Skip to content

ખતુડોશી – જુની વાર્તાઓ | Best Gujarati story

    ખતુડોશી
    2486 Views

    ખતુડોશી સ્વ. દિલીપ રાણપુરાની હ્ર્દયસ્પર્શી વાર્તા, જુની વાર્તાઓ, જુના અભ્યાસક્રમની વાર્તાઓ, શ્રેષ્ઠ પ્રેરક કથા, બોધ વાર્તા pdf, ગુજરાતી બોધ વાર્તા pdf, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા, ગુજરાતી વાર્તા સંગ્રહ, વાર્તા gujarati pdf, varta gujarati pdf, ગુજરાતી પ્રેરક વાર્તા pdf, નવી વાર્તા pdf, વાર્તા ગુજરાતી સાહિત્ય, બોધ વાર્તા ગુજરાતી, બોધ કથા pdf, ગુજરાતી પ્રેરક વાર્તા, પંચતંત્રની 75 વાર્તાઓ pdf, ગુજરાતી બાળ વાર્તા pdf, બોધ કથા ટૂંકી ગુજરાતી, 101 inspiring stories in gujarati pdf, khatudoshi, khatu doshi dilip ranpura story, ખતુ ડોશી

    ખતુડોશી – દિલીપ રાણપુરા

    મજાદરની શાળામાં હું બરાબર ગોઠવાઈ ગયો હતો. મારા આચાર્ય શ્રી મહમંદભાઈ પાલનપુરના વતની હતા. તેઓ છાપીમાં રહેતા હતા. રોજ આવ – જા કરે. મજાદરમાં થોડો સમય એકલુંએકલું લાગેલું. એકલોએકલો ઘણું બધું યાદ કર્યા કરતો. વાગોળ્યા કરતો ને શાળાની એક દીવાલ, જે રસ્તા પર પડતી તેની બારીમાંથી રસ્તો જોયા કરતો.

    રસ્તાને સામે છેડે એક કાચું મકાન હતું. એ મકાનના ઓટે સાઠેક વર્ષનાં માજી બેસી રહેતાં. હું એ માજીને શાળા ઉઘડવાની અને બંધ થવાની નીયમીતતાથી મકાનના ઓટે બેઠેલાં જોતો. કયારેક કોઈની સાથે વાતે વળગે, કયારેક હસે. કયારેક છીંકણી સુંઘ્યા કરે. ને વધારે વખત તો હું જે બારી પાસે ખુરશી નાખીને બેસતો એ બારી સામે જોયા કરે.

    ધીમેધીમે મને એ માજીમાં રસ પડવા લાગ્યો. એ શું કરતાં હશે ? આખો દીવસ ઓટે બેસી રહેતાં એમને કંટાળો નહીં આવતો હોય ? એમના ઘરમાં બીજુ કોઈ કેમ દેખાતું નથી ? આવા ઘણા સવાલો મારા મનમાં ઉઠતા. પણ એ વખતે મારો સ્વભાવ જરા અતડો મીતભાષી પણ હશે, કદાચ પરીચય કેળવવાની આપણી અનીચ્છા પણ હોય. ગમે તેમ, હું એ માજી વીશે મારા મનમાં ઉઠતા કેટલાય પ્રશ્નોને મનમાં જ દબાવી રાખતો.

    એક દીવસ મેં જોયું, માજી ઉભા થયાં. સામાન્ય રીતે માજી આ સમયે કયારેય ઉભાં થતાં નહોતાં. મને થયું, હવે એ ઘરમાં જશે. બીચારાં રોજ આમ બેસીબેસીને કંટાળી ગયાં હશે. ઘરમાં જઈને ઝોળી જેવા ખાટલામાં, ફાટેલા ગોદડાને સરખું કરીને સુઈ જશે. પણ ના રસ્તા પર આવ્યાં. વળી થયું : તેલ – મ૨ચું ખુટી ગયાં હશે ને અચાનક લેવા જવાનું યાદ આવ્યું હશે. પણ મારી એય ધારણા ખોટી પડી. એ તો રસ્તો પાર કરીને શાળાની દીવાલ ત૨ફ , બારી તરફ આવી રહ્યાં હતાં.

    મને નવાઈ લાગી બારી પાસે આવીને ઉભાં રહ્યાં. કશું બોલ્યાં નહીં. મો પર કોઈ ભાવ હતો કે નહીં, હતો તો ક્યો ભાવ હતો, તે આજે યાદ નથી. પણ આંખોમાં લાગણીની ભીનાશ હતી. આજે પણ એ લાગણીની ભીનાશને હું અનુભવી શકું છું.

    આખરે મેં માજીને પુછ્યું : ‘ કોઈનું કામ છે , માજી ? ‘

    ‘ ના રે ભીયા … ’

    ‘ તો ? ’ હું આગળ ન બોલી શકયો.

    ‘ તમે એકલા રો’ છો આંય ? ‘

    ‘ હાસ્તો. ’

    ‘ રાંધતાં આવડે છે ? ‘

    ‘ હા ’

    ‘ ગામમાં નથી નેહરતા ? ‘

    ‘ કામ વગર શું નીકળું ? ’
    માજીના આ પ્રશ્રોએ મને ઘણી અટકળો કરતો કરી મુકયો. માજી વળી થોડી વાર જોઈ રહ્યાં. મેં જોયું, એમનો એક હાથ બારીના સળીયા પકડી રહ્યો હતો અને એ હાથમાં કંપ હતો. માજીનું આખું શરીર જાણે કશાક કંપથી ધ્રુજી રહ્યું હોય એવું પણ મને લાગ્યું.

    મને થયું માજી બીમાર પડયાં હશે. વૃદ્ધ , અશકત અને આજાર શરી૨ હમણાં તુટી પડશે. પણ માજી થોડીવારે બોલ્યાં : ‘ ભીયા, હું તો તમને રોજ ટગરટગર જોઈ રહું છું. ટહુકો પાડવાનું મન થાય ; પણ તમને ન ગમે તો … પણ આજ રયું ગયું નહીં. ‘

    ‘ ભલે … સારું કર્યું ‘ મેં સહાનુભુતીથી કહ્યું.

    ‘ રજા પડે તંઈ ચા પીવા આવજોને ‘

    ‘ હું ચા નથી પીતો. ’

    ‘ તો દુધ કે ઉકાળો કરી આલીશ ‘

    ‘ પણ મને એવી કોઈ ટેવ જ નથી. ‘

    ‘ તો વરીયાળીનું મીઠું – ટાઢું હીમ જેવું શરબત પીવડાવીશ, ભીયા. ‘

    ‘ પણ માજી … ’ હું આગળ બોલું એ પહેલાં એમના ચહેરા સામે મારી દ્રષ્ટી પડી. માજીને મારી આનાકાનીથી દુઃખ થતું હતું તે હું સમજી શકયો. એમને થયું હશે : આ હીન્દુ ને હું મુસલમાન … બીચારો અભડાઈ જાય તો ! પણ આ તો કે’છે , ગાંધીવાળો છે, આભડછેટ એને ન નડે. એટલે કહેવા આવી અમથીય તે આને જોઈને લાગણી થઈ આવે છે. આવો કોઈક ભાવ એમના મનમાં હશે એમ હું માનું છું

    ‘ ભલે ’ કહીને તેઓ પાછાં ફરી ગયાં. પણ મેં એમના પગ ડગમગતા જોયા. આવતી વખતે ઉત્સાહ હતો તેની જગ્યાએ હતાશા જોઈ. હું એમનો ચહેરો નહોતો જોઈ શકતો. પણ એમની પીઠ જાણે એમના ચહેરાની જ નહીં, અંતરની બધી વ્યથાને જોરદાર રીતે વ્યકત કરી રહી છે, એવું મને લાગેલુ.

    પાછાં ફરીને તેઓ ઓટે ન બેઠાં. સીધાં ઘરમાં ગયાં ને બારણુંય બંધ કરી દીધું. એ બારણું બંધ થયા પછી મેં કેવી લાગણી અનુભવી હતી. કેટકેટલા અજંપાના વંટોળ મારા નાનકડા મગજમાં ઉમટયા હતા એ હું વર્ણવી શકું તેમ નથી. પણ એમ તો થયું, આ ખોટું થયું છે.

    રીસેસ પડતાં જ હું ગયો. બારણું ખટખટાવ્યું. માજીએ બારણું ઉઘાડયું. મને જોઈને ગળે લગાડવા લાંબા થયેલા એમના હાથ કોણ જાણે કેમ પાછા પડી ગયા, પણ એમનું અંતર તો મને વીંટળાઈ વળ્યું હતું.

    હું બેઠો. એ ટગરટગર જોયાં જ કરે.

    મેં પુછ્યું : ‘ શું જુઓ છો. ‘

    ‘ મારે તમારા જેવડો રહેમાન હતો ’

    ‘ કયાં ગયો ? ’

    ‘ અલ્લાહ મીયાંને પ્યારો થઈ ગયો. ‘ માજીની આંખો સજળ બની ગઈ. હું મૌન રહ્યો. ‘ અસલ તમારા જેવો દુબળો, પાતળો, લાંબું મોં, પણ વાન જરા શામળો … એય માસ્તર હતો. ’

    મારે માજીની આ વેદનામાં કેવી રીતે સહભાગી થવું તે સમજાતું નહોતું. શું બોલું તો એમને આશ્વાસન મળે એનું મને જ્ઞાન નહોતું ને છતાંય એમને એમ ન થાય કે પોતાની આ વેદનાવાણી એક પથ્થ૨ સાથે અફળાઈ રહી છે. એટલે મેં પુછ્યું : ‘ કર્યો હતો માસ્તર ? ’

    ‘ દાંતા … ’ માજી થોડીવાર મૌન રહ્યાં ને પછી આગળ બોલ્યાં : ‘ શાદી કરી’તી એની. દાંતામાં એક રાતે ભાઈબંદુ હારે સીમમાં રખડવા ગયેલો ને કયાંકથી સાપ કરડ્યો. ન ઉતર્યો. સવા૨ પડતાંપડતાં તો મરી ગયો. એક જ દીકરો હતો , ભીયા … ‘

    માજીની સજળ આંખો સામે મેં જોયું. ધીમેધીમે તેમાંથી આંસુઓનો સાગર છલકાવા લાગ્યો. આશ્વાસન દેવાની ઔપચારીકતા પણ મારામાં નહોતી. આવા માઠા પ્રસંગે આશ્વાસન દેવા જતી વખતે હુ ખુબ જ મુંઝવણ અનુભવું છું. શબ્દોથી નહીં ; પણ લાગણીથી હું એમના દુઃખમાં સહભાગી બની ગયો છું એવી અનુભુતી મને થઈ રહી હતી.

    ‘એની વહુ પણ ચાર મહીને એના બાપને ત્યાં જતી રહી ને બીજે શાદી પણ કરી લીધી’

    હું મૌન હતો.

    ‘ તમે આવ્યા, તમને જોયા ને મને થયું દીકરો મળી ગયો. ભલે હીન્દુ હોય, ભલે પરદેશી હોય ; પણ ખતુડોશી, આ તારા ૨હેમાન જેવો જ છે ! એમ મારો ખુદા મને કે’તો હતો. ને મેં તમને બોલાવ્યા.

    ‘ સારું કર્યું. ’ હું એટલું જ બોલી શકયો.

    પણ ત્યાર પછી હું બારીમાંથી બહાર જોતો ત્યારે ખતુડોશીના ચહેરા પર પ્રસન્નતા છલકાતી હોવાનો મને ભાસ થયા કરતો. ને હું પણ રીસેસમાં દસેક મીનીટ એને મળવા જતો. વાતો કરતો. વાતવાતમાંથી જાણી શકયો કે એને એક દીકરી પણ છે. દીકરી સાસરે સુખી છે. ડોશીનું ગુજરાન થોડી મુડીમાંથી, થોડાં ઘરેણાં – ગાંઠાં વેચીને, થોડી સગાંસંબંધીઓની અને દીકરીની મદદથી ચાલે છે.

    એક દીવસ ખતુડોશી મને કહે : ‘ ભીયા, કાલે મારે ત્યાં જમવાનું રાખોને ! ‘

    મને આંચકો લાગ્યો. આ ગરીબ ડોશીને ના પાડવી, તેની લાગણીને ઠુકરાવવા જેવુ થશે અને હા પાડવાથી તેમને નાહક ખર્ચ થશે.

    મેં કહ્યું : ‘ માજી, નાહક તકલીફ નહીં આપું. ‘

    ‘ તકલીફ નહીં પડે , ભીયા ! મને હોંશ છે. મને આનંદ આવશે. મારો જીવ રાજી થશે ખતુડોશી એવી રીતે બોલ્યાં કે હું ના ન કહી શકયો.

    ખતુડોશી એક મુસ્લીમ વીધવા ડોશી, જેને કોઈનો પણ આધાર નથી, જેની સાથે મારો કોઈક લૌકીક નાતો નથી, એને ત્યાં હું કયા સંબંધોને દાવે જમવા જઈ રહ્યો છું તે મારી સમજમાં ઉતરતું નહોતું.

    એના ઘેર પહોંચ્યો ત્યાં સુધી મનમાં હીચકીચાટ પણ હતો. જમવા બેઠો. ઘઉંની જાડી, મોટી રોટલી, બટાટાનું શાક, મોટું છાલીયું ભરીને કેરીનો રસ, મગની દાળ અને રોટલી ૫૨ ચોખ્ખા ઘીની રેલમછેલ. ખતુડોશી મારી સામે બેઠી. હાથમાં પંખો લીધો છે. હવા નાંખે છે. પીરસે છે. હું જમું છું. મારી સામે ટગરટગર જોઈ રહે છે. આગ્રહ કરે છે.

    એના વૃદ્ધ મોંની કરચલીઓમાં વાત્સલ્યના સંતોષની સ૨વાણીઓ વહી રહી હોય એવું લાગે છે. રસોઇમાં વસ્તુના સ્વાદ કરતાંય મને સ્નેહનો સ્વાદ વધુ લાગ્યો. એ સ્વાદે મારા અહંકારોને ઓગાળવા માંડયા. આ ડોશી સામે મારો પ્રભાવ તુટી ગયાનો મને આનંદ થતો હતો. અત્યારે પણ એ સ્વાદ અને એ આનંદની લીજ્જત હું અનુભવી શકું છું.

    જમ્યા પછી ખતુડોશીના ચહેરા પર મેં જે તૃપ્તી જોઈ છે, તે હું કયારેય નહીં ભુલું. મેં મદદરૂપે બે રૂપીયા ( આજના વીસ રૂપીયા ) આપવા માંડયા ત્યારે એણે જે કહેલું તે આજેય બરાબર યાદ છે.

    ‘ દીકરાને ખવરાવીને કોઈ મા પૈસા લેતી હશે ! ભીયા, મા ધાવણની કીમત ન લે ! ‘

    પૈસા દેવા લાંબો થયેલો મારો હાથ ભોંઠો તો ન પડયો, એ લાંબા હાથમાં એક વૃદ્ધ માતાની દુવાઓ છલકાઈને ભરાઈ ગઈ હતી ને મને એ વખતે થયું :
    ખતુડોશીમાં મને મારી મા મળી ગઈ છે !

    ટાઈપીંગ અને સંકલન – અમરકથાઓ
    આ વાર્તા ની કોપી કરીને અન્ય જગ્યાએ ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. આપ share કરી શકો છો.

    આ પણ વાંચો

    લાછી છીપણ – યાદગાર જુની વાર્તાઓ

    🍁 લાડુનું જમણ – પન્નાલાલ પટેલ

    🍁 કાશીમા ની કૂતરી – પન્નાલાલ પટેલ

    🍁 લોહીની સગાઈ – ઇશ્વર પેટલીકર

    🍁 કાબુલીવાલા – રવિન્દ્રનાથ ટાગોર

    101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ
    101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ

    101 બેસ્ટ ગુજરાતી બાળવાર્તાઓ

    Best Gujarati Kavita Pdf
    Best Gujarati Kavita collection

    બાળવાર્તા pdf
    gujarati varta pdf
    ગુજરાતી બાળ વાર્તા pdf
    ગુજરાતી વાર્તા pdf
    વાર્તા gujarati pdf
    gujarati bal varta pdf
    varta gujarati pdf
    bal varta gujarati pdf
    bal varta gujarati
    gujarati bal varta
    બાળવાર્તાઓ pdf
    ગુજરાતી બાળવાર્તા pdf

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *