Skip to content

ગામડું ભાગ 2 : જુના જમાનાની જાન અને જાનૈયા થવાનો હરખ

ગામડું ભાગ 2 : જુના જમાનાની જાન અને જાનૈયા થવાનો હરખ
2621 Views

મિત્રો આ શ્રેણીમા આપ ગામડું, ગામડાની વર્ષો જૂની પરંપરા, રિતીરિવાજો, જુના જમાનામા ઉજવાતા તહેવારો, પ્રાચીન દેશી રમતો, આપણા ગામડાની સંસ્કૃતિ, બાળપણની યાદો મુકવામા આવે છે, તો વાંચો અને બાળપણમા ખોવાઈ જાવ, Old village memoires, gamadu, gamadani yaado, visarati jati parampara, જુના જમાનાના લગ્ન, અતીત ની યાદ અંબુ પટેલ

જાનૈયા થવાનો હરખ – અંબુ પટેલ

લગ્ન માં માંડવો હોય તે દિવસે જ બપોરે જમણવાર અને ગામ વહેવાર હોય. અમારા ગામના વાણંદ તભાભા આગલી સાંજે જ ફરીને જમણવાર નું નોતરું આપી દે અને જમણવાર શરૂ થવાની થોડી વાર પહેલા બપોરે ફરીથી બોલાવવા આવે આ પ્રમાણે નો અમારા ગામનો રિવાજ હતો. પરંતુ, જો છોકરાના વિવાહ હોય તો બીજા દિવસે જાનમાં આવવાનું કહેવા મુરતિયા નો બાપ ખુદ આવે અને જાન માં આવવા માટે કહે. જોકે તેને જાન માં સુંઢાળ્યા એવું કહેવાય.

મોટાભાગે જાન પરોઢિયે રવાના થાય. અમને સમજણ આવી ત્યારે ગાડા યુગ લગભગ આથમી રહ્યો હતો. મોટાભાગે ટ્રેકટર માં જાન જતી હતી. પામતા પહોંચતા હોય એ શહેર કે તાલુકા મથકે થી એમ્બેસેડર કાર વરરાજા માટે ભાડે લાવતા. જોકે આવું બહુ ઓછું અને જવલ્લેજ બનતું. મોટાભાગે ટ્રેકટર પાછળ જોડેલી લારી માં બાકડો મૂકવામાં આવતો. સીસમ નો અને નકશીદાર બાકડો અમારા ગામના દેવું ભાઈ ને ત્યાં હતો એ સહુ લઇ આવતા. તેના ઉપર નવી રજાઈ પાથરવામાં આવતી અને તેમાં વરરાજા વટ થી બેસતા.

વરરાજા અને તેમના કુટુંબીનોએ. હરખ હોય એ સ્વાભાવિક છે. પરંતુ, જાનૈયા થઈને જવા વાળા ને સવાયો હરખ રહેતો. ઈસ્ત્રી નું ઝાઝું ચલણ નહોતું એટલે મોટાભાગે વાટકા માં અંગારા નાખી અને આગલી સાંજે લૂગડાં ને ઈસ્ત્રી થઈ જતી. ઘણા લોકો ડામચિયા માં ગોદડા ની નીચે લૂગડાં મૂકી રાખતા એટલે લૂગડાં ને ગોદડાં ના વજન થી ઈસ્ત્રી થઈ જતી. આધેડ હોય કે ઉમર લાયક હોય એ બધા મોટા ભાગે સફેદ લૂગડાં વધારે પહેરતા. સાસ્કીન અને બોસ્કીન કાપડનું ચલણ હતું. બુટ પોલિશ દૂર ની વાત હતી એટલે બુટ કે મોજડી ને તેલ પીવડાવવામાં આવતું. અત્યારે મલે છે તેવા બોડી સ્પ્રે કે પરફ્યુમ સ્પ્રે ને બદલે અત્તર નો જમાનો હતો. કાન ના ઉપરના ભાગે અત્તર માં ઝબોળેલું રૂ નું પૂમડું આસપાસ મઘમઘતી સોડમ પ્રસરાવતુ.

મોટાભાગે જાનને આજુબાજુ ના ગામડાઓ કે પચીસ પચાસ કિલોમીટર સુધી જવાનું રહેતું. એથી વધારે દૂર તો ભાગ્યેજ જવાનું બનતું. એ વખતે બેલબોટમ પેન્ટ ની ફેશન ગામડાઓ સુધી પહોંચી હતી. નીચેથી પેન્ટ જેટલું વધારે પહોળું એટલું વધારે ફેશનેબલ ગણાતું. મુંબઈ માં હીરા ઘસવા યુવા વર્ગ ગામડાઓ થી મોટી સંખ્યામાં જઈ રહ્યો હતો. એ લગ્ન માં આવતો ત્યારે મુંબઈ ની ફેશન લઇ ને આવતો હતો.

જાન ગામ ઝાપે પહોંચતી અને રંગે ચંગે સામૈયા કરીને જાન ને ઉતારો આપવામાં આવતો. જાનૈયા ઉતારામાં બેસતા તેમની વચ્ચે સોપારી ધાણાદાળ બીડી અને સિગારેટ મૂકવામાં આવતા. અમારા ગામના ભીખાકાકા ધાણા દાળ નો બુકડો ભરી ને સિગારેટ સળગાવી ને મજે થી કસ લેતા એ અમે જોઈ રહેતા. દાંત વચ્ચે ચવાતી ધાણા દાળ નો વિશિષ્ટ અવાજ અમને સંભળાતો. એ બહુ ધીરજ થી સિગારેટ પીતા હતા. જોકે અમે તેમને ગામ માં હમેશા ખાખી બીડી પીતા જોતા હતા. પરંતુ, અહીંયા એ જાનૈયા હતા!!!

વાણંદ પરણેતર માટે બોલાવવા માટે આવતા. જોકે પરણેતર માં જાનૈયા એ બેસી રહેવા સિવાય કંઈ ઝાઝું કરવાનું રહેતું નહી. હા વડીલો ની નજર અવર જવર કરતા દીકરા દીકરી ઉપર રહેતી. તેમના વિશે પૂછપરછ થતી અને તેમના સગા સગપણ થોડા ઘણા અહીંયા આકાર લેવાઈ જતા.

પરણ્યા પછી મુખ્ય સમય આવતો જાન જમાડવાનો. પાથરણાં પાથરી અને નીચે બેસી ને જાન જમાડવામાં આવતી. જાનૈયાઓ એ ઉતારે બેસીને વધારે ખાઈ સકતા યુવાનો નું અલગ ગ્રુપ બનાવ્યું હોય. એ અલગ પંગત માં બેસતા. મહિલા વર્ગ ને અલાયદો બેસાડવામાં આવતો. બધું પીરસાઈ જાય પછી કોઈ વડીલ શ્લોક બોલતા અને પછી જ જમવાની શરૂઆત થતી. પીરસવા વાળા પણ આગ્રહ કરીને જમાડતા. વેવાઈ અને તેમના કુટુંબીઓ વારાફરતી મીઠાઈ ખવડાવવા આવતા. જાન જમાડતી વખતે વેવાઈ ના વ્યવહાર થી લઇ સ્વભાવ પરખાઈ જતો. એટલે જાનૈયા ને જરાય બોલ્યા જેવું ન રહે તેની કાળજી રાખવામાં આવતી.

જાન જમી અને ઉતારા તરફ જાય એટલે વેવાઈ ને થોડી નિરાંત વરતાતી. ગામ માં એકાદ પાન નો ગલ્લો હોય ત્યાં જાનૈયાઓ ની ભીડ જામતી. કોઈ દિવસ પાન ન ખાનાર પણ આજે પાન ખાઈને મો લાલ કરતા. મોટી ઉમરના ઉતારે સહેજ ઝોકું ખાઈ અને આરામ કરી લેતા. બપોર ઢળી જતો અને સૂરજ આથમણી દિશા માં ઢળતો થાય અને જાન ને સીખ કરવા માંડવે બોલાવવામાં આવતી. વાતાવરણ ભારેખમ થઈ જતું. ભીખા કાકા તાસક માં સિગારેટ પડી હોવા છતાં નહોતા પી શકતા. ઢોલીના ઢોલ ની થાપ વિલંબિત થઈ જતી. માંડવા નીચેથી માવતર અને ભાઈ ભાંડરૂ ને બથમાં લઇ ને રોતી કન્યા ના અવાજે ઉદાસી નું લીપણ પથરાઈ જતું.

Gujarati Lagna Geet, Fatana

Best Gujarati Lagna Geet, Fatana lyrics, mp3 | 101 ગુજરાતી લગ્ન ગીત pdf

કોઈ ની આંખ ભીની ન થાય તેવું જવલ્લેજ બનતું. ગામ દેવતા અને મંદિરોમાં દર્શન કરી અને જાન ઝાપે પહોંચતી અને વિદાય થવા ગામ ભણી નીકળતી. પેલા બાકડા ઉપર હવે વરરાજા ની બાજુમાં નવવધૂ બેસતી. હવે એ વરઘોડિયા નવ દંપતીહતા. સંસાર નો સાગર બન્ને યે હળીમળી ને તરવાનો હતો.

આજે ય લગ્ન થાય છે. આજે પણ જાન ને ઉતારા અપાય છે. હા આધુનિકતા આવી ગઈ છે. ઘણું બધું સરળ થયું છે. પણ, એ દિવસો અમને હજુ પણ યાદ આવે છે.. વો ભી ક્યાં દિન થે!!!!!

# આલેખન : અંબુ પટેલ

———————————

અતીત ની યાદ…

જુના જમાનાની જાન – પોપટભાઈ પટેલ, ઘેલડા

આજથી પચાસેક વર્ષ પહેલાની જાનું કઈ રીતે જતી એની યશોગાથા ગાઈએ…….

એ સમય કાચાં અને ધૂળિયા રસ્તા પાકા રોડ તો ક્યાંય જોવા ના મળે અને બીજે ગામ અવરજવર માટે ઘોડા ઉંટ નો ઉપયોગ થતો, અને માલસામાન લઈ જવા લાવવા બળદનો ઉપયોગ થતો, સામાન્ય રીતે બળદ ગામડાના જીવન સાથે વણાઈ ગયેલું એક અંગ બની ગયેલું.

કેમ કે ખેતી કરવા જેહોં(શાંતિળું) બળદથી હાલતું અને જ્યારે મોલ ઉગીને વઢાય પછી માલ ખળામાં લઈ જવા માટે પણ એ જ બળદનું ગાડું ઉપયોગમાં લેવાતું, અને માલ તૈયાર થઈ ગયા બાદ શાહુકારને ત્યાં પહોંચાડવા માટે પણ એજ બળદનું ગાડું ઉપયોગમાં લેવાતું.

ખાસ જ્યારે કોઈની જાન જોડવાની હોય ત્યારે તો ગાડા વાળાના ઘીકેળા થઈ જતાં, બે દિવસ અગાઉથી ગ્રીસ લાવીને એના ભારે પયડામાં પુરી દેવાતું અને બળદ નો સજાવવાનો સામાન તો બધો ઘરમાજ પડ્યો હોય, જાનમાં જવાની આગલી રાત્રે બળદને કિલો જેવો ગોળ ખવડાવી દેવાતો અને ચાર પુળો કરીને ગાડું રાત્રેજ સજાવી દેવાતું,

મળસ્કે વરરાજાની ફોઈ દેકારો મચાવી દે કે હેય બારા નેકરો નકે અહીંજ બપોર પાડશો અને હમચુડાની શરૂઆત થાય, અને સૌથી વધુ સુંદર સજાવેલું ગાડું હોય એમાં વરરાજો બેસે, ગમે તેમ તોય એક દિવસનોતો રાજા ખરોને ભાઈ.

જાનમાં લઈ જવાની પરવાનગી મળી હોય એટલા માણસોની એકમાં સાત જણના હિસાબે ગણતરી કરીને ગાડા મંગાવવામાં આવતાં.

એના ચલાવનારો તો સિગરેટ પીતો હોય અને ડચકારો બોલેને પરોણાની આર નો ઘોદો પૂંઠમાં વાગે એટલે બળદ લાંબા થાય અને ગાડું પાછળ ઢસેડાતું જાય.

ગામ બારા નીકળીને મારગ મોકળો આવે એટલે થોડી હરીફાઈ થઈ જાય, મોટી ઉંમરના લોકો ઉલળી ઉલળી ને પડતા થાય અને કકળાટ વધી જાય પછી હરીફાઈ રોકાય.

બળદના પૂછડાના નજીક ડામચો(ગાડાની કારપેટ) કટ મારેલો હોય ત્યા ગાડાના ભંડારિયાના સપોર્ટ માટે એક આડુ લાકડુ મુકેલ હોય તે તે વખતના વરરાજાનુ ફૂટરેસ્ટ, પગ મૂકીને બેસી શકાય.

વરરાજા સાથે એક અણવર હોય અને બાકી બીજી બધી જાનડીઓ લગ્ન ગીતો ગાતી હોય.

અણવર વરરાજાને બળદ પોદળો કરીને વરરાજાનુ પાટલૂન ના બગાડે તેનુ ધ્યાન રાખવા અવાર નવાર સુચના આપતો જાય.

વરરાજાને પરણવા કરતા પોદળાથી પાટલુન સાચવવાનુ ભારે ટેન્સન રાખવું પડતું પડતુ,

માથે તેલ નાખવાનો નવો નવો રિવાજ અંગ્રેજો ઘાલીને ગયેલા, વરની મા દીકરાનો વટ પડે તેવા છૂપા હેતુસર વધારે પડતુ તેલ નાખી દેતી.

ઉનાળાના લગ્ન હોય ધોમ ધખતો તાપ હોય માથામાથી નીકળતા પરસેવામાં તેલ ભેળું થાય અને એ મિશ્રિત રેલા નીતરીને ગરદને ઉતરતા હોય તેમા કાચા રસ્તાની બળદના પગ વડે ઉડેલી ધૂળ ભળતી હોય મસ્ત મજાના મેલના પોપડા જામતા જાય.

વરરાજા નો બુશર્ટનો કોલર તો કાળા રંગે રંગાઈ જાય.

મોડે મોડે અણવરને કંઈ અણસાર આવતા તેને એક ખેસ જેવુ કપડુ ઓઢાડી દે, આ ખેસીયું ગરમીમા અકળામણ ઉભી કરે વરરાજો ઘડી ઘડી ફગાવી દે.પણ અણવર ખૂબ તકેદારી રાખે.

વેવાઈના ગામની બહાર વરરાજાની વહેલ
ઉભી રહે એની પાછળ બધા ગાડાની લેન ઉભી રહે.

જાણે જંગના મેદાનેથી સીધા વેવાઈને ઘેર લગનમાં આવી ગયા હોય એવા ધૂળધાણી જાનૈયાના ડોળ હોય.

વરરાજાને નીચે ઉતારીને ધણા સમયથી બંધ ઘરના સામાનને જેમ બહાર કાઢીને ઝાપટીને ઘૂળ ઉડાડે એમ અણવર અને વરરાજાની ભાભી તૈયાર કરતા હોય.

પણ તેલના અને પરસેવાના મિશ્ર ડાઘાનો તો શું ઈલાજ હોય, સાથે પાણી લીધા હોય તો રાજાને મુખે થોડું પ્રક્ષાલન થાય,(પખાળવું)

બે ચાર દોઢ ડાહ્યા પોતાનો વગર માંગ્યો મત આપી પ્રયાણનો સિગ્નલ આપતા હોય.

એ સમયે વરરાજાને ટોપી પહેરવાનો ધારો હતો પણ ટોપી મેલી ના થાય એ બીકે સાસરે પહોંચીનેજ પહેરાવાતી.

ટોપી પણ પોતાનો વટ પાડતી હોય એમ અન્ય કપડાથી અલગ પડીને ટોપી ચોખ્ખી દેખાતી હોય.

આમ જાન વેવાઈને ગામ પહોચતી વેવાઈના ગામને પાદર પહોચો એટલે જાન આવ્યાની ખબર ગામના છોકરા વેવાઈને ઘેર ખબર આપતા હોય.

વાળંદ એક મોટુ પાથરણુ(મોદ)લાવીને પાથરતા હોય, વરરાજા માટે એક ગાદલુ પણ આવી જાય.

ભાગોળે કોઈ ધરમશાળાની પરશાળ કે ઝાડના છાયે કે નિશાળના ચોગાનમાં પાથરણા પથરાય.

વેવાઈ સહ કુટુંબ સહૂ જાનૈયાને સત્કારવા આવે.

થોડીવાર થાય એટલે પીત્તળના ઘડા ભરી ખાંડના પાણી આવી જાય વાળંદ નાના પીત્તળના ગ્લાસમા ભરી સહુ જાનૈયાને પીવડાવતા હોય.

પાછળને પાછળ વરરાજાના સામૈયા થતા હોય,માડવા પક્ષની બાઈઓ ગાતી હોય.

“ક્યાંથી આયવો ઓલો વિલાયતી વાદરો ક્યાંથી આયવો
કાઢી મૂકો રે કાઢી મૂકો,વિલાયતી
વાદરો ક્યાંથી આયવો” જેવા ફટાણા ચાલુ થઈ જાય.

જાન હવે ગાજતે વાજતે ઉતારે જતી હોય, રસ્તામાં ઢોલી જેટલા બને એટલા પરાણે રોકીને એવા ઢોલ ધબકાવે કે ના છૂટકે વરરાજા પર ઘોર કરવી પડે.

ઉતારે આખા ગામના માંગેલા ખાટલા હારબંધ પાથર્યા હોય.

મેલાઘેલા વરરાજા હાથમાં ફૂલોનો ગુચ્છો લઈને આગળ આગળ ચાલ્યા જતા હોય.

કોક ઉતાવળીયાને અડવીતરા આગળ જઈ સારા ખાટલા બોટતા હોય.

રાતના પરણેતર પહેલા પંગતે જમણવાર હોય,અજવાળે અજવાળે જમણવાર પતાવવાની ઉતાવળ હોય.

પેટ્રોમેક્ષના અજવાળા થતા હોય,વિજળી તો ભાગ્યે જ દેખાય મોટા ગામડામા જ જોવા મળતી હોય.

જમણવાર માડ પત્યો ન પત્યો હોયને વાળંદ ઢોલી સાથે છાબ દેવા જવાનો કોલ દેવા આવતા હોય.

અંધારી શેરીઓમાં પેટ્રોમેક્ષના અજવાળે
વેવાઈ વહુના દરદાગીના અને સાડીઓ ભરી સભાએ દેતા હોય તેના ય વધામણા થતા હોય.

થોડીવારે ઉતારે પરણવાની વર્ધી દેવા વાળંદ ઢોલી સાથે પધારતા હોયને હરખપદુડા વરરાજા ચોખ્ખી ટોપીને મેંલા કપડે લગ્નમંડપ તરફ પ્રયાણ કરે.

વેવાઇને ઘરને નાકે વરરાજા પોંખાય, અણવર વરરાજાના કાનમાં સાસુ નાક ના ખેચે એ બાબતે ચેતવતો હોય તોય સાસુ નાક ખેચી નાખતા હોયને કન્યા પક્ષ તરફથી વિજયઘોષ થતો હોય.

દોઢ ડાહ્યા વરના જોડા(બુટ)સાચવવા અણવરને સુચન કરતા હોય છતા ય સાળીઓ યેનકેન પ્રકારે અણવરને વાતે ચઢાવી જોડા છુપાવી દેતી હોય.

એના તોડ થતા હોય, વરરાજા ભારે શરમાતા હોય, હસ્તમેળાપ વખતે બેઉના હાથ ધ્રુજતા હોય.

ફેરા ફરતા છેલ્લે ફેરે પહેલા બેસવાની હોડે કન્યા જીતી જતી હોય.

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો – કન્યાવિદાય નું કરુણ ગીત – કવિ દાદ

કેમ કે તેની બેનપણીઓ વરરાજાને આડે પડતી હોય,શરમાળ વરરાજા ધક્કા ખાઈને હારી જતો હોય.

માડ માડ લગ્ન પુરા થતા હોય, સવારે વહેલા વરરાજા પાછા એ જ બળદના પુંછડા
પાછળ ગાડે ચડીને એવી રીતે બેસતા હોય જાણે ઈડરીયો ગઢ જીત્યા હોય.

હવે પાટલૂન બગડવાની કોઈ બીક નથી કેમ કે બગડવામા કંઈજ બાકીયે રહ્યું નથી ને?
રંગે ચંગે ધૂળને ગોટે ગોટા હરખે હરખે,વરરાજાની મનની મલકાઈએ, જાન પાછી ઘેર તરફ આવતી મંડાય,

“નાની સી કોયલ શીદને સોહામણી,
આવો જી આવો અમારા દેશ રે…”

“ચઢ ચઢ લાડી ચઢ રે દેખાડુ તારા સાસરા”

વર વધૂ મનમા મલકાતા હોય, ફળિયાના નાકે વરવધૂ પોખાતા હોય.

ગામની ડોસીઓ,વહૂઓને દીકરીઓ નવવધૂ નિહાળવા પડાપડી કરતા હોય,ધોળી છે,કાળી છે,ઉચી છે,નીચી છે,આમ વાતો થતી હોય.

આમ જાન આવ્યે વરવધૂ કંકુના પાણીની તાસમા રૂપિયો શોધવાની રમત રમતા હોયને જે જીતશે તેનુ ઘરમા ચાલશે તેવુ ગોરબાપા પોરો ચઢાવતા હોય.
વર જીતે વહૂનો હૂરિયો બોલાતોહોય.

વહૂ જીતે વરની હત્તારી બોલાતી હોય,

અવસર પત્યાની નિશાનીએ ઉકરડી ઉઠાડાતી
હોય,ફાનસના પાખા અજવાળે મધુરજની માણાતી હોય.

વગર સગવડને વગર આડંબરે,હળવા દિલે,હરખની હેલીએ પાર પડતા હોય..

લેખક:-પોપટભાઈ પટેલ,ઘેલડા
મિત્રો ફક્ત શેર કરી શકશે..કોપી પેસ્ટ નહી

ગામડું ભાગ 1 અહીથી વાંચો

ગામડાની જુની યાદો, ગામડાનો વરો અને પંગતમા જમવાની મજા

ગામડાની જુની યાદો 1 – ગામડાનો વરો અને પંગતમા જમવાની મજા


1 thought on “ગામડું ભાગ 2 : જુના જમાનાની જાન અને જાનૈયા થવાનો હરખ”

  1. Pingback: ગામડાની જુની યાદો 1 - ગામડાનો વરો અને પંગતમા જમવાની મજા - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *