Skip to content

દિવાળીબેન ભીલ : વાસણ ધોવાનું કામ કરતી સ્ત્રી બની ગઇ ગુજરાતની સર્વશ્રેષ્ઠ લોકગાયિકા

દિવાળીબેન ભીલ
6581 Views

દિવાળીબેન ભીલ – “મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે….” અને “હું તો કાગળીયા લખી લખી થાકી….” જેવા સદાબહાર ગીતો કોણ ભુલી શકે ? જી હા…. આ લોકગીતોને ગાનાર એટલે દિવાળીબેન ભીલ, દિવાળીબેન ભીલનો ઇતિહાસ, દિવાળીબેન ભીલ લોકગીતો, દિવાળીબેન ભીલનાં લગ્નગીતો, દિવાળીબેન ભીલના ભજન, Diwaliben bhil singer. Diwaliben bhil no parichay. diwaliben bhil song, Diwaliben bhil birth date, Diwaliben bhil death. Diwaliben Bhil biography in Gujarati

દિવાળીબેન ભીલ નો પરિચય – Diwaliben Bhil biography in Gujarati

“ઝીણા મોર બોલે છે લીલી નાઘેરમાં….” કોણ એવું હશે જે આ ગીતથી અજાણ હોય ? ખેર,કદાચ નવી પેઢીને ખ્યાલ ન હોય તો બીજા બેએક વિખ્યાત ગીત – “મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે….” અને “હું તો કાગળીયા લખી લખી થાકી….” હવે આ ગીતોથી તો કોઇ ગુજરાતી અજાણ ન જ હોય. અને કદાચ જેણે આ ગીતની ગુંજ સાંભળી નથી એના ગુર્જરપણા વિશે શંકા પણ થઇ શકે !

આવા લોકગીતો જ્યારે એક શ્યામવર્ણી, માથા પરથી કદી સાડી સરકવા ન દેતી,કપાળે ચાંદલો કરતી અને પ્રમાણમાં થોડો મોટા ચશ્મા પહેરતી સ્ત્રીના કંઠે ગવાતા ત્યારે જનમેદની સ્તબ્ધ થઇ જતી,ટાઢી રાતોનો વાયરો પણ ઘડીભર આ લયને ઝીલવાને થોભી જતો,હૈયાં થંભી જતા…!

એ સ્ત્રીના સાદ વિશે કહેવાય છે કે, ઇશ્વર જ્યારે સંપૂર્ણપણે રાજી થાય તો પણ આવો અવાજ આપે કે કેમ એ શંકા છે ! પણ એને એની અતુલ્ય પ્રતિભાનુ જરાયે અભિમાન નહી,અરે અણસાર સરખોય નહી ! એ તો બસ પાંપણો ઢાળીને કોઇ વિજોગણની જેમ પરમેશ્વરમાં લીન બનીને સુરો રેલાવતી જાય…!

આ ગાયિકા એટલે ગુજરાતની વાડીની આમ્રકુંજોમાં ટહુકતી કોકિલરાણી દિવાળીબેન ભીલ…!કોઇ જ એવું નહી હોય જેણે દિવાળીબેન ભીલનુ નામ સાંભળ્યુ નહિ હોય. ગુજરાતને એના જેવી અભુતપૂર્વ સાદની ગાયકી હવે સાંભળવા મળશે કે કેમ એ વિશે શત્ પ્રતિશત્ શંકા છે, કારણ કે એના સાદની બરાબરી કરવાની વાત જ હાસ્યાસ્પદ લાગે છે…!

દિવાળીબેને ગુજરાતને રીતસર ગાંડી કરી હતી.એ જમાનામાં રેડિયો પર દિવાળીબેન ભીલના ગીતો આવતા ત્યારે આખી શેરી રેડિયોની ફરતે ગોઠવાઇ જતી…! ટૂંક સમયમાં જ આ નામે ગુજરાતની પ્રજાના દિલ પર રીતસર સામ્રાજ્ય સ્થાપી દિધું હતું : અખંડ સામ્રાજ્ય !

દિવાળીબેન જે ગુજરાતી ફિલ્મમાં સ્વર આપે એ ફિલ્મના ગીતો પછી સદાય ચિરંજીવ જ રહે ! ગુજરાતી પ્રજાને પૂર્ણ અનુભવ હતો કે આ શ્યામવર્ણી ત્વચામાં કેવી અસાધારણ પ્રતિભા છુપાયેલી છે.

દિવાળીબેન ભીલનો જન્મ જુન ૨,૧૯૪૩ના રોજ અમરેલીના ધારી તાલુકાના દલખાણિયા ગામે થયેલો. એક સામાન્ય આદિવાસી ભીલ પરીવારમાં ! આગળ જતાં આદિવાસી પરિવારની આ સામાન્ય બાળકી એના સ્વર, એની ગાયકી અને એની મર્યાદાઓની સભાનતાને લીધે અસાધારણ નારીરત્ન બની જવાની હતી.

એમના પિતાનું નામ – પુંજાભાઇ અને માતા મોંઘીબહેન. મુળે તો તેમની અટક લાઠીયા પણ દિવાળીબેન ભીલ તરીકે જ પ્રસિધ્ધ થયાં. ગીરની ધીંગી ધરામાં તેમનું બાળપણ વીત્યું. દિવાળીબેન નવ વર્ષના થયા ત્યારે જુનાગઢ રેલ્વેમાં એમના પિતાને નોકરી મળવાથી સપરિવાર તેઓ જુનાગઢમાં સ્થાયી થયા અને પછી છેવટ સુધી ગરવા ગિરનારની ગોદમાં જ રહ્યાં.

દિવાળીબેને કદી શિક્ષણ લીધું નથી,નિશાળ તેમણે કદી જોઇ નથી…!

દિવાળીબેન ભીલ સંપુર્ણ પરિચય
દિવાળીબેન ભીલ સંપુર્ણ પરિચય



🔷 બે દિવસનું લગ્નજીવન અને પછી આજીવન બ્રહ્મચર્ય

દિવાળીબેન નવ વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમના લગ્ન કર્યાં.એ સમયે બાળવિવાહ સામાન્ય બાબત હતી. કમનસીબે,લગ્નના બે દિવસમાં પુંજાભાઇને અને દિવાળીબેનના સાસરીયાને કોઇક અણગમો થયો અને વિવાદ વધતા પુંજાભાઇએ દિવાળીબેનનો સબંધ કાપી નાખ્યો. બસ,થઇ રહ્યું…! પછી દિવાળીબેનએ કદી બીજા લગ્નનો વિચાર સુધ્ધાં ન કર્યો ! આજીવન બ્રહ્મચર્યની અલખ-આરાધના તેમણે જીંદગીના છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખી.

વાસણ ધોવા-રસોઇ બનાવવા સહિતના કામ કર્યા.

જુનાગઢમાં આવ્યા બાદ ઘરની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી ભરણપોષણ માટે થઇને દિવાળીબેન એક નર્સના ઘરે રસોઇ બનાવવાનું કામ કરતા.ઉપરાંત વાસણ ધોવા,સાફ કરવાનું કામ પણ કરતા.આદર્શ અને પરિશ્રમની જીવનરેખાને દિવાળીબેન ક્યારેય વિસર્યા નહોતા.

દિવાળીબેન ભીલ : વણઝારી ચોકમાંથી આકાશવાણી રાજકોટ

દિવાળીબેનને બાળપણથી જ ગાવાનો શોખ હતો. લગ્નગીતો અને લોકગીતો જાણે તેને ગળથુંથીમાંથી જ મળ્યા હતાં. એ બધામાં તરી આવતું પાસું હતું એમનો વિરલ સ્વર ! જે અન્ય કોઇ પાસે મળવો મુશ્કેલ હતો. જુનાગઢમાં નવરાત્રિમાં તેઓ વણઝારી ચોકમાં ગરબી ગવડાવતાં.

એવી જ એક નવરાત્રિની ગરબીમાં ગુજરાતના અનન્ય અને સદાબહાર લોકગાયક સ્વ. શ્રીહેમુભાઇ ગઢવી હાજર હતાં. એ વખતે આકાશવાણી રાજકોટ પાસે જે “માથાં” હતાં તેમાના એક હતાં હેમુભાઇ. તેમણે દિવાળીબેનનો સાદ સાંભળ્યો. હિરપારખુ હેમુભાઇએ કાદવમાં ઉછરી રહેલા અપૂર્વ પારિજાતને નિહાળ્યું અને ત્યાં જ આકાશવાણી રાજકોટની ટીમ સાથે તેમના ગીતોનું રેકોર્ડિંગ કર્યું.

એ પછી આકાશવાણીના સ્ટુડિયોમાં તેમને લઇ જવામાં આવ્યા. ત્યાં સુવિખ્યાત કવિવર એવા દુલા ભાયા કાગ ઉર્ફે “ભગતબાપુ” એ તેમને “ફુલ ઉતર્યાં ફુલવાડીએ….” ગીત ગાવાનું કહ્યું. દિવાળીબેન આકાશવાણી રાજકોટમાં સિલેક્ટ થયાં. તેમને પહેલી ગાયકી પેઠે પાંચ રૂપિયાનું મહેનતાણું મળ્યું.

એ વખતે દિવાળીબેન આભા જ બની ગયાં.તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે ગાવાના તે આટલા રૂપિયા મળતાં હશે…!

🔷 એ પછી દિવાળીબેને પાછું વળીને જોયું નહિ.

એક અભણ અને વાસણ ધોઇને ગુજારો કરતી આ નારીએ પછી ગુજરાતની પ્રજાના દિલ પર રાજ કર્યું. આકાશવાણી રાજકોટમાં એમના ગીતોએ રીતસર ધુમ મચાવી. એ પછી તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ ગાયન આપ્યું. અનેક ફિલ્મો માત્ર તેમના ગીતોને લીધે જ સુપરહિટ નીવડી. આ લોકગાયિકાના સ્વરમાં ખરેખર દિવ્યતા હતી.

🔷 પ્રફુલ્લ દવે અને પ્રાણલાલ વ્યાસ જેવા દિગ્ગજ ગાયકો સાથે એમણે ફિલ્મગીત આપ્યાં. એ પછી તો એમની ખ્યાતિ ગુજરાતના સીમાડા વટીને દેશમાં ફેલાણી અને પછી વિશ્વમાં ! અનેક પ્રોગામો માટે દિવાળીબેનને નિમંત્રણો મળવા લાગ્યા. અમેરીકા, ઇંગ્લેન્ડ સહિત લગભગ પંદરેક દેશોને પ્રવાસ તેમણે ખેડ્યો અને ત્યાં રહેલી ગુજરાતી પ્રજા તેમના સાદ પર ઓવારી ગઇ.

એમના લોકડાયરાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હૈડે હૈડા દળાય એટલી જનમેદની એકઠી થતી. અને દિવાળીબેનનો કંઠ જાણે વાયરા થંભાવી દેતો…!

દિવાળીબેન ભીલના કંઠે ગવાયેલા સદાબહાર લોકગીતો

દિવાળીબેને ગાયેલા બધાં જ લોકગીતો “ધી બેસ્ટ” કહી શકાય કેમ કે દરેક ગીતને એમનો સાદ સોને મઢેલું બનાવી દેતો. અને અમુક લોકગીતો તો એવા છે કે, એને દિવાળીબેને ગાયા એટલે જ આજે જીવંત છે બાકી ગુજરાત એને કદાચ ભૂલી પણ ગયું હોત…!
આ રહી તેમના કંઠે ગવાયેલા અમુક લોકગીતોની યાદી……

૧. હું તો કાગળિયાં લખી-લખી થાકી…
૨. મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે ?…
૩. જીણા મોર બોલે છે લીલી નાઘેરમાં….
૪. એક ના આવ્યા નાવલિયા તારા નાવડાં…
૫. મારે ઘરને પછવાડે સૈયરો રમે…
૬. જામ તારા જાંબુંડો રળિયામણો રે…
૭. વરસે વરસે અષાઢી કેરો મે’હ…
૮. લક્ષ્મણ ઘડીક તો ઊભા રો મારા વીર !…

દિવાળીબેન ભીલનો જન્મદિવસ
દિવાળીબેન ભીલનો જન્મદિવસ

🔷 પારિજાતની અવિનાશી ફોરમ….

👉 ૧૯ મે ૨૦૧૬ના દિવસે લાંબી માંદગી બાદ દિવાળીબેનનું અવસાન થયું ત્યારે આખું ગુજરાત રડ્યું હશે એમાં કોઇ શંકા નથી. સૌરાષ્ટ્ર પંથકમાં તો ઘરે-ઘરે દિવાળીબેનના ગીતો ચિરંજીવ થઇ ગયાં છે. આજે ભલે દિવાળીબેન નથી પણ એમની કેસેટો જ્યારે પણ વાગે ત્યારે લોકો અચુકપણે “વાહ…!”નો ઉદ્ગાર તો કાઢે જ. દિવાળીબેનના અવસાન પછી અનેક ગુજરાતી દિગ્ગજોની આંખો ભીની થઇ હતી.અને જુનાગઢ તો લગભગ રડી પડ્યું હશે…!

પદ્મશ્રી દિવાળીબેન ભીલ

🔷 ૧૯૯૦માં દિવાળીબેનને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો.એ ઉપરાંત હેમુ ગઢવી એવોર્ડ, વાઇબ્રન્ટ ગુજરાત એવોર્ડ અને બીજા અસંખ્ય પારિતોષિક મળી ચુક્યા હતાં. એક મહાન ગાયક હોવા છતાં તેમની જીંદગી અભિમાનની લેશમાત્ર છાંટ વિનાની હતી. એમની મર્યાદા અને ચારિત્ર્યવાન જીવનશૈલી આજની નારીઓ માટે ઉદાહરણરૂપ છે.

🌻 આ પણ વાંચવાનુ ભુલશો નહી 👇

નરસિંહ મહેતા નો સંપુર્ણ પરિચય

ભોળાનાથનાં ભજનો સંગ્રહ

પ્રભાતિયુ : અખંડ રોજી હરીના હાથમા

રામદેવપીરની આરતી

સૂના સમદરની પાળે

રાધા કૃષ્ણ ગીત
Radha krishna song

1 thought on “દિવાળીબેન ભીલ : વાસણ ધોવાનું કામ કરતી સ્ત્રી બની ગઇ ગુજરાતની સર્વશ્રેષ્ઠ લોકગાયિકા”

  1. Pingback: હું તો કાગળિયાં લખી લખી થાકી | Hu to Kagaliya lakhi lakhi lyrics - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *