2615 Views
કવિશ્રી મુકેશ જોષીની સુંદર રચના મારું બચપણ ખોવાયું, દિકરી વિદાય ખુબ જ વસમી હોય છે. પાંચીકા રમતી,દોરડાઓ કુદતી દિકરીના કન્યા વિદાય પ્રસંગે કઠણ હ્રદયનો બાપ પણ કોમળ બની જાય છે. બસ આ કાવ્ય વાંચીને અનિલ જોષીનુ કાવ્ય કન્યાવિદાય “સમી સાંજનો ઢોલ ઢબુકતો” જરુર યાદ આવી જશે.
મારું બચપણ ખોવાયું
પાંચીકા રમતી’તી ,દોરડાઓ કુદતી’તી
ઝૂલતી’તી આંબાની ડાળે
ગામને પાદરીયે જાન એક આવી
ને મારું બચપણ ખોવાયું એ જ દા’ડે
મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને
લખતી’તી દાદાને ચિઠ્ઠી
લખવાનું લખિતંગ બાકી હતું,
ને મારે અંગે ચોળાઈ ગઈ પીઠી
આંગણામાં ઓકળીયું પાડતા બે હાથ
લાલ થાપાઓ ભીંત ઉપર પાડે
……..મારું બચપણ ખોવાયું એ જ દા’ડે
પાનેતર પહેરીને પંખી ઉદાસ ,
છતાં મલકાતાં મામા ને કાકી
બાપુના હુક્કામાં તમાકુ ભરવાનું
બાને કહેવાનું હતું બાકી
પાણીડાં ભરતી એ ગામની નદી
મારા બાપુના ચશ્માં પલાળે
…….મારું બચપણ ખોવાયું એ જ દાડે
ઢોલ અને શરણાઈ શેરીમાં વાગિયાં
ને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઊગેલી
કૂંપળ તોડી એક તાજી
ગોરમાને પાંચ પાંચ વરસોથી પૂજ્યા
ને ગોરમા જ નાવને ડુબાડે
……મારું બચપણ ખોવાયું એ જ દાડે
✍ મુકેશ જોષી – અમરકથાઓ
સમી સાંજનો ઢોલ ઢબુકતો – વિદાય ગીત
સીતાને તોરણ રામ પધાર્યા – લગ્ન ગીત
મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે – વિદાય ગીત