Skip to content

જૂનું પિયર ઘર (સૉનેટ-કાવ્ય) બળવંતરાય ઠાકોર

3671 Views

જૂનું પિયર ઘર એ ગુજરાતી કવિ બળવંતરાય ઠાકોર લિખિત સૉનેટ-કાવ્ય છે.  ગુજરાતી સાહિત્યની ઉત્તમ સૉનેટ રચનાઓમાં આ કાવ્ય સ્થાન પામ્યું છે. આ કાવ્યમાં કવિએ સાસરેથી પિયરના ઘરે આવેલી મુગ્ધ યુવતીના મનોભાવોનું આલેખન કર્યું છે. જૂનું પિયેર ઘર / junoo piyer ghar Junu Piyar ghar Sonet B.K. Thakor, જુનુ પિયર ઘર

જૂનું પિયર ઘર (સૉનેટ-કાવ્ય)

બેઠી ખાટે ફરી વળી બધે મેડિયો ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.

માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તી પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;

સૂનાં સ્થાનો સજીવન થયાં, સાંભળૂં કંઠ જૂના,
આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહૂના:

ભાંડૂ ન્હાનાં; શિશુસમયનાં ખટમીઠાં સોબતીઓ
જ્યાંત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ.

તોયે એ સૌ સ્મૃતિછબિ વિશે વ્યાધિ લે ચક્ષુ ઘેરી,
ન્હાની મોટી બહુરુપિ થતી એક મૂર્તી અનેરી:

ચૉરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલેજે
કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!

બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઈ સારી,
ત્યારે જાણી અનહદ ગતી, નાથ મ્હારા, ત્હમારી.

જૂનું પિયર ઘર એ ગુજરાતી કવિ બળવંતરાય ઠાકોર લિખિત સૉનેટ-કાવ્ય છે.  ગુજરાતી સાહિત્યની ઉત્તમ સૉનેટ રચનાઓમાં આ કાવ્ય સ્થાન પામ્યું છે. આ કાવ્યમાં કવિએ સાસરેથી પિયરના ઘરે આવેલી મુગ્ધ યુવતીના મનોભાવોનું આલેખન કર્યું છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~

બ.ક.ઠા. આપણી ભાષામાં ઇટાલિયન સાહિત્ય પ્રકાર “સોનેટ” લ‍ઇ આવ્યા. ૧૪ પંક્તિના સોનેટ કાવ્યમાં છેલ્લી બે પંકિતમાં કવિ વિચારનો સ્ફોટ કરે. બ.ક.ઠા.એ પોતાના સિદ્ધાંતનો અમલ કરતા હોય તેમ અગેય પૃથ્વીછંદમાં કાવ્યો લખી સિદ્ધ કર્યું કે કવિતાને ભાવક મન સુધી પહોંચવા સંગીતની કાંખઘોડી (ક્રચીઝ) ની જરૂર નથી. પણ, આ વિચાર પ્રધાનતાનો આગ્રહ, કેટલાં નાજુક સંવેદનો ને ય ઝીલી શકે છે એ એમનાં આ મંદાક્રાન્તા છંદમાં લખાયેલા સોનેટમાં જણાશે. પતિગૃહેથી પિતૃગૃહે આવેલી નારી, હિંચકે બેઠા બેઠા જૂના પિયર ઘરને આકંઠ પી રહી છે.

👉 પાંચ વરસની પાંદડી કાવ્ય

👉 ચાલો ચાલોને રમીએ હોડી હોડી

❄ બાળપણ ની યાદો… કવિતા, વાર્તા, જોડકણા

1 thought on “જૂનું પિયર ઘર (સૉનેટ-કાવ્ય) બળવંતરાય ઠાકોર”

  1. Pingback: શરૂઆત કરીએ કવિતા - આવનારી સૌ ખુશીની વાત કરીએ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *