Skip to content

લાછી છીપણ – યાદગાર જુની વાર્તાઓ

લાછી છીપણ - યાદગાર જુની વાર્તાઓ
6383 Views

લાછી છીપણ – કથામાં ઉદા નામના મારવાડી વેપારીની પ્રામાણિકતા સચોટ રીતે રજૂ કરવામાં આવી છે. ઉદો ગુજરાતના કર્ણાવતી નગરમાં આવે છે. લાછી નામની સ્ત્રીનો સહયોગ મળે. જાત મહેનત અને હોશિયારીના લીધે સારું કમાય, મકાનના પાયામાંથી સોનાના ચરુ નીકળે છે, એ જમીન લાછીની હોય છે, પ્રેરક કથાઓ, પ્રેરણાત્મક વાર્તા, બોધકથાઓ, Lchchhi Chhipan, Udayan Mantri, Old textbook, old Gujarati textbook

લાછી છીપણ

આ વાર્તાના કર્તા અજ્ઞાત છે પણ વરસોથી આમ પાઠ્યપુસ્તકમાં લેવાતી – ભણાવાતી એક નીવડેલી વાર્તા, દંતકથા છે.

મારવાડમાં વાદાર નામનું એક ગામ હતું. એ ગામમાં ઉદો નામનો એક વેપારી રહેતો હતો. એ ઘીનો વેપાર કરતો હતો. ધંધામાં એ ન જોતો રાત કે ન જોતો દિવસ. ખૂબ મહેનત કરતો. ઘણી વાર તો રાત્રે પણ ઘી ખરીદવા નીકળતો. એ આટલી મહેનત કરતો હતો છતાં બહુ પૈસા કમાઈ શકતો ન હતો. એક દિવસ એણે ગુજરાતમાં જઈને વેપાર કરવાનો મનસૂબો કર્યો. આ માટે એણે કર્ણાવતી નગરમાં જવાનું વિચાર્યું.

નક્કી કર્યા પ્રમાણે એ કુટુંબ સાથે કર્ણાવતી નગરે પહોંચ્યો. કુટુંબમાં પત્ની અને બે પુત્રો હતાં. ઉદો કર્ણાવતી આવ્યો ખરો, પણ અહીંનો તો એ સાવ અજાણ્યો હતો. અહીં એનાં સગાંવહાલાં કે ઓળખાણવાળાંમાં કોઈ ન હતું. સૌ પ્રથમ એણે દેવદર્શન કરવાનું વિચાર્યું. ઉદો જૈન હતો એટલે એ એક જૈન દેરાસરમાં દર્શન કરવા ગયો. દર્શન કર્યા પછી દેરાસર સામેની ખુલ્લી જગ્યામાં કુટુંબ સાથે બેઠો.

હવે ક્યાં જવું ? ક્યાં ઉતારો કરવો ? ધંધા માટે શું કરવું ? આવા આવા વિચારોમાં એ ડૂબેલો હતો ત્યાં એની નજર દેરાસરના દરવાજા ઉપર અટકી ગઈ.

આધેડ ઉંમરની એક સ્ત્રી મંદિરમાંથી બહાર આવતી હતી. એના મુખ ઉપર પ્રસન્નતા અને સંતોષ જણાતાં હતાં. ઉદાને થયું, કેવી સુખી બાઈ છે ! નહિ કશી ચિંતા કે નહિ કશું દુ:ખ. આ સ્ત્રીનું નામ લાછી હતું. એ છીપા જાતિની હતી.

લાછીની નજર ઉદા ઉપર પડી. ઉદા ઉપર મુસાફરીના થાકની અસર ચોખ્ખી જણાતી હતી. એનાં કપડાં મેલાં થઈ ગયાં હતાં, વળી એ કશીક ચિંતામાં હોય એવું લાછીને લાગ્યું. લાછીને થયું, આ કોઈ પરદેશી માણસ જણાય છે. લાછી સ્વભાવે ઘણી ઉદાર હતી. એ અતિથિને દેવ સમાન ગણતી હતી.

એ ઉદાને પોતાના ઘેર લઈ ગઈ. એના પતિએ પણ ઉદા અને તેના કુટુંબને ભાવભર્યો આવકાર આપ્યો. લાછીએ એ સૌને માટે જમવાની વ્યવસ્થા કરી. ભોજન પૂરું થયા પછી એણે ઉદાને રહેવા માટે એક જુદા મકાનની ગોઠવણ કરી આપી. વળી, ઉદો પોતાનું ઘર બનાવી શકે એ માટે થોડી જમીન પણ આપી.

ઉદો ધંધો કરવા માંડ્યો. મહેનત અને હોશિયારીને લીધે થોડા વખતમાં એ ઘણું ધન કમાયો. નાણાંની થોડી બચત થઈ એટલે એણે મકાન બાંધવાનું નક્કી કર્યું અને લાછીએ એને આપેલી જમીનમાં પાયાનું ખોદકામ કરાવવા માંડ્યું. ખોદકામ કરતાં જમીનમાંથી ધન નીકળ્યું. નાણાં અને ઘરેણાંથી ભરેલો ચરુ !

ઉદો તો એ ચરુ લઈને ઝટઝટ લાછી પાસે આવ્યો.
એણે કહ્યું : “ લાછીબહેન, તમારું ધન તમને સોંપવા આવ્યો છું.”

લાછીને નવાઈ લાગી. એ બોલી : “ ભાઈ, તમે કયા ધનની વાત કરો છો ? ’’

ઉદો બોલ્યો : ” મકાનનો પાયો ખોદતાં આ ધન મળ્યું છે , જમીન તમારી હતી એટલે એમાંથી નીકળેલું ધન તમારું જ કહેવાય.”

“ ના ભાઈ , એ ધન મારું ન કહેવાય. અમે જમીન તમને આપી દીધી, એટલે એમાંથી નીકળેલું ધન તમારું કહેવાય. ”

પણ ઉદો એમ કંઈ માને એવો ન હતો. એણે પોતાની વાત પકડી રાખી. લાછી પણ એકની બે ન થઈ. એણે તો ધનને હાથ અડાડવાની જ ના પાડી દીધી.

છેવટે ઉદાએ એ ધનનો ઉપયોગ ધાર્મિક માર્ગે કરવાનો નિર્ણય કર્યો અને એણે એક વિશાળ મંદિર બંધાવ્યું.

Lachchhi chhipan
Lachchhi chhipan


આ સમયમાં મહારાજા કર્ણદેવ ગુજરાતના રાજા હતા. એણે ઉદાની પ્રામાણિકતા વિશે સાંભળ્યું અને એને બોલાવીને રાજ્યમાં નોકરીએ રાખ્યો. આ ઉદો જતે દિવસે રાજ્યનો મંત્રી બન્યો અને ઇતિહાસમાં ઉદયન મંત્રી તરીકે જાણીતો થયો એણે બંધાવેલું મંદિર ‘ ઉદયન વિહાર ’ નામથી પ્રસિદ્ધ થયું.

લાછી છીપણ

આ વાર્તાના કર્તા અજ્ઞાત છે, સંકલન અને Typing – amarkathao group

આ પણ વાંચો

🍁 પીળા રૂમાલની ગાંઠ – હરકિસન મહેતા – પુસ્તક પરિચય

🍁 લોહીની સગાઈ – ઇશ્વર પેટલીકર

🍁 કાબુલીવાલા – રવિન્દ્રનાથ ટાગોર

🍁 રસિકભૈ રસો – યોગેશ જોશી

🍁 ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે

read gujarati,
gujarati books to read,
story book in gujarati,
gujarati story book,
gujarati books online read,
gujarati books read online
gujarati novel pdf
story
story in english
story in hindi
story for kids
english story
moral story
stories short

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *