Skip to content

ભીમ અગિયારસ વાર્તા – મુકેશ સોજીત્રા

ભીમ અગિયારસની જુની યાદો
3916 Views

જુના જમાનામા ભીમ અગિયારસ (નિર્જળા એકાદશી) નુ ખુબ જ મહત્વ હતુ, ભીમ અગિયારસ સાથે ખુબ જ યાદો જોડાયેલી છે, લેખક શ્રી મુકેશ સોજીત્રા ના આ લેખમા ભીમ અગિયારસની જુની યાદો તાજી થઈ જશે એ ચોક્કસ, Bhim Agiyaras – Mukesh Sijitra

ભીમ અગિયારસની જુની યાદો

ભીમ અગિયારસ આજે પણ સૌરાષ્ટ્રમાં ધામધુમથી મનાવવામાં આવે છે. સોરઠમાં ભીમ અગિયારસનુ એક ખાસ મહત્વ છે. શિયાળામાં જે દીકરી પરણીને ગઈ હોય પછી પિયરમાં હક પૂર્વક આંટો મારવા માટેનું મોટામાં મોટું કારણ આ ભીમ અગિયારસ જ હતી. વરસો પહેલાની ભીમ અગિયારસ અને આજની ભીમ અગિયારસમાં જમીન આસમાન નો તફાવત જોવા મળે છે. એ વખતે ટાંચા વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહાર માં એક માત્ર ટપાલ જ હતી. મનોરંજનમાં માત્ર રેડિયો!! એ વખતની બાળપણની ભીમ અગિયારસની યાદો આજે પણ અકબંધ છે. નિશાળ શરુ થાય પછી આ પેલી મોટી રજા ભીમ અગિયારશની આવતી. જો કે હવે તો નિશાળમાંથી ભીમ અગિયારશની રજા પણ નામશેષ થઇ ગઈ છે.

નિશાળમાં અમને અગાઉ જ ભીમ અગિયારસ નું મહાત્મ્ય ની વાર્તાઓ ગુરુજી કહેતા. કે ભીમ અને પાંડવો આ અગિયારશ રહ્યા હતા. પણ ભીમને ભૂખ લાગી અને રહેવાયું નહિ એટલે બનાવેલા બધા જ લાડવા ભીમ ખાઈને એક મંદિરની પડખે નાનકડી નદીમાં ભીમ આડો પડીને સુઈ ગયો. નદીમાં એક બંધ જેવું થઇ ગયું. પાણી મંદિરમાં પ્રવેશ્યું. ભગવાને આવીને ભીમને જગાડ્યો અને ત્યારથી આ ભીમ અગિયારસ ઉજવાય છે. બીજી પણ વાતો પ્રચલિત છે, પણ આજે એ જૂની ભીમ અગિયારસ ની યાદો તાજી કરવી છે.

ગામડાના લોકો એ વખતે અગિયારશ રહેતા અને ઘણા ખરા તો આખો દિવસ પાણી પણ ન પીવે એટલે આ ભીમ અગીયારસ ને નિર્જળા અગિયારશ પણ કહે છે. ગામડામાં અગિયારશ ના દિવસે ખેડૂતો વાવણીના સાધનો તૈયાર કરે છે. ગામના સ્થાનિક લુહાર કે મિસ્ત્રી હોય એ બધાને ભીમ અગિયારસ નો વાયદો આપતા. ખપાળી કે દંતાળ કે વાવણીયો કે સાંતીડું નવું કરાવવાનું હોય તો બધાને ભીમ અગિયારશે ડીલીવરી મળતી!! ગામમાં સંધિઓ કે વણજારા આવતા એ બળદો ના સાટા દોઢા થતા, પૈસા આવતી ભીમ અગિયારશે દેવાનો વદાડ થતો. માણસો એ કોઈની પાસે ઉછીના કે ઉધારે રૂપિયા લીધેલા હોય એ બધા જ પૈસાનું ઉઘરાણું એક ભીમ અગિયારશે, સાતમ આઠમે કે નોરતામાં થતું. વહેવારમાં એ વખતે પરબના વાયદા અપાતા. પરબ એટલે પર્વ!!

ગામમાં ભાંગલી તૂટેલી બસ આવતી અને એ બસમાં ગામની દીકરીઓ પરણી ને ગયા પછી પેલી વાર પિયરમાં આવતી. એ દ્રશ્યો જોવા જેવા હતા. ગામની તમામ દીકરીઓ આ દિવસે ભેગી થતી અને મોડી રાત સુધી એક ઘરેથી બીજા ઘરે ચા પાણી પીવા માટે જતી. સુખ દુઃખની વાતો કરતી. લગ્નના હજુ થોડા જ મહિના વીત્યા હોવા છતાં તે આખી બદલાઈ ને આવતી. પરણ્યા પહેલાના ધીંગા મસ્તી રમતો અને તોફાન ની જાણે બાદબાકી થઇ ગઈ હોય એમ એનો આખો સ્વભાવ ફરી જતો. સુખી ઘરની દીકરીઓ હોય એટલા ઘરેણા પહેરીને ગામની બજારમાં નીકળતી અને સહુ વડીલોના ખબર અંતર પૂછતી જાતિ હોય.

મોઢા પર એક ગંભીરતા અને ગામ પ્રત્યેનો તેનો આદર ભાવ આંખોમાં છલકાતો હોય!! ગઈકાલ નો કુમળો છોડ વાત્સલ્યનો વડલો બની ગયો હોય એમ લાગતું. પરણ્યા પહેલા ગામમાં લગભગ કોઈ સાથે ના બોલતી દીકરી બધા સાથે બોલતી ને સહુના ખબર અંતર પૂછતી. મને આજે પણ સાંભરે છે કે ગામને પાદર મંદિરના પટાંગણમાં બપોર પછીના સમયે રાસડા લેવાતા અને આજુ બાજુ ટાબરિયા અને ગામના છોકરા એ જોવા ભેગા થતા. રમકડા વાળા અને ગુલ્ફીવાળા પણ એ દિવસે ખાસી કમાણી કરતા હતા. નાનકડા મેળા જેવો જ માહોલ સર્જાતો!!

ચોકલેટ - મુકેશ સોજીત્રાની હ્રદયસ્પર્શી વાર્તા

ચોકલેટ – મુકેશ સોજીત્રાની હ્રદયસ્પર્શી વાર્તા

આ દિવસે દરેક ઘરે કેરીનો રસ ભરપુર ખવાતો. બે દિવસ અગાઉ જ કેરીના ફેરિયાઓ ઢગલા બંધ કેરીઓ વેચી જતા. મોટે ભાગે દેશી કેરીઓ જ વધારે ખવાતી. વળી એ કેરીઓ મોટા મોટા જ ઘોળતા. નાનકડા ટાબરિયાઓ ઘોળાતી કેરીઓને જોઈ રહેતા. કેરી ઘોળવામાં પણ કારીગરી જોઈએ. કેરીના ઉપલા ભાગમાં અંગુઠો રાખીને ચારે બાજુ આંગળીના દબાણ થી કેરીને એવી રીતે ઘોળતા કે અંદર નો રસ અલગ થઇ જતો.અને પછી ધીમેકથી એક વાસણમાં બધો જ રસ એકઠો થઇ જાય પછી લગભગ ગોટલામાં કાઈ ના વધ્યું હોય તોય વારાફરતી બધાને ગોટલુ ચૂસવા મળતું. અને અમુક ઘરે તો કેરીની છાલને પણ દુધે ધોઈને જ પછી એને ફેંકવામાં આવતી.

ભાગ્યમાં હોય તો જ ગળ્યો રસ નીકળે બાકી જો કાચી પાકી રાજાપુરી ભટકાઈ ગઈ હોય તો વાત જ જવાદો!! ખાટી કેરી એટલી ખાટી હોય એક રસનો એક ઘૂંટડો ભરો એટલે દાંત જ અંબાઈ જાય.પછી એમાં દેશી ગોળ નાંખતા!! તોય ખટાશ ના જાય એટલે નાંખે દોથો ભરીને સુંઠ!! સુંઠ નાંખે એટલે કેરીનો અદ્ભુત સ્વાદ આવે તમે એ ખાવ એટલે ઘડીક કેરીનો રસ ખાટો લાગે પછી જો ગોળ વાળો ભાગ આવી ગયો તો ગળપણ જણાય અને પછી સુંઠ ને કારણે કેરીનો રસ તીખો પણ લાગતો. પણ જે મજા આવતી એ આજે રત્નાગીરી હાફૂસમાં પણ ના એ વાત પાકી!!

ખબર નહિ પણ ભીમ અગિયારસ ને દિવસે જુગાર પણ ખુબ જ રમાતો. આ દિવસે માણસ માત્રની અંદર રહેલો શકુનિ જાગૃત થતો. વડીલો પણ પરબ છે એટલે ભલે રમે એમ કહેતા. છોકરા ઓ આંબલીયા થી જુગાર રમતા અથવા બાકસની પટ્ટીથી જુગાર રમતા. મોટેરાઓ રૂપિયો રૂપિયો કે બે બે રૂપિયાનો જુગાર રમતા. ગામને ચોરે કે પાદરમાં અલગ અલગ જગ્યાએ રમવા વાળાના પડ જામતા. અમુક રસિયાઓ તો આખી રાત વાડીયે રમતા પણ પણ આ બધું ભીમ અગિયારસ પુરતું જ બાકી તો સહુ ખેતીના કામમાં વળગી જતા.

વિઠ્ઠલ તીડી - મુકેશ સોજીત્રા

“વિઠ્ઠલ તીડી” મુકેશ સોજીત્રાની એ વાર્તા જેના પરથી ફિલ્મ બની છે.

એક પ્રસંગ સાંભરે છે અમારા ગામમાં એક રાજાણી કરીને કુટુંબ હતું. એણે એક વખત એક ખટારો ભરીને રાજાપુરી કેરીનો દાબો નાંખ્યો હતો. જે મકાનમાં દાબો નાંખ્યો હતો એ મકાન આખું પેક હતું. રોજ દાબમાંથી થોડી થોડી કેરી કાઢે અને એકો લઈને આજુબાજુના ગામમાં વેચવા જાય.પણ થોડી વધારે લાલચ થઇ એટલે આઠમ અને નોમના દિવસે એ દાબાવાળું મકાન ખોલ્યું જ નહિ અને દશમના દિવસે જેવું મકાન ખોલ્યું તો આખા ગામમાં કેરીની સુવાસ પહોંચી ગઈ. બે દિવસની ભયાનક ગરમીથી કેરી એવી તો પાકી ગઈ હતી કે ઘોળવાની જરૂર જ ના પડે એટલી નરમ થઇ ગયેલી. પછી તો આખો દિવસ અને રાત એકો હાંક્યો પણ કેરી જોઈ એવી વેચાણી નહિ.

અગિયારશ ને દિવસે એણે અડધો ભાવ કરી નાખેલો પણ બધાના ઘરમાં કેરી હતી એટલે કોઈએ લીધી નહિ પણ પછી સાંજે તો લગભગ મફતના ભાવમાં જ કેરીઓ આપેલી. હવે કેરીઓ ની ખાટી વાસથી ગામ આખાને માથું ચડી ગયેલું પછી તો એણે લાગઠ કેરી વેચવાનું જ શરુ કરી દીધેલું.. આઠ આનાની એક કેરી અને રૂપિયાની ત્રણ!! અમે એ વખતે ગુલ્ફી ના ખાતા આઠ આના લઈને જઈએ એટલે એક ઘોળેલી કેરી મળતી.પછી નિશાળ શરુ થઇ એટલે આજુબાજુની ચાર ગામની નિશાળમાં એ કેરીઓ મફત આપી ગયેલા. મધ્યાહન ભોજનમાં અને કેરીઓ પણ ખાધેલી. પણ પછી તો છેલ્લે વધેલી કેરીઓ વરસાદ પડવાથી એટલી સડી ગઈ કે એ દુકાન સાફ કરવાના પણ પૈસા દેવા પડેલા અને પછી જિંદગી ભર એમણે કેરીનો ધંધો જ બંધ કરી દીધેલો.!!

બસ પછી તો ભીમ અગિયારશ પૂરી થતી અને સહુ જમાઈઓ આવતા ગામમાં. ગામમાં જમાઈના માન પાન ખુબ જ રહેતા. બે બે દિવસ જમાઈને પરાણે રોકી રાખે એ બહાને દીકરી બે દિવસ વધુ રોકાઈ જાય એ જ આશય હતો. સાસરિયું સારું હોય કે કંકાસ વાળું. જમાઈ સાથે વિદાય કરતી વખતે દીકરીની બા જમાઈને કશું જ ના કહેતા બે હાથ જોડીને આંખમાં આંસુ સાથે વિદાય દેતા અને કહેતા કે હવે આઠમે એક આંટો મારવા દેજો પછી ભલે તમે દિવાળીએ ના મોકલો તો પણ હાલશે.

અને મળવા આવેલી દીકરી પણ પોતાના ભાઈને ભેટીને રડતી. ભાઈ ગમે તેટલો તોફાની હોય કે એ મોટો હોય પોતાના ભાઈને એ બે પાંચ રૂપિયા આપીને જ દુખણા લઈને પોતાના પતિ સાથે એ સાસરીયે જતી!! ખુબ જ કરુણ દ્રશ્યો બારસ કે તેરશના દિવસે થઇ જતા.અમુક સગવડ વાળા જમાઈ માંગેલી મોટરસાયકલ લઈને પણ આવતાં. બસ ભીમ અગિયારસ ગયા પછી ગામ પાછું ઝાંઝરીના રણકાર વગરનું સુનકાર થઇ જતું અને બધા સાતમ આઠમની કાગ ડોળે રાહ જોતાં!!

આ યાદ કરવાનું કારણ એટલું કે અત્યારનો જમાનો મહત્તમ પેનિકનો છે.. કોરોનાનું મહત્વની નેગેટિવ ઇફેક્ટ માણસોના સ્વભાવ પર પડી છે.. એને ભૂલવા માટે જુના સુખના દિવસો યાદ કરીને આનંદ અનુભવો. તમે થોડીવાર માટે દુઃખને ભુલી જશો.. બીજું અત્યારે આપણી કરી પણ શું શકીએ.. યહ સમય પણ જતો રહેશે પણ ભૂતકાળનો સુવર્ણમય સમય અમર છે. એ ક્યારેય દૂર નહીં જાય..

બસ આજે તો ભીમ અગિયારશ નું મહત્વ ઓછું થઇ ગયું છે. બહુ ઉત્સાહ નથી દેખાતો આ ભીમ ડે માં કારણ કે બીજા બધા પાર વગર ના ડે આવી ગયા છે!!

લેખક : મુકેશ સોજીત્રા

બાળપણની દિવાળી ખુબ યાદ આવે છે

🍕 1990 ની હોળી- ધૂળેટીની યાદો

ગામડાની જુની યાદો, ગામડાનો વરો અને પંગતમા જમવાની મજા

ગામડાની જુની યાદો 1 – ગામડાનો વરો અને પંગતમા જમવાની મજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *