Skip to content

ખીજડો : ભુતોનું ઘર કે કલ્પવૃક્ષ ? KHIJADO Tree of Life 4

ખીજડો અથવા શમડી, શમી વૃક્ષ
6705 Views

ખીજડો અથવા શમડી, શમી વૃક્ષ એક જ વૃક્ષ છે, ખીજડા નાં વૃક્ષ નો પરિચય, ખીજડાનો ઔષધીય ઉપયોગ, ખીજડાનો પરિચય, ખીજડાનાં ફોટા, ઝાડ વૃક્ષ ના નામ, વૃક્ષ માહિતી pdf, કદમ વૃક્ષ, ગુજરાતનું રાજ્ય વૃક્ષ, ઝાડ વિશે માહિતી, પ્રકૃતિ પરિચય, વનસ્પતિ પરિચય, વન વગડો, વનવગડાની વનસ્પતિ, ઔષધીય વનસ્પતિ પરિચય, Khijado, શમી વૃક્ષ કોને કહેવાય ? ખીજડો ઝાડ

ખીજડો : વૃક્ષ પરિચય

મિત્રો ખીજડો; એક પવિત્ર પૂજ્ય અને છતાયે અળખામણું અને વળી યોગ્ય રીતે ન ઓળખાયેલુ વૃક્ષ. ખીજડાનાં વૃક્ષ ઉપર ભૂત કે મામાનો વાસ હોય છે એવી અંધશ્રદ્ધા ઘણા લોકોમાં હોવાથી આ વૃક્ષ અળખામણું છે પરંતુ ખરેખર ખીજડો એ ‘કલ્પવૃક્ષ’ છે. આપણે આ પોસ્ટ દ્વારા ખીજડાનાં વૃક્ષનો સવિસ્તાર પરિચય મેળવીશું

ખીજડાનાં વિવિધ નામો

ગુજરાતી: ખીજડો, શમડી
हिन्दी: सफेद किकर
संस्कृत: शमी
अंग्रेजी: prosopis spicigera

આ ઝાડનાં અન્ય નામોમાં ધફ (સંયુકત આરબ અમીરાત), ખેજડી, જાંટ/ જાંટી, સાંગરી (રાજસ્થાન), જંડ ( પંજાબી), કાંડી (સિંધ), વણ્ણિ (તમિલ), શમી, સુમરીનો સમાવેશ થાય છે. આ ઝાડનું વ્યાપારીક નામ કાંડી છે.  અંગ્રેજીમાં તેને પ્રોસોપિસ સિનેરેરિયા નામ વડે ઓળખવામાં આવે છે. 

ખીજડા માં માનવ સ્વાસ્થ્ય માટે અનેક ઔષધીય ગુણો છે.

ખીજડા ના યોગ્ય ઉપયોગની સમજ સમગ્ર વિશ્વમાં પશુઓના ચારાની સમસ્યાનો અંત લાવી શકે છે.

ખીજડાની શીંગ પ્રોટીન નો અતી સમૃધ્ધ સ્ત્રોત છે.

ખીજડાની શીંગો
ખીજડાની શીંગો


ભાગ્યે જ કોઈ એવું હશે જે ખીજડાના વૃક્ષથી પરિચિત નહી હોય. આ વૃક્ષના મૂળ ૬૦ થી ૮૦ ફૂટ જેટલા ઊંડા જાય છે. ઝાડની ડાળીઓ પાતળી, ઝુકેલી અને ભૂખરા રંગની અને છાલ ફાટેલી, ખરબચડી, બહારથી શ્વેત જેવી, અંદરથી પીળી-ભુખરી થાય છે. તેનાં પાન બાવળ કે આમલીના પાન જેવાં પણ નાના, સંયુક્ત, એક સળી પર ૧૨ જોડકામાં હોય છે. તેની પર પીળાશ પડતાં સફેદ પુષ્‍પો થાય છે. ઝાડ પર ચોમાસામાં ૪ થી ૮ ઈંચ લાંબી અર્ધા ઈંચ જાડી, સફેદ રંગની અને અંદર ભૂખરા (ધૂળિયા) રંગના બીજ થાય છે. કાચી શિંગોનું શાક કરી મારવાડમાં ખવાય છે. પાકી શિંગો મધુર હોઈ, બાળકો તે ખૂબ પ્રેમથી ખાય છે. તેની મોટી અને નાની બે જાતો થાય છે. મોટી જાતને ખીજડો, નાનીને ખીજડી કહે છે.

શમડી, શમી વૃક્ષ અથવા ખીજડો એક જ વૃક્ષ છે, જે રણ તથા એવા અન્ય ઓછા પાણીવાળાં સ્થળોએ જોવા મળે છે. આપણા લોકજીવન સાથે વણાયેલા વડ, પીપળા લીમડા આસોપાલવ જેવા વૃક્ષોની જેમ જ ખીજડા થી આપણે કોઈ અજાણ નથી.. જો કે આ તમામ અન્ય વૃક્ષો કરતા તેને ઘણું ઓછું પાણી જોઈએ છે અને તે ગમ્મે તેવી ગરમી માં ટકી રહેવાની ક્ષમતા ધરાવતું હોવા છતાં તેની સંખ્યા અન્ય વૃક્ષોથી ઘણી ઓછી છે..

ભારતના અનેક સમુદાયોમાં તેની પૂજા થાય છે પરંતુ તેમાં ચોક્કસ પ્રકારના પ્રેતનો વાસ થતો હોવાની માન્યતા ના કારણ ઘણા લોકો તેનાથી દૂર રહે છે. અંગ્રેજીમાં તેને પ્રોસેપીસ સીનેરેરિયા કહે છે.. ભારત સિવાય તે બાંગ્લાદેશ પાકિસ્તાન ઈરાન ઈરાક ગલ્ફ ના બીજા દેશો, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા ના કેટલાક સૂકા પ્રદેશોમાં જોવા મળે છે. આવા અનેક દેશોની સ્થાનિક ચિકિત્સા પદ્ધતિમાં આ વૃક્ષના લગભગ તમામ ભાગનો ઉપયોગ એક સફળ ઔષધ તરીકે સદીઓથી થાય છે.

આરબ દેશો અને ભારતના રણ વિસ્તારના પ્રાચીન સાહિત્યમાં અસ્થમા, મરડો, કોઢ, રક્તપિત્ત, ભોજન પરત્વે અરુચિ તેમજ કાન ના દુખાવાની સારવાર માટે તેનો ઉપયોગ અત્યંત સારા પરિણામ આપતા હોવાનો ઉલ્લેખ છે.

ખીજડા બાબતે અત્યંત રસપ્રદ બાબત એ છે કે પ્રોટીન નો તે અતી સમૃધ્ધ સ્ત્રોત છે. અલબત્ત પ્રોટીન પ્રાપ્તિના પરંપરાગત ઉપાયોમાં તેના તરફ લક્ષ આપવામાં નથી આવ્યું પરંતુ હાલમાં વિશ્વની પ્રતિષ્ઠીત રિસર્ચ લેબ આ વિષય પર કામ કરી રહી છે. જોકે આપણા ગ્રામ્ય વિસ્તારોના બાળકો દાયકાઓથી ખીજડાના ઝાડ પર ચડી રમતા રમતા તેના ફળ ખાઇ તંદુરસ્ત રહેતા હોય છે. ખીજડાના વિવિધ ભાગ ફાયતો કેમિકલ્સ થી ભરપુર છે. ફાયતો કેમિકલ એટલે એવા તત્વો જે વનસ્પતિને વાતાવરણની વિષમતાઓ માં ટકી રહેવાની ક્ષમતા આપે છે.

આમ આવી વનસ્પતિનું સેવન માણસને ખડતલ અને મજબૂત બનાવે છે. ખીજડાના આવા અનેક ગુણો થી વાકેફ થતાં સાઉદી અરેબિયા એ તેને રાષ્ટ્રીય વૃક્ષ જાહેર કરી યોગ્ય સન્માન બક્ષ્યું છે. ત્યાં આ વૃક્ષ કાપવા પર પ્રતિબંધ છે. અહીંના સમૃધ્ધ શેખોના વિશાળ બંગલા માં ખીજડાના અનેક વૃક્ષો હોય છે. ખીજડા નું વૃક્ષ ગમ્મે તેવી ગરમી હોય તો પણ લીલી જ રહે છે. ન્યુનતમ પોષણ સાથે સમૃધ્ધ રીતે જીવંત રહેવાના પ્રાકૃતિક મિકેનીઝમનું તે શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ગ્રીષ્મની ત્રાહિમામ ગરમીમાં રણ વિસ્તારમાં જાનવરો માટે તાપથી બચવાનો કોઈ સહારો નથી હોતો ત્યારે આ ઝાડ છાયા આપે છે. જ્યારે ખાવાને માટે કંઇ પણ નથી હોતું ત્યારે આ વૃક્ષ ચારો આપે છે, જેને લૂંગ કહેવામાં આવે છે. તેનાં ફૂલને મીંઝર કહેવામાં આવે છે. તેના ફળને સાંગરી કહેવામાં આવે છે, જેનું શાક પણ બનાવવામાં આવે છે. આ ફળ સુકાય જાય ત્યારે તેને ખોખા કહેવાય છે, જે સૂકા મેવા તરીકે વપરાય છે. આ વૃક્ષનું લાકડું અત્યંત મજબૂત હોય છે, જે ખેડૂતો માટે સળગાવવાના (જલાઉ) તથા ફર્નીચર બનાવવાના કામ આવે છે. તેનાં મૂળિયામાંથી હળ બનાવવામાં આવે છે.

ખીજડો ઝાડ
ખીજડા નાં વૃક્ષનો ફોટો

ખીજડો – ઐતિહાસિક મહત્વ

દુષ્કાળના સમય વેળા નપાણીયા કે રણ વિસ્તારના લોકો અને જાનવરો માટે આ વૃક્ષ એક માત્ર સહારો હોય છે. ઈ. સ. ૧૮૯૯માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, (જેને છપ્પનિયો દુકાળ કહેવાય છે) તે સમયે રણ વિસ્તારના લોકો આ ઝાડની ડાળીઓની છાલ ખાઇને જિવિત રહ્યા હતા. આ ઝાડની નીચે અનાજનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. સંયુક્ત આરબ અમીરાતમાં તેને ઘાફ તરીકે ઓળખવામાં આવે છે. યુએઈમાં નઝવા ના રણને ખીજડાના અભયારણ્ય તરીકે વિકસાવવામાં આવ્યું છે.

રાજસ્થાની ભાષામાં કન્હૈયાલાલ સેઠિયા નામના કવિની કવિતા ‘મીંઝર’ ખુબજ પ્રસિદ્ધ છે. આ થરના રણ વિસ્તારમાં જોવા મળતા વૃક્ષ ખીજડા સાથે સંબંધિત છે. આ કવિતામાં ખીજડાની ઉપયોગિતા અને મહત્વનું અતિ સુંદર ચિત્રણ કરવામાં આવેલું છે.

આપણાં દેશમાં રાજસ્થાનનું તે રાજ્ય વૃક્ષ અહી તેને ખીજરી તરીકે ઓળખવામાં આવે છે. તેલંગાણામાં તેને જમ્મી તરીકે ઓળખાય છે. ખીજડાની કેટલીક અદભૂત પ્રજાતિ બહરીનમાં જોવા મળે છે. બિલકુલ નહીંવત્ પાણીવાળા અહીંના વિસ્તારોમાં 400 વર્ષ જેટલા જૂના ખીજડાના અનેક ઝાડ છે. તેઓ ખીજડાના “ટ્રી ઓફ લાઇફ” કહે છે.

1730 માં, રાજસ્થાનના જોધપુર નજીક ખેજરલી ગામમાં પર્યાવરણના રક્ષણ કાજે મોટા પાયે એક હિંસક અથડામણ સર્જાઈ ગઈ. આ ગામની અમૃતાદેવી નામની એક મહિલા અને તેની ત્રણ ત્રણ દીકરીઓએ ખીજડાના વૃક્ષોની રક્ષા કરવા પોતાના જીવનનું બલિદાન આપી દીધું. ત્યાના મહારાજાએ તેમના નવા મહેલ માટે જગ્યા ઊભી કરવા આ વૃક્ષો કાપવાનો આદેશ આપ્યો હતો. જોવાનું એ છે કે તે સમયે પણ લોકોમાં એટલી જાગૃતિ હતી કે મહારાજના આ ફરમાનાનો પ્રજાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન વૃક્ષોને બચાવવા પ્રયાસ કરતા 363 લોકો માર્યા ગયા.

1970 ના દાયકામાં આ બલિદાનની સ્મૃતિ થી પ્રેરિત ચિપકો આંદોલન શરૂ થયું.

આગળ કહ્યું તેમ આ વૃક્ષ ભારતીય સમાજમાં કાંઈક વિચિત્ર પ્રકારનું સ્ટેટસ ભોગવે છે. હિંદુઓ માટે તે પૂજનીય હોવા છતાં પીપળાની જેમ તેની નિયમિત પૂજા થતી નથી. કેટલાક લોકો આ વૃક્ષની નજદીક જતા પણ ડરે છે. કેટલાક સમુદાયમાં દશેરા ઉત્સવના ભાગ રૂપે તેની પૂજા કરવામાં આવે છે. દશેરા ઉત્સવના દસમા દિવસે દિવસ દરમિયાન આ વૃક્ષની પૂજા થાય છે. ભારતના અનેક પ્રદેશોમાં દશેરા ઉત્સવના ભાગરૂપે આ વૃક્ષ અને ભગવાન શ્રીરામના પવિત્ર પક્ષી જય ને સાંકળી લેતી કેટલીક પરંપરાઓ છે.

મહારાષ્ટ્રીયન પરંપરા મુજબ દસમા દિવસની ધાર્મિક વિધિના ભાગરૂપે, મરાઠાઓ ઝાડની ડાળી પર તીર ચલાવે છે તીર ચલાવતા જે પાંદડા નીચે પડે તેને પોતાની પાઘડીમાં મૂકે છે.

આ ઝાડ ભારતના પશ્ચિમ અને ઉત્તરીય પ્રદેશોમાં જુદા જુદા નામોથી ઓળખાય છે, દા.ત. મહારાષ્ટ્રમાં શમી, તેલંગાણામાં જમ્મી, ગુજરાતમાં તેને ખીજડો, રાજસ્થાનમાં ખજેરી, હરિયાણામાં જેન્તી, અને પંજાબમાં જાંડ અને કર્ણાટકમાં તે બાન્નીમાર તરીકે જાણીતું છે.

વનવાસ દરમિયાન પાંડવોએ તેમના શસ્ત્રો ખીજડા ના પોલાણ માં છુપાવ્યા હતા તેવી ત્યાં લોકવાયકા છે.

મહાભારતમાં, પાંડવોએ વિરાટના રાજ્યમાં વેશમાં દેશનિકાલનો તેરમુ વર્ષ પસાર કર્યુ હતુ. વિરાટ જતાં પહેલાં, તેઓએ એક વર્ષ સલામત રાખવા માટે આ વૃક્ષમાં તેમના અવકાશી શસ્ત્રો લટકાવ્યા હોવાનું મનાય છે. જ્યારે તેઓ એક વર્ષ પછી પાછા ફર્યા, ત્યારે તેઓએ તેમના શસ્ત્રો શમી ઝાડની ડાળીઓમાં સલામત મળ્યાં. શસ્ત્રો લેતા પહેલા, તેઓએ ઝાડની પૂજા કરી અને તેમના શસ્ત્રો સુરક્ષિત રાખવા બદલ આભાર માન્યો હતો તેવી એક કથા છે.

ખીજડા નાં ગુણધર્મો

દશેરાના દિવસે સાંજે રાવણ દહન પછી ખીજડાના પાંદડાં લૂંટી ને ચુંટીને ઘરે લઈ આવવાનો રિવાજ છે જેને સુવર્ણનું પ્રતીક માનવામાં આવે છે. લંકા વિજય પૂર્વે ભગવાન રામ દ્વારા ખીજડાના વૃક્ષના પૂજનનો પણ ઉલ્લેખ જોવા મળે છે. આ વૃક્ષના લાકડાંને યજ્ઞ માટેની સમિધ તરીકે પવિત્ર માનવામાં આવે છે. લગ્ન વિધિમાં પણ એનો વપરાશ થાય છે. વસંત ઋતુમાં સમિધ માટે આ વૃક્ષના લાકડાં કાપવા માટે વિશેષ વિધાન કરવામાં આવ્યું છે. તથા એ જ પ્રમાણે અઠવાડિયાના દિવસો પૈકી શનિવારના દિવસે ખીજડા વૃક્ષના સમિધ લાવવાનું વિશેષ મહત્ત્વ છે.

હવન-યજ્ઞમાં ખીજડાનું લાકડું પવિત્ર સમિધ તરીકે વપરાય છે. પવિત્ર – પૂજનીય વૃક્ષ હોવાની સાથે ખીજડો ઔષધિય ગુણોનો ભંડાર પણ છે. ખીજડાના વૃક્ષો નાનાં અને મોટાં એમ બે પ્રકારના હોય છે. આ બંને જાતનો ખીજડો ગુજરાત, સિંઘ, પંજાબ, રાજસ્થાન વગેરેના જંગલોમાં ખૂબ જોવા મળે છે. તેના પાન બાવળ કે આમલીના પાન જેવા નાના-નાના હોય છે. ચોમાસામાં તેને ૭ થી ૮ ઈંચ લાંબી અને અડધો ઈંચ જાડી શીંગો-ફળીઓ આવે છે. કંટકોયુક્ત ખીજડાનું ઝાડ ૧૫ થી ૩૦ ફૂટ જેટલું વધે છે.

આયુર્વેદ પ્રમાણે ખીજડો સ્વાદ તૂરો, તીખો, કડવો અને મધુર, શીતલ, પચવામાં હળવો, રૂચિકર, કફ-પિત્તશામક તેમજ ત્વચાના રોગો, મગજની નબળાઈ, હરસ-મસા, દમ, ઉધરસ, અરૂચિ, ઝાડા, મરડો, થાક અને રક્તસ્ત્રાવને મટાડનાર છે. તેની ફળી કે શીંગો પિત્તકરનાર, તિક્ષ્ણ, સ્વાદિષ્ટ, પચવામાં ભારે, બુદ્ધિવર્ધક અને કેશનાશક છે. ખીજડાની ફળીઓમાં એક ચીકાશયુક્ત દ્રવ્ય તથા કેરોબીન, કેરોબોન અને કેરોબિક એસિડ રહેલા હોય છે. ફૂલોમાંથી પેટયુલિટ્રિન નામનું એક ફ્લેવોન ગ્લાઈકોસાઈડ મળી આવે છે તેમજ પાનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે તત્ત્વો વિપુલ માત્રામાં હોય છે.

ખીજડા નો ઔષધીય ઉપયોગો

વૃક્ષશાસ્ત્ર અનુસાર ખીજડા નું વૃક્ષ પણ તે તમામ વૃક્ષો અને છોડની સૂચિમાં આવે છે જે વાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે અને ઘરમાં હંમેશાં દેવી-દેવતાનો વાસ રહે છે. વૃક્ષમાં અગ્નિ તત્વ સમાયેલું છે. તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ ઝાડ પાસેથી ઉત્તમ ફળ પ્રાપ્ત કરવું હોય તો તેને ઘરની બહાર ઇશાન ખૂણામાં ઉગાડો. ઇશાન ખૂણામાં ઊગાડશો તો તમારા ઘરમાં હંમેશાં હકારાત્મક ઊર્જા ફરતી રહેશે. અને ખીજડો તેનું ઉત્તમ ફળ તમને આપશે.

ખીજડો ત્વચા વિકારો નું ઉત્તમ ઔષધ છે. જૂના હઠીલા ખરજવામાં તેના પાન ખૂબ જ સારું પરિણામ આપે છે. ખીજડાના તાજા પાન તોડી લાવી, ધોઈને બરાબર સ્વચ્છ કરી લેવા. દહીં સાથે આ પાન વાટીને લેપ તૈયાર કરી લેવો. સવાર-સાંજ આ લેપ ખરજવા પર લગાવી એક કલાક રહેવા દેવો. આ ઉપચારથી થોડા દિવસમાં જૂનું-હઠીલું ખરજવું પણ મટે છે.

ખીજડાના પાન અતિસાર – ઝાડાને પણ મટાડે છે. ખીજડાના પાન તેની અંતર છાલ અને મરી સરખા વજને લાવી, ખાંડી તેનું ચૂર્ણ બનાવી લેવું. ઝાડા થયા હોય તેમને સવાર – સાંજ અડધી ચમચી જેટલું આ ચૂર્ણ પાણી સાથે આપવું. ઝાડામાં અવશ્ય લાભ થશે.

ખીજડો મૂત્રકષ્ટ – મૂત્રસંબંધી તકલીફોનું અકસીર ઔષધ છે. મૂત્ર સંબંધી ફરિયાદોમાં ખીજડાના કુમળા તોરા લાવી, અડધો કપ જેટલા ગાયનાં દૂધમાં બરાબર વાટી લેવા. પચી દૂધને ગોળીને તેમાં થોડી શેકેલા જીરાની ભૂકી અને સાકર મેળવીને રોજ સવારે પી જવું. થોડા દિવસમાં જ આ ઉપચારથી મૂત્ર સંબંધી દર્દોમાં રાહત જણાવા લાગશે.

જેમને વારંવાર કસુવાવડ થઈ જતી હોય તે સ્ત્રીઓ માટે ખીજડાનું વૃક્ષ આશીર્વાદ સમાન છે. આવી તકલીફ હોય તે સ્ત્રીઓને રોજ ખીજડાના ફૂલનું શરબત બનાવીને ગર્ભાવસ્થાની શરૂઆતથી ત્રીજા મહિના સુધી આપતા રહેવાથી કસુવાવડનો ભય રહેતો નથી. ખીજડાના ફૂલ બરાબર સ્વચ્છ કરી, સમભાગ સાકર સાથે વાટી, તેનું શરબત બનાવીને પીવા આપવું.

જેમને અવાર નવાર ગુમડા થતાં હોય અને જલદી પાકતા ન હોય તેમણે ખીજડાની જૂની શીંગોને વાટી, તેનો લેપ બનાવી, ગુમડા પર તેની લોપરી બાંધવી. એક દિવસમાં જ ગુમડું પાકીને ફૂટી જશે અને ફરીથી થશે નહીં. ઉપચાર સંબંધિત પ્રયોગ તજજ્ઞ ચિકિત્સક ના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ જ કરવા…
🌳. 🌳. 🌳. 🌳. 🌳. 🌳. 🌳. 🌳.🌳. 🌳. 🌳. 🌳. 🌳. 🌳. 🌳.

આ પણ વાંચવાનું ભુલશો નહી 👇

મહુડો – મહુડાનાં વૃક્ષનો પરિચય અને ઉપયોગો

રૂખડો એક અદ્ભુત વૃક્ષ

રૂખડો - રૂખડાનાં વૃક્ષ વિશે જાણવા જેવુ
રૂખડો – રૂખડાનાં વૃક્ષ વિશે જાણવા જેવુ

મીંઢોળનાં વૃક્ષ વિશે રસપ્રદ માહિતી

મીંઢોળનું વૃક્ષ, મીંઢળનાં ઉપયોગો
મીંઢોળનું વૃક્ષ, મીંઢળનાં ઉપયોગો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *