Skip to content

મહેનતનો રોટલો : બોધકથા

મહેનતનો રોટલો : બોધકથા
487 Views

મહેનતનો રોટલો – પરિશ્રમ એ જ પારસમણિ છે, હરામનુ ક્યારેય લેવુ નહી. આવી સુંદર બોધકથા વાંચો. ધોરણ 5 ના જુના અભ્યાસક્રમમાં આ પાઠ ભણવામાં આવતો. ગુજરાતી પાઠ્યપુસ્તક

મહેનતનો રોટલો

કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો. સંતોષી પણ એટલો જ એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા , ” મોચીભગત ! મારા પગનાં પગરખાંનું શું પડે ? “

મોચીએ કહ્યું , “ મારી પાસે સીવેલાં તૈયાર નથી, મહારાજ ! ”

સાધુ કહે, “ સીવી દો તો શું લો ”

મોચીએ કહ્યું , ‘‘ દોઢ રૂપિયો ”

સાધુને નવાઈ લાગી. બીજાઓએ બે રૂપિયા દેખાડ્યા હતા. પછી ઘટાડીને દોઢ રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ દોઢ રૂપિયો કહ્યો.

સાધુએ પૂછ્યું , “ દોઢ તો કહેવાનો પણ લેવાના કેટલા ?”
મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું , “ જે કહેવાના એ લેવાના, મહારાજ ! આપની ઇચ્છા હોય તો બનાવું. ”

સાધુએ કહ્યું , “ અચ્છા બનાવો , ક્યારે આપશો ? ’’

મોચી બોલ્યો , “ ૫રમ દિવસે આ વખતે. ”

સાધુ કહે, “ જરૂર હોં ! મારે પરમ દિવસે સાંજે જવું છે , માટે ઢીલ ન થાય. ”

મોચી કહે, “ જાઓ કે ન જાઓ , ૫૨મ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. ’’

પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, “ મોચીભગત, કેટલે આવ્યું આપણું કામ ? ”

મોચીએ કહ્યું , “ બેફિકર રહો મહારાજ, વાયદો નહિ ચૂકું. ”

છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, “ લાવને , જરા મોચીને ત્યાં આંટો મારું. ” પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું , “ મહારાજ , તમને માણસ પારખતાં આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો ? સાંજે આવજો, જાઓ. ”

સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતાં. આ જોઈ સાધુ મોચી ઉપ૨ બહુ ખુશ થયા. તે સમજી ગયા, મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે , કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને બે રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો, તેણે સાધુને કહ્યું , “જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચૂરણ લઈ આવું.”

સાધુએ કહ્યું , ‘‘ રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો.”

મોચીએ કહ્યું , “ હું તમાકુ પીતો નથી , મહારાજ. ”

“ તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો. ’’

“ ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. ”
મોચી સામેની દુકાને પરચૂરણ લેવા ગયો.

સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને ઝોળીમાંથી પારસમણિ કાઢ્યો. કોઈ જુએ નહિ એ રીતે મોચીનાં ઓજારોને પારસમણિ ઘસી દીધો. બધાં ઓજારો સોનાનાં થઈ ગયાં ! પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું , “ભગત , મૂઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. ”

મોચીએ ખીસામાંથી એક સિક્કો આપતાં કહ્યું , “ લો , એક મૂઠી ચણામાં શું થશે ? ” એ દુકાન તરફ ચાલતો થયો.

“ એક મૂઠી ચણા તો મારી પાસે છે. ” એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધાં સોનાનાં ! તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઊઠ્યો. તે નિસાસો નાખી બબડ્યો, “ અરે ભગવાન ! હવે હું આ સોનાનાં ઓજારોથી કેવી રીતે કામ કરીશ ? ”

તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યાં. પછી ઊંચે મૂકેલાં ઘસાયેલાં ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે , ‘‘ ગમે તેમ પણ સાધુની ઇચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. ”

બિચારાએ બાર મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવાં ઓજાર વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો , ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, ‘ કેમ છો , મોચીભગત ? ’’

મોચીએ જોયું તો એ પેલા જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું , “ ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે, સાધુ મહારાજ ! ”

સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતાં જ મોચીભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે, પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો.

સાધુને વહેમ પડ્યો. આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું, “ મોચીભગત, ઓજાર બગાડ્યાં નથી, સોનાનાં બનાવ્યાં છે. ક્યાં છે એ ? નાખી તો નથી દીધાં ને ? ”

” મને ખબર છે મહારાજ, સોનાનાં છે પણ એ સોનું મેં મારાં બાવડાંના બળથી ઓછું મેળવ્યું છે ? આવું મફતનું સોનું શું કરવું છે ? એ પડ્યાં ખૂણામાં, તમે પાછાં જ લઈ જાઓ.”

સાધુએ મોચીને શિખામણ આપતાં કહ્યું, ‘ મોચીભગત , તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો. કામ કરનાર માણસો રાખો. બેઠાં બેઠાં ખાઓ ને લહેર ઉડાઓ. ‘

મોચીએ પૂછ્યું , “ ભગવાને આ હાથપગ આપ્યા છે , એને શું કરું મહારાજ ? “

નવાઈ ભરી આંખે સાધુ તો મોચીભગત સામે તાકી જ રહ્યા. મોચીએ કહ્યું : “ સાધુ મહારાજ, ભગવાને હાથપગ કંઈ બેઠાં બેઠાં ખાવા માટે નહિ, કામ કરવા આપ્યા છે. ”

આ સાંભળી સાધુ બોલ્યા, “ મોચીભગત, સાચી વાત છે ! ભગવાને કામ કરવા જ હાથપગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. ”

સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતાં મોચીએ સાધુએ પૂછ્યું, “કેમ મુંગા થઈ ગયા ?”

સાધુએ કહ્યું, “ હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. ”

‘‘ શા વિચારમાં પડી ગયા છો, મહારાજ ! મેં તમને કહ્યું એ ખોટું છે ? ”

“ તમારી વાત નથી, મારી વાત છે ” – સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, “ હું પણ નાનુંમોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ પણ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે . આજથી તમે મારા ગુરુ ! ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. ”

મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતાં બબડ્યો, “આપ ખરા સાધુ ! “

લેખક – પન્નાલાલ પટેલ – ટાઈપીંગ – અમરકથાઓ

બોધદાયક વાર્તા : બ્રાહ્મણ, વાઘ અને ચતુર શિયાળ 

વિસરાતી જતી બાળવાર્તાઓ
વિસરાતી જતી બાળવાર્તાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *