Skip to content

સિંદબાદ જહાજીની સાત સફર ભાગ 7 – છેલ્લી સફર

સિંદબાદ જહાજીની સાત સફર ભાગ 7
7711 Views

સિંદબાદ જહાજીની સાત સફર વિભાગમાં આજે સિંદબાદની છેલ્લી અને સૌથી રોમાંચક સાતમી સફર વાંચો. Sindbad jahaji, sindbad ni saat safar pdf book, Sindbad ni serial, Alif laila serial. સિંદબાદની દરિયાઇ સફરો. અગાઉના કોઇ ભાગ વાંચવાનાં બાકી હોય તો નીચે લિંક મળશે. અમરકથાઓ

સિંદબાદ ની સાત સફર ભાગ 7

આખો દિવસ ધરતીને આકરા તાપથી તપાવી સૂરજ આથમી રહ્યો હતો. સાંજના એ ઢળતા ઉજાશમાં હવેલીનાં બધાં સભ્યોએ પોતાનાં રોજિંદા કામ ઝડપથી પતાવી દીધાં. નોકરોએ ઝુમ્મરો સાફ કરી એમાં દીવા પ્રગટાવ્યા ને એની રોશનીથી બધે ઝગમગાટ થઈ રહ્યો.

સિંદબાદ બેઠકખંડમાં આવી તકિયાનો આધાર લઈ બેઠા ને પરિવારજનો તેમજ હિંદબાદ સિંદબાદની જિંદગીની સૌથી રોમાંચકારી સાતમી સફરની વાત સાંભળવા એકકાન થઈ ગયાં.

સિંદબાદે હાથમાં એક અમૂલ્ય હીરો લઈ બધાંને બતાવ્યો અને કહ્યું, ‘ સાહસ અને પુરુષાર્થથી શું નથી થઈ શકતું તે મારે આજે ખાસ કહેવું છે. આ મારા હાથમાંના હીરાની કહાણી એમાં હશે. ’
‘ દરેક માણસ જિંદગીભર ધન , દોલત અને સુખ પામવા મહેનત કરતો હોય છે , મથતો હોય છે. જે અઢળક સંપત્તિ ભોગવવા હું ભાગ્યશાળી થયો છું એની પાછળ ખરેખર તો મારાં સાહસ અને પરાક્રમ જ જવાબદાર છે.

છ સફરો કર્યા પછી મારાં પિરવારજનો તેમજ સગાંસંબંધીઓએ હવે પછી દરિયાઈ સફર કરવાની ના પાડી. પણ હું જાણતો હતો કે ‘ નવરું મન શૈતાનનું ઘર ’ બરાબર છે. નિરુદ્યમી જીવન જીવવા હું નહોતો માંગતો ને મારામાં રહેલી પરાક્રમની પ્રકૃતિએ ફરી મને દરિયાઈ સફર ખેડવા તત્પર કર્યો.

મારી છ સફરોમાં મેં ઘણાં સંકટ વેઠ્યાં હતાં. તેની સાથોસાથ દરિયાની સફર વિશે હું ઘણું શીખવા પામ્યો હતો. મારી અગાઉની સફરોના દરિયાઈ નકશા મેં તૈયાર કરાવ્યા હતા જે મને આગળની દરિયાઈ સફરમાં ખૂબ કામ આવતા હતા. સાહસ અને પરાક્રમનો ભૂખ્યો હું જીવનમાં કશુંક નવું શીખવા તેમજ મોજ ખાતર દરિયાઈ સફર કરવાનું નક્કી કરી બેઠો. સફરે જતાં પહેલાં મેં મારી કેટલીક કીમતી ચીજો – એમાંય ખાસ તો મારા ખજાનામાંથી હિંદુસ્તાનથી હું લાવેલો તે મરઘીના ઈંડા જેવડો મોટો હીરો – મારી પત્નીને સુરક્ષિત સ્થાને મૂકવાની આજ્ઞા આપી બધું વ્યવસ્થિત કર્યું.

મારા ઓળખીતા કેટલાક સોદાગરોને સાથે લઈ એક મોટા વહાણમાં વેપારનો સામાન ભરી અમે નવી સફરે નીકળ્યા. સમુદ્રનો ખોળો ખૂંદતાં અમે એક પછી એક બંદર વટાવતા, તે દરેક જગ્યાએ અમારો માલ વેચી ત્યાંનો માલ ખરીદતા, આગળ વધ્યે જતા હતા. અમરકથાઓ

લાંબી મુસાફરી બાદ થોડો આરામ કરવા અમે એક નાના બેટના કિનારે વહાણ લાંગરીને જમીન પર ઊતર્યા. બેટ નાનો પણ વનરાજીથી ભરેલો હતો. પુષ્કળ ઝાડ ફળોથી લચી પડેલાં હતાં. અમે હરતા – ફરતા રહ્યા ને તે દરમ્યાન ખૂબ ફળો ખાધાં. નાના ડુંગર પરથી મીઠા પાણીનું ઝરણું વહેતું હતું. મેં તેમાંથી પાણી પીધું. એક મોટા ઝાડનો છાંયો મેળવી તેની નીચે બેઠો.

મુસાફરીનો થાક તો હતો જ પરંતુ અજાણ્યાં ફળો ખાવાથી મને ઊંઘનાં ઝોકાં આવવા લાગ્યાંને થોડીવારમાં હું ઊંઘી ગયો. જ્યારે હું જાગ્યો ત્યારે એક નવાઈ બની. મારી સામે એક વિશાળકાય દરિયાઈ કાચબો દેખાયો. તે ધીરે ધીરે મારી તરફ સરકી રહ્યો હતો.

મેં વધુ નજર કરી જોયું તો તેની પાછળ શિયાળવાં દેખાયાં. થોડીવારે ઝાડ પાછળથી શરીરે સૈનિકના બખ્તર જેવા કવચવાળું એક નવતર જાનવર દેખાયું. ઝીણવટથી જોતાં તે પોતાની લાંબી જીભ વડે કીડીઓ ખાતું માલૂમ પડ્યું – તે કીડી ખાઉં હતું. સૂરજની દિશા જોઈ મને ખ્યાલ આવ્યો કે હવે સાંજ થવાને ઝાઝી વાર ન હતી.

આળસ મરડી જરા સ્વસ્થ થઈ દરિયા તરફ નજર નાખી તો વહાણ દેખાયું નહિ. ઊંઘમાં મને ખ્યાલ જ ન રહ્યો કે સમય ક્યાં વીતી ગયો. આજુબાજુ તપાસ કરી : મારા સાથીદારો ત્યાં નહોતા. હું બેટના કિનારે દોડી ગયો. ત્યાં પણ મારા કોઈ જ સાથી ન દેખાયા. મને પેટમાં ફાળ પડી.

બેટના દૂરના કિનારા સુધી જઈ તપાસ કરી પણ સાથીદારો ન દેખાયા. એક ઊંચી જગ્યાએ ચડી દરિયા તરફ નજર કરી તો ક્યાંય વહાણ નજરે ન પડ્યું. આખા ટાપુ ઉપર હું એકલો રહી ગયો હોઉં એવું લાગ્યું. મેં ફરી દરિયામાં નજર નાખી તો વહાણ તો નજરે પડ્યું પણ એ તો સઢ સંકેલી એના સફરના માર્ગે મને છોડી આગળ વધી રહ્યું હતું.

મેં ખૂબ મોટેથી ચીસો પાડી પણ વહાણ એટલું બધું દૂર નીકળી ગયું હતું કે મને કોઈ જુએ કે મારી ચીસો કોઈ સાંભળે એમ હતું નહિ. એ દિવસે મને બરાબર સમજાયું કે ઘરમાં જોખમ હોય ત્યારે અને પરદેશમાં મુસાફરીમાં હોઈએ ત્યારે જાગતાં રહેવું જોઈએ. હું ઊંઘ્યો ને મારી ગેરહાજરીની તપાસ કર્યા વિના જ કપ્તાને વહાણ ઉપાડ્યું. એ દિવસે હું ખૂબ થાકી ગયો હતો. થોડીવાર માટે હું નિરાશ થઈ ગયો. નાના બાળકની જેમ હું મોટેથી રડી પડ્યો. રડવાથી મન શાંત થયું ને થોડી હિંમત પણ આવી. ફરી દરિયાના કિનારે – કિનારે મેદાનમાં આગળ ચાલવા લાગ્યો.

આખા ટાપુ ઉપર હું એકલો રહી જવા પામ્યો હતો. કોઈ હતું નહિ તેથી વાત પણ કોની સાથે કરવી એ પ્રશ્ન થઈ પડ્યો. મારી મૂંઝવણનો પાર ન રહ્યો. છતાં હિંમત રાખી આવનાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હું તૈયાર થયો. ખુદાતાલાએ મને સંકટ સામે ઝઝૂમવાની જાણે તાકાત આપી. મારી મૂંઝવણ દૂર થઈ ને મારામાં નવો જ વિશ્વાસ પેદા થયો.

હવે મને ડર ન હતો. થોડીવાર હું શાંત મનથી બેસી રહ્યો. ઝાડ પર બેઠેલ પંખીઓના મધુર કલરવ સાંભળતો રહ્યો. વખત વીતતો ગયો. રાતનું અંધારું થાય તે પહેલાં રાતે આરામ કરવા સલામત જગ્યા શોધી કાઢી. નવા દિવસની રાહ જોતાં આખી રાત દરિયાનાં ઘૂઘવતાં મોજાંના અવાજ સાંભળતાં અડધી ઊંઘમાંને અડધી જાગૃતિમાં વિતાવી.

વહેલી પરોઢે જાગી દરિયાકિનારે ફરતા રહી એક ઝરણું શોધી કાઢ્યું ને એના પાણીથી નાહી ધોઈ તૈયાર થયો. પેટમાં ભૂખ લાગી અને શક્કરિયાં જેવાં કંદમૂળ શોધી ચકમક જેવા પથ્થરથી અગ્નિ પેટાવી તેમાં શેકીને ખાધાં. થોડાં વધ્યાં તે કપડામાં બાંધી બપોરના ભોજન માટે સાથે લઈ દરિયાકિનારે ચાલતો પાછો ફર્યો ને એક ઊંચા ખડક પર ચઢી બેટનું અવલોકન કરવા લાગ્યો.

હવે સૂરજ પણ પોતાનું તેજ ધીરે ધીરે વધારી દરિયામાંથી છલાંગ મારી જાણે ઊંચે આકાશમાં જઈ રહ્યો હતો. અંધારાના ઓળા ચારે બાજુથી વીખરાવા માંડ્યા હતા. દરિયાઈ પક્ષીઓ માછલી પકડવા ઉડાઉડ કરતાં હતાં. ત્યાં અચાનક પવનના સુસવાટા ભયાનક તીણી ચિચિયારી સંભળાવા લાગી. એક પળ માટે હું થડકી ગયો. હજુ થોડીવાર પહેલાં સૂરજ તપતો અને હતો કે એકાએક અંધારું છવાઈ ગયું. મેં આકાશમાં જોયું તો એક વિશાળકાય પક્ષી સૂર્યને ઢાંકી દઈ મારી દિશામાં આવી રહ્યું હતું.

એ થોડું નજીક આવ્યું ત્યાં મેં જોયું કે વિશાળકાય પક્ષીને વહાણના મોટા શઢ જેવડી બે પાંખો હતી. પોતાની વિશાળ પાંખો ફફડાવતું તે હું બેઠો હતો તે ખડક પરથી પસાર થયું. જાણે મોટું જહાજ આકાશમાં ઊડીને આવ્યું ! પસાર થતાં તે પક્ષીની નજર મારા પર પડી. મને ઝડપવા તે પાછું આવ્યું. તે રોક પક્ષી હતું. તે મને પકડે તે પહેલાં હું ઝડપથી પાછો હટી ગયો. મારા સારા નસીબે મારી પાછળ જ એક મોટું ઝાડનું સૂકું થડિયું મને મળી ગયું. તેની ઓથે હું જતો રહ્યો ને તે પક્ષીનો કોળિયો બનતાં બચી ગયો.

મને પકડવા તેણે ઘણાં મોટાં ચક્કરો માર્યાં. આખરે થાકીને તે દૂર જતું રહ્યું. થોડીવારમાં ઘણાં બધાં રોક પક્ષીઓનું ટોળું આવતું દેખાયું. હવે મને ભય પણ લાગ્યો ; રોક પક્ષીઓ મને જોઈ જાય તો મારા પર હુમલો પણ કરે. તેમની નજરથી બચવા મેં ઝાડની ઓથ લીધી. થોડીવાર પછી સલામતીની ખાતરી કરી હું પક્ષીની દિશામાં ચાલતો જવા લાગ્યો. ત્યારે રસ્તામાં હાથીનાં હાડકાં ને ચામડીના સુકાયેલા ટુકડા જોઈ વિચારે ચઢ્યો કે આખા ટાપુ ઉપર બીજે ક્યાંય હાથી વસતા નથી તો આ હાડકાં ને ચામડીના ભાગ ક્યાંથી આવેલ હશે ?

થોડું આગળ ચાલતાં મને મારા સવાલનો જવાબ મળી ગયો. મેં જે વિશાળકાય રૉક પક્ષીથી બચવા વિચાર્યું હતું એવાં રૉક પક્ષીઓ જ હાથી અને તેના જેવાં બીજાં પ્રાણીઓને પોતાનો ખોરાક ગણી અહીં લઈ આવતાં હશે ને મારી ખાતા હશે. આવા હિંસક પ્રાણીથી બચવું જ રહ્યું. અમરકથાઓ

વધુ જાણવા ઊંચા ખડક પર ચઢી મેં જોયું તો રૉક પક્ષી દૂર દેખાતા ઘુમ્મટ પર જઈ બેસવા માટે ચકરાવો લેતું ઊડતું હતું. સાથે બીજાં પક્ષીઓ પણ ઊડી રહ્યાં હતાં. સહુથી મોટા પક્ષીને ચાંચની જગ્યાએ જંગલી ગોધા જેવું મોં હતું. કદાચ તે નર પક્ષી હશે. હું ધીરે ધીરે લપાતો છુપાતો ગોળ મોટા ઘુમ્મટ જેવી દેખાતી ચીજ નજીક પહોંચી ગયો.

એ ઘુમ્મટ ન હતો પણ ઇંડું હતું. એ ખૂબ મોટું હતું તેથી ઘુમ્મટ જેવું લાગતું હતું. આ ઈંડું એનું જ હશેને એને અહીં આવી સેવતું હશે. એવામાં ફરી પાછું વાવાઝોડાની માફક પક્ષી ઊતરી આવ્યું. તેના પગનો એક નહોર હું લપાઈને બેઠો હતો ત્યાં આવી ગયો. એ નહોરને જોતાં મને એક તરકીબ સૂઝી. આ નહોરને વળગું તો પક્ષી ઊડે તે સાથે હું પણ એની સાથે અહીંથી છૂટું. જો હું તેમાં સફળ થાઉં તો જ અહીંથી બીજે જઈ શકું તેમ હતો અને જો તેમ ન થાય તો મારું મોત નક્કી હતું.

મેં માથેથી મારી પાઘડી કાઢી એને ઉકેલી છૂટી કરી. પછી તેનો એક છેડો પક્ષીના ઝાડના થડ જેવા પગના નહોરના ભાગ સાથે બાંધી દીધો. બીજા છેડાની આંટી મારી કેડે બાંધી દીધી. પક્ષી ઈંડા ઉપર શાંતિથી આખી રાત બેઠેલું રહ્યું. એને હું એના નહોર સાથે બંધાયો હતો એની કશી જાણ ન થઈ. મારી જિંદગીનો તે સહુથી અનોખો અનુભવ હતો. પક્ષીનાં પીંછાં ધાતુના પાતળાતાર જેવાં તીક્ષ્ણ હતાં. મેં વિચાર્યું હતું કે પક્ષી ઊડશે ત્યારે ઊડીને મનુષ્યના વસવાટવાળા પ્રદેશમાં જશે તો હું આ ટાપુ પરથી છૂટી શકીશ. ઈંડા પાસે પક્ષીએ નીચે બેસી રાત આખી વિતાવી.

સવારે સૂરજના ઊગવાની સાથે મારી ધારણા મુજબ ઊડવાની તૈયારી કરી. મારા હૃદયના ધબકારા વધી ગયા. જો પક્ષી જાણી જશે કે હું એના પગ સાથે બંધાયેલો છું તો તરત એ મને ક્યાંક પટકશે ને પછી આખો ને આખો ખાઈ જશે. મારે ઘેર કોઈને જાણ પણ નહિ થાય કે કોણે અને ક્યાં મારું મોત નિપજાવ્યું. પણ મેં મારા આવા વિચારને તરત ખંખેરી નાખ્યો ને પાઘડી છૂટી ન જાય એમ મજબૂત પકડીને પગ સાથે બંધાયેલો રહ્યો.

એક મોટા આંચકા સાથે તે પોતાના પગ પર બેસી ગયું. પછી પોતાની વિશાળ પાંખો હવામાં ફફડાવી ઊડવાની તૈયારી માટે અધ્ધર ઊંચકી. પગેથી થોડું જમીન પર દોડી ફરી એક વળગી રહ્યો. તે ઊડ્યું તેના વેગથી નીચે જમીન આંચકા સાથે તે ઊડ્યું. હું તણખલાની જેમ તેણે હવે પાંખો વીંઝીને હવામાં તરતું હોય એમ પર વાવાઝોડા માફક ધૂળની ડમરી ચડી હતી. તે એકધારી ગતિથી ઊડ્યા કર્યું.

થોડી વારમાં હું પક્ષી સાથે સડસડાટ ઊંચે આકાશમાં જઈ દરિયો ઓળંગી એક ઊંચા પહાડ પર જઈ રહ્યો હતો. નીચે નજર કરતાં ભયંકર ખીણો દેખાતી હતી. મને લાગ્યું કે થોડી વારમાં પક્ષી અહીં ઊતરશે. હું તૈયાર થઈ ગયો. મારી ધારણા પ્રમાણે પક્ષી નીચે ખીણ તરફ પહાડોની વચ્ચેની ઊંડી ખીણમાં ઊતર્યું. જેવી જમીન પાસે આવી કે તરત જ મેં મારાં બંધન છોડી નાખ્યાં ને હું દૂર જમીન પર જઈ પડ્યો. છુટકારાનો દમ ખેંચીને આજુબાજુ જોયું. ફરી એક વાર ખુદાએ મને મોતના મુખમાંથી બચાવ્યો હતો. ખુદાનો આભાર માની હું થોડો આગળ ગયો. નીચે ખીણમાં અસંખ્ય સાપ ફૂંફાડા મારતા હતા. સાપની સાથે સાથે આ ખીણની બીજી નવાઈ એ હતી કે એમાં અગણિત હીરા હતા.

એક વખત મેં હીરાની ખાણની વાત સાંભળેલી. મને થયું કે આ જ એ ખીણ હોવી જોઈએ. બપોર થતાં તો બધા સાપ પોતાનાં દરોમાં ઘૂસી ગયા હતા તેથી મેં એટલા પૂરતો નિરાંતનો શ્વાસ લીધો. પછી મેં એક ગુફા શોધી કાઢી. રાત આખી એમાં પુરાયો ને સળવળતા ને ફૂંફાડા મારતા સાપોથી બચ્યો.

બીજા દિવસે મોડેથી સૂરજ મધ્યાહ્ને આવતાં ગુફામાં સૂર્યના તેજમાં ચક ચક થતા હીરા નજરે પડ્યા. ચારે બાજુ હીરા જ હીરા જોઈ હું લલચાયો પણ પહેલો વિચાર તો એ આવ્યો કે અહીંથી કેવી રીતે બહાર નીકળવું. ચારે તરફ ઊંચી ઊંચી ભેખડો આવેલી હતી અને ક્યાંય ઉપર ચડી શકવા માર્ગ જ ન દેખાતાં મારો બધો આનંદ ઊડી ગયો. ત્યાં તો મારી બાજુમાં ટપ દઈને એક મોટો માંસનો ટુકડો પડ્યો. થોડી વારે બીજા ટુકડા ખીણમાં જુદે જુદે ઠેકાણે પડ્યા. એ ટુકડા સાથે ખીણમાંના હીરા ચોંટી ગયા.

મેં અગાઉ સાંભળેલું તે એકાએક યાદ આવ્યું કે ખાણમાંથી હીરા મેળવવા વેપારીઓ આ રીત અજમાવતા. આટલે ઊંચેથી માંસ ફેંકે એટલે એમાં કેટલાક હીરા ચોક્કસપણે ચોંટી જાય. પછી ગરુડ અને રોક પક્ષીઓ માંસથી લોભાઈ ખીણમાં ઊડી આવે. એમને માંસના ટુકડા પણ મળે ને બચ્ચાંને ખવડાવવા સાપ પણ મળે. પહાડ ઉપર રહેતાં શક્તિ શાળી ગરુડ પક્ષીઓ માંસના ટુકડા ઉપાડી લાવી ઉપરના ભાગનાં ઝાડ પરના માળામાં બચ્ચાંને ખવડાવવા જાય કે અવાજ કરી વેપારીઓ તેમને નસાડી મૂકે અને માંસમાં ચોંટેલા હીરાકાઢી લે. હવે મને બહાર નીકળવાનો ઉપાય જડી ગયો. હું હીરા પણ લઈ શકું ને અહીંથી છુટકારો પણ પામી શકું એવો એ ઉપાય હતો.

મેં લેવાય તેટલા હીરા મારા શરીર પરનાં વસ્ત્રોમાં મૂકી દીધા. પછી ઊંચેથી નીચે આવતા માંસના ટુકડામાંથી કેટલાક ભેગા કરી લીધા ને તે લઈ ખીણમાંથી ઉપરની તરફ જવા મહેનત કરવા માંડી. મને એમાં સફળતા પણ મળી ને થોડે ઊંચે એક સમતલ જગ્યાએ પહોંચી શકાયું. એ જગ્યાએ હું ઊભો રહ્યો. નીચે ખીણ હતી ને ઉપર તરફ ઊંચા પહાડ હતા. થોડાં પક્ષીઓની નજર મારા તરફ હોવાથી તે મારી આસપાસ ખોરાકની શોધમાં ઊડાઊડ કરતાં હતાં. તેમને લલચાવવા મેં માંસના થોડા ટુકડા તેમની તરફ ફેંક્યા તથા બીજા ટુકડાઓને પથ્થરો સાથે બાંધી નીચે ખીણમાં નાખવા માંડ્યા. અમરકથાઓ

ગરુડઅને બીજાં માંસભક્ષી પક્ષીઓ તે ટુકડા મેળવવા અંદર અંદર હરીફાઈ કરતાં ઊડવા માંડ્યાં હતાં. બધાં પક્ષીઓ ખીણમાં પડેલા ઘણા ટુકડાઓ પોતાના પંજામાં પકડી લાવી હું ઊભો હતો ત્યાં આવી બેસતાં હતાં. હું તેમને ડરાવી ઉડાડી મૂકતો. ડરના માર્યાં પોતાના પંજામાંથી નીચેથી લાવેલ માંસના ટુકડા છોડી જતાં. ટુકડામાં ચોંટેલ હીરા લઈ ફરી તેને ખીણમાં હું નાખતો. મારી આ તરકીબે મને ઘણા કીમતી હીરા અપાવ્યા હતા.

હીરાના મોહમાં ખીણમાંથી બહાર નિકળવાનુ હતુ તે યાદ આવ્યું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. બહાર નીકળવાનું થોડો સમય હું વીસરી ગયો આખા દિવસનો ભૂખ્યો – તરસ્યો હું ખૂબ થાકી ખીણમાં અંધારું વહેલું થઈ જતું હતું. હું ઊભો હતો તે પહાડની દીવાલોમાંથી પાણી ટપકતું હતું. તે પાણી હથેળીમાં ઝીલી લઈ તેનાથી મેં ગળું ભીનું કર્યું. અંધારું થતાં બધાં શિકારી પક્ષીઓ રાત બીજે ગાળવા માટે ખીણમાંથી દૂર ગયાં.

બીજી રાત પણ મેં ખીણના ભયાનક ઝેરી સાપ અને અજગરોના ભય વચ્ચે જ મેં શોધેલી ગુફામાં પુરાઈને પસાર કરી. રાત આખી હવે તો સૂઝેલા ઉપાયનો અમલ કરીને ભયાનક ખીણમાંથી છુટકારો મેળવીને જ રહેવા નક્કી કર્યું.

બિજા દિવસે મારી પાસે રહેલા હીરા કોથળીમાં ભરી કોથળી મેં કંડ ફરતી વીંટી લીધી. માંસના બેત્રણ મોટા ટુકડા ભેગા કરી મારા શરીર સાથે બાંધી હું લાંબો થઈ સૂઈ ગયો. થોડીક વારમાં એક મોટા ગરુડ પક્ષીએ માંસના ટુકડાના લોભે મને માંસનો ટુકડો ધારી ઊંચકી લીધો. પછી ખીણમાંથી ઊંચે ઊડી બહાર નીકળી એના માળા ઉપર ગયું. તરત હું તેના પંજામાંથી છટકી ચુપચાપ દૂર ખસી ગયો. એ પક્ષી પણ માંસના ટુકડાઓને તેનાં બચ્ચાં તરફ નાખી ફરી પાછું ખીણ તરફ ઊડી ગયું. મને એના માળામાં બીજા માંસના ટુકડા હોય અને એ ટુકડા સાથે હીરા હોય તો તે મેળવવાનો લોભ થયો. હું તે માળામાં જોવા ગયો તો હીરા ચમકતા હતા.

માળામાં ગરુડનાં ત્રણ બચ્યાં હતાં. હીરા લેવા હાથ લંબાવ્યો કે તરત નાનાં દેખાતાં એ બચ્ચાં મોટા શિકારીની માફક મને પીંખી નાખવા તૈયાર થયાં. તેમના હુમલાની પરવા ન કરતાં જીવના જોખમે હીરા લઈ હું ઝડપથી ત્યાંથી દૂર ભાગી ગયો.

થોડી વારમાં ગરુડ પાછું આવ્યું. તેના પંજામાં હીરાથી ચકચકિત માંસનો મોટો ટુકડો હતો. તે માળામાં છોડી ફરી પાછું ઊડી ગયું. પહેલાંની માફક ફરી પાછો ઝાડ પર માળામાં પડેલા બીજા હીરાઓ લઈ હું ચુપચાપ નીચે ઊતરી ગયો. થોડી વારમાં ફરી પાછું ગરુડ આવ્યું. તેના આવતાંની સાથે અચાનક ત્રણ – ચાર વેપારીઓ માળા પાસે દોડી આવ્યા. તેમણે મોટેથી અવાજો કરી ગરુડને ઉડાડી મૂક્યું. તેમની મારા તરફ નજર ગઈ. મને માળા પાસે સંતાયેલો જોઈ પ્રથમ તો તેઓ ગુસ્સે થયા. મને ચોર માની ધમકાવવા લાગ્યા ને મારી પાસેના હીરા પડાવી લેવાની તેમણે કોશિશ પણ કરી. અમરકથાઓ

તે બધાને મેં મારી વીતકકથા કહી. હું હીરાની ખીણમાંથી જીવતો પાછો આવ્યો તે વાત મેં માંડ તેમના ગળે ઉતારી. તેમને વિશ્વાસ બેસાડી થોડા હીરા ભેટ પણ આપ્યા. તેઓ ખુશ થઈ મને તેમની સાથે લઈ ગયા ને મને ભરપેટ ભોજન કરાવ્યું. હું તેમની સાથે જ જોડાયો ને થોડા વખતમાં જ તેમણે મને તેમનો મિત્ર ગણ્યો. તેઓ ત્યારબાદ મને બાજુના શહેરમાં ફરવા લઈ ગયા.

તે શહેર વેપારીઓનું મથક હતું. મારી પાસેના થોડા કીમતી હીરા મેં ત્યાંના એક મોટા વેપારીને વેચ્યા તેથી મને સારી એવી રકમ મળી. બજારમાં આગળ ફરતાં મને જાણવા મળ્યું કે બેત્રણ દિવસ પહેલાં બગદાદ તરફથી એક મોટું જહાજ આવેલું છે. તે વાત જાણી હું આનંદથી ઊછળી પડ્યો. ત્યાંથી સીધો બંદર તરફ જ દોડી ગયો. મારે બગદાદથી આવેલ વહાણના કપ્તાનને મળવું ખૂબ જરૂરી હતું.

થોડી વારમાં હું દરિયાકિનારે આવી ઊભો. ત્યાં કિનારે વહાણે લંગર નાખેલાં હતાં. ઘણા બધા મજૂરો માલ – સામાનની હેરફેર કરતા હતા. વહાણના કપ્તાનને મારી બધી હકીકત કહી. મારી પાસે બચેલ કીમતી હીરા મેં તેમને બતાવ્યા. વહાણ પર એવા કેટલાક વેપારી હતા જે એ હીરા લેવા તૈયાર પણ થયા.

કપ્તાનને મેં એક હીરો ભેટ આપ્યો ને મને વહાણમાં લેવામાં આવ્યો. થોડા દિવસોમાં હું વતન નજીક પહોંચી ગયો. મારી સાથેનો થોડો કીમતી સામાન મેં ત્યાં ઉતારી લીધો. કપ્તાનનો આભાર માન્યો. બગદાદ હજુ દૂર હતું. હું ઊતર્યો હતો ત્યાં મારા પરિચિત વેપારીઓ મળ્યા ને તેઓ મને ઘેરી વળ્યા. ઘણા મહિનાઓ પછી મને બીજા વેપારીના જહાજમાં આવેલ જોઈ તેઓને ખૂબ આશ્ચર્ય થયું. મેં તેમને મારી કપરી સફરની માંડીને વાત કરી. હું કઈ રીતે મોતના મોંમાંથી છૂટી શક્યો હતો તે વાત પણ કરી.

તેઓ મને તેમના ઘેર લઈ ગયા. તેમણે મારી ખૂબ સા૨ી પરોણાગત કરી. બગદાદ પહોંચવા માટે હજુ બે મહિનાની દરિયાઈ મુસાફરી કરવી પડે તેમ હતી. તેથી મારી પાસેના કીમતી હીરાઓમાંથી થોડા શહેરમાં વેચવા લઈ ગયો. બજા૨ ના વેપારીઓએ તે મોં – માગી કિંમત આપી મારી પાસેથી ખરીદી લીધા. સહુથી મોટો હીરો મેં સફરની યાદગીરી માટે મારી પાસે રાખ્યો. આવેલા અઢળક ધનથી ત્રણ મોટાં જહાજ ખરીદી લીધાં. તે લઈ હું બગદાદ આવવા નીકળી ગયો.

સિંદબાદ ની સાત સફર ભાગ ૧ થી 👈 અમરકથાઓ


મને પણ ઘરની યાદ ખૂબ આવતી હતી. પાછા ફરતાં જુદાં જુદાં બંદરોએ માલની લે – વેચ કરતાં કરતાં અમે બગદાદ આવી પહોંચ્યા. જહાજમાંથી ઊતરી બગદાદની જમીન પર પગ મૂકતાં મને ખૂબ આનંદ થયો. મારી સાથેના બધા સોદાગર મિત્રોને મારા મહેમાન બનાવ્યા. બગદાદ બંદરે મારા પગ મૂકતાંની સાથે આખા શહેરમાં મારા પાછા આવવાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ. મારાં કુટુંબીજનો , નગરના મોટા વેપારીઓ અને મારા સ્નેહી સંબંધી વર્ગે મળીને મારું ભવ્ય સ્વાગત કર્યું. વાજતે – ગાજતે મારો નગરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. મને જોવા શહેર આખાની વસ્તી ઊમટી હતી.

સૌથી પહેલાં હું બગદાદના નામદાર ખલીફા હારુન અલ રશીદને મળ્યો. મેં તેમને સલામ કરી. મારી સાહસભરી કહાણી સાંભળી તેમણે મને ખૂબ અભિનંદનઆપ્યાં.

ઘે૨ આવતાંની સાથે જ મારાં કુટુંબીજનોએ હર્ષનાં આંસુથી મારું સ્વાગત કર્યું. અમે એકબીજાને હોંશથી ભેટ્યાં. પરિવારનાં બાળકો મને ઘેરી વળ્યાં. તે બધાંને ઘણાં રમકડાં ને બીજી કીમતી ભેટો પણ આપી. પછી નિરાંતે તે સૌને મેં મારી સફરની વાત કરી. આમ આ સાતમી સફરથી હું જીવતો પાછો આવ્યો. સાથોસાથ ખૂબ ધન પણ કમાયેલો તેથી મેં ઘણી ખેરાત કરી , ધરમદાન કર્યું. કુટુંબીજનોના આગ્રહથી ફરી ક્યારેય સફરે નહિ જવા હું સંમત થયો. બાકીની જિંદગી મેં પરોપકાર અને દીન દુખિયાંની સેવામાં વિતાવવાનું જાહેર કર્યું.

સિંદબાદે કહ્યું, ‘ હિંદબાદ ! આ છે મારી સાત સફરો અને તે દરમ્યાન મેં વેઠેલી મુસીબતોની રોમાંચક કહાણી. ‘ભાઈ હિંદબાદ ! તું જ કહે કે આટઆટલાં પુરુષાર્થભર્યાં સાહસો પછી ઘણું દુખ વેઠેલ એવા મને આ સુખ – વૈભવ ભોગવવાનો હક્ક ખરો કે નહિ ? ‘

હિંદબાદે કહ્યું , ‘ માલિક ! મને માફ કરો. તમે ખૂબ હાડમારી ને જોખમ ખેડ્યા પછી જ આ અઢળક સાહ્યબી મેળવવા સફળ થયા છો. એનાથી હું અજાણ હતો. હવે આપને માટે અગાઉ મેં કહ્યાં હતાં તેવાં વેણ ક્યારેય નહિ બોલું. તમે મને માફ કરી દો. પરવરદિગાર ખુદા તમને સુખી રાખે અને લાંબું આયુષ્ય ભોગવી અમને આપ જેવા દ્વારા સાહસથી જ સંપત્તિ મેળવવાની પ્રેરણા આપે એજ છે મારી દિલનીનમ્ર અરજ. ’

સિંદબાદે આ વેળા એક હજાર સોનામહોરો આપી હિંદબાદને રાજી કર્યો ને કહ્યું, ‘ ખુદા તને પણ મારી જેમ સુખ સંપત્તિ આપી તારા જીવનને સંતોષથી ભરી દે. ’

હિંદબાદ સિંદબાદને સલામ કરી ખૂબ આભાર માની પોતાના કામે રવાના થયો. સફરની કહાણી તો પૂરી થઈ હતી પણ અહીં બેઠેલાં બાળકોને કશુંક કહેવું બાકી હતું. સિંદબાદે તે પામી જઈને તેમને પૂછ્યું, ‘ તમારે શું કહેવાનું બાકી છે ?

બાળકો બોલ્યાં, ‘ અમારે પેલો હીરો ફરી જોવો છે જે તમે અજગર અને સાપના સમૂહથી બચીને ખીણમાંથી જાનના જોખમે લાવ્યા છો.

બાળકોની માગણી સ્વીકારતાં તરત સિંદબાદે હીરો રજૂ કર્યો ને દરેક બાળકે એને અડકી અડકીને આનંદ માણ્યો. હીરાના પ્રકાશથી બેઠકખંડ ઝગમગી ઊઠ્યો. ફરી હીરો સંભાળીને પાછો પેટીમાં મૂકતાં સિંદબાદે કહ્યું, ‘ મારાં વહાલાં બાળકો, તમે પણ જિંદગીમાં સાહસો કરી ખૂબ સફરો માણજો. ‘સાહસ ત્યાં સિદ્ધિ એસૂત્ર ન વીસરશો. ’

પછી સિંદબાદે એમને નાની મોટી ભેટો આપી ખુશ કર્યાં. સિંદબાદે બગદાદમાં એક અલગ સંગ્રહસ્થાન બનાવરાવ્યું ને એમાં પોતાની સફરો દરમ્યાન મેળવેલ કીમતી વસ્તુઓ તથા કલા કારીગીરીના નમૂના પ્રદર્શન અર્થે મૂક્યા. વિશેષમાં છેલ્લી સફર દરમ્યાન ખરીદેલાં વહાણોમાંથી એકને પસંદ કરી હવેલીના ચોકમાં યાદગીરી માટે ખાસ મુકાવ્યું. સાતે સફરોના નકશા પણ સાથે જ મુકાવ્યા. અમરકથાઓ

વિક્રમ વૈતાળની વાર્તા ભાગ 1 થી 👈 click

ટાઇપીંગ અને સંકલન – અમરકથાઓ ☝ આપ અહીથી share કરી શકશો. copy કરવી ગેરકાયદેસર છે.

Sindbad Ni Safar
સિંદબાદ ની સફર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *