Skip to content

સંસ્કારની શ્રીમંતાઈ – કુન્દનિકા કાપડિયા

સંસ્કારની શ્રીમંતાઈ - કુન્દનિકા કાપડિયા
690 Views

સંસ્કારની શ્રીમંતાઈ – કુન્દનિકા કાપડિયા. સાત પગલા આકાશમાં કુન્દનિકા કાપડિયાની વખણાયેલી નવલકથા છે, તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતાં છે. ‘ પ્રેમનાં આંસુ ‘ , ‘ કાગળની હોડી ‘ વગેરે તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ધો.8 ગુજરાતી પાઠ સંસ્કારની શ્રીમંતાઇ.

સંસ્કારની શ્રીમંતાઈ

જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે ‘ રાજા ’ નામથી જ સંબોધાતા. લક્ષ્મીદેવીએ બેય હાથે તેમની આરતી ઉતારી હશે. સાઠ લાખ રૂપિયાને ખર્ચે દરિયાકિનારે બંધાવેલો. તેમનો આસમાની ‘ આનંદ મહેલ ‘ રાત્રે દીવાના ઝળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. તેમને ઘેર છ મોટરગાડીઓ હતી અને નોકરચાકરનો તો પાર નહિ.

જગમોહનદાસના કુટુંબના આઠ સભ્યો. તેમનાં પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળભાઈ, છવ્વીસ વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધૂ ઉત્પલા, તેમનાં બે બાળકો મિલન તથા મૃણાલ , સોળ વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે.

આટલા બધા વૈભવી સ્થાનમાં, જ્યાં દરેક જણ પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શાનો ઊભો થાય ? બધાં જ લોકો ખૂબ સુખી હતાં. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું.

પણ વિધાતાના ખેલમાંયે અજબ વળાંકો રહ્યા હોય છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. વેપારમાં એમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કરને પણ લાવે છે. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુક્સાનીની પરંપરા ચાલી આવી.

થોડાં વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા.
એ ન માની શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન, સ્થાન, બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘાડતાં ન ઉંઘાડતાંમાં વહી ગયું, નુક્સાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુધ્ધાં વેંચી નાખવો પડ્યો. મોટરગાડી ને ઘરની બીજી કીમતી વસ્તુઓ તો એ પહેલાં જ વેચી નાખેલી,

અતિશયોક્તિ વગર, ખરેખર સોનાના પારણામાં જેમનાં બાળકો ઝૂલ્યાં હતાં એ જગમોહનદાસ પચાસ રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા.

શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાઈનો અંચળો પહેરાવે છે ; પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે, પાઈપાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે ત્યારે એના સ્વભાવમાં સમતુલા ને ઔદાર્ય કેટલાં રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે.

જગમોહનદાસ શેઠ ‘નાના’ બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો. રસોઈનું કામ સ્ત્રીવર્ગ ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવરજવર વધી હતી.

જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી, પણ મારું એમને ત્યાં જવા – આવવાનું ઓછુ રહેતું ; પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. તે લોકોએ કામ કદી નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ એને નિભાવી લેતાં.

એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ, ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્માં ચડાવીને છાપું વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું : “ નમસ્કાર દાદા ! કેમ છો ? તબિયત તો સારી છે ને ? ”

છાપું ખસેડી, ચશ્માં ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા. “ઘણા દિવસે આવી, બેટા ! પ્રીતિ કહેતી હતી તું બહારગામ ગઈ છો, તબિયત તો સારી છે ને ? “

” હું તો વળી ક્યા દિવસે મજામાં નથી હોતી ? પણ તમે કેમ છો એ તો કહો “

દાદાએ એક હળવો નિઃશ્વાસ મૂકીને કહ્યું : “ મારે શું દુઃખ છે, દીકરી ? ત્યારેય બેઠો બેઠો ખાતો હતો , આજેય બેઠો બેઠો રોટલો ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઊઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. બપોરે છાપાં વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઊલટું સારું રહે છે “

“તો દાદા , તમે નિઃશ્વાસ કેમ મૂક્યો ? ”

“ એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો તે કશું ખરાબ નહોતું લાગતું. પણ આજે, જેણે કદી કશું કામ નહોતું કર્યું એવાં આ પાર્વતી, પ્રીતિ, ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયાં છે ત્યારે હું બુઢ્ઢો કશું કર્યા વગર ખાઉં છું તે મને ખૂંચે છે. પણ હું હવે શું કરી શકું ? મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે ? બસ , આ જ વાતનું દુ:ખ રહ્યાં કરે છે … ”

દાદા ફરી એમનું મીઠું પણ વિલાયેલું હાસ્ય હસ્યા.

“કાંઈ નહિ દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી ?” મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો ને અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો.

“ ઓહો દર્શનાબહેન, ઘણે દિવસે કાંઈ ? “

“ હાં, જરા બહારગામ ગઈ હતી. કેમ છે કામકાજ ? નવી નોકરીમાં આનંદ છે ને ? ”

“ આનંદ તો છે દર્શનાબહેન ! છેક અમેરિકા જઈને ભણી આવ્યો એ નકામું તો ન જ જાય ને ! પણ એક વાત છે … ” એના મોં પર વિષાદની રેખાઓ દોરાઈ – “ એક વાતનું મને ખૂબ દુઃખ થાય છે. આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી. એને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. તમે તો જાણો છો, એ ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતાં ક્યાંય વધારે. મને એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ. પણ હવે એ સ્થિતિ રહી નથી. મને થાય છે, હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી ગઈ, હવે સ્થિતિ બદલાઈ એમાં સહન તો એણે જ કરવાનું ને ? સહન તો સામાન્ય રીતે મોટાં કરે. એ મારાથી નાની તોપણ … ”

એનો અવાજ ભીનો થઈ ગયો. એના હૃદયમાં રહેલી આ પ્રેમસભરવાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઊભરાઈ આવી. હું બોલી “ કાંઈ નહી સુમોહનભાઈ, સંજોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન. તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને શાની ચિંતા ? “

રસોડામાં ભાભી ચોખા વીણતાં હતાં. મેં કહ્યું : “ સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક દુઃખ થાય છે ? ”

તપસ્વિની ઉમાના જેવું સુભગ સ્મિત કરી ઉત્પલાભાભી બોલ્યા : “ અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે બંગલો ને મોટરગાડી જ માણસને સુખ આપે છે ? અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજના એ નોકરી પરથી થાકીને આવે, અમે જમી લઈએ, પછી રાતે બે ઘડી વાતો કરતાં જે શીળો આનંદ મળે છે એ પેલાં પાર્ટી ને ક્લબ ને મિજલસોમાં ક્યારેય ન મળતો ; પણ એક રંજ તો મનમાં રહે છે. આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરોબર ફાવટ આવી નથી. કામ કરતાં પુષ્કળ વાર લાગે છે. થાય છે, પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત, અને આજે મને વખત મળત તો હું પણ થોડુંઘણું કમાઈ એમના બોજને હલકો કરી શકત ને ? બસ આટલો શોક મનમાં થયાં કરે છે. પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે ; પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ. ”

પાર્વતીબહેન માળા ફેરવીને હમણાં જ ઊભાં થયાં હતાં. મને જોતાં જ બોલ્યાં : “ આવ દર્શના, તું આવે છે, તો ગમે છે હું તો હવે એટલી એકલી પડી ગઈ છું ! પ્રીતિ કૉલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુધ્ધાં દેતી નથી. મિલન – મૃણાલને તૈપાર કરું તોપણ કહે ‘ ના , બા , અમે બધું કરીશું, તમે રહેવા દો – પછી આખો દિવસ કરવું શું ?”

એ હસી : “ કેવાં નસીબદાર સાસુ છો તમે ? આવી વહુ કાંઈ સહેલાઈથી નથી મળતી. ”

એ મારી નજીક આવી ધીમે સ્વરે બોલ્યાં : “ તે તું શું માને છે કે એ મારું નસીબ છે ? એ તો છે દાદાજીના પુણ્યનું બળ. મને ખબર છે ને , દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી, ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઊલટાની વધુ મોટી આશિષ આપી છે. પણ શોક એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કાંઈક ને કાંઈક કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ. ” મને થયું, કપડાં સીવતાં શીખું તો સંચો ઘેર વસાવી શકાય. પણ ડૉક્ટરે કહ્યું હતું : “આંખે ઝાંખપ આવે છે એટલે આંખનું કોઈ કામ હમણાં કરજો મા. દવા થઈ જાય પછી ચશ્માં લેવાં પડશે. ખરે ટાંકણે વિઘ્ન ઊભું થયું ને ? બસ આટલું ના હોત તો કશીયે ખોટ નહોતી. ”

બહાર જઈ, પ્રીતિનો હાથ પકડી હું બોલી : “ પ્રીતિ , તું તો ખૂબ ભાગ્યવાન છે. જે ઘરનાં લોકોમાં આટલી કર્તવ્યભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય, એમના પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈર્ષ્યા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે.”

મારી સામે આનંદથી જોઈ પ્રીતિ બોલી : “કર્તવ્યભાવના ? હું તો એને શ્રીમંતાઈ કહું છું. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો એ સહુના દિલમાં વસી છે, સંસ્કારની શ્રીમંતાઈ. એમ ન હોત તો આર્થિક દૃષ્ટિએ આટલા મોટા પતન પછી અમે શી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યાં હોત, કહે તો ? ’’

હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો : “ ઘણા મોટા ધનની સ્વામિની બની છો , પ્રીતિ ! ’’

– કુન્દનિકા કાપડિયા ( ‘ દ્વાર અને દીવાલ’માંથી )

પ્રેમનાં આંસુ - કુન્દનિકા કાપડિયા
પ્રેમનાં આંસુ – કુન્દનિકા કાપડિયા

કુન્દનિકા કાપડિયાનો પરિચય

કુન્દનિકા કાપડિયાનો જન્મ : ઈ.સ. 1927 માં લીંબડી મુકામે થયો હતો. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતાં છે. ‘ પ્રેમનાં આંસુ ‘ , ‘ કાગળની હોડી ‘ વગેરે તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘ સાત પગલાં આકાશમાં ‘ એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે. પરમ સમીપે ’ વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થનાસંગ્રહ છે. એમણે સાહિત્યની સાથે સાથે સમાજસેવા અંગીકાર કરી છે. 30 એપ્રિલ 2020 ના રોજ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં તેમનુ અવસાન થયુ છે.

આ પણ વાંચો

લોહીની સગાઈ – ઇશ્વર પેટલીકર – Lohi ni sagai

કાશીમા ની કૂતરી – પન્નાલાલ પટેલ – Kashima ni kutari

1 thought on “સંસ્કારની શ્રીમંતાઈ – કુન્દનિકા કાપડિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *