2897 Views
શાહબુદ્દીન રાઠોડની હાસ્યવાર્તાઓ વનેચંદનો વરઘોડો, શિક્ષકોનું બહારવટુ, આવ ભાણા આવ, નટા જટાની જાત્રા જેવા અનેક હાસ્યપ્રસંગો પીરસનાર Shahbuddin Rathod. shahbuddin rathod books pdf, ગુજરાતી હાસ્ય સાહિત્ય, શાહબુદ્દીન રાઠોડ ના જોક્સ, શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની વાત, શાહબુદ્દીન રાઠોડ હાસ્ય કલાકાર, શાહબુદ્દીન રાઠોડ જોક્સ, શાહબુદ્દીન રાઠોડ નો ડાયરો.
હાસ્યવાર્તા ૧ – માસ્તર ઘોડે ચડ્યા
મારા મિત્ર મોહનલાલ માસ્તરને કાબરણ ગામે વસતિગણતરી કરવાની ફરજ આવી પડી.
મામલતદાર જોશીસાહેબે મોહનલાલ માસ્તરને બોલાવી કહ્યું : જુઓ , માસ્તર , કાબરણ જવા માટે કોઈ વાહનની વ્યવસ્થા નથી. તમારે ઘોડે બેસી જવું પડશે. તમને ઘોડેસવારી ફાવે છે ને ?
મોહનલાલ માસ્તરે કહ્યું : યુવાનીમાં અશ્વ વિશે જાણવા મેં પ્રયાસ કર્યો છે. રાણા પ્રતાપની વીરતા અને ચેતકની સ્વામીભક્તિનો પાઠ મેં વિદ્યાર્થીઓને ભણાવ્યો છે. સિકંદરના બ્યુસેફેલોસ વિશે હું જાણું છું, તેનું જ્યાં મૃત્યુ થયું ત્યાં સિકંદરે પોતાના પ્રિય અશ્વની યાદમાં બસીકુલ નામનું શહેર વસાવેલ છે.
માત્ર ઘોડેસવારી જ નહીં, કોઈ પણ કાર્ય સફળતાથી પાર પાડવું હોય તો સ્વસ્થ શરીર , સ્થિર મન અને જાગ્રત બુદ્ધિ આવશ્યક છે. ઘોડેસવારી માટે ચિત્તને સ્વસ્થ રાખવું , કાનસોરી સમક્ષ નજર રાખવી , પેંગડાંમાં પગ રાખવા , ઘોડાને આગળથી રોકવા અને પાછળથી ચલાવવા પ્રયાસ કરવો – આટલું પ્રાથમિક જ્ઞાન પૂરતું છે. ’
જોશીસાહેબને માસ્તરના જ્ઞાનમાં રસ નહોતો , તેમને વસતિગણતરીની કાર્યવાહીમાં રસ હતો. તેમણે પસાયતા ખેતશીને કહ્યું : ‘ માસ્તર માટે તલાટી અનવર રાઠોડનો ઘોડો લઈ આવ માસ્તરને વસતિગણતરીના દફ્તર સાથે સમયસર નીકળી જવાની સૂચના આપી સાહેબે વિદાય લીધી
મોહનલાલ માસ્તર ઘોડે ચડવાના છે એવા સમાચાર ગામમાં ફેલાઈ ગયા અને તેમના વર્ગના વિદ્યાર્થીઓ રંગમાં આવી ગયા. ખેંગુભા , બાધુ , ભગીરથ અને જશવંત તો રાજપરાના રસ્તા સુધી માસ્તરને મૂકવા જવા તૈયાર થઈ ગયા. માસ્તરના ઘોડે ચડવાના સમાચારથી તેમનાં પત્ની ચંચળબહેનને ફાળ પડી , પણ પછી વસતિગણતરીનું કારણ જાણી આનંદ થયો.
‘ હું ગામની બહાર સીમમાં અશ્વારૂઢ થઈશ ’ એવો સંકલ્પ માસ્તરે જાહેર કર્યો. માસ્તર , ખેતશી , ચાર વિદ્યાર્થીઓ અને ઘોડો – સૌ વાજતેગાજતે સતીની દેરી પાસેના ઓટા સુધી આવી પહોચ્યા, ઓટા પાસે ઘોડાને ઊભો રાખવામાં આવ્યો. માસ્તર માટે ઘોડે ચડવાની ઘડી આવી પહોચી. એમણે પોતાના પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કર્યું. યાદ આવ્યાં એટલાં દેવી – દેવતાઓને યાદ કર્યા, ખેતશીએ ઓટા પાસે ઘોડાને ઊભો રાખ્યો.
વસતિગણતરીનું દફ્તર માસ્તરે ખભે ભલે ગમે તે થાય, હું મારું કાર્ય પાર પાડીને જ જંપીશ ! ‘ આવી ઘોષણા કરી , જાળવીને માસ્તર ઘોડા પર સવાર થયા. સાથે આવેલા ચાર વિદ્યાર્થીઓએ આંખના ઇશારે આયોજન કરી લીધું. ખેંગુભાએ જશુ સામે જોયું અને જશુએ એક જ સોટી ઘોડાને વળગાડી. સોટી વાગતાં જ ઘોડો ભાગ્યો અને ધૂળની ડમરી પાછળ અદૃશ્ય થઈ ગયો.
અચાનક આવી પડેલા ઘોડાના પ્રચંડ વેગથી માસ્તર ડઘાઈ ગયા. ન તેમનું ચિત્ત સ્વસ્થ રહ્યું, ન બુદ્ધિ જાગ્રત રહી કે ન કાનસોરી સમક્ષ નજર રહી. માત્ર પેંગડામાં ડાબો પગ રહ્યો. પ્રથમ વસતિગણતરીનું દફતર ઊડી ગયું. પછી માસ્તર પડી ગયા. તેમનો પગ મરડાઈ ગયો હાથ છોલાઈ ગયો, દેહને પછડાટ લાગી.
માસ્તરનો ચિત્કાર સાંભળી અત્યાર સુધી હસતા છોકરાઓ ગંભીર થઈ ગયા અને માસ્તરને બચાવવાના કામમાં લાગી પડ્યા.
આ પ્રસંગના પ્રતિભાવમાં માસ્તરે આટલું જ કહ્યું : ‘ આ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યારે સવારે શું કરવું તેનો અશ્વસાહિત્યમાં ક્યાંય ઉલ્લેખ નથી. ’
શાહબુદ્દીન રાઠોડની શ્રેષ્ઠ હાસ્યકથાઓ
હાસ્યવાર્તા 2 – અપ્રિય સત્ય
‘ઠાકોરસાહેબ રત્નસિંહજી પોતાની હવેલીના પહેલા માળે આમથી તેમ ફરી રહ્યા હતા. તેમનું સ્થૂળ શરીર કંઈક મેળમાં આવે એ માટે ઠાકોરસાહેબે થોડો વ્યાયામ શરૂ કર્યો હતો. એમાં મથુરનો દીકરો દામોદર ત્યાંથી નીકળ્યો. તેણે ઠાકોરસાહેબની પ્રવૃત્તિનું પ્રથમ નિરીક્ષણ કર્યું અને ખડખડાટ હસી પડ્યો. હસીને હાલતો થઈ ગયો હોત તોપણ વાંધો નહોતો, પણ આ તો ત્યાં ઊભો રહી હસતો જ રહ્યો.
ઠાકોરસાહેબનું ધ્યાન ગયું. તેમણે જેસિંહને બોલાવી હુકમ કર્યો , પેલા છોકરાને પકડી અહીં લઈ આવો. ’ જેસિંહે દામોદરને પકડ્યો અને ઠાકોસાહેબ સમક્ષ રજૂ કર્યો. દામોદરને જોતાં જ પ્રશ્નોની ઝડી વરસાવી, શું નામ છે તારું ? કોનો દીકરો છો ? તને હસવું કેમ આવ્યું ? બતાવ મને. ’
દામોદર ગભરાઈ ગયો. તેણે પોતાનું નામ, પિતાનું નામ વગેરે કહ્યું , પણ હસવાનું કારણ ન જણાવ્યું. દામોદર એક જ વાત કહેતો રહ્યો : ‘ એ હું નહીં બતાવું. ’
ઠાકોરસાહેબે તેને વચન આપ્યું, ‘ હું તને કંઈ નહીં કહું. મારે માત્ર તારા હસવાનું કારણ જાણવું છે. ’
દામોદર કંઈક હિંમતમાં આવ્યો અને તેણે કહ્યું, ‘ માફ કરજો , બાપુસાહેબ , ભૂલ થઈ ગઈ , પણ આપનું આવડું મોટું શરીર જોઈ મને વિચાર એ આવ્યો કે આપ પહેલા માળે ગુજરી જાઓ તો ઉપરથી નીચે કઈ રીતે ઉતારવા ? અને પછી મારા જ વિચાર પર હું હસી પડ્યો. ‘
ઠાકોરસાહેબની ભ્રૂકુટિ તંગ થઈ ગઈ. તેમણે કહ્યું , ‘ આવો વિચાર કરે છે અને પાછો હસ્યા કરે છે ? જેસિંહ , એના બાપને બોલાવી લાવ. ’
મથુર ઠાકોરસાહેબ સમક્ષ હાજર થયો. ઠાકોરસાહેબે તમામ વિગત મથુરને જણાવી પૂછ્યું, ‘ આવો અક્કલહીન છે તમારો પુત્ર ? આવા સંસ્કારો આપો છો ?
મથુર કહે , ‘ બાપુસાહેબ , માફ કરજો , છોકરું છે. એને શી ખબર પડે ? પણ એ છે અક્કલમઠો. તેનામાં બુદ્ધિ નથી. બાપુસાહેબ , એને એટલું ન સૂઝયું કે આપ ગુજરી જાઓ તો આપના બે ભાગ કરી એક પછી એક ન ઉતારી લેવાય ? ‘
ઠાકોરસાહેબે મથુ૨ ને એક અડબોથ વળગાડી. તે પડ્યો દામોદર માથે અને હુકમ કર્યો જેસિંહને કે ‘ મથુરના બાપાને બોલાવો. ’
મથુરના બાપ પીતાંબર – ડોસાને બાપુ સમક્ષ હાજર કરવામાં આવ્યા , દામોદર મથુરના જવાબો જણાવવામાં આવ્યા અને ઠપકો આપવામાં આવ્યો કે ‘ આવા સંસ્કાર સંતાનોને આપ્યા છે ? ‘
પીતાંબરબાપાએ પરિસ્થિતિનો ક્યાસ કાઢી વિચારીને કહ્યું , ‘ બાપુસાહેબ , આ મારો વસ્તાર છે. આ બાપ – દીકરામાં બુદ્ધિનો છાંટો નથી એ હું સમજું છું. મૂરખાઓને એટલી સમજણ ન પડી કે આપના ગુજરી ગયા પછી આ હવેલી રાખીને શું કરવી છે ? એમાં જ સીધી દીવાસળી ન મુકાય ? ચિતાનાં લાકડાં ખડકવાની તો માથાકૂટ નહીં … પણ બાપુ , સમજણ વગર બધું નકામું છે…’
બાપુએ પીતાંબરબાપાની અવસ્થાનો ખ્યાલ કરી માત્ર ધક્કો જ માર્યો અને એ પડ્યા મથુર માથે. કોઈ શિક્ષા ન કરી , પણ બે દિવસ સુધી ત્યાં ને ત્યાં ભૂખ્યા – તરસ્યા બેસાડી રખ્યા ત્રણેએ નક્કી કર્યું કે જીવનમાં વિચારો ગમે તેવા આવે , પણ કોઈની વિરુદ્ધના હોય તો આ રીતે પ્રગટ ન કરવા.
એટલે જ ભગવાન બુદ્ધ કહેતા : સત્ય બોલવું , પણ અપ્રિય સત્ય ન બોલવું .
www.amarkathao.in
શાહબુદ્દીન રાઠોડની શ્રેષ્ઠ હાસ્યકથાઓ
હાસ્યવાર્તા 3 – સાચુ બોલ્યા વગર રહી શકતો નથી
પ્રીતમલાલ શેઠના મકાનનું વાસ્તુ હતું. દૂરદૂરથી મહેમાનો પધાર્યા હતા. સવારના નાસ્તાનો દોર હજી ચાલુ જ હતો. ગરમાગરમ ગાંઠિયા , તાજી જલેબી , તળેલાં મરચાં સાથે ચાની લિજ્જત મહેમાનો માણી રહ્યા હતા. ક્યાંક આગ્રહ થતો હતો. તો ક્યાંક મિત્રો – સ્નેહીઓ મજાક મશ્કરીમાં ખડખડાટ હસી રહ્યા હતા. ચારે તરફ આનંદનું વાતાવરણ હતું. એમાં શેઠના સાળા ચંપકે કોઈને ફડાક દઈને લાફો વળગાડ્યો.
જેમનું ધ્યાન ગયું તે તરત જ ઘટનાસ્થળ પર પહોચ્યા. હું પણ પહોંચી ગયો. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો ચંપક મારા મિત્ર વિઠ્ઠલને મારતો હતો. મને જોતાં જ ચંપક અટકી ગયો અને હું વિઠ્ઠલનો હાથ પકડી તેની સાથે ભોજનશાળાનું ચોગાન છોડી બહાર નીકળી ગયો. અમે શેરીમાં જઈ ઊભા રહ્યા.
મેં વિઠ્ઠલને પૂછ્યું, ‘ તને શું કામ ચંપકે લાફો માર્યો ? આ કજિયો થયો શેમાંથી ? ‘
વિઠ્ઠલે કહ્યું, ‘ આ જમાનામાં સાચું સાંભળવું કોઈને ગમતું નથી અને હું સાચું બોલ્યા વગર રહી નથી શકતો. મેં કહ્યું, ‘ પણ એવું તો તેં શું સાચું કહ્યું કે ચંપકે સીધો તને લાફો જ માર્યો ?
વિઠ્ઠલ કંઈ બોલ્યો નહીં પણ પાછળ આવેલા અમારા મિત્ર મથુરે કહ્યું, ‘ એ શું કહેશે ? હું કહું. વિઠ્ઠલે એમ કીધું કે શેઠે મકાન તો સારું બનાવ્યું , પણ શેઠનો વહેવાર છે મોટો. ક્યારેક પરિવારમાં કોઈ ગુજરી જશે ને ત્યારે આ ફળિયું કૂટવામાં નાનું પડશે. બૈરાંવને પૂરતી જગ્યા નહીં મળે. બસ , આટલું સાંભળતાં જ ચંપક વિઠ્ઠલને મારવા મંડ્યો. આ તો સારું થયું તું આવી ગયો, નહીંતર વિઠ્ઠલ અત્યારે દવાખાને હોત. ’
મેં વિઠ્ઠલને પ્રશ્ન પૂછ્યો, ‘ તને શેઠનું આમંત્રણ હતું ? મથુર કહે, ‘ ના , ભાઈ , ના ! વિઠ્ઠલને ક્યાં શેઠ હારે ભાણે વે’વાર છે તે આમંત્રણ હોય ? આ તો જલેબી – ગાંઠિયા ગરમાગરમ થાતાં જોઈ ગયો એમાં વિઠ્ઠલે ઝપટ કરી. બે ડિશ તો મારી સામે ખાઈ ગયો અને ત્રીજો કપ ચા પીતો’તો ત્યાં આ બન્યું. ચંપક તો ક્યારનો તપાસ કરતો હતો કે આને આમંત્રણ કોણે આપ્યું ? ‘
મેં વિઠ્ઠલને કહ્યું, ‘ એક તો તું વગર આમંત્રણે શેઠના મકાનના વાસ્તાના પ્રસંગે પહોંચી ગયો, નાસ્તો કર્યો , ચા પીધી. એનો પણ વાંધો નહીં, પણ તને આ મકાન વિશે તારો અભિપ્રાય કોઈએ પૂછ્યો ?’
વિઠ્ઠલ તો બોલતો જ નહોતો. મથુરે એની પહેલાં જવાબ આપ્યો, ‘ ના રે ના ! આનો અભિપ્રાય કોણ પૂછે ? પણ કોઈ ન પૂછે તોપણ વિઠ્ઠલને અભિપ્રાય આપવાની ટેવ છે. આના પહેલાં ગોવુભાએ વિઠ્ઠલને આ જ રીતે માર્યો’તો.
અમે બેઠા હતા એમાં ગોવુભા આવ્યા અને તેમણે વાત કરી કે મારા દીકરા જશવંતને રાજકોટ સારી સ્કૂલમાં દાખલ કરવો છે. તરત વિઠ્ઠલ બોલ્યો કે જંક્શન પાસે મંદબુદ્ધિનાં બાળકોની સારી નિશાળ છે. ગોવુભાએ વિઠ્ઠલને એક લાફો વળગાળ્યો. ’
શાહબુદ્દીન રાઠોડની શ્રેષ્ઠ હાસ્યકથાઓ
સંકલન & ટાઈપીંગ – amarkathao. આ પોસ્ટ આપ share કરી શકો છો. copy કરીને અન્યત્ર મુકતા પહેલા અમારી પરવાનગી લેવી જરુરી છે. ઉપરોક્ત તમામ લેખના copyright લેખક શ્રી શાહબુદ્દીન રાઠોડના છે.