય પેટના ખાડામાં ઢીંચણ ઘાલીને પૂરી કરી પણ ઉનાળાના લાંબા દિવસોનું શું ? પાલોય હવે તો કોઈ નો’તું રાખતું. ને કેવી રીતે રાખે ? શાહુકાર ગણાતા આ લોકને જ વરસાદ ભેગા થવાના સાંસા હતા પછી ધાન સાટે ઢોર જિવાડવા જાય તો ઢોર ને માનવી બધાંયને સાથે જ મરવું પડે ને ?
અરે, આ પાલો રાખનારના જ દોહ્યલા દન આવ્યા. કોઈએ ઘરેણાં ગીરો મૂકવા માંડ્યાં, તો કોઈએ ખેતરો … શંકરદા, કાસમ ને ખાસ કરીને તો રણછોડ – નાનાને , ‘ આવો મોકો આવ્યો’તો કે આવશે ’ આમ જ હતું. પાંચસોનું ખેતર પાંચ મણ દાણામાં ને તેય ખોળાપાઘડી કરતો મૂકી જતો હતો …
ફાગણની અંધારી રાતોથી ભણકારા વાગવા લાગ્યા. ‘હમણાં ધાડ પડે ! … આજ આવે કાં તો ઊલકું … એ બધૂંક … જેવું કાંક ફૂટ્યું … કાંકની ધબડી સંભળાય છે … ‘
અને આમ લોકોની ઊંઘ પણ પોબાર ગણી ગઈ.
જુવાનો સાથે ગામની ચોકી કરી રહેલા કાળુનેય આ કાજળકાળી રાતોમાં મોત ડોકિયાં કરતું લાગ્યું … અરે , અજવાળી રાતોમાંય , ગામને સીમાડે આવી રહેલાં ધાડાંનો ભાસ થતો. ખુલ્લી તલવારો પર પડતી ચાંદનીના ચમકારાય ઊઠતા જાણે દેખાતા ! –
કાળુએ એક રાતે વિચાર કર્યો : ‘ કાલ તો મર્યાજીવ્યાનો છેલ્લો મોંમેળાપ કરી જ આવું ! ’
અને સાચેસાચ કાળુ વહેલી સવારે રાજુને મળવા ઊપડ્યો …
બારણામાં બેઠેલી રાજુએ ચાલ્યા આવતા કાળુને ન ઓળખ્યો. ને ક્યાંથી ઓળખે ? ખભે તલવાર લટકતી હતી. હાથમાં પંદરેક તીરનું ભાથું ને કામઠું હતું – અરે , ચાલ પણ બદલાઈ ગઈ હતી. કાળુ અત્યારે આ દિવસોમાં ખેડૂત નહોતો, હાથમાં માથું લઈને ફરતો મરણિયો હતો. બુકાનીમાંથી ચમકતી પેલી આંખોય એવી જ … છેક નજીક આવ્યો ત્યારે જ એણે ઓળખ્યો.
હસી ઊઠતાં કહ્યું : ‘ મીં તો તમને ઓળખ્યાય નઈ ! ’
‘ ત્યારે તુંય ક્યાં ઓળખાય એવી રઈ છે ! કાંઈ ધાનબાન મળે છે , કે અત્યારથી જ- ‘
‘ધાન મળે છે પણ કામ નથી મળતું ! ‘ રાજુએ ખાટલો ઢાળતાં કહ્યું.
‘ બેઠે બેઠે તો મનેખ ઊલટું જાડું થતું જાય કે આ આવું ! … સૂકુંપાકું ? — ’ ઘરમાં નજર ફેરવતાં પૂછ્યું : ‘ ક્યાં ગયાં છે બધાં ? ’
‘ ત્રણે જણ, ગામ સંગાથે ડેગડિયે દાણા લેવા ગયાં છે, ને છોકરાં ક્યાંક રમતાં હશે. ’
‘ દાણા મુદલેય નથી ? ’
રાજુ હસી , બેપરવાહી દેખાડવાનો પ્રયત્ન તો ભારે કર્યો પણ તોય – આખું અંગ જ ફિક્કું પડી ગયું હતું પછી હાસ્યમાં તે રંગ ક્યાંથી આવે ? ‘ છે થોડાઘણા. કાંઈ ખૂંટે પોતિયું ( ધોતિયું ) કરીને તો નઈ બેસી ગયાં હોઈએ ? ’
‘ ના ! … માન્યામાં નથી આવતું. હેંડ મને ભાળ જોય. ’
કાળુએ ખભેથી તલવાર ઉતારતાં કહ્યું , ને ઊભો થયો. ‘મને જોવા દે જો કોઠીઓમાં. ‘ કહેતો કહેતો કામઠા સાથે સામેની કોઠી તરફ વળ્યો.
રાજુનો વિચાર એને રોકવાનો હતો. કહેવું હતું : ‘ હું કાંઈ જૂઠું તો નઈ બોલતી હોઉં. ’ તો વળી , ‘ હેંડો હેંડો, કોઈના ઘરનું પોતિવાર ઉઘાડ્યા વગર , બેસો છાનામાના.’ આમ પણ કહેવું હતું. પણ કેમ કરીને બોલી શકે ? ગળે તો ડૂમો ભરાઈ બેઠો હતો. પગેય જાણે જડાઈ ગયા ! … ખાટલાને પાયે , ઊભાં મૂકેલાં તીર લઈને એણે ખાટલા ઉપર મૂક્યાં. બાજુમાં પડેલો ઝૂડો એક તરફ નાખ્યો ને ઘરમાં પડેલી રોજનો ખ્યાલ આવતાં વળી પાછો ઉપાડ્યો.
કાળુ કોઠીઓમાં કામઠું નાખતો હતો, અંદરથી ‘ ધમ્મ્ ધમ્મ્ ધમ્મ્ ’ અવાજ ઊઠતો હતો. જાણે તળિયે બેઠેલો કાળ ઘુઘવાટ ન કરી રહ્યો હોય ! … અરે , કચરો ઊઠતો, ‘ સર્ર્ સર્ ’ અવાજેય આ શાંતિમાં ભયંકર લાગતો હતો.
રાજુએ કચરો વાળી ઝૂડો એક તરફ નાખ્યો. ઘરમાંથી પાછા ફરેલા કાળુએય વાળતાં ઝૂડામાંથી કામઠું તીર ભેગું મૂક્યું. ખાટલા પર બેસતાં સ્વગત જ બોલ્યો : ‘ ખલાસ ! … હજુ તો ધાન પાકવા આડા ત્રણ ઉનાળુ ને ચાર ચોમાસુ – સાત મહિના છે ને ઘરમાં તો કણ દાણો નથી ! ‘
કાળુના આ શબ્દો સાંભળ્યા જ ન હોય તેમ રાજુ , હોકા પરથી ચલમ લઈને દેવતા , લેવા , ઘર બહાર નીકળી.
એની પીઠ ઉપર તાકી રહેલો કાળુ વળી બબડ્યો : ‘ ઘરમાં ધાન હોય તો દેવતા સળગાવે ને ? ’ એણે એક જોરથી શ્વાસ લીધો. ‘ ભલું હશે તો – કોણ જાણે ધાન ખાધે કેટલા દન થયા હશે ! … અને કંઈક વિચાર ગોઠવ્યો હોય તેમ રાજુની રાહ જોતો બારણા સામે તાકી રહ્યો.
રાજુના પેસતામાં જ કહ્યું : ‘ મરવા દે તમાકુ ને હેંડ મારી સાથે , થઈ જા આગળ. ’
રાજુ તો ભડકી ઊઠી. એની સિકલ જોતાં લાગતું જાણે : ‘ રડું કે હસું ? ’ એવી દ્વિધામાં ન પડી હોય !
કાળુની સિકલ પણ રુદન કરતાં કંઈ કમ ન હતી ! એણે આગળ ચલાવ્યું : ‘ મારાથી તો તને આમ કવણે ( કમરણે ) મરતી નઈ દીઠી જાય ! ‘
‘ કવણે તો આખો મલક મરશે કે હું એકલી ? તમારા ઘરમાંય ક્યાં કોઠાર ભર્યા છે ? બી લેવા આવી ત્યારે કોઠીઓ તો— ‘
‘ એ તો બધું થઈ રે’શે. મીં ઇસાબ ગણ્યો છે. અમારે બે જણને હજુ બે મહિના તો નીકળી જશે ને મંગળિયાને તો – આજ અહીં આવ્યો નકર મૂકવા જ– ‘
રાજુ વચ્ચે જ બોલી ઊઠી : ‘ ના ના ! તમે મૂકવા જવાના હશો પણ દુનિયા શું કે ‘ ! ને દુનિયા તો મરશે પણ જીવ તો બધાયના સરખા જ ને ? ‘ ક્ષણેક થંભી માથું હલાવતાં બોલી : ‘ ઊહું ! હજુ તમારા સાળાને એકાદને લઈ જાઓ તો ખટતું છે , બાકી મારે ને તમારે શું ? ’
‘ બસ ને ! આટલી જ વાર ને , રાજુ ! ‘ કાળુનો અવાજ જ નહિ , મોં પણ દુઃખથી મઢાઈ ગયું.
‘ એમ નઈ ! તમારા ને મારા મનથી તો ઘણું બધું છે પણ તમારા ઘરમાં તો— ‘
‘ અરે પણ હું મારા ભાગમાંથી – આપણ બે અક્કેક ટંક ખાઈને દન કાઢીશું પછી તો બસ ને ? ’
ક્ષણભર તો રાજુ રાચી ઊઠી. પણ – અત્યાર સુધી પોતે જાણે દિશાચૂક ન થઈ ગઈ હોય તેમ વળતી પળે ભાનમાં આવી. ભડકી ઊઠી હોય તેમ બોલવા લાગી : ‘ શી વાત કરતા હશો ? … શું જોઈને તમે બોલો છો ? મારા ઘરનાં બધાંને મોતના મૂઢામાં મેલીને તે હું આવતી હઈશ ? ’ બે – પાંચ પળની શાંતિ પછી પાટને ટેકો આપવા મૂકેલી પેલી કુંભી ઉપર નખ વડે લીટા દોરતાં સ્વગત બોલતી હોય તેમ કહ્યું : “ મને લઈ જવાની વાત તો તમે ભૂલી જ જજો, સમણામાંય એ નઈ બને ! “
‘ ત્યારે તો એમ જ કે ’ ને કે તારે જાણી જોઈને મરી જ જવું છે ! ‘
‘ મરવું કોઈને ગમતું હશે ! ‘ હસવાના પ્રયત્ન સાથે રાજુએ કહ્યું : ‘ ને હું કેમ કરીને–
‘ કેમ કરીને તે – હું બધુંય સમજું છું, રાજુ ! જગતમાં તને કોઈ નઈ જાણતું હોય એટલી હું જાણું છું. ‘ એણે રાજુ સામે તાકતાં સવાલ કર્યો : ‘ બોલ , ખાવા તું કરે એ ખરું કે ખોટું ? ’
‘ ખરું. ’ ને બધાંને ખવરાવે છેય તું. ’
રાજુએ હકારમાં માથું હલાવ્યું. ઉમેર્યું : ‘ વહેંચી આલું છું. ’
‘ને એ વહેંચનારના ભાગમાં શું રે’ છે, કહું ? ‘
રાજુની પેલી ફિક્કી આંખો હસી રહી. ભવાં ઉલાળતાં જાણે ટોળ કરતી હોય તેમ કહ્યું : ‘ કો ’ , ’
‘ એ વહેંચનારના ભાગમાં તો, ચાટવાનું લુવરામણ ને હાંલ્લાનું ધોવરામણ ! ’ કહેતાં કાળુ ખાટો થઈ ઊઠ્યો : ‘ શું કામ તું હાથે કરીને – ને ભલાઈ તો નઈ જિવરાવે હોં ! ઠીક કહું છું ભૂંડી ! તું એમ માને છે કે દુનિયા તને પીંખી ખાશે પણ અત્યારે તો પીંખવાય કોઈ નવરું નથી. સૌ સૌને પોતપોતાના જીવની પડી છે. અરે, જો મા છોકરાંને ન રાંધી ખાય તો યાદ કરજે, કાળિયો શું કે’તો’તો ! ને માન, ભૂંડી – ઠીક કહું છું— ‘
‘ અમથા તમે લવરીએ ચઢ્યા છો. ’ રાજુ કંઈક ચીઢ સાથે બોલી : ‘ હું તો આ ઘર મેલીને કદીય નથી આવવાની. ’ જમીન પર બેસતાં ઉમેર્યું : ‘ મારો માજણ્યો તેડવા આવે તોય નઈ. ’
કાળુને વળી આજ રાજુ મોટા ગજાનું માનવી લાગી. એણે મનમાં ને મનમાં એ જગદંબાને જાણે નમસ્કાર કર્યા. ઠીક ઠીક વાર હોકો ગડગડાવ્યા પછી રાજુ સામે નજર નાખતાં કહ્યું : ‘ ખાસ તો હું તને છેલ્લોવેલ્લો મળવા આવ્યો છું. મને આશીર્વાદ આલ ! ’
શાના આશીર્વાદ ને શાના છેલ્લાવેલ્લા ? ’ રાજુનું ફિક્કું મોં પૂણી જેવું થઈ ઊઠ્યું. ‘ શું બોલો છો તમે ? ’
‘ સાચું કહું છું, રાજુ ! આપણી બાજુય ઘણાની તમારા જેવી દશા છે ને વધૂંઘટ્યું ધાન છે એય આજકાલ લૂંટાયામાંથી જ જાય છે. એટલે મીં તો નક્કી કર્યું છે કે ભૂખે મરી જવું એના કરતાં ધાડમાં ખપી જવું જ શું ખોટું ! દુનિયા પાળિયો તો— ‘
‘ હં ! … ત્યારે તો તેમાં તીરકામઠાં બાંધ્યાં છે ? ‘
રાજુ હવે જ ભેદ સમજી ને સાથે જ એની પેલી અણિયાળી આંખો ખાટી થઈ ઊઠી. બોલી તેય વ્યંગમાં : ‘ ત્યારે એમ કો’ને કે ધાડમાં મરવું છે ને પાળિયે જીવવું છે ! ’
કાળુ, ન તો વ્યંગ સમજી શક્યો કે ન રાજુને કળી શક્યો ને તેથી જ એણેય દ્વિઅર્થી જવાબ આપ્યો : ‘ ત્યારે ભૂખે કૂતરાની પેઠે કકવાડા કરીને તે કેમ મરી જવાય ! ‘
‘ હં ! … ’ રાજુની આંખો , જેમ બારણા બહાર દેખાતા આભલે હતી તેમ એનું ધ્યાન ક્યાંય બીજે હતું.
એને ચૂપ જોઈ, કાળુને ‘ કાં તો એ બરાબર સમજી નથી ’ એમ હશે તે ચોખવટ કરી : ‘ મરતે મરતેય આ દેઈ જે ખપ લાગી તે ખરી ! ‘
રાજુની ખાટી નજર જાણે તીખી બની. કાળુ સામે આંખ માંડતાં પૂછ્યું : ‘ કોઈ દન અપ્પા ( ઉપવાસ ) કર્યો છે તમે ? ’
‘ હજુ સુધી તો ભગવાનને પરતાપે નથી–
‘ તો એમ કરો : બે દન રોકાઈ ને જોતા જાઓ જરા ભૂખ કેવી છે ! ને પછી જઈને કાળુને રાજુના શબ્દો કરતાંય એની તંગ સૂરત વધારે મૂંઝવતી હતી. ત્યાં સુધી કે અડધું તો એ મૂંઝવણમાં જ નહોતો સમજી શકતો. વચ્ચે જ કહ્યું : ‘ મને જરાય નથી સમજાતું , શું કે ‘ છે તું ? ’
‘ ભૂખ ભાળી નથી પછી ક્યાંથી સમજાય ! ‘ રાજુ જાણે સ્વગત બોલી. બીજી જ ક્ષણે એણે કાળુ સામે જોયું : ‘તમને ખબર છે ? – ’ રાજુની આંખો કરડી હતી , અવાજ કડવો હતો : ‘ જે દન હું શેઠને ઘેર દાણા લેવા ગઈ ને પેલા કોઠાર ધાનથી ફાટી જતા ભાળ્યા, શેઠે મારી કાયા વખાણી ને છેડતી કરી જોઈ, એ દન ઠાલા હાથે પાછાં ફરતાં મને ઘણુંય થયું કે જો હું આદમી હોત તો એ શાહુકારનું ખૂન કરી નાખત ને ભૂખે મરતાં બધાંયને બોલાવી પેલા કોઠાર લૂંટાવી દેત ! ‘ રાજુની આંખ સાચેસાચ ખુન્નસભરી હતી. જોરથી શ્વાસ લેતાં એનો અવાજ ધીમો પડ્યો : ‘ આજેય મને તો તમે આવ્યા એ વખતે હું બેઠી બેઠી આ જ વિચારી રહી હતી. પણ શું કરું, ભગવાને મને બૈરું ઘડી છે ! ‘
કાળુ તો ઠંડો પડી ગયો. બોલવાનું જ કંઈ ન જડ્યું. એને ચૂપ જોઈ રાજુ વળી બોલી : ‘ તમને થશે કે રાજુ ભૂંડી છે. પણ રાજુ શું કરે ? હતું એટલું ઘરેણું વેચી ખાધું ને આ ઘર – ખેતરાંય કોઈ વેચાતાં રાખે તો દસ મણ અરે બે મણમાં વેચી ખાઉં કે’તમાં કહ્યું છે કે જીવતાં હઈશું તો પાદશાઈ પેદા કરીશું. પણ ‘
કાળુને કહેવાનું મન થયું : ‘ પણ તારે જીવવું ક્યાં છે ! તારે તો ભલાઈએ પેટ ભરવાં છે, ‘ અને કહી નાખત પણ હિંમત ન ચાલી. એક નિશ્વાસ નાખતાં કહ્યું : ‘ પણ તું નથી તો લૂંટી શકવાની કે નથી તું તારી જાત લૂંટાવવાની. પછી રહ્યું તો મરવાનું ..
રાજુ આટલા દુઃખમાંય કાળુને દુઃખી થતો ન જોઈ શકી. હસીને બોલી : ‘ તમને મોતની નવાઈ છે બાકી અમને તો – જીવતરના નામનું નાઈને જ બેઠાં છીએ.
આ પેલી નદીમાં અત્યારથી જ દનની ત્રણ – ચાર ચેહો ભડભડતી જોઈએ છીએ, એ ભેગી એક દન અમારીય. એમાં છે શું ? … તમે તો કો ‘ છો ને કે મોતને હાથમાં લઈને ફરું છુ..
કાળુને વળી એ અવાજ – એ સિકલેય, પોતાની લાગી : ‘ પોતાના મોતથી તો અહીં બીએ છે જ કોણ, પણ એમ કે આ મરતી ઘડીએ આપણ પાસે હોત તો– ‘ કાળુની આંખો ભરાઈ આવી, ચૂપ થઈ ગયો. ‘
‘તમને થાય ને અમને નઈ થતું હોય ! ‘ કહેતી રાજુ ફાટેલા પાલવને વધારે ફાડી રહી. ‘ મનને તો ઘણુંય થાય છે કે જીવતે ન ભેગાં થયાં તો મૂઉં ! પણ મરતી ઘડીએય— ’ શ્વાસ લેતાં ઉમેર્યું : ‘ એવાં ક્યાંથી ભાયગ કે વળી ભેગાં— ’
પણ ‘ બળીએ ’ કહે તે પહેલાં તો એનાં જેઠજેઠાણી ને પતિ આંગણામાં આવતાં દેખાયાં. માથા પર ગાંસડીઓ જોતાં જ રાજુનું મોં ખીલી ઊઠ્યું, ‘ લો, મહિનો માસ તો મોત વળી ઠેલાઈ ગયું. ત્યાં સુધીમાં તો વળી પાદશાઈ પેદા કરીશું. ’ ને એ ઊભી થઈ ગઈ.
પણ કાળુ જાણતો હતો કે રાજુનાં આ શબ્દો ને લાપરવાહી પોતાને ખુશ કરવા માટે જ હતાં. સસરા – કાકાજીને રામરામ કર્યા પછી કાળુએ એ લોકોને પૂછવા પૂરતા જ સમાચાર પૂછ્યા. બળદ વેચીને ધાન લાવ્યા એ જાણી એ ખુશ થયો. કહ્યું : ‘ એ વળી ડહાપણનું કામ કર્યું. ગાયોય હશે ને તમારે તો ? … તો એય કોઈ ઘરાક મળે તો વેચી– ’
ઘરાક તો મળે પણ ચક્ ચક્ ચક્ ચક્ ‘ કાળુના સસરા જીભ ડચકારી ઊઠ્યા, ‘ અરે રામ રામ ! એ લોક તો ભૂખના માર્યા ન કરવાના કામ કરે પણ આપણાથી સેં પાપના ભાગીદાર થવાય ! ‘
કાળુય હવે જ સમજ્યો કે પેલા બળદ ભૂખ ભાંગવામાં ગયા ને આ ગાયોના ધરાકેય – ને એ સલાહ આપવા બદલ પછતાઈ રહ્યો – જાણે કોઈ મહાભારે પાપ ન કરી બેઠો હોય !
‘ જો જો ક્યાંય રાજુવઉના સાંભળતાં બોલતા ! ‘
સસરાનું આ વાક્ય સાંભળી કાળુને મન થયું, રાજુને મહેણું મારવાનું : ‘ વાહ રે તમારી રાજુવઉ ! મનેખનું ખૂન કરવા ને લૂંટ ચલાવવામાં ધરમ આડો નથી આવતો આ ગાયો આલવામાં− પણ બીજી જ ક્ષણે એ જ કાળુ રાજુને મનમાં મનમાં વળી વંદી રહ્યો, બબડી રહ્યો : ‘ રાજુ ! આ ભૂતમલકમાં ને ડૂહ જાતમાં તારા સરખી તે ક્યાં જન્મી ! તારે તો કોક રાજવંશમાં કે કોક પુરાણી બામણને ત્યાં જનમવું જોઈતું’તું ! …
આ પછી કાળુએ દાણા સાચવીને રાખવાની ને કરકસરથી ખાવાની કેટલીક શિખામણ આપી. સાથે સાથે પોતાના ગામનીય વાત કરી ને ઘરની ચિંતા કરતાં રજા માગી ‘ હું ઊઠું ત્યારે. ’
સાસુસસરાએ જમીને જવા માટે આગ્રહ કર્યો. ઘરમાં રાંધવાની માથાકૂટ કરી રહેલી રાજુએ તો બહાર આવીને જાણે વહાલપનું દાંતિયું જ કર્યું : ‘તમારામાં લાજ રહેલી હોય તો ખાધા વગર ઊઠોય ખરા ? ’
કાળુને ખાવા સરખી રુચિ ન હતી, ભૂખેય મરી ગઈ હતી. પણ શું કરે ! વગર બોલ્યેય રાજુની આંખો કહી રહી હતી : ‘ મારા હાથનું છેલ્લું ખાવાનું તો ખાતા જાઓ, પાછળ કોણ જાણે કોણ જીવ્યું ને કોણ મર્યું ! ‘
ને કાળુને બેસવું જ પડ્યું.
રાજુએ એક ઘડીકમાં દળી નાખ્યું ને રોટલોય કાળુના નાહતા નાહતામાં ઘડી કાઢ્યો, ને એણે કાળુને છેક ઘરમાંના ચૂલા પાસે જ જમવા બેસાડ્યો.
વિદુરજીની ભાજીમાં – આ કોદરાના રોટલા સરખી મીઠાશ નહિ હોય ! ઉપરથી વળી લસણની ચટણી ને છાશ.
ખાતાં ખાતાં કાળુની આંખમાં આંસુ આવી ગયાં ને રાજુએ અંધારું હોવા છતાંય પારખી પાડ્યાં, ધીમેકથી કહ્યું : ‘ કો ’ છો ને મરદ છું ! … આટલી જ છાતી ! ’
‘ ફરીથી કાં તો મળાયું ના મળાયું ! ‘
‘ તો શું ? ત્યાં તો મળશું ને ? ’
‘ મારે ઘણું બધું કે’વું’તું રાજુ ‘ અને કહી જ નાખ્યું : ‘તારા ખોળામાં માથું મૂકી છેલ્લેવેલ્લું રોઈ લેવું’તું– ‘ જાણ્યેઅજાણ્યેય એનું માથું રાજુ તરફ સહેજ લંબાયું.
‘ ખાઓ છાનામાના ! ’ રાજુથી કાળુના માથા પર હાથ ફેરવાઈ ગયો. બીજી પળે તો એ પાણીનો લોટો ભરવાને મશે ઊઠતીકને ચાલતી થઈ. પણ કાળુને તો એ ત્યાં બેસી રહી હોત તોય – હવે કંઈ ઇચ્છા જ નો’તી રહી. ન આશીર્વાદ અધૂરા હતા કે નો’તા રહ્યા ખોળામાં માથું મૂકીને રડવાના ઓરતાય. માથા પર ફરતાં એ પાંચ આંગળાંમાં બધું આવી ગયું હતું જીવનમરણના છેલ્લા રામરામેય.
ખાઈને હોકો પીધો ન પીધો ને એણે એનાં હથિયાર સંભાળ્યાં. સસરાસાસુ તથા કાકાજીની આંસુભરી આંખે વિદાય લીધી ; છેલ્લે રાજુની, પણ એ તો માત્ર આંખોથી. ‘ પંદરેક દનમાં તો હું આંટો મારી જઉં છું ને તમેય સમાચાર લેતા – દેતા રે’જો … લો રામ રામ . ’
અને પીઠ ફેરવતાં રાજુને કહી જ નાખ્યું. ‘ રાજુ ! ફરી મળાયું ન મળાયું તો જીવ્યામર્યાના– ’
ગળે ડૂમો ભરાઈ આવતાં ‘ છેલ્લા જુહાર ’ અધૂરા જ રહી ગયા !
અરે, ખુદ રાજુ જ ભાન ભૂલીને ઊભી હતી. કાળુની પીઠ સામે અનિમેષ આંખે તાકતી ને આંસુ ભરતી – કાળુનું છોગું દેખાતું બંધ થયું ત્યારે જ એણે પીઠ ફેરવી ને આંખોય લૂછી !
કાશીમા ની કૂતરી – પન્નાલાલ પટેલ
✍ પન્નાલાલ પટેલ – આ લેખ માત્ર પુસ્તક પરિચયનાં હેતુથી મુકવામાં આવ્યો છે. તેથી કોઇપણ જગ્યાએ કોપી કરીને કે અન્ય રીતે ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. તમામ કોપીરાઈટ લેખકને આધીન છે.
Nice
Thanks..
Good
Pingback: મળેલા જીવ નવલકથા - પન્નાલાલ પટેલ | Malela Jiv 1941 - AMARKATHAO
Hii There!
How can I download the Online PDF version Can you help me with this?
pdf book ગેરકાયદેસર ગણાય. જ્યા સુધી લેખક નાં હક્કો પુરા ન થયા હોય. એ માટે બની શકે તો લાઇબ્રેરી માથી મેળવીને વાંચો એ ઉત્તમ ગણાશે.
Pingback: પીઠીનું પડીકું | પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ
ગેરકાયદો કહેનાર જ વાંચી રહ્યા હોય તો; જેમ કે તમે
Pingback: ચેતન ભગતની નવલકથા હાફ ગર્લફ્રેન્ડ | Half Girlfriend book review - AMARKATHAO
Pingback: ગુજરાતી સાહિત્યની 50 યાદગાર વાર્તાઓ - AMARKATHAO