Skip to content

હીરો ખૂંટ : બે પશુઓની અનોખી દોસ્તીની વાર્તા

હીરો ખૂંટ
6178 Views

હીરો ખૂંટ – લેખક : જયંત ખત્રી , Hiro Khunt આ વાર્તામાં અડીબાજ ગધેડો અને હીરા નામના ખૂંટની અનેરી દોસ્તી ની વાત કરવામાં આવી છે. જે આપને જરુર ગમશે. નીચે અન્ય વાર્તાઓની લિંક પણ મુકેલી છે. દોસ્તીની વાર્તા, મિત્રતાની વાર્તા, પશુ પક્ષીઓની વાર્તા, ગધેડો અને બળદ, ગધેડો અને સાંઢની વાર્તા. પંચતંત્રની વાર્તાઓ pdf, બોધદાયક વાર્તાઓ.

હીરો ખૂંટ વાર્તા

આંધી ચાલી ગઇ એટલે હું અને હરિ આકડાના જૂથમાંથી ધૂળ ખંખેરતાં બહાર નીકળ્યા. અમે જ્યાંથી ચાલી આવ્યા હતા એ લૂખીભૂખી ધરતી પર મેં ધૂળનો ગોટો અંધારું પાથરતો ચાલી જતો જોયો. અમે ચાલી આવ્યા હતા એ લાંબી કેડી અંધારામાં લીન થતી મેં જોઈ.

અને દૂર ત્યાં ભૂખી ધરતી સિવાય બીજું કશું નહોતું – પથ્થર, ઢેફાં, ધૂળ, કાંટાળા છોડવા, કાબર, ચકલી અને કાગડો અને એ બધાં પર ફરી વળતો દઝાડે એવો તડકો અને હવે ઝંઝાવાતી પવન! ધરતીના પેટમાં કશું કંઇ નહોતું – ગર્ભાધાનની તાકાતેય નહોતી. બીક અને સંશયથી એ વેરી આકાશ તરફ જોઈ રહી હતી.
મેં એવી ધરતી તરફ પીઠ ફેરવી ત્યારે હરિએ સામેની વાડી બતાવતાં કહ્યું : ‘ચાલ, ત્યાં હાથમોં ધોઈશું.’

એ બકાલીની વાડી હતી, કારણ કે ત્યાં વ્યવસ્થા જેવું કંઇ નહોતું. અને બકાલી વાવની કૂંડી પર બેઠો બેઠો ચલમ પી રહ્યો હતો. અમને વાવમાંથી પાણી સીંચતા અને હાથમોં ધોતા એ મૂઢની માફક જોઈ રહ્યો. હરિએ એને પૂછવાની ખાતર જ પૂછ્યું :
‘ગામ કેટલું દૂર છે અહીંથી ?’

જવાબમાં એણે ચલમ ઠોકીને કૂંડી પર ખાલી કરી અને સફાળો ઊભો થયો. માથા પરથી સરી જતી પાઘડી એણે કઢંગી રીતે દાબીને બેસાડી.
‘ચાલો. હુંયે એ તરફ આવું છું.’
ધોરિયામાં ભીંજાતાં ખાસડાંમાં એણે જેમતેમ પગ નાખ્યા, અને અમે બહાર પડયા. ‘ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો’ વગેરે પૂછ્યા પછી બકાલી ચૂપ રહી ગયો.

બપોર નમવા માંડયા હતા અને અમે પસાર થતા હતા. એ ધરતી સૌમ્ય રૃપ ધરતી જતી હતી. જો કે પવનમાં હજી જોર હતું તોય આખા દિવસના તાપ પછી એની ઠંડી ગલીપચી મને ગમવા માંડી હતી. બકાલી ઓચિંતો ઊભો રહી ગયો. એણે રસ્તાની બાજુમાં આંગળી ચીંધી અમને બતાવ્યું ‘આ ચિત્તાના પગની છાપ જોઈ ? હમણાં અહીંથી પસાર થયો હોવો જોઇએ.’
મને એની વાતમાં કંઇક રસ પડયો નહિ અને કંટાળો ઊપજ્યો.

‘અહીં કાળો કેર વર્તાઇ રહ્યો છે. કોઇનું ઢોર, કોઇનું જાનવર સલામત નથી.’ એણે બોલવું શરુ કર્યું. હું જાણીજોઈ પાછળ રહ્યો.
‘કોણ જાણે શું થવા બેઠું છે – શું થવા બેઠું છે.’ કહેતાં એનો અવાજ મરતો મરતો અંદર પેસી ગયો. હરિ મારી સામે જોઈ મૂછમાં હસ્યો.
અમે ચાલ્યા કર્યું. લોકોની અવરજવર વધવા લાગી. રસ્તાની બન્ને બાજુ વાડીઓ ઊભરાવા લાગી. ક્યાંકથી ચમેલીની સુવાસ. ક્યાંકથી પેરુની ફોરમ અને કોઇક ઠેકાણેથી એકલવાયા ચંપાની તીણી સુવાસ વાતાવરણ બહેકાવી જતી.

અમે મહંતની વાડીનો ખૂણો વળ્યા અને મેં જોયું તો સામેથી આઠેક જણા એક મહાકાય બળદનું મડદું ઊંચકી આવતા જણાયા. એ દ્રશ્ય આ ઘડીએ આંખે ખૂંચે એવું હતું. મારું મોઢું પરાણે મરડાઈ ગયું.
‘આ તો હીરો ખૂંટ!’ બકાલીએ બૂમ મારી, ‘મરી ગયો ?’ એને ઊંચકનારઓ પસીનાથી રેબઝેબ બન્યા હતા. એમાંના એકે કહ્યું : ‘મારી નાખ્યો.’

‘કોણે ?’

‘ફોજદારે.’

‘હેં-હેં ! ક્યારે ?’
શ્રમથી હાંફતાં એ લોકોમાંથી કોઇએ બકાલીને વધારે ખબર આપી નહિ. અને હીરા ખૂંટનું મડદું આંબલી આગળ વળાંક લઇ અદ્રશ્ય થયું ત્યાં સુધી બકાલી એની પાછળ જોઈ રહ્યો.
‘હીરો ખૂંટ મરી ગયો – વાહ!’

વાહ? હું મારી મરજી વિરુદ્ધ કારણ વગર હસી પડયો, પણ હરિએ પૂછ્યું :

‘કેમ, એમાં ખુશ થવા જેવું શું છે?’

‘અરે -‘કહેતો બકાલી અમારી તરફ અદાથી ફર્યો, ‘એ ગાંડો થઇ ગયો હતો. એણે આજ સુધીમાં મારો, કંઇ નહિ તો, પચાસેક મણ બકાલો પડાવીને ખાધો હશે – મારો એકલાનો નહિ, મારકીટમાં બેસવાવાળા દરેકનો!’
બકાલીએ હરિ પાસેથી બીડી માગી લીધી અને બે દમ ખેંચી એણે પોતાની વાત શરુ કરી :

‘હીરો ખૂંટ- મારકીટનો બાદશાહ! એને નહિ જોયો હોય તમે! મુડદું નહિ – જીવતો જાગતો ! જોવા જેવો હતો. આખો કાળો અને ગોળ ગોળ ! માર ખાઈને ખાઈને એની પીઠની ચામડી તેલ પીધેલા ચામડા જેવી બની ગઈ હતી. એનામાં બધે માર ખાવાની કરામત હતી. લોકો હાથ પડે ત્યાં બેફિકર બની એને મારતા. એના મોઢે ઢીંમડાં જામી ગયાં હતાં અને પગ ગૂગળના લાકડા જેવા ગાંઠાળા દેખાતા.’

હીરો મારકીટમાં દાખલ થાય અને એના નામની બૂમ પડે : ‘આવ્યો! આવ્યો!’ બકાલીઓ ત્રાજવાં પછાડી ઊભા થઇ જાય ને ટપોટપ ટોપલા ઉપાડી મારકીટની બારીએ કે ઊંચા પાટલે મૂકવા મંડી પડે. જેને ટોપલા ઊંચકવાનો વખત ન મળે એ લાકડી, પથરા, તોલાં – જે કંઇ હાથમાં આવે એ લઇ એની સામા થાય. છોકરાઓ તમાશો જોવા ભેગા થઇ જાય. અમર_કથાઓ

જરા વારમાં મારકીટનું ચલણ બદલાઈ જાય. અને હીરો ચાલ્યો આવે. ડાબે-જમણે માથું ફેરવતો, ચોક્કસ ધીરા પગ ભરતો અને એની ડુંગર જેવી, ભારે અને માંસલ કાંધ હલાવતો, એ બેફિકર ચાલ્યો આવે. જ્યાં લાગ મળે ત્યાં ટોપલીમાં માથું નાખે. એને હંમેશ માર પડે અને એ કોઈ દહાડો ન તો અટકે, ન તો પાછો ફરે.
એક ઝપાટે જેટલું મળે એટલું લઇ એ ચાલતો થાય. એણે જ્યાં નેમ બાંધી એ બકાલો લૂંટાયે જ છૂટતો.

મારકીટમાં એક વખત દાખલ થયો તો એને અટકાવવાની કોઇની તાકાત નહિ. ગમે એટલો માર ખાય પણ એ કોઈ દહાડો છેડાતો નહિ. લક્ષ્મીનારાયણના હવાડા આગળ એ ઊભો હોય ત્યારે છોકરાંઓ એની પીઠ પર ચડી બેસે, એની આજુબાજુ દાવ ખેલે અને એના પગમાં આળોટે, એણે કોઇને ઇજા નહોતી પહોંચાડી.’
બકાલીએ ઓલવાઈ ગયેલી બીડીના ઠૂંઠાને દૂર ફેંક્યું અને વાત આગળ ચલાવી :

‘એક વખત મકનાની આંબાની ટોપલીમાં એણે માથું નાખ્યું. એ આંબાનો પહેલો ફાલ હતો. મારકીટમાં બીજે ક્યાંય આંબા નહોતા. મકનાનો મિજાજ ગયો. એણે ડંડાઓ વીંઝવા માંડયા. પણ હીરો ખૂંટ કંઈ ડગે? અને મકાનાનો જીવ બળી ગયો.

એણે ડંડાને છેડે એક અણિયાળો ખીલો હતો – એ એણે હીરાના પેટમાં ઘોંચવા માંડયો. હીરો સાપની માફક આમતેમ પેટ હલાવતો જાય અને આંબા ચાવતો જાય. મકનો ગુસ્સાથી ગાંડો બન્યો. એણે સામા ફરી ખૂંટની આંખમાં જોરથી ખીલો ઘોંચી દીધો. ખૂંટે એક ઓચિંતી આભ ફાટી જાય એવી રાડ પાડી. અમે ઊભા થઈ જોઈ જ રહ્યા.

લોહીની નીક વહેવા લાગી. ખૂંટ ઘૂંટણ ખોડી દઈ જમીન પર માથું ઘસવા લાગ્યો અને રાડો પાડયા કરી. લાદીઓ લોહીથી ઢંકાઈ ગઈ. આખી મારકીટ આભી બની ખૂંટને અને મકનાને જોઈ રહી. ચોકમાંથી ફોજદાર આવી પહોંચ્યા. બાજુના લક્ષ્મીનારાયણના મંદિરમાંથી શંકર મહારાજ આવી ચડયા. ખૂંટે રાડો પાડયા કરી અને માથુ ઘસ્યા કર્યું.

થાકીને લોથ થઈ એ પડી ગયો ત્યારે એનું મોટું હાથી જેવડું પેટ, બીક લાગે એમ હાંફવા માંડયું. વારેઘડીએ એના પગ અને માથુ ખેંચાતા. અમે બધા મોઢું ફાડીને અને આંખો વકાસીને જોઈ રહ્યા. મારકીટમાં મારી બાજુમાં બેસતી પેલી છકેલી હલિમાએ તોબા પુકારીને નિ:શ્વાસ છોડયો, અને ગલ્લા પર બેસતાં બેસતાં જોરથી બોલી : ‘મકનો મૂઓ કસાઈ!’ ત્યારથી મકનો ‘મહારાજ’ મટી ‘કસાઈ’ કહેવાયો.

બે દિવસ સુધી પોતાના છાણમૂતરમાં આળોટતો એ એમ જ પડયો રહ્યો. એના મોઢા આગળ લોકોએ બકાલાનો ઢગ કર્યો પણ એણે એક તણખલું ય મોઢામાં ના નાખ્યું. ત્રીજે દહાડે એ ઊઠીને ઊભો થયો, ઊભા રહેતાં પગ ધૂ્રજ્યા તો ય એ જરા વાર ઊભો રહ્યો. પછી કાગડાની જેમ માથું ડાબેજમણે ફેરવતો એ એની હંમેશની બાદશાહી અદાથી મારકીટ છોડી ગયો – તે સીધો પહોંચ્યો લક્ષ્મીનારાયણના હવાડે. ત્યાં પેટ ભરીને પાણી પીધું અને શોખથી કીચડમાં આળોટયો.

ચોથે દહાડેથી એણે પોતાનો, મારકીટમાં ધાડ નાખવાનો વ્યવસાય પાછો ચાલુ કર્યો. એની એક આંખ ગઈ એટલે લોકોએ એનું નામ પાડયું ‘હીરો.’ એ હીરો ખૂંટ- એનું મડદું તમે હમણાં પસાર થતું જોયું.’
આટલી વાત કરી બકાલી ચૂપ થયો.

અમે તાલુકાના થાણા આગળ પહોંચ્યા હતા. ત્યાં ત્રણ રસ્તાઓ છૂટા પડે છે. એ ચોકની વચમાં આંબલી અને વડ આજુબાજુમાં ઊભા હતા. ઉપર આસમાનમાં એમની ઘટાઓ એકબીજામાં ગૂંથાઈ હતી. એક બાજુએ બે હોટલો, સામે ધર્મશાળાની પાછળ એક નાનકડી લજવાતી ઝૂંપડીમાં એક કામચલાઉ પીઠું હતું. માલથી ભરેલાં અને માફાવાળાં ગાડાંઓ છૂટાં પડયાં હતાં. બળદ અને ઊંટ શાંતિથી વાગોળતા હતા. ચોથે ખૂણે એક ચારકોશી વાવ મીઠું રડી રહી હતી.

અમે આગળ વધવાનું શરુ કર્યું. પણ બકાલીએ કહ્યું :
‘ચા પીશું?’
મેં ઘસીને ના પાડી ત્યારે એણે ખચકાતા કહ્યું :
‘જરા થોભશો ? હું આ આવ્યો – અબઘડી!’
કઢંગી રીતે ઉતાવળ કરતા એના પગનું એક ખાસડું નીકળી ગયું. એણે બીજાને દૂર ફેંક્યું અને ધર્મશાળા પાછળ એ દોડતો ચાલ્યો ગયો.

મેં નજર ફેરવવા માંડી. આંબલીની ઘટામાં મેં ચામા ચીડિયાં લટકતા જોયાં. દૂર જારના ઠૂંઠા પર એક ગીધ ભૂખી નજર ફેરવતું બેઠું હતું, હજુ પવન વાતો અટક્યો નહોતો અને આકાશમા મૂંઝાયા કરતું હતું.
મને અહીંથી ચાલી નીકળવાનું મન થયું. હું મારો અણગમો વ્યક્ત કરું તે પહેલાં ધર્મશાળા પાછળથી બકાલી મોઢું લૂંછતો, દાળિયા ચાવતો દેખાયો. એની ચાલમાં નજાકત આવી ગઈ હતી. એનો જમણો હાથ હવે મૂછ પર ફરી રહ્યો હતો. એણે ખાસડામાં પગ નાખ્યો ત્યારે હરિએ મશ્કરીમાં કહ્યું :
‘બહાદુર, મિયાં!’

‘કંઈ નહિ – આ તો અમસ્તું, જરા નવટાંક પેટમાં નાખી લીધું! ઠંડી છે ને? કોઠાની ગરમી સચવાઈ રહે હેં! હા- હા- હા!’
અમે આગળ વધ્યા.

પવનના સપાટા ધરતી પર ધૂળનાં મોજાંઓ ફેલાવી રહ્યા હતા. નાના છોડ હજીય ત્રાસથી કંપી રહ્યા હતા.
‘અસલ વાત એમ છે, સાહેબ,’ બકાલીએ દાળિયા ખાઈ લીધા એટલે એની વાત આગળ ચલાવી કે, ‘કે તાલુકામાં એ ખૂંટને લાવનાર હું.

સરહદ પર ગોળની ભીલીઓ પહોંચાડવા ગયો હતો. પાછા ફરતા, રણના કાંઠા પર, પીરની જગામાં રાત ગાળી.
ત્યાં સિંધીઓની પોઠ પડી હતી. તારાઓની રોશની ઓલવી નાખે એવો સખત પવન વાતો હતો અને લોહી થીજી જાય એવી ઠંડી પડતી હતી. એટલે હું સિંધીઓ સાથે તાપણીએ તાપતો બેઠો હતો. અરધી રાત પછી કાફીઓ ગવાઈ રહી ત્યારે કાવો પીતાં પીતાં એમાંના એકે કહ્યું :
‘સાંઈ, એક સોદો કરવો છે?’

‘સોદો કરવા જેવો હોય તો કરીએ પણ.’ મેં કહ્યું ત્યારે એણે મને દૂરથી એક આખલો બતાવ્યો. તાપણીના અજવાળામાં મેં એની આંખમાં વીજળી જોઈ. મેં એની કિંમત આંકી લીધી. મને સોદામાં રસ પડયો.
‘બોલ, તારે મોઢે મૂલ!’

સિંધીએ એ પણ કહ્યું કે, એના બાપે આખલાને ‘ખસી’ કર્યો ત્યારથી એ સિંધીઓની જાતને જોઈને ભડકતો હતો. એટલા માટે એને કાઢી નાખવો હતો. બીજી સવારે મેં આખલાને ચકાસી જોયો. મેં એનામાં ઊંડાં રતન જોયાં અને ખરીદી લીધો. ઘેર લાવી ઘી ગોળ પાઈ એને તૈયાર કર્યો અને પહેલી જ ધનતેરશની દોડમાં એણે મને જરીની પાઘડી આપાવી.

અસલ કાલી જરી જેવા ચમકતા એના કાળા વાળ, મોટી ચકોર અને મસ્ત આંખો, ઉપર નાનાં રંગેલાં ખૂંટિયાં શીંગડાં અને રાજાના ઘોડા જેવો રુઆબદાર સીનો ! જેના પર મરી ફીટવાનું મન થાય એવું જાનવર હતું!
મેં એને બે વરસ ખેડયો અને પેટના બચ્ચાની જેમ પોષ્યો. સવારના ઊઠતાવેંત એના પર નજર પડી જાય તો મારો દિવસ સુધરી જતો. આખા તાલુકામાં એની જોડ નહોતી. એનાં માંગાં આવતાં- મોં માગ્યાં દામ મળતાં, પણ મેં એને વેચવાનું ન કર્યું.

એક વખત એણે દાક્તરને વરસતે વરસાદે પૂર આવેલી નદી ઉતારી પાર કર્યો. અમે તે દહાડે મોત સાથે લડયા હતા. દાક્તરની હિંમત અને આખલાની તાકાતે અમને બચાવ્યા. પણ બીજે દિવસે હું તાવથી પટકાઈ પડયો. ત્રીજે દહાડે નિમોનિયા જાહેર થયો અને છઠ્ઠે દહાડે હું મરતાં મરતાં બચ્યો. ત્યાર પછી તબિયત લથડી તે બે મહિના સુધી વાડીએ પડી રહેવું પડયું. ત્યાં સુધી આખલાએ ઊભાં ઊભાં ખાધું અને એના અંગમાં અવળી મસ્તી ભરાઈ.

એને ખેડતાં જરા બેપરવા રહ્યા કે તરત જ રસ્તે ઊતરી જઈ આડો ખેંચાવા મંડે. લાગ જોઈને પાટલી પરથી લટકતા પગ તરફ લાત ઉરાડે. એક વખત એણે મારી છોકરીને લાત મારી ને પગનું હાડકું ભાગ્યું ત્યારથી મારું એના પરથી મન ઊતરી ગયું. મેં એને લઘાને નજીવા દામમાં વેચ્યો. લઘાએ એને મારી મારીને પાંસરો કરવાનું કર્યું, પણ એ સુધર્યો નહિ. એક દહાડો એ ભાગી નીકળ્યો. લઘાના મનથી એમ કે ટાઢે પાણીએ ખસ ગઈ.

થોડાક મહિના એણે ખેતરોમાં અને વાડીઓમાં ધાડ પાડતા ફર્યા કર્યું. એક રાતના ચિત્તાના મોઢામાંથી બચી જઈ ગામમાં પેઠો તે બહાર નીકળ્યો જ નહિ.
એણે પીઠ પર ત્રિશૂળનો ડામ લીધો અને ખૂંટ બન્યો, અને મારકીટ બાદશાહ કહેવાયો. એની આંખ ફોડીને મકનો ‘કસાઈ’ કહેવાયો અને ખૂંટ ‘હીરો’ બન્યો, પણ’ કહેતાં બકાલી ઓચિંતી ઉધરસ ખાતા ખાતા ઊભો રહી ગયો અને મારે ખભે ટેકો લઈ, છાતી દાબતાં; એણે માથુ ઝુકાવી દીધું. હું ગભરાટમાં જોઈ જ રહ્યો.

હરિએ એને બીજી તરફથી ટેકો આપતાં પૂછ્યું : ‘શું થયું?’
એણે હાથથી ઇશારો કરી થોભવાનું કહ્યું અને જોરથી ખાંસી ખાવા લાગ્યો. અમે એને એક મોટા પથરા ઉપર બેસાડયો. ફીણ જેવા બળખા નીકળ્યા ત્યારે એની ખાંસી સમી. એણે ઊંડો શ્વાસ ભરતાં કહ્યું : ‘નિમોનિયા પછી છાતી ખોખરી થઈ છે. દાક્તર કહે છે કે મને હાર્ટનું દરદ છે – અને આવું થાય છે ત્યારે ઘડીભરમાં મોતને નજરોનજર જોઈ લઉં છું. અંહ હવે બીક પણ નથી લાગતી, અંહ- અંહુ- ખોં ખોં ખોં’ કહેતાં ફરી એની ખાંસીનાં ભસરડાં ફરવા લાગ્યા.

અમર_કથાઓ
અમે પણ એની બાજુમાં બેઠા. એ વખતે સાંજ પડવા આવી હતી. ઘેરાં ઘેરાં અંધારાં ઊતરવાની શરુઆત થઈ ચૂકી હતી. અને દૂર અજવાળી ક્ષિતિજ આડે બાવળનાં ઠૂંઠાં ભૂતિયા રુપ ધારણ કરી રહ્યાં હતાં. ગામના ગઢથી અમે બહુ દૂર નહોતા. લક્ષ્મીનારાયણ મંદિરના શિખરે ધજાને અટવાતી, શરમાતી બનતી મેં જોઈ. હમણાં જ આરતી થશે અને નોબત વાગશે – અમે લાંબી, ભૂખી ધરતીને ખૂંદી આવી વસ્તીમાં આવી પહોંચ્યાનો મને આનંદ ઉદ્ભવ્યો.

બકાલીએ હરિ પાસે ફરી બીડી માંગી. અમે ત્રણેએ બીડી પેટાવી. બકાલી ચલમની માફક બીડી પીતાં, સળગતા લીલા લાકડા જેવો ધૂંધવાઈ રહ્યો.
‘હવે છેલ્લી વાત!’ એણે ખાંસીનાં બે ઠસકાં ખાઈ ખૂંટની વાત આગળ ચલાવી :

‘હીરાને છેલ્લે છેલ્લે એક દોસ્તાર મળી ગયો – એ હતો અડીબાજ ગધેડો! અને એ દોસ્તી આબાદ જામી ગઈ. મારા ઘરની બાજુમાં અબુનું ઘર છે. અબુના નવ ગધેડામાં એક અડીબાજ ગધેડો હતો. વહેલી સવારના અબુ એનાં ગધેડાંને ગોતવા નીકળે. તેમાંથી એ અડીબાજને ઘેર લાવતા એને પસીનો છૂટી જાય. પછી એના પર રેતીનો ભાર મેલે એટલે એ બેવડો વળી કમાન થઈ જાય,

અને કહેવતના ગધેડા જેવો, ચાલવાની ના કહી આબાદ ઊભો રહી જાય. પછી અબુ એને ઠોકવા માંડે – ઠોકીને થાકે ત્યારે અડીબાજ ચાલે. સાંજે ઘેર આવી પોતપોતાનું પેટ ભરવા અબુ બધા ગધેડાંને છૂટાં મેલી દે. તેમાંનું દરેક ગધેડું પોતપોતાના નક્કી કરેલા ફળિયામાં પહોંચે. પણ અડીબાજ આખું ગામ ઢૂંઢે.
કૂતરાઓને એની તરફ ખાસ નફરત! એ આવે ત્યારે મોડી રાતે પણ કૂતરાં એની પાછળ ભસવા મંડે અને એ પણ ભૂંકતો ભૂંકતો, લાગ આવે ત્યારે એકાદ કૂતરાને લાત મારી ચીસ પાડતો ફરે. હીરા ખૂંટ પછી આ અડીબાજ – લોકોએ તેનું નામ અડીબાજ જ રાખ્યું- ઠીક ઠીક નામ કાઢતો હતો.

ચાંદની રાતના ગામના વંઠેલ છોકરા અડીબાજ પર સવારી કરે ત્યારે એ ખાસ રંગમાં આવી જાય- દોડાદોડ કરે, લાતો ઉરાડે, પડે અને પાડે. કેટલાક તો અડીબાજના ખાસ શોખીન! એને કોક દહાડો ટોપી પહેરાવી જાય, જૂનાં ખાસડાં મળે તો ગળે બાંધી જાય,અને દિવાળીના દિવસોમાં એને પૂંછડામાં ફટાકડાની સર બાંધી સળગાવે.
એક મોડી રાતે મારકીટ પાછળની ચાની હૉટલ બંધ થવાની હતી ત્યારે અડીબાજ અમસ્તો જ ત્યાં પહોંચ્યો. હોટલવાળાએ આખા દિવસની ઊકળેલી ચાની ભૂકી દરવાજા આગળની કૂંડીમાં નાખી અને અડીબાજે એમાં મોંઢું નાંખ્યું અને ખાવા લાગ્યો.

એને ચા ગમી હશે તો બીજી રાતે પણ આવી પહોંચ્યો અને હોટલ બંધ થવાની રાહ જોતો માથું નીચું કરી પાછળનો એક પગ વાંકો રાખી પૂંછડાથી માખીઓ ઉરાડતો ઊભો રહ્યો. ત્રીજે દહાડે આવ્યો, અને પછી રોજ આવવા લાગ્યો. એને ચાની ભૂકીનું બંધાણ થયું – તે એટલે સુધી કે કોક દહાડો હૉટલ મોડી બંઘ થાય અને ‘ચાનો ટાઇમ’ ટળી જાય તો રડારોળ કરી નાખે. હસનઅલી ચાવાળો ગાળો દેતો, ચાની ભૂકીનું ટોપલું લઈ કૂંડીમાં નાંખે.

‘લે, લે! માળા મારતલ! તું ‘ખુદાબખસ’ બંધાણી ખરો નીકળ્યો!
ભૂકી ખાઈ એ મારકીટની આજુબાજુ ટહેલતો ફરે. હીરો ખૂંટ પણ ત્યાં જ હોય. એ બન્નેને એકબીજાથી ઠીક ગોઠી ગયું અને આબાદ દોસ્તી જામી.

સાંજે અબુ પાસેથી છૂટી અડીબાજ મારકીટ તરફ વળે. રસ્તામાં જે કંઈ મળ્યું એ ખાઈ લે, અંધારુ થાય એટલે મારકીટની પાછળ સોડાવૉટરની ફેક્ટરી આગળ આવી પહોંચે.
બનતાં સુધી હીરો ત્યાં હાજર જ હોય. એકબીજા તરફ જોતાં એ સામસામે ઊભા હોય અને રાત વહી જાય. કોક વખત માથુ ઊંચુ કરી ઉપલો હોઠ હલાવતો, ધીરો હળવો અવાજ કરતો અડીબાજ હીરા તરફનું પોતાનું વહાલ વ્યક્ત કરે. કોક વાર હીરો પોતાનાં નાનાં ખૂંટિયાં શિંગડાં ધીમેથી અડીબાજની કૂખમાં ભેરવી ગલગલિયા કરે.

એક વખત પૂનમચંદ શેઠ માનસંગની દુકાને પાન ખાવા ઊભા હતા ત્યાં એમની નજર આ હીરા- અડીબાજની પ્રેમચેષ્ટા પર પડી. માનસંગે પૂનમચંદની આંખોની નેમ પારખી અને મશ્કરીની અદામાં પૂછ્યું :
‘શેઠ ! જોયું ને?’
‘હા જોયું.’ પૂનમચંદ કહે, ‘આ બધી પડતીની નિશાની છે!’ હનુમાનજીના પૂજારી લાલગર પણ ત્યાં દુકાન પર હાજર હતા. એમણે હસતાં હસતાં કહ્યું :
‘ત્રણ દુકાળ તો વટાવ્યા શેઠ. પણ હવે ચોથો નહિ નીકળે!’

‘નીકળે કે ન નીકળે પણ આ જુઓ, નજરે જોઈ લ્યો! હવે તો પશુઓમાં ય પાપ પેઠું છે. એમના નસીબે અને પુણ્યે અત્યાર લગી બે છાંટા’ વરસાદ પડતો હતો! હવે તો -‘ કહેતાં એમણે હીરાનું ગળું ચાટતા અડીબાજ તરફ આંગળી કરી, ‘આ આવું ચાલ્યા કરે છે ત્યાં લગી આપણું ઊંચું આવવાનું નથી – હા – ખરું કહું છું!’ કહી સરી ગયેલી પછેડીને ખભે ભેરવી પૂનમચંદ શેઠે ચાલવા માંડયું.

અને લાલગરની દુકાનેથી પૂનમચંદની એ વાત આખા ગામમાં પસરી. લોકો પહેલાં તો હસવા લાગ્યા. હીરા-અડીબાજની દોસ્તી ‘પડતીની નિશાની’ તરીકે ગવાઈ ગઈ. અમરકથાઓ

મોડી રાતે અડીબાજ હસનઅલીની હૉટલે ચાની ભૂકી ખાવા જાય ત્યારે હીરો ખૂંટ પણ એની સાથે હોય. ચા પીનાર કોઈક તરત જ બૂમ મારે :
‘હસનઅલી, આ આવી ‘પડતીની નિશાની!’ હોટલ બંધ કર!’

ગધેડો અને સાંઢ દોસ્તીની વાર્તા
ગધેડો અને સાંઢ દોસ્તીની વાર્તા


અડીબાજ ભૂકીખાય એ હીરો દૂર ઊભો ઊભો જોયા કરે. હસનઅલી હૉટલ બંધ કરી ઘર તરફ વળે ત્યારે અડીબાજને હીરાને પડખે પડખે ચાલતો જુએ અને રોજ માથું ધુણાવી તોબાહ પુકારે, અને કહે :
‘ખુદા કરે તે ખરી! બાકી આ ‘જુગલ જોડી’ જરુર પડતી લાવશે!’

અને આ વરસે અષાઢમાં ઉકળાટ થવાને બદલે પવન ફૂંકાવા લાગ્યો. આદ્રા નક્ષત્ર વટાવી ગયું. કાળાં વાદળ આકાશમાં ઊભરાઈ ઊભરાઈ, વળ ખાઈને ચાલ્યાં ગયાં. ધૂળ ઊડવા લાગી. ખેડૂતો વાવણી કરી, લમણે હાથ દઇ બેસી રહ્યા.ભાદરવો આવ્યો, લોકોની ઇંતેજારી અને ચિંતા વધી પડયાં. ઘાસનો સંગ્રહ હવે બિલકુલ નહોતો અને ઢોરોમાં ભૂખમરા પછી રોગચાળો પેઠો હતો. સીમમાં ઠૂંઠાં ઝાડ અને ભૂરી ધરતી નિ:શ્વાસ છોડવા લાગ્યાં.

આકાશમાં ધૂળ, ગીધ અને કાગડા ઊડતાં રહ્યાં.
ક્યાંકથી વાત આવી કે એક કણબીએ બધું વેચી મારી બે દુકાળ વટાવ્યા. એની છેલ્લી વધેલી મૂડીમાં એક ગાય એણે વેચી નહિ અને એ બંનેને ભૂખે મરવાનો વખત આવ્યો ત્યારે બૈરી-છોકરાંને રઝળતાં મેલી એ ગાય સાથે બળી મૂઓ.એ વાત ખોટી હોય તોય સાચી માનવા જેવો આ કપરો કાળ હતો હતો. અધૂરામાં પૂરું, એક દહાડો વીસેક દુકાળિયાઓએ ગામમાં આવીને કોરટના દરવાજા આગળ ત્રાગાં કરવાની ધમકી આપી. ગામમાં હાહાકાર વરતાઈ રહ્યો.

એક સાંજે કોઈ ટીખળીએ હીરા-અડીબાજ તરફ આંગળી ચીંધી કહ્યું :
‘આ અવદશાનું મૂળ કારણ આ છે!’
‘હું પહેલેથી જ કહેતો આવું છું!’ પૂનમચંદે પોતાની દુકાને વાડી ગીરો મૂકવા આવેલ એક ખેડૂતની સામે સહી કરવા કલમ આગળ ધરતાં કહ્યું.
ખેડૂત બધું ગુમાવી બેઠો હતો – એણે મિજાજ પણ ગુમાવ્યો. કલમને દૂર ફેંકી લાકડી લઇ એ દોડયો અને અડીબાજ ગધેડાને વીંઝવા માંડયો.

એને જોઈને બીજો એક કૂદી પડયો. એણે હીરાને ફટકારવો શરુ કર્યો. છોકરાઓ પથરા ફેંકવા માંડયા અને જરા વારમાં તો ટોળું ભેગું થઇ એ ‘પડતીની નિશાની’ હીરા અને અડીબાજ પર તૂટી પડયું. એ સાંજે લક્ષ્મીનારાયણની આરતી અને નોબત પણ ન સંભળાયાં – મારકીટ પાછળ એટલો બધો ઘોંઘાટ વધી પડયો!

ફોજદારે આંખ આડા કાન કર્યા. પૂનમચંદે બૂમ પાડયા કરી :
‘બરોબર છે, લાયક છે. આમ જ થવું જોઇએ !’
ટોળાએ એને હાંકવા માંડયાં. લંગડાતો અડીબાજ અને લોહીનીતરતો હીરો! આ તો દુ:ખે પેટ અને કુટાય માથું એવું થયું. લોકો એ ‘જુગલ જોડી’ને મારતા મારતા ગામ બહાર તળાવને પેલે પાર વળાવી આવ્યા અને એમને ગયે જાણે પાપ ગયું હોય એમ, બીજે દહાડે વરસાદ ચોક્કસ આવશે એવી ખાતરીથી કેટલાક ઊંઘી ગયા.
વરસાદ ન જ આવ્યો.

આદમજીની દુકાને ફટાકડાની પેટી આવી ત્યારે લખમણ પટેલને થયું કે હવે તો દિવાળી આવી; હવે વરસાદ ક્યાંથી આવે? એણે પૂનમચંદના ચોપડામાં મત્તું મારી વાડી અને ઘર વેચી માર્યાં.

હીરા ખૂંટે અને અડીબાજ ગધેડાએ બે ત્રણ વખત ગામમાં પેસવાનો પ્રયત્ન કર્યો પણ ફાવ્યા નહિ. હીરો તો ગમે ત્યાં વાડીઓમાં ધાડ પાડતો. પણ અડીબાજ બધે ઠેકાણે માર ખાતો. એને ગરદનમાં, કાન પાછળ અને પીઠ પર ચાંદાં પડયાં – એને કાગડાઓએ ખોદી ખોદીને ઊંડાં અને મોટાં કર્યાં. અડીબાજ કમજોર બની લથડતો ચાલતો. એક રાતના હીરાને ખબર ન પડે એમ અડીબાજ ચિત્તાનો શિકાર બન્યો.

સવારના પણ હીરાએ અડીબાજને જોયો નહિ ત્યારે એની આતુરતા વધી ગઈ. એણે એને શોધવું શરુ કર્યું. વાડીઓ અને ખેતરો, તળાવ, ધોબીઘાટ અને કનકેશ્વરીની દેરી; ક્યાંય એને પત્તો નહિ મળ્યો હોય એટલે ગામમાં પેસવા ગઢના દરવાજે એ આવીને ઊભો. પાટલા પર બેઠે બેઠે જ મહેતાએ સિપાઇને બૂમ મારી :
‘અરે લાલજી, આ આવ્યો – હીરો!’

લાલજીએ ભાંગ વાટતાં વાટતાં ઊંચું જોયું અને બોલ્યો :
‘આવ્યો? આવે તો ખરો – આ કાકી જોઈ છે?’ એણે બાજુમાં પડેલી બૅયોનેટ ચડાવેલી બંદૂક બતાવી. હીરો તોય ‘કાકી’ સામે જોતો આગળ વધ્યો ત્યારે લાલજી ડાંગ લઇને કૂદી પડયો. પણ હીરો અટકવાને બદલે સામો પડયો. લાલજીનો ફટકો ચુકાવી એ એની પાછળ ધસ્યો ત્યારે લાલજી જાન બચાવવા દોડતો ગઢને પગથિયે ચડી ગયો. અમર_કથાઓ

હીરો ગામમાં દાખલ થયો. લાલજી એને જોઈ જ રહ્યો. એણે કહ્યું : ‘આજે કંઇ નવાજૂની બનશે.’
તે દહાડે હીરાની ચાલમાં ઝડપ હતી અને માથાના ભારમાં ખુમારી હતી. એણે તરત જ મિજાજ ગુમાવ્યો નહિ. કોઇના ફટકાની કે દૂરથી ફેંકાતા પથરાની પરવા કર્યા વગર એ સીધો મારકીટમાં પહોંચ્યો. બકાલીઓ ગભરાયા. કોઇએ હીરાની હાજરી કલ્પી નહોતી.

‘આવ્યો આવ્યો!’ની બૂમો પડી. કેટલાકે એ મશ્કરી માની, પણ ફડોફડ ત્રાજવાં પડવા લાગ્યાં અને ટોપલાઓ ઊંચકાવા લાગ્યા! અને ઊંચે માથે, એકની એક લાલ આંખ ફેરવતો હીરો અદાથી અને ઝડપથી મારકીટમાં પેઠો ત્યારે લોકો ખરેખર ગભરાયા. જે ટોપલાની બાજુમાંથી હીરો પસાર થતો એ ટોપલાનોમાલિક બાઘો બનીને જોઈ રહેતો.

પણ હીરાએ કોઈ ટોપલામાં માથું ન નાખ્યું. એ અરધી મારકીટ વટાવી વચમાં આવી ઊભો. કાન ઊંચા કરી એણે ચારે બાજુ માથું ફેરવ્યું, બધે જોયું પણ ક્યાંય અડીબાજને ભાળ્યો નહિ. એણે જોરથી પૂંછડું પોતાની પીઠમાં માર્યું અને ડોક લંબાવી ભાંભર્યો અને પછી મારકીટ છોડી ચાલતો થયો. બકાલીઓ હીરાનીઆ વર્તણૂક જોઈ જ રહ્યા. સૌ કોઈ એકબીજાને પૂછવા લાગ્યા :
‘પણ અડીબાજ ક્યાં?’

મારકીટમાંથી નીકળી હીરો હસનઅલીની હૉટલે પહોંચ્યો. આમતેમ જોયું – પેલી ચાની કૂંડી આગળ જઇ પાણી સૂંઘી આવ્યો અને પાછો ફર્યો. લક્ષ્મીનારાયણના હવાડે બેચાર આંટા મારી, પાણી પીધા વગર એણે આખું ગામ ઢૂંઢવા માંડયું. છેક સાંજે સોડાવોટરની ફેકટરી આગળ એ આવી ઊભો – ઊભો જ રહ્યો! એને ચેન નહોતું. ઊભો હતો ત્યાં પાછલા પગે એણે જમીન ખોદવા માંડી. કાનમાં ગણગણતી માખીઓથી છેડાઈ જઇ એ વારેઘડીએ બરાડા પાડતો અને કૂદાકૂદ કરતો કોઈ કોઈ વાર મારકીટની ભીંતને દોડી દોડીને શિંગડાં મારતો.

રાત પડી અને તોય અડીબાજ ન દેખાયો. રાત વધવા લાગી તેમ હીરાની બેચેની વધી ગઈ. પણ એ સોડાવોટરની ફેકટરી આગળથી આઘો ખસ્યો નહિ.
એને ખાતરી હશે જ કે અડીબાજ ગામમાં હશે તો ત્યાં જરુર આવશે. મોડી રાત થઇ ત્યારે હીરો હસનઅલીની હૉટલ આગળ આવ્યો. હસનઅલીએ કૂંડીમાં ચાની ભૂકી નાખી ત્યારે હીરો ટટ્ટાર થઇ ચોપાસ જોવા લાગ્યો. એની આંખ ફાટીને બહાર નીકળવા જેવી થઇ ગઈ. એની ફરતી નજર ક્યાંય ચોંટી નહિ. અડીબાજ આખરે હતો ક્યાં ? એણે મોટી બૂમ પાડી અને કૂદ્યો.

હસનઅલીની હોટલનાં બેત્રણ દેવદારનાં ખોખાંને લાતો મારીને એ ભાગ્યો. એનો મિજાજ ગયો એણે પોતાની જાત પરનો કાબૂ ગુમાવ્યો. અરધી રાત પછી એણે ગામના રસ્તાઓ અને શેરીઓમાં દોડયા કર્યું. ક્યાંક એણે ગાડું ઉથલાવ્યું, કોઇક એકલવાયા નિશાચરનો એણે ટાંટિયો ભાંગ્યો. કોણ જાણે કેટલાંય કૂતરાં ચગદાયાં. કોઇક દુકાનોના એણે દરવાજા તોડયા. સવારના હોહા થઇ રહી. નિશાળો બંધ રહી અને બજાર અર્ધી ખૂલી નહિ.

‘તે વખતે, સવારના-‘ કહેતાં કહેતાં બકાલીને પાછી ઉધરસ આવવા લાગી. મને ભય લાગ્યો કે એની છાતીની ધમણ પાછી સંકેલાઈ જશે. પણ બળખો નીકળ્યો એટલે એણે સ્વસ્થ બની આગળ ચલાવ્યું : ‘સવારના હું વાડીએ ચાલી નીકળ્યો. અને હમણાં આપણને ખબર મળી કે ફોજદારે આખરે એને ગોળીથી ઠાર કર્યો!’
બકાલી વાત પૂરી કરી, બાજુમાં ઉતારી મૂકેલી પાઘડીને ખોલી માથે બાંધવા લાગ્યો. ખભે પછેડી નાખી મોઢું લૂછતો લૂછતો એ ઊઠયો અને ખાસડામાં પગ નાખતાં એના ટાંટિયા ધ્રુજી રહ્યા.

‘એ હીરો ખૂંટ-‘ એનાથી એક અણધાર્યો નિ:શ્વાસ નખાઈ ગયો. ‘એક વખત મારી એના પર ગજબની મમતા હતી! બિચારો મરી ગયો!’
અને ચુપચાપ ચાલ્યા કર્યું. કરોળિયાની જાળ જેવી રાત જામી ગઈ હતી. આ ઘડીએ મને ક્યાંય અજવાળાનું ટપકું દેખાયું નહિ અને મને એ અંધારું ઉષ્માભર્યું અને સુંવાળું ભાસ્યું. જાણે મારું અંતર વિસ્તાર પામી બધે ફરી વળ્યું હોય! વડ આગળનો ખૂણો વળતાં ગઢના દરવાજાની બત્તીઓ અમારી પર કૂદી પડી. મારું સુંદર અંધારું સાચવી રાખવા મેં પળવાર આંખો મીંચી દીધી.

લેખક – જયંત ખત્રી – અમરકથાઓ

આ પણ વાંચો 👇

👉 શરણાઈના સૂર – ચુનીલાલ મડિયા

👉 લગ્નમાં વર-કન્યાને શા માટે મીંઢોળ બાંધવામાં આવે છે જાણો છો ?

👉 એક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ ની વાર્તાઓ

મેકરણ દાદા નો ઇતિહાસ
મેકરણ દાદા નો ઇતિહાસ
famous Gujarati Food recipes name
famous Gujarati Food recipes name

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *