2670 Views
અઢારમે દિવસે ફરી એક વાર પૂતળી ‘મોહિની’ જેવા ભોજ રાજા સિંહાસન ઉપર બેસવા જાય છે, ત્યાં તેમને બેસવા જતાં અટકાવીને બોલીઃ “હે રાજન! આ સિંહાસન ઉપર બેસશો નહિ, તે તો પરદુ:ખભંજન વિક્રમ રાજાનું છે. તેના જેવા પરાક્રમી ને ઉદાર રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમ અને ઉદારતાની નવી વાર્તા કહેવી શરૂ કરી.
અઢારમી પૂતળી મોહિની ની વાર્તા
એક દિવસની વાત છે. વિક્રમ રાજા રાજદરબારમાં બેઠા હતા, તેમના દરબારમાં અઢારે વરણ બેઠી હતી. દરબારમાં બધા જ્ઞાન ચર્ચાની વાતો કરતા હતા. તેવામાં રાજાને સંગીત સાંભળવાની ઇચ્છા થઈ. તેમણે તરત જ નગરના નામાંકિત ગાંધર્વને બોલાવ્યો ને તેને સુંદર રાગરાગિણી ગાવાની આજ્ઞા આપી.
તે ગાંધર્વ રાજાનો હુકમ થતાં જ રાજદરબારમાં હાજર થઈ ગયો. તે પ્રણામ કરીને બોલ્યો : “મહારાજ તમારી આજ્ઞા થતાં હું તરત હાજર થયો છું, પરંતુ અત્યારે હું સુંદર રાગ નહિ ગાઈ શકું. કારણ અત્યારે મને કંઈ ચેન પડતું નથી.
રાજાએ પૂછયું : “ભાઈ ! એવું તો તમારે માથે શું દુખ આવી પડ્યું છે કે તમને કઈ ચેન પડતું નથી ?”
ગાંધર્વ બોલ્યો : “મહારાજ ! અત્યારે હું ખૂબ જ દુખી છું.
રાજાએ તેનું દુખનું કારણ પૂછ્યું અને કહ્યું: “હું તારું દુખ જરૂર દૂર કરી આપીશ.”
ગાંધર્વ બોલ્યો : “મહારાજ ! એક દિવસ હું શિવાલયમાં મહાદેવની પૂજા કરવા ગયો, ત્યાં મને એક મહાત્મા મળ્યા. તેમણે કહ્યું: પૂર્વ દેશમાં રણસ્થંભગઢ નામનું એક નગર છે. તે નગરના રાજાને ત્યાં રૂપરૂપના અંબાર જેવી એક કુંવરી છે. તેના આજથી ચોથે દિવસે લગ્ન છે. આ કુંવરી માટે સ્વયંવર રચવામાં આવ્યો છે. તેથી દેશ દેશના રાજાઓ અને રાજકુંવરો અહીં આવવાના છે. જે આ કુંવરીને પરણશે તેના ભાગ્ય ઊઘડી જશે.
મહાત્માની વાત સાંભળીને મને પણ એ કુંવરીને જોવાની અને તેના સ્વયંવરમાં જવાની ઇચ્છા થઈ. હું તો બીજે જ દિવસે એ નગરમાં પહોંચી ગયો, ને એક ધર્મશાળામાં ઊતર્યો. સ્વયંવરને દિવસે આખા નગરમાં ધમાલ મચી હતી. ચારેબાજુ તોરણો લટકાવ્યાં હતાં. આખું નગર જાણે ઝગમગી રહ્યું હતું. હું સ્વયંવરના મંડપમાં ગયો. મંડપમાં અનેક દેશના રાજાઓ ઉપસ્થિત હતા. હું મંડપના એક ખૂણે લપાઈને ઊભો રહ્યો. થોડી વારમાં કુંવરી વરમાળા લઈને મંડપમાં આવીને બેઠી. તેને જોતાં જ મને પરણવાની ઈચ્છા થઈ ગઈ.
થોડી વારમાં હાથણી સૂંઢમાં કળશ લઈને ધીરે ધીરે મંડપમાં ફરવા લાગી. તે એક પછી એક રાજા આગળથી ધીરે ધીરે પસાર થઈને મારી બાજુ આવી. મેં તેને મારી બાજુ આવતી જોઈ કે તરત જ મેં સરસ મલ્હાર રાગ ગાયો કે તેણે મારા પર મુગ્ધ થઈ મારા મસ્તક પર કળશ ઢોળી દીધો.
મારા આનંદનો પાર ન રહ્યો, પણ એટલામાં જ આખા દરબારમાં બૂમાબૂમ મચી ગઈ કે હાથણી ભૂલી, હાથણી ભૂલી. હાથણીને ફરી મોકલો. કેટલાક રાજકુમારો તો મારા પર એવા ગુસ્સે થયા કે મને મારીને સ્વયંવરના મંડપની બહાર કાઢી મૂક્યો. હું મંડપ બહાર ઊભો રહ્યો.
રાજાએ બધાની લાગણીને માન આપી ફરી હાથણીને કળશ આપી મંડપમાં મોકલી. આ વખતે પણ હાથણી આખા સ્વયંવરના મંડપમાં ફરી પણ કોઈના ઉપર કળશ ઢોળ્યો નહિ. તે ધીરે ધીરે હું જ્યાં બહાર ઊભો હતો, ત્યાં આવી. તેને ફરી મારા તરફ આવતી જોઈ ફરી મલ્હાર રાગ ગાયો કે તરત જ તેણે મારા મસ્તક ઉપર કળશ ઢોળી દીઘો.
પછી રણસ્થંભના રાજાએ તરત જ રાખ્રના નિયમાનુસાર મારાં લગ્ન કુંવરી સાથે કરી દીધાં. લગ્નની પહેલી રાતે જ કુંવરી નાહતી હતી, ત્યાં કોઈ રાક્ષસ આવીને તેને ઉપાડી ગયો. કુંવરી ગુમ થવાની ખબર પડતાં જ આખા રાજમહેલમાં હાહાકાર મચી ગયો. લોકો મને ‘અભાગિયો, અભાગિયો’ કહી ધિક્કરવા લાગ્યા. રાજા મને ધક્કા મારીને મહેલમાંથી કાઢે તે પહેલાં જ હું પાછલે રસ્તેથી બહાર નીકળી ગયો, ને દુખી દિલે મારા ઘેર આવી ગયો. આ પ્રસંગથી મને ખૂબ જ દુખ થયું છે. મને હવે ક્યાંય ચેન પડતું નથી, ને દુખમાં મારાથી કોઈ રાગ પણ ગવાતો નથી. હવે તો કુંવરી મળે તો જ ગવાશે.”
ગાંધર્વની વાત સાંભળી વિક્રમ રાજાએ કહ્યું: “ભાઈ હું તારું દુખ જરૂર દૂર કરીશ. હું તે કુંવરીને પાછી ન લાઉ તો મારાં સઘળાં તીરથ ફોક જજો.
ગાંધર્વ ઘેર ગયો મધરાત થતાં વિક્રમ રાજા હરસિદ્ધ માતાના મંદિરે ગયા ને તેમની પૂજા કરી, સ્તુતિ કરી, છતાં માતાજી પ્રકટ ન થયાં, ત્યારે વિક્રમ રાજાએ મ્યાનમાંથી તલવાર કાઢી જેવી ગરદન પર મારવા જાય છે, ત્યાં જ માએ તેને અટકાવ્યો ને બોલ્યાં : વિક્રમ ! આ શું કરે છે ? તારે તે એવું કયું દુખ છે કે આત્મહત્યા કરવા તૈયાર થયો ?”
“મા !” બે હાથ જોડી વિક્રમ રાજા બોલ્યા: “તમારાથી તો કાંઈ અજાણ નથી. આજે મેં ગાંધર્વને તેની પત્ની પાછી લાવી આપવાનું વચન આપ્યું છે. એ રણસ્થંભગઢના રાજાની કુંવરી છે. મા, આ કુંવરીને કોણ હરી ગયું છે, તેને કેવી રીતે પાછી મેળવી શકાય તેનો ઉપાય બતાવો.
માતાજીએ કહ્યું: “આ કુંવરીને એક રાક્ષસ હરી ગયો છે, પણ એ રાક્ષસ કોઈથી જિતાય તેવો નથી. આ રાક્ષસ ઉત્તર દિશાએ સાગરબેટમાં રહે છે, પરંતુ તે રસ્તો પસાર કરવો ખૂબ કઠિન છે.”
રાજા વિક્રમે કહ્યું: “મા, મને આશીર્વાદ આપો. તમારી કૃપાથી હું એ રાક્ષસને જરૂર જીતી શકીશ.”
માતાજી તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયાં. વિક્રમ રાજા વીર વૈતાળને લઈ ઉત્તર દિશાએ સાગરબેટ જવા નીકળી પડ્યા. રસ્તામાં એક મોટું વન આવ્યું. આ વનનો રસ્તો ખૂબ જ ભયંકર હતો. એવામાં વિક્રમ રાજાની નજરે એક રથ દેખાયો. જે રથને બે સિંહ જોડેલા હતા, અને દોરાની જગ્યાએ નાગની લગામ હતી. એ રથમાં એક બિહામણો રાક્ષસ બેઠો હતો.
રાક્ષસે રથ ઊભો રાખ્યો. રાજા પહેલાં તો આ બિહામણા રાક્ષસને જોઈને ડઘાઈ ગયા, પણ તેમણે હિંમત ભેગી કરી તેના રથની પાસે ગયા અને રાક્ષસ સામે હાથ જોડી ઊભા રહ્યા.
એક મનુષ્યની આટલી હિંમત જોઈ રથ ઉપર બેઠેલો રાક્ષસ વિક્રમ રાજા સામે જોઈ જોરથી ત્રાડ પાડી બોલ્યો: “તું કોણ છે? અને આવી ભયંકર ઝાડીમાં કેમ આવ્યો છે ? જે હોય તે સાચે સાચું કહે !”
રાજાએ કહ્યું : “હું ઉજ્જયિની નગરીનો રાજા વિક્રમ છું. હું એક ગાંધર્વનું દુઃખ ટાળવા નીકળ્યો છું. આ ગાંધર્વના લગ્ન રણસ્થંભગઢની રાજકુંવરી સાથે થયાં હતાં અને તેને એક રાક્ષસ ઉપાડી ગયો છે. હું રાક્ષસને શોધીને તે રાજકુંવરીને પાછો લેવા નીકળ્યો છું.”
રાક્ષસે કહ્યું: “હે રાજન ! આ કુંવરીને નામધર નામનો રાક્ષસ ઉપાડી ગયો છે. તે ખૂબ જ બળવાન છે. તમે ખોટું સાહસ કરો છો, આ રાક્ષસ અજીત છે. તેને વરદાન મળ્યું છે કે જે માણસ વીસ જોજન દરિયાપાર ચાલીને જઈ શકે ને કકડતા તેલમાં સ્નાન કરી શકે. તે જ તેને હરાવી શકે. શું તારામાં આટલી તાકાત છે? જો તારામાં આટલી તાકાત હોય તો હું તને જરૂર મદદ કરું.”
વિક્રમ રાજાએ તરત જ વૈતાળની મદદ માગી. વૈતાળે કહ્યું : હું ઈન્દ્ર રાજાની પાસે જાઉં” તે તરત જ ઇન્દ્ર રાજા પાસે ગયો અને વિક્રમ રાજા માટે સહાય માગી. ત્યારે ઈન્દ્ર વૈતાળને એક મંત્ર આપીને કહ્યું : “રાજા જેવા કકડતા તેલમાં પડે તે પહેલાં અગ્નિદેવનું સ્મરણ કરી આ મંત્ર બોલે, તો તેલ ઠંડુ થઈ જશે.”
બીજી બાજુ વિક્રમ રાજાએ હરસિદ્ધ માતાની પ્રાર્થના કરી. માતાએ તેને ઊકળતા તેલમાં તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું.
વૈતાળ મંત્ર લઈ રાજા પાસે આવ્યો અને બધી વિગત કહી.
વિક્રમ રાજાએ હિંમતથી કહ્યું : “હું ઊકળતા તેલમાં સ્નાન કરવા તૈયાર છું. માટે તમે તેલ ઉકાળવાની વ્યવસ્થા કરો.”
રાક્ષસ રાજાને પોતાના રહેઠાણે લઈ ગયો. ત્યાં તેણે એક મોટી કડાઈમાં તેલ ઉકાળવા મૂક્યું, તેલ જ્યારે બરાબર ઊકળીને લાલચોળ થઈ ગયું ત્યારે રાક્ષસે વિક્રમ રાજાને તેમાં સ્નાન કરવાનું કહ્યું. વિક્રમ રાજાએ કડાઈ પાસે જઈ ઈન્દ્ર રાજાનું નામ લીધું પછી અગ્નિદેવનું સ્મરણ કરી મંત્ર બોલ્યા ને પછી ઊકળતા તેલમાં ઝંપલાવ્યું. પરંતુ રાજાને ઊકળતું તેલ ઠંડા પાણી જેવું લાગ્યું.
રાક્ષસ તો આ જોઈ દંગ થઈ ગયો. તેને વિક્રમ રાજા કોઈ દેવાંશી નર લાગ્યો. તે પોતાના વચન પ્રમાણે રાજાને મદદ કરવા તત્પર થયો. ઉપરાંત આ રાક્ષસની પત્નીને પણ નામધર લઈ ગયો હતો તેથી તે રાક્ષસ વિક્રમ રાજાને સહાય અર્થે જવા તૈયાર થયો.
રાક્ષસ વિક્રમ રાજાને લઈને સાગરના કિનારે આવ્યો ને કહ્યું : આ સાગરની પેલે પાર નામધર રાક્ષસ રહે છે. જો તમે આ સાગર પાર કરવાની શક્તિ ધરાવતા હો તો જ રાક્ષસનો ભેટો થઈ શકે.
વિક્રમ રાજાએ ત્યાં ઊભા રહી આંખો બંધ કરી હરસિદ્ધ માતાનું સ્મરણ કરી સાગરદેવની આરાધના કરી, થોડી વારમાં સાગરના પાણીમાં જવાનો માર્ગ થઈ ગયો. હવે રાક્ષસને રાજાની શક્તિ પર પૂરો વિશ્વાસ આવ્યો. રાજા, રાક્ષસ અને અદેશ્ય રૂપે રહેલો વૈતાળ ત્રણે સાગરના રસ્તામાં ચાલવા લાગ્યા. માંડ અડધે રસ્તે પહોંચ્યા કે એક વિશાળકાય પક્ષી રસ્તો રોકીને ઊભું રહ્યું. તે નામધર રાક્ષસનું ચોકીદાર હતું.
તે વિક્રમ રાજાને જોતાં જ ચિત્કાર પાડી રાજા સામે જેવું ધસ્યું કે તરત રાજાએ તેને તલવારના એક ઝાટકે ઉડાવી દીધું. પક્ષી ભોંય પર પછડાઈ ગયું, પણ મરતાં મરતાં તેણે ખૂબ મોટી ચીસ પાડી, આ ચીસ સાગરબેટમાં ઊંઘતા નામધર રાક્ષસે સાંભળી. તેને થયું કે જરૂર અહીં કોઈ લડવા આવી રહ્યું છે. તે સાવધ થઈ ગયો અને પોતાની રાક્ષસી સેનાને પણ લડવા માટે તૈયાર કરી દીધી.
બધા તૈયાર થઈ રાજાની સામે આવ્યા. નામધર રાક્ષસનો હુકમ થતાં જ આખી સેના વિક્રમ રાજા તથા બીજા રાક્ષસ પર મોટી મોટી શિલાઓ લઈને ફેંકવા લાગ્યા પરંતુ વિક્રમ રાજાની બૂમ પડતાં જ અદેશ્ય રૂપે રહેલા વૈતાળે પોતાની ગદા વડે તેનો ભુક્કો બોલાવી દીધો. વિક્રમ રાજાએ અને મિત્ર રાક્ષસે અનેક રાક્ષસી સિપાહીઓને કતલ કરી દીધા, પરંતુ હજુ નામંધર રાક્ષસ ઝપાટામાં આવ્યો નહોતો. કારણ તે જુદા જુદા સ્વરૂપે રાજા સામે લડતો હતો. તેણે વિક્રમ રાજાને મારી નાખવા ઘણી યુક્તિઓ કરી, પરંતુ વિક્રમ રાજાએ તેને ફાવવા દીધો નહિ. એટલે છેવટે નામધર રાક્ષસ મોટો અજગર બનીને વિક્રમ રાજાને ગળી ગયો ને પાતાળમાં જતો રહ્યો.
વિક્રમ રાજાને બચાવવા માટે ગભરાયેલો વૈતાળ હરસિદ્ધ માતા પાસે ગયો અને બધી હકીકત જણાવી. હરસિદ્ધ માતાને થયું રાજાને તો મરવાની ફિકર નથી, પણ પેલા ગાંધર્વનું શું થાય તેની ફિકર છે. વિક્રમ તો પારકાના દુખે દુખી થાય તેવો છે. માટે તેમણે તરત જ વૈતાળને એક ત્રિશૂળ આપ્યું ને કહ્યું : “તું આ ત્રિશૂળ લઈ પાતાળમાં જા અને વાયુ રૂપે અજગરના પેટમાં દાખલ થઈને આ ત્રિશૂળ વિક્રમ રાજાને આપજે, જેથી વિક્રમ રાજા આ ત્રિશૂળ વડે અજગરના મુખમાંથી બહાર નીકળી શકશે.”
વૈતાળ તો હરસિદ્ધ માતાના કહ્યા મુજબ તરત પાતાળમાં પહોંચી ગયો. તે માતાજીના કહ્યા પ્રમાણે વાયુ રૂપે અજગરના પેટમાં પેસી ગયો અને વિક્મ રાજાને ત્રિશૂળ આપ્યું. રાજા એ ત્રિશૂળ વડે અજગરનું પેટ ચીરી બહાર આવ્યા. પરંતુ આશ્ચર્યની વાત તો એ કે હજુ અજગર જીવતો હતો. રાજાએ તેને મારી નાખવા માટે પોતાનું ખડગ ઉગામ્યું કે અજગરને બદલે નામધર રાક્ષસ હાથ જોડીને બેઠેલો દેખાયો.
તેણે વિક્રમ રાજાની માફી માગી અને બોલ્યો : “હે રાજન ! હું બહ્મરાક્ષસ છું, તમે મને મારશો નહિ. હું ગયા જન્મમાં બ્રાહ્મણનો પુત્ર હતો. એક વખત મારા પિતાએ મારી પાસે ફૂલ માગ્યાં, પણ મેં તે આપ્યાં નહિ, તેથી મારા પિતા મારા પર ગુસ્સે થયા ને મને શાપ દીધો. એ શાપને કારણે હું બ્રહ્મરાક્ષસ થઈ અવતર્યો છું ને બીજા ન કરી શકે તેવાં કામ હું કરું છું. મને કોઈ જીતનાર નથી. પણ આજે તમારી આગળ હું હાર્યો. હવે તમે કોણ છો? અને અહીં શા માટે આવ્યા છો?”
વિક્રમ રાજાએ નામધર રાક્ષસને અભયદાન આપ્યું અને પોતાની ઓળખાણ આપી અને પોતે રણસ્થંભગઢની રાજકુંવરીને છોડાવવા માટે આવ્યા છે તેની વાત કરી.
નામધર રાક્ષસે વિક્રમ રાજાને પોતાનો મહેલ બતાવ્યો. રાક્ષસનો મહેલ જોઈ રાજા તો દંગ રહી ગયા. રાક્ષસના મહેલના એક ભવ્ય ખંડમાં તેર રાજકુંવરીઓ રહેતી હતી. તેની રાક્ષસે વારાફરતી ઓળખાણ કરાવીને કહ્યું : “આ દરેકને હું પુત્રી જેવી ગણીને રાખી છે. કોઈને કોઈ પ્રકારનું દુખ આપ્યું નથી. આ તેર કુંવરીમાં રણસ્થંભગઢના રાજાની કુંવરી પણ હતી, તેને જોઈને રાજાને ખૂબ જ હર્ષ થયો.
રાજાએ રાક્ષસને પૂછયું : “હે નામધર ! આ કુંવરીઓને તમે દુષ્ટ આશયથી લાવ્યા નથી તો પછી આ કુમળી કળીઓને અહીં લાવવાનું પ્રયોજન શું?
રાક્ષસે કહ્યું : “મારા આ ભવ્ય મહેલમાં હું એકલો મૂંઝાઈ જઉં, મને ગમે નહિ, એટલા માટે આ કુંવરીઓને લાવીને રાખી છે.”
વિક્રમ રાજાએ નામધર રાક્ષસ પાસે તેર કુંવરીઓની માગણી કરી, રાક્ષસે તે તેરે કુંવરી રાજાને સોંપી દીધી, એટલે રાજાએ અગિયાર કુંવરીઓને પોતપોતાને સ્થાને પહોંચાડી દીધી, ત્યારે બારમી કુંવરીને વિક્રમ રાજાએ પેલા રાક્ષસને સોંપી, જે તેની પત્ની હતી અને તેરમી કુંવરી એટલે કે રણસ્થંભગઢની રાજકુંવરીને લઈને પોતાના નગરમાં આવ્યા અને તેને પેલા ગાંધર્વને સોંપી. ગાંધર્વ તો પોતાની પત્નીને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે વિક્રમ રાજાનો ઘણો આભાર માન્યો.
બીજા દિવસે વિક્રમ રાજાએ મહેલના વિશાળ ખંડમાં સંગીત સમારંભ યોજ્યો. તેમાં દરબારીઓ અને પ્રતિષ્ઠિત નગરજનોને આમંત્ર્યા. સમારંભમાં ગાંધર્વે વિવિધ રાગરાગિણીઓ છેડી બધાને ડોલાવી દીધા. સમારંભને અંતે રાજાએ ગાંધર્વને એક હજાર સોનામહોરો આપી તેની કલાની કદર કરી.
થોડા દિવસ બાદ રણસ્થંભગઢના રાજાને પણ આ સમાચાર મળ્યા, તેમણે પણ વિક્રમ રાજાનો ખૂબ આભાર માન્યો. વિક્રમ રાજાની ચારે બાજુ વાહ વાહ બોલાવા લાગી.
મોહિની પૂતળીએ વાર્તા પૂરી કરતાં કહ્યું : “હે ભોજ રાજા ! વિક્રમ રાજા જેવા સાહસિક અને પરોપકારી રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકશે.”
આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.
Read 👉 17 મી પૂતળીની વાર્તા
સિહાસન બત્રીસી – 19 મી પુતળીની વાર્તા
32 પૂતળીની વાર્તા – 20મી પૂતળીની વેતાળની વાર્તા
Pingback: સિંહાસન બત્રીસી : 17 મી પૂતળીની અમરફળની વાર્તા - AMARKATHAO
Pingback: 32 પૂતળી - ચોવીસમી પૂતળીની ચતુર કન્યા અને વેશ્યાની વાર્તા - AMARKATHAO