Skip to content

અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ નવલકથા – હરકિસન મહેતા

પીળા રૂમાલની ગાંઠ
11821 Views

હરકિસન મહેતા દ્વારા લખાયેલ પીળા રૂમાલની ગાંઠ નવલકથા ત્રણ ભાગમા વહેચાયેલી છે, પીળા રૂમાલની ગાંઠ પુસ્તક પરિચય, હરકિસન મહેતાના પુસ્તકો pdf,

જગ્ગા ડાકુના વેરનાં વળામણાં, અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, ચંબલ તારો અંજાપો, માણસ નામે ગુનેગાર, સંસારી સાધુ, ભેદ-ભરમ, દેવ-દાનવ, અંત-આરંભ, પાપ-પશ્ચાતાપ, જોગ-સંજોગ, જડ-ચેતન, સંભવ-અસંભવ, તરસ્યો સંગમ, પ્રવાહ પલટાયો, મુક્તિ બંધન, શેષ-વિશેષ, વંશ-વારસ, ભાગ્ય સૌભાગ્ય, લય-પ્રલયનો સમાવેશ થાય છે.

પીળા રૂમાલની ગાંઠ નવલકથા

મિત્રો જો આપ પુરી પોસ્ટ વાંચવાને બદલે વિડીયો સ્વરુપે જોવા ઇચ્છતા હોય તો અહી 👇 થી જોઇ શકશો.

પીળા રૂમાલની ગાંઠ રીવ્યુ વિડીયો

જો તમે ગુજરાતી વાંચનમાં રસ ધરાવતા હોવ અને તમે હજુ પીળા રૂમાલની ગાંઠ નથી વાંચી તો એ તમારી કમનસીબી જ છે. ગુજરાતી સાહિત્યમાં જ્યાં ક્લાસિક કૃતિઓની ઉણપ વર્તાય છે ત્યારે પીળા રૂમાલની ગાંઠ મારા મતે નવલકથા વિભાગમાં અમર, સદાબહાર સાહિત્ય કૃતિ છે.

ઠગ લોકો ભવાની માંના ભક્ત હતા અને એ એવું માનતા કે માતાજીની ઈચ્છાથી જ તેઓ આ ઘાતકી કામ કરે છે. આ લોકોમાં હિન્દુ અને મુસલમાન દરેકનો સમાવેશ થતો. અંધશ્રદ્ધામા જીવતા આ ઠગલોકો વર્ષે દહાડે ત્રીસ થી ચાલીસ હજાર લોકોનો ભોગ લેતા. ઠગ લોકો પોતાના કામમાં એટલા ઉસ્તાદ હતા કે એમના આ ઘાતકીપણાની ગંધ પણ કોઈને આવતી નહોતી.

ઇ.સ. 1968માં ત્રણ ભાગ અને 102 પ્રકરણમાં લખાયેલી ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ આજે પાંચ દાયકા બાદ પણ આટલી લોકપ્રિય છે તેની નવાઈ નથી લાગતી? તેના મહત્વનાં કારણ બેઃ પહેલું કારણ એ વિષયવસ્તુ, બીજું કારણ તેની રજૂઆત.

કર્નલ ફિલિપ મેડોઝ ટેલર રચિત ‘કન્ફેશન્સ ઑફ ઠગ’ પુસ્તક આવ્યું અને તેના પરથી આ નવલકથા તેમણે લખી છે તે વાતનો સ્વીકાર તેમણે પ્રસ્તાવનામાં જ કર્યો છે. પ્રસ્તાવનામાં તેઓ એમ પણ કહે છે કે તેમનો આ નવલકથા લખવાનો પ્રયાસ “એ માત્ર જીવનકથા કે ઇતિહાસકથા નહીં હોય. સત્યઘટનાને આધારે કલ્પનાના રંગે રંગાયેલી નવલકથા લખવાનો પ્રયાસ છે.”

નવલકથાની વાત કરીએ તો નવલકથાની શરૂઆત થાય છે ઈસ્માઈલ નામક ઠગ જમાદારથી.(જમાદાર મતલબ ઠગ લોકોની ટોળીનો સરદાર.) પોતાની અસલી ઓળખ છુપાવી શિકાર કરવા જતો ઈસ્માઈલ પોતાની પત્નીની શેર માટીની ખોટ પુરી કરવા પોતાના હાથે મોતને ભેટેલા એક પઠાણ દંપતિનો દીકરો ઘરે લઈ આવે છે. સ્મૃતિ ગુમાવી બેસેલા એ બાળકનું નામ હોય છે અમીર. પોતે જ એનો બાપ છે એવું અમીરના મનમાં ઠાંસીને ઈસ્માઈલ સગા પુત્રની જેમ એનો ઉછેર કરે છે.

અમીરઅલીના વિવશ બાળપણનું આલેખન આપણાં મનમાં તેના માટે સહાનુભૂતિ જન્માવે કરે છે. સેનાપતિ બનવાની તેની ઘેલછા તથા ગુલુ અને હાથી વાળો પ્રસંગ આપણાં મનમાં તેની બહાદુરી અંકિત કરી જાય છે. ઠગની દીક્ષા લેવાની આગલી રાત્રે તેણે અનુભવેલું મનોમંથન કારકિર્દીની પસંદગીમાં મૂંઝાતા યુવાન જેવું જ છે. તે પહેલો શિકાર કરે છે ત્યાં સુધી તેનામાં આ ધંધાથી દૂર ભાગવાની ભાવના હોય છે માટે અહીં સુધી અમીરઅલીનું પાત્ર વાચકોની સહાનુભૂતિને પાત્ર છે.

પણ એકવાર ઠગ બન્યા બાદ લેખક માટે કપરા ચઢાણ શરૂ થાય છે. સદનસીબે પોતાની પહેલી જ સફરમાં અમીરઅલી અદ્ભુત પરાક્રમો દાખવે છે અને બે સ્ત્રીઓનો પ્રેમ પણ પ્રાપ્ત કરે છે. માટે તેની બહાદુરી અને શૃંગારિકતામાં તેના ઘાતકીપણાની અસર ભૂંસાઈ જાય છે અને વાચકો તેને નાયક તરીકે સ્વીકારી શકે છે. અફલા અને બદ્રીનાથના પાત્રો થકી તે એક વફાદાર મિત્ર તરીકે રજૂ થતો હોઈ વાચકોનો વિશ્વાસ પણ મેળવે છે. પિતા અને પુત્રનું મૃત્યું તેને ફરી એક વાર સહાનુભૂતિને પાત્ર બનાવી દે છે. આ વખતે તે સહાનુભૂતિમાં કરૂણાની છાયા પણ હોય છે.

જીવનના દરેક પડાવે તે મનોમંથન અનુભવતો રહે છે. જ્યારે-જ્યારે તે ઠગના વ્યવસાયથી દૂર જવાનો પ્રયત્ન કરે છે ત્યારે-ત્યારે તેના જીવનમાં એવું કંઈક બની જાય છે કે તે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ઝોલા ખાતો-ખાતો પાછો ઠગના વ્યવસાય તરફ ધકેલાય છે. જ્યારે તે ચિતુ પિંઢારાના લશ્કરમાં જોડાય છે ત્યારે વાચકો માની લે છે કે હવે અમીરઅલી ઠગ મટી ગયો. પણ ગફુરખાનની અસહ્ય ક્રૂરતા અને અમીરઅલીનું ઋજુ હ્રદય તેને ફરી એક વાર ઠગ બનાવી દે છે.

આ સમયે આપણને, એટલે કે વાચકોને, એમ થાય છે કે ખરેખર અમીરઅલી કરતા પણ મોટો ઠગ છે તેનું નસીબ જે તેને બાળપણથી જ ઠગતું આવ્યું છે. દરેક પગલે તેને સફળતા અપાવી એમ અહેસાસ કરાવે છે કે નસીબ તેની સાથે જ છે પણ હકીકતમાં તે અમીરની ઇચ્છાઓથી વિપરીત દિશામાં જ જતું હોય છે. તેની મૈત્રી માટે અફલો જ્યારે પોતે પણ ઠગ બનવા તૈયાર થાય છે ત્યારે અમીર ફરી વાચકોનો વિશ્વાસ અને પ્રેમ મેળવી લે છે. પણ જ્યારે એજ અફલો અમીરની ક્રૂરતાથી રિસાઈને જતો રહે છે અને પુત્ર પામવાની ઘેલછામાં અમીર પોતાના હાથે જ પોતાની બહેનનું ગળું ભીંસી નાખે છે ત્યારે એ પાછો અપ્રિય થઈ જાય છે. અને અમીરઅલી પકડાઈ જાય છે.

જેલમાંથી મળેલા અણધાર્યા છૂટકારા બાદ ફરી એક વાર અમીરઅલી કથાનો અને વાચકોનો નાયક બનતો જાય છે. એ વખતે અમીર અને સ્લીમન વચ્ચેની ઉંદર-બિલાડીની રમત પણ વાચકનો રસ જાળવી રાખે છે. સ્લીમનના હાથમાં ઝડપાઈ ગયા બાદ જ્યારે અમીર ખરેખર પોતાની હકીકત જાણે છે

આ કથાનાં મહત્વનાં પાત્રોમાં માત્ર સ્લીમનનું પાત્ર જ એક માત્ર એવું પાત્ર છે કે જેનાં પ્રત્યે વાચકોને હંમેશા આદર અને પ્રેમ જળવાઈ રહે છે.

નવલકથામાં સ્ત્રી પાત્રો છે તો ઘણાં પણ શિરિન, રોશન અને અઝીમાને બાદ કરતા બધા જ થોડાક સમય પૂરતા જ આવે છે, અને લગભગ બધાનો અંત કરૂણ જ છે. છતાં તેઓ પોતાની છાપ છોડીને જાય છે. અમીરની બાળપણની પ્રેયસી ગુલુ કે જોહરાની સાવકી મા કે સબ્ઝીખાનની બાંદી કરીમા કથાપ્રવાહમાં આવે છે માત્ર થોડાક સમય માટે જ પણ પોતાની લાક્ષણિકતાઓ બખૂબી દર્શાવી જાય છે.

કથાના અંતભાગમાં પસ્તાવાની આગમાં જલતો અમીર એક સમયે એમ પણ વિચારે છે કે તે પોતાના જીવનમાં આવેલી બે માતાઓથી લઇને પોતાની પુત્રી સુધીની કોઇ પણ સ્ત્રીને તે ન્યાય કરી શક્યો નથી ત્યારે આપણે તેની સાથે સહમત થવું પડે છે.

અમીરના પિતા ઈસ્માઈલમિયાની હાજરીમાં બંધાયેલ પીળા રૂમાલની ગાંઠ જ્યારે અમીરની પુત્રી માસૂમાની હાજરીમાં ખૂલે છે ત્યારે વાચકો એક ઊંડો ઉચ્છવાસ જરૂર છોડે છેઃ એ કથા પૂરી થયાનો રાજીપો છે કે અમીરની વિદાયનો નિસાસો, એ તમે જ આ નવલકથા વાંચીને નક્કી કરજો.

પુસ્તક:– અમીર અલી ઠગની પીળા રૂમાલની ગાંઠ.

લેખક:- હરકિશન મહેતા

આ ઠગ લોકોને મધ્યસ્થાને રાખીને હરકિશન મહેતાએ એક એવી કાલ્પનિક દુનિયા રચી છે જેમાં તમે ખોવાઈ જશો. બસો વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા ઠગ લોકોની રહેણી-કરણી, શિકાર ફસાવવાનો કુનેહ, શિકાર કરવાની ઢબ, શિકાર પહેલા શુકન જોવાની રીત દરેક વસ્તુનું ચિવટભર્યું વર્ણન વાંચીને તમને એકવાર તો એવું જ થશે કે મહેતા સાહેબ નક્કી ઠગ લોકોને મળ્યા હશે.

ત્રણ ભાગમાં લખાઈ હોવા છતાં ક્યારેય બોરિયતનો અનુભવ ના કરાવતી આ રચનાનું દરેક પાત્ર વાંચતી વખતે નજરો સમક્ષ ઉભરી આવ્યું હોય એવું લાગે છે. અમીરઅલી, ગુલબદન, અફલો, અઝીમા, ઈસ્માઈલ, ગણેશા, બદ્રી, રૂપસિંહ, રામુ, જોહરા, ચિતુ પિંઢારા, સ્લિમન નામક અંગ્રેજ અફસર દરેક પાત્રનું વર્ણન એટલું સચોટ કે તમે નવલકથા વાંચતી વખતે એમની મુખાકૃતિને નજરો સમક્ષ નિહાળી શકો.

ઠગ લોકોની સાથે તમને એ સમયના ભારતના ભૂગોળને પણ જાણવા અને સમજવા મળશે. એ સમયે માથું ઊંચકેલા પીંઢારા લોકો અંગે પણ નવલકથામાં સારી રીતે સમજવાયું છે. સતીપ્રથાની પણ આછેરી ઝલક એક પ્રકરણમાં વાંચવા મળે છે. અમર કથાઓ

એકવાર વાંચવાથી મન ના ભરાય એવી આંગળીના વેઢે ગણાય એવી રચનાઓ ગુજરાતી સાહિત્યમાં છે, જેમાં મારા મતે અમીરરલીઠગની પીળા રૂમાલની ગાંઠ ઉચ્ચત્તમ શિખર પર બિરાજમાન છે એવું હું બેજીજક કહી શકું છું.

હરકિસન મહેતાની નવલકથાઓ – Harkisan maheta ni novels

હરકિસન મહેતાની નવલકથાઓ
હરકિસન મહેતાની નવલકથાઓ

જગ્ગા ડાકુના વેરનાં વળામણાં, 
અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, 
ચંબલ તારો અંજાપો, 
માણસ નામે ગુનેગાર, 
સંસારી સાધુ, 
ભેદ-ભરમ, 
દેવ-દાનવ, 
અંત-આરંભ, 
પાપ-પશ્ચાતાપ, 
જોગ-સંજોગ, 
જડ-ચેતન,
સંભવ-અસંભવ, 
તરસ્યો સંગમ, 
પ્રવાહ પલટાયો, 
મુક્તિ બંધન, 
શેષ-વિશેષ, 
વંશ-વારસ, 
ભાગ્ય સૌભાગ્ય, 
લય-પ્રલયનો સમાવેશ થાય છે.

તેમણે વજુ કોટકની અધૂરી રહેલી નવલકથા ડોક્ટર રોશનલાલ પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો 👇

📚 માનવીની ભવાઈ ભાગ 1 – પન્નાલાલ પટેલ

📚 માનવીની ભવાઈ ભાગ 2 – ભૂખી ભુતાવળ

📚 દરિયાલાલ નવલકથા – ગુણવંતરાય આચાર્ય

📚 પ્રાયશ્ચિત – નવલકથા ભાગ 1 થી

📚 અઘોર નગારા વાગે ભાગ 1 – અદ્ભુત સંતોનાં દર્શન

📚 અઘોર નગારા વાગે book – અઘોરી કાપાલિકની જાળમાં

📚 અઘોર નગારા વાગે 2 – યોનિપૂજા

3 thoughts on “અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ નવલકથા – હરકિસન મહેતા”

  1. Pingback: લાછી છીપણ - યાદગાર જુની વાર્તાઓ - AMARKATHAO

  2. Pingback: 100+ Best Gujarati Varta pdf | શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *