Skip to content

21+ Best Maa Kavita in Gujarati | મા વિશે કવિતાઓ

Best Maa Kavita in Gujarati | મા વિશે કવિતાઓ
9201 Views

આ પોસ્ટમા આપના માટે (21+ Best Maa Kavita) મા વિશે કવિતાઓ મુકી રહ્યા છીએ, મા શાયરી, મા સુવિચાર, મા વિશે ગીત, માતાના પ્રેમની વાર્તા, મા દીકરાનો પ્રેમ, મા-દીકરીનો પ્રેમ, મા વિશે શાયરી, માતૃત્વ કવિતા, માં વિશે સુવિચાર, મા વિશે સ્પીચ, માં વિશે બે શબ્દો, મા વિશે સુવિચાર, માં વિશે ગઝલ, મા વિશે પંક્તિઓ, મા વિશે જુની કહેવતો, વગડાના વા માતા મા વિશે કહેવતો, મા વિશે દસ વાક્યો, મા નો પ્રેમ, મા વિશે નિબંધ, Maa poems collection, Maa kavy, Mata no prem kavitao.

આ પોસ્ટની અનુક્રમણિકા

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

Janani ni jod sakhi nahi jade re lol – Kavi Botadkar

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

જનનીની જોડ સખી કાવ્યની સમજુતિ

“મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.” જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. આ કાવ્યમાં માતાની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી – આ ભાવ આ કાવ્યમાં રજૂ થયો છે .

કવિઓએ માતૃપ્રેમને સ્વર્ગથી પણ ચડિયાતો ગણ્યો છે. કવિ શ્રી બોટાદકર કહે છે કે, મીઠા મધ અને મેહુલાથી પણ મારી માતા મીઠી છે. તેઓ કહે છે કે, માતાની સરખામણી કોઇની સાથે ન થઈ શકે તે અજોડ છે. માતા એ તો ભગવાનના પ્રેમ અને હેતની પૂતડી છે તેથી એ આખી દુનિયાથી અલગ છે. માતાનું સર્જન પ્રભુએ કર્યું છે એટલે માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ સમાન છે અને એનો સ્વભાવ તો જગતના બધા લોકો કરતાં નિરાળો એટલે કે અલગ છે. એટલે કે આખા વિશ્વથી માની પ્રેમની જોડ જુદેરી અલગ છે.

માં ની આંખો અમીથી ભરેલી અને તેના વેણ વહાલથી ભરેલા છે. એટલે હે સખી માતાની પ્રેમની આવી જોડ ક્યારેય નહી જડે. માં ના હાથ સુવાળા રેશમથી ગુથેલા હોય તેવા છે, અને એનું હદય હેમંતઋતુની શીતળતાથી ભરેલાં હેલ એટલે કે માનું હૈયું શીતળ છે. એટલે કે સખી માતાની આવી જોડ ક્યારેય નહી જડે.

માતાના દૂધ એટલે કે ધાવણ દેવ લોકોને થોડા પણ ન મળે તેવા દુર્લભ છે. કેહવાય છે કે ત્રણ જગતનો નાથ પણ એ વિના અનાથ છે, અને એનો ખોળો તો ચંદ્રની ચાંદનીથી સીંચેલો હોય એવો શીતળ છે. એટલે કે સખી આવી માતાની જોડ જગતમાં બીજી મળવી મુશ્કેલ છે.

આખા જગતનો આધાર માતાની આંગળી છે જે આપણે આંગળી પકડી બાલમંદિરના પગથિયાં સુધી પહોંચાડે છે. માતાના હદયમાં કેટકેટલા અરમાનો ભર્યા છે એટલે કે હે સખી આ જગતમાં માતાની આવી જોડ નહી જડે. માતાનું મન જાણે બાળકના સુખમાં જ રહેલું હોય છે એટલે કે, એ હમેશાં બાળકને સુખી જોવા જ વિચારતી હોય છે. આથી એના પ્રાણ પ્રત્યેક સમયે પોતાના બાળક સાથે બાંધયેલા હોય છે. એટલે કે હે સખી! આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહી મળે .

માં ના હદયમાં મૂંગા આશીવચનો મલકાતા રહે છે અને એના એ આશીવચનની ભેટ આપણે લઈએ તોપણ તે ક્યારેય ખૂટતાં નથી. એટલે કે હે સખી! આ જગતમાં માતાની જોડ આવી મળવી મુશ્કેલ છે. ધરતીમાતા પણ ક્યારેક ધ્રૂજતી હશે પણ માં પોતાના બાળક પ્રત્યેની લાગણીમાં ક્યારેય વિચલિત થતી નથી. એટલે હે સખી! આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહી મળે.

ભારતની પવિત્ર ગણાતી ગંગા નદીનો પ્રવાહ એટલે કે વહેતો વ્હેણ ક્યારેક વધતો ઘટતો થયા કરે છે, પરંતુ માતાનો પ્રેમ તો નિરંતર એકસરખો જ રહે છે. એટલે કે હે સખી! આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહી મળે. આકાશમાં રહેલી વાદળો પણ ક્યારેય વરસી જાય છે તો ક્યારેય બંધ થઈ જાય છે, પરંતુ માતાનો પ્રેમ તો વરસાદની જેમ અવિરત બારેમાસ મળી જ રહે છે. એટલે કે હે સખી! આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહી મળે .

કવિ કહે છે ચંદ્રની ચાંદનીમાં પણ સુદ એટલે કે, શુક્લ પક્ષમાં વધારો થાય છે, જ્યારે વદ એટલે કે, કૃષ્ણ પક્ષમાં ઘટાડો થયા કરે છે, પરંતુ માતાનો પ્રેમ ક્યારેય વધઘટ થતો નથી. એટલે કે હે સખી! આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહી મળે.

હતો હું સૂતો પારણે પુત્ર નાનો – દલપતરામ

Hato hu suto parane putr nano kavita – kavi Dalpatram

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુખી દેખી દુખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા, તું !

સુકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામી પંડે તજે સ્વાદ તો તે,
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા, તું !

લઈ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજુ મને કોણ દેતું ?
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા, તું !

પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી,
પછી કોણ પોતાતણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા, તું !

મને કોણ કે’તું પ્રભુ ભક્તિ જુક્તિ ?
તળે તાપ પાપે મળે જેથી મુક્તિ?
ચિતે રાખી ચિંતા રૂડું કોણ ચાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું
મહા હેતવાળી દયાળી જ મા, તું !

તથા આજ તારૂં હજી હેત એવું,
જળે માછલીનું જડ્યું હેત જેવું,
ગણિતે ગણ્યાથી નથી એ ગણાતું!
મહા હેતવાળી દયાળી જ મા, તું !

અરે, આ બધું શું ભલું જૈશ ભૂલી?
લીધી ચાકરી આકરી જે અમૂલી ?
સદા દાસ થૈ વાળી આપીશ સાચું !
મહા હેતવાળી દયાળી જ મા, તું !

અરે દેવાના દેવ આનંદદાતા,
મને ગુણ જેવો કરી મારી માતા,
સામો વાળવા જોગ દેજે સદા તું !
મહા હેતવાળી દયાળી જ મા, તું !

શીખે સાંભળે એટલા છંદ આઠે,
પછી પ્રિત થી જો કરે નિત્ય પાઠે,
રીઝી દેવ રાખે, સુખી સર્વ થાવે,
રચ્યા છે રૂડા, છંદ દલપતરામે.

તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !

તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !
એક મીઠું આંગણે સરવર હતું, મા !

ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા !

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !

યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા !

ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા !

– રતિલાલ સોલંકી

મા હૃદયમાં હર્ષ રાખે છે.

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

– અનિલ ચાવડા

‘મા’નું સર્જન થયું. Best Maa Kavita in Gujarati

પ્રેમને સાકાર થવાનું મન થયું ને ‘મા’નું સર્જન થયું.

પ્રભુને પણ અવતરવું પડે છે, ને મા ની ગોદમાં રમવું પડે છે,
મા એ તો મા છે… બધાને ત્યાં વિરમવું પડે છે.

રડવું હોય તો ખભો કોઇનોય મળે, પણ ખોળો તો મલકમાં ‘મા’નો જ મળે.

‘મા’ ગંગા કરતાં પણ મહાન છે,
ગંગા સુકાય, મા નહિં.

મા એ પૂર્ણ શબ્દ છે ગ્રંથ છે, યુનિવર્સીટી છે,
મા મંત્ર બીજ છે પ્રત્યેક સર્જનનો આઘાર છે મા,
મંત્ર તંત્ર ને યંત્રની સફળતાનો મુલાધાર છે મા.

જેને કોઇ ઉપમા આપી ન શકાય એનું નામ છે ‘મા’,
જેની કોઇ સીમા નથી તેનું નામ છે ‘મા’.

મારે ખરી, પણ… માર ખાવા ન દે એનું નામ “મા”.

શિવની જટામાં માત્ર ગંગા જ અવતરી છે, પરંતુ
માના જીગરે તો કંઇક ગંગા અને મહાસાગરો ઉમટયા છે.

પૃથ્વી પરનો સૌથી મહાન, સૌથી પવિત્ર શબ્દ છે “મા”.

બાળકને રાહ બતાવે તેનું નામ ગુરૂ પરંતુ,
બાળકની રાહ જુએ તેનું નામ માતા.

મા ના પ્રેમમાં કદી રૂકાવટ હોતી નથી.
મા ના વિચારમાં કદી મિલાવટ હોતી નથી.

“મા”નું મૂલ્યાંકન થઈ શકે તેવી કોઇ વ્યક્તિ કે શબ્દો નથી, માટે જ કહેવાય છે કે
“મા તે મા, બાકી બધા વગડાના વા”.

-પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી

50+ माँ के लिए सबसे लोकप्रिय शायरी

Best Maa Shayari | माँ के लिए सबसे लोकप्रिय शायरी
Best Maa Shayari | माँ के लिए सबसे लोकप्रिय शायरी

તને ઓળખું છું, મા ! તને ઓળખું છું, મા !

Tane olkhu chhu Maa Kavita – kavi Manohar Trivedi

તને ઓળખું છું, મા ! તને ઓળખું છું, મા !
સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે,ખમ્મા !

ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,
ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,

મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં ….

તરણા પેઠે ચાવે કે હડસેલે,કોઈ ફેંકે
પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે

દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં ….

ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ?

સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા ….

તને ઓળખું છું, મા !

✍ મનોહર રતિલાલ ત્રિવેદી

 “તને ઓળખું છું, મા.” એક ઊર્મિગીત છે. કવિએ અહીં આગવી શૈલીમાં માતૃ મહિમા ગાયો છે.ગીતો નાયક અહીં વિનમ્ર ભાવે માતૃ ઋણનો સ્વીકાર કરે છે.

તને ઓળખું છું મા ! ગીતની આ પ્રથમ પંક્તિથી જ માતૃ મહિમાનો આરંભ થઈ જાય છે. જીવનમાં ગમે તેટલા સંકટો આવે ક્યારેક સગા વાહલા અને મિત્રો પણ ઉપેક્ષા કરે છે કે ધિક્કારે તરુણોની સંકટો આવે ક્યારેક તરૂણા ની જેમ ચાવે કે ફેકી દે આવા સંજોગોમાં મા જ એક લવાયા જીવનમાં મમતા નો વરસાદ વરસાવે છે અને એ મમતા જ તેને માટે ફરી ઊભા થવાનો ટેકો બની રહે છે. માની આંગળીઓના પેરવાનો સ્પર્શ થતા તેના સંતાન ના દુઃખ તરત અદ્રશ્ય થઈ જાય છે.

                 કવિ ઘરથી ગમે તેટલા દૂર હોય છતાં પ્રેમાળ મા તેમની આંખ સામે જ હોય એવી તેમને પ્રતીતિ થાય છે. એવો કોણ અભાગી હશે જેને સદાય માનો પ્રેમ મળ્યો ન હોય. કવિને માટે માનું એક એક સ્મરણ તીર્થરૂપ છે. એના દરેક સ્મરણ ને યાદ કરી ને કવિએ તીર્થની સતત પરિક્રમા કરતા રહે છે.

                 આથી, કવિ દ્વારા આપવામાં આવેલ શીર્ષક યોગ્ય અને યથાર્થ છે.

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે

Abhma Ugel chandlo ne Jijabai ne Avya baal re

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

– ઝવેરચંદ મેઘાણી

mother's day special story - The mother's heart
mother’s day special story – The mother’s heart

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે

Dikaro maro Ladakvayo devno didhel chhe

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

– કૈલાસ પંડિત

આંધળી મા નો કાગળ

Andhali maa no kagal – Indulal Gandhi

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ ગામે, ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ,તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે,ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે,પાણી જેમ પઈસા વેરે.

હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,ગરીબની ઈ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર;
હવે નથી જીવવા આરો,આવ્યો ભીખ માગવા વારો.

–  ઈન્દુલાલ ગાંધી

ખરી મા : એક યાદગાર પાઠ

ખરી મા, maa vishe varta
ખરી મા, મા નો પ્રેમ, મા વિશે સુવિચાર.

મા બાપને ભૂલશો નહિ

Maa Baap ne Bhulsho nahi Lyrics in Gujarati – sant Punit

ભૂલો  ભલે બીજું  બધું   મા બાપને ભૂલશો નહિ

અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી  તણા  ત્યારે દીઠું તમ મુખડું

એ પુનિત જનના કાળજાં પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા મ્હોંમાં દઈ મોટા કર્યા

અમૃત તણાં દેનાર સામે ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં  લાડ તમને  કોડ સૌ પૂરા કર્યા

એ કોડના પૂરનારના કોડને પૂરવા ભૂલશો નહિ

લાખો  કમાતા હો   ભલે   મા બાપ જેથી ના ઠર્યા

એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો

જેવું  કરો તેવું ભરો  એ ભાવના  ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને સુકે સુવડાવ્યા આપને

એ અમીમય આંખને  ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી જેણે તમારા રાહ પર

એ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું  માતા પિતા મળશે નહિ

પલ પલ પુનિત એ ચરણની  ચાહના ભૂલશો નહિ

–સંત પુનિત

મા હશે તો સો વરસ જીવી જવાશે

મા હશે તો સો વરસ જીવી જવાશે,
અન્યથા વચ્ચે કશે અટકી જવાશે.

ધ્યાનથી માનો ચહેરો જોઈ લેજે,
સાર ગીતાનો તરત સમજી જવાશે

ત્યાં જ કાશી, ત્યાં જ કાબા, ત્યાં જ વૈકુંઠ,
એક ખોળામાં બધું પામી જવાશે.

ગોદડીમાં સાડલા જો હોય એના,
સોડ લેતાં સ્‍હેજમાં ઊંઘી જવાશે.

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.

– ભરત ભટ્ટ ‘પવન’

અચાનક ફરીથી જ મા યાદ આવી

અચાનક ફરીથી જ મા યાદ આવી;
બધાં યે દરદની દવા યાદ આવી.

નહીંતર હતું સાવ અંધારું ઘરમાં;
ધીમેથી સળગતી શમા યાદ આવી.

ભીતરનો બગીચો જ ખીલી ગયો છે;
વહેતી વસંતી હવા યાદ આવી.

સહજ હાથ ઊંચા થયા બંદગીમાં;
ફકીરોની જાણે દુઆ યાદ આવી.

હું વરસોથી છૂટી ગયો છું છતાં યે;
મને ધ્રૂજતી એક માં યાદ આવી.

– આહમદ મકરાણી

જે રાહ જુએ છે તે હંમેંશા મા હોય છે

જે રાહ જુએ છે તે હંમેંશા મા હોય છે,

એની બધી આંગળીઓ ચગદાઈ ગયેલી

જગતનાં સ્વયંસંચાલિત બારણાઓમાં,

એના સઘળા વિચારો જાણે કે

જીવતાં ટાંકણીથી જડી દીધેલાં સગભૅ પતંગિયાં,

અને એના વાટવાનો અરીસો બતાવે

ક્યારનોય વહી ગયેલો કાળ, જ્યારે

ખુશીની કિકિયારીઓ સફરજન-વૃક્ષોમાં લંબાતી રહી હતી.

અને ઘરમાં રીલ અને દોરો એકબીજાંને ઘુસપુસ પૂછે :

આપણું શું થશે ?

જે રાહ જુએ છે તે હંમેંશા મા હોય છે,

અને હોય છે બીજી હજાર વસ્તુઓ જેમનાં ભાગ્યમાં હોય છે

દુર્નિવાર પતન.

જે રાહ જુએ છે તે  હંમેશાં મા હોય છે.

નાની થતી, નાની થતી,

ઝાંખી થતી, ઝાંખી થતી,

સેકંડે સેકંડે

ત્યાં સુધી કે અંતે

ન કોઈ જ એને જુએ

– મિરોસ્લાફ હોલુબ

અનુવાદક : હસમુખ પાઠક 

તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !

તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !
એક મીઠું આંગણે સરવર હતું, મા !

ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા !

સાવ ખાલીખમ હતું પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !

યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા !

ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા !

– રતિલાલ બી. સોલંકી

અશ્રુ જે પીવે છે તે મા હોય છે

અશ્રુ જે પીવે છે તે મા હોય છે,
મનમાં જે રૂવે છે તે મા હોય છે.

ડાઘ જે પાડે તે બાકીના બધા,
ડાઘ જે ધુએ છે તે મા હોય છે.

આવનાર કોઈ ન હોય તે છતાં,
રાહ જે જુએ છે તે મા હોય છે.

આખા ઘરને પ્રેમથી ઊંઘાડ્યા બાદ,
અંતે જે સુવે છે તે મા હોય છે.

– મુકુલ ચોક્સી

બા લાગે વહાલી – Best Maa Kavita in Gujarati

Ba lage vahali, mane to Ba lage vahali

બા લાગે વહાલી, મને તો બા લાગે વહાલી
વહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી
હિંચોળી ગીત મીઠાં ગાતી
દૂધ મીઠું પાતી, મને તો બા લાગે વહાલી

જે માગું તે સઘળું દેતી
બચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી

હસું રમું તો રાજી થાતી
રડું તો મૂંઝાતી, મને તો બા લાગે વહાલી

વાંક બધા યે માફ કરીને
મારા ગુણ ગાતી, મને તો બા લાગે વહાલી

-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

Maa ki Mamata ki kahani Video Jarur dekhe

યાદ તારી મા – Best Maa Kavita in Gujarati

અશ્રુ ભીની આંખ મારી, તરસ્યા કરે બસ તુજને જ માં,
શા માટે છે તું રીસાણી, વિચાર્યા કરું બસ એ જ મનમાં.

નથી રહી શક્તો તુજ વીણ, ક્ષણ ભર પણ એક દિવસમાં,
ન કરીશ અબોલા મુજસંગ, ખોવાયેલ હું બાળ તુજ મમત્વમાં.

નથી જોઇતી દુનિયા કેરી, સુખ સાહેબી આ જગતમાં,
મારું મન ઝંખે છે તુજને, ચાતક સમ બની, કણકણમાં.

લાવણ્ય કેરી તુજ છોળ કાજે, ભટકું ભ્રમર બની હું મલકમાં,
મળશે કદાચ મુજ શકને તું, આશ એક તે તનમનમાં.

સઘળું મેળવું શ્રમથી પણ, સાથ તારો ક્યાં મુજ નસીબમાં,
સાદ પાડું તુજ નામનો હું આજ, ગમગીન બની નીલ ગગનમાં,

દુનિયા કેરી અનંત યાતનાઓ, વેઠી ઉછેર્યો મુજને તે બાળપણમાં,
અફસોસ એ ઋણ ચૂકવવાનો, મોકો ન મળ્યો મુજને જીવનમાં.

વાદળ બની વરસી ગઇ તું પણ, ભીંજાઇ શક્યો ન અંગેઅંગમાં,
આંગળી પકડી ચાલતા શીખ્યો, ન બન્યો તુજ સહારો ઘડપણમાં.

યાદો છે સાથે ફક્ત આજ તારી, બાકી બધું વીત્યું અણસમજણમાં,
અમાસ કેરા ચાંદમાં નીરખું તુજને, મંત્રમુગ્ધ થઇ નીલ ગગનમાં.

કંઇપણ નથી વિશેષ ‘દેવ’, માં કરતા આ જટીલ જગતમાં,
ઇશ્વર પણ અવતર્યા તે તત્વ પામવા, રામકૃષ્ણ બની રધુકૂળ યાદવમાં.

– દેવાંગ જોષી

માતા વિના સૂનો સંસાર

Maa vina suno sansar

કેમ કરી લજ્જા રહેશે, તાત? હું શેં ન મૂઈ મરતાં માત?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર?

જે બાળકની માતા ગઈ મરી, બાપ-સગાઈ સાથે ઊતરી,
જેમ આથમતા રવિનું તેજ, મા વિના તેવું પિતાનું હેજ.

સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિના જેમ તરફડે મચ્છ,
ટોળા-વછોહી જેમ મૃગલી, મા વિના તેમ પુત્રી એકલી.

લવણ વિના જેમ ફિકું અન્ન, ભાવ વિના જેહેવું ભોજન,
કીકી વિના જેવું લોચંન, મા વિના તાતનું તેવું મંન,

ઘડો ફૂટે રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી;
ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર.

મહાકવિ શ્રી પ્રેમાનંદ (”કુંવરબાઈનું મામેરું”માંથી)

માવલડી – Best Maa Kavita in Gujarati

તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવે જી રે
બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળે જી રે

માનો તે ખોળો પ્રેમનું પારણું
સ્વર્ગનો લ્હાવો લૂંટાવે જી રે

જનનીનું હૈયું ધરણીનું ભરણું
નિત નિત વ્હાલે વધાવે જી રે

અમી વાદલડી વરસે નયનોથી
જીવનમાં તૃપ્તિ સીંચે જી રે

તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી
દિઠું ઋણી જગ સારું જી રે

મા ને ખોળે ઝૂલ્યા જાદવજી
વૈકુંઠના સુખ કેવા ભૂલ્યા જી રે

પૂજું મા તને ચરણ પખાળી
તુજ દર્શનમાં ભાળ્યા જગદમ્બા જી રે

રમેશ પટેલ ‘આકાશદીપ’

મા તે મા – Maa te Maa

Maa te Maa bija badha vagada na vaa

મા તે મા ને બીજાં વગડાના વા
મા જેવી મા બીજી લેવા તો જા .
થકવી નાંખે એવો સંસાર છે આ
માના ખોળામાં પોરો થોડો ખા.

જ્યારે જ્યારે હૈયે વાગે છે ઘા
ત્યારે ત્યારે સાંભરતી કેવી મા!

છે સૌને મોટા થાવા બાબત હા
માતાને ભૂલી જાવા બાબત ના.

મોટો થઈને પણ હળવો હળવો થા
મા ગાતી’તી એ ગીતો તું પણ ગા.

  • યશવંત ઠક્કર

મિત્રો અહી ‘મા’ વિશે કવિતાનો ભાગ 1 પુરો કરીએ છીએ અને હજી તો ખુબ જ કવિતાઓ બાકી છે એ બીજા ભાગમા મુકીશુ. – અમરકથાઓ

મા વિશે શાયરી, સુવિચાર, કવિતાઓ ભાગ 2

50+ Best Dard Bhari Shayari | दर्द भरी शायरी (NEW)

રમેશ પારેખની શ્રેષ્ઠ કવિતાઓ, ગઝલો

રમેશ પારેખની શ્રેષ્ઠ કવિતાઓ, ગઝલો | Best of Ramesh Parekh collection

મા શાયરી, મા સુવિચાર, મા વિશે ગીત, માતાના પ્રેમની વાર્તા, મા દીકરાનો પ્રેમ, મા-દીકરીનો પ્રેમ, મા વિશે શાયરી, માતૃત્વ કવિતા, માં વિશે સુવિચાર, મા વિશે સ્પીચ, માં વિશે બે શબ્દો, મા વિશે સુવિચાર, માં વિશે ગઝલ, મા વિશે પંક્તિઓ, મા વિશે જુની કહેવતો, વગડાના વા માતા મા વિશે કહેવતો, મા વિશે દસ વાક્યો, મા નો પ્રેમ, મા વિશે નિબંધ, Maa poems collection, Maa kavy, Mata no prem kavitao.

4 thoughts on “21+ Best Maa Kavita in Gujarati | મા વિશે કવિતાઓ”

  1. Pingback: મા વિશે શાયરી, સુવિચાર, કવિતાઓ | Maa Shayari, Poems in Gujarati - AMARKATHAO

  2. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

  3. Pingback: પ્રેમનાં આંસુ - કુન્દનિકા કાપડિયા - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *