Skip to content

અઘોર નગારા વાગે ભાગ – 2 યોનિપૂજા

અઘોર નગારા વાગે ભાગ 2
10043 Views

મિત્રો અગાઉ આપણે અઘોર નગારા વાગે ભાગ-1 માં જોયુ કે કઇ રીતે ક્રિશ અને લેખક અઘોરીની ચુંગાલમાં ફસાય જાય છે. અને અઘોરી પોતાની સાધના માટે ક્રિસની યોનિપૂજા કરીને પછી તેની બલિ આપવાની તૈયારી કરે છે… હવે વાંચો આગળ..

જો આગળનો ભાગ ન વાંચ્યો હોય તો પહેલા એ વાંચો 👇 અહીથી

અઘોર નગારા વાગે (ભાગ -1) અમેરીકન યુવતી અઘોરીની જાળમા

🍁 યોનિપૂજા – અઘોર નગારા વાગે

એક જ શ્વાસે તે બધું લોહી પી ગયો. જ્યારે તેણે ખપ્પર મોઢાથી દૂર ખસેડ્યું ત્યારે લોહીથી ખરડાયેલી તેની દાઢી – મૂછવાળો ચહેરો હિંસક પશુ જેવો ભયંકર દેખાતો હતો.
તેની આ ક્રિયાથી મારાં ગાત્રો શિથિલ થઈ ગયાં હતાં.
ક્રિસ શૂન્યપણે ભાવહીનપણાથી આ બધું જોઈ રહી હતી.

બાવાએ ક્રિસને કપડાં ઉતારીને સામે સ્થાપેલ રેશમી આસન ઉપર બેસવા આદેશ આપ્યો. ક્રિસ પૂતળાની માફક ઊભી થઈ. તેણે શરીર પરથી વસ્ત્રો દૂર કરી દર્શાવેલ આસન ઉપર બેઠક લીધી. તે ટટ્ટાર બેઠી હતી. બાવાએ ક્રિસ પાસે આવી તેના વાળ ક્લિપમાંથી ખોલીને છુટ્ટા કરી નાખ્યા. પોતાના આસન ઉપર બેસતાં પહેલાં તેણે પોતાની ભેટ લંગોટી ખોલીને દિગંબર થઈને બેઠક જમાવી.

આ સમયે મારા મનમાં અસંખ્ય શંકાઓ , વિચારો ઝડપથી પસાર થઈ રહ્યા હતા. મારે શું કરવું તે નિર્ણય લેવા હું મથી રહ્યો હતો. એક વાત તો નિશ્ચિત હતી જ કે આજની રાત એ છેલ્લી રાત છે. પછી કાયરની જેમ શા માટે મરવું ? દૃઢ નિર્ણય થતાં જ જાણે ભય , ચિંતા એકદમ દૂર થઈ ગયાં. ભય અને ચિંતાના સ્થાને ક્રોધ અને યોજના આવી ગઈ. બાવા અને મારી વચ્ચે કેટલું અંતર છે ? કયારે ઘા કરવો ? કયાં કરવો ? કેટલી ઝડપ અને શક્તિથી કરવો ? આ બધું વિચારી રહ્યો હતો. મારી બાજુમાં પડેલ તબલને ” ખરા મોકા ઉપર દગો નહી ” આપે એવી દૃષ્ટિથી ચકાસી લીધો.

આ બાજુ બાવો એની વિધિમાં પૂર્ણ રીતે મશગૂલ થઈને તૈયારી કરી રહ્યો હતો. ધૂણીમાં લાકડાં વ્યવસ્થિત કરી વધુ અગ્નિજવાળા જાગ્રત કરી રહ્યો હતો. અગ્નિની જવાળામાં સમગ્ર ગુફા , તેમાં પડેલ વસ્તુઓ , અઘોરી બધું જ ભય જનક દેખાઈ રહ્યું હતું. બાવાએ એક કૂંડામાંથી અડદના દાણા લઈને મૂઠીમાં બંધ કર્યા. કાંઈક મંત્રો ભણી મૂકીને ફૂંક મારી અને ખોલી નાખી. મંત્રેલા અડદના દાણા મૂઠી ખોલતાંની સાથે જ માખી ઊડી જાય તેમ ઊડીને ગુફાની બહાર ચાલ્યા ગયા.

ત્યાર બાદ તેણે ગંભીરતાથી ક્રિયાઓ શરૂ કરી. ક્રિસને ચાંદલો કરી પીળાં કરેણનાં ફૂલોની માળા પહેરાવી. જુદાં જુદાં દ્રવ્યો ધૂણીમાં હોમતો જતો હતો અને ક્રિસની સામે સ્થિર નજરે જોઈને પૂજન કરી રહ્યો હતો. ઘણી વાર સુધી આ વિધિ ચાલુ રહી. આશરે કલાક પછી તેણે જુદાં દ્રવ્યોથી યોનિપૂજનવિધિ શરૂ કરી. એ વિધિ પૂર્ણ થયે તેણે થેલામાંથી એક દારૂની બાટલી કાઢીને ખોલી.
એમાંથી અમુક દારૂ ખોપરીમાં કાઢી બન્ને હાથ વડે ખોપરી પકડીને તે દારૂની આહુતિ ધૂણીમાં આપી રહ્યો હતો.
તે આહુતિ આપવાથી ધૂણીની જવાળા એકદમ પ્રજવલિત થઈને ઊંચે સુધી ગઈ અને ક્રિસનું શરીર ધ્રૂજવા લાગ્યું. #અમર_કથાઓ

મેં અગાઉ જોયેલા બકરાંની ક્રિયામાં આ છેલ્લું દ્રશ્ય હતું. મેં વિચાર્યું : હમણાં ક્રિસની ગરદન ઉપર ખડ્ગનો ઘા થશે. અને માથું ધૂણીમાં જઈ પડશે. હવે વિચાર કરવાનો સમય નથી , નહીં તો મોડું થઈ જશે. બાવો સ્થિર નજરે ક્રિસની આંખોમાં જોઈ રહ્યો હતો. મેં તરત નીચે વળીને તબલ ઉપાડી લીધો.
આગળ વધીને ઘા કરવાની તૈયારી કરું છું ત્યાં ક્રિસે બન્ને હાથ પહોળા કરી ભયંકર અટ્ટહાસ્ય કર્યું. જે સાંભળીને હું ધ્રૂજી ઊઠ્યો.

અઘોરી બાવો તરત માથું નમાવીને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. ક્રિસની આંખો જાણે અંગારા વરસાવી રહી હોય તેવી જણાતી હતી. બાવો ઊભો થયો. તેણે ક્રિસને ફરતે ત્રણ પ્રદક્ષિણા કરી. ફરી તે આસન ઉપર આવીને બેઠો. ક્રિસનું મોઢું લાલ અને તેજસ્વી જણાતું હતું.

બાવાએ મારી તરફ તેની પીંગળી આંખો દ્વારા એક વેધક દ્રષ્ટિ કરી. હું ક્ષણવાર ખળભળી ઊઠ્યો. તેણે મને મોટા ઉગ્ર અવાજથી કહ્યું. ” બહાર જા , મારે વચન લેવાં છે. ”

મેં નક્કી કરી લીધું કે હવે ‘ છેલ્લો ખેલ ખેલી લઉં ‘. મેં તેને તુચ્છ સમજીને જવાબ આપ્યો : “ તારો સમય પૂરો થઈ ગયો છે , સાવધાન થા. ” આટલું કહેતાંની સાથે જ મારા ક્રોધે અને ધીરજે મર્યાદાઓ છોડી દીધી.
મેં આગળ વધીને તબલનો પૂરી તાકાતથી ઘા કર્યો. તેને કલ્પના પણ નહી કરી હોય કે આ રીતે મારા તરફથી વર્તન થશે. તેથી તે માનસિક રીતે તૈયાર ન હતો. છતાં પ્રતિકાર કરવા માટે તેણે ઝડપથી ખડ્ગ ઉપાડી લીધું. પણ તે પહેલા મારો ઘા તેના ઉપર બેસી ગયો હતો. તેનો જમણો ખભો ચિરાઈ ગયો. તેની જરાય પરવા ન કરતાં તે મારા તરફ ખુન્નસ ભરેલી આંખોથી જોતો આગળ વધ્યો ..

હુ સ્વબચાવ માટે બીજો ઘા કરવા માટે તૈયાર જ હતો.
પણ ત્યાં જ ગુફાની બહાર ભયાનક જબરજસ્ત અવાજ થયો અને સાથોસાથ એક પ્રચંડ અટ્ટહાસનો ઘોર અવાજ સંભળાયો , જે સાંભળી મારું સમગ્ર અસ્તિત્વ ભયથી ધ્રુજી ઊઠ્યુ. અને ઘા કરવાની વાત તો બાજુ પર રહી. પણ ઊભા રહેવાની પણ શક્તિ ન ૨હી.

એ અવાજ અને અટ્ટહાસ્ય થતાં જ ક્રિસ બેહોશ થઈને ઢળી પડી આ જોઈને બાવો ગાંડાની માફક ગુફાની બહાર દોડી ગયો. પણ ક્ષણવારમાં શું બની ગયું તે હું સમજી શકયો નહીં , મેં ક્રિસ તરફ જોયું તે અચેતન પડી હતી ..

ધૂણીની પાસે જ હોવાથી મેં તેને ઊંચકીને દૂર સુવડાવી તેના ઉપર રીંછનું ચામડું ઓઢાડ્યુ. તેનું શરીર ઠંડું થઈ ગયું હતું. હું પણ ભયથી ઠંડો થઈ ગયો હતો. કાંઈ સૂઝતું ન હતું. હવે બાવો કોઈ પણ રીતે મારી નાખશે તેમાં કાંઈ શંકા નથી. માટે હિંમતપૂર્વક સામનો કરી લેવાનો છેલ્લો નિર્ણય મેં કરી લીધો.

બાવાને ગયાને એકાદ મિનિટ થઈ હશે કે ઝૂંપડી બહાર જરા દૂરથી એક કારમો ચિત્કાર સંભળાયો. મારાથી સમજી શકાયું નહીં કે આ આટલો હદયદ્રાવક અવાજ શાનો હોઈ શકે ? છેવટે શંકાકુશંકાથી મન ઘેરાઈ વળ્યું અને વિચાર્યું કે બાવો હવે જે છેલ્લી રચના કરી રહ્યો છે તેમાં બચાવ કરવાની કોઈ જગ્યા જ નહીં હોય ,

મનોમન ઇષ્ટદેવ હનુમાનજીનું સ્મરણ કર્યું. સાથે વિનંતી કરી : ” હે નાથ ! તમે પળવારમાં બધું કરવા સમર્થ છો. મારી રક્ષા કરો. ” એક વાત અહીં કબૂલ કરી લઉં કે તે સમયે જે ઈશ્વરને હદયપૂર્વક યાદ કર્યા હતા તે રીતે અગાઉ કે ત્યાર પછી કયારેય યાદ નથી કર્યા.
પણ ઈશ્વર પ્રત્યે દૃઢ વિશ્વાસ અને પ્રેમ સ્થાપિત થયો એ હકીકત છે. અમરકથાઓ

આ પ્રમાણે સ્મરણ કરતાં કરતાં સમય પસાર થતો રહ્યો. ઘડિયાળમાં જોતાં જણાયું કે લગભગ ત્રણનો સમય થઈ ગયો છે. આ તરફ ક્રિસ એમ ને એમ જ પડી હતી. તેની ચિંતા થવા લાગી. મેં ધૂણીમાં બે – ત્રણ લાકડાં મૂકી અગ્નિને સતેજ કર્યો. ધૂણીમાં હજી પણ બકરાંનું માથું સળગીને છેલ્લા અવશેષરૂપે બાકી રહ્યું હતું. મેં ક્રિસને સ્પર્શ કર્યો , તેના શરીરમાં ગરમી જણાતી હતી. મેં તેને જગાડવા પ્રયત્ન કર્યો. થોડા જ પ્રયત્ને તે જાગી ગઈ.

જાગતાંની સાથે જ તે આજુબાજુ તેમ જ મને ગાંડાની માફક વ્યાકુળ થઈને જોવા લાગી. મને પણ તેનું વર્તન વિચિત્ર અને ભયજનક જણાયું.

મેં શાંતિથી તેને પૂછ્યું : ” ક્રિસ તને શું થાય છે ? તારી તબિયત કેમ છે ? ” તેણે પોતાના શરીર તરફ દૃષ્ટિ કરી.
તે એકદમ સંકોચાઈ ગઈ. મેં તરત તેને તેનાં કપડાં આપ્યાં અને બીજી તરફ મોઢું ફેરવી લીધું. તેણીએ કપડાં પહેરી લીધાં. તેનામાં થયેલા પરિવર્તનથી મને આનંદ થયો.
પણ એકાએક પસાર થતા જુદા જુદા પ્રસંગોથી હું ખૂબ જ ગૂંગળાઈ ગયો હતો. ક્રિસ મારી પાસે આવીને બેઠી. મારી સામે સ્થિર નજરે જોઈ રહી. હું તેની સ્વસ્થતા અંગે વિચારી રહ્યો.

તેણીએ પૂછ્યું : ” આ આપણે કયાં આવ્યા છીએ ? કોની પાસે આવ્યા છીએ ? અહીં શું કામ છે ? ” આ બધા પ્રશ્નો સાંભળી મને ખૂબ આનંદ થયો પણ આમ થવાનું કારણ સમજાતું ન હતું. મેં ક્રિસને બધું યાદ કરવા કહ્યું. પણ તેને કંઈ યાદ આવતું ન હતું. ફક્ત તેણે દીનાનાથજીને ત્યાંથી નીકળ્યાં અને બીજા કોઈ સાધુએ તેને ચલમ આપી એટલું જ યાદ આવતું હતું.

મેં ટૂંકમાં તેને બધી વાત કહી સંભળાવી. તે ખૂબ જ ભયભીત થઈ ગઈ. મેં તેને આશ્વાસન આપીને બિલકુલ નહીં ડરવાનું જણાવ્યું. તેણે અસંખ્ય પ્રશ્નોની ઝડી વરસાવી. મેં ટૂંકમાં તેના મનનું સમાધાન કરતાં જણાવ્યું કે હજુ આપણે ભયમુક્ત નથી માટે સાવચેત રહેવું જરૂરી છે. આ પ્રમાણે અમારી વાતોમાં સમય પસાર થતાં આશરે પાંચ વાગ્યે એકાએક જાણે કાંઈ સુગંધિત દ્રવ્યોનો હવન થયો હોય તેવી સુવાસ આખા વાતાવરણમાં ફેલાઈ ગઈ. મને સમજાયું નહીં આ શા કારણે બન્યું પણ મન એકદમ નિર્ભય બની ગયું એટલું સ્પષ્ટપણે અનુભવ્યું. મનોમન એવો પણ સંકલ્પ થયો કે ઈશ્વરે પ્રાર્થના સાંભળીને અહીં થી છુટકારાનો માર્ગ તૈયાર કરી દીધો હોવો જોઈએ

આ પ્રમાણે વિચારોમાં તથા વાતોમાં સવાર થવાનાં ચિહ્નો શરૂ થયાં. પવનની સુગંધ ઉષાનો આછો પ્રકાશ ધીમે ધીમે વધુ પ્રકાશિત થઈ રહ્યો હતો. નવું જીવન મળ્યું છે એમ લાગતું હતું. સારા પ્રમાણમાં અજવાળું થતાં હું અને ક્રિસ બહાર નીકળ્યાં. બહાર કાંઈ જોખમ હોય તો ? – એવી શંકાથી તબલ પણ સાથે લીધો. સાવચેતીપૂર્વક ચારે તરફ નજર કરી , બધું જ શાંત અને યથાવતું જણાતું હતું.
ક્રિસ પણ વિસ્મયભાવથી બધું જોઈ રહી હતી. તેના ચહેરાના ભાવો હું વારંવાર જોઈને તેના પરિવર્તનનું કારણ શોધવા મથી રહ્યો હતો.

હું અને ક્રિસ ઝરણા પાસે જઈ હાથ – મોં ધોઈ થોડું પાણી પીને ત્યાં જ એક શિલા ઉપર બેઠાં. આકાશ સ્વચ્છ હતું. સૂર્યનારાયણ આકાશમાં પોતાની યથાવત્ ગતિ પ્રમાણે જઈ રહ્યા હતા. ક્રિસ બાથરૂમ જવા માટે મારી પાસેથી ઊઠીને થોડે દૂર ગઈ પણ ચીસ પાડીને તે દોડતી પાછી આવી . તે ખૂબ ગભરાઈ ગયેલી જણાતી હતી.

હું ત્વરાથી ઊભો થઈ ગયો. મેં પૂછ્યું : “ શું છે ? “

તે કાંઈ બોલી નહીં. જે દિશામાં તે ગઈ હતી તે તરફ આંગળી ચીંધીને મારા બન્ને હાથ પકડી પાછળ સંતાઈ ગઈ. હું ઘડીભર વિચારમાં પડ્યો. શું હશે ?
પછી સંભાળપૂર્વક તે દિશામાં આગળ વધ્યો. ત્યાં જોયું તો હું સ્તબ્ધ બની ગયો.

એક પીલુડીના વૃક્ષ નીચે અઘોરીનો મૃતદેહ વિકૃત રીતે ચૂંથાયેલો પડ્યો હતો.
તેનો જમણો પગ જાંઘથી તૂટી જઈને પીલુડીના ઝાડ પર ટિંગાતો હતો. એ જ રીતે આંતરડાંઓ પણ ટિંગાતાં હતાં. પેટનો ભાગ અને છાતીનો ભાગ ખાલી ખોખા પ્રમાણે પીંજરા જેવો પડ્યો હતો. ગરદન મરડી , ખેંચીને લાંબી કરી નાખી હોય તેમ જણાતું હતું. આંખોની જગ્યાએ ઊંડા ખાડા દેખાતા હતા. ચારે તરફ સુકાઈ ગયેલા લોહીના ડાઘા પડેલા જણાતા હતા.

ક્રિસનો હાથ પકડી પાછાં ડગલાં ભરતો હું તરત ઝૂંપડી પાસે આવ્યો. એકદમ ઝડપથી અંદર જઈ બૂટ , કપડાં બધું વ્યવસ્થિત પહેરી , બન્ને આ યાતનાગારમાંથી ભાગી છૂટવા તૈયાર થઈને બહાર આવ્યાં. બહાર મૂકેલો તબલ હાથમાં લઈ ઝડપથી બન્ને ચાલી નીકળ્યાં.

પેલી બાંધેલી હદ આવી એટલે ક્ષણ વાર હું રોકાયો. પછી પગ મૂકીને ખાતરી કરી જોઈ , પણ કાંઈ તકલીફ નહીં થવાથી ઉત્સાહ એકદમ વધી ગયો. સાવચેતીપૂર્વક નવેળી પસાર કરી અમે ઉપર ચડી ગયાં. ઉપરનો ખડકવાળો વિસ્તાર પસાર કરી જંગલના ભાગમાં દાખલ થયાં.
મેં ક્રિસને જણાવ્યું : “ કોઈ કેડી દેખાય તો તે અંગેનું ધ્યાન રાખજે. ” અમારી સામે કોઈ રસ્તો , દિશા , નિશાન કાંઈ હતું નહીં. ફક્ત ભાગી છૂટવા સિવાય બીજો કોઈ વિચાર આવતો ન હતો. #અમરકથાઓ

કઈ દિશામાં જવું તે નક્કી કરવું મુશ્કેલ હતું. અત્યારે તો શક્ય એટલી ઝડપે નાસી છૂટ્યા સિવાય કોઈ વિચાર હતો જ નહીં , ઘણે દૂર સુધી આવ્યા પછી થાકીને ઊભાં રહ્યાં. ચારે તરફ જંગલ અને પહાડીઓ સિવાય કાંઈ જ જણાતું ન હતું. હવે વ્યવસ્થિત રીતે રસ્તો શોધીને આગળ વધવા વિચાર્યું , પણ યાદશક્તિ કામ આપતી ન હતી. માનસિક ત્રાસ ભોગવીને વિચારશક્તિ પણ મંદ થઈ ગઈ હતી.

જંગલવિસ્તાર છોડીને શહેરવિસ્તારમાં દાખલ થવાની પ્રબળ ઇચ્છા હતી પણ રસ્તો સૂઝતો ન હતો. ક્યારેક ઝાડીમાંથી પસાર થતાં હતાં , કયારેક ખડકવાળો રસ્તો તો ક્યારેક જંગલ આવતાં – જતાં હતાં. ચોક્કસ દિશા પકડાતી ન હતી.

રસ્તાની શોધમાં બપોરનો સમય થઈ ગયો પણ રસ્તો મળતો ન હતો. ક્રિસ થાક અને કંટાળાને કારણે રોવા જેવી થઈ ગઈ હતી. હું પણ અકળામણ અને મૂંઝવણ અનુભવી રહ્યો હતો. ‘ આસમાન સે ગીરે ઔર ખજૂર પે લટકે ‘ જેવો ઘાટ થયો હતો. છતાં પણ આગળ વધ્યે જતાં હતાં. ક્રિસને તરસ લાગી હોઈને વારંવાર પાણી માટે કહેતી હતી. નાનામોટા ખાડામાં પાણી ભરેલું હતું પણ કાદવ , માટી , પાંદડાંથી ડોળાયેલું હોઈ પી શકાય એવું ન હતું.

Aghor Nagara vage
Aghor Nagara vage

સમય પસાર થતો ગયો. મને ફરી ચિંતા થવા લાગી કે સાંજ થઈ જશે અને રસ્તો નહી મળે તો શું થશે ? ક્રિસ ખૂબ ભયભીત થઈ ગઈ હતી. હિંસક પ્રાણીઓનો પણ ભય હતો. કયાંક તેમનાં ચિહ્નો પણ જોવામાં આવતાં હતાં. હવે શું કરવું એ સમજાતું ન હતું. ખૂબ વિચાર કરી જોયો પણ રસ્તા અગર કેડી વિશે કોઈ અણસાર જણાતો ન હતો.

ફરી નિરાશાએ મને ઘેરી લીધો. ખૂબ થાકી જવાથી એક સપાટ પથ્થર ઉપર હું અને ક્રિસ બેઠાં. હું ચારે તરફ જોઈને નિરીક્ષણ કરી રહ્યો હતો. સાથે એ પણ વિચારી રહ્યો હતો કે કદાચ રસ્તો ન મળે તો કોઈ ઊંચું ઝાડ શોધી કાઢવું જેના ઉપર રાત્રિ પસાર થઈ શકે.

હુ ચારે તરફ જોઈને નિરીક્ષણ કરી રહ્યો હતો. સાથે એ પણ વિચારી રહ્યો હતો કે કદાચ રસ્તો ન મળે તો કોઈ ઊંચું ઝાડ શોધી કાઢવું જેના ઉપર રાત્રિ પસાર થઈ શકે.

આવી ગડમથલમાં હતો ત્યાં જ સામેની ઝાડીમાંથી એક સ્ત્રી બહાર નીકળીને પસાર થતી જણાઈ. થોડે દૂર હોવાથી મેં જોરથી બૂમ પાડી તેને ઊભા રહેવા જણાવ્યું. તે બાઈ કઠિયારણ હોય તેવું લાગ્યું. મારવાડી વણજારાની વેશભૂષામાં તે જણાતી હતી. માથા પર નાની ભારી મૂકેલી હતી. એક હાથમાં નાની કુહાડી હતી. તેને જોઈને આનંદનો પાર ન રહ્યો. હું અને ક્રિસ લગભગ દોડતાં જ તેની પાસે પહોંચી ગયાં.

ત્યાં જઈને ફરી હું શંકામાં અટવાયો. અહીં જંગલમાં આ દેખાવડી યુવાન સ્ત્રી એકલી કઈ રીતે હોઈ શકે ? શું આ બીજી આપત્તિ છે કે ખરેખર કઠિયારણ બાઈ છે ?

મેં સાવચેતીપૂર્વક તેને પ્રશ્ન કર્યો : “ તમે આવા ગાઢ જંગલમાં લાકડાં વીણવા આવો છો કે તમારું આટલામાં જ રહેઠાણ છે ? “

તે ઘડીભર મારી સામે જોઈ રહી. તેણે સામો પ્રશ્ન કર્યો : “તમે અહીં શું ભૂલાં પડીને તો નથી આવી ગયાં ને ? “

મેં તેને ઉત્તર આપ્યો : “ હા , અમે ખરેખર રસ્તો ભૂલી જઈને અટવાઈ ગયાં છીએ. તમે રસ્તો બતાવો તો ખૂબ આભાર માનીશું. ”

તેણીએ અમારી સામે જોઈને પાછળ આવવા જણાવ્યું. હજુ મારી શંકા દૂર થતી ન હતી. હું તેની દરેક ચેષ્ટાનું ધ્યાનપૂર્વક અવલોકન કરી રહ્યો હતો. સાથે એ પણ વિચારતો હતો કે ‘ હોઈ હૈ વહી જો રામ રચી રાખા, કો કરી તરફ બઢાવૈ સાખા. ‘ પાછળ ચાલતાં ચાલતાં આશરે પંદર મિનિટ બાદ એક કાચા રસ્તા ઉપર અમે આવી ગયાં. ત્યાં તેણે અટકી જઈને જણાવ્યું કે આ રસ્તા ઉપર ચાલ્યાં જાઓ. આગળ જઈને ડાબી બાજુ વળી જશો ત્યાં ઢાળવાળો રસ્તો આવશે તે સીધો આબુ વિસ્તાર તરફ જાય છે.

મેં તેને સાથે આવવા માટે વિનંતી કરી પણ તેણે ઘેર જવાનું મોડું થશે એવું કારણ આપીને સાથે આવવાની અનિચ્છા દર્શાવી. મેં તેનો હ્રદયપૂર્વક આભાર માન્યો અને ખિસ્સામાંથી પર્સ કાઢીને તેમાં હતી એટલી બધી નોટો તેને આપવા હાથ લંબાવ્યો. તેણે પૈસા લેવાની ના પાડી.
મેં વિનંતીથી આગ્રહ કરીને પૈસા આપી દીધા.

આશરે અઢી – ત્રણનો સમય થઈ ચૂક્યો હતો. હું અને ક્રિસ ઝડપથી ચાલવા લાગ્યાં. કાચો રસ્તો આગળ જઈને ડાબી બાજુ વળતો હતો. ત્યાંથી ઢાળ ઊતરતાં જ આશરે અર્ધો કિલોમીટર દૂર આબુનો શહેરી વિસ્તાર દેખાવા લાગ્યો. શહેરી – વિસ્તાર જોઈને અમે બન્ને ખૂબ પ્રસન્ન થયાં. મેં ઈશ્વરનો ખૂબ આભાર માન્યો. શહેરી વિસ્તાર જોઈને ચાલવાની ઝડપ વધી ગઈ. થોડી જ વારમાં મ્યુનિસિપાલિટીની હદ પાસે આવી ગયાં. ત્યાં એક પહાડી નાળાના ઢોળાવમાં તબલનો આભાર માનીને નાળામાં છોડી દીધો.
#અમર_કથાઓ

ત્યાંથી પાકા રસ્તા ઉપર આવીને એક ખાનગી વાહનનો મદદ લઈને આબુ પહોંચ્યાં. પોલો ગ્રાઉન્ડ પાસે ઊતરીને ગવર્નમેન્ટ ગેસ્ટ હાઉસ પહોંચ્યાં. ક્રિસ ઝડપથી પોતાના રૂમ તરફ આગળ વધી. રૂમમાં જઈને તે મિસિસ એલનને વળગી પડી. એલને તેને સાંત્વન આપતાં બેસાડી. મારી તરફ શંકાભરી દૃષ્ટિથી જોઈને પછી ક્રિસને અસંખ્ય પ્રશ્નો પૂછવા લાગી. બન્નેની ઝડપી સવાલ – જવાબની ગતિ હું સાંભળી રહ્યો.

એ દરમ્યાન ક્રિસના કાકા મિસ્ટર વિલિયમ આવી પહોંચ્યા. મને તથા ક્રિસને જોઈ તેઓ આનંદ , આશ્ચર્ય , રોષ , શંકાના મિશ્રિત ભાવોથી ક્રિસ પાસે જઈને પ્રશ્નો પૂછવા લાગ્યા. એલને શાંતિ જાળવવા કહ્યું. ક્રિસે વિસ્તારપૂર્વક બધી જ વાત કહી સંભળાવી. તેની વાતમાં ખૂટતી કડીઓ હું જોડી આપતો હતો. મેં પણ સંપૂર્ણ બાબત મિસ્ટર વિલિયમને જણાવી. અમારાં કપડાં , દેખાવ એ જ અમારી સ્થિતિનો સાક્ષી હતાં. વિલિયમસાહેબે મારો ખૂબ આભાર માન્યો.

તેમણે મને જણાવ્યું કે , પોલીસ સ્ટેશનમાં ક્રિસ ખોવાઈ ગઈ છે એવી ફરિયાદ લખાવી આવ્યો છું તે રદ કરાવતો આવું ત્યાં સુધી તમે અહીં જ રહેજો.

આટલું કહીને તે ચાલ્યા ગયા . મિસિસ એલને ક્રિસને નાહી લેવા જણાવ્યું. ક્રિસ નાહવા ચાલી ગઈ.
એલને મને કૉફી , નાસ્તો વગેરે આપીને જમી લેવા જણાવ્યું. ત્રણ દિવસના કડાકા હતા તેથી ભરપેટ જમ્યો. એ દરમ્યાન ક્રિસ નાહી – કપડાં બદલીને આવી ગઈ.
આ તરફ મિ. વિલિયમ એક ઈન્સ્પેક્ટરને લઈને રૂમમાં આવ્યા. ઇન્સ્પેકટરે મારું નિરીક્ષણ કરીને મારા વિશે અંગત માહિતી મેળવવા પ્રશ્નો કર્યા.

તેનો સંતોષકારક જવાબ મળતાં તેઓ વિદાય થયા.

( મિત્રો આ સમગ્ર ઘટના બની એનુ સંપુર્ણ રહસ્ય હજી બાકી છે. અને તેથી પુસ્તકની અમુક ઘટના ટુંકાવીને મૂળ રહસ્યવાળી ઘટના પર સીધા લઇ જાઉ છુ. જેથી પોષ્ટ વધુ લાંબી ન થાય.)
**

મિ. અને મિસિસ વિલિયમ બને આ વાત સાથે સહમત થયાં. અમે ત્યાંથી જીપ – ટેકસી કરીને હૃષીકેશ (આબુનુ એક સ્થળ) પહોંચ્યા.

સાથે આવેલા મહેમાનોને ત્યાં જ રોકાવાનું જણાવી હું મંદિરમાં ગયો. તપાસ કરતાં જણાયું કે અટલગિરિજી ઉપર બેઠા છે. મેં મારા આવવાના સમાચાર મોકલ્યા અને મહેમાનોને લેવા માટે બહાર ગયો. ટેકસીવાળાને ૨-૩૦ વાગ્યે આવી જવાનું નક્કી કરી મહેમાનોને લઈ મંદિરની ખુલ્લી પરસાળમાં દાખલ થયો.

અટલગિરિજી પગથિયાં ઊતરીને આવી રહ્યા હતા. તેઓને જોઈને મેં વંદન કર્યું. સૌ મહેમાનોએ પણ વંદન કર્યાં.
અટલગિરિજીએ મારી પાસે આવી પ્રેમપૂર્વક માથા પર હાથ ફેરવી પૂછ્યું ” કુશળ છો ને ? ” કુશળ સમાચાર બાદ મેં અટલગિરિજીને સૌ મહેમાનોનો પરિચય આપ્યો.
જ્યારે ક્રિસનો પરિચય આપવા જઈ રહ્યો હતો. ત્યાં વચ્ચેથી જ મને અટકાવીને તેઓએ કહ્યું : ” ક્રિસને હું ઓળખું છું, “

ઘડીભર માટે મને ક્ષોભ સાથે આશ્ચર્ય થયું. હું કાંઈ પ્રશ્ન કરું તે પહેલાં બધાંને મેડી ઉપર આવવાનું કહી અમારા માટે ચા – નાસ્તો તેમ જ જમવાની વ્યવસ્થા માટે ભંડાર તરફ તેઓ ચાલ્યા ગયા.

અમે સૌ મેડી ઉપર ગયાં. ત્યાં મહેમાનો માટે એક મોટા ઓરડાની વ્યવસ્થા હતી. ત્યાં જ અમારી વ્યવસ્થા હતી. અમે સૌ બેઠાં. હું મિ. વિલિયમ તથા ક્રિસને આ આશ્રમ વિશે , સાધુઓ વિશે તથા સાધુ સંસ્કૃતિ વિશે સમજણ આપી રહ્યો હતો. થોડી વારે અટલગિરિજી પણ આવ્યા . તેઓ પોતાના મૃગચર્મ પર બેઠા.

થોડી વારે મેં તેઓને પ્રશ્ન કર્યો : “ આપ ક્રિસને કેવી રીતે ઓળખો છો ? “

જવાબમાં તેમણે હસીને કહ્યું : “ તમે ક્રિસને ચમત્કાર બતાવવા લઈ ગયા હતા અને ક્રિસે તમને ચમત્કાર બતાવ્યો , ખરું ને ? “

એમનો કટાક્ષપૂર્ણ જવાબ સાંભળીને મારા મગજમાં વિચારોનો ખળભળાટ મચી ગયો. ઘડીભર શું પ્રશ્ન પૂછવો કે શું જવાબ આપવો તેમાં ગૂંચવાઈ ગયો. મારી આંખોમાં અસંખ્ય પ્રશ્નો ઊભરાતા જોઈ અટલગિરિજીએ સાંત્વન આપતાં જણાવ્યું : “ શાંતિ જાળવો , બધું સમજાઈ જશે. ”

થોડી વાર અમારા સૌ વચ્ચે અલકમલકની વાતો થતી રહી. અનુક્રમે ચા – નાસ્તો , જમવાનું કાર્ય પૂરું કરતાં સમય થવા આવ્યો હતો. એ દરમ્યાન ટેકસી આવી જતાં અમે સૌ નીચે ઊતર્યા. અટલગિરિજી પણ સાથે આવ્યા. મિ. વિલિયમે પોતાનું સરનામું , ફોન નંબર આપીને ખૂબ આગ્રહપૂર્વક શિકાગો આવવા જણાવ્યું.
ક્રિસ પણ ખૂબ આભારવશ થઈને ઉત્તમ મિત્ર મળવાનો આનંદ દર્શાવી ભાવુકતાથી મને જોઈ રહી હતી. મેં સૌને ટેકસીમાં બેસાડી ખૂબ સ્નેહપૂર્વક ભાવભરી વિદાય આપી.

ક્રિસ ચાલી ગઈ. એક ચિત્રપટની જેમ બધા પ્રસંગો ઝડપથી પસાર થઈ ગયા હતા, તે માટે ત્યાં ઊભો રહી ક્ષણવાર વિચારી રહ્યો. અટલગિરિજી સાથે પુનઃ મેડી ઉપર ગયો. મને વિચારોમાં મગ્ન જોઈને સ્વસ્થ થવા કહ્યું. અટલગિરિજીએ ચલમ ચેતાવીને મને આપી.
મેં એકાદ – બે ફૂંક મારી ભૂતકાળને ઉડાડવા પ્રયત્ન કર્યો.

અટલગિરિજીને મેં વિનંતીપૂર્વક કહ્યું : “ હવે આપ વિસ્તારથી જણાવો કે આપ ક્રિસને કેવી રીતે ઓળખો છો ? અને ચમત્કાર વિશે શું કહેવા માગતા હતા ? “

તેઓ ઘડીભર મારી સામે જોઈને કાંઈક વિચારી રહ્યા. પછી બોલ્યા : “ તમે કુશળ અને સ્વસ્થ છો એ ગુરુમહારાજની કૃપા છે. બનવાકાળ બનતું જ રહે છે. તેને કોઈ અટકાવી નથી શકતું. છતાં ઉન્નતિનાં શિખરો સર કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. ”

અટલગિરિજીની વાત સ્પષ્ટ રીતે નહીં સમજાતાં મેં ફરી તેમને કહ્યું : “ જે કાંઈ કહેવાનું છે તે સ્પષ્ટ કહો. આપની આ ભાષા મને નહીં સમજાય ”

તેમણે સ્પષ્ટતા કરી : “ જ્યારે તમે મારી પાસેથી માઉન્ટ જવા નીકળ્યા ત્યારે મને કાંઈક અનિચ્છનીય બનશે એવું લાગ્યા કરતું હતું. શું થશે તે સ્પષ્ટ ન હતું. તમારી ફિરોજાની વીંટી જોઈને મેં સહજ ઇશારો પણ કરેલ. “ભૂતકાળને યાદ કરતો હું તેઓની વાત સાંભળી રહ્યો હતો.

અટલગિરિજીએ વાત આગળ શરૂ કરી : “ જ્યારે તમે આબુ ગયા ત્યારે આપણે વાત નક્કી થઈ હતી કે આવતી કાલે સાંજે જૂનાગઢ જવા માટે સાથે જઈશું તેમ છતાં તમે આવ્યા નહીં , જે મને વિચારતો કરવા માટે પૂરતું કારણરૂપ હતું. સાથે મારા મનમાં અકારણ ચિંતા થઈ રહી હતી અને વારંવાર ઉચ્ચાટન થયા કરતું હતું. જેમતેમ સમય પસાર કરીને મધ્યરાત્રિ થઈ. છતાં મનમાં વ્યાકુળતા ઓછી થઈ ન હતી. છેવટે યક્ષિણીનું આહવાન કર્યું. તે હાજર થતાં તમારા વિશે સમાચાર લાવવા જણાવ્યું. થોડી વારે તેણે સમાચાર આપ્યા કે તમે કાપાલિકની જાળમાં ફસાયા છો. સાથે કોઈ વિદેશી યુવતી પણ છે , જેનું નામ ક્રિસ છે.

તે કાપાલિક સ્મશાન ભૈરવના સાધનની ક્રિયા કરી રહ્યો છે , જેમાં ક્રિસને બલિ ચડાવી તેના જ મૃતદેહના માધ્યમથી પોતાની ક્રિયા પૂર્ણ કરવાની પેરવી કરી રહ્યો છે. તમે એના માટે બિનઉપયોગી હોવાથી તમને અસ્થિરચિત્ત કરી રખડતા મૂકી દેવા જેથી તેનો ભેદ સલામત રહે. તેણે કલવાની ચોકી મૂકી હતી જેથી તમે બન્ને છટકીને ક્યાંય જઈ ન શકો.”

હું મૂર્તિમંત થઈ અટલગિરિજીને સાંભળી રહ્યો. મારી સમજણમાં નહોતું આવતું કે આ બધું શું બની ગયું અને કઈ રીતે હું બચી જવા પામ્યો.

મેં તેઓને પ્રશ્ન કર્યો : “કલવા ચોકીની પાછળ શું રહસ્ય છે ? ‘ કલવા ’ એટલે એટલગિરિજીએ ઘડીભર માટે મૂળ વાતને બાજુ પર મૂકતાં કલવા અંગે ઉલ્લેખ આ કલાને ‘કચ્ચા કલવા’ના નામથી ઓળખવામાં આવે છે. અત્યારના દેશ કાળમાં તેની સાધના મોટે ભાગે રાજસ્થાન અને બંગાળમાં વધુ પ્રમાણમાં થાય છે. આ એક મેલી સ્મશાન સાધનાનો પ્રકાર છે. (આ આખી સાધનાની રીત છે. જે પુસ્તકમા આપી છે. પણ અહી આપણે મુખ્ય ઘટના પર જઇશુ.)

આ ‘કચ્ચા કલવા’ની ચોકી તમારા માટે મૂકવામાં આવી હતી જેથી તમે તે વિસ્તાર છોડીને જઈ ન શકો. ”

અટલગિરિજીએ કરેલો ઉલ્લેખ સાંભળી મને થયેલો દુ:ખાવો યથાર્થ જણાયો.

તેમણે મૂળ વાત ઉપર આવતાં આગળ કહ્યું : યક્ષિણી પાસેથી તમારી સંપૂર્ણ પરિસ્થિતિ જાણ્યા પછી મેં તેને કહ્યું , “તમે આ મુશ્કેલીમાં મદદ કરો અને બન્નેને હેમખેમ પાછાં લઈ આવો.” #અમર_કથાઓ

ત્યારે યક્ષિણીએ જણાવ્યું કે આ કાર્ય કરવા માટે હું સમર્થ નથી કારણ કે તે કાર્ય મારા કાર્યક્ષેત્ર બહારનું છે.
તેના આ જવાબથી હું મૂંઝાયો. થોડી વાર વિચાર કરી યક્ષિણીને તમારી દેખરેખ રાખવા અને શક્ય એટલું રક્ષણ આપવાનું સૂચવી જવા માટે કહ્યું. તેના ગયા પછી મેં ગુરુ મહારાજ અનાદિનાથ પાસે જવાનો નિર્ણય લીધો. રાત્રે ઉંઘ આવી નહીં. વહેલી સવારે ટેક્સી લઈ માઉન્ટ જવા નીકળ્યો. રસ્તામાં ટેક્સી છોડી દઈ ગુરુમહારાજ પાસે ગયો. મારા સદ્ભાગ્યે તેઓ ગુફામાં જ હતા.

મને જોઈ તેઓ હસીને કહેવા લાગ્યા “ સંસારી લોકો સાથે પ્રેમબંધન રાખવાથી કેવી દોડાદોડી કરવી પડે છે તે જોયું ને ? “

હું શા માટે ગયો છું તેનો તેમને અંદાજ આવી ગયો છે એમ જણાયું. છતાં મેં દંડવત્ વંદના કરી બધી વાત ટૂંકમાં કહી સંભળાવી.

મારી વાત સાંભળ્યા બાદ તેઓ ક્ષણવાર વિચારી રહ્યા. થોડીવાર પછી તેઓએ પોતાનું આસન બદલી તેમની સાધ્ય દેવી તારાનું સ્મરણ કર્યું. સ્મરણ થતાં જ તારાની હાજરી થઈ, જે હું જોઈ શકતો ન હતો.

અઘોરી મહારાજે તેને કાર્ય પાર પાડી કાપાલિકને યમલોક મોકલવાની આજ્ઞા કરી. આ પ્રમાણે વ્યવસ્થા કર્યા બાદ તેઓએ મને જવા માટે કહ્યું અને વધુમાં જણાવ્યું કે નિશ્ચિંત રહેજો. તમારા મિત્ર કુશળતાપૂર્વક તમારી પાસે આવી જશે. અમરકથાઓ

મેં તેઓનો ખૂબ આભાર માની વિદાય લીધી. બપોર સુધીમાં હું આશ્રમે પાછો આવી ગયો. મને તમારા જ વિચારો આવ્યા કરતા હતા. કયારેક રૂબરૂ તમારી પાસે આવવા મનમાં ઇચ્છા થતી હતી, પણ તેમ કરવામાં કાર્યમાં વિલંબ થવા સંભાવના હતી તથા ગુરુમહારાજના વચનમાં શંકા ઉત્પન્ન કરવા જેવું હતું. વારંવાર ઈશ્વર પાસે તમારી કુશળતા ઇચ્છતો રહ્યો.

(કેવી રીતે અટલગીરીજી અને તેમના ગુરુ મહારાજ દ્વારા કાપાલિકની ચુંગાલમાથી લેખક અને ક્રિસને બચાવ્યા ? અને શુ હતુ કાપાલિકનું રહસ્ય..? )

રહસ્યસ્ફોટ

અઘોર નગારા વાગે

અઘોર નગારા વાગે
અઘોર નગારા વાગે

(આગળના કોઇ પણ ભાગ વાંચવાના ચુકાઇ ગયા હોય તો પોષ્ટમા સૌથી નીચે તમામ ભાગની લિંક આપેલી છે.)

બપોર સુધીમાં હું આશ્રમે પાછો આવી ગયો.
મને તમારા જ વિચારો આવ્યા કરતા હતા. કયારેક રૂબરૂ તમારી પાસે આવવા મનમાં ઇચ્છા થતી હતી, પણ તેમ કરવામાં કાર્યમાં વિલંબ થવા સંભાવના હતી તથા ગુરુમહારાજના વચનમાં શંકા ઉત્પન્ન કરવા જેવું હતું. વારંવાર ઈશ્વર પાસે તમારી કુશળતા ઇચ્છતો રહ્યો.

જ્યારે યક્ષિણીએ સમાચાર આપ્યા કે તમે કુશળતા પૂર્વક તે કાપાલિકની ચુંગાલમાંથી છૂટી ગયા છો અને કાપાલિક મૃત્યુ પામેલ છે ત્યારે મને સાંત્વન મળ્યું તેમ છતાં મેં યક્ષિણીને સૂચના આપી કે તમોને કુશળતાપૂર્વક માર્ગદર્શન કરે.

” તમને ઝાડીઓમાંથી રસ્તા સુધી પહોંચાડનાર મારવાડી કઠિયારણ તે યક્ષિણી જ હતી. તમે તેને આપેલ પૈસા પણ મને પરત આપી ગઈ છે.” એમ કહી એમણે પોતાની ઝોળીમાંથી મારા આપેલા પૈસા જે મેં પેલી કઠિયારણ બાઈને આપ્યા હતા તે મને પાછા આપ્યા.

આ બધી વાતોના સ્પષ્ટીકરણથી હું વિચારશૂન્ય જેવો થઈ ગયો હતો. સત્ય હોવા છતાં પણ જાણે વિશ્વાસ નહોતો આવતો. પરંતુ કાપાલિકનું આ રીતનું મૃત્યુ એ વાત જ મુખ્ય અને સચોટ પુરાવો હતો. સાથે મારું અસ્તિત્વ પણ અટલગિરિજીની જણાવેલ હકીકતોનો પુરાવો બની ગઈ. એક દુઃસ્વપ્ન જોયું હોય તેમ હું ઉદાસ થઈ ગયો. અટલગિરિજીએ મને સાંત્વન આપી જણાવ્યું કે બનવાકાળ બનીને જ રહે છે. તમે તો ભાગ્યશાળી છો કે ગુરુમહારાજ જેવા સમર્થ ગુરુજીનું તમારા માથે છત્ર છે. પછી શા માટે મૂંઝાઓ છો ? મને સ્વસ્થતા મેળવવા માટે જણાવી તેઓએ સિગારેટ સળગાવીને મને આપી.

મેં ફરીથી અટલગિરિજીને પ્રશ્ન કર્યો : “ તે કાપાલિક કોણ હતો ? અને અમારા ઉપર પસંદગી ઉતારવાનું શું કારણ ?”

તેના જવાબમાં અટલજીએ જણાવ્યું કે , તે મૂળ આસામનો આદિવાસી હતો. તેણે કોઈ કાપાલિક પાસે દીક્ષા લઈ સ્મશાનસાધના સિદ્ધ કરી લીધી. આ સાધનાને સર્વોચ્ચ માનીને તેણે હિમાલયમાં પોતાનું સ્થાન સ્થાપિત કર્યું ત્યાં સાધુસમાજ સાથે રહેવા માટે તેણે પુરીનામાં સાધુ પાસેથી દીક્ષા લઈને ભૈરવપુરી નામ ધારણ કર્યું અને ત્યાંના સાધુઓ તથા સંતોને વિના કારણે પોતાની સ્મશાનસિદ્ધિના બળે હેરાન કરવા લાગ્યો. ત્યાં રહેતા ભજનાનંદી સંતોમાં તે પોતાની સિદ્ધ હોવાની મહત્ત્વાકાંક્ષા સેવવા લાગ્યો. પરિણામે એક દિવસ એક યોગી સાથે વાદવિવાદમાં ઊતરવાથી તે યોગીએ પોતાની ઇચ્છાશક્તિથી ભૈરવપુરીને રાજસ્થાનના રણપ્રદેશમાં ફેંકી દીધો. ત્યાંથી તે ફરતો ફરતો માઉન્ટ વિસ્તારમાં આવીને રહેવા લાગ્યો. #અમરકથાઓ

ઘણા સમયથી તે માઉન્ટ વિસ્તારમાં રહેતો હતો. અહીં રહીને તે સિદ્ધ સંતોને છંછેડતો નહીં પણ વધુ શક્તિશાળી બનવા માટે પ્રયત્ન કરતો રહ્યો અને પોતાના લાગ-લપેટથી હંમેશાં શિકારની શોધમાં રહેતો. તેણે આ પૂર્વે પણ એકબે દુષ્કૃત્યો કરેલાં જેના દ્વારા તેણે થોડી શક્તિશાળી વિદ્યાઓ હસ્તગત કરી હતી.

માઉન્ટ વિસ્તારના સિદ્ધ લોકોની જાણબહાર આ કાપાલિક ન હતો. પણ વિના કારણે અથડામણમાં ઊતરવાનો કોઈ પણ સંતનો આગ્રહ હોતો નથી જે કારણે તેની પાખંડલીલા ચાલતી હતી, તેણે સ્મશાનભૈરવની સિદ્ધિ કરવા માટે એક આદિવાસી બાઈને સંમોહન દ્વારા આકર્ષિત કરીને બલિદાનની જોગવાઈ કરીને જ રાખી હતી. પરંતુ દુર્ભાગ્યવશ તે બાઈ કુદરતી રીતે મૃત્યુ પામી, જેથી કાપાલિક ભૈરવપુરી મૂંઝાઈને અકળાયો, પ્રયોગ પૂર્ણ થવાને અમુક દિવસો જ બાકી હતા અને સ્ત્રીબલિની વ્યવસ્થા હતી નહીં. આ કારણે તે શકય એટલી ઝડપથી સ્ત્રીબલિની વ્યવસ્થા કરવાની ચિંતામાં હતો, જેમાં તમે અને ક્રિસ તેની નજરે ચડી ગયાં.

આમ તો તેનો સમય પૂરો થવા જ આવ્યો હશે. તમે એનું નિમિત્ત બન્યાં , અન્યથા તેના ઉપદ્રવોમાં વધારો થાત અને કેટલાંય અનિષ્ટ તેના દ્વારા થતાં રહેત.

મે તેઓને પૂછ્યું : “ આ બધી વાત આપની જાણમાં કેવી રીતે આવી ? “

અટલગિરિજીએ જણાવ્યું , ” યક્ષિણી દ્વારા જ આ બધી બાબતો વિસ્તારપૂર્વક જાણમાં લેવી પડી હતી. ” અટલગિરિજીની વાત હું આશ્ચર્ય અને રોમાંચ સાથે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તેમણે કહ્યું : “ જ્યારે ભૈરવપુરી ક્રિસના શરીરને માધ્યમ બનાવી બલિ આપવાની ક્રિયા કરી રહ્યો હતો ત્યારે અનાદિનાથજીએ મોકલેલી તારાદેવીએ ક્રિસના શરીરમાં પ્રવેશ કરી ભૈરવ પુરીને ભ્રમણામાં નાખ્યો હતો. જેથી ભૈરવપુરી એમ સમજ્યો કે આરાધ્ય દેવીની હાજરી થઈ ગઈ છે. ખરેખર તેની આરાધ્યદેવીનો પ્રવેશ નહીં થતાં તારાદેવીનો પ્રવેશ હતો.

પોતાનું કાર્ય સફળ થતું જોઈ તેણે તમને બહાર જવાનો આદેશ આપ્યો. પરંતુ તમે ખૂબ અકળાયેલા અને વ્યગ્ર થઈને ભૈરવપુરીને ઘાયલ કરી બેઠા તેથી તારાદેવીએ ગુફા બહાર જઈને અટ્ટહાસ્ય કરી ભૈરવપુરીને બહાર આવવા માટે પ્રેર્યો.

ભૈરવપુરી એ ભ્રમમાં રહ્યો કે આરાધ્યદેવી હાજર થઈને બહાર ચાલી ગઈ છે અને હવે કરેલી મહેનત નિષ્ફળ જશે તેથી તે પાગલની માફક તેની આરાધ્યદેવીને કાબૂમાં લેવા વિનંતી કરવા , બહાર દોડી ગયો.

બહાર જતાંની સાથે જ તારાદેવીએ તેની પ્રચંડ શક્તિના સહજ ઉપયોગથી ભૈરવપુરીના શરીરનો પળવારમાં વિચ્છેદ કરી તેનાં ફેફસાં , હૃદય , કાળજું ખેંચી લઈ સ્વાહા કરી ગઈ. બાકીના અવયવોને છિન્નભિન્ન કરીને ફેંકી દીધા.

આ કામ ગુફામાં જ થઈ જાત પરંતુ તમે કરેલા પ્રહારથી ઉન્મત્ત બનેલો ભૈરવપુરી તમારા માટે ઘાતક નીવડે તેમ હોવાથી તારાદેવી તેને બહાર ખેંચી ગઈ. તમે સાંભળેલી કારમી મૃત્યુચીસ ભૈરવપુરીની હતી. તારાદેવીએ એક જ પ્રહારથી તેની છાતીનું પાંજરું તોડીને ખોલી નાખ્યું હતું.”

અટલગિરિજીએ રહસ્યનો ઘટસ્ફોટ કર્યો ત્યારે મારા શરીરમાં ભયની આછી ધ્રુજારી વ્યાપી ગઈ. અટલગિરિજી અને અનાદિનાથજીએ મારા માટે કરેલા ઉપકારથી હું ગદગદ બની ગયો. મેં અનાદિનાથજીનો હદયપૂર્વક આભાર માની અટલગિરિજીને કહ્યું : “તમે ન હોત તો મારી જાનહાનિ થાત તેમ જ ક્રિસને ગુમ કરવાનું કલંક રહી જાત.” #અમર_કથાઓ

અટલગિરિજી મને સ્વસ્થ થવાનું કહી બહાર ચાલ્યા ગયા.

હું પસાર થયેલા પ્રસંગો વિશે વિચારી રહ્યો હતો. કેવું ભયજનક ! કેટલુ ખોફનાક !

સાંજ નમી ને રાત્રિ થવાની તૈયારી હતી. આરતીપૂજાથી પરવારી. અમે બન્ને સાદું ભોજન લઈને ફરી વાતોએ વળગ્યા.

બીજા દિવસે સવારે નિત્યકર્મથી પરવારી મેં જવા માટે આજ્ઞા માગી. મેં અટલગિરિજી તથા તેમના ગુરુમહારાજ અનાદિનાથજીનો હૃદયપૂર્વક ખૂબ આભાર માન્યો. આજે હું જીવિત છું તો તમારી કૃપાથી છું. આ પ્રમાણે હંમેશાં કરુણાદ્રષ્ટિ રાખશો.

અટલગિરિજીએ આકાશના ઊંડાણમાં દૃષ્ટિ કરતાં કહ્યું : “અમે વિરક્ત રહેવા માટે ઘર – સાધન , માતા – પિતા છોડીને જંગલનો આશરો લીધો, છતાં ઈશ્વરની રચના – માયા અનંત છે. અહીં તમારી સાથે પ્રેમબંધન થવાથી મન ભજનથી વિચલિત થઈને અન્ય પ્રવૃત્તિમાં પ્રેરાય છે. આ પ્રમાણે જ કર્મબંધનનું આયોજન થાય છે.” હું તેઓની પ્રભાવયુક્ત વાણી સાંભળી રહ્યો.

થોડી વારે મેં તેમને જણાવ્યું : “મારા દ્વારા તમોને ખૂબ કષ્ટ થયું છે તો મને તમારો અનુજ ગણી ક્ષમા કરશો.”
વધુમાં મારા તરફથી સ્પષ્ટ કરતાં મેં કહ્યું : “ઈશ્વર પણ પ્રેમને તથા ભક્તને આધીન છે. આત્મા એ ઈશ્વરરૂપ છે માટે તમારો આત્મા મારા પ્રેમને કારણે મારા માટે પ્રસન્ન થાય એ જ એનો ધર્મ છે, એ જ એનો સ્વભાવ છે. એમાં અવાસ્તવિક કાંઈ છે જ નહિ. છતાં તમે સાધુ છો , હું સંસારી છું. આપણી વચ્ચે એક મર્યાદા છે તે પરંપરાગત છે , જેને આપણે જાળવીએ છીએ. પરંતુ મન , આત્માની મર્યાદારેખાનો વિસ્તાર નક્કી નથી કરી શકાતો. ”

અટલગિરિજીએ મને વચ્ચેથી અટકાવીને કહ્યું : “તમારી ઉપદેશવાણી સુંદર છે. તેને ફરી ક્યારેક ઉપયોગમાં લેશો. અત્યારે જાળવીને રાખો.” સાથે મીઠો ઠપકો આપતાં જણાવ્યું કે , ” ચમત્કાર અને વિવિધ સિદ્ધિઓ તરફ જરૂરથી વધારે ધ્યાન આપવું નહીં , તેમ જ કોઈને ચમત્કાર બતાવવા ઉત્તેજના કરવી નહીં. અયોગ્ય પાત્રો દ્વારા અનેક અનિષ્ટ ઊભાં થાય છે. ચમત્કારનો હેતુ શુભ હોય તો તે યોગ્ય છે. વિનાકારણે અગર મનોરંજન માટે મદારીના ખેલ હોઈ શકે , ભજન – ઉપાસનાની
શક્તિનો ઉપયોગ અકારણે કરવો ઉચિત નથી. હજુ તમારે જીવનની લાંબી મજલ કાપવાની છે.

વિવેક , સંયમ , મર્યાદા ધર્મ દ્વારા નિયંત્રણ નહીં કરો તો જીવનની ગતિ અનિશ્ચિત થઈને વેડફાઈ જશે. ઈશ્વરે રચેલ માયામાંથી પંડિત , વિદ્વાન , જતિ , સતી , જોગી , ભોગી કોઇ અલિપ્ત થઈ શકતા નથી. માટે ફક્ત ઈશ્વરસ્મરણને જ જીવનનું ધ્યેય રાખી નિયમ – સંયમ ઉપર કાયમ રહો. બાકી બધું વ્યર્થ છે.” અમરકથાઓ

એમની વાણી શિલાલેખ પ્રમાણે કોતરાઈ ગઈ. તેઓ સ્ટેશન સુધી મૂકવા આવ્યા. વિદાય લેતાં મન ભારે થઈ ગયું. તેમણે પ્રેમપૂર્વક વિદાય આપતાં જણાવ્યું કે , થોડા દિવસો બાદ જૂનાગઢ જવાનો છું. ત્યાંથી પાછા ફરતી વખતે તમોને મળીને જઈશ.”
તેઓ ચાલ્યા ગયા. થોડી વારે ટ્રેન પણ મને લઈને સુરેન્દ્રનગર તરફ રવાના થઈ.
—————–
© મોહનલાલ અગ્રવાલ – અઘોર નગારા વાગે.

🍁 યોનિપૂજા – અઘોર નગારા વાગે (અમેરીકન યુવતીનો ભાગ 2)

અર્બુદાચલ કલ્પ – Aghor Nagara Vage

Aghor Nagara Vage Book 2 – હિમાલયના સિદ્ધ્ યોગી સરયુદાસ

🕳 ( મિત્રો આ ઘટનામા યક્ષિણી અને તારાદેવીનો ઉલ્લેખ છે. જે સિદ્ધ સંતો કઠિન સાધના દ્વારા સિદ્ધ કરેલ શક્તિઓ છે.- જેની વિશેષ માહિતી આપને આ પુસ્તકમાથી મળશે. આ ઘટનાની સત્યાસત્યતામા પડતા પહેલા કે કોઇ ધારણા બાંધતા પહેલા ‘અઘોર નગારા વાગે’ પુસ્તકના બન્ને ભાગ વાંચી જવા વિનંતી.
આ પોષ્ટ માત્ર પુસ્તક પરિચયના હેતુથી જ મુકી હતી. ભારતિય સાધુસમાજનુ દર્શન, પરિચય, કાર્યશૈલિ વગેરે માટે આ પુસ્તક અવશ્ય એક વાર વાંચવુ. – આપને આ સમગ્ર પોષ્ટ કેવી લાગી એનુ મંતવ્ય જરુર આપશો.. આભાર મિત્રો….) અમર કથાઓ
▪ નીચે દર્શાવેલ ફોટો લેખકશ્રીનો છે…

મોહનલાલ અગ્રવાલ લેખક - અઘોર નગારા વાગે પુસ્તક
મોહનલાલ અગ્રવાલ લેખક – અઘોર નગારા વાગે પુસ્તક

© મોહનલાલ અગ્રવાલ-અઘોર નગારા વાગે.

❎ copy કરવાની સખત મનાઇ છે. 👇 અહીથી share કરી શકશો. 👇

મિત્રો Aghor Nagara vage Book ની pdf કે free downland કે એવી કોઇપણ બુક વાંચવા કરતા ઓરીજનલ અઘોર નગારા વાગેનાં બન્ને ભાગો વાંચો ખુબ જ પસંદ પડશે.

14 thoughts on “અઘોર નગારા વાગે ભાગ – 2 યોનિપૂજા”

 1. Pingback: અઘોર નગારા વાગે (ભાગ -1) અમેરીકન યુવતી અઘોરીની જાળમા - AMARKATHAO

 2. Pingback: પ્રાયશ્ચિત નવલકથા ભાગ 21 - AMARKATHAO

 3. શ્રીમાનજી ,
  અઘોર નાગર વાગે જેને મૈં આજથી 25 વર્ષ પહેલા વાંચેલી તે સમયે હું , મારા પિતાશ્રી અને મોહનભાઇ પટેલ એક મિત્ર સાથે લીમડી તેમના ગુરુજી ના દર્શને ગયેલો . જ્યા તેમને ત્યાં એક વાંદરી ના દર્શન કરેલા જે શાંત ધ્યાનાવસ્થા માં બેઠી હતી , અને મહારાજજીના દર્શન થી કૃતાર્થ થયેલા .
  આ પુસ્તક નથી એક ગ્રંથ જ છે જે જીવન ની પરિવર્તિત કરી મૂકે છે , ખરેખર આપે જે પ્રયાસ કર્યો છે , તેના માટે ઘણા અભિનંદન .

 4. Pingback: પીળા રૂમાલની ગાંઠ નવલકથા 1 - હરકિસન મહેતા Book - AMARKATHAO

 5. સાચી વાત છે પ્રભુ આ કોઈ પુસ્તક નહિ પરંતુ જીવન પથ છે ગ્રંથ છે આપ ધન્ય છો આપને તેમના દર્ષનનો લાવો મળ્યો.

 6. Pingback: Aghor Nagara Vage Book 2 | હિમાલયના સિદ્ધ્ યોગી સરયુદાસ - AMARKATHAO

 7. Pingback: Aghor Nagara Vage | અઘોર નગારા વાગે - 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *