8168 Views
પદ્મશ્રી હાસ્યસમ્રાટ શાહબુદ્દીન રાઠોડ ઉત્તમ હાસ્યલેખક પણ છે. જેમનાં હાસ્યવૈભવનો એક પ્રસંગ અહી મુકવામા આવેલ છે. Shahbuddin Rathod Books, Shahbuddin Rathod jokes, Best Gujarati Jox, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનાં જોક્સ. આવ ભાણા આવ – શાહબુદ્દીન રાઠોડ, શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ, shahbuddin rathod jokes mp3, vanechand no varghodo, shahbuddin rathod jokes mp3 download.
શાહબુદ્દીન રાઠોડનાં જોક્સ – નટા જટાની જાત્રા
નટા જટાની જાત્રા શ્રેષ્ઠ હાસ્યકથાઓ
અમારા ગામના નટો અને જટો બંન્ને પાકા ભાઈબંધ.
ગામને પાદર નદીના કાંઠે આવેલા ઠાકરમંદિરની બહારની ઓરડીમાં બેય પડ્યા રહે. મંદિરનું ચોગાન વાળી નાખે. યાત્રીઓનો ઠામડાં ઊટકી નાખે. દૂર વાવથી પાણી ભરી આવે. ઠાકોરજીની થાય એટલી સેવા કરે. મંદિરના ચોગાનમાંથી ભાગ્યે જ બહાર જાય. નવરા થાય ત્યારે ઘણી વાર અવળા – સવળા પોતાના વાંહાને ટેકો દઈ બેઈ જણા આંબલીના ઓટે બેસી રહે. વાત કરવામાં અગવડ પડે છતાં વાતો કરે અવળે મોઢે. એકલા – એકલા બોલતા હોય એવું લાગે. બંને તાડ જેવા લાંબા, એટલા જ ખડતલ અને કસાયેલા.
ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને. પ્રવાસમાં ધર્મ ભળે તો યાત્રા બની જાય. ઉજાગરામાં જ્ઞાન ભળે તો જાગરણ બને. પરંતુ આમને તો પ્રસાદ જ ભોજન તરીકે રોજ આરોગવાનો હોવાથી ખાઈખાઈને ધણખૂટ જેવા કાંધ થઈ ગયેલા. હુતાસણી પર શરત લગાડવામાં નટો અને જટો કોઈને પહોંચવા ન દે. ગામ આખાની ગમે તે હુતાસણી એ દોડીને ટપી જતા.
નાળિયેરના એક ઘાએ આખું પુરાણું પીપળાનું ઝાડ વટાવી દેતા એ બેય જણા થઈ બશેર કપાસિયા ખાઈ જતા. ઠળિયા સોતી એક શેર ખજૂર ખાઈ જતા. અને જમણવારમાં તો આડો આંક વાળી દેતા. ઠાકોરસાહેબે ગામ જમાડ્યું ત્યારે બંને ધરાઈને જમેલા એમ એ બેય ક્યારેક કહેતા.
જમવા બેસાડો એટલે નવ – નવ લાડવા દાળ વગરના આરોગી, એ દસમા લાડવે દાળનો સબડકો લેતા. આખા પંથકમાં નટા – જટાની ખાધે રાડ્ય હતી. આ કારણે બેય પ્રખ્યાત પણ એટલા જ થયા હતા. અને આ ખ્યાતિ એમના સુખમાં આડખીલી બનીને ઊભી હતી.
એમની ખાવાની વાતો સાંભળીને આખા પંથકમાં કોઈ નટા – જટાને દીકરી આપવા તૈયાર નહોતું થતું, એટલે બેય વાંઢા રહી ગયેલા. ચાલીસ વરહ માથેથી અલગોઠિયાં ખાઈ ગયાં ત્યાં સુધી બેયને આશા હતી. કો’કને દયા આવશે, કો’ક કન્યાવાળાને પ્રભુ સદબુદ્ધિ આપશે એમ બેયને આશા હતી,
પણ બેતાલીસ વટ્યા પછી, મોડી રાતે દીવો ઓલવાય નહિ પણ ઝાંખો પડે એમ એમની આશામાં ઓટ આવી ગયેલી.
માથે વાળ રાખવાને બદલે બંન્ને મુંડન કરાવતા.
જીવલો પણ રાડ્ય નાખી જતો. અસ્ત્રાની ધાર બુઠ્ઠી થઈ જતી, ત્યારે બેયના વાળ માંડમાંડ મારગ દેતા. જીવલો બબડાટ કર્યા કરતો, ‘ આના કરતાં પાડા મૂંડવા સારા. ’ પણ ના નહોતો પાડી શકતો.
એક વાર ના પાડી, ત્યારે જટાએ જીવલાને ખાલી ફેરફૂદડી ફેરવ્યો એનાં ચક્કર જીવલાને ત્રીજે દી ઊતર્યા.
નટાએ માત્ર મશ્કરીમાં જીવલાને ધબ્બો માર્યો તોય જીવલાને ઝાડા થઈ ગયેલા.
માથે મુંડન કરાવી બંને નાના તળાવમાં માથાની બળતરામાંથી મુક્તિ મેળવવા ત્રણચાર કલાક પડ્યા રહેતા. થોડા દિવસ થાય ત્યાં ભેખડ માથે ઘરોડી ઊગી હોય એવા કાબરચીતરા વાળ બેયનાં માથાંમાંથી બહાર માથાં કાઢીને મંડતા મોટ થાવા. કાળાં સીસમ જેવાં બેયનાં શરીર નાહ્યા પછી વધુ કાળપ પકડતાં. બેય દાંત કાઢે ત્યારે માત્ર ધોળા દાંત દેખાતા.
એક વાર નટો અને જટો બંને જણા ઓરડામાં સૂતા હતા, એમાં કો’ક ચોરને કમત સૂઝી. તે ઓરડામાં ચોરી કરવા માટે દાખલ થયો. બારણું ખુલ્લું જ હતું. નટા – જટાને કાંઈ સાચવવાની ચિંતા નહોતી. અંધારામાં ફંફોસતાં ચોરનો હાથ જટાના શરીર માથે પડ્યો. કાંઈક મળી આવશે એ આશાએ ચોર મંડ્યો હાથ ફેરવવા. એમાં જટો જાગી ગયો. કોક હાથ ફેરવે છે પોતાને એ જટાને ખબર પડી. જટો ખુશ થઈ ગયો. હરખનાં આંસુડાં આંખમાં આવી ગ્યાં.
એ એટલું તો માંડ બોલી શક્યો, “નટા , મને કોક હાથ ફેરવે છે ! ”
નટો કહે , “એમ ? તને ફેરવી લ્યે એટલે કે’જે મને ફેરવે. “
ચોર બંનેનો સંવાદ સાંભળી તરત જ બહાર નીકળી ગયો. એને પસ્તાવાનો પાર ન રહ્યો. તેને થયું લૂંટાવાની બીક તો સંઘરો કરનારને હોય ને ? આવા ફટક – દેવાળિયાઓને શું ?
અમર કથાઓ
નટો અને જટો એક દી વાતોએ વળગ્યા. નટાએ કીધું, “હવે સંસારમાં પડવાના ઓરતા સંકેલી લઈ ભક્તિના મારગે વળીએ તો સારું છે.”
જટો કહે , “સાચી વાત છે. જેમાં કાંઈ સાર નથી એ સંસાર માંડીને પણ શું કરવો ? એના કરતાં હવે જીવતા – મૂઆ ચાર ધામની જાત્રા કરીને કાયાનું કલ્યાણ કરીએ.”
બંને જણા દ્વારકાની જાત્રાએ જવા તૈયાર થયા. ગામે વિદાય આપી, પણ કદીયે ગામ છોડીને નહિ ગયેલા નટો – જટો પણ ગામને પાદર વિદાય લેતા મન ભરીને રોયા અને સૌને રામ રામ કરી ચાલી નીકળ્યા.
સવારથી થાક્યા વગરના બંને ચાલ્યા કરતા હતા. સાંજ પડતાં – પડતાં તો ઘણો પંથ બેય જણાએ કાપી નાખ્યો હતો. રાત્રે એક ગામમાં આવી ચડ્યા. ક્યાંય એમનાં ઉતારા – ભોજનની જોગવાઈ થઈ નહિ. બંનેનો દેખાવ જોઈ માણસો હિંમત કરવાનું માંડી વાળતા.
એમાં એક ડોશીમાને દયા આવી. બેયને ઘરે લઈ આવ્યાં.
માડી હતાં દયાળુ તે ડુંગળી – બટાટાનું શાક તપેલી ભરીને બનાવ્યું. બપોરની છાશ તો દોણામાં હતી, પણ લોટ નહોતો. માડી કહે, “ ગગા, હું તમને રોટલા ઘડીને ખવરાવત, પણ ડબામાં લોટ નથી. તમે જો હિંમત કરીને બાજરો દળી નાખો તો મને રાંધવાની આળસ નથી. નહિતર પછી આડોશપાડોશમાં કોઈના ઘરેથી લોટ લઈ આવું. “
જટો કહે, “અરે, માડી, તમારું તો શું, કહો તો આડોશીપાડોશીનાં દળી દઈએ.”
“નટો કહે ‘ આટલા સાટુ કોઈના ઘરે માગવા જવાતું હશે ? લાવો બાજરો. આ ઠીક થયું. હજી થાક્યા નથી એટલે દરણું દળવાથી ઊંઘ પણ સારી આવશે.”
માજીએ બાજરો આપ્યો. બંને ઘંટીની સામસામી બાજુએ ગોઠવાણા. દેરાણી જેઠાણી ગોઠવાય એમ ગોઠવાઈ ગયા.
બાઈ – માણહ દયણું દળે અને મરદ દયણું દળે એમાં ઘણો ફેર. નટા – જટાએ ઘંટીને ત્રણેક આંટા ધીરેથી ફેરવી પછી જે ચગાવી તે એવી ફેરવી એવી ફેરવી કે બબ્બે દોરા પાણો ઉતારી નાખ્યો. ઘંટીમાંથી જાણે તણખા ઝર્યા. બેય જણા મૂકી દે તોપણ અર્ધા કલાક સુધી ફર્યા કરે એવી ઘંટી ફેરવી.
અમર કથાઓ
નટાને એમ થયું કે દયણુ દળાઈ ગયું હશે એટલે જટાને પૂછ્યું, “એલા જો તો ખરો – હવે કેટલુંક બાકી રહ્યું ? ”
જટો કહે, “એલા બાજરો ઓરે એને ખબર હોય કે મને ? તું કહે, કેટલું બાકી રહ્યું ? ”
નટો કહે , “તું નથી ઓરતો ? “
જટો કહે , ‘‘ તું નથી ઓરતો ? ”
નટો કહે , “ અરે, પણ તારે ઓરવુ જોઈએ ને ? ”
જટો કહે , ” મને એમ કે તું ઓરીશ. “
બેય જણા ઘંટી ફેરવ્યે ગયા બાજરો બેમાંથી એકેયે ન ઓર્યો. છેવટે ડોશીમાએ ખીચડી રાંધી અને ત્રણે રોટલા વગર શાક અને ખીચડી ખાઈને સૂઈ ગયાં.
ડોશીમાએ સવારે જોયું તો ઘંટીનાં પડ બેય ઘસાઈ ગયેલાં. લોટને બદલે ઝીણી રેતી ફરતી પડી’તી. માજીએ ખિજાઈને બેયને ઘરમાંથી કાઢી મૂક્યા.
જટો કહે , “નટા , ભાગ્યમાં જશ નથી , જોયું ને ? મે’નત કરી તોય સરવાળે અર્ધા ભૂખ્યા સૂતા. અપજશ મળ્યો. ”
નટો નિસાસો નાખીને કહે, “ જટા , આપણે ક્યાં ધોખો કરવો ? આ માણસ – માતર પૈસો રળવા, મોટાઈ મેળવવા, આબરૂ બાંધવા, જીવતરની ખાલી ઘંટી આખો જન્મારો ફેરવ્યા કરે છે. છેવટે ધોડી – ધોડીને થાક્યા પછી ખબર પડે છે કે આ દોડધામમાં જીવતર જીવવાનું જ રહી ગયું – આપણે જેમ દયણું ઓરવાનું રહી ગયું એમ.”
જટો કહે, ” નટા , તને આ સંત – મહાત્મા જેવી સમજણ ક્યાંથી આવી ? ”
અમર કથાઓ
નટો કહે , “ મેં અમરદાસ બાપુની કથા સાંભળી ત્યારથી મારામાં ફેર મંડ્યો છે પડવા. “
જટો કહે , “ મારેય સાંભળવી’તી , પણ મે’માનોનાં ઠામવાસણ ઊટકવામાંથી જ હું તો નવરો ન થયો. ”
બેય પાછા મંડ્યા હાલવા. વળી સાંજ પડી. પાછા એક નવા ગામે આવી પહોંચ્યા.
ગામના પ્રતિષ્ઠિત ચાવડા પરિવારને ત્યાં તેમનાં માતુશ્રી કંકુમાનું શ્રાદ્ધ હતું. દસેક હજાર માણહ જમવાનું હતું. નટો – જટો જમણવારના મંડપ પાંહેથી નીકળ્યા, ત્યાં વિનોદભાઈએ કહ્યું , “અરે, ભાઈઓ, જમતા જાવ.” વિનોદભાઈનો સ્વાભાવ દયાળુ. એમણે બંનેને પ્રેમથી બેસાડી ખૂબ જમાડ્યા.
નટા – જટાએ આગલી રાતનું વટક વાળી દીધું. બેય જમ્યા. ઉપરથી બેયને વિનોદભાઈએ દક્ષિણા આપી અને વધેલી રસોઈ પણ સાથે લઈ જવા જણાવ્યું.
નટો – જટો કહે , ” અમે જાત્રાળુ છીએ. અમારી પાસે કાંઈ વાસણ નથી.”
મૂળજીભાઈ કહે, “ મૂંઝાવ મા. આ નાના માટલામાં લાડવા ભરી લ્યો અને લઈ જાવ હારે.”
નટા – જટાના હરખનો પાર નો રિયો. બંનેએ માટલામાં લાડવા ભર્યા અને આગળ ચાલી નીકળ્યા.
બેય જણા અસ્થળની જગ્યામાં એક ઓરડીમાં રોકાણા. બંનેએ ખૂબ ખાધું હોવા છતાં બેયનું ધ્યાન લાડવા ભરેલ માટલામાં હતું. ઊંડેઊંડે બેયને એમ હતું કે નાહીને હું સૂઈ જાઉં અને બીજો લાડવા ખાવા માંડે તો ?
નટા જટાની જાત્રા શ્રેષ્ઠ હાસ્યકથાઓ
—————————–
છેવટે નટો બોલ્યો. નટો જટા કરતાં હોશિયાર ખરો. કો’કને વળમાં નાખવો હોય તો નાખી દે એવોય ખરો. જટો સાવ સીધો , ભોળો , સીધી લીટીએ હાલવાવાળો , આંટીઘૂંટી વગરનો. એણે નટાની વાત ધ્યાનથી સાંભળી.
નટો કહે, “જો , આપણે એક તો મોડું ભાણું પાડ્યું છે. અત્યારે અમથી ભૂખ નથી. એટલે લાડવાનું માટલું ભલે રહ્યું એમ ને એમ. આપણે બેય સૂઈ જઈએ.”
જટો કહે, “ ભલે, તને જેમ ઠીક લાગે એમ.”
ધીરેથી નટાએ સોગઠી મારી, “પણ જો, રાતે જેને સારામાં સારું સપનું આવે ઈ કાલ બધા લાડવા ખાય. તને આવે તો તું તારે તું ખાજે. હું એકાદશીનો અપવાસ કરીશ, બસ ? “
જટો વિચાર કરીને કહે, “ ભલે, આવે તો તને આવે. મને ક્યાં સપનાં આવે છે ?” બેય જણા સૂતા.
સવાર પડયું. બેય ઊઠ્યા. કૂવામાંથી પાણી કાઢી નાહ્યા. જેચંદ શેઠના સાળા રવિચંદે બેયને બબ્બે અડાળી ચા પણ પાઈ. બંને સતીની વાવ જોવા ગયા. વાસુકિમંદિરે પણ જઈ આવ્યા. રૂપાવટીના માર્ગે વિરક્ત કુટિયા સુધી જઈ આવ્યા. સ્વામીજીનાં દર્શન કરી પાછા આવ્યા.
નટાને જલદી પાછા ફરી લાડવા આરોગવાની તાલાવેલી હતી. પણ જટો તો લહેરથી ધીરેધીરે ચાલતો અને “જવાય છે હવે” કહી મોડું કરતો હતો. છેવટે બેય જણા અસ્થળની જગ્યામાં આવ્યા.
અમર કથાઓ
નટો કહે, “ બોલ, તને કેવું સપનું આવ્યું ? જલદી કહે.”
જટો કહે “અરે, ક્યાંક પહેલાં સારે ઠેકાણે બેસવા તો દે. શું સપનાની આટલી બધી તારે ઉતાવળ છે ? ”
ઠેઠ દૂર ઓસરીના છેડે બંન્ને ઓરડાની બહાર બેઠા.
જટો કહે , “લે , નટા કહે, તું તારા સપનાની વાત કહે.”
અને નટાએ વાત માંડી…..
“અહાહા…. , જટા ! શું સપનું આવ્યું છે ! રાતે હું સૂતો.
હજી આંખ લાગે નો લાગે ત્યાં સ્વર્ગમાંથી વિમાન આવ્યું. બે દેવદૂતો ઊતર્યા. વિનયપૂર્વક મને ઉઠાડી અને હાથ જોડી કરગરવા લાગ્યા કે દેવરાજ ઇન્દ્ર આપને યાદ કરે છે અને અત્યારે ને અત્યારે આપને લઈ જવાનો આદેશ આપ્યો છે. માટે આપ પધારો. આપ આ વસ્ત્રો અને આભૂષણો પહેરી તૈયાર થઈ જાવ. હું તરત જ ઊઠ્યો તૈયાર થાવા.
જટો કહે , “ માણસને મર્યા પછી વિમાન તેડવા આવે એ પણ કોઈ ભગત હોય અને આખી જિંદગી ભક્તિ કરી હોય તો. એના બદલે તને જીવતાં તેડી જવા વિમાન આવ્યું ! કેવો ભાગ્યશાળી !”
નટો કહે , “વાત તો સાંભળ. વિમાનમાં પાછો પલંગ. એમાં મને સુવરાવી દીધો, મખમલના ગાદલા માથે. ઓશીકાંયે માથું લસરી જાય એવાં મુલાયમ.
હું તો પડ્યા ભેગો ઘસઘસાટ ઊંઘી ગયો. ”
જટો કહે, ” સારું કર્યું સૂતો ઈ, આપણે ઘણા દિવસથી હેરાન થઈએ છીએ ! ”
“સવારમાં ઊઠતાં વેંત નોકરચાકર હાજર થઈ ગયા. મેં મોઢું ધોયું , ત્યાં કાજુ , બદામ અને કેસર – પિસ્તાં અડવાળેલ દૂધના વાટકા આવ્યા. પછી મને સ્વર્ગના હોજમાં નાહવા લઈ ગયા. આખા શરીરે અનુચરોએ ચંદનનો લેપ કર્યો. પછી મને ધીરેધીરે નવરાવ્યો. પણ મારે તો હોજમાં તરવું હતું. તે મેં તો માર્યો ધૂબકો અને મંડ્યો તરવા. અપ્સરાઓ જોવા ભેળી થઈ ગઈ હું ઘણી વાર હોજમાં તર્યો.
જટો કહે, “હા , તું ઊંઘમાં હાથપગ હલાવતો’તો…”
નટો કહે , ત્યાં ભોજનનો સમય થયો. ચાંદીના બાજોઠ માથે સોનાની થાળીમાં બત્રીસ જાતનાં ભાવતાં ભોજન પીરસાણાં અને પછી સ્વર્ગની અપ્સરાઓએ જે તાણ કરી છે ! ઘડીક ઉર્વશી મોહનથાળ ખવરાવે ત્યાં મેનકા જાંબુ મોઢામાં મૂકી દયે. રંભાએ તો શું મેસૂર ખવરાવ્યો છે !
હું તો ખાઈખાઈને ધરાઈ ગયો. મેં કહ્યું , “ હવે નહીં , ભાઈસા’બ ! “
જમ્યા પછી મને તરત દરબારમાં લઈ ગયા. મારા માટે સિંહાસન મૂક્યું. એના ઉપર હું બેઠો. દેવરાજ ઇન્દ્ર મને ઊઠીને સામે ચાલીને લેવા આવ્યા. ત્યારપછી જે અપ્સરાએ નાચ કર્યો છે ! હું જિંદગીમાં કોઈ દી ભૂલી નહિ શકું. ગંધર્વ મંડ્યા ગાવા – પણ કેવું ?…. ”
જટો કહે , “ પોપટઆપા ભજન ગાય એવું ? “
નટો કહે , “ અરે, તુંય સાવ અક્કલ વગરનો છે. અરે , આ તો સ્વર્ગનાં નાચગાન ! પણ ત્યાં તો મારી મંડી આંખ્યું ઘેરાવા. દેવરાજ ઇન્દ્રે ઇશારો કર્યો. બે દેવદૂતો મને પલંગમાં પોઢાડી ગ્યા અને આંખ ઊઘડી ત્યાં જોયું તો જગ્યાની ઓરડીમાં હું હતો.
નટો કહે, “ લે, બોલ , આવું સપનું આવ્યું. હવે કહે , તને કેવું સપનું આવ્યું ? ”
અમર કથાઓ
જટો કહે , “મારું સપનું સાંભળવા જેવું નથી. પરભુ બાપના દુશ્મનને આવાં સપનાં નો દેખાડે. અરેરે… ! શું દુઃખી થયો છું સપનામાં ! હજી આખા શરીરમાં કળતર થયા કરે છે.”
નટો લહેરમાં આવી ગયો. એણે માની લીધું કે જટાના સપનામાં કાંઈ સારાવાટ નહિ હોય. આમેય મૂરખના સપનામાં શું સાંભળવા જેવું હોય ?
નટાએ કહ્યું , ” પણ તોય કહે તો ખરો, કેવું સપનું આવ્યું ?
જટો કહે , “હું તો સૂતો. ઘોર અંધારી રાત. હાથ નો સૂઝે એવું – ચોહલાં પાડી લ્યો એવું અંધારું. ભેંકાર રાત.
એમાં ખાલી તમરાંનો અવાજ. સૂકાં પાંદડાં ખરે એનીય બીક લાગે એવી બિહામણી રાત.
એમાં અંધારામાં એક કાળો ઓળો ધીરેધીરે મારી પાંહે મંડ્યો આવવા. હું તો ફફડી હાલ્યો. અવાચક થઈ ગ્યો. મોઢામાંથી અવાજ નીકળે નહિ. હું તો મંડ્યો થરથર કાંપવા. ઓળો નજીક આવ્યો. મેં જોયું , એ જમરાજાનો વકરેલો પાડો હતો. એનો કદાવર દેહ, ગાંડા ડોળા, એમાં પાછા લાલઘૂમ.
પાડો મારી સામે જોઈ રણક્યો ત્યાં હું ધ્રુજવા મંડયો. પાડો ઓસરીમાં ચડી ઓરડામાં આવ્યો. ઊભો રહ્યો. માથેથી જમરાજ ઊતર્યા મોટી મૂછ , ટૂંકું કપાળ , માથે શિંગડાંવાળો મુગટ અને પાડા જેવો જ કાળો – કાળમીંઢ પાણામાંથી કંડાર્યો હોય એવો દેહ…
પરથમ તો જમરાજે મારી સામે જોયું. મેં પણ સામું જોયું. એમની મોટી આંખ્યુંમાં ક્રોધનો લાલ રંગ મંડ્યો ધીરેધીરે દેખાવા. કાંઈ પણ બોલ્યા – ચાલ્યા વગર એમણે એક ગદા મને વળગાડી. હું બેવડ વળી ગયો.
મેં આજીજી કરી, “ભાઈસા’બ , મારો કાંઈ ગુનો ? ”
મને કહે , “ઊઠ , ઊભો થા.”
હું ઊઠીને ઊભો થઈ ગયો.
જમરાજ કહે, “આ માટલું ઉપાડ, મૂક વચ્ચે અને એમાંથી લાડવો ખા. “
મેં કીધું, “ મારાથી નો ખવાય. મારે નટાને જાણ કરવી પડે.”
“તું સપનામાં પણ સાચું બોલ્યો એ ઠીક કર્યું.” નટાએ જટાની સચ્ચાઈનાં વખાણ કર્યા.
જટો કહે, “હું બોલતાં તો બોલ્યો, ત્યાં તો જમરાજાએ મને એક લાફો વળગાડ્યો. મને કહે, “ મારી સામે દલીલ કરે છે, નપાવટ ? મંડ્ય ખાવા ! ખબરદાર જો ઊંચું ઉપાડીને જોયું છે તો ! એક શબ્દ બોલ્યો તો ભીંતે ભટકાડીશ, સમજ્યો ?”
મેં કહ્યું , “ ભલે, ભાઈસા’બ , આપ કહેશો એમ કરીશ, પણ મહેરબાની કરી મારશો મા. ખાવામાં ભલે ગમે એટલી કષ્ટી પડે, પણ માર મારાથી નહિ ખવાય .”
નટા, હું તો ઊંધું ઘાલીને મંડ્યો ખાવા. લૂખા લાડવા ગળા હેઠે ઊતરે નહિ, તોય જમરાજાના મારની બીકે હું તો ખાવા જ મંડ્યો. એમનું ધ્યાન નહોતું ત્યારે મેં ચાર લાડવા તો પાડાને ખવડાવી દીધા, પણ માટલામાં લાડવા ધાર્યા બહાર નીકળ્યા.
હું જ્યાં જમરાજ સામું જોઉં ત્યાં ડોળા કાઢી કહે , “ખાઈ જા , જો જીવવું હોય તો.”
હું ધીરેધીરે કરીને બધા લાડવા ખાઈ ગ્યો. બહારના પાણિયારેથી ત્રણ લોટા તો પાણી પીધું તયેં માંડ જીવને નિરાંત થઈ. જાતાં – જાતાં પાડો મારી સામે જોઈ રણક્યો. જમરાજા ખુશ થયા. મેં હાથ જોડી નમન કર્યું.
અને એ જેમ આવ્યા હતા એમ અંધારામાં પાછા દેખાતા બંધ થયા.
લાડવા વધુ ખાવાથી મારી આંખ્યું ઘેરાણી. હું તો ગોદડું ઓઢીને સૂઈ ગયો. વહેલું પડે સવાર. તેં જો ઉઠાડ્યો ન હોત તો હું તો હજી સૂતો જ હોત. ”
જટાની વાત સાંભળી નટો મોળો પડી ગયો – તેને શંકા થઈ. નટાએ પૂછી નાખ્યું. “તે તું સાચે જ બધા લાડવા ખાઈ ગ્યો ?”
અમર કથાઓ
જટો કહે, “ જો તારે જોવું હોય તો જોઇ લે. મારે શું કામ ખોટું બોલવું જોઈએ ? ”
નટાએ જોયું, માટલું ખાલીખમ હતું. એ ક્રોધના આવેશમાં ધ્રુજવા મંડ્યો. નટાએ માટલાનો ઉપાડીને ઘા કર્યો. માટલું ભીંત હારે ભટકાણું ફૂટી ગયું. ઠીકરાં ચારેકોર વેરાણાં.
નટો કહે, “ માંડી વાળેલ ! તને જમરાજાએ મારીમારીને ખવરાવ્યું તોય તેં મને કેમ ન ઉઠાડ્યો ? મને હાક મારવી હતી ને ? ”
જટો કહે, ” મેં બહુ રાડ્યું પાડી, ઘણા સાદ પાડ્યા, પણ એ વખતે તું બરોબર સ્વર્ગમાં બત્રીસ ભાતનાં ભોજન આરોગતો હતો. અપસરાયું તને તાણ્ય કરી કરીને ખવરાવતી’તી. તને મારો સાદ ક્યાંથી સંભળાય ? મેં તો ઘણા સાદ પાડ્યા’તા. “
નટો રોવા જેવો થઈ ગયો.
જટાને દયા આવી. એણે કહ્યું, “જો, નટા, સામી ખીંટીએ ઝોળી ટીંગાય છે તે એમાં બધા લાડવા હેમખેમ અકબંધ પડ્યા છે. તું તારે ખાવા હોય એટલા ખાઈ લે, મારે નથી ખાવા. પણ એટલું ધ્યાન રાખજે, જીવતરમાં લાખના સપના કરતાં રૂપિયો રોકડો ખિસ્સામાં હોય એ સારું. અને બીજું એ ધ્યાન રાખજે, જીવતરની વાટમાં સત્તાના, સંપત્તિના , સુખના લાડવા ભાળીને ભાઈબંધને ભૂલી એકલા ખાઈ જાવાના ઓરતા નો રખાય. આ ભાઈબંધીની દીવાલને આવા સ્વાર્થનો લૂણો નો લાગે ઈ જોવું એનું નામ જ ભાઈબંધી :
જટાની વાત પૂરી થઈ ત્યાં વિજયભાઈએ આવીને કહ્યું , “પધારો જમવા.” અસ્થળની જગ્યાના તમામ મહેમાનો , સાધુ – સંતો ને યાત્રીઓને પૂજ્ય નાનાબાપુની પુણ્યતિથિ હોવાથી માત્રાબાપુ તરફથી જમવાનું હતું.
ઝોળી ખીંટીએ એમ ને એમ રહી અને બંને જમવા માટે ઊઠ્યા.
✍ શાહબુદ્દીન રાઠોડ. – આ લેખનાં તમામ કોપીરાઈટ લેખક દ્વારા આરક્ષિત છે.
આ પણ વાંચો 👇
🍁 આવ ભાણા આવ – શાહબુદ્દીન રાઠોડ
🍁 શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ

મુંબઇનો મારો પ્રથમ પ્રવાસ – શાહબુદ્દીન રાઠોડ
તરણેતરનો મેળો – શાહબુદ્દીન રાઠોડ
ચતુરાઇની વાર્તાઓ – મામા ભાણેજ
વનેચંદનો વરઘોડો, શિક્ષકોનું બહારવટુ, નટા જટાની જાત્રા, મારો ગધેડો ક્યાંય દેખાય છે?, show must go on, સર્કસ જોયુ, | |
ગુજરાતી હાસ્ય સાહિત્ય, શાહબુદ્દીન રાઠોડ ના જોક્સ, શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની વાત, શાહબુદ્દીન રાઠોડ હાસ્ય કલાકાર, શાહબુદ્દીન રાઠોડ જોક્સ, શાહબુદ્દીન રાઠોડ નો ડાયરો, શાહબુદ્દીન રાઠોડ ના જોક્સ આપો, ગમ્મત ગુલાલ શાહબુદ્દીન રાઠોડ,
shahbuddin rathod jokes, shahbuddin rathod jokes mp3, vanechand no varghodo, shahbuddin rathod jokes mp3 download.
Pingback: શાહબુદ્દીન રાઠોડનાં જોક્સ | મુંબઇનો મારો પ્રથમ પ્રવાસ 1
Pingback: ચિઠ્ઠી - રમણભાઈ મહિપતરામ નીલકંઠ - AMARKATHAO
Pingback: 50+ Gujarati Jokes : ગુજરાતી જોક્સ, Latest Jokes In Gujarati, ગુજરાતી ટુચકાઓ