Skip to content

શરદીના પ્રતાપે – જ્યોતિન્દ્ર દવે

શરદીના પ્રતાપે - જ્યોતિન્દ્ર દવે
409 Views

શરદીના પ્રતાપે એ જ્યોતિન્દ્ર દવે દ્વારા લખેલ હાસ્યલેખ છે, તેમની અન્ય કૃતિ ખોટી બે આની આપ લોકોએ વાંચી જ હશે, ગુજરાતી સાહિત્યનાં ઉત્તમ હાસ્યલેખકોમાં તેમનો સમાવેશ થાય છે. એકને બોલવામાં અને બિજાને સાંભળવામાં તકલીફ હોય ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે..

શરદીના પ્રતાપે – હાસ્યવાર્તા

મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું. એ સગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર નહોતી. તે દિવસે હવામાં શરદી હતી. ગળે પડવાની ટેવ બીજાં બધાં કરતાં શરદીને વધારે હોય છે. એ જાણીતું છે ; અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે. એટલે તે દિવસે ગળામાં શરદી ને મગજમાં ગરમી – કંઠ બેઠેલો ને મગજ તપેલું – એવી કાંઈક મારી સ્થિતિ હતી.

હું એ સગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઊતરી ગયેલો હતો અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા. અમારી વચ્ચે શો સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે હતો : મને આવકાર આપતાં આપતાં એ સગૃહસ્થ બોલ્યા, “ ઓહો ! આજ કંઈ આ તરફ ? કેમ તબિયત તો સારી છે ને ? ”

“ આપનું જરા કામ હતું. તબિયત મજામાં છે. જરા શરદી થઈ છે. બાકી બીજી રીતે કુશળ છું.”

“ મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું ? એ તો જરા નહિ જેવાં સળેખમ અને ઉધરસ થયાં છે. મને જોવા આવવાની – અહીં સુધી આવવાની – તસ્દી લેવા જેવું કંઈ નથી. ”

મને લાગ્યું કે એમના સમજવામાં કંઈ ભૂલ થઈ છે. પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતાં મેં કહ્યું , “ હવે કેમ છો ? દવાબવા તો કરો છો ને ? ”

“ હા, અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવાફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી, એ તો ઠીક, પણ ચા – બહા લેશો ને ? ”

“ ચાની બનતાં સુધી હું ના નથી કહેતો ને શરદીમાં તો બહુ જ ઠીક પડશે. ”

“ બનતાં સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું. પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું ? વારુ , કૉફી લેશો ? “

“ કૉફીનો પણ અત્યારે વાંધો નથી. ”

“ કૉફીનો ડૉક્ટર વાંધો લે છે ? ઠીક ત્યારે કોકો ? ”

મોઢેથી બોલીશ તો ચહા અને કૉફીની પેઠે કોકોયે ગુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી. ને આખરે અમારે માટે કોકો મુકાયો. “ આ ઘર તમને ફાવે છે કે નહિ ? ” મેં પૂછ્યું,

તેઓ બોલી ઊઠ્યા, “ વર ? ” સુલોચના ( એમની પુત્રી ) માટે વર હજી શોધ્યો નથી. હજી નાની છે. શી ઉતાવળ છે ? ”

આ પ્રમાણે ‘ દવા’ને બદલે ‘ હવા ’ અને ‘ ઘર’ને બદલે ‘ વર ’ સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય એમ મને લાગ્યું. તેથી પત્ર લખી એ વાત એમને જણાવવી એવો નિશ્ચય કર્યો. થોડી ઘણી આડી – અવળી વાત , અલબત્ત , ઉપર પ્રમાણે જ , કરીને મેં આખરે કહ્યું , “ હવે રજા લઉં છું. ”

“ અરે ! મારા મહેરબાન ! આમ કેમ બોલો છો ? તમે આવ્યા તેમાં મને સજા થઈ ! ઊલટો આનંદ થયો. આપણી વાત સાંભળનારા અને સાંભળે તોયે સમજનારા બહુ ઓછા. ’’

ડોકું હલાવી અને મૂંગા મોંએ એમની રજા લઈ હું ચાલતો થયો. ( ‘ રેતીની રોટલી ‘ માંથી )

આ પણ વાંચો – મુરખના સરદારો

ચતુરાઈની વાર્તાઓ 2 – વાણીયાની ચતુરાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *