Skip to content

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ – મીન પિયાસી | કવિતા સંગ્રહ

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
4617 Views

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ – કવિ મીન પિયાસી, ગુજરાતી કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ, જીવન કવિતા, ગીત કાવ્ય, ગુજરાતી કવિતા pdf, gujarati kavita collection, gujarati poem collection, Kabutaro nu ghoo ghoo ghoo

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

ઘૂ…ઘૂ…ઘૂ…
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ.

કોયલ કુંજે કૂ…કૂ…કૂ… ભમરા ગૂંજે ગૂં…ગૂં…ગૂં…

ચકલા, ઉંદર ચૂં…ચૂં…ચૂં ને છછૂંદરોનું છૂ…છૂ…છૂ.


કૂંજનમાં શી કકાવારી, હું કુદરતને પૂછું છું

ઘૂવડસમા ઘૂઘવાટા કરતો, માનવ ઘૂરકે હું…હું…હું.

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ.

લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કળવું શું?

ટંક ટંકની રોટી માટે, રંક જનોને રળવું શું?


હરિ ભજે છે હોલો પેલો, પીડિતોનો હે પ્રભુ તું.

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ.

સમતાનો જ્યાં સમય થયો ત્યાં ઊંચું શું ને નીચું શું?

ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં ફણી ધરો શા ફૂં…ફૂં…ફૂં.

ઘાંઘાં થઇને થોભી જાતા, સમાજ કરશે થૂ…થૂ…થૂ!

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ.

પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઇનું સુખ-દુઃખ પૂછ્યું’તું?

દર્દભરી દુનિયામાં જઇને કોઇનું આંસુ લૂછ્યું તું?

ગેં…ગેં…ફેં…ફેં… કરતાં કહેશો હેં…હેં…હેં…શું…શું…શું?

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ.

✍ મીન પિયાસી

આંગણે કબૂતરોનું ટોળું ઉતરી આવે, એકબીજાની સાથે ચાંચમાં ચાંચ પરોવી થોડીકવાર ઘૂ ઘૂ ઘૂ કરી લે અને
ફરી પાછા અલગ-અલગ દિશાએ ઊડીએ જાય. ઘાયલ સાહેબ કહે છે જેમ બે કબૂતર બે વાત કરીને આડાઅવળાં થઇ જાય છે સંસારમાં એમ જ એકબીજાની સાથે ગૂંથાઇને વીખરાઇ જવાની મજા છે.
આપણા શ્વાસોના પારેવા પણ ઘૂ ઘૂ ઘૂ કરતાં ક્યારે વિખરાઇ જાય ખબર નથી.

માટે કવિએ શરુઆત કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
થી કરી છે. જુઓ કોયલ કૂ કૂ કરે છે,
ભમરો ગણગણતો હોય તેમ ગૂં ગૂં અવાજ કરે છે.
ચકલી અને ઉંદર ચીં ચીં અને ચૂં ચૂં કરે છે.
ફૂંકી – ફૂંકીને ચાલતું છછૂંદર છૂં છૂં કરે છે.

કવિને પ્રશ્ન થાય છે આ ક, ખ, ગ, ઘ, ચ, છ, આ કુદરતમાં ય કોઇ કક્કાવારી છે કે શું? એક માત્ર માણસ ઘૂવડ જેવો અજ્ઞાાન અને અહંકારના અંધારામાં રહેતો ઘૂવડની જેમ જ ઘૂરકે છે અને ‘હું’ની ભાષા બોલે છે. સતત
હું… હું… કર્યા કરે છે. આ અહંકારને કારણે નથી કુદરત સાથે ભળી શકતો કે નથી જાતમાં સુખી થઇ શકતો.

લાખોપતિઓ હવે આજની ભાષામાં કરોડોપતિઓ ભલે ગમે તેટલું કમાયા હોય પણ એ નફો કે ખોટ એ સાચો નફો છે કે ખોટો નફો છે એમાં શું સમજવાના પ્રયત્નો કરવા? બે ટંકની રોટી માટે એક બાજુ
ગરીબો તૂટી મરે છે અને છતાં એમ થાય કે આ બધું રળવાનું શેને માટે? અને જાણે કોઇ ભક્ત હોય તેવી રીતે કબૂતર જેવો દેખાતો હોલો જાણે ગાતો સંભળાય છે કે હે પરભુ તું પીડિતોનો છે, તું પીડિતોનો છે તું તું તું…
આખી માણસજાત સૂતી હોય અને અહંકારી હોલાઓ બોલ્યા કરતાં હોય ત્યારે મૌન રહેવામાં જ સાર છે.

સમતાનો સમય હવે થઇ ગયો છે. આ ઊંચા- નીચાની વાતો હવે છોડવી જરુરી છે.
સાપની જેમ સમાજમાં ફેણ ચડાવીને ફૂત્કારતા ફરવાથી કશું વળવાનું નથી. આખો સમાજ થૂ… થૂ… થૂ… જ કરવાનો છે. સ્વાર્થના, અહંકારના, Negativity નાં બધાં જ ગણિત અંતે ખોટાં પડતાં હોય છે. મૃત્યુ પામીને ઉપર જઇશું ત્યારે કોઇ કોર્ટ બચાવશે નહીં, કોઇ પૈસા, કોઇ ઓળખાણો બચાવશે નહીં. કોઇ હોદ્દો, કોઇ સત્તા બચાવશે નહીં.

ભગવાન માત્ર પૂછશે જીવનમાં ક્યારેય કોઇ પરમાર્થ કર્યો તો ખરો? કોઇનું સુખ-દુઃખ તેં પૂછ્યું’તું ખરું? દુઃખોથી ભરેલી દુનિયામાં જઇને તેં કોઇનુંય આંસુ લૂછ્યુંતું ખરું? અને ત્યારે ગેં…ગેં… ફેં… ફેં… હેં… હેં… શું… શું આવી હાલત થવાની છે.

આપણા સ્વાર્થમાં આપણે એવા જડ થઇ ગયા છે કે આપણી આંખના આંસુ લૂછાઇ ગયા છે. આપણે રડવાનું
ભૂલી ગયા છીએ કારણકે આપણે કોઇના આંસુ લૂછવાનું ભૂલી ગયા છીએ. આપણે સંવેદના અને લાગણી ખોઇ બેઠા છીએ.

મીન પિયાસીનો પરિચય

(જન્મ ૨૧-૯-૧૯૧૦ ગામ જેતપુર, અવસાન-૨૦૦૦)
મૂળ નામ દિનકરરાય કેશવલાલ વૈદ્ય. જેઓ તેમના ઉપનામ મીનપિયાસી વડે વધુ જાણીતાં છે, તેઓ ગુજરાતી ભાષાના કવિ અને પક્ષીવિદ્ હતા.

તેમના બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા હતા. ૨૦૧૬ માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મીનપિયાસીની તમામ રચનાઓ પ્રકાશિત અને અપ્રકાશિત ઝુલ ઝાલાવાડ ઝુલ શીર્ષક હેઠળ પુસ્તક રૂપે પ્રગટ થઇ છે. કવિતા ઉપરાંત ખગોળ પર, પક્ષીઓ ઉપર અને થિયોસોફી પર પણ પુસ્તકો પ્રકાશીત થયા છે.

🕳 કાવ્યસંગ્રહ

વર્ષાજલ

ગુલછડી અને જુઈ

ઝુલ ઝાલાવાડ ઝુલ

🕳 અન્ય

ખગોળની ખુબીઓ

પંખીમેળો (૧૯૯૨)

નળ સરોવરના પંખી

મરણ તો નથી જ (૧૯૯૭)

અથ થી ઇતિ

આ કવિતાઓ પણ વાંચો 👇

🌺 કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ

🌺 મામાનું ઘર કેટલે ? દિવો બળે એટલે

🌺 ચાલોને રમીએ હોડી હોડી

🌺 સાદ કરે છે, દિલ હરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *